વિશ્લેષણ –
શું સત્તામાનસ પાસે પ્રતિસાદની આશા રાખી શકાય?
કટોકટી રાજની પચાસીનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે ફરી એક–વાર સત્તા વિ. જનતાની લોકશાહી મથામણ અંગડાઈ લઈ રહી છે … પક્ષવિપક્ષ જો કે બદલાઈ ગયા છે!

પ્રકાશ ન. શાહ
મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પક્ષપલટાના રસમી રાજકારણ ને સત્તાકારણના કથિત ચાણક્યપર્વમાંથી પસાર થઈ રહ્યા છે અને વોટચોરી હવે મધ્ય પ્રદેશમાં જોવા મળ્યું તેમ બેઠકચોરી રૂપે મત્ત મહાલી રહી છે ત્યારે ઓલવાતી વરતાતી આશા કરતાં એક જુદું જ ચિત્ર નેતા પ્રતિપક્ષની કોટા મુલાકાત સાથે ઊભરી રહ્યું છે. તુફાન અને દિયાની કલાસિક લડાઈ વચ્ચે કોક્રોચ ઉન્મેષે જગવેલ અપેક્ષા હવે ‘છાત્રોં કી ગુંજ’ની ઝંઝાવાતી પહેલ સાથે ન્યારું ચિત્ર ઉપસાવી રહી છે.
મુદ્દો એ છે કે મોદી ભા.જ.પ.ના દશક બાદ મે-જૂન 2024ના ચૂંટણી પરિણામ સાથે વૈકલ્પિક રાજકારણના પ્રતીતિકર ઉદયની એક શક્યતા ખસૂસ સામે આવી હતી. લોકસભાની એ ચૂંટણીનું પરિણામ, ભારત જોડો યાત્રા થકી કથિત પપ્પુની એક નોંધપાત્ર નેતૃપ્રતિમાના ઉદય રૂપે દેશજનતા સમક્ષ આવ્યું હતું.
તે પછી રાજ્ય વિધાનસભાઓની ચૂંટીણીમાં ક્યાંક એ નવચૈતન્ય ઝિલાયું, ક્યાંક ન ઝિલાયું – પણ એ આતશ અણબૂઝ્યો છે તે કોક્રોચ ઘટના વાટે (એની સંમિશ્ર છાપ તેમ જ અંદેશા અને આશંકા છતાં) ચક્ષુપ્રત્યક્ષ વરતાઈ રહ્યું છે. નેતા પ્રતિપક્ષના કોટા કાર્યક્રમ સાથે, દેશનાં છાત્રયુવા વર્તુળો નવેસર ઉદ્યુક્ત ને ગઠિત થવાની – જરઠ સત્તા સામે લોકઅવાજની એક નવી હવાની આશાઅપેક્ષા જ માત્ર નહીં પરંતુ આકાંક્ષા પણ જગવે છે.
ઉચ્ચાકાંક્ષા અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે મેળ બેસવો બેસાડવો અલબત્ત અઘરી વાત છે. મધ્ય પ્રદેશની વિધાનસભામાંથી કાઁગ્રેસનાં મીનાક્ષી નટરાજન્ જેવા સોટચના પ્રતિનિધિ રાજ્યસભાએ પહોંચતાં પહોંચતાં રહી ગયાં એમાં કેન્દ્રીય સત્તાના છેડેથી ખેંચાતી દોરનો હિસ્સો ચોખ્ખો હતો તે હતો. આ મુદ્દો એકે પક્ષે સહેલાઈથી છોડ્યો છોડાય એમ નથી. કારણ, મીનાક્ષી નટરાજન્ જેવી શખ્સિયત પર પસંદગી ઢોળી શકતા પક્ષે પોતાના ધારાસભ્યોને અન્ય રાજ્યમાં પનાહ અપાવી સાચવવા પડે તે કોઈ સ્વાસ્થ્યની નિશાની નથી. કેન્દ્રના સત્તાપક્ષની ચાંચિયાગીરી જો સત્ય છે તો વિપક્ષે વેચાઉ માલની વાસ્તવિકતા પણ એક સત્ય છે. આ વાત કદાચ વધુ સચોટપણે અને વરવીને પણ વટી જતી વરવી રીતભાતે પશ્ચિમ બંગાળના તૃણમૂલ જમાવડાની ઘોર આઘાપાછી અને ઢોરબજારીથીયે જણાઈ રહે છે.
રાજ્યે રાજ્યે આવાં સામસામાં ઉદાહરણો ઓછેવત્તે અંશે જરૂર આપી શકીએ. પણ આ બધાની વચ્ચે આશાની અંગડાઈ જગવતું કાલુંઘેલું કાચુંપાકું પણ જે વાનું છે તે છાત્રયુવા પ્રજાવર્ગમાં ઠેકઠેકાણે વરતાતા આંદોલનના ઉભારનું છે. શાહીન બાગ ઉદ્યુક્તિ, કિસાન જમાવટ, મહિલા પહેલવાનોની લડાયક રૂખ, આ બધું ઘોળીને પી જનારા સત્તામાનસ પાસે આંદોલનના લોકશાહી પ્રતિસાદની આશા મિથ્યા છે એમ અલબત્ત કોઈ પણ કહી શકે. ગુજરાતે છેલ્લા દસકા પૂર્વે કનુભાઈ કલસરિયાના નેતૃત્વ તળે અભૂતપૂર્વ મહુવા આંદોલન જોયું છે તો પોતાના જ પક્ષના ધારાસભ્યની આ પ્રજાસૂય પહેલ સામે નામકર જતું સત્તામાનસ પણ જોયું છે, એ દાખલો કોઈ પણ આપી શકે. ઊના ઘટનામાં અસાધારણ ઉદ્યુક્તિ પછી અને છતાં ધાર્યું પરિણામ ન મળ્યાની લાગણી પણ પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ કેન્દ્રમાં સત્તાપકડના એક દસકા પછી વિપક્ષની વિધિવત ગણના શક્ય બની તેમાં આ બધાં આંદોલનોનો પ્રત્યક્ષપરોક્ષ ફાળો નહોતો ને નથી એવું તો આપણે કહી શકતા નથી.
2026ના જૂનમાં, જૂન 1975 – માર્ચ 1977ના કટોકટીરાજની પચાસીના ગાળામાં આ લખી રહ્યો છું, એ જોગાનુજોગ પણ મજાનો છે. અલબત્ત, એ ગાળો કરતાં કાઁગ્રેસ અને જનસંઘ / ભા.જ.પ., બેઉની ભૂમિકા આભાદ બદલાઈ ગયેલી છે. પણ કટોકટી સાથે જે આંદોલન મૃત:પ્રાય લખાતું હતું તે માર્ચ 1977ની ચૂંટણી વખતે ઉત્સ્ફૂર્તપણે આળસ મરડી મતદાન વાટે પ્રગટ થયું હતું. કાઁગ્રેસને નિશાન બનાવી ભા.જ.પ. જે પચાસી ઉજવવા ચાહે છે, તેમાં નિશાન બદલાઈ પણ જાય, એની ખબર બે બાજુના અદકપાંસળા મહેરબાનોને જો કે નયે હોય !
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઍપ્રિલ 2026
![]()

