દુનિયાના સુપર રીચની દોલત છેલ્લા પાંચ વરસમાં વધીને 44 ટકા થઈ જ્યારે ગરીબોની આવક 41 ટકા ઘટી છે
ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં દેશમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા અંગે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા હતા. બિનસરકારી દાતાસંસ્થા ઓક્સફામના તાજેતરના “એન ઈકોનોમી ફોર ધી વન પર્સન્ટ” અહેવાલના પ્રાગટ્ય સાથે અસમાનતાની ફરી ચર્ચા ઊઠી છે. ખ્યાત અર્થશાસ્ત્રી થોમસ પિકેટીના “કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચૂરી”નો પણ અસમાનતા સંબંધી ચર્ચાઓમાં સિંહફાળો છે.
ઓક્સફામનો અહેવાલ અસમાનતાનું જે ચિત્ર આલેખે છે તે મુજબ દુનિયાના 62 મૂડીપતિઓની સંપત્તિ 17.6 ખર્વ ડૉલર એટલેકે 1187.64 ખર્વ રૂપિયા છે. જે દુનિયાની અડધોઅડધા વસ્તીની સંપત્તિ જેટલી છે. એક ટકો ધનપતિઓ પાસે દુનિયાની 99 ટકા વસ્તી જેટલી દોલત છે અને તે રાજાની કુંવરીની ઉંમરની જેમ દિનરાત વધતી જાય છે. ઓક્સફામના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં સૌથી અમીરોની સંખ્યા દર વરસે ઘટતી જાય છે એનો અર્થ એ થાય કે સંપત્તિ મર્યાદિત લોકોના હાથમાં કેદ થઈ રહી છે.
2010માં વિશ્વના સૌથી વધુ ધનિકો 388 હતા. 2014માં તે ઘટીને 85 અને હવે 2015માં 62 જ થઈ ગયા છે. અમીરી અને ગરીબીની અસમાનતા કેટલી મોટી છે તે એ હકીકત પરથી જણાય છે કે દુનિયાના “સુપર રીચ”ની દોલત છેલ્લાં પાંચ વરસમાં વધીને 44% થઈ છે ત્યારે દુનિયાના ગરીબોની આવક 41% ઘટી છે. દુનિયાનો એક નાનકડો વર્ગ ધનના ઢગલા પર વિરાજમાન છે તો બહુ મોટી વસ્તી ગરીબી, ભૂખમરો અને અભાવોની ખાઈમાં સબડે છે.
ભારતના અમીરો વિશે જાતજાતના સર્વે અવારનવાર અખબારી પૃષ્ઠો પર પ્રકટ થાય છે. ”ફોર્બ્સ” સામયિકના એક સર્વે મુજબ ભારતમાં ડોલર બિલિયોનર્સ અર્થાત એક અબજ ડોલર કરતાં વધુ સંપત્તિના માલિક હોય તેવા ભારતીય અમીરો 2013માં 103 હતા, જે 2014માં ઘટીને 100 થયા. અંત્યત ધનવાન-સંપત્તિવાન લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો દુનિયામાં 11મો નંબર છે. વિશ્વના સૌથી અમીર દેશ અમેરિકામાં 62,800 અલ્ટ્રા હાઈનેટવર્થ ઇન્ડિવીડ્યુઅલ્સ છે. તો ભારતમાં આવા લોકોની સંખ્યા 1800 છે. ભારતમાં કરોડપતિઓની સંખ્યા 14,800 છે અને એકલા મુંબઈમાં 2,700 કરોડપતિઓ છે. કરોડપતિઓની સંખ્યામાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે.
શૌચાલયોની ભારે અછત અને સમૃદ્ધિથી ફાટફાટ દેવાલયો એ ભારતની વિષમતાની વરવી વાસ્તવિકતા છે. અહીં કરોડો લોકોને ખોરાક-પાણી-વીજળી- જાજરૂની પ્રાથમિક સુવિધા મળતી નથી.તો મંદિરોની સંપત્તિ સરકારી તિજોરીમાં જમા કરાવવા સરકારને યોજના ઘડવી પડે છે. જ્યાં એશિયાની સૌથી મોટી ધારાવીની ઝૂંપડપટ્ટી છે તે મહાનગર મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ માત્ર 27 માળનું જ છે. તેની કિંમત રૂ.1,42,720 કરોડ રૂપિયાની છે.
મુંબઈના પોશ એરિયા મલબાર હિલ્સનું જટિયા હાઉસ ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલા 425 કરોડમાં ઘર માટે ખરીદે છે તો દિલ્હીની શકુર બસ્તીની ઝૂંપડપટ્ટી પર કાતિલ ઠંડીમાં બૂલડોઝર ફરે છે. ઈંદિરા આવાસ, સરદાર આવાસ, અને આંબેડકર આવાસની સરકારી યોજનાઓમાં મકાનસહાય માટે સરકાર થોડાક હજાર રૂપિયા આપે છે, તો અમીરો મસ્ત મોટા મહાલયોમાં મહાલે છે.
ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેની આ વિકરાળ ખાઈને પાછો જાતિ અને ધર્મનો પણ રંગ લાગે છે. તેંડુલકર અને રંગરાજન કમિટી મહિને અનુક્રમે રૂ.1,000 અને 1,407 રૂપિયા કમાતા ભારતીયને ગરીબ ગણે છે. આવા ગરીબો મોટે ભાગે દલિત-આદિવાસી-પછાત અને લઘુમતી હોય છે. આર્થિક અસમાનતામાં સામાજિક-ધાર્મિક અસમાનતા પણ હોય છે. મહિને માંડ હજાર રૂપિયા જ કમાતો ભારતીય આ દેશમાં ગરીબ ગણાય છે, પણ આ અખિલ ભારતીય માપદંડમાં “દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા” પારસીઓ અપવાદ છે. મુંબઈની પારસી પંચાયતે ઠરાવેલા અને મુંબઈની વડી અદાલતે પણ જેનું સમર્થન કર્યું છે તે પ્રમાણે મહિને રૂ.90,000 કમાતો પારસી ગરીબ ગણાય છે!
મુકેશ અંબાણીની રોજની આવક રૂ.11,000 કરોડ છે અને તેમનું વાર્ષિક વેતન 15 કરોડ રૂપિયા છે. પરંતુ મોટાભાગના મજૂરોને રોજની સો રૂપિયા મજૂરી માંડમાંડ મળે છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ ભારતના સામાજિક –આર્થિક વસ્તી ગણતરીના અહેવાલ મુજબ દેશની 73% વસ્તી ગામડાંમાં વસે છે અને તેમાંથી માત્ર 4.6% કુટુંબો જ આવકવેરો ભરવાપાત્ર કમાણી ધરાવે છે. 74.49% ગ્રામીણ કુટુંબોની આવક મહિને રૂ.5,000 જ છે. 51.14% લોકો મજૂરી પર નભે છે. દેશમાં 4 લાખ કુટુંબો કચરો વીણીને તો 6.68 લાખ કુટુંબો ભીખ માંગીને આયખું ટૂંકુ કરે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (માનવ વિકાસ આંક) અને હંગર ઈન્ડેક્સ(ભૂખ સુચકાંક)ની તો હવે દેશમાં કોઈને પડી જ નથી.
સર્વસમાવેશક વિકાસની વાતો બહુ થાય છે પણ અમલમાં નર્યા અખાડા જ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 2015માં 80 દેશોમાં પુણ્યભૂમિ ભારત 68મા ક્રમે છે. જે દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પછી ત્રીજા નંબરે છે. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં પણ ગરીબીમાં ભારતનો ચડતો ક્રમ છે. ‘ભારતમાં બાળકો-2012’ નામક એક સરકારી રિપોર્ટમાં કહેવાયું છેકે ભારતમાં દરરોજ કુપોષણથી 1,500 બાળકોના મોત થાય છે. વરસે દહાડે પાંચ વરસની ઉમરના 2.1 મિલિયન બાળકો ભૂખમરાથી મરે છે. 57% માતાઓ અને પાંચ વરસ કરતાં ઓછી ઉંમરના 75% બાળકો ઓછું લોહી અને સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતા હોય છે.
દેશના માત્ર પાંચ અતિ ધનાઢ્યો પાસે દેશની કુલ સંપત્તિની અડધાથી વધુ સંપત્તિ હોય તે અસમાનતા અતિ ભયંકર ગણાવી જોઈએ. તેનું કારણ તો શ્રમિકોનું શોષણ જ છે ને? ઓગસ્ટ 1963માં ડો. રામમનોહર લોહિયા અને વડાપ્રધાન નહેરુ વચ્ચે લોકસભામાં ત્રણ આના વિરુધ્ધ ત્રણ રૂપિયાની ચર્ચા થઈ હતી. ડો. લોહિયાએ એ ઐતિહાસિક ભાષણમાં કહેલું કે આ દેશમાં એક ગરીબ રોજના ત્રણ આના કમાય છે અને વડાપ્રધાનના કૂતરા પાછળ રોજના ત્રણ રૂપિયા ખર્ચાય છે. આજે નહેરુના વંશજ રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને “સૂટબૂટ કી સરકાર” કહે છે ! આર્થિક અસમાનતાએ દેશના રાજકીય એજન્ડામાં આ હદે પ્રગતિ કરી છે.
ડો.આંબેડકરે બંધારણસભા સમક્ષ જો અસમાનતા નાબૂદ નહીં થાય તો પરિણામ શું આવશે તેની આગાહી કરતાં કહેલું, “અસમાનતાનો ભોગ બનેલા લોકો બંધારણસભાએ અપાર પુરુષાર્થ કરીને બનાવેલા આ લોકતંત્રના મહેલને ધૂળભેગો કરી નાંખશે”. એના દોઢેક દાયકા બાદ લોહિયાએ બહુ દુખી દિલે લોકસભામાં કહેવું પડેલું કે જો હું 20-30 વરસો પહેલાં આ વિષય પર બોલતો હોત તો મેં અસમાનતા નાબૂદીની વાત કરી હોત પણ હવે આજે તો હું એને ઘટાડવાની જ વાત કરી શકું એમ છું. એ પછીના પાંચ દાયકે આજે આર્થિક વિષમતાનું જે ચિત્ર ખડું થયું છે તેના પરથી જાહેર જીવનના કવિ ઉમાશંકર જોશીની ‘ભૂખ્યા જનોનોનો જઠરાગ્નિ જાગશે’ ની વાત સાચી ઠેરવવા કેટલો કપરો સંઘર્ષ કરવાનો છે તેનો ખ્યાલ આવે છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘આર્થિક અસમાનતા’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2016