અક્ષમતા સાથે જીવવું એટલે જરા જુદા માર્ગે ચાલવું. એનો માણસની ઊર્જા સાથે કોઈ સંબંધ નથી. માણસ અક્ષમ ત્યારે બને છે જ્યારે તે મનથી હારી જાય છે. બાકી દરેક જિંદગીનો કોઈ અર્થ, કોઈ મૂલ્ય ચોક્કસ છે. અસ્તિત્વની વિરાટ યોજનામાં દરેકનું એક સ્થાન છે. દીપેશભાઈ–શાંતિબહેન અને એમનું ‘એનેબલ ઇન્ડિયા’ આ રહસ્ય જાણે છે. આપણે પણ જાણીશું?
પરિવારમાં કોઈ અક્ષમ હોય અથવા અકસ્માતે અક્ષમ બની જાય ત્યારે શું થાય? ઉમેશ અને નીલાનો દીકરો મંદબુદ્ધિ જન્મ્યો. બંને એવાં હેબતાઈ ગયા કે બીજું સંતાન કર્યું જ નહીં. સંદીપ અને ઉષાની દીકરીને વ્હીલચેરમાં જ રહેવું પડે એવી બીમારી આવી. તેમણે બીજાં બે સંતાન કર્યાં કે બંને મળીને અપંગ બહેનને સાચવી લે. સુમન નાની ઉંમરથી દૃષ્ટિ ગુમાવવા લાગ્યો અને અંતે અંધ થઈ ગયો. તેણે એકાદ મદદનીશ રાખીને અને પોતાને તૈયાર કરીને જિંદગી સરસ રીતે ગોઠવી લીધી. બાર્બરા હેન્સનને એક અકસ્માતના પરિણામે અનેક પ્રકારની અક્ષમતાઓના ભોગ બનવું પડ્યું. તેણે પોતાના પર ખૂબ મહેનત કરી અને આયર્લેન્ડની પ્રથમ વ્હીલચેર્ડ પ્રોફેસર, કાઉન્સેલર અને લેખિકા બની. આ બધાં સાચાં અને પ્રેરણાદાયક ઉદાહરણો છે. પણ જેની વાત આજે કરવાનાં છીએ તે યુગલ અને એમની સંસ્થા જેવું અદ્દભુત અને અનોખું ઉદાહરણ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે.
વાત છે નેવુંના દાયકાના મધ્યભાગની. નવાં પરણેલાં દીપેશ સૂતરિયા અને શાંતિ રાઘવન અમેરિકામાં માસ્ટર્સ કરી કામે લાગ્યાં જ હતાં ત્યાં શાંતિના પિતાનો ફોન આવ્યો, ‘તારો ભાઈ અંધ થઈ ગયો છે.’ ભાઈની ઉંમર હતી 17 વર્ષ. કુટુંબ પર તો જાણે વીજળી પડી. શાંતિ-દીપેશે તેને અમેરિકા બોલાવી લીધો. શાંતિ ભાઈની ક્ષમતાઓ પર ફોકસ કરતા, પડકારોને નોર્મલ ગણતા શીખી અને તેને એવો તૈયાર કર્યો કે આજે એ એમેઝોનમાં સિનિયર મેનેજર છે, પોતાનું બધું સંભાળી શકે છે અને માબાપનો આધાર બન્યો છે.
પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી, શરૂ થાય છે. ભારત આવી દીપેશ-શાંતિ બેંગલોરની મલ્ટિનેશનલ કંપનીમાં કામે લાગ્યાં. શાંતિને થયું કે ભાઈને તાલીમ આપતાં હું પણ ઘણું શીખી છું, અંધ વ્યક્તિઓને ઉપયોગી કેમ ન થાઉં? તેણે ઘરમાં જ થોડાં સાધન વસાવ્યાં અને જોબ પર જતા પહેલાં અને આવીને અંધ વ્યક્તિઓને પગભર થવા માટે તાલીમ આપવા માંડી. કામ વધતું ગયું, એમાં બીજી અક્ષમતાવાળા લોકોને પણ
ઉમેરવા જોઈએ એ સમજાતું ગયું અને પાયો નખાયો ‘એનેબલ ઇન્ડિયા : સેલિબ્રેશન ઑફ હ્યુમન સ્પિરિટ’ નામના એન.જી.ઓ.નો. આજે એ ઘટનાને પચીસ વર્ષ થયાં છે. પોતપોતાની જોબ છોડી દીપેશ-શાંતિએ એનેબલ ઇન્ડિયાને નવી ઊંચાઈઓ આપી છે. એમની દોરવણી નીચે અદ્યતન સાધનો અને અદ્યતન દૃષ્ટિકોણ સાથે 150થી વધારે સહાયકો 21 પ્રકારની અક્ષમતાવાળા લોકોને પગભર કરવાનું કામ કરે છે. મોટી કંપનીઓ સાથે એમનું જોડાણ છે. કંપનીઓની જરૂરિયાત મુજબ એનેબલ ઇન્ડિયા અક્ષમ વ્યક્તિઓને તાલીમ આપી જે તે જોબને માટે તૈયાર કરે છે. છેલ્લા સમાચાર મુજબ બેંગલોરની ઇન્ટરનેશનલ આઈ.આઈ.ટી. કંપનીએ એનેબલ ઇન્ડિયા સાથે જોડાણ કર્યું છે અને એમના ડિજિટલ પ્રોડક્ટ ડિઝાઇન અને મેનેજમેન્ટના અનુસ્નાતક પ્રોગ્રામમાં એડમિશન મેળવનાર અક્ષમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું નક્કી કર્યું છે.
બેંગલોરના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આવેલા મોટા અને આધુનિક વિસ્તાર કોરમંગલામાં અનેબલ ઇન્ડિયાની મોટી ઓફિસ છે. અંધ લોકો બ્રેઈલ કીબોર્ડ અને બોલતાં લેપટોપ પર કામ કરતાં હોય, વ્હીલચેરમાં બંધાયેલાઓ કોઈ સ્પોર્ટ માટે તૈયારી કરતા હોય, બહેરા-મૂંગા લોકો સાંકેતિક ભાષામાં વાત કરતા હોય, ઑટિસ્ટિક લોકોને ટીમમાં કામ કરતા અને પોતાને વ્યક્ત કરતા શીખવાતું હોય, બીજાં રાજયોમાંથી પ્રતિનિધિઓ નાનાં ગામોમાં અપંગ લોકોને કેવી રીતે કમાતા કરવા તેનું માર્ગદર્શન લેવા આવ્યા હોય, એક-બે હૉલમાં ટ્રેનિંગ ચાલતી હોય, કોઈ ઓફિસમાં નવાં અભિયાનો વિચારાતાં હોય. 150થી વધારે લોકોના સ્ટાફમાં 40 ટકાથી વધારે અક્ષમ લોકો છે – બધાં એક થઈને કામ કરતાં હોય. બહુ ઓછું હલનચલન કરી શકતો એક યુવાન લિફ્ટ પાસે વ્હીલચેરમાં બેઠો હોય અને તમે તેને મદદ કરવા જાઓ તો એ તમારી ભાવનાને સમજી સુંદર સ્મિત આપે અને કહે, ‘થેંક્સ, આઈ વિલ મેનેજ.’ અને તમને સ્તબ્ધ છોડી કુશળતા અને આત્મવિશ્વાસથી વ્હીલચેર સહિત લિફ્ટમાં દાખલ થઈ નીચે ચાલ્યો જાય. ચા લઈ જનારી કે ફર્શ સાફ કરનારી બહેન ખોડંગાતી કે એક હાથવાળી હોય, પણ સ્વસ્થ સ્મિત સાથે નમસ્કાર કરે. ત્રણ માળમાં ફેલાયેલા કામકાજ, સ્ટાફને સાંકળી લેતી સૂચનાઓ અને દરેકના ‘વ્હેરઅબાઉટ્સ’ની વ્યવસ્થા સંભાળનાર યુવતી અંધ છે. જેના હાથ ધ્રૂજતા હોય, આંગળીઓ ઝડપી હલનચલન ન કરી શકતી હોય તેમના માટે ખાસ પ્રકારના ઊંચા માઉસ અને કીબોર્ડવાળા લેપટોપ છે. વાતાવરણમાં તરવરાટ અને ઊર્જા છે. માણસ સાજોસારો હોય કે અક્ષમ – પોતાનાં થાક અને ચિંતાઓને ‘જોઈ લેવા’ આપોઆપ રિ-ચાર્જ થઈ જાય!
દીપેશભાઈ, શાંતિબહેન અને અન્ય જવાબદાર લોકો પોતાના કામમાં નિપુણ, કાર્યક્ષમ, ગંભીર છતાં હળવાફૂલ છે. શાંતિબહેન કહે છે, ‘મારા ડિસેબલ્સ નોર્મલ કહેવાય એમના કરતાં સારા છે, કમ સે કમ એમને ખબર તો છે કે એમની ખામી શું છે, અને તેમનામાં એ સુધારવાની તૈયારી પણ છે.’ અને દીપેશભાઈ કહે છે, ‘કોઈ વસ્તુ ઊંચે હોય ને હાથ ન પહોંચે ત્યારે આપણે સીડી વાપરીએ છીએ – અમે માત્ર એ સીડી બતાવીએ છીએ. બાકીનું બધું તો ડિસેબલ્સ પોતે કરે છે.’ ‘ડિસેબલ’ શબ્દ તેઓ બહુ ખચકાટ સાથે વાપરે છે. ‘વી ઑલ આર ડિફરન્ટલી એબલ. એ લોકો આપણમાંના જ એક છે.’ અક્ષમ લોકોની છૂપી શક્તિઓને બહાર કાઢી તેમને ઉત્પાદક નાગરિક અને દેશના અર્થતંત્રનો હિસ્સો બનાવવા એ દીપેશભાઈ-શાંતિબહેનનું લક્ષ્ય છે. હજારો-લાખો અક્ષમ લોકો અહીં પગભર થયા છે, પોતાના કુટુંબનો ટેકો બન્યા છે. જિંદગીનો આનંદ પણ લે છે. શાંતિબહેન અને દીપેશભાઈએ પણ પોતાના કામ સાથે સંગીત, સ્પોર્ટ, ચિત્ર, પક્ષી-નિરીક્ષણ, વાંચન એમ અનેક રીતે જિંદગીને ભરપૂર રાખી છે.
અને નમ્મ વાણી – એનેબલ ઇન્ડિયાનું અક્ષમ લોકો માટેનું આ સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ – દૂર નાના ગામોમાં રહેતા, એકલા અને અસહાય હોવાનું અનુભવતા, એક તકની રાહ જોતા, પોતાની મુશ્કેલીઓમાંથી માર્ગ શોધતા, પગભર થવા માગતા અને પોતાના જેવા અન્ય લોકો સાથે સંકળાવા ઇચ્છતા અક્ષમ લોકોને સાથ, પ્રોત્સાહન અને ઉકેલ આપવા આની રચના થઈ છે. સાદા મોબાઈલ સાથે નમ્મ વાણી સેવાને જોડી શકાય છે અને એનો ઉપયોગ પણ સરળ છે.
દીપેશભાઈ-શાંતિબહેન માને છે કે ઉત્પાદન-માળખું જ એવું હોવું જોઈએ જેમાં અક્ષમ વ્યક્તિઓનો સમાવેશ હોય. તે માટે ઈન્ક્લુઝિવ એટલે કે વિવિધ ક્ષમતાઓને અવકાશ આપતું શિક્ષણ જોઈએ. મોટાં શહેરોમાં ઈન્ક્લુઝિવ શાળાઓ તો હોય છે; પણ ખરી જરૂર ભેદભાવભરેલી, બધાને એક લાકડીએ હાંકતી અને સરખામણી-સ્પર્ધામાં રાચતી માનસિકતાનો ઈલાજ કરવાની છે. પોતાનાં અન્ય કામો સાથે તેઓ આ માટે પણ સક્રિય છે.
સારું કામ કરનારને સૌનો સાથ અને સદ્દભાવ મળે જ. એનેબલ ઇન્ડિયા સાથે પણ દેશ-વિદેશના સખાવતી એકમો જોડાયાં છે. અનેક અવોર્ડ્સ મળ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતાં કાર્યક્રમો ધ્યાનમાં રાખીને અક્ષમતા સાથે કામ થાય છે. દેશના વિવિધ ભાગોમાં અનેક કેન્દ્રો એનેબલ ઇન્ડિયાનાં માર્ગદર્શન અને પ્રશિક્ષણ સાથે અક્ષમ લોકો માટે અનેક પ્રકારનાં કામ કરે છે.
પરંપરાથી જુદા પ્રકારનું જીવન જીવતા પ્રસિદ્ધ લેખક-ચિંતક ડેવિસ પિટર્સન કહે છે કે ‘મારાથી આ નહીં થાય એવું માનતા લોકોને ખોટા પાડવાની મને મઝા આવે છે.’ અક્ષમતા સાથે જીવવું એટલે જરા જુદા માર્ગે ચાલવું. એનો માણસની ઊર્જા સાથે કોઈ સંબંધ નથી. માણસ અક્ષમ ત્યારે બને છે જ્યારે તે મનથી હારી જાય છે. બાકી દરેક જિંદગીનો કોઈ અર્થ, કોઈ મૂલ્ય ચોક્કસ છે. દીપેશભાઈ-શાંતિબહેન અને એમનું ‘એનેબલ ઇન્ડિયા’ આ રહસ્ય જાણે છે. આપણે પણ જાણીશું?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 જૂન 2024