ચલાવે જેમ ભરવાડો; અહીં ચાલી રહ્યા ઘેટાં !
અને આઝાદીનો લ્હાવો; અહીં મહાલી રહ્યા ઘેટાં !
ચરે વગડો, કરે ઝઘડો; ને જલ્સાથી રતિક્રીડા,
કતારોમાં અદબપૂર્વક અહીં હાલી રહ્યા ઘેટાં !
નજર જ્યાં જ્યાં પડે; ઘેટાં જ જોઉં છું નમાલા સહુ,
મને દિવસ અને રાતો; બહુ સાલી રહ્યા ઘેટાં !
હવે જોઈ નથી શક્તો; આ ઘેટાંઓની વસ્તીઓ,
કસાઈના નગરમાં ફૂલી ને ફાલી રહ્યા ઘેટાં !
કદી એકા’દ ઘેટું એમ પણ બોલ્યું; કે, “ભડવાઓ,
હવે તો સિંહ થાઓ કો’ક; કાં ખાલી રહ્યા ઘેટાં” !
તમે ખુદને તપાસી લો; તમે ઘેટાં ન હો શાયદ,
ઘણાં શખ્સો શોધી શોધી અને ઝાલી રહ્યા ઘેટાં !
નવા કાનૂનનો ડંડો પછાડે જ્યાં જરી ભરવાડ,
કરી મસ્તક ‘પ્રણય’, નીચું – નીચું ઘાલી રહ્યા ઘેટાં !
તા. ૦૯-૦૬-૨૦૨૧
ભરવાડ = આપણને દોરનાર
આપણાં મોટા ભાગના આગેવાનો
નીચું ઘાલવુ = નીચે જોવું (સૌરાષ્ટી બોલીપ્રયોગ