
રવીન્દ્ર પારેખ
સારી વાત એ બની કે બોર્ડમાં 58 શાળાઓ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં સો ટકા પરિણામ લાવી અને તેનું યોગ્ય રીતે જ શિક્ષણ રાજ્ય મંત્રી દ્વારા અભિવાદન થયું. શિક્ષણ રાજ્ય મંત્રીએ એ પણ નોંધ્યું કે ઈંગ્લેંડમાં પહેલી શાળા સ્થપાઈ ત્યારે ભારતમાં 7,200 ગુરુકૂળ કાર્યરત હતાં, જે વેદોક્ત પદ્ધતિથી જ્ઞાન આપતાં હતાં. એ પદ્ધતિ અને ગુરુકૂળનું પછી શું થયું, તે તો એમણે ન કહ્યું, પણ ત્રણ મહત્ત્વની જાહેરાત એમણે કરી કે નજીકના દિવસોમાં જ 25,000 શિક્ષકોની નિમણૂક થશે અને 16,000 ઓરડા બનશે તથા એક પણ સરકારી સ્કૂલ બંધ નહીં થાય તેની કાળજી રખાશે. એ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી, અન્ય વહીવટી અધિકારીઓ, ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત હતા. જો એ એમ જ છૂટા ન પડ્યા હોય તો એમને મંત્રીશ્રીની વાતો અંગે વિચારવાનું થયું હશે.
શિક્ષકોની વાત કરીએ તો 2017થી શિક્ષકોની ભરતી થઈ નથી. 30,000 જેટલા કાયમી શિક્ષકો 6 વર્ષથી નિમણૂક પામ્યા નથી ને તેને વિકલ્પે વિદ્યાસહાયકો, પ્રવાસી શિક્ષકોથી કામ કઢાયું છે. એમાં પણ આ વર્ષે પ્રવાસી શિક્ષકોને મંજૂરી મળી નથી. તે એટલે કે એ બિનતાલીમી છે. આટલાં વર્ષો એનાથી ચાલ્યું ને હવે જ્ઞાન થયું કે ન ચાલે એટલે અત્યારે તો ગાડું ઘોંચમાં પડ્યું છે. બિનતાલીમી મંત્રીઓ જો ચાલતા હોય તો બિનતાલીમી શિક્ષકો પણ ચાલે એવી માન્યતાથી પ્રેરાઇને કદાચ, પ્રવાસી શિક્ષકો ચાલ્યા હોય એમ બને. બીજું, કારણ એ પણ ખરું કે બિનતાલીમીથી જ જો કારભાર ચાલે એમ હોય તો બી.એડ્. કોલેજો પણ નિરર્થક પુરવાર થાય. બને કે તાલીમ આપતી શૈક્ષણિક સંસ્થાઓને તાળાં ન લાગે એટલે કદાચ પ્રવાસી શિક્ષકોનો એકડો કાઢી નંખાયો હોય. એ જે હોય તે, પણ શિક્ષકોની ઘટ છે તે છે જ ! એ ઘટ નિમણૂકો વગર પુરાવાની નથી એ સ્પષ્ટ છે.
રહી વાત સ્કૂલો બંધ થવાની, તો વધારે દૂર ન જઈએ તો 22 ફેબ્રુઆરી, 2023ના સમાચાર છે કે રાજ્યમાં 2,600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયાં છે. સાચું તો એ છે કે શાળાઓ બંધ થવાનું તો વર્ષોથી ચાલ્યું આવે છે ને તેમાં સરકાર તરફથી જ ખાનગીકરણને અપાયેલું પ્રોત્સાહન કેન્દ્રમાં છે. એ તો ખાનગી સ્કૂલોની વધતી સંખ્યા પરથી પણ સમજી શકાય એમ છે. આ સ્થિતિ રાજ્યની જ છે એવું નથી, દેશભરની શાળાઓને આ વાત લાગુ પડે છે. કોરોનાને નામે ભલે ચરી ખાઈએ, પણ તે પહેલાં પણ આ જ સ્થિતિ હતી. 2018-‘19માં દેશભરમાં 51,108 સ્કૂલો બંધ થઈ હતી અને ખાનગી શાળાઓમાં 3.6 ટકાનો વધારો થયો હતો, એટલે કે તેની સંખ્યા 3,25,760થી વધીને 3,37,499 થઈ હતી, એટલે કે 11,739નો વધારો. વારુ, જે સ્કૂલો ચાલે છે, તેની દશા કેવી છે? વરસેક પરની વાત કરીએ તો ગુજરાતમાં 700 શાળાઓ એવી છે જે 1 જ શિક્ષકથી ચાલે છે. સારું છે કે સમ ખાવા પૂરતો એકાદ શિક્ષક તો છે ! એવા દિવસો આવે તો નવાઈ નહીં કે એક પણ શિક્ષક ન હોય એવી શાળાને સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે !
હકીકત એ છે કે આખો દેશ દેખાડા પર અને શાસકીય અખાડાઓ પર ચાલે છે. તમામ ધર્મો-અધર્મો, જાતિ-જ્ઞાતિઓ, પક્ષો- વિપક્ષો શક્તિ પ્રદર્શનમાં રાચે છે. એમાંથી શિક્ષણ પણ બાકાત નથી. એને ડેટાનું એવું ભૂત વળગ્યું છે કે ડેટા એ જ શિક્ષણ થઈ પડ્યું છે. એ ખબર નથી પડતી કે એક વિદ્યાર્થીની નામ-ઠામની વિગતો ઉપરાંત એવી તે કેવી વિગતો ખડકવાની થાય છે કે શિક્ષકો ભણાવવાનું બાજુ પર મૂકીને વિદ્યાર્થી દીઠ 65-70 કોલમો ભરવામાંથી જ ઊંચા ન આવે? શિક્ષકો કે આચાર્યોનો બચાવ નથી અહીં, એમાં ઘણાં શિક્ષણમાં કરકસર કરનારા ને પગારમાં કશું જતું ન કરનારા મતલબીઓ પણ છે જ, પણ જે શિક્ષક છે ને ભણાવવામાં રસ હતો એટલે શિક્ષક થયા છે, તે આ અણધારી કારકૂનીથી ડઘાઈ જાય એમ બને. એને વર્ગ શિક્ષણમાં રસ છે, એ ત્યાં કેટલું કામ કરે છે તેની તપાસ DEO કે શિક્ષણ સમિતિના અધ્યક્ષે કરવી જોઈએ. ડેટા મહત્ત્વનો છે, એની ના નથી, પણ શિક્ષણ પણ મહત્ત્વનું છે, એ વાતનું આખા શિક્ષણ વિભાગને વિસ્મરણ થયું છે તે દુ:ખદ છે.
સુરતની 529 શાળાઓએ ધોરણ 1ના વિદ્યાર્થીઓની માહિતી પૂરી ન પાડી તેથી DEOએ 7 દિવસમાં માહિતી પૂરી પાડવાનો પરિપત્ર કર્યો છે ને સાથે જ ધોરણ 2થી 8માં અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોય તો તેની પણ વિગતો માંગી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ખાનગી, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં, ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ઓનલાઈન ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં માહિતી અપલોડ કરવા આ બધું જરૂરી હશે, એની ના નથી, પણ એની તપાસ કોણ કરશે કે જે તે શાળામાં શિક્ષકો પૂરતા છે, અન્ય સુવિધાઓ પૂરતી માત્રામાં છે કે એ કેવળ સત્તાની જોહુકમીનો જ શિકાર છે? દર વર્ષે સ્કૂલો શરૂ થઈ જાય છે ને દર વર્ષે શિક્ષકોની ઘટની બૂમ ઊઠે જ છે. તેમાં વળી આ વખતે તો પ્રવાસી શિક્ષકોની પણ મંજૂરી નથી, આચાર્યો, શિક્ષકો વગર કેટલું ને કેવું ચલાવશે, એ જાણે શિક્ષણ વિભાગનો પ્રશ્ન જ ન હોય એમ લાગે છે. આ વખતે ડેટા પૂરો પાડવાની કામગીરી શરૂઆતથી જ એવી વધી છે કે શિક્ષકો પર ભણાવવા સિવાયનો બોજ જ એટલો છે કે શિક્ષકે ભણાવવાનું પણ હોય છે એ વાત જ વિસારે પાડી દેવાઈ છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે જોઈતી માહિતી જ એક સમયે પૂરતી ગણાતી હતી, તેને બદલે કોઈ ગુનેગારની વિગતો પોલીસ ભેગી કરતી હોય તેવી ઝીણી ઝીણી વિગતો પૂરી પાડવામાં, આ વિગતોની ગુપ્તતા કેટલી જળવાતી હશે તે પ્રશ્ન જ છે. ઓછી વિગતોથી ત્યારે સ્કૂલો બહુ નુકસાનમાં રહી હોય એવું ય નથી બન્યું ને આટલી વિગતો પછી હવે સ્કૂલો અને વાલી-વિદ્યાર્થીઓ વધુ સલામત હોય એવું પણ નથી. પોર્ટલમાં અપાતી વિગતોમાં બેન્ક ડિટેલ્સ પણ આપવાની થાય છે. એ વિગતો લીક થાય તો સંભવિત જોખમ સામે રક્ષણની કોઈ ખાતરી ખરી કે કેમ તે નથી ખબર. આટલી વિગતો ભેગી કર્યાં પછી એનું શું થાય છે એની પણ કોઈ માહિતી નથી, તો પ્રશ્ન એ થાય કે વાલી વિગતો આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બટાકા કે ટામેટાં ચોરાઈ જતાં હોય તો આવી વિગતોનો દુરુપયોગ નહીં જ થાય એવું નથી.
શિક્ષણ સમિતિ અને આખો શિક્ષણ વિભાગ જે રીતે અંગ્રેજીના મોહમાં ગુજરાતીની અવગણના કરે છે તે માતૃભાષાને અપમાનિત કરનારું છે. કોઈ એક ગ્રૂપે, નગર પ્રથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જઈને, 44 જેટલી સ્કૂલોનાં ચારેક હજાર બાળકોને, પહેલાં પગથિયાથી જ અંગ્રેજી-હિન્દી શીખવાનું પુસ્તક વિના મૂલ્યે આપ્યું ને તેને સમિતિના અધ્યક્ષ અને અન્ય અધિકારીઓએ આવકાર્યું, પણ એ ગ્રૂપે એ ભાષાની સાથે ગુજરાતી પણ ઉમેર્યું હોત તો ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે તે અધિકારીઓને પણ યાદ આવ્યું હોત. ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં કોઈ ગુજરાતીનું પુસ્તક ન વહેંચે તે સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતીને વિકલ્પે અંગ્રેજી અને હિન્દી શિખવવાનું ગૌરવ લેવાય ને એનો ત્યાં ઉપસ્થિત ગુજરાતીઓને આઘાત ન લાગે એ કેવળ ને કેવળ શરમજનક છે. ભાષા અંગેની આટલી નિર્લજ્જતા ગુજરાત સિવાય બીજે ક્યાં ય નથી. અંગ્રેજી અને હિન્દીનો રજમાત્ર વાંધો નથી, એ અપાય તેનો આનંદ જ હોય, પણ ગુજરાતમાં ગુજરાતીને યાદ ન કરાય એ અપમાનથી ય વધારે અપમાન છે, ખાસ તો ત્યારે કે એ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત અને મૌન હોય. આ એટલે કહેવાનું થાય છે, કારણ ગુજરાતમાં ગુજરાતી વિષયમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયાનું નોંધાયું છે.
ટૂંકમાં, અરાજકતા શિક્ષણ ક્ષેત્રનું અવિભાજ્ય અંગ છે. આ ક્ષેત્રમાં શિક્ષકો પાસેથી ભણાવવાને બદલે શિક્ષણેતર કામો લેવાય છે, પરિણામે, બધી સામગ્રી છતાં, વિદ્યાર્થીઓ લગભગ ભણ્યા વગર પરત થાય છે. આવામાં નવી શિક્ષણ નીતિ અદ્ભુત હોય તો પણ તેનો અર્થ નથી, કારણ, પ્રશ્ન તેનાં અમલીકરણનો છે. ગમે એટલું ઉત્તમ બીજ જો કોળવાનું જ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. નવી શિક્ષણનીતિનું પણ એવું જ છે. તે યોગ્ય હાથો દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ. એ હાથો જો ડેટા ભરવામાં જ વ્યસ્ત હોય તો ઉતમ નીતિ પણ પોથીમાં જ રહે એમ બને.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જુલાઈ 2023