તાજેતરમાં ઓક્સફામ દ્વારા પ્રગટ કરાયેલો એક અહેવાલ વાંચવામાં આવ્યો, જેમાં દર્શાવાયું છે કે આ દુનિયાના ૮૫ ધનિકો પાસે બાકીના બધા નિર્ધનો પાસેની મૂડી એકઠી કરીએ તેટલું ધન જમા થયેલું છે.
આ અહેવાલમાં આપેલ ગુણદર્શક આંક ફેરવતા કેટલીક હકીકત તારવી શકાઈ જેનો સાર આ પ્રમાણે છે: અઢળક સંપત્તિનો સ્રોત છે ખાણ ઉદ્યોગ, એપલ કમ્પ્યુટર, ગુગલ, ફેઈસબુક, ડીઝની, ખનીજ તેલ, ગેસ, ખાંડ ઉત્પાદન અને વેંચાણ, કમ્પ્યુટર સોફ્ટવેર, બેંકમાં ધીરધારનો ધંધો સંભાળનારા, સમાચાર પત્રો, ટેલીકોમ, સ્ટીલ ઉદ્યોગ અને સુપર માર્કેટ જેવા અનેકાનેક વેપાર-ઉદ્યોગ.
આવા ધનિકોની ઉંમર ચાલીસથી માંડીને એકાણું વર્ષની છે તેવું પણ આલેખાયેલું છે જેથી મને પણ આ સાહસ ક્ષેત્રમાં પાકી ઉંમરે ઝંપલાવવાનું બળ મળે છે. વળી સંપત્તિની માલિકી કોઈ અમુક દેશના નાગરિકોનો જ ઈજારો તો નથીને એ જોવા મહેનત કરી તો જણાયું કે ના હોં, યુરોપ, અમેરિકા, કેનેડા, સાયપ્રસ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલીપાઈન્સ, ચીલી, ઓસ્ટ્રેલિયા અરે નાઇજીરિયા અને ભારત જેવા દેશોના ધનિકો પણ કુબેરોની ટોળકીમાં સામેલ છે. એ જાણીને જરા સારું લાગ્યું, ખોટું નહીં બોલું, ભાઈ. આપણને કોઈ બાબતમાં પાછળ રહી જવું ન પોસાય. અને ઉપર જણાવેલા જે તે દેશોમાં માનવ અધિકાર ભંગની હરીફાઈ થાય છે તેમાં ભારત મોખરે છે એ સહુ જાણે છે.
એક પછી એક કરોડપતિઓનાં ઠામઠેકાણાં અને એમની કોથળીના વજનની ભાળ મળતી ગઈ તેમ તેમ મારા હરખનો પાર ન રહ્યો. પણ સાચું કહું, જયારે લક્ષ્મી મિત્તલ પાસે $૧૬.૫ બીલિયન હોવાનું જાણ્યું ત્યારે થયું બસ આટલા જ? એમણે બાકીના ક્યાં વાપરી નાખ્યા હશે? આમાં દુનિયા આગળ ભારતની આબરૂ ક્યાં રહે? ત્યાં વળી મુકેશ અંબાણીની તિજોરીમાં $૨૧.૫ બીલિયન બોલતા જોઈને થયું હવે બરાબર. જો કે તો ય જેની પાસે $૬૫ કે $૮૭ બીલિયન ડોલર છે તેની પાસે ભરતના આ સપૂતોની મિલકત કોઈ હિસાબમાં નહીં. હશે, ધીમે ધીમે ભારત પણ પહેલા ત્રણ અબજોપતિઓ પેદા કરતું થશે, જરા વડાપ્રધાન પદ પર ગુજરાતને સ્વર્ણિમ બનાવનાર જાદુગરને બિરાજવા દો, પછી જુઓ મજા.
ભલા, મારા જેવા અણસમજુને વિચાર એવો આવે કે ખેતી, મકાન બાંધકામ, કાપડ ઉદ્યોગ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે જેવા જીવન જરૂરિયાતના કામ-ધંધા કરનારામાંથી કેમ કરોડો કે અબજોપતિ નહીં નીપજતા હોય? સુપર માર્કેટ્સ, કમ્પ્યુટરને લગતા ધંધાઓ, બિયર ઉત્પાદન-વેંચાણ, ખનીજ તેલ અને સ્ટીલ (કે જે મુખ્યત્વે વાહનો, શસ્ત્રો અને ભારે ઓજારો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે) તે શું માનવ જીવનની જરૂરિયાતો છે? તો એનું વળતર આટલું રૂપાળું કેમ મળે? અને તે પણ માત્ર મુઠ્ઠીભર લોકોને જ તેનો લાભ મળે? ઉપર ગણાવ્યા છે એ તમામ ઉત્પાદન અને વેપારના ક્ષેત્રમાં કેટલા લાખ લોકો કામ કરતા હશે? એમને શું વળતર મળતું હશે? ખાંડ બનાવનાર ફેકટરીના કારીગરને ચામાં ખાંડ નાખવી નહીં પોસાતી હોય પણ તેનો માલિક પોતાની ચામાં સોનાના વરખ વાળી ચા પીતો હશે.
લિયો ટોલ્સટોય ખૂબ વૈભવી જીવન જીવતો હતો. એને અહેસાસ થયો કે જ્યાં કોઈ મુઠ્ઠીભર માણસો પોતે મહેનત ન કરીને બીજા પાસે વેઠ કરાવી શકે ત્યાં ગુલામી આવે છે અને મેહનતકશ માનવીનું ગૌરવ થવાને બદલે એદી માણસોના અખૂટ ભંડારની વાહ વાહ બોલાય છે. તેણે મજૂરી કરતા ભૂખ્યા કંગાળ લોકો અને વૈભવમાં રાચતા લોકો વચ્ચેના જીવનમાં વિરોધાભાસ સામે આંગળી ચીંધી. આપણા પેલા ૮૫ ધનિકોને આ હકીકત દેખાતી હશે? ટોલ્સટોયએ કહ્યું કે માનવ જાત માટે મજૂરી કરવી એ જીવન નભાવવા માટેનો એક સર્વ સામાન્ય બોજ છે પણ કેટલાક પ્રમાદી લોકોએ પોતાનો મહેનત કરવાની ફરજનો બોજો બીજા પર નાખીને માનવ જાત પર બહુ મોટો શાપ વહોર્યો છે. ટોલ્સટોયને જે ઘડીએ આ વરવી વાસ્તવિકતાનું ભાન થયું તે જ ઘડીએ સાપ કાંચળી ઉતારે તેમ પોતાની સર્વ સુખ સુવિધાઓ ત્યાગીને એક અકિંચન ખેડુનું જીવન જીવતો થયો.
દુનિયાના ધનિકોની યાદીમાં શામેલ સહુ અબજોપતિ-કરોડપતિઓને માત્ર એક અને એક જ વર્ષ માટે તેમના ઉદ્યોગ કે વેપાર ક્ષેત્રમાં કામ કરતા કામદાર કે નોકરિયાત વર્ગના ઘરમાં એમને મળતા પગારની મર્યાદામાં રહેવાની ફરજ પાડીએ તો કદાચ એમની આંખ ઉઘડે અને પોતાને થતા અમર્યાદ નફાની સમાન વહેંચણી માટે પ્રેરણા મળે. ત્યાં સુધી માત્ર Haves and Have nots જેવા વર્ગ ભેદમાં માનવ જાત સબડયા કરશે. સરકારો ધનિકો પાસેથી વધુ કરવેરા ઉઘરાવવાના વચનો આપશે, કર્મશીલો આ કરુણ પરિસ્થિતિ માટે ઊહાપોહ કરીને પોતાના ઉદાર વલણનું પ્રદર્શન કરશે અને એ ઘંટીના બે પડ વચ્ચે ૮૫ ધનિકોના સામે છલડે બેઠેલા નિર્ધનો પોતાના મોઢામાં ક્યારે ઉચ્છિષ્ટ અન્ન પડશે તેની રાહ જોતાં જોતાં મજૂરી કર્યા કરશે.
e.mail : 71abuch@gmail.com