જાણે કે શબ્દ ને સૂર થીજી ગયા હોય, તેવો માહોલ અહીં વર્તાય છે. ગુજરાતી આલમે ચોમેર સોપો પડી ગયો છે. શનિવાર, 28 જુલાઈ 2018ના રાતે નવેકને સુમારે ચંદુભાઈ મટાણીએ લેસ્ટર નગરે વિદાય લીધી, તેની જોડાજોડ વિલાયતની ભૂમિ પર વાદળ છવાઈ ગયાં હોય તેવો અનુભવ છે. ગઈ સાલ, કુમુદબહેન મોટા ગામતરે સિધાવ્યાં હતાં, અને હવે ચંદુભાઈ એમનો સધિયારો મેળવવા જાતરાએ નીકળી ગયા. હવે તો સ્મરણની કેડીએ … …
ખેર !
ચંદુભાઈ જોડેના સખાભાવને જોત જોતામાં અાશરે ચારેક દાયકાઅો થવામાં છે. ’ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બીજી ભાષા-સાહિત્ય પરિષદની, લેસ્ટર ખાતે, વ્યવસ્થાના તે દિવસો હતા. ઝામ્બિયાથી અા મુલકે તેવાકમાં જ સ્થાયી થવા અાવેલા ચંદુભાઈ મટાણી તેમ જ લેસ્ટરના જાણીતા શહેરી માધુભાઈ સોનીના વડપણમાં, સ્થાનિક સ્તરે, સ્વાગત સમિતિની રચના કરવામાં અાવી હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડના લગભગ ચોખંભે ત્યારે ચંદુભાઈની દુકાન હતી, તેવું સાંભરણ છે. તેમની દુકાને, તેમના ઘરે પણ, અા અંગેની નિયિમત બેઠકો થતી અને તે દરેકમાં ભાગ લેવા લંડનથી અાવરોજાવરો રહેતો. તેવા તેવા દિવસોથી જ જાણે કે એમનું વ્યક્તિત્વ સતત અાકર્ષતું રહ્યું; અને સમયની કેડીએ તે સંબંધ વિસ્તરીને અંગત મૈત્રીમાં ય ફેરવાઈ ગયો. ‘પૂર્વાલાપ’ના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, સખા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને ઉદ્દેશીને, ગાય છે તેમ, ચંદુભાઈને ય ઉદ્દેશવાનું, અાથીસ્તો, મન છે :
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !
….. અને અાટઅાટલાં વરસોની અા સહિયારી યાત્રાના દરેક પડાવે જોતો રહ્યો છું : સંગીત પ્રત્યેની એમની લગની; સાહિત્ય માટેની રસિક અભિરુચિ; પારાવાર વાંચન; જાહેર જીવન માટેના કેટલાક અાદર્શો; સંસ્થાસંચાલનની મથામણ; પ્રકૃતિએ વિવેક બૃહસ્પતિ; મધમીઠી પરોણાગત; મૈત્રીમાં સતત કૃષ્ણનો ભાવ; − અને અામ, અાવી અાવી અા યાદી પણ ક્ષિતિજે વિસ્તરી શકે છે.
ચંદુભાઈએ વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સાથેનો સંપર્ક જેમ જીવંત રાખ્યો હતો, તેમ, અા પાસ, ગીતસંગીતના પ્રસારણ માટે દાયકાઅોથી અગ્રગામી સંસ્થા તરીકે જેની નામના બંધાઈ છે તે તેમની ‘શ્રુિત અાર્ટ્સ’ સાથેની ઘનિષ્ટતા મેં સ્વાભાવિક કેળવી જાણી છે. વળી, અારંભથી એમણે “અોપિનિયન” સંગાથે ફક્ત તંતુ જોડી જ નહોતો રાખ્યો, અનેકોના તાર પણ સાંધી અાપ્યા હતા. અાજ સુધીનો અનુભવ કહે છે કે તે સરેરાશ એક ઉમદા વાચક નીવડ્યા છે.
અામ જોઈએ તો ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણી માંડવી(કચ્છ)નું સંતાન. અને માંડવીને ય પોતીકો પોરસાવતો ઇતિહાસ છે. રુકમાવતી નદીને કાંઠે, દરિયા િકનારે, વિસ્તરેલા અા માંડવી નગરને અાશરે ચારસો સાલનો ધબકતો ઇતિહાસ વીંટળાયો પડ્યો છે. વળી, લગભગ ૧૮મી સદીથી અહીંનું બંદર દેશાવરી વહાણવટા ક્ષેત્રે ધબકતું અાવ્યું છે. હિંદી મહાસાગરને અારેઅોવારે પલોંઠ લગાવી જામેલા, દૂરસુદૂરના અનેક દેશો સાથે, તેને અાથી નિજી સંબંધ બંધાયો હતો. અાવા કોઈક તબક્કે, અાપણા ચંદુભાઈ મટાણીએ અાફ્રિકાની વાટ લીધી. કહે છે કે પહેલાં તે મોઝામ્બિક ગયા. તે દિવસોમાં ત્યાં તેમના મોટાભાઈ હતા. તેમની પાસે બેરા બંદરી નગરમાં ચંદુભાઈએ બે’ક મહિનાઅો અાનંદમોજમાં વિતાવ્યા હશે. અને પછી, તત્કાલીન ન્યાસલૅન્ડના પાટનગર બ્લાન્ટાયરમાં, નસીબને પલોટવા રહ્યા. મલાવી તરીકે અોળખાતા અા મુલકમાં, ચંદુભાઈએ બે’ક વરસ નોકરી કરી હશે. અને પછી, તેમની યુવાનીનો ઘોડો થનગનવા માંડયો; અને તેમણે, કોઈક ભાતીગળ પળે, ઘોડાને પલાણી, ત્યારના ઉત્તર રહોડેશિયાની (હાલના ઝામ્બિયાની) વાટ પકડી. અા સાહસ હતું અને તેમાં એ કામયાબ રહ્યા.
ત્યાં ચંદુભાઈની ક્ષિતિજ ધીમે ધીમે વિસ્તરતી ચાલી. મુફલીરા ગામે જમાવટ કરી. વેપારવણજનો જેમ પથારો જામ્યો તેમ તેમની ખુદની પાકટતા ય નીખરતી ચાલી. પોતાના અંતરમનમાં પડેલા સંસ્કારને કારણે, ફોટો કસબ પણ ખીલવ્યો. ગળું અને કંઠ પણ સોજ્જા. સંગીતમાં ઊંડો રસ. ખૂબ સાંભળે. સમજે. હિન્દી ફિલ્મજગતના ગાયક મૂકેશના ભારે ચાહક. પરિણામે, ચંદુભાઈ મજલિસ જમાવે અને મૂકેશે ગાયેલાં એકમેકથી ચડિયાતાં ગીતોની હૂબહૂ જમાવટ કરે. બીજી પા, સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીની આવનજાવન અને એમનો ઊંડો પાસ લાગ્યો; તેમ આપણા શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રવાસનો ય રંગ લાગ્યો. આ બધું સ્વાભાવિકપણે એમના પાયામાં ધરબાયું છે. સુગમ સંગીતને ક્ષેત્રે, જેમનાં એકમેકથી ચડિયાતાં કામોના ચોમેર આજે સિક્કા પડે છે, તેવા આ ચંદુભાઈ મટાણીની ભેરુબંધી, ગોવિંદભાઈ પટેલ સંગાથે સન ૧૯૫૫થી બંધાઈ. એક પેટી વગાડે, બીજા તબલાં પર સંગત કરે અને છતાં, પાછા, બંને ગાય – ગીતો, રાસ, ભજનો, અને ઘણુંબધું. સંગીત સંગે, ઝામ્બિયામાં અને વિલાયતમાં, આ બેલડાએ એક વાતાવરણ ઊભું કર્યું, સમાજ ઊભો કર્યો. બીજી પાસ, વિલાયતમાં લેસ્ટરથી, ‘શ્રુતિ આર્ટ્સ’ની રચના વાટે ચંદુભાઈ મટાણીએ તો કમાલ કરી જાણી છે.
િવલાયતમાંના અા ચારેક દાયકાઅો દરમિયાન, ‘શ્રુિત અાર્ટ્સ’ સંસ્થાનો વિકાસ, ચંદુભાઈની રાહબારીમાં, કૂદકે અને ભૂસકે જામ્યો છે. દર વર્ષ થતી રહેલી તેની વિવિધ પ્રવૃત્તિઅો દ્વારા જ અા વ્યાપ સહજ દેખાઈ અાવે છે. વળી, ‘સોના રૂપા’ વાટે, ગીત-સંગીતની ક્ષિતિજ હવે ખંડખંડે વિસ્તરી છે. ‘સોના રૂપા’ હેઠળ વિધવિધ પ્રકારનાં સંગીતની અૉડિયો કસેટ, ડિ.વી.ડી. તેમ જ સી.ડી.નું િનર્માણ થયું છે. અા અાખી યાદી નજરે પડે ત્યારે જ તેની સભરતા સમજાય. જોનારને અા કામમાં સમજણ અને દૂરંદેશી અારોપાયેલી જોવા સાંપડે. અા સમૂળા પ્રકલ્પમાં, હવે, પુત્ર હેમન્ત મટાણીની અાગેવાની ભળી છે. તેમણે પૂરી નિષ્ઠા સાથે સંગીતનું સરસ અને સફળ પ્રસારણ તથા વિસ્તરણ કર્યું છે. અા અાખી ઝુંબેશે, ચંદુભાઈની લાંબા ગાળાની કામગીરીને બડું ગૌરવ બક્ષ્યું છે. મુંબઈના ‘ટાઈમ્સ’ જૂથે, મહાનગરી મુંબઈમાં તથા ભારતમાં ય ‘સોના રૂપા’ વાટે તૈયાર કરેલી અાવી અાવી સંગીત સામગ્રીઅો મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે. તે ખુદ એક મોટી હરણફાળ છે. વળી, સુરેશ દલાલ, અાિસત દેસાઈ, હેમાંગિની દેસાઈ શાં મિત્રોની ય હૂંફ તેમને નિરંતર રહી છે.
આટઆટલાં વરસોનું એમનું આ તપ, હવે, ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું એક સોનેરી પૃષ્ઠ બની બેઠું છે. ચંદુભાઈ મટાણીનું અાદિમ સ્વરૂપ ખીલતું રહ્યું હોવાનું અનુભવાતું જોયુંજાણ્યું છે. દીકરો હેમન્ત તબલાં પરે સરસ સંગતિ અાપે. દીકરી સાધનાનો કંઠ યુગલગીતોમાં સામેલ રહે. પુત્ર હેમન્તભાઈની બંને દીકરીઅો – શેફાલી તથા નેહાલીને પલોટવામાં ચંદુભાઈએ કમાલ કરી. કેટલી ય મજલિસોમાં, અા બંને પૌત્રીઅોને દાદાજીને ગાયકીમાં સક્રિય સંગતિ અાપતાં ભાળી છે. પોતાનાં ત્રીજા સંતાન, સાધનાબહેનના ચિરંજીવ રોહનને પણ ચંદુભાઈએ ગીતસંગીતની મજલિસમાં ક્યારેક સામેલ કરવાનું રાખ્યું. અાવી ઘટનામાં કોઈને પોત્રીઅો – દોહિત્ર માટેનો મમત કદાચ લાગે; પણ ના, એ એમ નથી. હકીકતે, ગુજરાતી સંગીતની જીવાદોરી, એમણે એમના પછીની, પહેલી શું, બીજી પેઢી સુધી, ખેંચી આપી. આ સ્પષ્ટપણે વર્તાય છે. આ મટાણી ઘરાણાની બરકત છે.
પત્ની કુમુદબહેને, પુત્ર હેમન્ત અને પુત્રવધૂ પ્રીતિએ, પુત્રીઅો – દીના અને સાધનાએ પણ ચંદુભાઈના ગોવર્ધનને ઊંચકવામાં ડાંગનો સતત અને સજ્જડ હૂંફટેકો દીધા કર્યો. માંડવીના અા નબીરાએ બેરા, બ્લાન્ટાયર, મુફલીરા અને લેસ્ટર મુકામે થાણા જમાવ્યા, અને અા દરેક થાણે, એમનો ગઢ મજબૂત બનતો જ ચાલ્યો.
ચંદુભાઈના મતે, અા આઠ દાયકા ઉપરાંતની મજલમાં, તેમને ત્રેવડો સંતોષ રહ્યો. ત્રણ ત્રણ પેઢી વિસ્તરેલો તેમનો પરિવાર સુદૃઢપણે સંયુક્ત રહ્યો છે. છેલ્લાં દશ વર્ષ દરમિયાન, કુમુદબહેનની માંદગી વેળા હેમન્ત, પ્રીતિ તથા પરિવારનાં અપાર હૂંફ અને સાથ મળ્યાં. સંયુક્ત કુટુંબની અા દેણગીને તે પરમકૃપાળુની પ્રસાદી લેખતા. વળી, પોતાને તંદુરસ્ત અાયખું મળી શક્યું છે તેનો ય તેમને પારાવાર અાનંદ રહ્યો. 2017-18ના સંદી સમય લગી ભરપૂરપણે ગાઈ શકાયું છે, તેથી સંતોષ રહેતો, તેમ પણ ચંદુભાઈ સતત કહેતા રહ્યા. અાટલું કમ હોય તેમ, વિલાયતમાં, અાફ્રિકામાં તેમ જ ભારતમાં બહોળું મિત્રવર્તુળ ઊભું થઈ શક્યું, તેને ચંદુભાઈ જીવનની મોટી કમાણી ગણતા. અાથીસ્તો, કુદરત પ્રત્યે તે અોશિંગણભાવ વ્યક્ત કરી જ લેતા.
ગુજરાતી ગીતસંગીતના જ ફક્ત નહીં, ભારતીય ગીતસંગીતના પણ એ પરચમધારી. અા ક્ષેત્રે એ કર્મશીલ પુરવાર થયા છે અને એમનામાં અાપણા એક અગ્રસૂરિ તરીકેના ય અનેક લક્ષણો ફૂટ્યા છે. અાવા એક ‘પાંજો માળુ’નો, અંગત અંગત, મધમીઠો પરિચય રહ્યો. તેનું સદા ય ગૌરવ છે.
અાવા ચંદુભાઈની વિદાયને ખમવી અઘરી બની છે .. એમનું સતત અદકેરું સ્મરણ રહેજો.
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
[પ્રગટ : "નિરિક્ષક", 01 અૉક્ટોબર 2018]