હૈયાને દરબાર
તું જ્યારે બોલે ત્યારે
વાતો દિલની ખોલે ત્યારે
ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી …
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!
હું કંઈ બોલું કે ના બોલું
તું કંઈ બોલે કે ના બોલે
ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!
મળવું તો … એક બહાના જેવું
રેલાતી સુગંધ જેવું
વાતોમાંથી કોઈ વાત મળે ને
ખોવાયેલો કોઈ તાર જડે
ને ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!
સાથે રહેવું સાકર જેવું
સરકી પડતા ચાકડ જેવું
આંખોમાં આખું પૂર મળે ને
સ્મિતમાં સાચો સૂર ચડે
ને ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!
• કવિ : ચિંતન નાયક • સંગીતકાર : ઋષિ વકીલ
• ગાયક કલાકાર : દિવ્ય કુમાર અને પલક જોશી
———————
અમદાવાદના પોતાના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક યુવાન સંગીતકાર ઋષિ વકીલ કોઈક ગુજરાતી ફિલ્મના ગીત પર કામ કરી રહ્યો છે. વાદ્ય અરેન્જમેન્ટ થઈ ગઈ છે. ગીતનું મુખડું તૈયાર છે, અંતરા ગોઠવાઈ રહ્યો છે. આખી પ્રક્રિયા બહુ રસપ્રદ છે. જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે એવું લાગે! ધીમી ગતિના સુગમ સંગીતનું સ્થાન અપબીટ મ્યુઝિક લઈ રહ્યું છે. દર થોડા સમયે દરેક ક્ષેત્રે પરિવર્તન આવે છે. જરૂરી પણ છે. હવે પ્રમાણમાં સરળ કવિતાઓ રચાય છે અને સંગીત આધુનિક થઈ રહ્યું છે. યુવાનોનાં દિલને સ્પર્શે એવું. આખી પ્રોસેસ જોયા પછી ઋષિ એક સરસ ગીત સંભળાવે છે. ગીતના શબ્દો જ એવા મખમલી, મુલાયમ અને ગુલાબી ગુલાબી છે કે ચિત્ત પ્રસન્ન અને ચહેરો ફૂલગુલાબી થઈ જાય!
વેલેન્ટાઇન વીક ચાલતું હોય ત્યારે આવા મજેદાર પ્રેમગીતની વાત કેવી મજેદાર લાગે!
૨૦૧૭માં ‘શુભારંભ’ નામે ગુજરાતી ફિલ્મ આવી હતી. સરસ વિષય હતો. મા-બાપના ખંડિત થઈ રહેલાં લગ્નજીવનને સુધારવામાં સંતાનો જે પ્રયત્નો કરે છે, સફળ થાય છે અને સાચા પ્રણય-પરિણયનો શુભારંભ થાય છે એવી વાત આ ફિલ્મમાં હતી. હર્ષ છાયા, પ્રાચી શાહ પંડ્યા, દીક્ષા જોષી જેવી કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું સંગીત આપનાર ઋષિ વકીલ કહે છે, "ગુજરાતી ગીતો હવે જુદા જ મુકામ પર છે. ઓરકેસ્ટ્રેશન ભલે વધ્યું હોય પણ મારા મતે મેલડી પણ ખૂબ અગત્યની છે. જો કે મારો ઝોક વર્લ્ડ મ્યુઝિક તરફ હંમેશાં રહ્યો છે એટલે ગુજરાતી ગીતોમાં હું એવા પ્રયોગો કરું છું જેમાં ગુજરાતીયત સાથે વર્લ્ડ મ્યુઝિકના પીસ પણ ઉમેરું જેથી ગીતની એક આગવી ઓળખ ઊભી થાય. વિખ્યાત સેક્સોફોનિસ્ટ શ્યામરાજે મારાં ઘણાં ગીતોમાં વગાડ્યું છે. અમેરિકામાં પણ મારું સેટઅપ છે એટલે ત્યાંના કોઈ મ્યુઝિશિયનનો પીસ મારે ગુજરાતી ગીતમાં જોઈતો હોય તો આસાનીથી મળી જાય.
ગીત ગુલાબી … કોની પાસે ગવડાવવું એ નક્કી નહોતું પણ પરંપરા મુજબ પાઈલટ ટ્રેક કોઈ એક કલાકાર પાસે ગવડાવવાનો ને પછી ફાઈનલ રેકોર્ડિંગમાં જે નામ ફાઈનલ થયાં હોય એ આવીને ગાઈ જાય. એ રીતે અમદાવાદની યુવા ગાયિકા પલક જોશી પાસે ગીત ગુલાબીનો પાઈલટ ટ્રેક ગવડાવ્યો. એણે એટલું સરસ ગાયું કે મને ખાતરી થઈ ગઈ કે પ્રોડ્યુસરને એ જ પસંદ આવશે. ખરેખર એમ જ બન્યું. પલક ફાઈનલ થઈ ગઈ. પુરુષ ગાયકીમાં મનોમંથન પછી હિન્દી ફિલ્મ જગતના ગાયક દિવ્ય કુમાર પર પસંદગીનો કળશ ઢળ્યો. આ બન્નેએ ખૂબ સરસ ગાયું ને ગીત લોકપ્રિય થઈ ગયું. બેશક, ચિંતન નાયકના શબ્દો તો કમાલના છે જ!
ઉલ્લેખનીય છે કે ગુજરાતી આધુનિક સંગીતના પાયામાં જેમનાં નામ આવે એમાંના ઋષિ વકીલ છે.
આ ગીતમાં પ્રેમની લાગણી બહુ નાજુક રીતે અભિવ્યક્ત થઈ છે. ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી …!
પ્રેમને સાહજિક રીતે આ ગીતમાં વ્યક્ત કરનાર કવિ ચિંતન નાયક વ્યવસાયે ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે. સરસ કવિતાઓ લખે છે તેમ જ ‘શુભારંભ’ સહિત અન્ય બે ગુજરાતી ફિલ્મોનાં ગીતો પણ તેમણે લખ્યાં છે. યુવા કવિ ચિંતન કહે છે, "ઋષિના પિતા દિવ્યાંગ વકીલ ખૂબ સારા તબલાવાદક. સંગીતના જાણકાર અને મારા સંગીતકાર પિતા પરેશ નાયકના મિત્ર. એ નાતે હું અને ઋષિ મિત્રો બની ગયા. બન્નેની ભાષા-સંગીત પ્રત્યેની લગનીને કારણે અમે સૌથી પહેલું આલબમ ‘ક્લિક કર’ સાથે કર્યું હતું જે ઘણી લોકચાહના પામ્યું હતું. મને લાગે છે કે ગીતના શબ્દો અને સ્વરાંકન સરળ હોય તો ગીત ઝડપથી લોકોના હૃદયને સ્પર્શી જાય છે. આ ગીતના મેં છ-સાત ડ્રાફ્ટ બનાવ્યા હતા પણ એકેયમાં કંઈ જામે નહીં. છેવટે એક દિવસ અચાનક ‘ગીત ગુલાબી’ શબ્દો સ્ફૂર્યા અને આખું ગીત લખાઈ ગયું.
આ ગીતમાં આપણે સાચે જ પ્રેમનું માધુર્ય અનુભવીએ છીએ. પ્રેમ થાય ત્યારે એનો ઝીણો ગુંજારવ મનને તરબતર કરતો હોય છે. આખી દુનિયા ગુલાબી રંગે રંગાયેલી હોય એવી રંગીન લાગે. ઈશ્ક અંગેઅંગથી છલકતો લાગે છે. પ્રેમ એ મનુષ્યમાત્રની ગરજ છે. એના વિના ક્યાં કોઈને ચાલ્યું છે! ઝિલમિલાતા તારલાની ઝાંયમાં, પૂનમની ચાંદનીના અજવાસમાં મનને પ્રસન્ન અને શાંત કરે એવો પ્રેમ મળવો એ નસીબ છે. છતાં કેટલાક અભાગિયાઓને એનું ય મૂલ્ય હોતું નથી. ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ન સરે’ એવું જેમનું દુર્ભાગ્ય હોય તેને શું કહેવું? બાકી, સ્ત્રી-પુરુષને એવા સાથીની હંમેશાં ઝંખના હોય છે જે સૌથી પહેલાં તો હૂંફ આપી શકે. ‘કેરિંગ એન્ડ શેરિંગ’ એ પ્રેમની પાઠશાળાનો બીજો મંત્ર છે. સતત-સહજ સંવાદ પ્રેમને પરિપક્વ બનાવે છે. પ્રણય, પરિણય એટલે કે લગ્નમાં પરિણમવાનો હોય ત્યારે એમાં સામાજિક સ્વીકૃતિ તથા આર્થિક, ભાવનાત્મક અને સામાજિક સલામતી ઉમેરાય છે.
પરંતુ, પ્રેમ તો ક્ષિતિજોને વિસ્તારે છે, ઊડવા માટે પાંખ અને બ્રીધિંગ સ્પેસ આપે છે. ગૂંગળાવી દેતા, બંધનરૂપ, બાધારૂપ પ્રેમમાં ભલે રૂપ, ગુણ, ધન, યશ-કીર્તિ, નામના સહિત બીજાં તમામ તત્ત્વો હોય પરંતુ એમાં પ્રેમની સચ્ચાઈ અને સ્પેસ ન હોય તો એ પ્રેમ કરતાં ગુલામી વધારે હોવાની. પ્રેમ જીવનને સમૃદ્ધ ત્યારે જ બનાવી શકે જ્યારે પ્રેમની સુગંધ પ્રેમ સિવાયની ક્ષણોને પણ મહેકાવતી રહે. ઊર્જા આપતી રહે. પ્રિય પાત્રના જીવનમાં ઈંધણ સીંચતી રહે. ડેટિંગ, ફ્લર્ટિંગ આજે સાવ સહજ થઈ ગયાં છે. આમ તો એ ઝાઝું નુકસાન પહોંચાડ્યા વગરની સાહજિક ઘટના છે પરંતુ, પ્રેમની વાત આખી જુદી જ છે. માણસે જીવનમાં કોઈ એકને તો મન મૂકીને અત્યંત પ્રેમ કરવો જ જોઈએ, કારણ કે આધ્યાત્મિક વિકાસની એ સીડી છે. જો કે, મૈત્રીની હાજરી વિનાનો પ્રેમ માત્ર ઘટના બનીને રહી જાય છે. તેથી જ આ ગીતના શબ્દોમાં જે સૂક્ષ્મ પ્રેમની વાત કરી છે એ બહુ સરસ છે. વાતોમાંથી કોઈ વાત જડે, ખોવાયેલો કોઈ તાર જડે અને સ્મિતમાં સાચો સૂર જડે ત્યારે પ્રેમ સાર્થક થાય. આવો સાર્થક પ્રેમ સૌને સાંપડે એવી શુભેચ્છા.
———————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 ફેબ્રુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=621762