મોરારજી દેસાઈ(૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ – ૧૦ એપ્રિલ, ૧૯૯૫)ની એક સરળ ઓળખ તો દેશના પૂર્વ વડા પ્રધાનની છે. પરંતુ આઝાદી આંદોલનના આ લડવૈયા ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછીની, બીજી આઝાદી પછી રચાયેલી દેશની પહેલી બિનકાઁગ્રેસી સરકારના વડા પ્રધાન હતા. ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન (નિશાને પાકિસ્તાન ૧૯૯૦માં, – ભારતરત્ન, ૧૯૯૧માં) મેળવનારા પણ તેઓ એક માત્ર ભારતીય રાજપુરુષ છે.
કોલેજ કાળથી જ મોરારજી દેસાઈને કાઁગ્રેસ, ગાંધીજી અને આઝાદી આંદોલન પ્રત્યે ખેંચાણ હતું. તેઓ કાઁગ્રેસના અધિવેશનોમાં જતા હતા અને દેશનેતાઓનાં ભાષણો સાંભળતા હતા. પરંતુ શિક્ષક પિતાના અપમૃત્યુ અને પારિવારિક જવાબદારીના કારણે સ્નાતક થયા પછી સરકારી નોકરી સ્વીકારવી પડી હતી. બોમ્બે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસમાં તે જોડાયા અને ડેપ્યુટી કલેકટર, પ્રાંત ઓફિસર તથા કલેકટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ, ભરુચ, ગોધરા, થાણા વગેરે જગ્યાઓએ ફરજ બજાવી. આ કામ દરમિયાન તેમણે ઉત્તમ વહીવટ કરી જાણ્યો હતો. નિયમો અને કાયદાઓનો લોકોની તરફેણમાં ભય, લોભ, લાલચ, લાંચ વિના અમલ કર્યો હતો. અંગ્રેજ કે ભારતીય અધિકારીઓની સાડાબારી રાખ્યા વિના તેમણે કામ કરી, એક નોકરશાહની નહીં પણ આદર્શ વહીવટી પુરુષ તરીકેની છાપ ઊભી કરી હતી. પરંતુ મનથી તેઓ આઝાદીના આંદોલન સાથે જોડાયેલા હતા. ૧૯૧૮થી ૧૯૩૦ની બાર વરસની બ્રિટિશ રાજની નોકરી પછી તેમણે રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે જ નક્કી કર્યું હતું કે બાકીની જિંદગી પૈસા કમાવાના કામમાં ના ખરચવી પણ સેવા કાર્યોમાં ગાળવી.
સરકારી નોકરી છોડ્યાના બીજા જ દિવસે સવારે તેઓ કાઁગ્રેસના સભ્ય બન્યા હતા. કાઁગ્રેસના કાર્યકર તરીકે લોકસંપર્ક કરી સત્યાગ્રહની લડત માટે લોકોને જાગ્રત કરવાનું કામ કર્યું. થોડાં વરસમાં તેઓ કાઁગ્રેસના મંત્રી બન્યા. સત્યાગ્રહની લડતમાં મોરારજીભાઈની સક્રિયતા તેમના પાંચ કરતાં વધુ જેલવાસથી જણાય છે. ગાંધીજીને પત્ર લખી તેમણે આશ્રમમાં જોડાવાની મંજૂરી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમને નિર્ભેળ રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ તેમની ઈચ્છાથી વિરુદ્ધ તેઓ સત્તાના રાજકારણમાં ખેંચાયા હતા. સૌ પ્રથમ ૪૧ વરસની ઉમરે ૧૯૩૭માં તેઓ અવિભાજિત મુંબઈ રાજ્યના બાળાસાહેબ ખેર મંત્રી મંડળના મહેસુલ મંત્રી બન્યા હતા. મોરારજીભાઈ ૫૬ વરસે ૧૯૫૨માં મુંબઈના મુખ્ય પ્રધાન અને ૮૧ વરસે ૧૯૭૭માં દેશના વડા પ્રધાન બન્યા હતા.
રાજ્યના અને દેશના રાજકારણમાં સત્તાના સર્વોચ્ચ પદો પર રહીને મોરારજી દેસાઈએ લોકહિતમાં સત્તાને પ્રયોજી હતી. મુંબઈ રાજ્યના મંત્રી કે મુખ્ય મંત્રી તરીકે તેમણે એવા કાયદા ઘડ્યા, જેના પર તેમની અમીટ છાપ જણાય છે. તેઓ રાજકારણી નહોતા પણ રાજપુરુષ હતા. મૂલ્યો માટેનો આગ્રહ, સ્પષ્ટ અને નિખાલસ વકતૃત્વ, કડક નિયમપાલન અને શુદ્ધ વહીવટ તેમની વિશેષતા હતી. લોકોની નજરમાં સરેરાશ રાજકારણીની જે ઢોંગી અને જુઠ્ઠા માણસ તરીકેની છાપ છે, તેના કરતાં તેઓ સાવ નોખા હતા. તેમનાં વાણી અને વર્તનમાં તફાવત નહોતો. અભી બોલા અભી ફોકના રાજકારણના જમાનામાં તે પોતાની સાચી વાતને મારો જ કક્કો ખરો એવી જિદની કક્ષાએ વળગી રહેતા હતા. શાયદ એટલે વાસ્તવ અને વ્યંગની રીતે તેમની સર્વોચ્ચ તરીકેની ઓળખ સાર્થક જણાય છે.
કાઁગ્રેસના તે વરિષ્ઠ નેતા હતા. વડા પ્રધાનના પદે પહોંચવાની યોગ્યતા અને તક છતાં એકથી વધુ વખત તેમની ઉપેક્ષા થઈ હતી. એટલે કામરાજ યોજના, ઇંદિરા ગાંધી સાથે મતભેદો અને કાઁગ્રેસના ભાગલા પછી તેમણે જુદો રાહ લીધો હતો. પાંચ દસક પહેલાના ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના બિહાર આંદોલન, ઇંદિરા ગાંધીને ગેરલાયક ઠેરવતો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને આંતરિક કટોકટી પછી તેઓ વિપક્ષી રાજકારણનું કેન્દ્ર બન્યા હતા. નવનિર્માણ આંદોલન પછી એક વરસ સુધી વિસર્જિત ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન થતાં, જૈફ વયે , સાચા ગાંધીજનને સોહે તેમ તેમણે આમરણ અનશન કર્યા હતા. એ રીતે ગુજરાતમાં જનતા મોરચાની જીત અને સત્તા પરિવર્તન માટે તેમની મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા હતી.
કટોકટી દરમિયાન જિંદગીના આઠમા દાયકે તેમણે લાંબો જેલવાસ વેઠ્યો હતો. આત્મકથા ‘મારું જીવનવૃતાંત’માં વાજબી કારણોસરનો ગાંધી-નહેરુ કુટુંબ પ્રત્યેનો તેમનો અણગમો ચોખ્ખો જણાય આવે છે. કટોકટી પછીની લોકસભા ચૂંટણીમાં વિપક્ષોને બહુમતી મળતાં મોરારજીભાઈને વડા પ્રધાન પદ મળ્યું હતું. ગાંધી સમાધિ રાજઘાટ પર જે.પી.-કૃપાલાણીના નેતૃત્વમાં જનતા સાંસદોએ શપથ લીધા ત્યારે તેમને જયપ્રકાશે રાજશક્તિ અને લોકશક્તિના સમન્વય માટે મથવા જણાવ્યું હતું. વડા પ્રધાન મોરારજીએ લોકનો બોલ શિરોમાન્યનો પ્રતિસાદ આપ્યો હતો. ખાસડે ખાંડ વેચાય તેવી સોંઘવારી અને લોકશાહીને ગળે ટૂંપો દેતા કાળા કાયદાઓની નાબૂદી મોરારજી સરકારનું કીર્તિદા કાર્ય હતું. ૧૯૭૭થી ૧૯૭૯ સુધીનો તેમનો પ્રધાનમંત્રીકાળ જનતાપક્ષના નેતાઓ અને મંત્રીઓની ટાંટિયા ખેંચ અને વિવાદોમાં એવો તો વહ્યો કે સરકારની એકંદર છાપ સત્તા માટે વલખાં મારનારાની બની ગઈ હતી. વડીલ મોરારજી તે બદલવામાં નાકામિયાબ રહ્યા એટલે લોકોની આકાંક્ષાઓ ચૂરચૂર થઈ ગઈ હતી.
અનાસકતની છબિ ધરાવતા મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા પછી ઇતિહાસે મને વડા પ્રધાનપદે સ્થાપીને પોતાની ભૂલ સુધારી છે એમ પણ કહ્યું હતું. વડા પ્રધાન તરીકે પક્ષના નેતાઓનો અસંતોષ ઠારવાને બદલે જે.પી.-કૃપાલાણી કંઈ સરકાર નથી એમ પણ તે બોલ્યા હતા.
લોકલાગણીથી વિપરિત વિચારો વ્યક્ત કરવામાં મોરારજીભાઈનો જોટો જડવો અઘરો છે. ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હોય ત્યારે પણ જે મંદિરમાં દલિતોને પ્રવેશ નથી મળતો તે મંદિરમાં હું જઈશ નહીં, તેવું અડગ વલણ તે ધરાવતા હતા. તેમનું આ કૃત્ય પક્ષને વોટ મેળવવામાં મુશ્કેલી કરાવશે તેવી સાથીઓની દલીલ પણ તે સ્વીકારતા નહોતા. દલિતો–આદિવાસીઓને અનામતનો લાભ ક્યાં સુધી એવા સવાલનો તેમનો રોકડો જવાબ હતો : આભડછેટ રહે ત્યાં સુધી. ૧૯૮૬માં અનામત અંગેના એક લેખ સંગ્રહના લોકાર્પણ પ્રસંગે તેમણે જે ગામડાઓમાં અસ્પૃશ્યતા આચરાતી હોય ત્યાં દલિતો ગાંધી માર્ગે સત્યાગ્રહ કરવા માંગતા હોય તો હું તેમની સાથે જોડાવા તૈયાર છું તેમ પણ કહ્યું હતું.
મોરારજી દેસાઈ કોઈ લોકનાયક કે લોકનેતા નહોતા તે સ્વીકારીને પણ કહેવું જોઈશે કે તે લોકથી જુદા પણ નહોતા. સિદ્ધાંતનિષ્ઠ અને લોકનિષ્ઠ રાજપુરુષોની વિલુપ્ત થઈ ગયેલી પેઢીના તે ધૃવતારક હતા.
e.mail : maheriyachandu@gmail.comm