જીવન ટૂંકાવવાનો વિચાર શા માટે?
જન્મ અને મૃત્યુ બંને જીવની ઇચ્છાને આધીન છે. એવી માન્યતાને અધ્યાત્મ અને હવે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે. મારી સમજણ પ્રમાણે મનની ઇચ્છાઓ સાથે જોડાયેલાં કર્મો થકી દિશા નક્કી થાય છે. શરીર છોડ્યા પછી પણ ઇચ્છાઓ સ્મૃતિમાં સચવાયેલી પડી હોય છે અને ભૂતપૂર્વ કર્મોના પરિણામરૂપ દિશા પણ જીવની સાથે જ હોય છે. આમ આપણી જ ઇચ્છાઓ અને તે પ્રમાણેનાં કર્મો જીવ સાથે જોડાયેલા રહે છે. શરીર ત્યાગથી જીવની દશા કે દિશા(ગતિ)માં ફેર પડે તેવું મારું માનવું નથી. શરીર ત્યાગ પછી પણ આત્માનો વિહાર આ ગતિ સાથે જ હોય છે. આત્મા એ શુદ્ધ પ્રેમભાવનું સ્વરૂપ હોય તો પણ ઇચ્છાઓના આવરણથી ઢંકાયેલો હોવાથી પ્રકાશતો નથી. શરીર ત્યાગથી કદાચ શરીરની વેદનાનો અંત આવે પણ સાથે પીડાતાં મન અને આત્મા શું આત્મહત્યાથી વધુ દુઃખી નહી થાય?
ઇચ્છામૃત્યુ અને આત્મહત્યા બંનેમાં ઘણો ફેર છે. ઇચ્છામૃત્યુમાં મૃત્યુના સ્વીકાર સાથેની સમાધિ છે જ્યારે આત્મહત્યામાં જીવનના અસ્વીકાર સાથેનો પલાયનવાદ છે. જીવન બોજ લાગે ત્યારે ક્યારેક કિશોરો અને યુવાનો પણ આત્મહત્યા કરે છે. ઘડપણમાં બિમારી કે અશક્તિને કારણે પરાધીનતા મહેસૂસ થાય અને સ્વતંત્રતા ઝૂંટાતી લાગે ત્યારે કેટલીકવાર આપણે બીજા પર બોજ છીએ તેવું આપણને લાગે જે કદાચ સત્ય પણ હોય તો પણ એ બોજ આત્મહત્યાથી હલકો થાય તેમ માનવું અને મનાવવું એ યોગ્ય નથી. એવા વિચારોનો ફેલાવો કરવો તે સદંતર ખોટું છે. આપણે જાણીએ છીએ કે આત્મહત્યાની ખોટી ધમકીઓ અને સાચા વિચારોનો ભેદ પારખવો પણ મુશ્કેલ છે અને તેથી જ કદાચ તે વિચાર સ્વીકાર્ય નથી. આ રીતના મૃત્યુથી કે એની વાતથી સ્વજનોને વધુ દુઃખી કરી ખોટે રસ્તે દોરવા જેવું થાય. વ્યક્તિ સ્વાતંત્ર્યના ફેલાતા વિચારોમાં હકની જેટલી સમજ દેખાય છે તેટલી ફરજ બાબત નથી જણાતી. કોઈ પણ વ્યક્તિગત બાબત કુંટુંબ, સમાજ, દેશ કે દુનિયા પર શી અસર કરે છે તે વિચાર્યા વગર જો બધા લોકો વર્તવા લાગે તો શું થાય તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.
વર્ષો પહેલાં મારી એક મિત્ર યુવાનીમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને કાંકરિયા તળાવની પાળે આત્મહત્યા કરવા જઈ ઊભી હતી, પણ છેલ્લી પળે પ્રેમાળ પિતાની વેદનાના ખ્યાલે તે પાછી વળી ગઈ.
બે રાજ્યો વચ્ચેની લડાઈ ટાળવા કોઈ રાજાએ જળસમાધિ લીધી હોય કે કોઈ રાજકુમારીએ પ્રાણ ત્યાગીને લડાઈ અટકાવીને અનેક સૈનિકોના જીવ બચાવ્યા હોય તો તેમાં પ્રેમભાવ જ મુખ્ય છે તેમ જ જીવન પ્રત્યેનો આદર છે જેમાં બીજા જીવોની સુરક્ષાના ખ્યાલ સાથે મૃત્યુનો પણ આદર છે. આવા દાખલાઓ આપણા દેશના ઇતિહાસમાં સહેલાઈથી મળી શકે તેમ છે. બિમારીની પીડા સહન ન થાય ત્યારે ઉપવાસથી દેહ છોડવો અને ઝેર ખાઈને દેહ છોડવો બંનેમાં ભાવનાનો ફેર છે. એકમાં જીવનનો ત્યાગ છે બીજામાં જીવન પ્રત્યે ધિક્કાર છે.
મીરાંબાઈએ ઝેર પીધું પણ રાણાએ મોકલેલ. અહીં મૃત્યુનો સ્વીકાર છે પણ જીવન પ્રત્યે નફરત નથી. આ રાજરાણીનાં ભજનોમાંથી વહેતી અમરપ્રેમની ધારાઓ હજી યે આપણા દિલોમાં થઈને વહે છે. ત્યાગ એમાં સહજ બને છે પછી એ શરીરનો ત્યાગ હોય કે ગૃહત્યાગ! જે છોડવાનું છે તે બળાત્કારે નહીં પણ સહજભાવે છૂટે છે. આપણે જાણીએ છીએ કે બુદ્ધના ગુહત્યાગનું કારણ તેની નજરમાં આવેલી ત્રણ અવસ્થાઓ છે. એમાંની એક તે વૃદ્ધાવસ્થા, બીજી બિમારી અને ત્રીજુ મૃત્યુ. વૃદ્ધ બિમાર હોય તો પણ પ્રેમ તો વહાવી જ શકે જો એના હ્રદયમાં હોય તો! માનવહ્રદયમાં વહેતા પ્રેમનાં ઝરણાં સૂકાયાં છે તેથી જ માનસિક રોગો વધ્યા છે અને જીવનરસ સૂકાયો છે. વેદના સહન ન થાય ત્યારે મૃત્યુને વિકલ્પ તરીકે સ્વીકારીને પછી આપણી ભાવિ પેઢી આવા આત્મઘાતી વિચારો ન કરે તેમ માનવું ભૂલ ભરેલું છે. કુદરતી જીવન અને કુદરતી મૃત્યુથી તો આપણે ઘણા દૂર નીકળી ચૂક્યા છીએ. ભોગ અને રોગ વસ્તી વધારા સાથે વધ્યા છે. આવા સમયે ધૃણા અને નિંદાને બદલે પ્રેમ અને કરુણા ફેલાવી શકાશે?
e.mail : rekhasindhal@gmail.com