ગુજરાતીના એક ચિંતક, વક્તા, સાહિત્યકાર તેમ જ કેળવણીકાર આચાર્ય યશવંત શુક્લના મતે ‘પેટલીકરે પત્રકારધર્મ, લોકધર્મ અને સમાજધર્મ બરાબર પાળી બતાવ્યો છે.’ વરિષ્ટ સાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક અનંતરાય રાવળના કહેવા મુજબ, ‘પેટલીકર પ્રગતિશીલ વિચારસરણી ધરાવનારા લેખક અને સમાજસેવક હતા.’ તો બીજી પાસ, ગુજરાતી આલમના એક આગેવાન વિચારક, કર્મશીલ તેમ જ અધ્યાપક પુરુષોત્તમ માવળંકર લખતા હતા, ‘પેટલીકર સત્ય અને સ્પષ્ટ વક્તા હતા, લેખક હતા, રાજકીય સમીક્ષક હતા.’ વાત ખરી છે. તેથી એમનું આ અવતરણ વિશેષે તપાસવા સમ બને છે :
'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’
યુગાન્ડાની ‘યુવક સંઘ’ સંસ્થાના મહેમાન તરીકે ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે હતા, ત્યારે મોમ્બાસામાંની એક જાહેર સભામાં આ ઉચ્ચારણ એમણે કરેલું તેમ નોંધાયું છે. એ દિવસોમાં મોમ્બાસામાંથી ‘કેન્યા ડેયલી મેલ’ નામક ગુજરાતી સાપ્તાહિક નીકળતું. વળી, નાઇરોબીથી ‘કેન્યા ક્રોનિકલ’, ’આફ્રિકા સમાચાર’ તેમ જ ‘નવયુગ’ નામે ત્રણેક ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતા. તો વળી, દારેસલ્લામમાંથી ‘ટાંગાનિકા હેરલ્ડ’ પણ પ્રકાશિત થતું. આ ગુજરાતી સાપ્તાહિકોની ફાઈલો જળવાઈ હોય તેમ જાણમાં નથી અને તેથી આ ભાતીગળ બેઠકની વિશેષ વિગતમાહિતી હાથવગી બનતી નથી. પરિણામે ઈશ્વર પેટલીકરની આ સભાબેઠકોની માહિતીનોંધ મેળવી શકાતી નથી. તેથી સવાલ થાય : આ સશક્ત આગેવાન સુધારક, વિચારક, સાહિત્યકાર, સંપાદકે આ બાબતને આ મુલાકાતો દરમિયાન, આ ભોજન સમારંભોમાં અને વળી આ ધાર્મિક પ્રવૃત્તિઓના મેળાવડામાં, છેડી હશે જ ને ? કે પછી, પાછળથી પોતાનાં લખાણમાં જ તેનો સમાવેશ થયો છે ? ભલા, કોણ કહી શકે ? આ લોકધર્મી સ્પષ્ટ વક્તા તેમ જ રાજકીય સમીક્ષકે આવી આવી ચર્ચા કોથળે બાંધી ન જ હોય; એમણે પાંચશેરી બાંધીને રજૂઆત કરી જ હોય ને ?
સવાલ અહીં ઓળખ માટેનો છે. જગત ભરના દરેક આપ્રવાસી જમાતનો આ કોયડો છે. પોતાના મૂળ વસવાટથી દૂરસુદૂર ગયેલી જમાત પોતાના સમૂહમાં સ્વભાવગત રહેવાનું રાખે છે. એમને પરિચિતતા કોઠે પડી ગઈ હોય છે.
આ પહેલાં પૂર્વ આફ્રિકાની વાત થઈ. હવે આફ્રિકા ખંડના દખણાદા વિસ્તારની વાત જાણીએ, સમજીએ:
ગઈ સદીની ચાળીસીને આરંભે મણિલાલ ગાંધીએ ‘ઇન્ડિયન ઓપીનિયન”માં લખેલું, ‘જે દહાડે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓમાં કોમવાદનો રોગ ફાટી નીકળશે, તે વેળા એમણે જાણી લેવું કે તેમનો સવર્નાશ આવી પહોંચ્યો. આપણે અહીં હિન્દુ નથી, કે નથી મુસલમાન, નથી પારસી કે નથી ઈસાઈ; આપણે હિન્દી જ છીએ. હિન્દુસ્તાનના કયા પ્રાન્તમાંથી આપણે મૂળે આવ્યા છીએ તે મુદ્દો ય પછી અગત્યનો રહેતો નથી, કેમ પછી તે પ્રાન્ત મદ્રાસ હોય, મુંબઈ હોય કે બંગાળ હોય.’ મહાત્મા ગાંધી સ્થાપિત આ અઠવાડિકના તંત્રી તરીકે લખતા, મણિલાલભાઈ કહેતા હતા આ મુલકે હિન્દુ મહાસભા વગેરે જેવી કોમી સંસ્થાઓ કાર્યપ્રવૃત્ત હોય તે એમને સમજાતું નથી. ‘કેમ કે થોડાઘણા સમયથી આ મુલકે કોમવાદી વલણવૃત્તિનું ચલણ વધી રહ્યું છે. … સમગ્ર રાષ્ટૃને કેન્દ્રમાં રાખીને આપણે શા સારુ વિચારતા નથી અને આપણી સમગ્ર કોમના ભલા માટે તેમ કાર્યપ્રવૃત્ત રહેતા નથી.’ આવું નિરીક્ષણ એમનું હતું.
મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધી ને સુશીલાબહેન ગાંધીનું સૌથી મોટું સંતાન એટલે સીતા ધૂપેલિયા. સીતાબહેનની દીકરી ઉમા ધૂપેલિયા મિસ્ત્રી એક પંકાયેલાં અધ્યાપક છે. કેપ ટાઉનની વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીમાં હાલ ઇતિહાસ વિભાગમાં સહાયક પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળે છે. એમણે ઊંડું સંશોધન કરીને આપણને એક પુસ્તક આપ્યું છે : Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal. [ગાંધીના બંદીવાન ? ગાંધીપુ્ત્ર મણિલાલની જીવનકથા] સન 2004માં પ્રસિદ્ધ થયો આ ગ્રંથ અભ્યાસુ માટે બૃહદ્દ ગુજરાતી સમાજને સમજવા, પામવા સારુ એક અગત્યનું સાધન છે.
બૃહદ્દ ગુજરાતે વસી આપણી જમાત વિશે અનેક પુસ્તકો આપણે મળ્યાં છે. કિનિયાથી, યુગાન્ડાથી, ટાન્ઝાનિયાથી જેમ મળ્યાં છે તેમ દક્ષિણ આફ્રિકાથી પણ સાંપડ્યાં છે. આ પુસ્તકોમાંથી પસાર થતાં થતાં આપણી વિવિધ ઓળખોની ઝાંખી પામતાં જવાય છે. અહીં પણ પુસ્તકમાં કેન્દ્રમાં છે તો મણિલાલ ગાંધી. પણ તે જે તે મણિલાલ નથી; મોહનદાસ કરમચંદ ગાંધીના બીજા સંતાન છે. ગાંધીએ તો 1914માં દક્ષિણ આફ્રિકાનો કિનારો છોડ્યો તે છોડ્યો. પણ મણિલાલભાઈએ એમના વારસાનું શાનદાર રખોપું કરેલું છે, ન માત્ર ફિનિક્સ વસાહતનું તેમ જ ‘ઇન્ડિયન ઓપીનિયન’નું, બલકે જોડાજોડ હિન્દીઓને થતા રહેલા અનેકવિધ અન્યાયો સામેનો એમનો, એમના પરિવારજનોનો તેમ જ સાથીદારોનો અહિંસક પ્રતિકાર અને તેની તલસ્પર્શી ઊંડી વાતોના સગડ પણ અહીં છે.
ગાંધીભાઈ તરીકે સુખ્યાત બનેલા મોહનદાસ કરમચંદ ગાંધીના વારાથી ગાંધી પરિવાર દક્ષિણ આફ્રિકામાં હિન્દી કોમમાં એકરૂપ હતું. દાયકા પહેલાં ગાંધી અને ગાંધી વિચારના એક અભ્યાસુ આગેવાન ગોપાળકૃષ્ણ ગાંધીએ દાખલાદૃષ્ટાન્તો આપીને મને અહીં લંડનમાં સમજાવેલું કે દક્ષિણ આફ્રિકા માંહેના હિન્દીઓમાં, કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ કોઈના એ પ્રીતિપાત્ર બની ગયેલા. સૌ કોઈ એમનો પડ્યો બોલ ઝીલી લેતા એવા એ દિવસો હતા. અને તેનો કોઈ જોટો હિન્દમાં જોવા મળ્યો નહોતો.
અને આવું છતાં, ઉમાબહેનનું એક તારણ ઊડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડરબનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેળ રાખ્યો હતો. તેમ છતાં, શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વહેવાર જૂથ બહાર બરાબરના હોય તેમ રહેતો. ડરબનમાં સુરતીઓ તેમ જ કાઠિવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાનના જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાન્તવિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબહેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમનાં મૂળ સુરતમાં નીકળે. જ્યારે મણિલાલ ગાંધીનાં મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બન્નેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડોબોળ રહેતો ! એમનાં ત્રીજાં સંતાન ઇલાબહેનને ટાંકીને ઉમાબહેન લખે છે : એમને કોઈકે એકાદી વાર ‘વર્ણસંકર’ [half-caste] છો તેમ કહ્યું તેથી ઇલાબહેનને ઊંડી વેદના થયેલી. વળી, જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે જણ ટોણો ય માર્યા કરતા. બીજી તરફ, સુરતી સમાજ પરિવાર અંગે થોડોઘણો કૂણો વર્તાતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે, તેવું લેખિકા લખે છે.
આ અને આવી ઓળખને જે ઝંઝાવાતો વેઠવી પડે છે તેનાં કેટલાંક દૃષ્ટાન્તો પણ અહીં છે. દેશ દેશ વચ્ચે જ સરહદો બંધાઈ હોય તેવું થોડું છે ? સંસ્થાઓ વચ્ચે, જાતિ, ધર્મ, જમાત વચ્ચે ય આપણે કોઈક સીમાઓ બંધાઈ હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. અને તેને અનેક કારણો ય રહેવાનાં.
“સંદેશ” માંહેના પોતાના એક લેખમાં, 26 જુલાઈ 2020ના, જાણીતા વિચારક, લેખક રમેશભાઈ ઓઝા લખતા હતા, ‘ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.’
કોણ જાણે ! … આમ આવી સામંતશાહી આપણી જમાતમાં ઢબૂરાઈને પડી છે. આ એકવીસમી સદીમાં ય અમેરિકા, યુરોપ સમેતના પશ્ચિમી દેશોમાં પથરાઈ આપણી વસાહતમાં પણ આજે આવું આવું જ ચિત્ર જોવા મળે છે.
વારુ, સન 1967 દરમિયાન, આપણને એક ભારે સરસ અંગ્રેજી ફિલ્મ સાંપડી હતી : Guess Who’s Coming to Dinner. વિલિયમ રોસે પટકથા લખી છે અને સ્ટેનલી ક્રેમરે દિગ્દર્શન આપ્યું છે. આ ચલચિત્રમાં સિડની પોટિયેરે ડૉ. જ્હોન વેઇડ પ્રેન્ટિસનું પાત્ર ભજવેલું છે. શ્વેત કન્યા જોઆનાના પિતા મેટ ડ્રેયટનનું પાત્ર સ્પેન્સર ટ્રેસીને અફલાતૂન ભજવ્યું છે. તેમ તેની માતા તરીકેનું [ક્રિસ્ટિનાનું પાત્ર] કેથરિન હેપબર્ને મન ને દિલ ઠારે તેવું કર્યું છે. ખ્યાતનામ આફ્રિકન-અમેરિકન દાક્તર વેઇડ પ્રેન્ટિસ ઉદારમતવાદી તેમ જ જાણીતા અખબારના પ્રકાશક પિતાની પુત્રી જોઆના ડ્રેયટનના પ્રેમમાં પડે છે અને બન્ને પરણવાનું નક્કી કરી લે છે. તે જાણી વરિષ્ઠ પ્રેન્ટિસ પુત્ર જ્હોનને કહી બેસે છે, તું ભૂલ કરી બેઠો છે. જવાબમાં જ્હોન પાછો વળતો નથી; બલકે તે મક્કમતાથી પિતાને કહી બેસે છે : You think of yourself ‘as a coloured man [while] I think of myself as a man’. [તમે તમારી જાતને હબસી તરીકે જુઓ છો; હું મારી જાતને માણસ તરીકે જોઉં છું.]
… અને, અહીં આપણી પણ મુસીબત શરૂ થાય છે. પૂર્વ આફ્રિકા, ભારત, બ્રિટન સમેત યુરોપમાં પથરાઈ આપણી જમાતને જોઈએ, તપાસીએ તો સમજાય છે, તે ય પારદર્શકતાની સપાટીએ ગુજરાતી તરીકે ભાગ્યે જ જોવા પામીએ છીએ. એ ક્યાંક બ્રાહ્મણ છે, ક્યાંક જૈન છે, ક્યાંક પટેલ છે, ક્યાંક લોહાણા છે, વગેરે. પણ આ ય ઓછું હોય તેમ આ દરેક પેટાસમૂહના ય પાછા અનેક નાનામોટા વિભાજનો છે. આટલું ઓછું હોય તેમ વળી બીજાત્રીજા ય આટાપાટામાં આપણી જમાતને ભાળીએ છીએ. એ દિવસોમાં શું આફ્રિકે, આજે શું વિલાયત-યુરોપમાં; આપણી જમાત વેપારઉદ્યોગનાં જૂથ તેમ જ નોકરિયાત વર્ગમાં સ્વાભાવિક વહેંચાયેલી છે. પરિણામે પોતપોતાના હિતોને કારણે મંડળો રચતી આવી છે. જેમ બીજાત્રીજા સમાજજૂથો બને છે તેમ આપણી કોમમાં ય આવું બનતું આવ્યું છે.
સ્વામી સચ્ચિદાનંદજીના કોઈક લખાણમાંથી આ એક અવતરણ ઉદ્ધૃત કરીએ : ‘આપણી પાસે સંખ્યા છે, પણ સરવાળો નથી. જ્ઞાન છે, પણ દૃષ્ટિ નથી. પૈસો છે, પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છે.’
સ્વામીજીએ એમની લાક્ષણિક ઢબે એકતાની વાત અહીં છેડી છે. પણ એમણે ગણિતશાસ્ત્રની એરણે આ વાતને ચડાવી આપી છે. પરંતુ આ ‘શૂન્ય’ અવકાશની પરિસ્થિતિ ખરેખર મૂંઝવે છે.
રમેશભાઈ ઓઝા “ગુજરાતમિત્ર” માંહેના એક લેખમાં, 26 જુલાઈ 2020ના, લખતા હતા તેમ, ‘લોહી સિવાયનાં બાકીનાં પરિવારોને રચવા માટે અને રચ્યા પછી ટકાવી રાખવા માટે માણસ બે રસ્તા અજમાવે છે. એક રસ્તો છે ઓળખનો અને બીજો રસ્તો છે ઉદ્દેશનો. આપણે બ્રાહ્મણ છીએ કે હિંદુ છીએ અથવા મુસલમાન છીએ એટલે પરિવાર રચવાનો છે. આ ઓળખ થઈ. આપણે બ્રાહ્મણ છીએ, હિંદુ છીએ કે મુસલમાન છીએ એટલે દેખીતી રીતે મહાન છીએ એ ઓળખને પાકી કરવા માટેનો વરખ થયો. ઉપરનો ઓપ થયો. ધીરે ધીરે વરખનો ચળકાટ મૂળ પદાર્થની જગ્યા લઈ લે. આ ઓળખનું મિથ્યાભિમાન થયું. આપણે મહાન છીએ માટે આપણે આપણી મહાનતા સ્થાપિત કરવી જોઈએ, સરસાઈ મેળવવી જોઈએ અને બીજાઓ પાસે કબૂલ કરાવવું જોઈએ એ ઉદ્દેશ થયો.’
જગત બે સાલ પહેલાં જેની જન્મ-દ્વિશતાબ્દી ઉજવી રહ્યું હતું તે વિદ્વાન ચિંતક અને ફિલસૂફ કાર્લ માર્ક્સને નામે એક વાક્ય બોલે છે : ‘It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.’ [માનવીની અસ્મિતા તેનું અસ્તિત્વ નિશ્ચિત કરતું નથી, બલકે તેનું સામાજિક અસ્તિત્વ તેની અસ્મિતાને નિશ્ચિત કરતું હોય છે.]
પાનબીડું :
આપણે બધા થોડા વધારે માણસ, થોડા વધારે ભારતીય ન થઈ શકીએ ?
“મારા દેશની ગમે એવી વિશેષતા શી છે? અહીં અસહિષ્ણુતા કે અંતિમવાદી વલણ માટે પરસ્પર દોષારોપણ થતું રહેશે છતાં વાસ્તવિક્તા એ છે કે આ દેશમાં ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા કટ્ટર માનસિકતા ધરાવતા હિંદુઓથી ઘણી વધારે છે. આજે પણ આ સાચું છે. એવું અન્ય કોમ માટે પણ કહી શકાય. જો કે આ સત્ય હોવા છતાં વાતાવરણ ડહોળાયું હોય એવું લાગે, સલામતી અને લાગે તે કહેવાની હિંમત ઓછી થતી લાગે તો તમામ ઉદાર માનસિકતા ધરાવનારાઓએ અવાજ વધારે બુલંદ કરવો પડશે. મારા તમામ ઉત્તમ મિત્રો હિંદુ કે પારસી કે જૈન છે એનું કારણ એ તમામ ભારતીય પહેલાં છે મારી જેમ, પછી બીજી ઓળખ. આપણે બધા થોડા વધારે માણસ, થોડા વધારે ભારતીય ન થઈ શકીએ? આજે સમયની આ માંગ છે એવું નથી લાગતું?”
— શરીફા વીજળીવાળા
(શરીફાબહેનની ફેઇસબૂક વૉલ પરેથી સાભાર)
હેરૉ, 29 જૂન – 28 જુલાઈ 2020
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
[શબ્દો : 1713]
પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”, પુસ્તક : 85; અંક : 04; પૃ.61-65