કાશી વિશ્વનાથના મંદિરમાં, સહન ન કરી શકીએ એટલી હદે ગંદકીને વહેતી ગંગામાં, ઘાટ પર કર્મકાંડનો ધંધો કરનારા ઘાટિયા બ્રાહ્મણોના છળકપટમાં, મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોને અગ્નિ આપીને મુક્તિ અપાવનારા ડોમ રાજાના દરબારમાં કાશી શોધશો તો મળે એમ નથી; પણ કાશીમાં જો બનારસ શોધશો તો તમને અદ્દભુત શહેર હાથ લાગશે
નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલે બનારસમાંથી ઉમેદવારી કરીને બનારસને પ્રસિદ્ધિમાં લઈ આવ્યા એ પહેલાં કાશી, બનારસ અને વારાણસી એ એક જ શહેરનાં ત્રણ નામ છે એની જાણ હતી ખરી? મને ખાતરી છે કે મોટા ભાગના વાચકોને એની જાણ નહીં હોય અને હજી આજે પણ એવી જાણ ન હોય તો આશ્ચર્ય નહીં થાય. પોતાની જાતને દેશપ્રેમી તરીકે ખપાવવા માટે કોઈ અન્ય કોમના દેશપ્રેમ વિશે શંકા કરીને એને ધિક્કારીએ એટલું પૂરતું છે, દેશને જાણવાની કોઈ જરૂર રહેતી નથી. દેશને નહીં ઓળખનારા દેશપ્રેમીઓ સૌથી વધુ ભારતમાં મળી આવશે. આપણને નથી દેશના ઇતિહાસનું જ્ઞાન, નથી સમાજનું જ્ઞાન એમ નથી પરંપરાનું જ્ઞાન. આપણો દેશપ્રેમ ટૂંકી મૂડીનો છે.
દરેક ચીજનું રાજકારણ કરવાની આપણને આદત છે એટલે આ શહેરના નામનું પણ રાજકારણ ચાલી રહ્યું છે. હિન્દુ ધર્માભિમાનીઓ ધરાર કાશીનો આગ્રહ રાખે છે, કારણ કે કાશી ભારતનું પ્રાચીન અને પવિત્ર શહેર છે. મુસલમાનોએ ભારતમાં પ્રવેશ કર્યો એ પહેલાં કાશી હિન્દુઓના અંતરાત્મામાં વસતું હતું અને આજે પણ વસે છે. જીવનમાં ઓછામાં ઓછું એક વાર કાશી જઈ ગંગાસ્નાન કરીને પાપનું પ્રક્ષાલન કરવાનો દરેક હિન્દુ મનોરથ ધરાવે છે. કાશીમાં ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક કાશી વિશ્વનાથનું મંદિર છે અને બીજાં જ્યોતિર્લિંગોમાં વિશ્વનાથના મંદિરનું વિશેષ મહત્ત્વ છે. આનું કારણ એ છે કે પ્રાચીન માન્યતા મુજબ ભગવાન શંકર કાશીમાં કાયમી વાસ કરે છે. આને કારણે કાશીનું એક ચોથું નામ અવિમુક્ત પણ છે જે પ્રચારમાં નથી. આ નામકરણ અદ્દભુત છે. અવિમુક્ત એટલે જ્યાં મુક્તિ ન હોય એ. કાશીમાં તો પાપીને પણ મુક્તિ મળે છે તો પછી અવિમુક્ત કેવી રીતે કહેવાય? આનો શાસ્ત્રોમાં એવો ખુલાસો આપવામાં આવ્યો છે કે જીવની મુક્તિ માટે શિવે પોતાની મુક્તિ ત્યજી દીધી છે અને કાયમ માટે કાશીમાં વાસ કરે છે. જીવ માટે મુક્તિ અને શિવજી માટે અવિમુક્તિ એટલે કાશીનું એક નામ અવિમુક્ત પણ છે.
મુસલમાનો ભારતમાં આવ્યા એ પછી હિન્દુ અને મુસલમાનોની ગંગા-જમની મિશ્ર સંસ્કૃિત વિકસી હતી અને એ ગાળામાં કાશી બનારસ તરીકે પ્રસિદ્ધ થયું હતું. આજે પણ કાશી માટે બનારસ વધારે પ્રચલિત નામ છે. બનારસી સાડી અને બનારસી પાનથી અપરિચિત હોય એવો એક પણ હિન્દુસ્તાની નહીં મળે. બનાર નામનો કોઈ હિન્દુ રાજા હતો જેણે કાશીનું નામ બદલીને પોતાના નામે બનારસ રાખ્યું હતું એમ કહેવામાં આવે છે. આ વાત ગળે ઊતરે એવી નથી. બનાર નામનો કોઈ રાજા ક્યારે ય થયો હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી. વિદ્વાનોના મતે બનારસ એ વારાણસીનું અપભ્રંશ છે એમ માનવામાં આવે છે અને એ અભિપ્રાય વધારે તર્કસંગત છે. બનારસમાં ત્રણ નદીઓ વહે છે. પૂર્વે વરુણા નદી ગંગાને મળે છે અને પશ્ચિમે અસ્સી નદી ગંગાને મળે છે. ગંગાને કિનારે અને વરુણા અને અસ્સી નદીની વચ્ચે જે શહેર વસ્યું છે એને વારાણસી કહેવામાં આવે છે. સ્થાનિક ભોજપુરી ભાષામાં વરુણાને બરુણા કહેવામાં આવે છે અને એ રીતે વારાણસી બારાણાસી થઈને બનારસી બન્યું અને બનારસ તરીકે પ્રસિદ્ધ થયું. આમ બનારસ નામમાં મુસલમાનોનો કોઈ હાથ નથી, પણ એ છતાં પંડિતોને અને હિન્દુવાદીઓને બનારસ નામ સામે વાંધો છે. તેમના વિરોધનું એક કારણ એ છે કે બનારસ નામ મુસ્લિમ શાસકોના યુગમાં વધારે પ્રચલિત થયું જેને અંગ્રેજોએ અપનાવી લીધું અને બીજું કારણ એ છે કે એ જનસાધારણે અપનાવેલું નામ છે. હિન્દુ સમાજ એવો છે જેમાં બ્રાહ્મણો અને પંડિતો હિન્દુ સંસ્કૃિતના ગર્ભગૃહમાંથી જનસાધારણને બહાર રાખવામાં માને છે. અંગ્રેજો ગયા કે તરત જ ભારતની પહેલી પેઢીના બ્રાહ્મણ શાસકોએ બનારસ નામ હટાવીને કાશીનું સત્તાવાર નામ વારાણસી કરી નાખ્યું હતું. બનારસમાં ચાર રેલવે-સ્ટેશનો છે જેમાંથી એકેયનું નામ બનારસ નથી. કાશ્મીરના પંડિત અને વીતેલી પેઢીના રેલવે-પ્રધાન કમલાપતિ ત્રિપાઠીને બનારસ નામ સામે વાંધો હતો.
વિદ્યાનિવાસ મિશ્ર બનારસના મોટા પંડિત હતા અને હિન્દી અખબાર “નવભારત ટાઇમ્સ”ના તંત્રી હતા. તેઓ કાશીને એટલો પ્રેમ કરતા હતા કે બે વર્ષથી વધુ કાશીની બહાર રહી શકતા નહોતા. “નવભારત ટાઇમ્સ”ના તંત્રી થવાની જ્યારે તેમને ઑફર કરવામાં આવી ત્યારે તેમણે સ્પક્ટતા કરી હતી કે તેઓ બે વર્ષ માટે જ તંત્રીપદની જવાબદારી સંભાળશે, કારણ કે બે વર્ષથી વધુ કાશીની બહાર રહેવું તેમના માટે શક્ય નથી. આવી જ હાલત શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની હતી. બિસ્મિલ્લા ખાને કમાવા માટે મોટા શહેરમાં સ્થળાંતરિત થવાની ના પાડી દીધી હતી. બિસ્મિલા ખાને અનેક વાર કહ્યું છે કે તેઓ જ્યારે પણ કાર્યક્રમ આપવા બનારસની બહાર જાય છે ત્યારે તેમનું શરીર જ જતું હોય છે, આત્મા તો બનારસમાં હોય છે. બનારસનું કોઈ વિલક્ષણ આકર્ષણ છે અને એવું આકર્ષણ ધરાવનારા એકાદ લાખ બનારસીઓ આજે પણ મળી આવશે. આ આંકડામાં લગીરે અતિશયોક્તિ નથી, કારણ કે આ લખનાર બનારસી નહીં હોવા છતાં બનારસ માટે ખેંચાણ અનુભવે છે અને વર્ષમાં એકાદ આંટો બનારસનો મારી આવે છે. કાશી વિશેની તુલસીદાસની એક પંક્તિ પ્રસિદ્ધ છે : ચના ચબૈના ગંગજલ જો પુરબે કિરતાર, કાશી કબહુંના છોડીએ વિશ્વનાથ દરબાર. અર્થાત્ પેટ ભરવા ચણ અને પીવા માટે ગંગાજળ ભગવાન આપે છે, માટે જ્યાં બાબા વિશ્વનાથનો દરબાર છે એ કાશી ક્યારે ય ન છોડવું.
તો આપણે વાત વિદ્યાનિવાસ મિશ્રની કરતા હતા. બનારસને અખૂટ પ્રેમ કરનારા પંડિતજી ટિપિકલ બનારસી વિસંગતિ ધરાવતા હતા. તેઓ જ્યારે હિન્દીમાં બોલતા હોય તો શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ હિન્દીમાં બોલે અને એમાં એક પણ શબ્દ અરબી-ફારસીનો ન આવે. હિન્દીમાં વાતચીત કરતી વખતે તેઓ ભૂલમાં પણ કાશીની જગ્યાએ બનારસનો પ્રયોગ ન કરે, પણ મિશ્રજી જ્યારે ભોજપુરીમાં બોલતા હોય તો કાશી માટે બનારસ નામનો ઉપયોગ કરે અને ભૂલમાં પણ તેમની જીભ પર કાશી શબ્દ ન આવે. આ બનારસની તાસીર છે. બનારસનો ભદ્ર વર્ગ બહારના લોકો સાથે શુદ્ધ હિન્દીમાં બોલે, પરિવારની અંદર પોતાનાં મૂળ સાથે સંબંધ જોડવા અને એનો આનંદ લેવા ભોજપુરીમાં બોલે અને કાછિયા કે રિક્ષાવાળા જેવા જનસાધારણ સાથે તેમની ઊતરતી સંસ્કૃિતની દયા ખાઈને તેમની સુવિધા ખાતર ભોજપુરીમાં બોલે. આવું જ મુસલમાનોનું. ઉચ્ચકુલીન મુસલમાનો બહારના લોકો સાથે ઉર્દૂમાં કે હિન્દુસ્તાનીમાં બોલશે, ઘરમાં મૂળ સાથે સંબંધ જાળવી રાખવા ભોજપુરીમાં બોલશે અને જનસાધારણ સાથે ભોજપુરીમાં બોલશે. બનારસમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વ્યવહારની ભાષા ભોજપુરી અથવા હિન્દુસ્તાની છે.
આ વિસંગતિનો સૂચિતાર્થ ધ્યાનમાં આવ્યો ખરો? તૂટી ગયેલાં કે ક્ષીણ થઈ ગયેલાં પ્રાચીન મૂળિયાં સાથે ફરી વાર સંબંધ જોડવા માટે પોતાના જિવાતા જીવનનાં વાસ્તવિક મૂળિયાંને ક્ષીણ કરે એનું નામ હિન્દુસ્તાની. હિન્દુઓ સંસ્કૃત સાથે સંબંધ જોડવા સ્થાનિક, પ્રચલિત અને સમૃદ્ધ ભાષાને ક્ષીણ કરી રહ્યા છે અને એ રીતે ગંગા-જમની સંસ્કૃિતને નકારી રહ્યા છે તો બીજી બાજુ મુસલમાનો અરબી અને ફારસી ભાષા સાથે સંબંધ જોડવા સ્થાનિક ભાષાને અને એ રીતે ગંગા-જમની સંસ્કૃિતને નકારી રહ્યા છે. આ નકારાત્મકતા આજના યુગની આપણી સમસ્યા છે. દૂરની પણ કહેવાતી અસ્સલ ઓળખ શોધવા માટે જિવાતા જીવનની વાસ્તવિક ઓળખને નકારવામાં આવી રહી છે. વિસંગતિ એવી છે કે એક બાજુ કૃત્રિમતાનો ભાર અનુભવાય છે તો બીજી બાજુ સુખ તો જિવાતા જીવનની વાસ્તવિક ઓળખ દ્વારા જ મળે છે.
બનારસ સતત અસ્તિત્વ ધરાવનારાં વિશ્વનાં પ્રાચીન શહેરોમાંનું એક છે અને કેટલાક લોકોના અભિપ્રાય મુજબ વિશ્વનું પ્રાચીનતમ શહેર છે. આ રીતે બનારસ ભારતીય સંસ્કૃિતનું કેન્દ્રબિંદુ છે, એક રીતે કહો તો ભારતની સાંસ્કૃિતક પીઠ છે. સ્વાભાવક રીતે બનારસમાં આ વિસંગતિ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. બનારસી પંડિતો જાહેરમાં ધરાર સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો અને કાશીનો મહિમા કરે છે, પણ ઘરની ચાર દીવાલની અંદર પોતાનાઓ સાથે ભોજપુરી દ્વારા બનારસની સંસ્કૃિતનો આનંદ લૂંટે છે અને પોતાનાં વાસ્તવિક મૂળિયાં સાથે સંબંધ જોડીને હળવાશ અનુભવે છે. વિદ્યાનિવાસ મિશ્ર હોય, પંડિત બલદેવ ઉપાધ્યાય હોય, હઝારી પ્રસાદ દ્વિવેદી હોય, ગોપીનાથ કવિરાજ હોય કે વાગીશ શાસ્ત્રી હોય; બનારસના ખેરખાં પંડિતોમાં આ વિસંગતિ હંમેશાં જોવા મળી છે.
બહારથી આવતા યાત્રાળુઓ બનારસમાં કાશી શોધે છે અને કાશીના લોકો કાશીમાં બનારસ શોધે છે. કાશી વિશ્વનાથના મંદિરમાં, સહન ન કરી શકીએ એટલી હદે ગંદકીને વહેતી ગંગામાં, ઘાટ પર કર્મકાંડનો ધંધો કરનારા ઘાટિયા બ્રાહ્મણોના છળકપટમાં, મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોને અગ્નિ આપીને મુક્તિ અપાવનારા ડોમ રાજાના દરબારમાં કે મૃત્યુની રાહ જોઈને જીવન વિતાવતા મુમુક્ષુ ભવનોમાં કાશી શોધશો તો મળે એમ નથી. અહીં કાશીના નામનો વેપાર ચાલે છે. કાશીની વિકૃત અવસ્થા જોવી હોય તો બે ફિલ્મ જોવાની ભલામણ કરું છું. એક છે દીપા મહેતાની ‘વૉટર’ અને બીજી છે ભાવના તલવારની ‘ધર્મ’. કાશીના હિન્દુ કોમવાદીઓએ કાશીમાં ‘વૉટર’નું શૂટિંગ થવા દીધું નહોતું, કારણ કે એમાં કાશીનો વર્તમાન ચહેરો પ્રગટ થતો હતો. કાશીની આજની અવસ્થા વિશેનો એક દોહો પ્રચલિત છે : રાંડ સાંડ સીડી સંન્યાસી ઇનસે બચે સો સેવે કાશી. સીડી એટલે કાશીમાં ઘાટ પર ઊતરવા માટેની સીડી જે કઠેડા વિનાની અને ચોમાસામાં લપસણી ત્રણ માળ જેટલી ઊંચી હોય છે.
પણ કાશીમાં જો બનારસ શોધશો તો અદ્દભુત શહેર હાથ લાગશે; જેમાં પ્રાચીન કાશી પણ છે, ગંગા-જમની બનારસ પણ છે, શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃિતના સમન્વયરૂપ સારનાથ છે અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી તેમ જ તિબેટન ઇન્સ્ટિટ્યૂટ જેવાં આધુનિક શિક્ષણધામો પણ છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 મે 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-04052014-24