કોઈ કારણ વિના પોતાના જન્મદિવસ સાથે નર્મદા યોજનાને જોડી દેનારા નરેન્દ્ર મોદીએ અમૂલ્ય ત્યાગ કરનારા ગરીબ વિસ્થાપિતને પણ યાદ નહોતો કર્યો. એને માટે સંવેદનશીલતા જોઈએ, જેનો તેમનામાં સદંતર અભાવ છે
વડા પ્રધાને પોતાના જન્મદિવસે નર્મદાના બંધનું ઉદ્ઘાટન કર્યું અને જાહેરાત કરી કે હવે કચ્છમાં પાકિસ્તાનની સરહદે સંત્રીની ફરજ બજાવતો જવાન નર્મદાનાં પાણી પીને તરસ છિપાવશે. માનવું પડે, ખેલ પાડવામાં આપણા વડા પ્રધાનનો જોટો આખી દુનિયામાં જોવા નહીં મળે. નર્મદાનાં પાણીને જવાન, જવાનની તરસ અને રાષ્ટ્ર સાથે જોડી દીધાં. નર્મદા યોજનાને અને તેમના જન્મદિવસની અંગત ઘટનાને શો સંબંધ? નર્મદા યોજના જેવી અને જેટલી સાકાર થઈ છે એમાં નરેન્દ્ર મોદીનું યોગદાન શૂન્યવત્ છે. યસ, શૂન્યવત્ છે. હા, અધૂરું યોગદાન જરૂર છે, જેની વાત આગળ આવશે.
નર્મદા યોજનાના શ્રેયના અધિકારી ચાર જણ છે. પહેલા, ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને નર્મદા નિગમના સ્થાપક સનત મહેતા. બીજા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ. ત્રીજા, જ્યારે નર્મદા યોજના સામે વિરોધ થઈ રહ્યો હતો ત્યારે એની વચ્ચે અડીખમ ઊભા રહીને નર્મદા યોજનાને આગળ ધપાવનારા એ સમયના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ અને ચોથા, ચુનીભાઈ વૈદ્ય જેમણે નર્મદા યોજનાનો વિરોધ કરી રહેલા ભારતના નાગરિક સમાજ સામે પ્રતિવાદ કરવા ગુજરાતના નાગરિકનું નેતૃત્વ કર્યું હતું. ચુનીભાઈ વૈદ્યની પખવાડિયા પહેલાં શતાબ્દી ઊજવવામાં આવી હતી. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે આપણા વડા પ્રધાને આ ચાર મહાપુરુષોને યાદ પણ નથી કર્યા. શ્રેયના સાચા અધિકારીને શ્રેય આપવું એ તેમના સંસ્કાર નથી, ઊલટું બીજાનું શ્રેય પોતાના નામે જમા કરવાની ચાલાકી તેઓ ભરપૂર માત્રામાં ધરાવે છે. જે લોકોએ અડીખમ ઊભા રહીને નર્મદા યોજનાને ઝંઝાવાતોમાંથી પાર પાડી તેમને યાદ પણ નહીં કરવાના?
નર્મદા યોજનાના શ્રેયનાં અધિકારી નર્મદા બચાવ આંદોલનનાં નેતા મેધા પાટકર અને ગુજરાતની ઓછી જાણીતી સંસ્થા આર્ચ-વાહિની પણ છે. નર્મદા યોજના જગતની પહેલી એવી યોજના છે જેમાં વિસ્થાપિતોને પ્રમાણમાં ઓછો અન્યાય થયો છે. યાદ રહે, પ્રમાણમાં, સંપૂર્ણપણે નહીં. જો સાવ અન્યાય કર્યા વિના આ યોજના સાકાર કરવામાં આવી હોત તો આપણે જગતમાં ગૌરવ લઈ શકત. મેધા પાટકર, આર્ચ-વાહિની અને સુરતની સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝે મળીને વિસ્થાપિતોના પુનર્વસનની એક ઓછી (આઇ રિપીટ ઓછી) અન્યાયકારી યોજના બનાવી હતી. અત્યાર સુધી વિસ્થાપનને વિકાસની કિંમત તરીકે જોવામાં આવતું હતું અને વિસ્થાપિતો તરફ ઉદાસીનતા સેવવામાં આવતી હતી. ગરજ સર્યા પછી વિસ્થાપિતો સામે નજર પણ કરવામાં આવતી નથી એનો દાખલો ઉકાઈના વિસ્થાપિતો છે જે સુરતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહે છે અને શહેરમાં મજૂરી કરે છે.
મેધા પાટકર, આર્ચ-વાહિની અને સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝે યોજના બનાવી હતી કે વિસ્થાપિતો સદીઓથી જમીન સાથે જીવતા આવ્યા છે અને તેમને પૈસા સાચવતાં આવડતું નથી માટે જમીન સાટે જમીન આપવામાં આવે. વિસ્થાપિતોના પુનર્વસનની આ યોજના સ્વીકારવામાં આવી અને થોડા પ્રમાણમાં લાગુ પણ કરવામાં આવી. હવે તો વિસ્થાપનનું નર્મદા મૉડલ જગતભરમાં સ્વીકારવામાં આવ્યું છે અને ફન્ડિંગ એજન્સીઓ એના માટે આગ્રહ રાખે છે જેથી વિકાસયોજનાઓ ઓછામાં ઓછી અન્યાયકારી અને હિંસક બને.
જો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે પુનર્વસનમાં ઈમાનદારી અને સંવેદનશીલતા બતાવી હોત તો નર્મદા યોજના નર્મદા જેટલી પવિત્ર અને ગૌરવ લેવા જેવી સાબિત થઈ હોત. ત્રણેય રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિશ્વાસઘાતનો લાંબો ઇતિહાસ છે. જગતભરમાં શાસકો ગરીબો સાથે છેતરપિંડી કરતા આવ્યા છે. નર્મદા યોજનાની સફળતાના જો કોઈ સૌથી મોટા અધિકારી હોય તો એ ગરીબજન છે જેણે પોતાની જમીન સમર્પિત કરી છે જેના દ્વારા તે પોતાનું અને પરિવારનું આયખું વિતાવતો હતો. મેધા પાટકર અને આર્ચ-વાહિનીએ યોજનામાં સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોનો પક્ષ લીધો હતો. કોઈ કારણ વિના (બાદરાયણ સંબંધ પણ ન હોવા છતાં) પોતાના જન્મદિવસ સાથે નર્મદા યોજનાને જોડી દેનારા નરેન્દ્ર મોદીએ અમૂલ્ય ત્યાગ કરનારા ગરીબ વિસ્થાપિતને પણ યાદ નહોતો કર્યો. એને માટે સંવેદનશીલતા જોઈએ, જેનો તેમનામાં સદંતર અભાવ છે.
યોજના પૂરી થઈ ગઈ છે, પરંતુ મધ્ય પ્રદેશમાં હજી ૧૮૦૦ પરિવારોનું પુનર્વસન બાકી છે. આ મધ્ય પ્રદેશની સરકારે મધ્ય પ્રદેશની વડી અદાલતમાં ગયા મહિને સોગંદનામા સાથે કરેલી કબૂલાત છે. નૈતિકતાનો તકાદો એમ કહે છે કે આ ચોમાસામાં ડૅમના દરવાજા ખુલ્લા રાખવામાં આવે જેથી બચેલા વિસ્થાપિતોને મધ્ય પ્રદેશની સરકાર સ્થાપિત કરી શકે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વડા પ્રધાનને આવી ભલામણ પણ કરી હતી અને ઉપરથી કહ્યું હતું કે આવતા વરસના પ્રારંભમાં મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની છે એટલે જરા સાવધાની વર્તવી જરૂરી છે. તેમને કહેવામાં આવ્યું હતું કે એ પહેલાં મારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની છે એનું શું? ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસના પવિત્ર અવસરે ડૅમ ખુલ્લો મુકાશે પછી ભલે ૧૮૦૦ પરિવારોનાં ઘરમાં પાણી ભરાય. તમારી પ્રતિષ્ઠા કરતાં મારી પ્રતિષ્ઠાની હોડ મોટી છે અને ગુજરાતમાં નાક કપાય તો-તો થઈ રહ્યું. બિકાઉ ટીવી-ચૅનલો વડા પ્રધાનનું ઉદ્ઘાટન ભાષણ બતાવતી હતી, પરંતુ બડવાનીમાં કમનસીબ વિસ્થાપિતોનાં ઘરોમાં ભરાયેલાં પાણીની તસવીરો નહોતી બતાવતી. આવો તમાશો કરવાની જરૂર શું હતી જ્યારે નર્મદાનાં પાણી અરબી સમુદ્રમાં જઈ રહ્યાં છે?
નર્મદાપુત્ર નરેન્દ્ર મોદી દરેકનું શ્રેય પોતે લઈ રહ્યા છે, પરંતુ તેમના પોતાના અધૂરા યોગદાનનું શું? યોગાનુયોગ એવો છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ અરસામાં નર્મદાનાં પાણી ગુજરાતમાં નિર્ધારિત સ્થળોએ પહોંચાડવા માટે નહેરો બંધાવાનું શરૂ થયું હતું. ગુજરાતના ૧૭ જિલ્લાઓમાં નાની-મોટી મળીને કુલ ૭૧ હજાર કિલોમીટર નહેર બાંધવાની હતી જેમાંથી ૨૭ હજાર કિલોમીટર નહેર બાંધવાનું કામ હજી આજે બે દાયકા પછી પણ અધૂરું છે. હજી પણ ૧૯૯ બ્રાન્ચ કૅનાલ અને ૫૬૯ નાની કૅનાલ બાંધવાનું કામ બાકી છે. જ્યાં પાણીની સૌથી વધુ તંગી છે એ સૌરાષ્ટ્રમાં ૧૨ હજાર કિલોમીટર લાંબી નહેર બાંધવાનું કામ હજી તો હાથ ધરવામાં નથી આવ્યું.
અનેક વિઘ્નો સામે ઝઝૂમીને તેમના પુરોગામીઓ ડૅમ બંધાવી શક્યા અને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન હોવા છતાં ૨૭ હજાર કિલોમીટર લાંબી નહેર બાંધવાનું બાકી છે એ આ ઘડીનું નકારી ન શકાય એવું સત્ય છે. આનું પરિણામ જુઓ: નર્મદાનાં પાણી અરબી સમુદ્રમાં જાય છે, પરંતુ ડૅમના દરવાજા બંધ કરવાને કારણે મધ્ય પ્રદેશમાં બડવાનીમાં લોકોનાં ઘરમાં પાણી ભરાયાં છે. કારણ? કારણ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવાની છે અને સાહેબની આબરૂ દાવ પર છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2017