આજે કૃષ્ણાષ્ટમી. કૃષ્ણ દર વર્ષે જન્મે છે એટલે તેની ઉંમર વર્ષથી વધતી નથી. આવતે વર્ષે ફરી જન્મશે ને એમ જન્માષ્ટમી ચાલ્યા કરશે ને એ રીતે બાળ સ્વરૂપ સાતત્યપૂર્ણ રહે એમ બને. કૃષ્ણનું સૌથી આકર્ષકરૂપ તેનું બાળસ્વરૂપ છે. એટલે જ તેને પણ દર વર્ષે જન્મવાનું ગમે છે. બાળક થવાનું કોને ન ગમે? કૃષ્ણ એટલે લીલા. તેની બાળલીલા યાદ કરાવવા તે દર વર્ષે જન્મ લે છે. મોટા થવું જ નહીં કે નિર્દોષતા શોધવી પડે ! બાળજન્મ પણ લીલા જ છે, પણ લીલા કરીને તેમાં જ સ્થિર થઈ જાય તો એ કૃષ્ણ નહીં. કૃષ્ણ એટલે ગતિ. તે સ્થિર ન રહે એટલે વર્ષે વર્ષે પ્રગટે ને વિકસે. કૃષ્ણ બાળ સ્વરૂપે પણ પૂર્ણ છે. તે વગર જશોદાને તેનાં મુખમાં બ્રહ્માંડ દેખાય નહીં. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, તે સાથે જ તે અધુરપનો અનુભવ પણ આપે છે. જો કે, એ અધુરપમાં મધુરપનો અનુભવ થયા વગર રહેતો નથી. સાચું તો એ છે કે તેને જોઈને ધરવ થતો નથી. તેને સમગ્રમાં વિચારનારની પકડમાં તે પૂરો આવતો નથી. તેને દેવ ન ગણીએ, હિન્દુ ન ગણીએ, ચમત્કારી ન ગણીએ, ભારતીય ન ગણીએ ને કેવળ કોઈ પણ દેશ, પ્રદેશનો એક સાધારણ માનવ ગણીએ, કશા ય વળગણ વગરનો એક માણસ ગણીએ, તો પણ આખા વિશ્વમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે. તેની ખૂબી એ છે કે કોઈ તેના જેવું નથી ને તે બધા જેવો છે. તેને કોઈ એક જાતિનો, ધર્મનો કે દેશનો માનવાની ભૂલ કરવા જેવી નથી. તે કોઈ પણ દેશનો હોઈ શકે છે ને કોઈ પણ ધર્મનો હોઈ શકે છે. તે કશાકમાં બંધાઈ રહે કે તેને કશાકમાં બાંધી રાખી શકાય એવો સંકુચિત તે નથી જ. તે હિન્દુ છે તે સાચું, પણ તે કોઈ પણ માનવધર્મનો હોઈ શકે છે. ધર્મ અને માબાપ જન્મતાંની સાથે જ મળે છે ને તેમાં પણ આગળ જતાં ધર્મ પરિવર્તન કોઇ કરે તો ય જન્મદાતા બદલાતા નથી, પણ કૃષ્ણ જન્મે છે તે સાથે જ તેને માથે જોખમ હતું એટલે માબાપ બદલી લે છે. વસુદેવ, દેવકીનું પિતૃત્વ, માતૃત્વ સ્વીકારીને, તરતમાં જ નંદ-જશોદાને પોતાનું બાળપણ સોંપે છે. પાલક માતા-પિતા પણ સગાં માબાપ જેટલાં જ મહત્ત્વના છે તે મહિમા કૃષ્ણે પોતાને નિમિત્તે કર્યો.
ગોકુળ જવાનું બીજું કારણ કૃષ્ણને હતું – ગોપાલનનો મહિમા કરવાનું. દૂધ, માખણ તો મથુરા ભરાતું હતું, તે મટકી ફોડીને ગામમાં જ રાખવાનો કનૈયાએ આગ્રહ રાખ્યો. એથી ગામના ગોવાળોને દૂધ-માખણ મળતાં થયાં. ગોપીઓને એક એક કૃષ્ણ મળે એમ રાસ રચ્યો. અહીં જ રાધા મળી. ઉંમરમાં મોટી. કૃષ્ણને કેડે લઈને ફરતી હતી એ, 11 વર્ષની છોકરી ! ખરેખર તો રાધા કાલ્પનિક છે, પણ તે એટલી વાસ્તવિક થઈ ગઈ છે કે તેનાં વગરનો કૃષ્ણ કલ્પી પણ શકાતો નથી. રાધા-કૃષ્ણમાં રાધા આગળ છે તે સૂચક છે. તે પ્રેમીઓ છે, પણ બંને કેવળ વિરહનાં બનેલાં છે. ગોકુળ છૂટ્યું એ સાથે જ રાધાનો પણ ત્યાગ થયો. પછી જે રહ્યો તે અનંત વિરહ. કોઈ સમાજ, માન્ય ન કરે એવો એ પ્રેમ, પણ સ્થપાયો મંદિરમાં. અપરિણીત પ્રેમીઓનાં અસંખ્ય મંદિરો હોય એવું બીજું ઉદાહરણ જડતું નથી. કૃષ્ણે મોરપિચ્છનો મુગટ કર્યો ને વાંસની વાંસળી કરી. બંને ગોપ(જી)વનનાં પ્રતીકો, કેટલાં સાધારણ પણ, કેવાં સપ્તરંગી સૂરીલાં !
તે પછી તો કંસ વધ, શિશુપાલ વધ ને બીજી અનેક રાજકીય ઘટનાઓ સાથે કૃષ્ણને સંકળાવાનું થાય છે. કુંતી, વસુદેવની બહેન, તે નાતે ફોઈ થાય. એ સગપણને કારણે પાંડવો-કૌરવોના સંપર્કમાં આવવાનું બન્યું. સ્વયંવર વખતે દ્રૌપદી, કર્ણને, સૂતપુત્ર કહીને મત્સ્યવેધ કરતા રોકે છે. આ અપમાનનો બદલો કર્ણ, દ્રૌપદીને, ચીરહરણ વખતે ‘વેશ્યા’ કહીને લઈ લે છે. કર્ણ અને કૌરવો દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે જે નિર્લજ્જતાથી વર્તે છે તે કેવળ શરમજનક છે. ભરી સભામાં અનેક રાજવીઓની ઉપસ્થિતિમાં એક નારીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ થઈ. એ ક્ષણે જ મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું હતું. પાંડવોની મદદમાં સાથે રહેતાં કૃષ્ણને દ્યુતસભામાં કોઈ યાદ નથી કરતું. એ હોત તો યુધિષ્ઠિરનો દ્યુતરસ આટલો વકર્યો ન હોત. કૃષ્ણને જે બાજુએ મૂકે છે તેને કૃષ્ણ પણ બાજુએ જ મૂકે કે બીજું કૈં? કૃષ્ણે જમુનાને તીરે ગોપીઓનાં ચીર હર્યાં તેમાં નિર્દોષ આનંદ હતો, જ્યારે દ્રૌપદીનું ચીરહરણ તેને અપમાનિત અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકવાને ઇરાદે થયું હતું. અહીં અનુપસ્થિત રહીને કૃષ્ણ સખીની લાજ રાખે છે. ગોપીનાં ચીર હરનાર દ્રૌપદીનાં ચીર પૂરે છે.
એક તરફ કૃષ્ણે યુદ્ધ થશે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂરી થશે એવી દ્રૌપદીને ધરપત આપી છે, છતાં વિષ્ટિકાર તરીકે કૃષ્ણ પોતે કૌરવોના દરબારમાં જાય છે. પાંડવોને થોડું કૈં આપવા કૃષ્ણ, દુર્યોધનને સમજાવે છે, પણ વાત માનવાને બદલે દુર્યોધન કૃષ્ણને બંદી બનાવવા મથે છે. અહીં પણ કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવે છે, પણ ધર્મ જાણતો દુર્યોધન, ધર્મમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અને અધર્મ જાણે છે, પણ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી ને અંતે યુદ્ધ અનિવાર્ય થઈ પડે છે. કૃષ્ણ પાસે મદદ માંગવા દુર્યોધન અને અર્જુન ભેગા થાય છે, ત્યારે પણ દુર્યોધન અઢાર અક્ષૌહિણી સેનાની લાલચે, કૃષ્ણથી દૂર રહે છે. હવે જે કૃષ્ણથી જ દૂર છે તે જીવનની નજીક કેવી રીતે હોય? અર્જુનને તો કૃષ્ણથી ઓછું કશું ખપતું જ નથી, ભલે પછી કૃષ્ણે યુદ્ધમાં નિ:શસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા જ કેમ ન કરી હોય ! છેલ્લો પ્રયત્ન કૃષ્ણ, કર્ણને મનાવવાનો કરે છે. કર્ણ, પાંડવોમાં સૌથી મોટોભાઈ છે એ રહસ્ય કૃષ્ણ ખોલે છે ને જો તે જયેષ્ઠ ભ્રાતા થાય તો તેને આપોઆપ દ્રૌપદી પણ પ્રાપ્ત થાય એમ છે, પણ કર્ણ, દુર્યોધનને છેહ દેવા તૈયાર નથી ને વાત બનતી નથી. દ્રૌપદીને પૂછ્યા વગર કૃષ્ણ તેની લાલચ કર્ણને આપવા તૈયાર થાય છે તે કઠે છે, પણ યુદ્ધની વિભીષિકા કરતાં એ ઓછું ખરાબ હતું તે પણ ખરું. કોઈ પણ રીતે વિનાશક યુદ્ધ રોકી શકાય તો રોકવા કૃષ્ણ બહુ મથે છે, પણ યુદ્ધ થઈને જ રહે છે. એમ લાગે છે કે માનવ મર્યાદા સ્વીકાર્યા પછી દેવ પણ બધાં પરિણામો રોકી શકતાં નથી. શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા છતાં, ભીષ્મ સામે આ જ કૃષ્ણ રથચક્ર લઈને ધસી જાય છે, દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર જેવા સત્યવાદી પાસે ‘નરો વા કુંજરો વા’ બોલાવે છે, જે દ્રોણનાં મૃત્યુનું કારણ બને છે, જયદ્રથ વધ વખતે પણ અકાળે સૂર્યાસ્ત કૃષ્ણે જ કરાવ્યો, દુર્યોધનને ગદા યુદ્ધમાં હરાવવા ભીમને નિયમ વિરુદ્ધ પ્રહાર કરવા કૃષ્ણે જ સૂચવ્યું … આવી ઘણી ઘટનાઓમાં કૃષ્ણ અસત્યનો, અનીતિનો લાભ લે છે, પણ એ બધું અધર્મના વિજય માટે નથી. તાત્પર્ય એ છે કે ધર્મના જય માટે અસત્ય આચરવું પડે તો તે પણ ધર્મને પક્ષે જ છે એવું કૃષ્ણ માને છે ને એ એટલે પણ સ્વીકારવું પડે કે એવું એક પણ કૃત્ય કૃષ્ણે પોતાને માટે નથી કર્યું. કોઈ પણ અસત્યનો કૃષ્ણે પોતાના હિત માટે અપવાદરૂપે પણ પ્રયત્ન નથી કર્યો. તેથી જ કૃષ્ણ સાધારણ છે, પણ ધર્મના જય માટે તેણે આચરેલું અસત્ય પણ તેને અસાધારણ બનાવે છે.
આ એક ભગવાન એવો છે જેને તુંકારી શકાય. તેની સાથે આંખમાં આંખ નાખીને વાત કરી શકાય. કૃષ્ણ વિષે જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ થાય છે કે તેની પ્રાપ્તિ શી છે? શું મેળવ્યું છે તેણે? પારધીનું તીર? બધું વટાવીને કૃષ્ણ પોતાની તરફ આવે છે ત્યારે નથી રાધા રહી, નથી કૌરવો-પાંડવો રહ્યા, નથી યાદવો રહ્યા, રહ્યું છે પારધીનું પગમાં ખૂંપેલું તીર ! કોઈ ભગવાન પગમાં તીર વાગ્યું હોય ને મર્યો હોય એવો એક દાખલો નથી. સાધારણથીયે સાધારણ માણસનું મૃત્યુ કૃષ્ણે સ્વીકાર્યું. જન્મ કારાવાસમાં ને દેહોત્સર્ગ અશ્વત્થની નીચે. દ્વારિકાધીશની આ ગતિ હોય તો આપણે માટે અહંકારની કોઈ જગ્યા બચે છે?
કૃષ્ણ એટલે આસક્તિ ને વિરક્તિ એકસમાન ને એક સાથે. એ જ્યાં છે ત્યાં પૂરેપૂરો છે. પૂર્ણથી ઓછું એને કૈં ખપતું નથી. રાધાને ચાહી પૂર્ણપણે ને ત્યાગી પણ પૂર્ણપણે. તે ફરી ગોકુળ આવતો નથી. તે જીવનમાંથી માત્ર પસાર થયો છે ને જ્યાંથી પસાર થયો છે ત્યાં તે પાછો આવ્યો નથી. વાંસળી વગાડતી આંગળીઓએ સુદર્શન ફેરવવામાં ચોરી નથી રાખી. ગોકુળ, મથુરા, દ્વારકામાં હતો તો પૂરેપૂરો ને ત્યાંથી ખસ્યો તો ખસ્યો પણ પૂરેપૂરો. કશાની તેણે માયા નથી રાખી. ન મથુરાની ગાદી લીધી, ન દ્વારિકાની. બધું જ લીધું. બધું જ ભોગવ્યું ને બધું જ છોડ્યું. સાવ નિર્લેપ ભાવે. પોતે શસ્ત્રનો યુદ્ધમાં ત્યાગ કર્યો ને અર્જુને શસ્ત્રો હેઠાં મૂકી દીધાં તો તેને યુદ્ધ માટે તૈયાર પણ કર્યો, કારણ તે ધર્મયુદ્ધ હતું. તેનું હોવું અને ન હોવું એક સાથે અને સમાંતરે છે. તે બધાંનો છે, પણ તેનું કોઈ નથી. એટલે જ અઢળક ઐશ્વર્યનો સ્વામી મૃત્યુ સમયે એકલો છે.
આવા કૃષ્ણ વિષે એવો સવાલ પણ થાય કે તે કાલ્પનિક છે કે હકીકત? મહાભારતનું યુદ્ધ ખરેખર થયેલું કે તે વ્યાસની કલ્પના માત્ર છે? વિચારીએ. મહર્ષિ વ્યાસે મહાભારત લખેલું એ જો સાચું હોય તો વ્યાસ વિષે શંકા રહેતી નથી. એ વ્યાસ, મહાભારતમાં પોતે પાત્ર છે ને ધૃતરાષ્ટ્રના ને પાંડુના પિતા છે. કોઈ લેખક પોતે કોઈ કથાનું પાત્ર હોય, એટલું જ નહીં, એ કથાનાં પાત્રોનો પિતા પણ હોય તો તે કાલ્પનિક હોય? કથા કાલ્પનિક હોય, પણ તેનો લેખક કાલ્પનિક હોય? એ જ રીતે જો ગીતા કૃષ્ણે કહી હોય ને તે અર્જુનને કહી હોય તો અર્જુન કાલ્પનિક હોય? કથક વાસ્તવિક હોય ને તે જે વ્યક્તિને ઉદ્દેશીને કહેતો હોય તે શ્રોતા કે દર્શક કાલ્પનિક હોય?
કૃષ્ણ કાલ્પનિક હોય તો પણ કોઈ ફેર પડતો નથી, કારણ એ કલ્પનામાં નહીં, લોહીમાં રહે છે. વિશ્વગુરુની વાતો તો આજે થાય છે પણ ‘કૃષ્ણં વંદે જગદગુરુમ્’ તો યુગો પહેલાં કહેવાઈ ચૂક્યું છે … વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઑગસ્ટ 2022