પત્રકાર ધીમંત પુરોહિતના ગાંધીવિષયક વિવિધ સંગ્રહનું માહિતીસભર પ્રદર્શન એક રસપ્રદ અનુભવ છે.
Remembering Bapu : Exhibition of Rare Collectibles on Gnadhi નામનું આ પ્રદર્શન અમદાવાદ મૅનેજમેન્ટ અસોસિએશન(એ.એમ.એ.)માં ગોઠવાયેલું છે.
તેમાં ગાંધીજીની સહીઓ, એમની મુદ્રા સાથે સરકારે બહાર પાડેલા ચલણ માટેના અને સ્મરણ માટેના એમ બંને પ્રકારના સિક્કા (કૉઇન્સ), ટપાલ ખાતાનાં ફર્સ્ટ ડે કવર, ટપાલ ટિકિટો અને વર્તમાનપત્રો જોવા મળે છે.
ગાંધીની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહીઓ છે. તે ઉપરાંત દાંડી કૂચના એક યાત્રીને 6 એપ્રિલ 1930ના રોજ ‘અનાસક્તિ યોગ’ પુસ્તક પર આપેલા ‘બાપુના આશીર્વાદ’ જોવા મળે છે.
ભારત સરકારે બાપુ પર અત્યાર સુધી બહાર પાડેલી તમામ 103 ટિકિટો અહીં છે, એમ સંગ્રાહક જણાવે છે. ઉપરાંત 103 દેશોએ બહાર પાડેલી 475 ટપાલ ટિકિટો વિશેષ આકર્ષક છે.
દેશના નામ મુજબ કક્કાવારીના ક્રમમાં ગોઠવાયેલી આ ટિકિટોમાં રંગ, ચિત્રો, સંદર્ભો ઇત્યાદિમાં વિપુલ વૈવિધ્ય છે. બ્રિટનની બે ટિકિટો કંગાળ છે. ઘણાં દેશોની સ્ટેમ્પ્સમાં ગાંધીજીને વિશ્વના અગ્રણી વ્યક્તિત્વો સાથે છે.
વિખ્યાત અમેરિકન ‘ટાઈમ’ મૅગેઝિને ગાંધીજીને ‘કવર’ બનાવીને સ્ટોરી લખી હોય એવા ત્રણેય અંકો ધીમંતભાઈએ અહીં રજૂ કર્યા છે : માર્ચ 1930 દાંડી કૂચ, મૅન ઑફ ધ યર 1931 અને ભારતની આઝાદી 1947.
ગાંધી હત્યા વખતના અખબારો બતાવતાં ધીમંત પુરોહિત
ટિકિટો અને ‘ટાઇમ’ના અંકો જોતાં ગાંધીના વૈશ્વિક પ્રભાવની કાળગણના રિચર્ડ એટનબેરોની 1982થી ફિલ્મથી જ શરૂ કરનારા વડા પ્રધાન ખસૂસ યાદ આવે છે.
પ્રદર્શનને છેડે ગાંધી હત્યાના સમાચારના ‘મુંબઈ સમાચાર’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક એક અંક છે.
ગાંધીજી જે ચરખા પર કાંતણ શીખ્યા હતા તે જ ચરખો નહીં પણ તેની પ્રતિકૃતિ પ્રદર્શન ખંડની મધ્યમાં જોવા મળે છે. તેમને વણાટકામ (જાણકારના મત મુજબ ‘ચરખો’ નહીં) શીખવનાર દંપતી ગંગાબહેન અને રામજીભાઈ બઢિયાનો દુર્લભ ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યો છે. ચરખો જોઈને એક સરકારી અધિકારી ગદ્દગદ્દ થઈ ગયા હતા એમ ધીમંતભાઈ જણાવ્યું.
ધીમંતભાઈનો સંગ્રહ તેનું અરધી સદીનું ધીરજભર્યું સંચિત છે. એ ‘સાત-આઠ વર્ષની ઉંમરથી’ એકઠો કરેલો ખજાનો છે. આ કોઈ શોખપરસ્ત નબીરાનું નહીં પણ ગૂજરાત વિદ્યાપીઠની મીડિયાની ડિગ્રી ધરાવનારા એક મધ્યમવર્ગીય પત્રકારનો અંગત સંગ્રહ છે.
હંમેશાં નોંધવું જોઈએ કે મધ્યમ અને તેના પછીના વર્ગો માટે કોઈપણ છંદ (હૉબી) સમય, પૈસો, જગ્યા અને સાચવણી એમ અનેક રીતે લગ્ઝરી હોય છે. વળી, જમાનો આભાસી વાસ્તવ અને ઐયાષ આયુષ્યનો છે. તેમને સમૃદ્ધ કરનારી ચીજોના ખડકલાથી ધમધમતું બજાર ધીખતું દેખાય છે. ‘ન્યુ’ અને ‘લેટેસ્ટ’ના ટ્રેન્ડ્સના ડેઝમાં સાચવણ-સાંભરણના દા’ડા હવે જાણે ગયા.
આવા વખતમાં, ગાંધીજીની – સત્તાપક્ષના નિશાન પરના ગાંધીની – મહત્તા ઉપસાવતી વિવિધ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવી ખૂબ ધન્યવાદને પાત્ર છે.
પ્રદર્શનની ગોઠવણી દર્શકોને જોવામાં સગવડ પડે તેવી સૂઝથી કરવામાં આવી છે. તેનો શ્રેય ધીમંતભાઈ સંદીપ દુગરને આપે છે. પ્રદર્શન માટે મુંબઈ અને લખનૌમાં નિમંત્રણ મળી ચૂક્યું હોવાનું પણ તેઓ જણાવે છે.
28 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ પ્રદર્શન ગાંધી જયંતી અને તેના પછીના દિવસે સાંજે 4થી 8 દરમિયાન જોવા મળશે.
આભાર : ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા
01 ઑક્ટોબર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર