લંડનમાં પ્રતિ એકર ૪૧ લોકો રહે છે, બોમ્બેમાં ૫૨, અમદાવાદ શહેરમાં ૮૩, પણ ચારે ય તરફ દીવાલો ધરાવતા નાનકડા સરસપુર ગામમાં પ્રતિ એકર ૯૯.૯ લોકો રહે છે. અમદાવાદના એક ભાગમાં તો પ્રતિ એકર ૧૧૪ લોકો રહે છે. અહીં ૭૦ ટકા વસતી હિંદુ, ૨૦ ટકા મુહમ્મદો અને દસ ટકા બૌદ્ધોની છે. જો કે, આશરે ૧,૧૨,૦૦૦ની વસતીએ ખ્રિસ્તીઓની વસતી કેટલી છે? આ ખ્રિસ્તી શાસકોની સંખ્યા નહીંવત બરાબર એટલે કે માત્ર ૨૬૪ છે.
વસતીની ગીચતા અને સ્વચ્છતાની વાત સમજાવવા ફ્લોરેન્સ નાઇટિંગલે જુલાઈ ૧૮૭૯માં 'એ મિશનરી હેલ્થ ઓફિસર ઈન ઇન્ડિયા' નામના લેખમાં અમદાવાદના સરસપુર વિસ્તારની વસતીના આંકડા ટાંક્યા હતાં. એટલે કે, અમદાવાદના પહેલા મેયર રણછોડલાલ છોટાલાલની કામગીરી વખાણવા લખેલા પત્રના આશરે દસ વર્ષ પહેલાં નાઇટિંગલ પાસે આ માહિતી હતી. આટલાં વર્ષો પહેલાં ભારતના જાહેર આરોગ્યથી લઈને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવા નાઇટિંગલે કેવી ઝીણી ઝીણી વિગતો ભેગી કરી હતી તેનું આ નાનકડું ઉદાહરણ છે. આટલું નોંધીને નાઇટિંગલ અમદાવાદના 'ખાળકૂવા'ની મુશ્કેલીઓની વાત સમજાવે છે.
નાઇટિંગલે લખ્યું છે કે, ''આ ખાળકૂવા શું છે? બદલો લેવા આવેલા કોઈ દેવદૂત? હિંદુ દેવી? કોઈ કુદરતી શક્તિ? આ ત્રણ ફૂટ વ્યાસ ધરાવતો વીસેક ફૂટ ઊંડો ખાડો હોય છે, જે જમીનની નીચે મળનો નિકાલ કરવા ઘરની બાજુમાં ખોદાયો હોય છે. ૩૦ કે ૪૦ વર્ષમાં આ ખાડાની એકાદ વાર સફાઈ થાય છે. તેના લીધે આખા શહેરના કૂવાનું પાણી ખૂબ જ ગંદુ થઈ ગયું છે. આપણને એ સાંભળીને આશ્ચર્ય ના થવું જોઈએ, થોડું હકારાત્મક રીતે, કે આ પાણીનો બગીચા માટે ઉપયોગ નથી થતો, એ પાણીથી ફૂલો નાશ પામે છે. શું આ પાણીથી બાળકો ના મરી જાય? …'' આ લેખમાં અમદાવાદમાં ફેલાયેલા રોગચાળાને 'દેવી પ્રકોપ' સાથે જોડી દેવાયો હતો એનો પણ ઉલ્લેખ મળે છે.
નાઇટિંગલની મુખ્ય ચિંતા એ હતી કે, બ્રિટિશ પ્રેસિડેન્સી હેઠળ બોમ્બે પછી સૌથી મોટું શહેર અમદાવાદ હોવા છતાં ત્યાં તાવના કારણે આટલા બધા લોકોનાં મૃત્યુ કેમ થાય છે? બોમ્બે મહાકાય શહેર હોવા છતાં તાવના કારણે ત્રણ ગણા ઓછાં મૃત્યુ થતાં હતાં, પરંતુ અમદાવાદમાં દર હજારે ૪૬ લોકો પાણીજન્ય રોગોથી કમોતે મરી જતા હતા. નાઇટિંગલનાં લખાણોમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના પ્રશ્નોની સાથે સાથે ગરીબો-નિરક્ષરો-વંચિતો માટેની નિસબત ઊડીને આંખે વળગે છે. જેમ કે, બે ભાગમાં લખાયેલા આ અત્યંત લાંબા લેખમાં નાઇટિંગલે નોંધ્યું છે કે, ''અમદાવાદમાં એક જૂની કહેવત છે. અમદાવાદ ત્રણ તાંતણે લટકી રહ્યું છે, એક કપાસ, બીજું રેશમ અને ત્રીજું સોનું. એટલે કે, અમદાવાદ આ ત્રણેયના વેપારમાં સ્વનિર્ભર છે. અફસોસ કે, ગરીબ વણકરોના ભોગે! આ તાંતણાની મદદથી તેમનું નસીબ તેમના મગજમાં નહીં પણ તેમના પગના તળિયાની નીચે લટકી રહ્યું છે …''
ભારતમાં મોટા ભાગના લોકો દેવાના બોજ તળે દટાયેલા છે અને જમીનદારો ગરીબોને ઊંચા વ્યાજે પૈસા ધીરે છે, એ વિશે પણ નાઇટિંગલે જબરદસ્ત વિગતો ભેગી કરી હતી. આ વિગતો ટાંકીને તેમણે લાગતા-વળગતા લોકોને સરકારી લોનને પ્રોત્સાહન આપી વ્યાજખોરીનું દૂષણ બંધ કરાવવા પણ અપીલ કરી હતી. આવાં લખાણો વાંચીને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, નાઇટિંગલે ભારત વિશે કેવી માહિતી ભેગી કરી હશે! અહીં અમદાવાદનું ઉદાહરણ આપીને તેમના કામનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ તેમણે ભારતના સ્વચ્છતા અને જાહેર આરોગ્યના પ્રશ્નો સમજવા જે તે શહેર-નગરોના જાતિ આધારિત વસતીના આંકડા, રીતિરિવાજો, પરંપરા, પ્રજાની આદતો-કુટેવો, મ્યુિનસિપાલિટીઓનું કામકાજ, ભારતીય અને બ્રિટિશ સરકારી અધિકારીઓનું વલણ તેમજ સ્થાનિક સંસ્કૃિત વિશે અત્યંત ઊંડી માહિતી મેળવી હતી.
ભારતને સમજવા નાઇટિંગલે ડિસેમ્બર ૧૮૫૭થી સખત વાંચન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા માટે રચાયેલા રોયલ કમિશનમાં ભારતીયોની ચિંતા કરે એવા જવાબદાર સભ્યોની નિયુક્તિ માટે સઘન પ્રયાસ કર્યા હતા. નાઇટિંગલે બ્રિટિશ રાજને અપીલ કરી હતી કે, તમારે રાજકારણ સિવાયના અત્યંત મહત્ત્વના કહી શકાય એવા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, દુકાળ-પૂર જેવી કુદરતી આફતોમાં રાહત કાર્યો, રોગચાળો, જેલોની સ્થિતિ, નર્સોને યોગ્ય તાલીમ, નર્સિંગ કોલેજો અને લોક ભાગીદારીના પ્રશ્નોમાં પણ રસ લેવો જોઈએ. આ માટે તેમણે વાઇસરોય, ભારતના વહીવટમાં સામેલ ઉચ્ચ બ્રિટિશ અને ભારતીય અધિકારીઓ, રાજકારણીઓ સાથે પત્રવ્યવહાર કરીને ગાઢ સંપર્ક બનાવ્યા હતા. સખત પત્રવ્યવહાર કરવા પાછળ નાઇટિંગલનો એકમાત્ર હેતુ ભારત વિશે માહિતી મેળવીને તેના ઉકેલ શોધવાનો હતો.
આ વિશિષ્ટ પ્રકારનો 'કોરસપોન્ડન્ટ કોર્સ' ચાલુ કર્યાનાં સાત જ વર્ષ પછી ૧૮૬૪માં નાઇટિંગલે 'સજેશન્સ ઈન રિગાર્ડ ટુ સેનિટરી વર્ક્સ રિક્વાયર્ડ ફોર ઈમ્પ્રુિવંગ ઈઇન્ડિયન સ્ટેશન્સ' શીર્ષક હેઠળ લખાયેલા પેપરમાં શહેરોને સ્વચ્છ કરવા ઊંડા ટેકનિકલ સૂચન કર્યાં હતાં. તેમાં ગટરોની ડિઝાઈન, ઢાંકણાં, ખાળમોરીઓ, ગંદવાડનો નિકાલ કરતી પાઈપો, જુદી જુદી ગટરોમાં ઉપયોગમાં લેવાતી ટાઈલ્સનું માપ અને તેનો આકાર, ગટર સિસ્ટમની ડિઝાઈન અને ગંદકીનો નિકાલ ક્યાં-કેવી રીતે થવો જોઈએ એની ચિત્રો સાથેની સમજૂતી અપાઈ છે. જો કે, આ પેપરમાં રોયલ કમિશનના કેટલાક અધિકારીઓ સાથે નાઇટિંગલના હસ્તાક્ષર નથી, પરંતુ તેમણે ભારતમાં અનેક લોકોને સ્વખર્ચે તેની નકલો મોકલી હતી, એના પુરાવા મોજુદ છે.
નાઇટિંગલે વર્ષ ૧૮૯૩થી ૧૮૯૬ વચ્ચે 'હેલ્થ લેક્ચર્સ ફોર ઇન્ડિયન વિલેજીસ' અને 'હેલ્થ મિશનરીઝ ફોર રૂરલ ઇન્ડિયા' નામના પેપર પણ રજૂ કર્યાં હતાં. આ પેપર્સ તૈયાર કરવા તેમણે ભારતમાં નિયુક્ત સ્કોટલેન્ડના ઉચ્ચ સરકારી અધિકારી વિલિયમ વેડરબર્ન તેમ જ સમાજસુધાર-પત્રકાર બહેરામજી મલબારી પાસેથી માહિતી મેળવી હતી. નાઇટિંગલે ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા અને આગા ખાન જેવા રાજકારણીઓ સાથે પણ પત્રવ્યવહાર કરીને વિશિષ્ટ સંબંધ વિકસાવ્યો હતો. ફક્ત પત્રવ્યવહાર કરીને તેઓ વર્ષ ૧૮૯૭-૯૮ સુધી ઇન્ડિયન સેનિટરી પેપર્સ મંગાવી શક્યાં હતાં, જેનો હેતુ અભ્યાસ કરીને સ્વચ્છતાના પ્રશ્નોનો કાયમી ઉપાય શોધવાનો હતો.
નાઇટિંગલે ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૪ના રોજ હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી આઠમી 'ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હાઇજિન એન્ડ ડેમોગ્રાફી'માં 'વિલેજ સેનિટેશન ઓફ ઇન્ડિયા' નામનું પેપર રજૂ કર્યું હતું. આ પેપરમાં તેમણે મહિલાઓનાં આરોગ્યની સ્થિતિનો અભ્યાસ કરીને મહિલા નર્સિંગ કોલેજો અને નર્સોને તબીબો જેવી વિશિષ્ટ તાલીમની હિમાયત કરી હતી કારણ કે, તેઓ જાણતાં હતાં કે ભારતમાં લાખો હિંદુ અને મુહમ્મદ (મુસ્લિમ માટે નાઇટિંગલ મુહમ્મદ શબ્દનો ઉપયોગ કરતાં) સ્ત્રીઓ પરદામાં રહેતી હોવાથી પુરુષ તબીબ પાસે જવાનું ટાળે છે. તેઓ માનતાં હતાં કે, ભારતમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યના પ્રશ્નો ઉકેલવા સ્ત્રીઓની સક્રિય ભાગીદારીની જરૂર છે.
'ઇન્ડિયન ઓપિનિયન'માં ગાંધીજીએ નાઇટિંગલ વિશે લખ્યું હતું કે, ''જ્યાં આવી સ્ત્રીઓ જન્મ લેતી હોય એ દેશ સમૃદ્ધ હોય એમાં આશ્ચર્ય ના થવું જોઈએ. ઇંગ્લેન્ડ તેની લશ્કરી તાકાતના કારણે નહીં પણ આવાં પુરુષો-સ્ત્રીઓની પ્રશંસનીય કામગીરીના કારણે વિશાળ પ્રદેશો પર રાજ કરે છે…'' 'ઇન્ડિયન ઓપિનિયન'માં નાઇટિંગલના ત્યાગ અને ચત્કારિક રીતે મૃત્યુદર ઘટાડયો એ વિશે ગાંધીજીએ કરેલા ઉલ્લેખો મળે છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૧૮૭૯ના સંખ્યાબંધ લેખોમાં નાઇટિંગલે મીઠા પરના લદાયેલા ૪૦ ટકા વેરાનો સખત વિરોધ કર્યો હતો.
ભારતમાં ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેતું 'કલેક્ટેડ વર્ક્સ ઓફ ગાંધી'નું કામ થયું છે, એવી જ રીતે કેનેડાના મહિલા પ્રોફેસર લિન મેક્ડોનાલ્ડની આગેવાનીમાં 'કલેક્ટેડ વર્ક્સ ઓફ ફ્લોરેન્સ નાઇટિંગલ'ના ૧૬ દળદાર ગ્રંથો તૈયાર થયા છે. આ ગ્રંથોમાં નાઇટિંગલના પ્રકાશિત-અપ્રકાશિત તમામ પત્રો, પેપર્સ, લેખો, ચર્ચાપત્રો (લેટર્સ ટુ એડિટર) તેમ જ બ્રિટિશ સરકાર અને રોયલ કમિશન સાથેના સંપૂર્ણ પત્રવ્યવહારને સમાવી લેવાયો છે. આ ૧૬ પૈકી નવમા અને દસમા ભાગમાં નાઇટિંગલે ચાર દાયકા સુધી ભારત પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એની આશ્ચર્યજનક માહિતી મળે છે. નવમા ભાગનું નામ છે, 'ફ્લોરેન્સ નાઇટિંગલ ઓન હેલ્થ ઈન ઇન્ડિયા' અને દસમા ભાગનું નામ છે, 'ફ્લોરેન્સ નાઇટિંગલ ઓન સોશિયલ ચેન્જ ઈન ઇન્ડિયા'. આ બંને ગ્રંથમાં સમાવેલી માહિતી આજે ય પ્રસ્તુત અને ઉપયોગી છે.
ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ ૧૨મી મે, ૧૮૨૦માં થયો હતો. વિશ્વભરમાં આ દિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઊજવાય છે. આ દિવસે ભારત સરકાર નર્સિંગમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 'નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ આપે છે. કદાચ આ કારણોસર નાઇટિંગલ આજે ય ભારતમાં 'પેલા અંગ્રેજ નર્સ' તરીકે થોડાં ઘણાં જાણીતાં છે કારણ કે, નર્સિંગ રિફોર્મ્સ સિવાય તેમણે શું કર્યું એ હજુયે લોકો સુધી પહોંચ્યું નથી.
e.mail : vishnubharatiya@gmail.com