વર્તુળ : ૩ : સમ્પૂર્તિ
જીવનસ્વીકૃતિ અને સ્વીકૃતિ વિશેનો પ્રશ્ન, એ બે વર્તુળો અનુસારની કાવ્યસૃષ્ટિઓમાંથી આપણે પસાર થયા. આ ત્રીજા વર્તુળની કાવ્યસૃષ્ટિ મને ઉમાશંકરની સ્વકીય સર્જકતા અને દાર્શનિકતા અનુસાર, હવે પૂર્ણ થતી લાગી છે; સ્વીકૃતિ કે સ્વીકૃતિ વિશેનો પ્રશ્ન કાવ્યનાયકને એક જાતની અગતિકતા કે નિરુત્તરતા સૂચવતો હતો, અહીં એનો ઉમાશંકર દ્વારા એક ઉત્તર સાંપડે છે, એ અર્થમાં પણ એ સૃષ્ટિ પૂર્ણ થતી લાગે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે સમગ્ર કવિતા પૂર્ણ થાય છે, અને એ સૃષ્ટિનું ટૂંકું નામ સમ્પૂર્તિ છે.
એ સમ્પૂર્તિ હું સાત કાવ્યોના દૃષ્ટાન્તે સમજ્યો છું, જેને હું કર્નલ સ્પોટ્સ કે પરાકોટિ-રૂપ રચનાઓ કહું છું; તે આ પ્રમાણે છે : ‘સપ્તપદી’, ‘માઇલોના માઇલો મારી અંદર’, ‘એક ઝાડ’, ‘ઝાડ પર કુહાડાના’, ‘આરસના કઠેડા’, ‘ધારાવસ્ત્ર’, અને ‘પંખીલોક’.
ભલે. આ ત્રીજા વર્તુળની કાવ્યસૃષ્ટિ પૂર્વે, ઉમાશંકર વિશ્વ અને કલાવિશ્વ બેયમાં ભમી વળ્યા છે, વિભૂતિમત્ અને ઊર્જિતથી વ્યક્તિમત્-નાં યથાર્થ વિશ્વમાં ઘણું ખોજી ચૂક્યા છે, છેલ્લે વાસ્તવદર્શનને નવેસર વર્યા છે. કાવ્યપ્રકાર અને કાવ્યમાધ્યમ જેવાં ઉપકરણોને જાણી લીધા પછી સ્વકીય ઉપકરણોથી સજ્જ થવા મથી રહ્યા છે. એવા કસબીની આ ત્રીજા વર્તુળની સૃષ્ટિ પૂરી સમજ સાથે સરજાઈ છે.
નિતાન્ત સૌન્દર્યની દિશા ઉમાશંકરમાં પહેલેથી ઊઘડેલી હતી. એમની પ્રકૃતિપરક રંગદર્શિતામાં એનું બરાબરનું સ્થાન હતું. ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એ મન્ત્રરટણા, કલાકારને છાજે એવી રટણા, ઉમાશંકરમાં પ્રમાણમાં ઘણી વહેલી સ્ફુરી છે. નખી-સરોવર પરની શરદપૂર્ણિમાની એ અનુભૂતિમાં કશો ભેગ નથી, હૃત્તન્ત્રી અન્ય યોગોથી મુક્ત છે, બલકે, ‘જલવિધુતણા ચારુ સંયોગ’-ને પામી છે. ઉપલબ્ધિ પણ તેથી જ એ ધન્ય મન્ત્રની છે, (૧૮૨). કવિનું પ્રકૃતિ સાથેનું સન્ધાન, એ દિવસોમાં, ‘એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલી કો’- જેવી પંક્તિમાં વિરલ લેખાવું જોઈએ. ‘કો’ શબ્દાવલિની નિર્નામ અસમંજસતાનું સંવેદન પણ એવું જ નરવું ગણાવું જોઈએ.
તળની ગુંજાઇશ, ભાવ-ભાષા-લય, વગેરે વગેરે કવિકર્મનો અહેસાસ કરાવતાં એમનાં કેટલાંક ગીતો તેમ જ અનુભૂતિનું સૌન્દર્ય રચી રહેતાં ‘ગોઠડી’ (૪૮૮) જેવાં પારદર્શક કહી શકાય તેવાં પ્રકૃતિકાવ્યો પણ એ દિશાની સરજત છે.
જો કે, એ સૌન્દર્યની દિશા કારકિર્દી દરમ્યાન ઝાંખીપાંખી થતી ગઈ છે. જીવન-કલાની કવિતાનો એક તોતિંગ પુરષાર્થ, આપણે જોયું તેમ, વિસ્તરતો રહ્યો છે. પરન્તુ, “ધારાવસ્ત્ર”-ની કેટલીક કૃતિઓ તળ સાથેનું પુન:સન્ધાન દાખવે છે. કલા-આરાધના સત્ય કે શિવની નહીં, પણ સુન્દરની; વિભૂતિમત્ ઊર્જિત કે વ્યક્તિમત્ જેવા દેખીતા કે દેખાતું કેન્દ્ર નહીં; વસ્તુ કે રૂપ – એવી વિકલ્પ-સ્થિતિ નહીં, બલકે એકેયની વાગે નહીં એવી સમરસતા; કોઈ વ્યાખ્યાબદ્ધ લયવિધાનની કે કવિતાનાં કોઈ અવાજની મુખરતા નહીં, પણ કલાકારના અવાજની સંગીતિ; કાવ્યપ્રકાર સિદ્ધ કરીને કૃતાર્થ થવાની લાલસા નહીં, પણ કૃતિ-સૌન્દર્ય સિદ્ધ થાય એટલું જોવાની જવાબદારી ખરી — આ તમામ અભિનવ લક્ષણો અહીં નિરામય એવી ‘માત્ર કલા’-નાં દ્વાર ખોલી આપે છે. કવિનું પોતાના જ તળમાં થતું આ વિલયન, કલાપરક સમ્પૂર્તિનો એક આવશ્યક પુટ રચે છે, એક એવો છેડો આણે છે, જે વડે પેલું સાવયવ કલ્પન પણ પૂરું થાય.
ડુંગર અને ઝાડ, સ્થિતિ અને ગતિનાં પ્રતીકો છે. એ સંદર્ભમાં, આ વર્તુળની બીજી ચાર કર્નલ સ્પોટ, પરા-કોટિ-રૂપ, રચનાઓ ‘માઇલોના માઇલો મારી અંદર’, ‘આરસના કઠેડા’, ‘એક ઝાડ’, અને ‘ઝાડ પર કુહાડાના’ પોતાનાં કાવ્યસૌન્દર્ય પ્રગટાવે છે. ઉમાશંકરમાં ગીતોનું સૌન્દર્ય શરૂથી ખીલેલું પણ વચગાળામાં આછર્યું હતું, “આતિથ્ય” અને “વસન્તવર્ષા”-ની અનેક રચનાઓ એ સન્ક્રાન્તિ દર્શાવે છે. ‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં એનો છેડો છે. એને મેં અહીં પાંચમું કર્નલ સ્પોટ ગણ્યું છે. એ પાંચેયની આસપાસ “સમગ્ર કવિતા”-માંથી અનેક રચનાઓને મૂકી શકાશે. ‘પંખીલોક’ આ વર્તુળની સમ્પૂર્તિ રચતું તેમ જ “સમગ્ર કવિતા”-નું પણ એક પૂર્ણવિરામસ્વરૂપ છઠ્ઠું અને અન્તિમ કર્નલ સ્પોટ છે – જેમાં, સ્થળ અને કાળ માત્રને ઇન્દ્રિયબોધના પ્રાચુર્યમાં પામી શકાય છે. વિસ્મયની ધબક અનુભવાવરાવતી એ કૃતિમાં ઉમાશંકરે પોતાનામાંના કવિ કાજે તેમ જ મનુષ્યમાત્ર માટે પંખીલોકનો ઉત્સવ રચ્યો છે. ફળશ્રુતિ એ પણ છે કે એમાં સર્જક કવિ અને સહૃદય ભાવકનું એક નિશ્ક્લેષ ઉપનિષદ રચાય છે, જેની ચરમ પ્રાપ્તિ મૌન છે.
— ‘માઇલોના માઇલો મારી અંદર‘ —
ઘૂમતી પૃથ્વી અને દોડતી ટ્રેનના ચકરાવા સાથે કાવ્યનાયક પોતાના અસ્તિત્વને સમરસ થઈ જતું અનુભવે છે. દોડતી ગાડીની રૈખિક ગતિ, પ્રારમ્ભે, એની સમુદાર પ્રફુલ્લતાને વીંધતી હોય છે. પરિણામે, ચોપાસનાં પ્રકૃતિતત્ત્વો એનામાં પ્રવેશી શકે છે. (૭૩૩).
રચનાના પહેલા ખણ્ડમાં, એવું વિરુદ્ધ ગતિની એકત્વ સિદ્ધ થાય છે. એ પછી, તળભૂમિમાં જિવાયેલાં નર્યાં યથાર્થ કલ્પનો શરૂ થયાં છે – ઘરો, ઝૂંપડીઓ, ઓકળી-લીંપ્યાં આંગણાં, છાપરે ચડેલો વેલો, કન્યાના ઝભલા પરનું પતંગિયું – બધું હસ્તામલકવત્ થઈ ઊઠે છે, ‘જાણે હથેલીમાં રમે…’
બીજા ખણ્ડમાં, નાયકની ચેતના માઇલોનાં માઇલો જ નહીં, પણ વિશ્વોનાં વિશ્વો જેવી ખગોલીય સભરતા અનુભવે છે. ચક્રાકારે સમસ્ત પ્રકૃતિ – નિહારિકાઓ, આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, તારા, આગિયા, વગેરે એની સામે આવ્યે જ જાય છે. અને ત્યારે એ ‘તરસ્યો’ એ સમસ્તનું આકણ્ઠ પાન કરે છે, ચેતનાને વિકીર્ણ થતી અને પ્રકૃતિ સાથે એકરૂપ થતી અનુભવે છે. એવી આનન્દ-અનુભૂતિને પરિણામે એનામાં ઝંખના કે આશા ઊગે છે, એમ કે, ‘વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે’, ‘ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ’ રહું. ‘અનન્તની કરુણા’ કે ‘ધરતીની દ્યુતિ-અભીપ્સા’ જેવાં અલંકરણો જીવન-કલાધર કવિ સંદર્ભે ક્ષમ્ય લેખીએ, પરન્તુ નાયકની વૈયક્તિક અનુભૂતિની સહસમ્બન્ધક બની રહેતી આ રચનાની વસ્તુલક્ષીતાનું ગૌરવ અવશ્ય કરીએ.
ઉમાશંકરની આ રચનાઓનો સૂર આમ અંતરાલોમાં વહે છે. એ રીતે કવિ પોતાના પૂર્વ સર્જનરાશિમાંથી ઘણા બધા બહાર અથવા ઘણા બધા અંદર, દૂર, ચાલ્યા ગયા છે, એમ કહેવું જોઈએ. આ રચનાઓ કશી પ્રતીકાત્મકતાના વ્યાકરણમાં પડ્યા વિના જ પોતાના સૌન્દર્યને પ્રગટાવે છે. ડુંગર અને ઝાડ જેવી સ્થિતિઓને ટ્રેન જેવી પરિસ્થિતિભરી ગતિઓ ભેદે છે. સ્થિતિ પર ગતિનું જાણે આક્રમણ છે, સ્થળ પર સમયની પાંખ જાણે જોરથી વીંઝાઈ રહી છે. જેમ કે, ‘છીંકોટા મારતી ગાડી’-ની અન્તિમ પંક્તિમાં એવા સૌન્દર્યને આપણે ‘ધ્રૂજી રહે ભીતર ગતિત્રસ્ત’ પદાવલિમાં અનુભવીએ છીએ. આ સભ્યતામાં, કાવ્યનાયકનું ભીતર ઘણા સંદર્ભોથી આક્રાન્ત છે, ગતિ-યુગે એને ત્રસ્ત કરી મૂક્યું છે. ‘ભીતર’ અને ‘ગતિત્રસ્ત’-ની સહોપસ્થિતિ અહીં સ્ફોટક નીવડી છે, (૭૩૯).
— ‘ધારાવસ્ત્ર‘ —
એ સૌન્દર્ય-શેષ રચનાઓ ઊઘાડું કશું જ ન કહેનારી રહસ્યમય સુન્દરતા પોતે જ છે. એ પદ્ધતિનું પાંચમું કર્નલ સ્પોટ ‘ધારાવસ્ત્ર’ કાવ્ય છે, જેમાં વળી સૌન્દર્ય અને રહસ્ય બે ય છે.’
“સમગ્ર કવિતા”-નું એ અપ્રતિમ સુન્દર કાવ્ય આમ તો આટલું જ છે :
‘કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક …
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ …પણે લહેરાય,
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે -વ્યર્થ હાથ વીંઝ્યા કરે.’ (૭૫૧).
રચનામાં, સૃષ્ટિવ્યાપી અને તેને ય ઝપટમાં લેતું અતિ વ્યાપ્ત પરિમાણ સરજવું ‘નિશીથ’-કાર માટે નવી વસ્તુ ન કહેવાય. પરન્તુ તેને આમ લસરકામાં, બ્રશના એક-બે સ્ટ્રોક્સથી રચી દેનારું લાઘવ સાચે જ એક અપૂર્વતા છે. ગતિ-દૃશ્યોને ધારાવસ્ત્રના ફરફરાટ સાથે રસી નાખીને કવિએ એને સ્પર્શના વિષયો બનાવી મૂક્યાં છે; તો, આ દિગ્દિગન્તોની ભવ્યસુન્દર છબિ સામે ‘બારણાં’-ને સહેજ જુદી પડતી મનુષ્યકૃતિ રૂપે જક્સ્ટાપોઝ કર્યાં છે. સૂર્યને વાગેલા હડસેલાનો છેડો બારણાં ધડાક ભિડાય છે ત્યાં આવતો ન હોય જાણે, એમ ગતિ-દૃશ્યોની ભાત ઊપસે છે. ગતિ-દૃશ્ય અને ગતિ-શ્રાવ્યથી ગુંથાયેલું એ ધારાવસ્ત્ર સ્પર્શ્ય રૂપે પણ ‘ઓ …પણે’ લ્હૅરાતું અનુભવાય છે, અને ત્યારે, કવિનો અવાજ પણ આપણી નિકટ થઈ ગયો હોય છે. પૃથ્વી-રોપ્યાં વૃક્ષ જ નહીં, જેને જેને ‘હાથ’ છે તે સૌ એને ઝાલવા જાણે વ્યર્થ મથ્યા કરે છે.
‘ઝપાટાભેર’ કોણ ક્યાંથી ક્યાં ચાલ્યું જાય છે એવો પ્રશ્નસંકેત આવરીને બેઠેલા વર્ષાના આ સુન્દર કાવ્યમાં વિસ્મયભર રહસિની એક આખી લીલાનું સૂચન છે. ‘ધારાવસ્ત્ર’ પ્રતીકાત્મક કાવ્ય નથી, કાવ્યપ્રતીક છે; આપણામાં ઝિલાઈને એ, પછી તો, હમેશાં ફરફરતું ફેલાતું રહે છે. અહીં, સુન્દર જે સાતા અર્પે કે વર્ષા જે ઠંડક મ્હૉરી રહે તે રચના-વિશિષ્ટ મોટો સેન્દ્રિય ગુણ છે; ‘વ્યથા’-ને એ હરી શકે.
— ‘પંખીલોક‘ —
બૉદ્લેરે દર્શાવેલું કે ઇન્દ્રિય-વ્યત્યયો વડે અનુભૂતિની અપરોક્ષ અને તેથી જ તાઝપભરી અખિલાઈ ટકી શકે, અને એને એ સ્વરૂપે ટકાવી શકાય, તો તેને આધાર આપવાની કે તેનો આધાર બનવાની સૃષ્ટિમાં પૂરી ગુંજાઇશ છે. કાવ્યકલા એ કરી શકે. એવી કાવ્યકલા મોટો મનુષ્ય-કીમિયો છે. ‘પંખીલોક’ (૮૧૯) એ માનવીય હિકમતનો કાવ્યાત્મક પુરસ્કાર કરતી રચના છે :
‘કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે’. (૮૧૯)
‘આંખ જો કાન હોય તો તેજ-રંગને એ સાંભળી શકે’. (૮૨૦)
‘મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ્ કરે’. (૮૨૧)
‘હૃદય જો મન હોય તો લાગણીને એ પ્રમાણી શકે’. (૮૨૨)
પ્રકૃતિ પોતે જ એક ઉત્સવ છે. એ છિન્ન કે ન્યૂન કે નષ્ટપ્રાય ન થાય એવી દીક્ષા માણસને કોણ આપી શકે? પંખીઓના શબ્દમાં અને કવિઓના શબ્દોમાં એ સામર્થ્ય જરૂર છે. આમ તો, શબ્દો પોતે જ અપરોક્ષાનુભૂતિનું કેટલું બધું દ્રવ પોતામાં સાચવીને બેઠા છે! પણ માણસને પડળ ચડી ગયાં છે. અહીં કાવ્યનાયક – જે કવિ છે – શબ્દોને પંખી જેમ ટપકતા પ્રકાશ-ટુકડા તરીકે જોવા ઇચ્છે છે. પ્રકૃતિનાં આપણી સન્નિધિમાં ધસી આવેલાં વિવિધ રૂપો તે પંખીઓ છે, પ્રકૃતિ-સન્તાનો છે. એ ઉષા પ્રકાશ અને નક્ષત્રોની, ‘બ્રહ્માંડના શ્વાસોચ્છ્વાસ’-ની, સંવાદી ગીતિ કે પૃથ્વીના ભીતરી મૌનની વાર્તા પંખીઓ સંભળાવે છે. મનુષ્યના ઇન્દ્રિય-સન્નિકર્ષોની અને ઇન્દ્રિયબોધોની એક આખી જોગવાઈ પહેલેથી થયેલી જ છે. મનુષ્યની યુતિ માટે પ્રકૃતિ નિત્ય ઉત્સવ માંડીને તત્પર બેઠી છે :
‘પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય’, (૮૨૧).
કવિ-નાયકે પંખીઓ જેવાં તાજાં સુન્દર કલ્પનો અને કલ્પનાવલિઓની એક ભરમાર ઊભી કરી છે, કહો કે, એની પ્રફુલ્લ ચેતનાને કારણે એમ થયું છે. લીલો પોપટ, ભારદ્વાજ કે લતાગુલ્મમાં સંતાયેલું ‘વેઇટ્-અ-બિટ્’ કહેતું પેલું પંખીયુગલ કયું સત્ય પ્રગટાવે છે? ઘર પાછળના ડુંગરે – શૈલમહાશયે – કયું સત્ય પ્રગટાવ્યું છે? સિસૃક્ષા તો એવી ચીજ છે કે એ તો ફૂલના અંકુર રૂપે જ શૈલનું સકલ સત્ય સરજી શકે.
પણ માણસ ભાગદોડમાં છે. એનું અધીર મન કે એનું વાસ્તવ-ભૂખ્યું ચિત્ત કશી સમજમાં ઠરવા રાજી નથી. હકીકત એ છે કે આવીતેવી સમજ માટેની આત્મરાગી અને અન્ત્સ્તૃપ્ત દૃષ્ટિ લુપ્ત થઈ રહી છે. ઝાકળભીંજ્યા બપૈયાના આર્ત્ત સૂર વિશ્વે વળૂંભેલા વિરહને રોમરોમમાં સંચારિત કરે છે, પણ સાંભળનાર છે કોણ?
કવિ-નાયક હવે વિશ્વથી અને જાતથી અનુભવાતા પોતાના પરાયાપણાની વાત કરે છે. એને થાય છે, માણસ પોતે પોતાને સાંભળી શકે ખરો? બાકી, માણસની આ વિમુખતા એને અતિ દૂર ઢસળી જાય, એ સંભવ મોટો છે. એટલે, ‘નર્યા મારા અવાજને સાંભળવાનો’ નાયકની સંવિદમાં સંકલ્પ સ્ફુરે છે, (૮૨૩). પોતાના અવાજમાં અન્યોના અવાજ ભળેલા છે એ વસ્તુ ધ્યાનમાં લેવાય તો સમજાય કે એ શ્રુતિમાં વિશ્વ સાથેના સંવાદની કડી પડેલી છે. નાયક સમજે છે એમ સારસના ‘બેવડ આલાપ’-માં એક અહીંનો અને એક લોકાન્તરનો ભળેલા જ છે. એટલે સમજાય છે કે કવિ-નાયક ‘ધીર નાનું શું સરવૈયું’ કાઢવા માગે છે, તે શબ્દ અને મૌનથી સુયુત અને સંશ્લિષ્ટ જ હોવાનું.
‘હતા પિતા મારે, હતી માતા’ -થી શરૂ કરીને એ અશેષની અનુભૂતિમાં ઠરે છે, અને ત્યારે, એને લાગે છે કે પોતાનું સપ્રાણ ક્ષણ અને આનન્દસ્પન્દ સરજવાનું કવિ-કામ ‘માનવતાની સ્ફુર્તિલી રફતારમાં ભળી ગયું છે’ અને પોતાનું નામ ‘ભાષામાં ભળી ગયું છે’. જો કે, વેઇટ્-અ-બિટ્ બોલી ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ કહીને એ મૌનમાં સરી જાય છે.
અહીં, પંખીલોક અને મનુષ્યલોકનું સાયુજ્ય, પ્રકૃતિ અને મનુષ્યનું સાયુજ્ય, શબ્દ અને અર્થસંકેતનું સાયુજ્ય એકમેવ સુન્દરને રૂપે ઉદ્ભાસિત થતું જોઈ શકાશે. એ રીતે આ કાવ્ય ત્રીજા વર્તુળનું અન્તિમ, પણ સૂચક કર્નલ સ્પોટ છે. ‘પંખીલોક’ રચીને ઉમાશંકરે પણ પોતાના કાવ્યકલા-પુરુષાર્થની સમ્પૂર્તિનો અન્તિમ સૂર છેડ્યો છે. એ અનિવાર્ય સૂર વડે જ “સમગ્ર કવિતા”-નું વિશ્વ પણ અશેષ મૌનમાં પરિણત થઈને જાણે ફરી એક વાર ઉદ્ભાસિત થઈ ઊઠે છે. એ પુનરુદ્ભાસના સૂચવે છે કે પૂર્વવર્તી કાવ્યકલાતત્ત્વોનું પર્યવસાન છેવટે તો મૌનની નિ:શબ્દ સાન્ત સુન્દરતામાં જ છે.
ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિની આ સઘળી સમીક્ષા દર્શાવે છે કે યાદૃચ્છિક લાગતાં ત્રણેય વર્તુળ “સમગ્ર કવિતા” વિશે હવે પૂરાં અર્થસંકેતક લાગે છે. સમજાય છે કે જીવન-સ્વીકૃતિ અને તેને વિશેના પ્રશ્નથી પ્રભવેલી કવિતાએ પોતાની સમ્પૂર્તિ સાધી છે અને એ પ્રકારે એ પૂર્ણ થઈ છે. લાગે છે કે કવિ એક સાવયવ કાવ્ય-કલ્પન રચી શક્યા છે.
કેવું છે એ કાવ્ય-કલ્પન? મુખ્યત્વે એ કવિસંવિદનું પ્રતીક લાગે છે. સમ્પૂર્તિ દર્શાવે છે કે કવિસંવિદ અને કાવ્ય-કલ્પન વચ્ચેનો સમ્બન્ધ તેમની વચ્ચે થયેલી આન્તરક્રિયાનો છે. એને પરિણામે, જે કંઈ પારગામી લાગતું હતું તે હવે નિ:શેષભાવે ઑગળી ગયું છે. વિશ્વની બહુલતા, પૂર્વે છુટ્ટા તન્તુઓવાળી હતી, તે ઑગળતી જણાય છે. એથી એક એવો અવકાશ ઊભો થાય છે, જેને આપણે આનન્દ અને શ્રદ્ધા-આશાનું સમુચિત સ્થાન ગણી શકીએ – જેનો માલિક મનુષ્ય હોય, જ્યાં એ ઉત્સવપૂર્વક જીવી શકે. માણસ જેને બહુ આસાનીથી આત્મસાત્ કરી શકે, એ પ્રેમ-રસાયન તો ત્યાં છે જ છે. એને અવગત થશે કે પ્રેમથી જ આ ઉચ્ચાવચતાભર્યા વિશ્વ-આયોજનને ક્ષણમાં ઉલ્લંઘી શકાય છે. અને, કવિના શબ્દે કરીને કે એણે રચેલા કાવ્ય – કલ્પનયોગે કરીને વાચક / ભાવક ક્રાન્તિ-અભિમુખ નહીં થાય, પરન્તુ ચિરન્તનને મનન-વિષય બનાવતો પોતામાં પાછો ફરશે. એની ચેતના વ્યાપક અનિશ્ચિતિથી આક્રાન્ત નહીં થાય, પરન્તુ એને શાશ્વતીની સોબત લાગશે.
(સમ્પૂર્ણ)
= = =
(1Oct24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર