
રવીન્દ્ર પારેખ
કોઈ અંધને દેખતો કરી શકાય, પણ દેખતાને દેખતો કરવાનું અઘરું છે. ખબર નથી પડતી કે શિક્ષણ વધ્યું છે કે અંધશ્રદ્ધા? સમજાતું નથી કે સ્વમાન વધ્યું છે કે અપમાન? ઘણીવાર, ઘણી જગ્યાએ તો કોઈ ભિખારી જેટલું સ્વમાન પણ બચ્યું હોવાનું જણાતું નથી. એક પ્રજા તરીક આપણે આટલા મૂરખ, આટલા લાલચુ ને આટલા ગરજવાન તો ક્યારે ય ન હતા, તો છેલ્લાં થોડાં વર્ષમાં એવું તે શું થયું કે આપણામાં, આપણાપણું કે ખુમારી શોધ્યાં જડતાં નથી ! સ્ત્રીઓની વાત કરીએ તો એ અગાઉ હતી એથી વધુ દુરુપયોગને પાત્ર ઠરી છે. છેડતી, બળાત્કાર, હત્યા, આત્મહત્યા રમત વાત હોય તેમ વર્તમાનપત્રો સતત એનાથી છલકાતાં રહે છે. એક તરફ મહિલા મતદાતાઓની સંખ્યા ને સભાનતા વધી છે, તો બીજી તરફ તેને લલચાવીને મત પડાવી લેવાની રાજકીય પક્ષોની રમત પણ વધી છે. મહિલાઓને ચૂંટણી વખતે અપાતી લાલચો મત મેળવવા પૂરતી જ હોય છે, તે મહિલાઓ પણ જાણે છે ને છતાં, જે મળ્યું તે મેળવી લેવાનો લોભ પણ અછતો રહેતો નથી. છેતરવું એ રાજકીય પક્ષોનું લક્ષ્ય છે, તો છેતરાવું એ પ્રજાનો ધર્મ છે ને એમ આખો કારભાર ચાલે છે.
ચૂંટણી વખતે રાજકીય પક્ષોએ મહિલાઓનાં ખાતાંમાં દર મહિને અમુક રકમ જમા કરવાની વાતો મોટા ઉપાડે કરેલી. એમાં હરાજી થતી હોય તેમ બોલીઓ પણ લાગેલી. પછી તો ચૂંટણી પતી કે મહિલાઓને વચનોની વાત યાદ આવવા માંડી ને પક્ષોને તેનું સ્વાભાવિક જ વિસ્મરણ થવા લાગ્યું. જો કે, દિલ્હીમાં ભા.જ.પ.ની સરકાર બનતાં, મહિલા દિન નિમિત્તે 20 લાખ મહિલાઓનાં ખાતાંમાં 2,500 જમા કરાવવાનું વચન પાળવા મુખ્ય મંત્રીએ કમર કસી છે, તો આપ પાર્ટીએ રકમ જમા કરાવવા બાબતે પીછેહઠ કરવી પડી હોય એવું પણ લાગે છે. એક તબક્કે ભા.જ.પ. રેવડી કલ્ચરની ટીકા કરતો હતો, પણ તે ય હવે રેવડી વહેંચવા તરફ વળ્યો હોવાનું લાગે છે. તેનું તાજું ઉદાહરણ દિલ્હી, મહારાષ્ટ્રની સરકારો જ પૂરું પાડે એમ છે. મોંઘવારી વધી હોય તો બધું વધે, પણ ખાતામાં રકમ જમા કરવા બાબતે સ્કિમમાં કાપકૂપ થવા લાગી છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર આવે તો ‘લાડકી બહિણ’ યોજનામાં દર મહિને 1,500 ને બદલે 2,100 આપવાની વાત હતી, તેના પર 10,000 હજાર કરોડનો કાપ બજેટમાં આવતા 2,100 આપવાનું વચન હવા થઈ ગયું છે. આમ પણ કેન્દ્ર સરકાર 81.5 કરોડ લોકોને મફત અનાજ તો આપે જ છે. એને કારણે લોકો કામ કરવા જતા નથી તે પણ હકીકત છે. મફતનું મળી રહેતું હોય તો મહેનત કોણ કરે? જે અશક્ત છે, લાચાર છે, તેની વાત નથી, પણ જે કામ કરી શકે છે, તે મફતનો લાભ લઈને હરામ હાડકાંનાં થઈ રહે એ અપેક્ષિત નથી. આ હાડકાં હરામી વિકાસમાં બાધક બને એવું ખરું કે કેમ?
પક્ષો તો મત મેળવવા વચનો આપે, પણ પ્રજાએ, ખાસ તો મફતનો લાભ લેતી મહિલાઓએ ઓશિયાળાં થવા કરતાં માનભેર જીવવાની ખુમારી કેળવવાની રહે. સક્ષમ પ્રજાને અપંગ કરવાની આ રીત કોઈ રીતે ગૌરવપ્રદ નથી, બલકે ગૌરવ હણનારી છે. એ તો ઠીક, પણ 81.5 કરોડને મફત ખવડાવવું પડે તેનો સંકોચ કરવાને બદલે ગૌરવ લેવાય તે પણ ક્ષોભજનક છે.
એથી વધુ પીડા તો પ્રજા ઉત્તરોત્તર વધુ ધર્માંધ અને અંધ શ્રદ્ધાળુ થઈ રહી છે તેની છે. આ દેશ ફરી પાછો દોરાધાગા અને નરબલિ તરફ જઈ રહ્યો છે. તેની ચિંતા હોવી ઘટે. છોકરા છોકરીઓનાં બલિના સમાચાર તો આવતા જ રહે છે, પણ ભગત ભૂવાઓ તંત્રમંત્રને નામે સ્ત્રીઓનો દુરુપયોગ કરતાં પણ થયા છે ને તેમાં ઉત્તરોત્તર વધારો થતો આવે છે તેનો સંબંધિતોએ વિચાર કરવાનો રહે.
અમરેલીની વતની અને સુરતનાં પુણાની એક રત્ન કલાકારની 42 વર્ષની પત્ની, 17 વર્ષની દીકરી તથા 15 વર્ષના દીકરા સાથે રહે છે. ઘરે તે સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. ગઈ 19 જાન્યુઆરીએ ભૂવા તરીકે વિધિ કરતો તેનો સંબંધી સુરત આવ્યો ને બે દિવસ પછી તે પરિણીતાના પતિને લઈને સંબંધીઓને મળવા ગયો, ત્યાંથી પાછા ફરતી વખતે તેણે રત્ન કલાકાર પતિ પાસેથી ફૂલ અને પૂજાનો સામાન લેવડાવ્યો ને રાત્રે સાડા બારે ભૂવાએ પતિ-પત્નીને કહ્યું કે તેમનો યોગ પાક્યો છે ને ભાગ્ય ઊઘડી ગયું છે. તે પછી તેણે વિધિનો સામાન મંગાવી મંત્રોચ્ચાર સાથે વિધિનો પ્રારંભ કરાવ્યો. વિધિમાં પતિપત્નીને અંધારામાં બેસાડી, આંખે રુદ્રાક્ષ અડાડી બંનેને નિર્વસ્ત્ર થવાનું કહ્યું. ભૂવાએ તે પછી બન્નેને ખોળામાં બેસાડી પત્ની પર વિધિના ભાગ રૂપે બળાત્કાર ગુજાર્યો. ભૂવાની ‘વિધિ’ અંગે તરત તો પરિણીતા કશું બોલી શકી નહીં, પણ પછી તેણે પતિને દુષ્કર્મની વાત કરી. પતિએ ભૂવાને આ અંગે પૂછતાં તેણે પહેલાં તો વાતને નકારી, પણ પછી તેણે પોતાની ભૂલ કબૂલી લીધી. પરિણીતાએ પછી કાપોદ્રા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી. આ સંબંધી ભૂવાનો બનાવ જાન્યુઆરીનો, પણ તેના સમાચાર 11 માર્ચે આવ્યા.
એ જ 11 માર્ચ ને મંગળવારે બીજા એક ભૂવાના સમાચાર છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામથી પણ આવ્યા. પાણેજનો એક ભૂવો તેની પડોશમાં રમતી એક પાંચ વર્ષની બાળકીને તેની દાદીની નજર સામેથી બળજબરીએ ઉપાડી લે છે. છોકરી રડે છે, એટલે એક હાથથી તેનું મોઢું દબાવી, બીજા હાથમાં પકડેલી કુહાડીથી બધાંને ડરાવીને, છોકરીને પોતાનાં ઘરમાં લઈ જાય છે. ગામ લોકો તેનો સામનો એટલે કરી શકતા નથી, કારણ ભૂવાના હાથમાં કુહાડી છે. છોકરી પોતાને બચાવવા કાકલૂદી કરે છે, હાથ જોડે છે, પણ ભૂવાને દયા નથી આવતી અને તેને સુવડાવીને કુહાડીના ઘાથી છોકરીનું માથું અલગ કરી દે છે. છોકરીની લાશને ઘરનાં માતાજીનાં મંદિર સુધી લઈ જાય છે ને લોહી છાંટીને મંદિરનાં પગથિયાં પવિત્ર કરે છે. આખી ઘટના પરિવારજનોની સામે જ થાય છે ને કોઈ કૈં કરી શકતું નથી. દાદીની બૂમાબૂમથી ગામ ભેગું થાય છે, પણ હસતી રમતી છોકરી લાશ થઈને જ રહે છે. પોલીસને જાણ થાય છે ને તે આવે છે. ભૂવાની ધરપકડ કરે છે. પોલીસ નરબલિની ઘટના હોવાનું માનીને તપાસ શરૂ કરે છે.
ભૂવાએ આવું કેમ કર્યું, આ ઘટનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે તપાસનો વિષય છે. આમ તો આ આદિવાસી વિસ્તાર છે ને હોળી પહેલાં બલિ ચડાવવાની પ્રથા છે એવી માન્યતા ઘટનાને મોળી કરી શકે, પણ નરબલિ ચડાવવાની પ્રથા ન હોઈને આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
ઉપર જોઈ તે બંને ઘટનાઓ ગુજરાતની કૈં પહેલી અને છેલ્લી ઘટના નથી. એમ કહેવાય છે કે પાણેજની ઘટના આદિવાસી વિસ્તારની છે, એટલે ત્યાં તો આવું બને, પણ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મની ઘટના તો પછાત વિસ્તારની નથીને ! ત્યાં પણ ભૂવો સફળ થયો. એનો અર્થ એ થયો કે અંધશ્રદ્ધા, ભગતભૂવાની બાબતમાં કાપોદ્રા કે બોડેલીમાં ઝાઝો ફરક નથી. વહેમ, માનતા, દોરાધાગા, મંત્રતંત્ર વગેરેમાં માનનારનો તોટો નથી. ટેકનોલોજી, વિજ્ઞાન, પ્રગતિ વગેરે અમુક એરિયામાં પ્રકાશે છે ને અંધશ્રદ્ધાનો પણ એક અલગ જ અંધારો, ગોબરો વિસ્તાર છે. આ ગામડાંમાં જ છે એવું નથી, શહેરો પણ એનાથી અલિપ્ત નથી જ ! ધર્મને નામે નરબલિ ચડાવવાનું 2025માં પણ નાબૂદ ન થાય એ દુ:ખદ છે.
ઊપલી બંને ઘટનાઓ સ્ત્રીઓ તરફી છે. એકમાં સ્ત્રી દુષ્કર્મનો ભોગ બને છે, તો બીજીમાં માતાજીને બલિ ચડાવવા એક અબૂધ બાળકીને પૂરી નિર્મમતાથી વધેરી દેવાય છે. ભૂવો માતાજીનો પરમ ભક્ત જ હશે, પણ એ ભક્તિમાં તે પોતાનો બલિ માતાજીને ચડાવતો નથી, એક નિર્દોષ બાળકીનો ભોગ લે છે. કોઈ ધર્મ હત્યાને પ્રોત્સાહિત કરતો નથી, પણ જગતનાં મહાયુદ્ધોમાં ક્યાંકને ક્યાંક તો ધર્મ પડેલો મળી જ આવે છે. કોઈ માતા નરબલિ ઇચ્છતી નથી, મા તો સર્જે, તે કોઇની હત્યામાં સામેલ કઈ રીતે હોય? પણ, માતાને નામે પાણેજમાં એક દીકરી વધેરી દેવાઈ છે. એ કમનસીબી છે કે અભણ, અબૂધ ને ધર્મભીરુ પ્રજાનો ભગતભૂવાઓ લાભ-ગેરલાભ ને એવું તો કૈં કૈં લેતા રહે છે. આવી તો બહુ ઓછી ઘટનાઓ છાપે ચડતી હશે, પણ બીજી ઘણી એવી હશે જે લોહી ઓઢીને કોઈ અંધારામાં કાયમને માટે પોઢી ગઈ હશે. આટઆટલું વીતે છે, પણ આપણામાં ફેર પડતો નથી, એનું ક્યાં જઈને રડવું એ સમજાતું નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 માર્ચ 2025