સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોજિંદા કામો કરે છે કે નથી કરતી તે તો અધિકારીઓ જાણે, પણ તે એક કામ વર્ષોથી કરે છે અને તે વર્ષોવર્ષ ત્રિઅંકી નાટકોની સ્પર્ધાનું ! આ આયોજન દુનિયાની કોઈ કોર્પોરેશન કરતી નથી ને એને માટે સુરતીઓએ કોર્પોરેશનની ને પોતાની પીઠ થાબડવી જોઈએ. આ વખતની સ્પર્ધા 50મી છે. આ 50 વર્ષોમાં અનેક સંસ્થાઓએ નાટકો ભજવ્યાં છે ને નિર્ણાયકોની કસોટીએ ચડીને ઇનામો મેળવ્યાં છે કે હાર પણ સ્વીકારી છે. એ સૌને ઢગલો અભિનંદનો ને શુભેચ્છાઓ. આ 50 વર્ષોમાં એવરેજ 20 સ્ક્રિપ્ટ પૂર્ણ કદનાં નાટકોની મૂકીએ તો અંદાજે હજારેક સ્ક્રિપ્ટ્સ કોરપોર્શન પાસે આવી હશે. એ જો પસ્તીમાં ન ગઈ હોય તો તેનો એક વિભાગ કોર્પોરેશન, નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં કરી શકે ને સ્ક્રિપ્ટની નકલ જરૂરિયાતવાળાને નજીવી કિંમતે આપી શકે. આ સૂચન અગાઉ પણ કર્યું હતું. તેનાં પર ફરીથી વિચાર કરી શકાય, કારણ અત્યારે જે નાટકો આવી રહ્યાં છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે.
કેટલાક નવા નાટ્યકારો, નવું નવું આવી રહ્યું છે તે સ્વીકારવાની ભલામણો કરતાં હોય છે. તે સ્વીકારવાનો વાંધો ન જ હોય, પણ નવાંને નામે નાટક છે કે થઈ રહ્યું છે તેનો બચાવ, તે જોવાનું રહે. હવે નાટકની સમજ વગર પણ નાટકો લખી કે ભજવી કે પસંદ શકાય છે. એવે વખતે અગાઉ ભજવાયેલી ઉત્તમ સ્ક્રિપ્ટ્સના નમૂના હાથવગા હોય તો તે કામ લાગે. કમ સે કમ તે માટે પણ કોર્પોરેશને સ્ક્રિપ્ટ બેન્કની વ્યવસ્થા વિચારવી જોઈએ.
આમ તો નાટ્ય સ્પર્ધાનું 50મું વર્ષ રંગેચંગે ઉજવાવું જોઈતું હતું તેને બદલે રાબેતા મુજબની નાટ્ય સ્પર્ધા યોજીને કોર્પોરેશને અને કલાકારોએ સંતોષ માની લીધો છે. આ વખતે એટલું થયું કે કોર્પોરેશનના અધિકારીઓએ વીડિયો ઉતારી પ્રેક્ષકો સમક્ષ ગુણગાન ગાતાં ઉમેર્યું કે સુરત હવે સિલ્ક સિટી, ડાયમંડ સિટીની જેમ જ નાટ્ય નગર તરીકે પણ ઓળખાશે. આવું જાણીએ તો હસવું આવે. સુરત, નર્મદના સમયથી નિબંધ, નાટક, નવલકથા, હાસ્ય, વિવેચન વગેરેમાં પ્રારંભક રહ્યું હતું, તે હવે સાહિત્ય, કલામાં નામશેષ થવા પર છે. તેની ઓળખ ફરી ઊભી કરવા કોર્પોરેશન, કલાકારો, લેખકો, કવિઓ જીવંત થાય તે અનિવાર્ય છે. નાટકની સ્પર્ધા અંગે પણ વધુ શું થઈ શકે તે વ્યક્તિગત અને સામૂહિક રીતે વિચારાવું જોઈએ. કોર્પોરેશન ઉપરાંત યુનિવર્સિટીઓ, નાટ્ય સંસ્થાઓ દ્વારા, ઉત્તમ નાટકોનાં લેખન અને ભજવણી અંગેના પરિસંવાદો ને શિબિરો થઈ શકે. આવું થશે તો નાટ્ય લેખન અને ભજવણીની નવી દિશાઓ ખૂલશે.
અગાઉ બધું સારું હતું ને હવે બધું ખરાબ છે એવું નથી. અગાઉ પણ મર્યાદાઓ હતી ને આજે પણ છે. એ સાથે જ અગાઉની જેમ જ આજે પણ ઉત્તમ પ્રયોગો થાય જ છે. એક બચાવ એવો પણ છે કે નવા વિષયો, નવી ટેકનિકો, સંગીત, સ્ટેજ ડિઝાઇન્સને લીધે નાટક ડ્રોઈંગરૂમમાંથી બહાર આવ્યું છે. સાચું, પણ નાટકને ડ્રોઈંગ રૂમમાંથી બહાર કાઢવા જતાં નાટક તો બહાર નથી થઈ ગયુંને, તે જોવાનું રહે. એ ખરું કે ખાડાના નાટકોથી આપણે બહાર આવ્યા, પણ ‘ખાડા’થી ‘અખાડા’માં તો નથી આવ્યાને તે જોવાનું કે કેમ?
થોડા વખત પર મુંબઈનું એક નાટક જોયું. ધારાવીનો એક પ્રખર બૌદ્ધિક અને ડ્રગ એડિક્ટ યુવાન સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લઈને વિદેશ જાય એમાં ઘણાંને રસ છે. બધાં માટે તે એક સીડી છે. અંતે એવું ખૂલે છે કે તે બધાંનો ઉપયોગ કરીને વિદેશ ભાગી જાય છે. નાટકમાં પ્રેક્ષકોને આકર્ષવા લાઇટ્સ, મ્યુઝિક, રિવૉલ્વિંગ સ્ટેજ વગેરેનો ભરપૂર ઉપયોગ થયો, પણ કેટલાંક દૃશ્યોને બાદ કરતાં નાટક જામ્યું નહીં. સ્ટેજ પર ડોક્ટરનું ક્લિનિક, કોલેજનું સભાગૃહ, ઝૂંપડપટ્ટી વગેરે પણ સ્ટેજ પર બતાવાયું, પણ નાટક મજબૂત હોય તો ગમે તેવું અદ્દભુત સ્ટેજ થોડી મિનિટોમાં જ ભુલાઈ જતું હોય છે. સ્ક્રિપ્ટ મજબૂત ન હોય તો પ્રેક્ષકો કેવો સેટ છે, કેવી લાઇટ છે, કેવું મ્યુઝિક છે … વગેરે અલગ તારવીને જુએ છે. મુંબઈના એ નાટકમાં પ્રેક્ષકોને આંજી નાખવા થઈ શકે તે બધું જ દિગ્દર્શકે કર્યું હતું, તો ય ન જામ્યું. નીવડેલા કલાકારો હતા, પણ મૂળે તો નાટક જ ખૂટતું હતું. આવું હોય તો ગિમિક્સથી કેટલુંક ખેંચાય તે પ્રશ્ન જ છે. વાર્તા જ તાલમેલિયા હતી. યુવક અને તેની કથા ધારાવીની હોય તે તો સમજાય, પણ ડૉક્ટર પણ એ જ ધારાવીમાં મોટો થયો હોય ને એ પણ યુવકની જેમ જ ડ્રગ એડિક્ટ હોય એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. નાટક સોંસરું જવું જોઈએ, તેને બદલે સ્ટેજની વિવિધતામાં, બિનજરૂરી વળાંકોમાં, પાત્રોની ભરમારમાં અટવાતું રહ્યું. ગમ્મત તો એ થઈ કે મોટી સ્ટાર કાસ્ટ હોવા છતાં થોડા કલાકારે એકથી વધુ રોલ પણ કર્યા.
આ બધું સુરતમાં પણ આયાત થયું છે. કશુંક નવું તો ગમે જ, પણ તે કારણ વગરની નકલ જ હોય તો તે ન હોય તો ચાલે. અક્કલ હશે તો સારો કલાકાર સીધી નકલ તો નહીં જ કરે. હવે થિયેટરનો કન્સેપ્ટ બદલાયો છે, હવે વિઝ્યુઅલ્સની બોલબાલા છે જેવું કહેવાતું – કહોવાતું રહે છે. સ્ટેજ ડિઝાઇન કે મ્યુઝિક પાછળ ખાસી મહેનત લેવાતી હોય છે. લાઇટિંગ જ નાટક હોય તેમ રંગીન શેરડાઓ પાત્રોને ઢાંકવા સ્ટેજ રંગતા રહે છે, પણ નાટકની સ્ક્રિપ્ટ પાછળ લેવાવી જોઈતી મહેનત લેવાતી નથી. અભિનય નાટકનો પ્રાણ છે. એમાં મહેનત કરવાને બદલે ગીતની કોરિયોગ્રાફી પર વધુ ધ્યાન અપાય તો નાટકને વેઠવાનું આવે. ખરેખર તો ગીતો, તેનું સંગીત, તેની કોરિયોગ્રાફી કેટલી જરૂરી છે તે અંગે વિચારવાનું રહે. ગીતો નાટકનો ભાગ હોઈ શકે, પણ તે નાટક પર હાવી થઈ જાય તો કઠે. નાટકની સ્ક્રિપ્ટ નબળી હોય ને અભિનય, દિગ્દર્શન, લાઇટ્સ, સાઉન્ડ, ટેકનિક અસરકારક હોય તો પણ નાટક બચતું કે બનતું નથી.
કોઈ નીવડેલાં મહાન ચરિત્ર પરનું નાટક હોય ને તેનું જીવન સ્ટેજ પર ઊઘડે જ નહીં તો એ ચરિત્રને વટાવવા જેવું ને પ્રેક્ષકોને છેતરવા જેવું થાય. નાટકમાં મહાન ચરિત્રને બદલે કોઈ યુવાનની ગીતસંગીત મઢી લવસ્ટોરી જ દેખાયા કરે તો બાવાના બે ય બગડે. ન એમાં પૂરું ચરિત્ર ઊઘડે કે ન પૂરી લવસ્ટોરી ખીલે. નાટકનું ચરિત્ર સેંકડો વર્ષ પહેલાંનાં જંગલનું રહેવાસી હોય ને સ્ટેજ પર મહેનત કરીને જંગલ પ્રગટ કર્યું હોય, તેનો શો અર્થ રહે, જો તેનાં ગીત-સંગીત ને કોરિયોગ્રાફી આજનાં હોય? એ સમયનો અનુભવ જ ન થાય તો જંગલને બદલે નાટક ડ્રોઈંગ રૂમમાં ભજવાતું બતાવાય તો પણ શો ફેર પડે? આજકાલ ધુમાડા છોડવાની ફેશન ચાલે છે. મચ્છર ભગાડવા કોર્પોરેશનની ગાડી જાણે સ્ટેજ પર આવી ગઈ હોય તેમ થોડી થોડી વારે ધુમાડાઓ ઊઠતા રહે છે. એ તો અંધારું કરે જ છે, વધારામાં બે સીન વચ્ચે પણ અંધકાર છવાતો રહે છે. ઘણીવાર તો સીનથી વધુ, બે સીન વચ્ચેનો અંધકાર ચાલતો હોય છે.
રિવૉલ્વિંગ સ્ટેજનાં નાટકોનો ફાલ, વચ્ચે, મુંબઈથી આવ્યો ને બધાં અંજાયાં પણ ખરાં. પણ એ મોંઘું પડ્યું ને અનેક લોકાલ્સને કારણે નાટ્યાત્મક અસરો ઘટી ને ફિલ્મી અસરો વધી. પ્રેક્ષક એ સમજ સાથે આવે છે કે તેણે નાટક જોવાનું છે, તેને બદલે તે ફિલ્મ જોતો હોય એવું અનુભવે તો એ ફિલ્મ જોવા જશે, નાટક જોવા નહીં આવે. ટેકનિક કે ઇફેક્ટ્સ નાટકનો ભોગ લે તે ન ચાલે. આ ઇફેક્ટ્સ આજે જ આવી એવું નથી. વર્ષો પહેલાં નાટ્ય રસિકોએ સુરતનાં સ્ટેજ પર ટ્રેનને પસાર થતી અનુભવી છે, રેલનાં પાણી સ્ટેજ પર જોયાં છે, એરોડ્રામ પર ઊડતાં પ્લેન અનુભવ્યાં છે, એટલે જે નવું કહેવાય છે તે જેણે નથી જોયું તેને હોઈ શકે, બાકી, આ તો ફેશન જેવું છે. કાલની આજે ને આજની કાલે ચાલે.
એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સ્ટેજ નાટક માટે હોય ને નાટકને બદલે ફિલ્મી દૃશ્યો જ જોવાનાં હોય તો તે બરાબર નથી. ફિલ્મી ગીત-સંગીતમાં કૈં પણ નાખો તો ચાલી જતું હશે, પણ શાસ્ત્રીય સંગીતમાં સાધન શુદ્ધિનો આગ્રહ તો હોવાનો જ ! ભલે તે માણનારા ઓછા હોય, પણ તેને સાત્ત્વિક અનુભવથી ઓછું કૈં ખપતું નથી. શાસ્ત્રીય ગાયક કે વાદક ફિલ્મી ગીતો ગાવા માંડે તો ચાલે? જો એ ન ચાલે તો નાટ્યપ્રેમીને નાટકને બદલે ઈતર પ્રવૃત્તિથી રીઝવવાનો અર્થ ખરો? એ ખરું કે નાટક શરૂ થાય ને પૂરું થાય એની વચ્ચે બધું જ ખોટું બતાવાય છે. સ્ટેજ પર કોઈ ઝેર પીને મરી જાય તો તે ખરેખર મરી જાય છે? એમ મરવાનું હોય તો કોઈ નાટક કરવા આવે કે? પણ અભિનયથી કલાકાર એવું બતાવે છે કે પ્રેક્ષકોની આંખો ભીની થાય. પ્રેક્ષકને પણ ખબર છે કે એકટર મરવાનો અભિનય કરે છે ને એક્ટર પણ જાણે છે કે મરવાનું નથી, પણ એમ વર્તવાનું છે કે પ્રેક્ષક એને સાચું માને. નાટકને એટલે જ તો ‘મેઇક બિલીવ’ની કળા કહી છે. નાટકની બીજી ખૂબી એ છે કે એમાં રિટેક નથી. ફિલ્મનાં શૂટિંગ વખતે એકટર ફરી એક્ટિંગ કરીને ભૂલ સુધારી શકે. નાટક એકવાર તે શરૂ થાય પછી વચ્ચે અટકાવીને કોઈ એકટર એમ ન કહી શકે કે થોભો, આ સીન બરાબર નથી થયો તો ફરી ભજવું. નાટકમાં એ તક નથી. એ રીતે નાટક, ફિલ્મથી જુદું પડે છે. નાટક લાઈવ આર્ટ છે.
છેલ્લે, આ શહેરના નીવડેલાં નાટ્યકારોને વિનંતી કે તેઓ ફરી નાટક ભજવતાં થાય. દરજી જીવે ત્યાં સુધી સીવે, એમ નાટક જીવાય ત્યાં સુધી ભજવાય ! નાટ્ય સ્પર્ધામાં થોડાં વર્ષ ભાગ લીધા પછી આળસ ચડે છે કે અહંકાર, ખબર નથી, પણ સિનિયર્સ નાટકો ભજવતાં બંધ થયા છે તે ઠીક નથી. આવું થવાને લીધે નવા કલાકારો પાસે સારાં ઉદાહરણો નથી પહોંચતાં. નાટકમાં સ્પર્ધા જેટલી તીવ્ર અને ખેલદિલ, એટલું જ નાટક લાભમાં રહે.
આમ તો સુરતનાં અને નાટકનાં હિતમાં કેટલીક સ્પષ્ટ વાત કરી છે, આશા છે, તેને સુરત એ જ રીતે લેશે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 સપ્ટેમ્બર 2024