પ્રથમ દર્શન
બાને પહેલવહેલાં મેં ઈ.સ. 1915માં શાંતિનિકેતનમાં જોયાં હતાં. બાપુ તે વખતે જ દક્ષિણ આફ્રિકાથી હિંદ આવ્યા હતા. શાંતિનિકેતનમાં મને કેટલીક મહાન વ્યક્તિઓ – રવીન્દ્રનાથ ટાગોર, દીનબંધુ એન્ડ્યૂઝ, મિ. પિયર્સન, બા, બાપુ, મગનલાલભાઈ(મગનલાલ ગાંધી)ને મળવાનું સદ્ભાગ્ય મળ્યું; તેથી મારે માટે શાંતિનિકેતન એક અત્યંત પુણ્ય ભૂમિ બની ગયું છે. જ્યારે બા અને બાપુ ત્યાં આવ્યાં ત્યારે હું ત્યાં જ રહેતો હતો. શાંતિનિકેતને મને હૃદયથી બંગાળી બનાવી દીધો હતો.
બા-બાપુની સ્વાગત વ્યવસ્થામાં મને પૂરતી તક આપવામા આવી હતી. બાનો સાક્ષાત્કાર થયો તે પહેલાં મેં તેમને વિષે ઘણું સાંભળ્યું હતું. મગનલાલભાઈ પાસે તેમનું વર્ણન સાંભળીને પહેલેથી જ તેમના પ્રત્યે મને પૂજ્યભાવ હતો. ભારતવાસીઓ સ્વભાવથી જ માતૃપૂજક છે. હું તો ભગવાનને માતાના રૂપમાં જ ઓળખવા મથું છું . મારું માનસિક બંધારણ જ કંઈક એવી વૃત્તિથી થયું છે; અને એમાં મને કશું અનુચિત નથી લાગતું. માતા પાસેથી જ આપણને બધાં સંસ્કારનો પાયો મળ્યો છે. તેની પાસેથી મેળવેલા જન્મ, બાળપણના સંસ્કાર તથા ચારિત્ર્યની છાપ છેવટ સુધી આપણા જીવન પર પોતાનો પ્રભાવ રાખે છે. માતા પાસેથી જે મળે છે તે અંત સુધી રહે છે.
બા–બાપુ
શાંતિનિકેતનમાં બા અને બાપુનાં મને જે દર્શન થયાં તેની મારા હૃદય પર ખૂબ અસર થઈ. બા અને બાપુ પતિ – પત્ની હોવા છતાં પણ ભાઈ-બહેનની જેમ રહેતા હતાં. કોઈ કોઈ વાર તો બાપુ તદ્દન બાળક બનીને માની જેમ જોતા અને વ્યવહાર કરતા. પાછળથી ગાંધીજીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે વિકાર દૂર થાય છે ત્યારે સ્ત્રી-પુરુષનો સંબંધ અદ્વિતીય બની જાય છે. તેમાં પુત્રી, બહેન, મા, સખી, પત્ની, સૌનો એક પવિત્ર સંયોગ થાય છે. બાપુ પોતાની પત્નીને ‘બા’ કહીને બોલાવતા અને કસ્તૂરબા ગાંધીજીને ‘બાપુ’ કહીને બોલાવતાં. આ પવિત્ર ભાવના જોઈને હું કૃતાર્થ થઈ ગયો. આ મહાન સાધનાને સફળ કરવામાં બાનો પૂરેપૂરો ફાળો હતો.
શાંતિનિકેતનમાં પહેલી રાતની પ્રાર્થના પછી બા-બાપુ ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયાં અને અમે તેમનાં બાળકોની જેમ તેમની ચારે બાજુ સૂતા. તે પવિત્ર રાત્રીએ હું એકી વખતે બન્નેનો થઈ ગયો.
•••
સ્વાભાવિકતા
હું માતૃપૂજારી છું. અંધભક્ત થવું મને પસંદ નથી. પરંતુ ભાવનાશૂન્ય તર્કસિદ્ધ થવા કરતાં હું માતૃભક્તિમાં અંધ બનવાનું વધારે પસંદ કરીશ. જે શિક્ષણ અને અનુભવો મેં મેળવ્યાં તેને કારણે હું અંધભક્ત ન બની શક્યો. મારામાં હંમેશાં ચિકિત્સકની દૃષ્ટિ રહી છે. જીવનભર શિક્ષકનું કામ કર્યા પછી આજે હું કહું છું કે ચારિત્ર્યનું શિક્ષણ જ મુખ્ય આધાર છે. નિશાળના શિક્ષણનું જીવનમાં બહુ ઓછું મહત્ત્વ છે.
મને ચારિત્ર્યની જે સ્વાભાવિકતા અને સમૃદ્ધિ બાના જીવનમાં દેખાઈ તે અદ્ભુત હતી. આવી સ્વાભાવિકતા તો બાપુમાં પણ નહોતી. બાપુની સાથે બાળકો વીંટળાયેલાં રહેતા. જ્યારે તેઓ એમને રમાડતા ત્યારે તેમને સભાનતા રહેતી કે હું ક્યાંક મારાં સંબંધીઓના મોહમાં તો ફસાઈ નથી રહ્યો ને!
એક વાર બાપુ ભોજન કરી રહ્યા હતા. કુમારી મનુ, જે તે વખતે તદ્દન નાની હતી, રમતી રમતી ત્યાં આવી પહોંચી અને બાપુએ પોતાની થાળીમાંથી એક દ્રાક્ષ તેને ખવડાવી. પણ પછીથી તેઓ વિચારવા લાગ્યા કે મેં આ યોગ્ય કર્યું ? મારા પુત્રની દીકરી હોવાને કારણે તો મેં પક્ષપાત નથી કર્યો ને?
ભાવનગર ખાતે હરિજન બાળકોની વચ્ચે કસ્તૂરબા
પણ બામાં આવી વસ્તુ નહોતી. તેઓ પોતાના વહેવારમાં તદ્દન સ્વાભાવિક સાદાઈથી વર્તતાં હતાં. તેઓ સમજતાં હતાં કે સૌનાં બાળકો પર પ્રેમ કરવો સ્વાભાવિક છે; અને પોતાનાં બાળકો
સામે પોતાની જાતને ભૂલી જવી એ પણ સ્વાભાવિક છે. પણ આ ભેદને માનતા છતાં બીજાંનાં બાળકો પ્રત્યે તેમને પ્રેમ અતૂટ અને અખંડ હતો. જે ભેદ હતો, તે સ્વાભાવિક હતો.
બાપુ તો નિયમોનું પાલન કરાવવામાં કઠોર હતા. તેઓ આશ્રમના નિયમોનુ પાલન નાનાં બાળકો પાસે પણ કરાવતા અને જ્યારે બાળકો તે ન પાળી શકતાં ત્યારે તેઓ તેમને સમજાવતા. બાને આ બધું ગમતું નહિ. તેમનો વાત્સલ્યભાવ એનો વિરોધ કરતો હતો.
એક દિવસ બા બાળકો માટે કંઈક સારું ખાવાનું બનાવી રહ્યાં હતાં. બાપુએ આ મોહનો વિરોધ કર્યો ત્યારે બા લડ્યાં. કહેવા લાગ્યાં; “બાળકો પર તમારો કાંઈ એકલો અધિકાર નથી.” બાપુને તે દિવસોની યાદ દેવડાવી જ્યારે તેઓ પોતાના સ્વાદની વસ્તુઓ બનાવવા માટે બાને કહ્યા કરતા. અને બોલ્યા, “આ બાળકોનું દિલ પણ એવું જ છે જેવું તમારું હતું.” આવે પ્રસંગે બાપુની હાર જ થતી. બાનું માતૃહૃદય સભર રહેતું. તેની સામે બાપુને પરાસ્ત થવું પડતું.
એક બાજુથી તો આ હાર હતી, પણ બીજી બાજુ એ પૂજા પણ હતી. બાપુ જાણતા હતા કે માતૃત્વના આ સ્રોતથી કોઈનું પણ નુકસાન થવાનું નથી. બાનો આ વાત્સલ્યભાવ બધાં પર હતો. નહેરુ, એન્ડ્રુઝ, શ્રીનિવાસ શાસ્ત્રી વગેરે પ્રત્યે પણ તેમનો એ જ ભાવ હતો. જ્યારે આ લોકો આશ્રમમાં આવતા અને કોઈ વાતમાં બાપુ તેમની કડક ટીકા કરતા; ત્યારે બા આશ્વાસનમાં કહેતાં, “My husband not good!” આવા ભાંગ્યાતૂટ્યાં અંગ્રેજી શબ્દો દ્વારા પણ તેઓ પોતાની ભાવના ખૂબ પ્રગટ કરતા. એન્ડ્રુઝ તો બા જોડે કલાકો સુધી વાતો કર્યા કરતા. વાતચીતમાં એન્ડ્રુઝ સરળમાં સરળ શબ્દોનો પ્રયોગ કરતા, અને બા પોતાનો પૂરો અંગ્રેજી શબ્દભંડાર ઉપયોગમાં લેતાં. દીનબંધુ અને વિશ્વમાતાના વાર્તાલાપનું આ દૃશ્ય ખૂબ જ પવિત્રતાથી ભરેલું છે.
•••
અભણ છતાં જ્ઞાની
બા સારી રીતે ભણ્યાં નહોતાં . મોટા મોટા અક્ષરોવાળું રામાયણ વાંચતાં. મારી પાસે કેટલી ય વાર ગીતા શરૂ કરાવરાવી હશે. તેમને અર્થ સાથે કામ નહોતું. તેઓ તો ભાવનાનાં ઉપાસક હતાં. પોતાની આંતરિક ભક્તિને કારણે ગીતા અને રામાયણથી તેમને પરમ આનંદ પ્રાપ્ત થતો. બા વર્તમાનપત્રો પણ વાંચતાં. તેમની જિજ્ઞાસા બાપુની ક્રિયાશીલતા સમજવા બાબતે હતી. વર્તમાનપત્રો દ્વારા તેઓ જાણી લેતાં કે બાપુનાં કાર્યોની ક્યાં કેવી અસર થઈ રહી છે. બા માટે એ જાણવું આવશ્યક હતું, કારણ કે બાપુ ક્યારે શું કરી બેસે તેનો થોડો ખ્યાલ તો તો તેમને આવી જાય.

બા – બાપુ
જ્યારે 1922-23માં બાપુ જેલમાં ગયા ત્યારે બા બહાર હતાં. રાજકીય પરિષદોમાં કોઈ કોઈ વાર તેમને પ્રમુખ પદ માટે લઈ જવામાં આવતાં ત્યારે તેઓ તેનો સ્વીકાર કરી લેતાં. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો હતો. શરૂઆતનું ભાષણ આપવું તે તેમનું કામ હતું. તેઓ ક્યારેક મને કહેતાં, “તમે ભાષણ લખી આપો.” પણ હું એવું કરતો નહીં. હું કહેતો, “બા, વિચાર તમારા, ભાષા મારી.” તેઓ પછી મનમાં વિચારતાં અને બોલતાં. કઈ વાત કહેવી જરૂરી છે, શેના પર વધારે ભાર દેવા જેવો છે તે બધું વિચારતાં અને ધીરે ધીરે ભાષણ તૈયાર કરાવતાં.
સત્યાગ્રહના સાચા સિદ્ધાંતોની બાને સ્વાભાવિક રીતે જ ખબર હતી. તે સિદ્ધાંતો જ તેમના ભાષણનો આત્મા બનતા. આ પરિષદો ત્રણ-ચાર દિવસ સુધી ચાલતી. છેવટે ફરી પ્રમુખનું સમાલોચનાત્મક ભાષણ થતું. એમાં હું તેમને કશી મદદ કરી શકતો નહોતો. આ ભાષણમાં ચાર દિવસની કાર્યવાહીને બધો નિચોડ આવી જવો જોઈએ. એમાં બાની સાચી પરીક્ષા થતી. પણ તેમાં તેઓ સફળ થતાં. બધી વાતોને યાદ કરી તેમાંથી તેઓ સાર કાઢી લેતા અને સૌ સમક્ષ તેને પોતાની ભોળી, સરળ ભાષામા મૂકી દેતાં. આવો અનુભવ મને ચાર વાર થયો : આણંદમાં, પુષ્કરમાં, અને બે વાર દહેરાદૂનમાં.
•••
બાના ગુણ
બાના મૃત્યુ પ્રસંગે ચક્રવર્તી રાજગોપાલાચારીએ કહ્યું, “Ba was born to be a queen” (બાનો જન્મ રાણી બનવા માટે થયો હતો.) વસ્તુતઃ તેમનામાં રાણીના જેવું નિર્ભયપણું, આત્મસમ્માનની ભાવના અને બીજાની દેખરેખ તથા આદર સત્કાર કરવાના ગુણ હતા.
તેમનામાં મુખ્ય ગુણ એ હતો કે તેઓ કદી આળસ કરતાં નહિ. મેં ત્રીસ વરસ સુધી તેમને ધ્યાનથી જોયાં, પણ તેમનામાં આળસનુ નામ ન જોયું. કામ વિના બેસી રહેવાનું તેમનાથી થઈ જ શકતુ નહોતું. રસોડામા તેમનું એકછત્રી રાજ્ય રહેતું. જેમણે તેમના હાથ તળે રસોઈનું કામ કર્યું છે તેઓ જાણે છે કે એ કામ કેટલું ભય ભરેલું હતું, સહેજ પણ ભૂલ થતાં સાંભળવું પડતું. અને તેમનું કામ બરાબર તેમની જ રીતે કરવું પડતું હતું. જેમ માલિક નોકર પાસેથી કામ લે છે તેવી જ રીતે તેઓ પોતાની પ્રેમથી પણ પોતાની ઈચ્છા મુજબ જ કામ કરાવતાં. અમારામાંથી કેટલાકને એનો સ્વાદ મળ્યો છે.
કેટલીક વાતમાં બા અને બાપુમાં વિરોધ પડતો. એક વાર બા બોલ્યાં, “કાકાસાહેબ, તમે તો બાપુના પક્ષના છો.” મેં કહ્યું, “બા! બાપુ સામે મારું કશું ચાલતું નથી, પણ હૃદયથી તો હું તમારા પક્ષનો છું.”
બાપુ કોઈ પણ વ્યક્તિ પાસે તેમની શક્તિ બહારનું કામ લઈ લેતા હતા. તેઓ વ્યક્તિની અશક્તિનું મા૫ તેના જ હાથમાં સોંપી દેતા અને પછી વીણાના તાર એટલા તંગ કરતા જતા કે ચઢાવતાં ચઢાવતાં તે તાર તૂટી જાય. તેઓ કહેતા : “પોતાની મર્યાદા જાતે જ ઓળખી લો. જ્યાં સુધી તમે મને ના નથી પાડતા ત્યાં સુધી હું તો તમને આગળ વધારવાનો જ છું.” બાની રીત જુદી હતી. તેઓ વ્યક્તિની શક્તિ – અશક્તિ ઓળખીને તે પ્રમાણે તેમને કામ દેતાં. આમાં મારી સમજ પ્રમાણે તેમને કામ દેતાં. આમાં મારી સમજ પ્રમાણે તેઓ બાપુ કરતાં વધારે સાચાં હતાં.
કેટલી ય વાતો બાપુ બા પાસેથી શીખ્યા. બાના મૃત્યુ પછી ઐતિહાસિક તેમ જ રાજનૈતિક દ્દૃષ્ટિએ જે મહત્ત્વપૂર્ણ પત્રો બાપુએ વાઈસરૉયને લખ્યા હતા તેમાં તેમણે એ કબૂલ કર્યું છે કે મારું સત્યાગ્રહનું શિક્ષણ મને મારી પત્ની પાસેથી મળ્યું છે. આવાં મહાન બાને અલ્પશિક્ષિત હોવાને કારણે કમ માનવાં તે આપણા હૃદયનું ઓછાપણું છે.
કસ્તૂરબા કેન્દ્રોમાં હું વારંવાર કહું છું કે લગભગ અભણ હોવા છતાં પણ બા કેટલાં ચારિત્ર્યવાન હતાં, એમાંથી પાઠ લો. હિંસાના યુગમાં પુરુષનું નેતૃત્વ અપરિહાર્ય છે, પરંતુ અહિંસાના ક્ષેત્રમાં સ્ત્રી જ નેતૃત્વ કરશે. મેં એવી સ્ત્રીઓ જોઈ છે જેમણે પતિના ક્રોધાગ્નિને પોતાની શાન્તિ દ્વારા શાંત પાડ્યો હોય. જગતનું ખરું નેતૃત્વ એક સુશિક્ષિત સ્ત્રી જ કરી શકશે. એકાંગિતા દૂર કરીને એવું સાચું શિક્ષણ મળવું જોઈએ, જેમાં ઉજ્જ્વળ ચારિત્ર્યનું નિર્માણ થાય.
કસ્તૂરબાએ આપણી સંસ્કૃતિનો સાચો વારસો તેના મૂર્ત રૂપમાં પ્રગટ કર્યો, અને છેવટે તે વારસો આપણને સોંપીને ચાલ્યાં ગયાં. પાંજરાનાં પક્ષીની જેમ આગાખાન મહેલમાં તેઓ ઝૂરતાં રહ્યાં. માત્ર એક જ સંતોષ હતો કે બાપુ સાથે છે. પણ સ્વતંત્ર પક્ષી ચિંતામાં જ મરી ગયું. સારું થયું બા વહેલાં ગયાં, નહિ તો બાપુના પ્રેમને કારણે તેઓ તેમનું બલિદાન ન સહી શકત. બાપુ કહેતા કે, “બામાં અદ્ભુત શક્તિ હતી.” આપણે બાનું પવિત્ર સ્મરણ કરીએ અને તેઓ આપણાં હૃદયમાં વિરાજમાન થઈ આપણું જીવન કૃતાર્થ કરે.
14 – 17 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 254 – 255 – 256 – 257