સુજ્ઞ સંવાદ
પ્રિય પ્રકાશભાઈ,
ગુજરાતના પાક્ષિક વિચારપત્રના તંત્રીનું નામ પરિષદ પ્રમુખ તરીકે મુકાઈ ગયું હોય ત્યારે એ ચૂંટણી વિશેના લેખો છાપવામાં નહીં જાહેર થયેલી આચાર સંહિતાનો સીધો જ ભંગ ન ગણાય કે ?
સામાન્યપણે પરિષદની ચૂંટણી વિશે ચર્ચા હોઈ જ શકે પણ આજે પરિસ્થિતિ જુદી એ રીતે છે કે તંત્રી ખુદ ઉમેદવાર થવાના છે. ભલે એનો ઔપચારિક નિર્ણય બાકી હોય.
આ વિવેક ચૂકી જવાનું તમારા માટે કેવી રીતે બન્યું હશે એ પણ પ્રશ્ન તો ખરો જ કારણ આપ તો સુજ્ઞ છો.
ડંકેશ ઓઝા, અડાલજ ૩૮૨ ૪૨૧
ઑગસ્ટ ૨૬, ૨૦૨૦
•
તંત્રી :
સુજ્ઞ ડંકેશભાઈ ઠીક જ કહે છે કે સામાન્યપણે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વિશે ચર્ચા હોઈ જ શકે પણ એમના જ શબ્દોમાં ‘આજે પરિસ્થિતિ જુદી છે’.
એક વિચારપત્ર તરીકે ‘નિરીક્ષક’ હંમેશાં પરિષદ વિષયક ચર્ચા આવકારતું રહ્યું છે. તંત્રી પરિષદના હોદ્દેદાર હોય ત્યારે પણ યથાસંભવ સંતુલિત વિવેકસર અહીં તે માટેનો અવકાશ રહ્યો છે. છેવટે તો, આંતરબાહ્ય સ્વાયત્તતાની મથાપણ દુઃસાધ્ય હશે, અસાધ્ય નથી. જે અભિગમ પુરસ્સર આ ચર્ચા ઈષ્ટ છે તે ચૂંટણી ન હોય ત્યારે પણ અને હોય ત્યારે પણ પથ્ય છે એ તંત્રીનો અધીન મત છે.
જ્યાં સુધી ઉમેદવાર તરીકેના પ્રચારનો અને આચાર સંહિતાનો સવાલ છે આપ કહો છો તેમ હું સુજ્ઞ છું. ગઈ ચૂંટણી વખતે સિતાંશુ યશશ્ચંદ્રની ઉમેદવારી સૂચવવામાં હું કંઈક અગ્રભૂમિકામાં હતો, પણ ‘નિરીક્ષક’માં યથાસમય એટલી કાળજી આગ્રહપૂર્વક અવશ્ય લીધી હતી કે જેમ એમની તેમ બીજા ઉમેદવાર(બળવંત જાની)ની ભૂમિકાનોંધ સુધ્ધાં ચહીને છાપી હતી.
આ વખતે પણ એ આયોજન છે જ કે આગામી અંકમાં પરિષદ પ્રમુખપદ માટેના સૌ ઉમેદવારોની મુલાકાત પ્રગટ કરવી જેથી વાચકોને સહવિચાર અવકાશ રહે. આગામી અંક સુધીમાં સમયપત્રક પ્રમાણે ઉમેદવારીચિત્ર ચોખ્ખું થઈ ગયું હશે, જે ચાલુ અંક (૧/૯) વખતે સ્વાભાવિક જ નથી.
ઑગસ્ટ ૨૮, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 02
••
ચહલપહલ
ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી / પરેશ નાયક
આગામી ત્રણ વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.
પરિષદ કરતાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે સંકળાયેલાં વર્તુળોમાં એ માટે સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાં ઉતાવળ પણ ભળેલી છે તે ય દેખાય છે.
આ પરથી બે બાબત સ્પષ્ટ થાય છે –
પહેલી, એ કે આગાઉના બે પરિષદપ્રમુખોની પેઠે નવા પરિષદપ્રમુખે પણ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની પરિષદની લડતનું નેતૃત્વ લઇ અકાદમીની સ્વાયત્તતા પુનઃસ્થાપિત થાય તે માટે નક્કર પ્રયાસો આદરવા જોઈશે.
બીજું, કે ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્રના કુલ પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન, નારાયણ દેસાઈના પ્રમુખપદે આરંભાયેલી અકાદમીની સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિશેની પરિષદની પ્રતિબદ્ધતા અખંડ રહી છે, જેને પરિણામે, નાનાંમોટાં ને નવાંજૂનાં સૌ સાહિત્યકારો તેમ જ સાહિત્યરસિકો સ્વાયત્તતાના મુદ્દે આજે પરિષદને પડખે છે. મણિલાલ હ. પટેલ સિવાય બીજા કેટલા નામાંકિત સાહિત્યકારો આ બાબતે આજે અકાદમી સાથે છે?
વળી, પેલી એક કરુણ સાંજે કવિ નિરંજન ભગતના અંતિમ શ્વાસમાં સ્વાયત્તતાની માંગના મક્કમ પડઘા મધ્યસ્થ સમિતિના જે સભ્યોએ સાંભળ્યા છે તે સૌ, અને સદ્ગત કવિના અન્ય તમામ ચાહકો કવિના શ્વાસની આમન્યા તોડશે નહિ કે તૂટવા દેશે નહિ તેની પણ મને ખાતરી છે.
આ પરિસ્થિતિમાં, કેટલાક લેખકો – જે દૂધમાં અને દહીંમાં બેયમાં પગ રાખવાવાળા છે – તેઓ પોતાને અનુકૂળ પરિષદપ્રમુખ ચૂંટી, સ્વાયત્તતા આંદોલનને મોળું પાડી, અકાદમીનો સીધો પગપેસારો પરિષદમાં કરાવવાની નેમ સેવી રહ્યા છે.
ત્યારે, સ્વાયત્તતા તરફી પરિષદના મોટા ભાગના સામાન્ય સભ્યો, આમ ઉતાવળે સૂચવાઇ રહેલા પ્રમુખપદ માટેનાં કેટલાક હરખઘેલાં નામોની કુંડળી તપાસતા મૌન સેવી રહ્યા છે.
આખરે તો, પરિષદના નવા પ્રમુખ નક્કી કરવાનાં સત્તા અને સામર્થ્ય તેમની જ પાસે છે. અંધકાર અને પ્રકાશ એ બે વચ્ચે વરણી કરવાનું કામ એમના માટે સ્હેજેય અઘરું નથી.
જૂન ૧૭, ૨૦૨૦
•••
મોડીમોડી તો ય, આખરે પરિષદે ચૂંટણી અધિકારીની નિમણૂક તો કરી! ધન્યવાદ!
આ સાથે, ચૂંટણીની હવે પછીની પ્રક્રિયા ચૂંટણીઅધિકારીની સીધી દેખરેખ હેઠળ થશે. વર્તમાન કારોબારીસમિતિના હોદ્દેદારોની જવાબદારી ચૂંટણી અધિકારીને વહીવટી સહાય કરવાની, અને જરૂર જણાય ત્યાં ચૂંટણીપ્રક્રિયા સરળ અને પારદર્શક બની રહે તે માટે મતદારો તથા ઉમેદવારો સુધી તમામ આવશ્યક માહિતી સમયસર પહોંચે તે જોવાની, તેમ જ વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે દિશામાં પરિષદકાર્યાલયને કાર્યરત બનાવવાની રહેશે.
ખાસ તો, કોરોનાની પરીસ્થિતિને અનુલક્ષીને, ઉમેદવારો સુધી ઉમેદવારીપત્રકો તથા મતદારો સુધી મતપત્રકો કશા ય અવરોધ વિના કે બિનજરૂરી બ્યુરોક્રેટિક અરજી-ખુલાસા વિના પહોંચે તે રીતે પરિષદકાર્યાલયને સજ્જ કરવાનું પણ રહેશે.
પ્રમુખપદના છેવટના દાવેદારો કોણકોણ હશે તેની મતદારોને જાણ તો બેલેટપેપર હાથમાં આવ્યે જ થશે. સિવાય કે, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ – સોળમી સપ્ટેમ્બર – બાદ પરિષદ કાર્યાલય નિયમિત પ્રેસરીલિઝ પાઠવીને ચૂંટણી પ્રક્રિયાને લગતી રોજેરોજની માહિતી જાહેર કરી વધુ પારદર્શક બનવાનું સ્વીકારે.
દરમ્યાન, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ’નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ, ’અખંડાનંદ’ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક અને ‘શબ્દસૃષ્ટિ’ના ભૂતપૂર્વ તંત્રી હર્ષદ ત્રિવેદી વચ્ચે ત્રિપાંખી ચૂંટણી થાય તેવી સંભાવના છે.
પ્રમુખપદની ચૂંટણીની સમાંતર મધ્યસ્થ સમિતિના ચાલીસ ઉમેદવારોની ચૂંટણીની પ્રક્રિયા પણ સત્તરમી ઑગસ્ટથી શરૂ થઇ ચૂકી છે. પ્રમુખપદ માટેના કથિત દાવેદારો અને ગુજરાતી સાહિત્ય અને/અથવા પરિષદ, અને/અથવા અકાદમી સાથે, સીધી તેમ જ આડકતરી રીતે સંકળાયેલા સાહિત્યકારો તેમ જ સાહિત્યની વિવિધ વિચારધારાઓના સમર્થકો પોતપોતાની પસંદગીના લેખકોને મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં ભાગ લેવા પ્રેરી-ઉશ્કેરી રહ્યાના વરતારા પણ મળતા રહે છે.
આશા રાખીએ કે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, વધુ સરળ તથા પૂરેપૂરી સ્પષ્ટ હોય, એમાં કોઈ પણ બાબતે કશી સંદિગ્ધતા ન રહે.
ઉમેદવારો તેમ જ તેમના પ્રતિનિધિઓ પણ ગુજરાતની આ સૈકા ઉપરાંત જૂની, લોકશાહી મૂલ્યોને વરેલી, ગુજરાતી સાહિત્યની સૌથી વરિષ્ઠ સંસ્થાનાં ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે રીતે ચૂંટણીપ્રચારમાં વધુ ને વધુ ઉત્સાહપૂર્વક જોડાશે તેવી અભિલાષા.
સૌ ઉમેદવારો તેમ જ સૌ મતદારોને હાર્દિક શુભેચ્છાઓ.
ઑગસ્ટ ૨૩, ૨૦૨૦
https://kalaapaksh.blogspot.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 15