સાવ સાચું કહું, મેક્સી?
તું ભલે ભારતનો જમાઈ રહ્યો … ખોટું લાગે તો જીવનસંગિની વિનીના હાથની બે રોટલી વધારે ખાઈ લેજે; ઓસ્ટ્રેલિયા જીતે એવું હું અને મારા જેવા અનેક ભારતીય ક્રિકેટપ્રેમીઓ બિલકુલ નહોતા ઇચ્છતા …
… પણ એકલવીર બનીને તું જે ઢબે રમી રહ્યો હતો, રમતાં રમતાં જ ક્રિકેટની રમતને એ સ્તરે લઈ ગયો હતો કે પછી તો અફઘાનિસ્તાન જીતે કે ઓસ્ટ્રેલિયા, એ વાત ગૌણ બનતી ગઈ અને A Gentleman’s Gameને તારા તરફથી એક ભેટ મળી ગઈ.
ટેસ્ટ મેચના ક્લાસ અને ટી-ટ્વેન્ટીનાં ટોળાં, ટેસ્ટ મેચની શાખ અને ટી-ટ્વેન્ટીના ખણખણિયા વચ્ચે ચગદાઈને ‘બોરિંગ’ બનતી જતી પચાસ-પચાસ ઓવર્સની એક દિવસીય ક્રિકેટ મૅચને તેં હજુ થોડાં વરસો વધુ કાઢી નાખશે એટલો, હવામાંના શુદ્ધ ઓક્સિજન જેવો ‘પ્રાણવાયુ’ આપી દીધો. સાતમીની રાત્રે જીતની બધી આશા છોડીને સૂઈ ગયેલા ઓસ્ટ્રેલિયાવાસીઓને આઠમીની સવારે સરપ્રાઇઝ આપી દીધી!
બાકી, અફઘાનિસ્તાન જેવી અફઘાનિસ્તાનની ટીમે,
બોમ્બમારા વચ્ચે અથડાઈ-ઘડાઈને તૈયાર થયેલી ટીમે,
પહેલી વન ડે ઇન્ટરનેશનલ રમ્યાને હજુ દોઢેક દાયકો માંડ થયો છે એવી ટીમે,
ટુર્નામેન્ટમાં કુલ દસમાં નવમા ક્રમાંકે પ્રવેશ પામેલી ટીમે, ક્રિકેટના મેદાનમાં ય રણમાં ઊંટ જેવી ઝડપે મજલ કાપીને ભૂતકાળમાં વર્લ્ડકપ વિજેતા રહેલી ત્રણ ત્રણ ટીમોને ૨૦૨૩ના આ વર્લ્ડકપમાં હરાવી દીધી હોય!
જ્યારે મોટા ભાગની મેચો વનસાઈડેડ બની રહી હતી ત્યારે તેની આ ટીમો સામેની જીતે જ સેમી ફાઈનલમાં પ્રવેશની સમગ્ર પ્રક્રિયાને રોમાંચક બનાવી દીધી હોય!
જ્યારે “ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત” જેવું ભારત પણ અશ્વિન જેવા મેચ વિનર અને અનુભવી સ્પિનરને ટીમ કોમ્બિનેશનનાં કારણોથી બહાર બેસાડતું હોય ત્યારે ’૬૦-૭૦ના દાયકાની ભારતીય ટેસ્ટ ટીમની યાદ અપાવતા દમામપૂર્વક ચાર ચાર સ્પિનરને રમાડતી હોય, અને પોતે પાછી ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર્સને જરા ય મચક ન આપતી હોય!
વળી, જીતે તો પશ્તૂનનો અટ્ટન ડાન્સ અને હારે તો ચહેરા પર બહુ ભાર નહીં એવી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમતી હોય …
ક્રિકેટપ્રેમી તરીકે આવી જિંદાદિલ ટીમના ફેન બની જવાનાં કારણો ઓછાં હોય તે પાછું એક બે નહીં, છ છ વર્લ્ડકપ પહેલાંના જમાનામાં, છેક ૧૯૯૬માં જેણે ૨૫ બોલમાં ૪૫ રન કરી એ વખતના ફાસ્ટેસ્ટ બૉલરના છક્કા છોડાવી દીધા હોય એવો મેન્ટલી ટફ અજય જાડેજા આ ટીમનો મેન્ટર હોય …
તો કોઈ પણ ક્રિકેટપ્રેમી ભારતીય માટે આ ટીમનું ભારત પછી તરતના નંબરની ચહીતી ટીમ ન બનવાનું કોઈ કારણ બાકી રહેતું નથી.
આવી અસાધારણ અફઘાનિસ્તાનની ટીમને મેક્સી, તારી ઓસ્ટ્રેલિયાની ટીમ હરાવી દે, જેની સાથે રમતના મેદાનમાં ટીમ ઇન્ડિયાની વિશ્વમાં બીજા નંબરની રાઇવલરી ચાલી આવતી હોય એવી તારી ટીમ અફઘાનિસ્તાનને હરાવી દે એ તો ભારતીય ક્રિકેટપ્રેમીને કેમનું સહેવાય?!
પણ, પણ અને પણ મેક્સી, રૂઢિપ્રયોગ વાપરીએ તો ‘એકલા હાથે’ અને અક્ષરસઃ કહીએ તો બલે બે હાથે, પણ ફુટવર્કનો સહેજેય ઉપયોગ કર્યા વગર, સારા બેટધર હોવા-કહેવડાવવા માટે અનિવાર્ય એવા ફુટવર્કનો ઉપયોગ કર્યા વગર, પગની માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે થતી પીડાના કારણે પગને સહેજેય હલાવ્યા-ચલાવ્યા વગર, જાણે પગ રીતસરના ખિલ્લાથી જમીન પર ખોડી દીધા હોય એ રીતે રમીને જે તબિયતથી તેં અફઘાનિસ્તાનની ટીમને હરાવી છે … માની ગ્યા મેક્સી!
બાકી, ‘ક્રેમ્પિંગ’ના કારણે ઘણા ક્રિકેટરોને મેદાન છોડીને આરામ-સારવાર માટે જતા જોયા છે. ૯૧ રનમાં ૭ વિકેટ્સ પડી ગયા પછી જે સંજોગોમાંથી અને જે રીતે તેં ટીમને ઉગારી હતી અને પછી જે મુકામે પહોંચાડી હતી એ પછી વધુ પીડા સહન ન કરતાં, ડ્રેસિંગ રૂમમાં ચાલ્યો ગયો હોત ને કોઈ વિકેટ પડતાં ફરી રમવા આવ્યો હોત તો કોઈ ઓસ્ટ્રેલિયન તને વ્યક્તિગત હિત માટે રમે છે એમ ન કહેત.
એ પછી રમતાં રમતાં કદાચ આઉટ પણ થઈ ગયો હોત તો કોઈ ઓસ્ટ્રેલિયન તને ‘દેશવિરોધી’ કહીને ટ્રોલ ના કરત, અને એ કારણે ઓસ્ટ્રેલિયા હારી પણ ગયું હોત તો તારા કે તારી ટીમના કોઈ ખેલાડીના ઘર પર પથ્થરમારો ન થયો હોત … પણ દર્દ સહીને, પીડા ભોગવીને પણ તેં રમવાનું ચાલુ રાખ્યું. સિંગલ-ડબલ લેવા માટે દોડવું શક્ય ન બન્યું ત્યારે માત્ર ચોગા-છક્કા મારીને રમવાનું ચાલુ રાખ્યું. એ વળી, વધારે પડકારજનક કામ નહીં?!
પણ, ક્રિકેટની રમતમાં અપનાવવા જેવા અને જીવનમાં ય ન અવગણવા જેવા ગુણો—ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવે કે ગમે એટલી વિકેટો પડે પણ ફસડાઈ પડવું નહીં, જીત માટે ઉતાવળા કે ઘાંઘા થવાને બદલે ફટકો મારવા માટે નબળા બોલની રાહ જોવી, વચ્ચે વચ્ચે આવતી નાની નાની તકલીફો-પીડાને વશ થઈ હથિયાર કે બેટ હેઠું મૂકી દેવાને બદલે જેટલું આગળ ખેંચાય એટલું ખેંચતા જવું, બધા ખમતીધર સાથીદારો ખડી પડ્યા હોય ત્યારે નબળો સાથીદાર મળી આવે તો એની મદદ ન લેવાને બદલે જેટલી પણ મળે એટલી મદદ હસતા મુખે લેતાં રહીને એ સમયમાં પોતાને સજ્જ-સક્ષમ બનાવતા રહેવું, પોતાની પીડા કે મર્યાદાને બહુ પંપાળવાને બદલે જે શક્તિ કે વિશેષતા છે એના પર જોર આપવું … જેવાં ભલે રમતનાં કૌશલ્યો પણ છેવટે તારા વ્યક્તિત્વનાં ગુણો ‘ગ્લેડિયેટર’ સરીખા અંદાજથી તેં બતાવી દીધા!
ગ્લેન મેક્સવેલ — અસહ્ય પીડા, અપૂર્વ ઇનિંગ્સ — અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, 7 નવેમ્બર 2023
એક દિવસીય ક્રિકેટમાં તારી સૌથી વધુ એવી સવાસોની સ્ટ્રાઈક રેટ ગણો કે થોડા દિવસો પહેલાં નેધરલેન્ડ સામે ૪૦ બૉલમાં જ કરેલી વર્લ્ડકપ ઇતિહાસની સૌથી ઝડપી સદી, બિગ બૅશ કે આઈ.પી.એલ.માં ચોગા-છક્કાની રમઝટથી તેં તારી ફ્રેન્ચાઈઝીઓને અનેક વખત અપાવેલી જીત ગણો કે પાર્ટ ટાઈમ સ્પિનર અને જાંબાઝ ફિલ્ડર તરીકે અનેક વાર તેં પલટેલા મૅચનાં પાસાં … આ બધું યાદ રહેશે, મેક્સી. જરૂર યાદ રહેશે, પણ બેવડી સદી કરવી છે એવા કોઈ જ ગણિત વગર ૨૦૧ રન નોટ આઉટ રહી તારી ટીમને તેં અપાવેલી જીત કાયમી સ્વરૂપે યાદ રહેશે. વન-ડે મેચના ઇતિહાસમાં અમારા સચીનની પહેલી બેવડી સદી પછી બેવડી સદીઓની લાગેલી લંગાર વચ્ચે તારી બેવડી સદી અદ્વિતીય બની રહેશે. કેમ કે સાવ હારની કગારે, ૦.૪૦ ટકાએ પહોંચી ગયેલી જીતની સંભાવના પછી પણ સો ટકા સફળતાએ પહોંચાડેલી જીત તરીકે યાદ રહેશે.
આ પ્રસંગે ન ભૂલવા જેવી કે ખાસ યાદ કરવી જોઈએ એવી એક વાત પણ કરી લઉં. શિખર સર કરીએ ત્યારે, એ પહેલાંની કોઈ પળે ખાઈમાં ખાબક્યા હોઈએ એને યાદ કરવાની મજા જ કંઈક ઓર હોય છે. ૨૦૧૯ના વર્લ્ડકપમાં ઇજા પછી તેં ક્રિકેટમાંથી એક-સવા વરસનો બ્રેક લીધો. કોઈ પણ ક્ષેત્રમાં અવ્વલ સ્તરે પહોંચ્યા કે ક્યાં ય ન પહોંચ્યા છતાં ય બહુ ઓછા લોકો આવું અઘરું કામ કરી શકે છે, એવા ડિપ્રેશનના કારણ સાથેનો બ્રેક લીધો. કેપ્ટન એરોન ફિન્ચ અને ટીમ મૅનેજમેન્ટે તારી આ પારદર્શિતાને વખાણી અને પછી તો તારા એમાંથી બહાર આવવામાં ય તને સાથ આપ્યો. અને એ પછી પહેલાં કરતાં ય વધારે આક્રમકતા સાથે તું મેદાનમાં આવ્યો!
તારી અને ઓસ્ટ્રેલિયાની આ વિશિષ્ટ સિદ્ધિમાં માત્ર પ્રતિભા કે મહેનત નહીં, પરસ્પર વિશ્વાસ અને ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા'(CA)ની મજબૂત સિસ્ટમનો ય ફાળો છે. આવી સિસ્ટમ ક્રિકેટ રમતા સૌ દેશોને મળે … દેશ-દુનિયા, સંસ્થા-સંગઠનો અને કંપનીઓ-ટ્રસ્ટોનાં ‘અ’થી શરૂ થઈ ‘જ્ઞ’ સુધીના કદી ન ઉકલનારા પ્રશ્નો અને સમસ્યાઓની વચ્ચે પણ આનંદ અને રોમાંચની આવી પળો સૌને ફળે.
The Very Big Show, મેક્સી!
(લખ્યા તા. 08/09-11-‘23)
(Photo Courtesy: AP, AFP, ESPN-Cricinfo)
e.mail : ketanrupera@gmail.com