સ્વાયત્તતાએ ભરેલો અને ભારેલો આ અંક પ્રેસમાં જાઉં જાઉં છે અને દેશના ચુનંદા વૈજ્ઞાનિકો અને એવા જ નામી ફિલ્મકારોનાં નિવેદન આવે છે કે દેશમાં વૈજ્ઞાનિક અભિગમ અને વિવેકશૂન્યતા તેમ અસહિષ્ણુતાનો જે માહોલ જામ્યો છે તેની સામે અમે વિરોધલાગણી નોંધાવીએ છીએ. પચાસ ઇતિહાસકારોએ વાતાવરણને વિષાક્ત કરતા ઘટનાક્રમ વિશે વડાપ્રધાનના મૌન બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ નિવેદનકારો પૈકી સંખ્યાબંધે પોતાનાં માનસન્માન પાછાં વાળ્યાં છે. લાગે છે, દેશમાં એક નવી હવા બની રહી છે. બને કે અસંમતિના આ અવાજો કોઈક નવા વિમર્શ વાસ્તે સમો બાંધી રહે. આ નવો (અગર તો સહજક્રમે હોવો જોઈતો) વિમર્શ કોઈ ડોગ્મેટિક અને ડોક્ટ્રિનેર કહેતાં મતાંધ મૂઢાગ્રહને ધોરણે અલબત્ત ન જ હોય. પણ માનવ મૂલ્યોથી પ્રેરિત સમુદાર લોકશાહીની એની ચાલના અલબત્ત હોય જ હોય.
એપ્રિલ ૨૦૧૫માં સરકારનિયુક્ત અકાદમી આવી અને સમાનધર્મા મિત્રોના સહયોગપૂર્વક ‘નિરીક્ષક’ સ્વાયત્તતા આંદોલન સાથે સંકળાયું એમાં કશું નવાઈ પમાડનારું સ્વાભાવિક જ નહોતું, કેમ કે એપ્રિલ ૧૯૯૨માં તંત્રીપદ સંભાળવાનું બન્યું ત્યારથી જે અભિગમ રહ્યો છે એનું એમાં સાતત્ય છે. બલકે, ‘નિરીક્ષક’ના આદ્ય અવતારનું દાયિત્વ નિર્વહણ કરનાર પ્રકાશ પબ્લિકેશન્સના સ્થાપક અધ્યક્ષ ઉમાશંકર જોશી અને પચીસ કરતાં વધુ વરસ પર સ્થપાયેલ નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતમાં સ્વાયત્ત અકાદમી આંદોલનના અગ્રયાયી રહ્યા છે તે અર્થમાં વર્તમાન તંત્રીનું ચોક્કસ ઉત્તરદાયિત્વ પણ બને છે.
ભિન્નમત નિઃસંકોચ છાપતે છતે છેલ્લા છ મહિનામાં આપણે જે નાનાવિધ સામગ્રી જોગવતા રહ્યા છીએ તેના પરથી તાજેતરનાં વરસોમાં જોડાયેલા વાચકવર્ગને પણ ખયાલ આવ્યો જ હોય કે પરબારી અધ્યક્ષનિયુક્તિને કારણે જાગેલી વ્યાપક પ્રતિક્રિયા છતાં આ કોઈ નવું આંદોલન છે એમ નથી. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી અનુક્રમે દર્શક-યશવન્ત શુક્લ અને ભોળાભાઈ પટેલ-કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં કાર્યરત અકાદમીને સુષુપ્ત ને મૂર્છિતવત્ કરવાનો દોર ચાલુ થયો તે દરેક તબક્કે અને વળાંકે ‘નિરીક્ષક’ તરફથી ધ્યાન દોરાતું રહ્યું છે. અલબત્ત, છૂટાછવાયા અવાજો છતાં વ્યાપક વિરોધને ધોરણે ઉદ્યુક્ત ને ગઠિત થવાનું ધાર્યું બન્યું નહોતું એ સાચું છે. કદાચ, પેલી કહેતી માંહેલા ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી પરબારી નિયુક્તિની પ્રતીક્ષા હશે? જો કે, છેલ્લી ચૂંટાયેલી અકાદમીના નેતૃત્વ અને સભ્યમંડળીની સક્રિયતા સુષુપ્તિકાળ સામે ઓછી પડી એટલું જ નહીં પણ એક પા મૂર્છિત અકાદમી અને બીજી પા સપ્રાણ સન્માન સ્વીકારનો સિલસિલો જારી રહ્યો તેણે ૨૦૧૫ના સરેઆમ સરકારીકરણનો પથ પ્રશસ્ત કર્યો એમ કહેવામાં વાસ્તવકથન માત્ર છે.
દેશમાં ‘ગુજરાત મોડલ’ની ગાજવીજ જાણીતી છે. જો આપણી અકાદમી સાથે ય એવો કોઈ મોડલ વહેવાર થયો હોય અને આગળ ચાલતાં દેશની અકાદેમી સાથે પણ ગુજરાત વેધશાળાની સર્ટિફાઇડ શૈલીએ તેમ જ થવાનું હોય તો અહીં લડત આપવાનું મહત્ત્વ ખાસું વધી જાય છે.
લાગે છે, ગુજરાતનો સાહિત્યસમાજ આના સમ્યક્ અંદાજ (અને એમાંથી ફલિત થતી જવાબદારી) બાબતે કંઈક ઊંઘતો ઝડપાયો છે. આંદોલન ચાલ્યું અને સાહિત્ય પરિષદનો ૨૦૦૭નો નારાયણ દેસાઈની નિશ્રાપ્રાપ્ત ઠરાવ કંઈક જાગવા લાગ્યો. પણ બીજા કેટલાક સન્માન્ય સુહૃદોને સારુ આ જાગૃતિ જાણે કે વાયા કલબુર્ગી (અને વિશ્વનાથ તિવારી) આવવાને નિરમાયેલ હતી. તે પણ સ્વાગતાર્હ જ હોય અને એનું રાષ્ટ્રીય સંધાન છેક પીઈએન ઇન્ટરનેશનલ લગી આખી વાતને લઈ ગયું એનોયે સમાદર જ હોય. ૧૬ ઑક્ટોબરના અંકમાં ‘નિરીક્ષક’તંત્રીએ અગ્રસ્થાનેથી અલબત્ત આ પ્રશ્ને ઘટતો ઊહાપોહ કર્યો જ હતો.
કેન્દ્રીય અકાદેમીની કારોબારીએ તાકીદની બેઠકમાં કરેલા ઠરાવનો મહત્ત્વનો અંશ આ અંકમાં પ્રકાશિત કર્યો છે, અને તે સ્વયંસ્પષ્ટ છે. જે લેખકોએ પોતાનાં ઍવોર્ડ પરત કરીને અકાદેમીને જગાડવા ચાહ્યું હતું એ સૌને કારોબારીએ હવે એમના ઍવોર્ડ પાછા વાળવા બાબતે ખમૈયા કરવા કહ્યું છે અને પુનઃ સ્વીકાર સારુ અરજ કરી છે એમાં કંઈક પથસંસ્કરણનો સંકેત અવશ્ય પડેલો છે. ઘરઆંગણે ગુજરાતમાં ગણેશ દેવીએ એ સંદર્ભમાં વિધાયક અભિગમ પ્રગટ કર્યો છે એમાં ઔચિત્ય પણ છે. અનિલ જોશી આવા કોઈ પુનર્વિચાર માટે તૈયાર નથી તેમ એમના પ્રગટ પ્રતિભાવ પરથી જણાય છે. સર્જકના મિજાજનો આદર જ હોય. માત્ર, એવી અપેક્ષા અવશ્ય રહે કે એમનો આ જોસ્સો દિલ્હીમાં આવતીકાલે શું થઈ શકે એના ગાંધીનગર ગીની પીગની ય લગરીક દાઝ જાણે.
અનિલ જોશીની એક ચિંતા એ વાતે છે કે આ બધું રઘુવીર ચૌધરીને સાઈડલાઈન કરવા વાસ્તે છે. લાંબા સમયથી ગુજરાતના સાહિત્યિક જાહેર જીવનમાં રઘુવીરભાઈની જે હાજરી છે એ જોતાં આવાં સામસામાં અવલોકનોને અવકાશ રહેવાનો, જેમ કે પરિષદ પ્રમુખના પદાધિકારને લગતી ચર્ચા રમેશ બી. શાહ છેડે ત્યારે એમને ભાગે ય એવો ગણગણાટ આવે કે એ કેમ જાણે કશુંક રઘુવીર તરફે કરી રહ્યા છે. વસ્તુતઃ સ્વાયત્તતા સબબ બે વાત સાફ છે. એના ઠરાવમાં દરેક મોડ પર રઘુવીર યથાસંભવ સહભાગી, અગ્રભાગી રહ્યા છે. એટલી જ સાફ વાત બીજી એ છે કે આંદોલનથી હમણાં સુધી તો એ કિનારો કરતા રહ્યા છે. મુદ્દે, જ્યાં સુધી ગુજરાતી સાહિત્યસમાજના સાર્વજનિક જીવનનો સવાલ છે, આજે આપણે એક એવા નિર્ણાયક માંચી મુકામે અને વળાંકબિંદુએ ઊભા છીએ જ્યારે તમે સ્વાયત્તતા આંદોલનની સાથે છો કે પ્રત્યક્ષ અગર પરોક્ષ સામે છો એના પરથી મારુંતમારું સૌનું માપ મળી રહેશે.
નેવું નાબાદ નિરંજન ભગત આજે એકાણુમે જે રીતે મેરુદંડપૂર્વક ઊભા છે તે સ્વતઃ એક પ્રતિમાન છે. જતાઆવતા બંને પ્રમુખોની સ્વાયત્તતા માટેની પ્રતિબદ્ધતા, તેઓ પોતપોતાની ગજાસંપત ને શક્તિમર્યાદા સાથે, આ મુદ્દે ઉમાશંકર-દર્શકની પરંપરામાં પરિષદની પાટે આવ્યાની સાહેદીરૂપ છે. ૧૯૫૫માં ગોવર્ધનરામની શતાબ્દી વખતે ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ, ભોગીલાલ ગાંધી વગેરેએ વિરોધ પોકાર્યો અને પરિષદ એકાધિકાર આજ્ઞાંકિતા મટી સહભાગી સખીકૃત્યની લોકશાહી ભૂમિકાએ આવી. એવી જ એક ઘડી આપણા સાહિત્યસમાજના સાર્વજનિક જીવનમાં આજે બરાબર સાઠે વરસે આવી છે. અલગ અલગ સ્તરે હર સત્તા-પ્રતિષ્ઠાન સામે સ્વાયત્તતાનાં બળો જાગી ઊઠ્યાં છે, જેમ ત્યારે ક.મા. મુનશી સામે અવાજ ઊઠ્યો હતો.
સાહિત્ય પરિષદના પ્રમુખપદની મર્યાદા ચીંધતી રમેશભાઈની રજૂઆતમાં દમ છતાં સંમેલનની અધ્યક્ષતાને વળોટીને અર્થઘટન અને રુલિંગને ધોરણે તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તે આપણે ધીરુ પરીખના વર્તમાન કાર્યકાળમાં જોયું છે અને મતદારોએ ચંદ્રકાન્ત ટોપીવાળાને ય તેઓ પોતીકી રીતેભાતે સ્વાયત્તતાના સંગોપન-સંબંધની દિશામાં આગળ વધતા રહે તે માટે નિર્ણાયક આદેશ આપ્યો છે.
ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્તતાના મુદ્દે, હવે તો બિનસ્વાયત્ત અકાદમીનો અસહકાર પોકારવાની ભૂમિકા લીધી છે. કારોબારી અને મધ્યસ્થ સમિતિએ ધીરુ પરીખ અને નિરંજન ભગતને સોંપેલી સત્તાનુસાર સરકાર સાથે વિનયવિષ્ટિ અનુત્તર રહ્યા પછીનો આ નિર્ણય છે. પરિષદ અને અકાદમી બેઉમાં એક સાથે સત્તાભોગવટો કરી રહેલાં સન્માન્ય સુહૃદો માટે આ નિર્ણયની ઘડી છે. કદાચ, જે કોઈક જ પળ માટે અંતરાત્માનું હોવું સાર્થક લેખાય તેવી આ એક પળ છે. એપ્રિલથી ઑક્ટોબર લગીના છએક માસના ગાળામાં એમને જો ચિત્ર સાક્ષાત ન થયું હોય તો શું કહેવું. થોભો અને રાહ જુઓ.
ગુજરાત સરકારે પોતે કોઈ લોકશાહી રાહે ઉત્તરદાયી સરકાર છે એ ધોરણે આ પ્રશ્ને તમા રાખવાપણું જોયું નથી. સુણ્યુઅણસુણ્યું કરવું અને ધાર્યું ધૂણવું એ એનો રવૈયો જણાય છે. કેન્દ્રીય અકાદેમીની પ્રાતિનિધિકતાથી આગળ જઈ ગુજરાતમાં આપણે લેખકોની કૉન્સ્ટિટ્યુઅન્સીનું એક વિશેષ પરિમાણ વિકસાવ્યું હતું. એની કદર ન તો સરકારને છે, ન તો એક મોટા અક્ષરકર્મી સમુદાયને.
જેમણે પણ અવાજ ઉઠાવ્યો એનું બ્રાન્ડિંગ અનવરત જારી છે. ભાજપ વિ. કૉંગ્રેસથી માંડી ડાબાજમણી ખાનાખતવણી ચાલુ છે. પ્રાયોજિત અને વિનિર્મિત (મેન્યુફેક્ચર્ડ) વિરોધરૂપે જેટલીએ એનું અવમૂલ્યન કરતાં સંકોચ કર્યો નથી. ભાઈ, સવાલ લોકતાંત્રિક અગ્રચરણ અને સમુદાર માનવ મૂલ્યોનો છે. લેફ્ટરાઈટ તો લશ્કર કરે. અહીં તો નાગરિકની મૂલ્યોત્થ વકટલેંડનો મામલો છે. ‘નિરીક્ષક’નું કહેવું તો એટલું જ છે કે અક્ષરકર્મીઓ લગરીક પણ નાગરિક બને તો લખ્યું પ્રમાણ, લડ્યું પ્રમાણ.
તા.ક.
પેજ પ્રૂફ અને બટર તબક્કા વચ્ચેના નાજુકનિર્ણાયક સંધિકાળે સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી વિનોદ ભટ્ટના રાજીનામાના સમાચાર આવે છે. પરિષદે વિધિવત્ સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય હજુ કરવાનો રહે છે એવી એક ટેકનિકલ સફાઈ અસ્થાને નથી. પરંતુ ખરો નિર્ણય તો સરકારી અકાદમી અને બિનસરકારી પરિષદ વચ્ચે પસંદગીનો છે જેનો જવાબ વિનોદભાઈએ પરિષદમાંથી રાજીનામું આપીને પોતાના પૂરતો તો આપી દીધો છે. છાપાગત ઔપચારિક પાઠમાં તો “આ પરિપત્રમાં મારા પૂ. ગુરુજી શ્રી ભગતસાહેબની સહી હોવાને કારણે એમની તરફનો પ્રેમાદર વ્યક્ત કરવા હું ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી આજ રોજ (૨૯/૧૦) રાજીનામું આપું છું” એમ જણાવ્યું છે. વસ્તુતઃ ‘પૂ. ગુરુજી’ માટેનો પ્રેમાદર તેઓ, નિરંજન ભગત(અને ધીરુ પરીખ)ની સાફ વાત મુજબ સરકારી અકાદમીમાંથી હટીને ધોરણસર પ્રગટ કરી શક્યા હોત. અકાદમીના માર્ગદર્શક સભ્યને નાતે સરકારીકરણમાંથી સ્વાયત્તતા તરફ પાછા ફરવાની સલાહ તો, કમ સે કમ, આપી જ શક્યા હોત. આ સંધિકાળ માત્ર પેજ પ્રૂફ અને બટર તબક્કા વચ્ચેનો જ નથી. રાજસૂય દબાણો અને પ્રજાસૂય મથામણો વચ્ચે તમે ક્યાં છો એવા જનતંત્રલાયક ઝમીરના પડકારની આ સંધિક્ષણ છે. આખરે તો, રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’નું વાર્તિક કરતાં ઉમાશંકરે ઉપસાવી આપ્યું છે તેમ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં લગી પસંદગીનો હિસાબ આપતા રહેવાનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 14 & 23