
રાજ ગોસ્વામી
તાજેતરમાં, નવી દિલ્હીમાં જહાન-એ-ખુસરો નામનો એક સુંદર કાર્યક્રમ થઇ ગયો. એ પાછો યોજાયો હતો હુમાયુના મકબરાને અડીને આવેલા 16મી સદીના મુઘલ હેરિટેઝ પાર્ક ‘સુંદર નર્સરી’માં (જે અગાઉ ‘અઝિમ બાગ’ તરીકે ઓળખાતો હતો). આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાને ત્યાં એક ગહન વાત કરી હતી કે ગુલામીના લાંબા કાલખંડ છતાં આજે આપણે અતીતથી પરિચિત છીએ, તો તેમાં હજરત ખુસરોની રચનાઓની મોટી ભૂમિકા છે.
જહાન-એ-ખુસરો કાર્યક્રમમાં, ખુસરોની વિરાસતનો જશ્ન મનાવવા માટે દુનિયાભરના કલાકરોને એક સાથે લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત 2001માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મુજફ્ફર અલીએ કરી હતી. 2025માં તેની 25મી વર્ષગાંઠ હતી. ખુસરો ભારતની એ સૂફી ગીત-સંગીત પરંપરાની મહત્ત્વની કડી છે, જે કોઈ એક ધર્મના વાડામાં બંધાઈને રહી નથી, બલકે દરેક ધર્મએ તેને સમાન રીતે અપનાવી છે.
મજાની વાત એ છે કે આ કાર્યક્રમ એ જગ્યાએ યોજાય છે, જ્યાંથી અમીર ખુસરોએ 13મી સદીમાં કવ્વાલી સંગીતની પરંપરાની શરૂઆત કરી હતી. ખુસરોના સમયને વીતી ગયે સાત સદીઓ થઇ ગઈ હોવા છતાં, દિલ્હીની વાસંતી હવામાં તેમની વિરાસત આજે પણ ગુંજતી રહે છે.
સુંદર નર્સરીથી નજીકમાં જ સૂફી સંત ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ છે. બરાબર તેની સામે જ અમીર ખુસરોનો મકબરો છે. ખુસરો તેમના શિષ્ય હતા અને તેમણે જીવતે જીવ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અવસાન પછી ઔલિયાની પડોશમાં જ તેમને દફનાવામાં આવે.
એવું કહેવાય છે કે હઝરત નિઝામુદ્દીનને પોતાનું કોઈ સંતાન નહોતું. એટલે તેઓ તેમની બહેનના પુત્ર ખ્વાજા તકીઉદ્દીન નૂહને ખૂબ ચાહતા હતા. ખ્વાજા નૂહનું એક દિવસ માંદગીને કારણે મૃત્યુ થયું પછી ઔલિયા ખૂબ દુઃખી થયા હતા અને તેમણે તેમના નિવાસસ્થાન ચિલા-એ-ખાનકાહમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.
તેમની આ સ્થિતિથી વ્યથિત થઈને તેમના શિષ્ય અમીર ખુસરો વસંતના પીળા રંગની સાડી પહેરીને ઔલિયાના દરવાજે પહોંચ્યા હતા અને હાથમાં સરસવનું ફૂલ લઈને નાચતાં-નાચતાં રાગ બહારમાં ‘સકલ ફૂલ બન રહી સરસોં’ ગીત ગાયું હતું. તેમની આ હરકતથી નિઝામુદ્દીન ઔલિયાના મોઢા પર તે દિવસોમાં પહેલીવાર સ્મિત ઝળક્યું હતું.
તે સમયથી અહીં વસંત પંચમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યારથી, હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ દર વર્ષે વસંત પંચમીના રોજ શણગારવામાં આવે છે. તેમના તમામ અનુયાયીઓ વસંત પંચમીની ઉજવણી કરવા માટે પીળાં કપડાં પહેરે છે. તેઓ સરસવના ફૂલો સાથે દરગાહ પર જાય છે અને કવ્વાલી ગાઈને વસંતના આગમનની ઉજવણી કરે છે. આ તહેવાર હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહમાં 800 વર્ષથી પણ વધુ સમયથી આ રીતે ઉજવવામાં આવે છે.
મધ્ય એશિયાની લાચન જાતિના તુર્ક સૈફુદ્દીનના પુત્ર અમીર ખુસરોનો જન્મ ઇસ્વી સન 1253માં ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પટિયાલી નામના કસ્બામાં થયો હતો. તેમણે કિશોર વયે કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને 20 વર્ષની વયે કવિ તરીકે પ્રસિદ્ધ થયા હતા.
તેમનો પરિવાર ઘણી પેઢીઓ સુધી શાહી દરબાર સાથે સંકળાયેલો હતો. અમીર ખુસરોએ પોતે 8 સુલતાનોનું શાસન જોયું હતું. અમીર ખુસરો પહેલા મુસ્લિમ કવિ હતા જેમણે ખુલ્લેઆમ હિન્દી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ખડી બોલીને પ્રચલિત કરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. તેઓ તેમની ભાષા માટે હિંદવીનો ઉલ્લેખ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. તેઓ ફારસી કવિ પણ હતા.
તેમને દિલ્હી સલ્તનત દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. તેમણે આખું જીવન શાહી આશ્રયમાં વિતાવ્યું હતું. શાહી દરબારમાં હોવા છતાં, ખુસરો હંમેશાં કવિ, કલાકાર, સંગીતકાર રહ્યા. કવિઓ તો તે વખતે બીજા પણ ઘણા હતા, પરંતુ અમીર ખુસરો જેવા લોકો જન્મે છે ખરા પણ ક્યારે ય મરતા નથી. તેમના કાલાતીત વ્યક્તિત્વ અને સર્જનાત્મકતા દ્વારા તેઓ હંમેશાં સાહિત્યના આકાશમાં ઝળકે છે.
અમીર ખુસરોએ બે જુદી જુદી સંસ્કૃતિઓ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ વચ્ચે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સંવાદિતાનું વાતાવરણ ઊભું કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની એક રચનામાં તેમણે પોતાને “તુતી-એ-હિંદ” (ભારતનો પોપટ, એટલે કે ભારતનો અવાજ) કહ્યા હતા.
તેમની ભાષાકીય કુશળતા અને વિદ્વતામાં તેઓ બેજોડ હતા. ખુસરો વાત કરવાના વિવિધ અંદાઝનું અનુકરણીય અને અપ્રતીમ ઉદાહરણ છે. જેમ કે તેમની એક પ્રસિદ્ધ રચનામાં તેઓ લખે છે;
છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે
બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે
આ ગીત ભારતમાં પણ લોકપ્રિય છે. દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર, નુસરત ફતેહ અલી ખાન, આબિદા પરવીન, ઉસ્તાદ વિલાયતી ખાન, ઉસ્તાદ શુજાત ખાન, ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન અને વારસી બ્રધર્સ સહિત અનેક નામી-અનામી ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. લોકો તેના શબ્દ-સૂરને આધ્યાત્મિક માને છે.
ખુસરોએ મૂળ વ્રજભાષામાં આ કવિતા લખી હતી. સૂફીમાં બહુ કવિઓ ખુદા પ્રત્યેના તેમના પ્રેમને છોકરીઓના ઇશ્ક તરીકે વ્યક્ત કરે છે. અમીર ખુસરો લખે છે, મોહે સુહાગન કીની રે, મોસે નૈના મિલાઈકે. અર્થાત, આંખ મળી અને હું તારી વહુ બની ગઈ. અસલમાં ખુસરોનો આ કૃષ્ણ પ્રેમ છે, અને તેઓ ખુદને કૃષ્ણની પ્રેમિકા તરીકે જુવે છે; છાપ એટલે કપાળમાં લટકતું ઝૂમર. તિલક એટલે લાલ બિંદી.
છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે
બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે
મતલબ એ કે, ઈશ્વર સાથે આંખ મળી, અને વહુ તરીકે પતિના ઘરમાં જે કરવાનું હતું એ કુરબાન થઇ ગયું. તેં મારી લૌકિક ઓળખ જ ઝૂંટવી લીધી.
બાત અગમ કહ દીની રે …
મારી સાથે આંખ મિલાવીને તે મને અગોચર દુનિયાની એ વાત કરી કે આ દુનિયાનો મારો મોહ છૂટી ગયો.
આઠસો વર્ષ પછી આજે પણ આ કવિતા એનો જાદુ જાળવી રહી છે, એ સાબિત કરે છે કે જીવાતા જીવનમાંથી આવેલું સર્જન કાલાતીત હોય છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 16 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર