
પ્રકાશ ન. શાહ
સ્વાભાવિક જ આ ક્ષણોમાં દેશજનતાની ચેતનાનું કેન્દ્ર જંતરમંતર છે. 2024ના જૂનમાં એક આખા દસકાના લગભગ સોપા પછી, નવા કથાનકની કિંચિત શરૂઆત થઇ,અને લોકસભામાં વિધિવત વિપક્ષનું હોવું શક્ય બન્યું, એ ચોક્કસ જ એક મોટી વાત હતી. નવઉઘાડના એ સંકેતો અને સંજોગો વચમાં કેમ જાણે વિસરું વિસરું વર્તાતા હતા અને વખતોવખત મૂર્છિતવત લાગતો દેશ સહસા આળસ મરડી અંગડાઇ લેવા લાગ્યો : શાસકપક્ષ જે ગાળામાં સત્તા વિ જનતાના જંગની પચાસીને કાઁગ્રેસ વિ. ભા.જ.પ.ના જંગ તરીકે ટૂંક નજરી રાજકારણમાં તેમ જ સંકુચિત સત્તારમતમાં ફેરવવા લાલાયિત હતો, એ તાકડે જ કોક્રોચી વાયરો જાણે વાસંતી વધામણાં પેઠે વાયો. સત્તાપક્ષ બિલકુલ ઊંઘતો એટલો જ બેતમા-બેપરવા ઝડપાયો. દરમ્યાન, જે જમાવડો જામ્યો અને જગન મંડાયો, યુવજન પહેલે, એ આમ નાગરિક માટે આરંભે સહેજસાજ આશ્વસ્તકારી અને પછી આશ્ચર્યકારી હદે અસ્તિત્વના અહેસાસ રૂપ હશે. પણ હુક્મરાનો માટે એ માત્ર ઊંઘતાં ઝલાયાનો જ પણ સાક્ષાત્કારક એટલો જ આઘાતજનક પ્રજાપરચો બની રહ્યો : પેલું જે નવ્ય વૈકલ્પિક કથાનક, તે હવે ઓર ઊઘડવા લાગ્યું છે અને એમને ઝંઝેડી તો જનતાને ઝકઝોરી રહ્યું છે.
એ સવારે મળતાં મળે એવા લોકવિજ્ઞાની સોનમને ધોળી લપેટમાં લઇ ગાયબ કીધા ને માન્યું કે એઈ ઢાંકોઢુંબો ને વાત થઇ પૂરી! ભલા’દમી, ત્યાંથી સ્તો વાત, મૂઈ, શરૂ થવાની હતી. ટપોટપ શતસહસ્ર લોક ગાંઠને ખર્ચે ક્યાંથી ફૂટી નીકળ્યું, દઈ જાણે ! જનસૈલાબ, સાહેબો, જનસૈલાબ. સાડી સત્તર વાર જનસૈલાબ. આનો અર્થ પોલીસે શૂરી સરકારને સમજાય છે? ભયનો જે ઓથાર, એને લોકે આ ક્ષણોમાં જાણે ફગાવી દીધો અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય બંધારણની પોથીમાંથી, સરકારી બંદોબસ્તની કોઠીમાંથી અને સેમિનાર ખંડોની બંધબારણી સૃષ્ટિમાંથી બહાર નીકળી ખુલ્લાણમાં, મુક્ત હવામાં વિલસતું વિહરતુ હતું. પોલીસ હતી અને વર્દીમાં નહીં એવી લાઠી મંડળી પણ તૈનાત હતી. ડંડા વીંઝાતા હતા અને પ્રહારે પ્રહારે આઝાદી નિંગળતી હતી.
માત્ર સોનમ જ નહીં, નેહા બોરા અને બીજાં પણ વીસ વીસ દિવસથી અનશન પર હતાં પણ રાજના મંત્રીને એમની ભાળસંભાળ વાસ્તે પોતાની કોઈ જવાબદારી ન જણાઈ, અને સુખદુઃખના મુદ્દા જાણવાની દરકાર સરખી તો ક્યાંથી હોય. મહેરામણની ધોંસે જ્યારે યુવા નેતૃત્વને સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ નોતર્યું ત્યારે એમનો અનુભવ કલાકો લગી હાઉસ એરેસ્ટ શો હતો અને માંગણીના જવાબોમાં લગભગ નિરુત્તર હોવાનો. સરકારને ઢંઢોળવા નેતા પ્રતિપક્ષે વડા પ્રધાનના નિવાસ સ્થાને ધરણાનો અરૂઢ પ્રયોગ કીધો. (અખિલેશે કહ્યું કે ગૃહમાં વડા પ્રધાન હાથમાં ન આવે એ સંજોગોમાં આ અમારી મજબૂરી હતી.)
હવે બે શબ્દ ઊઘડતા કથાનક વિશે, સૈલાબનાં સૂત્રો નોંધ્યા તમે? મુખ્યત્વે ચાર માલુમ પડે છે : વંદે માતરમ્, ભારતમાતાકી જય, ઈન્કિલાબ ઝિંદાબાદ, જય ભીમ. સ્વાતંત્ર્ય સંગ્રામની પરંપરામાંથી આવેલાં સૂત્રોમાં હમણેનાં વરસોમાં ‘જય ભીમ’ એ મૂલ્યવાન ઉમેરો છે. એનો સંદર્ભ કેવળ વર્ણાનુક્રમના વિરોધનો જ નહીં પણ સંવિધાનનો છે. મંચ પર ગાંધી અને આંબેડકર બેઉની તસવીરો બીજે છેડેથી આ મુદ્દો સરસ ઉઘાડી આપે છે.
આ બધો ગોફ મેં કર્યો, પણ તમે કહી તો શકો કે આમાં જે તત્કાળ નિમિત્ત છે તે ક્યાં. તમારી વાત સાચી, ભાઈ, પણ નીટથી માંડી જવાબદેહી નક્કી કરવાની વાત તેમ જ એકંદર શિક્ષણ પ્રથા બાબતે જરૂરી ઘણું બધું છે. પરંતુ આ સરકારે એકબાજુ મોંઘા દાટ શૈક્ષણિક તોસ્તાનો અને વિદ્વત્તાની અવેજીમાં સંઘમાન્યતાનું જે ઘોર અશૈક્ષણિક રાજકારણ ચલાવ્યું છે એનું શું, ગુરુકુળની વાતો અને નહીં પરવડતાં શિક્ષાસંસ્થાનો. દિવસરાત નવી શિક્ષણ નીતિની દેદાકૂટ અને ટપોટપ બંધ થતી સરકારી શાળાઓ. છે કોઈ જવાબ? ખુદાકી કસમ, તુમ લાજવાબ હો.
આ બધી ચર્ચા તો ખેર ચાલતી રહેશે. પણ છાત્ર યુવા ઉદ્યુક્તિકરણ સામે પક્ષોએ, શું સત્તાપક્ષે કે શું વિપક્ષે, જનતાની અદાલતમાં પોતાનો હિસાબ આપવો રહે છે. સત્તાપક્ષે ઉત્તરદાયિત્વથી અને વિપક્ષે દાયિત્વથી. કેમ કે પંજાબ વિધાન સભાની ચૂંટણી નજીકમાં છે એટલે કાઁગ્રેસ અને આપ એકમેકને અંગે આ આંદોલનમાં શેહ ને માતની રમત રમવાના હોય તો તે એમની ઘોર બેજવાબદારી લેખાશે. ભાઈ, રાજકારણ આખરે તો શક્યતાઓની કળા છે અને એમાં પક્ષોની ટૂંકનજરી રમત જો યુવાશક્તિના નવ ઉઘાડને રોળીરગદોળી નાખશે કે પૂર્વે દીપકે રાહુલ સંબંધે બાલિશ ઉદ્દગારો કાઢેલા એવો રવૈયો રહેશે તો તે વાસંતી વાયરાને અભડાવશે.
22 જુલાઈ 2026
prakash.nireekshak@gmail.com
![]()

