તાજેતરમાં જ 21જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમ્યાન જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કી નોટ સ્પીકર વિશ્વ પ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકા માર્ગારેટ એટવૂડ કહે છે, "ફેમિનીઝમનો ખરો અર્થ જ્યાં સુધી જાણીએ નહિ ત્યાં સુધી હું ફેમિનીસ્ટ હોવાનો દાવો નથી કરતી અથવા મારી જાતને ફેમિનીસ્ટ નથી ગણાવતી. કોઈ સ્ત્રી પુરુષને ધક્કો મારે એ અર્થ હોય તો હું એવી નારીવાદી નથી. જો તમે એમ કહેતા હોય કે સ્ત્રી માણસ પણ છે, તો હા હું નારીવાદી છું. આ એક શબ્દ સાથે વ્યક્તિ વ્યક્તિ એ અર્થ અને જોડાણ બદલાય છે. જ્યાં સમાન હક, સમાન તક, સમાન કાયદાની વાત છે ત્યાં મને ગણજો, બાકી સ્ત્રી પુરુષો કરતાં ચઢિયાતી જ છે, એવું સાબિત કરવામાં હું નથી માનતી.”
વર્ષોથી નારીવાદ વિષે લખાતું આવ્યું અને બોલાતું આવ્યું છે. છતા એમ કહી શકાય કે સૌથી વધુ વપરાતો આ શબ્દ સૌથી વધુ વાર અનર્થ અથવા અન્ય અર્થો સાથે જોડાતો ગયો છે. નારીવાદની પ્રણેતા અને પ્રથમ ફેમિનીસ્ટ મનાતી સિમોન દ બુઆએ 1949માં "ધ સેકંડ સેક્સ” પુસ્તકમાં તત્કાલીન નારીવાદ અને અસ્તિત્વવાદ વિષે લખ્યું. પુરુષ સમાજે સ્ત્રીને સમજવાને બદલે "મિસ્ટ્રી “ગણાવી. તેને હંમેશાં “અન્ય" બનાવી દીધી છે. સિમોન પહેલાં, 1792માં, અંગ્રેજ લેખિકા અને પત્રકાર મેરી વોલ્સ્ટોન ક્રાફ્ટે તેમનાં પુસ્તક "અ વિન્ડીકેશન ઓફ રાઈટસ ઓફ વુમન"માં સ્ત્રીની પરવશતા અને પરિસ્થિતિની ચર્ચા કરી, તેને અભ્યાસની સમાન તક મળવી જોઈએની હિમાયત કરી. દરેક સમયગાળામાં નારીવાદ વિષે વિચારો અને તેનું લખાણ પ્રકાશિત થયું. સમાજની માનસિકતા બદલવા માટે અને વૈચારિક ક્રાંતિ માટે જે તે સમયના લેખકોએ પોતાનું યોગદાન આપ્યું. ભારતમાં પણ ટાગોર, કામિની રોય જેવાં લેખક અને સમાજ સુધારકોએ આપણી સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને ફેમિનીઝમનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. તે છતાં હજી આજે પણ ફેમિનીઝમ સાથે પુરુષના નાકના ટીચકાં ચઢે છે અને સ્ત્રીનું મગજ સાતમે આસમાને પહોંચે છે.
ફેમિનીઝમ નામનો આ શબ્દ અને વિચાર માત્ર વિરોધ પ્રદર્શિત કરવા માટે વપરાતો ગયો. સમાજમાં સ્ત્રીને સહન કરવી પડતી દરેક મુસીબતની જડ માત્ર પુરુષ જ હોય તેમ પુરુષનો વિરોધ કરવો અથવા તે કરે તે બધું જ કરવાનો પ્રયત્ન કરવો, જ્યાં અને જયારે જે કામ માટે કે જે વિચાર માટે સામે પક્ષે “ના" આવે તેને તો ખાસ કરવી. ઘટનાનું મૂળ જાણ્યાં વગર જ્યારે કોઈ પણ સ્ત્રીને સામાજિક સમસ્યા નડે ત્યારે "હમારી માંગે પૂરી કરો "ની જેમ ધરણા કરવા કે દરેક પ્રતિકૂળ પરિસ્થિતિને શોષણનું નામ આપવું એ નારીવાદ નથી જ. સ્ત્રીત્વ એ ઝંડા ફરકાવીને કે વિરોધ પ્રદર્શન કરીને સાબિત કરવાની વસ્તુ કે વિચાર નથી. ખરેખર તો એ લખવાનો વિષય રાખવો પડે છે એ જ પીડા છે. એક સ્ત્રીને માણસ સમજવું, સામાજિક અને બૌધિક સ્તરે એકસરખું માનવું એ ફેમિનીઝમની મુખ્ય વ્યાખ્યામાં આવી શકે. દરેક સ્ત્રીને સમાન સામાજિક હક મળે તે મુખ્ય હેતુ છે.
હજી મેટરનિટી લીવ માટે કે બાળકને ફિડીંગ આપવા બાબતે પણ સ્ત્રી એ અવરોધનો સામનો કરવો પડે છે. હજી આજે પણ એણે સેકન્ડ જેન્ડર હોવાને કારણે સમાજમાં એક પગથિયે નીચે ઊભા રહેવું પડે. એ સ્ત્રી છે આથી તેને સમજણ ના પડે કે અગત્યના નિર્ણયમાં એને બોલવાની તક ના મળે. એને બૈરું કહીને બેસાડી દેવામાં આવે ત્યારે મક્કમ રહીને વિરોધ કરવો પડે. વૈચારિક અને બૌદ્ધિક સ્વતંત્રતા જાતે લેતા શીખવું પડે. પોતાના જ ઘરના પુરુષોની બીક રાખીને સહેમીને અજંપા કે રોષ સાથે જીવવાનો અર્થ નથી. પુરુષ માટે ગણાતા વ્યવસાયમાં દાખલ થવું કે બળાત્કારનો ભોગ બનેલી પીડિતા માટે ભાષણ ઠોક્વાને બદલે પોતાના જ વાતાવરણમાં હાવભાવ, વર્તન, ભાષા દ્વારા પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પોતાનો વિચાર કહેવો, વહેતો કરવો અને તેનું અમલીકરણ કરો તો નારીનો વાદ કે વિવાદ નહિ નારીચેતનાના પાયા નંખાઈ શકે.
ફેમિનીઝમ એટલે કે નારીવાદની તરફેણ અને વકીલાત કરવાને બદલે કે તે માટે વિવાદ કરવાને બદલે નારી-ચેતનાની વાત થાય તે જરૂરી છે.
સૌજન્ય : ‘વુમનોલોજી’ નામે લેખિકાની કોલમ, ‘મધુરિમા’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2016
https://www.facebook.com/meghanimesh/posts/10205936005612587