જમીપરવારીને બેઠા હતા ત્યાં પાસેના ગામ જાગેશ્વરીથી ગીતોના બોલ-કિલ્લોલ અાવવા લાગ્યા તો હું અને મલય ત્યાં ગયા. ત્યાં રાસગરબા થઈ રહ્યા હતા. એક મોટા ચોગાનમાં અાખું ગામ હલક્યું હતું. રંગબેરંગી કપડાંમાં સજીધજીને વહુવારુઅો અને કન્યાઅો ઝાંઝરના ઝમકારે ઘૂમી રહી હતી ને ગાઈ રહી હતી :
મથુરામાં ખેલ ખેલી અાવ્યા
હો કા’ન તમે ક્યાં રમી અાવ્યા !
બચપણમાં કેટલી ય વાર સાંભળેલું અા ગીત કેવું તો મીઠું લાગી રહ્યું હતું ! અાવાં ગીતો થકી જ ગુજરાતી ભાષા જોડેનો અમારો નાતો અનેક પેઢીઅો સુધી ટકી રહેશે. અમે જબલપુરમાં વસી ગયાં છીએ. અાગળ જતાં અમારું કુટુંબ હિંદીભાષી થઈ જશે, પરંતુ બધાં એકીસાથે નહીં થાય. પુરુષોની ગુજરાતીનાં કાંગરા પહેલાં ખરશે. તેઅો ત્રણેક પેઢીમાં જ હિંદીભાષી જઈ જશે. પરંતુ સ્ત્રીઅોને પાંચ-છ પેઢી થઈ જશે. વારતહેવારે ગવાતાં અાપણા રાસ, ગરબા, લોકગીતો ને લગ્નગીતો ગુજરાતી ભાષાથી એમનો નાતો સહેજે તૂટવા નહીં દે. ‘મેંદી તે વાવી માળવે’, ખમ્મા મારા નંદજીના લાલ’, ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ જેવાં લોકગીતો, ‘વૈષ્ણવ જન’ જેવાં ભજનો કે તરેહતરેહનાં લગ્નગીતો એમનો ગુજરાતી ભાષા જોડેનો સંબંધ સેંકડો વર્ષો સુધી ટકાવી રાખશે. ગદ્ય કરતાં પદ્યનાં મૂળિયાં ઊંડાં હોય છે. એટલે જ ગદ્ય કરતાં પદ્યની અાવરદા વધુ હોય છે. મારા મનમાં અા ગીતનો પડઘો અા રીતે પડ્યો :
ગિરિ તળેટીમાં ખેલ ખેલી અાવ્યાં
હો રેવા તમે ક્યાં રમી અાવ્યાં !
ધસમસતાં વહેણ ક્યાં મૂકી અાવ્યાં !
અા છાનાં વહેણ કોનાં લઈ અાવ્યાં !
મીઠાં મધુરાં જળ ક્યાં મૂકી અાવ્યાં !
અા છાનાં વહેણ કોનાં લઈ અાવ્યાં !
મીઠાં મધુરાં જળ ક્યાં મૂકી અાવ્યાં !
અા ખારાં જળ કોનાં લઈ અાવ્યાં !
રાસ ખૂબ ચગ્યો હતો. સ્ત્રીઅો જાણે હવામાં ઊડી રહી વાતાવરણ ઉત્સાહ અને ઉલ્લાસથી છલકતું હતું. ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો છે. અા ગામના કૂવા સૂકાઈ ગયા છે. અા જ સ્ત્રીઅો અાખો દિવસ મીઠીતલાઈને કૂવે બેડાં સીંચતી રહેતી, પણ અત્યારે અા બધું ભૂલીને અાનંદ અને ઉલ્લાસની રમણે ચડી છે ! મન મૂકીને ગાઈ રહી છે ! અાખું ગામ ઉત્સવઘેલું થયું છે ! અા માનવની અસીમ અાસ્થા અને અતૂટ અાત્મવિશ્વાસનું પરિચાયક છે.
ગરબા નોરતામાં થાય, શરદ પૂનમની રાતે થાય. દિવાળીની રાતે અહીં જોવા મળ્યા. તહેવાર ઉજવવાનું કોઈ અા ગામથી શીખે.
(‘પરિક્રમા નર્મદા મૈયાની’, પૃ. 184-185, પહેલી અાવૃત્તિ -1994)