શિક્ષણ મેળવવાને મામલે અત્યારે જે અસમાનતાઓ છે તે દૂર કરવી અને રાજ્યોના શિક્ષણ સંસ્થાનોની સ્વાયત્તતા ન જોખમાય તે રીતે જો કામ કરાશે તો લોકશાહી અભિગમનું પાલન થયું તેમ કહી શકાશે

ચિરંતના ભટ્ટ
જુલાઈ 2020માં ભારત સરકારે નેશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 જાહેર કરી. છેલ્લા ત્રણ દાયકામાં શિક્ષણને મામલે જાહેર કરાયું હોય તેવું આ બહુ મોટું પરિવર્તન છે, જે સર્વાંગી છે. 1986માં છેલ્લે નેશનલ એજ્યુકેશન પૉલિસી જાહેર કરાઈ હતી જેને બદલીને આ નવી નીતિના અમલીકરણની દિશામાં કામ શરૂ કરાયું. સરકારનો દાવો છે કે નવી નીતિ આધુનિક તો છે જ પણ સાથે વધારે ફ્લેક્સિબલ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાતમક છે.
ધરમૂળથી પરિવર્તનની વાત કરતી આ નીતિમાં સૌથી પહેલાં તો બાર વર્ષના શાળાકીય શિક્ષણને 5+3+3+4 મોડલમાં બદલવાની વાત કરાઇ જેમાં ઉચ્ચ શિક્ષણને મામલે મલ્ટી ડિસ્પિનરી એટલે કે બહુવિધ-શાખાકીય શક્યતાઓ લાગુ કરવા પર ભાર મુકાયો. વળી પ્રાથમિક શિક્ષણ પ્રાદેશિક ભાષાઓને પણ અગ્રિમતા આપવાની વાત આ નીતિનો મોટો હિસ્સો છે. આ નીતિને તબક્કાવાર લાગુ કરાઈ તેને ત્રણ વર્ષ થયાં હોવા છતાં પણ તેની આસપાસ ચર્ચાનું વાદળ યથાવત્ છે. એક વર્ગ છે જેમના મતે આ અનિવાર્ય ફેરફારો છે તો એક વર્ગને લાગે છે કે તેમાં શિક્ષણનું કેન્દ્રીકરણ અને ખાનગીકરણ કરવાનો છુપો એજન્ડા છે.
છેલ્લા કેટલાક વખતથી ખાસ કરીને દક્ષિણી રાજ્યોએ આ નીતિ સામે પોતાના વાંધા રજૂ કર્યા છે. દક્ષિણી રાજ્યોને મતે આ નીતિ થકી કેન્દ્ર સરકાર ભાષા આધારિત નિયંત્રણ લાદવાની પેરવીમાં છે અને શિક્ષણ તંત્રમાં સંસ્થાનોની સ્વાયત્તતા પર આ સીધો પ્રહાર છે. આ ચર્ચાઓ ઉગ્ર અને તીવ્ર બની રહી છે ત્યારે આપણને પણ સવાલ થાય કે શું ખરેખર નેશનલ પૉલિસી 2020 ખરેખર વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી બની છે કે પછી નીતિને માધ્યમ બનાવીને શિક્ષણને કેન્દ્રના નિયંત્રણનું અને વ્યાપારીકરણનું સાધન બનાવવાનો ઇરાદો છે?
પહેલી નજરે તો નેશનલ એજ્યુકેશન પૉલિસી ખરેખર જ સુધારાવાદી અને ખાસ્સી મહત્ત્વાકાંક્ષી લાગે તેવી છે જે દેશના અર્થતંત્રને નૉલેજ ડ્રિવન એટલે કે જ્ઞાન સંચાલિત બનાવશે. સરકારના મતે જૂની શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાં માહેર બનાવનારી હતી જ્યારે નવી નીતિ તેમનામાં વિવેચનાત્મક વિચાર અને કૌશલ્ય આધારિક તાલીમ કે શિક્ષણનો ઉમેરો કરશે. જો આમ થશે તો તેઓ ઉદ્યોગ અને વ્યવસાયી ક્ષેત્રની માગ અનુસાર તૈયાર થશે. સરકારનો દાવો છે કે નવી નીતિ શરૂઆતી શિક્ષણની શૈલીમાં ફેરફાર લાવશે, ડિજિટલ લર્નિંગ વધારશે અને કૌશલ્ય આધારિત – વોકેશનલ તાલીમને મહત્ત્વ આપશે જેથી સ્કૂલમાં ભણતર સાથે જ વિદ્યાર્થીઓ બદલાઈ રહેલી દુનિયા સાથે તાલ મેળવવા તૈયાર થશે.
શૈક્ષણિક તંત્ર અને સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ વધે છે ત્યારે તેનું પરિણામ સારું નથી જ આવતું તેનાથી આપણે અજાણ નથી. ભૂતકાળમાં પણ કોમન યુનિવર્સિટી એક્ટને લઈને થયેલા ઊહાપોહથી આપણે વાકેફ છીએ. નવી નીતિમાં સૂચન છે કે એક જ ઉચ્ચ શિક્ષણ નિયમનકાર – એટલે કે સિંગલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટર અને ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ – હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા – એમ બે માળખા હોવા જોઇએ. જો આ બન્ને માળખા ખડા થાય તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન – યુ.જી.સી. અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન – AICTEનું કોઈ મહત્ત્વ જ ન રહે. દેખીતી રીતે આ ફેરફાર વહીવટને સરખો કરવા માટે દેખાય છે, પણ નવી નીતિને સવાલ કરનારાઓનું માનવું છે કે આ ફેરફારને કારણે યુનિવર્સિટીઝ પર કેન્દ્ર સરકારની પકડ વધુ મજબૂત થશે અને જે તે રાજ્યનો પોતાની શિક્ષણ નીતિ ઘડવામા જે ફાળો હશે તે મર્યાદિત થઇ જશે.
તામીલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોના શૈક્ષણિક મોડલ સારી પેઠે વિકસેલા છે. બધાને એક જ લાકડીએ હાંકવાનું કેન્દ્ર સરકારનું વલણ આ રાજ્યોને મંજૂર નથી, તેમનું માનવું છે કે પ્રાદેશિક જરૂરિયાતોને જે ગણતરીમાં જ ન લેતું હોય તેવું એક સરખું માળખું કંઇ કામનું નથી. કેન્દ્રની નીતિ સર્વાંગી નથી અને આ નીતિ રાજ્યો પાસેથી પોતાની સંસ્થાઓનું સંચાલન કરવાની સ્વતંત્રતાનો છેદ ઊડાડી દેશે.
વળી સૌથી વધારે રાજકીય ભડકો થયો છે ત્રણ ભાષાના ફોર્મ્યુલાને લીધે. નવી નીતિ અનુસાર વિદ્યાર્થીએ ત્રણ ભાષા શીખવી જોઈએ જેમાંથી બે ભારતીય ભાષાઓ હોવી જોઇએ. આમાં કઈ બે ભારતીય ભાષા શીખવી તેનો નિર્ણય લેવાની છૂટ છે. તામીલનાડુ જેવા રાજ્યોએ આ પહેલાં પણ આ ત્રિભાષી ફોર્મ્યુલાનો વિરોધ નોંધાવ્યો છે. 1937માં જ્યારે મદ્રાસ સરકાર હતી અને તેના વડા સી. રાજગોપાલાચારીએ શાળાઓમાં હિંદી ફરજિયાત કરી હતી ત્યારે પણ જસ્ટિસ પાર્ટી અને પેરિયાર જેવા દ્વવિડ નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. 1940માં આ નીતિ પાછી ખેંચી લીધી હોવા છતાં હિન્દી વિરોધી ભાવના યથાવત્ રહી. 1968માં જ્યારે ત્રિભાષી ફોર્મ્યુલાની પહેલીવાર રજૂઆત થઇ ત્યારે તામિલનાડુએ હિંદીને આગળ કરવાના પ્રયાસ તરીકે તેનો વિરોધ કર્યો અને પોતે દ્વિભાષી ફોર્મ્યુલા જ લાગુ કર્યો. આ ફોર્મ્યુલા મુજબ અહીં સ્કૂલોમાં માત્ર તામિલ અને અંગ્રેજી ભાષા શીખવવામાં આવી. તામીલનાડુ એક માત્ર એવું રાજ્ય છે જેણે ક્યારે ય ત્રિભાષી ફોર્મ્યુલા લાગુ ન કર્યો અને હિંદી કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની પસંદગી ન કરી. નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020 લાગુ કરવાને મામલે તામીલનાડુને ત્રણ ભાષા શીખવવા વાળા નિયમ સામે વાંધો છે. આ વિરોધને પરિણામે સમગ્ર શિક્ષા અભિયાનના રૂ. 573 કરોડની મદદ કેન્દ્ર સરકારે અટકાવી રાખી છે. ભંડોળ જોઇએ તો રાજ્યએ ફરજિયાત નેશલન એજ્યુકેશન પૉલિસી 2020 લાગુ કરવાની રહેશે.
દક્ષિણી રાજ્યોનું રાજકારણ પણ પ્રાદેશિક પક્ષોના જોર પર જ ચાલે છે. તેમને કેન્દ્ર સાથે રહેવાનો કોઇ ટળવળાટ નથી. તામીલાનાડુનો આ વિરોધ ભાષા અંગેનો નથી પણ સંઘવાદ ને પોતાની ઓળખ પર સરકારી પકડ અંગેનો પણ છે, તેમ તેમનું કહેવું છે. ઉચ્ચ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારી વગેરે મેળવવા માટે અંગ્રેજીનું મહત્ત્વ ટાળી શકાય તેમ નથી. બિન-હિન્દી રાજ્યોમાં રહેતા વાલીઓ પણ પોતાના સંતાનોને પ્રાદેશિક નહીં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાનું પસંદ કરે છે.
ભા.જ.પ.ની કેન્દ્ર સરકારે આમ તો એમ કહ્યું છે કે પોતે હિંદી ભાષાને ફરજિયાત નથી કરતા પણ માત્ર બહુ ભાષીવાદને પ્રોત્સાહન આપે છે. છતાં પણ પક્ષે અત્યાર સુધી જે રીતે સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકીકરણના વાદને આગળ ધર્યો છે તે જોતાં રાજ્યોને આ વાત ગળે નથી ઉતરી રહી. તેમને લાગે છે કે આ નીતિ પાછળ રાષ્ટ્રીય ઓળખ એકરૂપ બનાવવાનો કેન્દ્રનો એજન્ડા છે.
વળી નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020 ભલે સાર્વત્રિક પહોંચની વાત કરે પણ અમુક ફેરફારો શિક્ષણના કોર્પોરેટાઇઝેશન તરફનાં કદમ લાગે છે. કૉલેજનાં અફિલિએશન એટલે કે અમુક યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજની પ્રથાને દૂર કરવાની પહેલ એ ડિગ્રી આપનારી સ્વાયત્ત યુનિવર્સિટીઝીની વાત કરે છે. દેખીતી રીતે આ સારો ફેરફાર લાગે પણ તેનાથી ખાનગીકરણ અને ખાનગી યુનિવર્સિટીઝનું વ્યાપારીકરણ થવાની શક્યતાઓ પણ વધે છે. ખાનગી યુનિવર્સિટીઝની ફી તોતિંગ હોય છે અને તેમાં ભણવું અમુક જ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય છે. નવી નીતિમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે એક્ઝિટના અનેક વિકલ્પો છે એટલે કે એક વર્ષ પછી સર્ટિફિકેટ, બે વર્ષ ભણ્યા હોય તો ડિપ્લોમા અને ત્રણ કે ચાર વર્ષ પછી ડિગ્રી આપવાની વાત છે. વિદ્યાર્થીઓ માટે સુગમ લાગતો આ બદલાવ શિક્ષીત ફાલની નસલ નબળી પાડી શકે છે. વળી વંચિત વર્ગના વિદ્યાર્થીઓ ભંડોળ ન હોય તો અડધેથી ભણવાનું છોડી દઇ શકે છે કારણ કે તેમને ડિગ્રી નહીં તો કંઇકને કંઇક તો મળી જ જશે. જો સારામાં સારી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ અહીં કેમ્પસ ખોલશે તો ઉચ્ચ શિક્ષણમાં સારા વિકલ્પો વધશે પણ તવંગર ખાનગી શિક્ષણ સંસ્થાનોની પકડ મજબૂત થશે. જાહેર યુનિવર્સિટીઝની ઉપેક્ષા થશે.
કેન્દ્ર સરકારે શિક્ષણને સવલત આપવી જોઇએ, હુકમનું પાલન કરવાની ફરજ ન પાડવી જોઇએ. શિક્ષણ મેળવવાને મામલે અત્યારે જે અસમાનતાઓ છે તે દૂર કરવી અને રાજ્યોના શિક્ષણ સંસ્થાનોની સ્વાયત્તતા ન જોખમાય તે રીતે જો કામ કરાશે તો લોકશાહી અભિગમનું પાલન થયું તેમ કહી શકાશે. પ્રાદેશિક પક્ષોનું જ્યાં શાસન છે તે રાજ્યોને ભા.જ.પ.ની નવી નીતિ પર ભરોસો નથી અને તેમને ડર છે કે શિક્ષણ માર્ગે અન્ય પાસાઓ પર પણ આ રીતે ભા.જ.પા. પોતાનું નિયંત્રણ જમાવશે.
બાય ધી વેઃ
ભારતમાં કોઈપણ નીતિ રાજકીય ઉદ્દેશ વિનાની હોય એવું શક્ય નથી, વળી તે કોઈ પણ પક્ષની સરકાર હોય. ભા.જ.પા. સરકારે પ્રગતિશીલ પગલાં તરીકે આગળ કરેલી શિક્ષણ નીતિમાં વિપક્ષો અને અન્ય પક્ષ શાસિત રાજ્યોને કાબૂની પકડ વધારવાની અને ચોક્કસ વૈચારિક દૃષ્ટિકોણને આગળ કરવાની બૂ આવે છે. સંઘવાદ, કેન્દ્રીકરણ, ખાનગીકરણ અને સ્વાયત્તતા પર જોખમ લાગતી આ નીતિ સામે વિરોધો ચાલુ છે. નીતિને સફળ બનાવવી હોય તો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સાથે રાખીને કામ કરવું પડશે, નહીંતર વિરોધના વંટોળમાં ઉદ્દેશ જ ઊડી જશે અને ભોગવવાનું વિદ્યાર્થીઓને આવશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 માર્ચ 2025