ગાંધીજીએ પોતાની જિંદગીમાં સત્યાગ્રહના કરેલા કે કરવા ધારેલા પ્રયોગો નીચેના પ્રકારના હતા. અલબત્ત દરેક પ્રકારમાં સંખ્યાબંધ પેટા-પ્રકારો પણ હોઈ શકે છે.
૧. વિચારોની કે સત્યની કે ન્યાયની સમજાવટથી કામ પતી જતું હોય તો તે ઉત્તમ.
૨. અન્યાયની જાણ પોતાના લોકોને, સામાન્ય જનતાને અને સામેના પક્ષને સ્પષ્ટ રીતે કરવી.
૩. અન્યાયી વ્યવસ્થા સાથે વિવિધ પ્રકારના અસહકાર કરવા.
૪. અન્યાયી કાયદાનો સવિનય અને ખુલ્લો ભંગ કરી, તેના પરિણામે થતી સજા સ્વેચ્છાએ સ્વીકારી લેવી.
૫. વિવિધ પ્રકારના કર ન ભરવા.
૬. પ્રજાનાં નાનાં મોટાં એકમોમાં શાસનની વ્યવસ્થા જાતે સંભાળી લઈને અન્યાયી પ્રશાસકના વહીવટને નિરર્થક અને અનાવશ્યક બનાવી દેવો.
દેશે ગાંધીજીના પ્રત્યક્ષ કે પરોક્ષ નેતૃત્વ હેઠળ સત્યાગ્રહનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોગો જોયા. ૧૯૧૯-૨૨ સુધીનું અસહકાર આંદોલન અને ૧૯૩૦-૩૪નાં સવિનયભંગનાં આંદોલનોએ આખા દેશને ચેતના પૂરી પાડી. અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ લોકોએ લાંબા ગાળા સુધી પોતાનો જુસ્સો જાળવી રાખ્યો હતો. તેમાંથી પ્રથમ આંદોલન દરમિયાન પહેલી વાર દેશના ભણેલા ગણેલા મધ્યમ વર્ગના લોકોએ જેલવાસ વહોરી લીધો. અને બીજા આંદોલનમાં સ્ત્રીઓએ હજારોની સંખ્યામાં ચળવળમાં ભાગ લીધો હતો. બંને આંદોલનોથી લોકોને એ વિશ્વાસ બેઠો હતો કે સત્યાગ્રહ એ અન્યાયનો પ્રતિકાર કરવાનો એક કારગર ઉપાય હતો. સવિનયભંગના આંદોલન દરમિયાન ધરાસણા, પેશાવર, વડાલા વગેરે સ્થળોએ કષ્ટસહનની ચરમ સીમાનું પ્રદર્શન કર્યું હતું.
તે ઉપરાંત ચંપારણમાં તિનકઠિયા વ્યવસ્થા સામે પડકાર, વાઈકોમ(કેરળ)માં દલિતોના મંદિર-પ્રવેશ, બારડોલીમાં અન્યાયી મહેસૂલ વધારાનો વિરોધ વગેરે નિશ્ચિત અને સીમિત ઉદ્દેશવાળા સત્યાગ્રહો દ્વારા રાષ્ટ્રીય જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ જીત હાંસલ કરીને દેશે પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
સત્યાગ્રહની આ દેણ મારફત ગાંધીજીએ દુનિયાના અન્યાયગ્રસ્ત, પીડિત, ત્રસ્ત, દલિત લોકો સારુ આત્મશક્તિથી લડવાનું એક ખૂબ અસરકારક સાધન આપ્યું હતું. ઉપરાંત માણસજાતને લોભ અને ભયને ઠેકાણે પ્રેમથી પરિવર્તનનું ત્રીજું પ્રેરક તત્ત્વ ચીંધ્યું હતું.
અન્યાય સામેની લડતની સાથેસાથે જ જેમાં લોકોની શક્તિ વધતી હોય એવા કાર્યક્રમો તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી જ શરૂ કરી દીધેલા.
બોઅર યુદ્ધ અને ઝુલુ યુદ્ધ એમ બબ્બે યુદ્ધ વખતે ગાંધીજીએ હિંદી સ્વયંસેવકોની ભરતી કરી હતી. આ લોકોએ ઘાયલોને ઝોળીઓમાં ઉપાડી જવાનું અને તેમને તબીબી સારવાર આપવાનાં કામો જાનને જોખમે કર્યાં હતાં. તેથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની પ્રતિષ્ઠા અને શક્તિમાં વધારો થયો હતો. કોમમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને હિંદીઓ તો સાવ બીકણ બાયલાં છે તેવી છાપ ત્યાંના ગોરાઓના મનમાંથી સાવ ભૂંસાઈ ગઈ હતી. જોહાનિસબર્ગમાં ભયંકર મરકી ફાટી નીકળી ત્યારે બીજા કોઈ ત્યાં જવાની હિંમત પણ નહોતા કરતા તેવાં સ્થળોએ પહોંચી જઈ દિવસ રાત રોગીઓની સેવા કરી હિંદીઓએ ઘણાના પ્રાણ બચાવ્યા હતા અને બિનહિંદીઓની પ્રશંસા પણ મેળવી હતી. હિંદીઓ સારુ ખાસ શાળાઓ ખોલી કે કુષ્ઠરોગ જેવા ચેપી રોગોની ચિકિત્સાની વ્યવસ્થા ગોઠવીને ગાંધીજીએ રચનાત્મક કામની પહેલ કરી હતી. દક્ષિણ આફ્રિકાના બે આશ્રમો, ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડીમાં કાર્યકર્તા સ્ત્રી-પુરુષો અને તેમનાં બાળકોને તાલીમ આપીને ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમોનો પાયો નાખ્યો હતો. એ કહેવાની જરૂર ભાગ્યે જ ગણાય કે આવા દરેક રચનાત્મક કામમાં ગાંધીજી તેમના આશ્રમોમાં અને બહાર હંમેશાં સૌની મોખરે રહેતા.
પણ સમાજનું નવું ઘડતર કરનાર કાર્યક્રમોને વ્યવસ્થિત યોજનાબદ્ધ સ્વરૂપ આપી એને કૉંગ્રેસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સ્થાન અપાવવાનું તો ગાંધીજી હિંદ આવ્યા ત્યાર બાદ જ કરી શક્યા. ત્યારે જ તેમણે આવા કાર્યક્રમને ‘રચનાત્મક’ એવી સંજ્ઞા આપી. બારડોલી તાલુકામાં સવિનયભંગની ચળવળ ઉપાડતાં પહેલાં ત્યાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ અને રાષ્ટ્રીય શિક્ષણ વ્યાપક બનવાં જોઈએ એવી શરત મૂકીને ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમોને આઝાદીના આંદોલનમાં માનભર્યું સ્થાન આપ્યું હતું. વળી આઝાદી માટેની અહિંસક લડાઈ એ કેવળ વિરોધ કરનારી નકારાત્મક લડાઈ જ નથી, પણ સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર હકારાત્મક ચળવળ પણ છે, એ સિદ્ધ કરી આપ્યું હતું. કૉંગ્રેસે ડોમિનિયન સ્ટેટસના પોતાના ઉદ્દેશ સારુ એક વર્ષની મહેતલ આપી. એ મુદ્દતમાં જો ડોમિનિયન સ્ટેટસ ન આપવામાં આવે તો કૉંગ્રેસનો ઉદ્દેશ પૂર્ણ સ્વતંત્રતાનો કરવાનું ઠરાવ્યું. ત્યારે એ એક વર્ષ દરમિયાન સ્વરાજ સારુ જોઈતી તાકાત અને યોગ્યતા કેળવવા જે કાર્યક્રમ અપાયો હતો એ પણ આખો રચનાત્મક કાર્યક્રમ જ હતો. કોમી એકતા, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી ઉપરાંત તેમાં વામપંથી કૉંગ્રેસજનોના આગ્રહથી કિસાનો અને મજૂરોના સંગઠનના કાર્યક્રમો પણ જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો સારુ કૉંગ્રેસે પોતાના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓની બનેલી ઉપસમિતિઓ પણ સ્થાપી હતી. ઘણીખરી સમિતિઓ આખું વર્ષ આ કામ પાછળ પૂરી નિષ્ઠાથી લાગી ગઈ હતી.
પરંતુ આથીયે પહેલાં તિલક મહારાજના સ્મરણમાં તિલક સ્વરાજ ફંડ ઉઘરાવવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસના એક કરોડ સભ્યો નોંધવા અને એક કરોડ રૂપિયા એકઠા કરવાના સંગઠનાત્મક કાર્યક્રમની સાથે દેશમાં વીસ લાખ રેંટિયા ચાલુ કરવાનો કાર્યક્રમ પણ જોડવામાં આવ્યો હતો અને ‘એક વર્ષમાં સ્વરાજ’ના ગાંધીજીના લોભામણા કાર્યક્રમ આગળ પણ તિલક સ્વરાજ ફંડ માટેના આ ત્રણે લક્ષ્યાંકો અનિવાર્ય શરત તરીકે જોડવામાં આવ્યા હતા.
વળી ૧૯૨૫માં કૉંગ્રેસના ખાસ ઠરાવ દ્વારા અખિલ ભારત ચરખા સંઘ નામની એક રાષ્ટ્રીય સ્તરની સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને તેને સારુ ફાળો ભેગો કરવા ગાંધીજીએ આખા દેશમાં તેમ જ બ્રહ્મદેશ તથા લંકાના પ્રવાસ પણ ખેડ્યા હતા.
મહત્ત્વનાં સર્વ રચનાત્મક કામો સારુ અલગ સંઘ સ્થાપી એની ખાસ જવાબદારી કોઈ રાષ્ટ્રીય સ્તરની વ્યક્તિને સોંપવાનો ગાંધીજીએ જાણે કે રિવાજ જ પાડી દીધો હતો. આઝાદીની લડાઈ દરમિયાન એ રીતે ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ, હરિજન સેવક સંઘ, તાલીમી સંઘ, ગો સેવા સંઘ, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, આદિમજાતિ સેવક સંઘ, મજૂર મહાજન વગેરે વિવિધ પ્રકારની રચનાત્મક સમિતિઓ સ્થાપવા તથા તેની પાછળ એક એક એવા માણસને મૂકી દેવાની પરંપરા ગાંધીજીએ પાડી હતી કે જેમણે પોતાનાં પૂરેપૂરાં જીવન જ એ કાર્યોને સમર્પી દીધાં હતાં. ગાંધીજીની આ સૂઝબૂઝ કાંઈ જેવી તેવી નહોતી. દુર્ભાગ્યે રાષ્ટ્રીય કૉંગ્રેસે આઝાદીના આંદોલનમાં જેટલું ધ્યાન આપ્યું હતું અને શક્તિ ખરચી હતી, તેટલાં કદી રચનાત્મક કામો પાછળ ખર્ચ્યાં નહોતાં. જો તેમ કર્યું હોત તો કદાચ દેશ પાસે સ્વરાજ આવ્યું ત્યારે જ એવી મોટી અહિંસક સેના ખડી થઈ ગઈ હોત કે જે સ્વરાજ પછી થયેલી દેશની ઘણી અધોગતિને રોકી શકી હોત.
દુનિયાના બહુ ઓછા ક્રાંતિકારીઓના મનમાં ક્રાંતિનાં નકારાત્મક અને હકારાત્મક બંને પાસાં સ્પષ્ટ હોય છે. મોટાભાગના ક્રાંતિકારીઓ જે વ્યવસ્થાને ઉથલાવી પાડવાની હોય છે એને અંગે તો મનથી સ્પષ્ટ હોય છે, પણ જે નવી વ્યવસ્થા ઊભી કરવાની હોય છે, તે અંગે તેઓ એટલા સ્પષ્ટ નથી હોતા. ગાંધીજી આ બાબતમાં એક ઝળહળતા અપવાદ જેવા હતા. એમણે રચનાત્મક કાર્યક્રમો મારફત સ્વરાજ પછીના સમાજ અંગેની પોતાની કલ્પનાના ચિત્રમાં પૂરતા રંગો પૂર્યા હતા. રચનાત્મક કાર્યક્રમ સ્વરાજને નીચેથી ઉપર સુધી રચવાનો એક નક્કર કાર્યક્રમ હતો. તેમાં જીવનના આર્થિક, રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક વગેરે સમગ્ર ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં હતાં.
આર્થિક ક્ષેત્રમાં ખાદી, ગ્રામોદ્યોગ, ગો સેવા, આર્થિક સમતા, કિસાનોનાં હિતો જેવા વિષયોનો સમાવેશ થતો હતો. રાજનૈતિક ક્ષેત્રમાં કોમી એકતા, પ્રૌઢ શિક્ષણ દ્વારા લોકચેતના જાગરણ, કિસાન, મજૂર અને વિદ્યાર્થી સંગઠનોને લેવામાં આવ્યાં હતાં. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રી-શિક્ષણ, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, કુષ્ઠરોગીઓની સેવા જેવા વિષયોને આવરી લેવાયા હતા. શૈક્ષણિક ક્ષેત્રમાં બાલવાડીથી માંડીને ઉચ્ચતમ શિક્ષણ સુધીની નઈતાલીમ, આરોગ્ય અને સ્વચ્છતાનું શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ વગેરે આવતાં હતાં. સાંસ્કૃતિક ક્ષેત્રમાં રચનાત્મક કાર્યોમાં, માતૃભાષા પ્રેમ અને રાષ્ટ્રભાષા શિક્ષણને સમાવવામાં આવ્યાં હતાં. ગાંધીજીએ ખુદ આ દરેક કાર્યક્રમ અંગે અલગ અલગ નોંધ કરીને કાર્યકર્તાઓ સારુ માર્ગદર્શક પુસ્તિકા તૈયાર કરી હતી, જેની પુષ્ટી તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ એક બીજી પુસ્તિકા દ્વારા કરી હતી. ગાંધીજીની આ પુસ્તિકામાં ઘણાં રચનાત્મક કાર્યોની મૂલગામી વ્યાખ્યા કરવામાં આવી છે.
રચનાત્મક કાર્યક્રમોએ કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને હિંદના ગામે ગામ સુધી પહોંચી શકવાની એક સોનેરી તક પૂરી પાડી હતી. કૉંગ્રેસે અધૂરી પધૂરી નિષ્ઠા સાથે પણ રચનાત્મક કાર્યક્રમોને જેટલે અંશે ઉપાડી લીધા હતા તેને લીધે જ તેને એક રાષ્ટ્રીય સંસ્થાનું સ્વરૂપ મળ્યું હતું.
વ્યૂહરચનાની દૃષ્ટિએ રચનાત્મક કાર્યક્રમોનું એક વિશેષ મહત્ત્વ હતું. આઝાદીની અહિંસક લડાઈના ત્રણ દાયકા દરમિયાન દેશ ત્રણ મોટાં મોટાં આંદોલનોમાંથી પસાર થયો હતો. લગભગ દાયકે દાયકે આવતાં આ મોટાં આંદોલનોની વચ્ચેના ગાળામાં કાર્યકર્તાઓ થાક કે નિરાશા અનુભવે એવા ગાળામાં રચનાત્મક કાર્યક્રમો તેમને લોકો પાસે પહોંચવાનું સુલભ સાધન ઉપલબ્ધ કરી દેતા. કૉંગ્રેસના જે કાર્યકરોએ લાંબા જેલવાસમાંથી છૂટી આવેલા કાર્યકર્તાઓની ‘ગામડે ગામડે જઈને કામ કરો’ની હાકલને માન આપ્યું હતું, તેમણે કદી માત્ર જેલ જવાના કાર્યક્રમો વખતે જ થનગની ઊઠી જતા અને પછી વીલે મોઢે બેસી રહેતા કાર્યકરોની માફક નિરાશા કે ઉત્સાહનો અભાવ અનુભવ્યા નહોતા. અંગ્રેજ સરકાર ગાંધીજીની આ વ્યૂહરચનાને જેટલી સમજી હતી એટલી કદાચ ઘણા કૉંગ્રેસ આગેવાનો પણ નહોતા સમજતા. દા.ત. ૧૯૩૦-૧૯૩૪ના લાંબા અને કષ્ટકર આંદોલન પછી જ્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને હરિજન સેવાના કાર્યક્રમો ઉપાડી હરિજનયાત્રા શરૂ કરી, ત્યારે ઘણા સમાજવાદી આગેવાનો એમ માનતા હતા કે ગાંધીજી આઝાદી આંદોલનના મુખ્ય લક્ષથી ચાતરી રહ્યા છે. પણ અસ્પૃશ્યતા નિવારણના આ વ્યાપક કાર્યક્રમનું સુફળ કૉંગ્રેસે ૧૯૩૭ની ચૂંટણી વખતે ‘અસ્પૃશ્યોના’ વધુમાં વધુ મત મેળવીને ચાખ્યાં હતાં. રચનાત્મક કાર્યક્રમે કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને એક વ્યાપક રાષ્ટ્રવ્યાપી આધાર પૂરો પાડ્યો હતો. હિંસક લડાઈમાં જેવું પુરવઠા ખાતાનું મહત્ત્વ છે તેવું મહત્ત્વ અહિંસક લડાઈમાં રચનાત્મક કાર્યનું થઈ જાય છે.
ગાંધીજીએ જ્યારથી સામાજિક કામો શરૂ કર્યાં ત્યારથી જ તેમણે એ કામનો સંબંધ પોતાની આત્મશુદ્ધિ સાથે જોડ્યો હતો. સામાજિક કામોને એમણે ભગવદ્ભક્તિનું એક સ્વરૂપ માન્યું હતું. ભક્તિ કરવી હોય તો તે શુદ્ધ હૃદયથી જ થઈ શકે એવા સંસ્કાર એમને નાનપણથી મળ્યા હતા. તેથી શું ઇંગ્લેડમાં વેજિટેરિયન સોસાયટી જોડેનાં કામોમાં, કે શું દક્ષિણ આફ્રિકામાં એક પછી એક સંસ્થાના હોદ્દેદાર તરીકે કામ કરતા તેમણે વગર પગારે જ માનદ્દ સેવા આપી હતી. જ્યારે દાદા અબ્દુલ્લાને ત્યાં વિદાય સભામાં એમને દેશવાસીઓનો પ્રશ્ન હાથ ધરીને થોડું વધુ રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો, અને તેમણે એક માસ સારુ વધુ રોકાઈ જવાનું કબૂલ કર્યું ત્યારે તેમણે દફતર ચલાવવાના ખર્ચની જોગવાઈ કરી, પણ પોતાના પગારની તો તેમણે કલ્પના સુધ્ધાં ન કરી.
ઝુલુ લડાઈ પછી તેમણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી ત્યારે પણ તેમના મનમાં એક મુખ્ય વિચાર એ હતો કે જેણે જાહેર જીવનમાં વધુ સક્રિય બનવું હોય તેને પોતાની કુટુંબજાળ વધારેલી ન પોસાય. એમ જો સાવ શરૂઆતથી જોઈએ તો નાનપણમાં હરિશ્ચંદ્ર નાટક જોઈને પણ એમને માત્ર એટલો જ વિચાર નહોતો આવ્યો કે હું પણ હરિશ્ચંદ્ર કેમ ન બની શકું ? એમને વિચાર એવો આવ્યો કે ‘બધા હરિશ્ચંદ્ર કાં ન બની શકે ?’ ઠેઠ ત્યારથી જ ગાંધીજીના મનમાં સામાન્ય લોકો જેને વ્યક્તિગત ગુણ માને છે તેને સામાજિક મૂલ્ય તરીકે વિકસાવવાની હોંશ હતી. એમની જીવનભરની શોધ સત્યની હતી. પણ એમનું સત્ય એ માત્ર એક વ્યક્તિગત ગુણ નહોતું. તે એક સામાજિક મૂલ્ય હતું. ગાંધીજીએ પ્રેરેલાં એકાદશ વ્રતો એ, એમ જોઈએ તો ત્યારસુધી સમાજે જેને વ્યક્તિગત ગુણ માન્યા હતા તેને સામાજિક મૂલ્યોમાં પલટી નાખવા સારુ જ હતા. આ વ્રતોનો આગ્રહ દક્ષિણ આફ્રિકામાં ડરબન શહેર છોડીને વગડામાં જઈ ફિનિક્સ વસાહત ઊભી કરી ત્યારથી જ શરૂ થયો હતો. સાદું જીવન, શ્રમ પ્રત્યેની નિષ્ઠા, ખોરાક અંગે વરણાગિયાવેડા ન હોવા જોઈએ વગેરે એમના આગ્રહો ધીરે ધીરે વ્રતોનું રૂપ ધારણ કરતા જતા હતા. ભારત આવ્યા પછી પોતાના આશ્રમ અંગે તેમણે નિયમાવલિ બહાર પાડી તે એમનાં એકાદશવ્રતોનો પહેલો ખરડો હતો. એ વ્રતો અંગેનું એમનું ચિંતન નિત્ય નિરંતર ચાલતું રહ્યું. પોતાના સાથીઓ એ વ્રતો પાળે એના આગ્રહ કરતાં પોતાને માટે એ ઘણા વધારે કડક આગ્રહી હતા. બધાં વ્રતો અંગે પોતે પૂર્ણતાએ પહોંચ્યા હતા એવો દાવો તો એમણે કદી કર્યો નહોતો. એના પાલન અંગે તેઓ જાગરૂક રહીને હરહંમેશ પ્રયત્નશીલ રહેતા એટલું તેઓ જરૂર કહેતા.
રચનાત્મક કાર્યો જો અહિંસક યોદ્ધાને વ્યાપક લોકસમર્થન દ્વારા નૈતિક રસદ પૂરી પાડે છે, તો એકાદશ વ્રતો સત્યાગ્રહી સેનામાં સૈનિક દાખલ થઈ શકે તેની પૂર્વશરતો જેવાં છે. અલબત્ત આ વ્રતો અંગેનો આગ્રહ પણ સત્યાગ્રહીની સાધનાની પ્રગતિ સાથે ઉત્તરોત્તર વિકાસ પામતો હોય છે તેથી ગાંધીજીની અપેક્ષા એ રહેતી કે સત્યાગ્રહી સેનામાં દાખલ થયા પછી સૈનિક આ વ્રતોનો પોતાના જીવનમાં વિકાસ કરતો રહેશે. ગાંધીજીની પોતાની મૂળ સત્યની શોધ – સત્યની એમની વ્યાખ્યા પણ વિકાસ પામતી ગઈ છે. પણ એ શોધ કરવા જતાં જે બીજા ગુણોના વિકાસની જરૂરિયાત જણાઈ તે ગુણો પણ વ્રતો રૂપે એમના જીવનમાં સ્થાન પામતા રહ્યા અને પછી આશ્રમોમાં અને આંદોલનોમાં પણ તે સત્યાગ્રહીની સાધનાનાં ઉપકરણો તરીકે જોડાતાં રહ્યા.
ગાંધીજીએ સૂચવેલાં આ અગિયાર વ્રતોમાં કેટલાંક તો તેમણે સીધે સીધાં માનવીય સંસ્કૃતિ પાસેથી જ નમ્રભાવે, પણ આગ્રહપૂર્વક લીધેલાં છે.
ગાંધીજીએ દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મ-સિદ્ધાંતોનો જે અભ્યાસ કર્યો હતો તેના પરથી તેમણે એવું તારણ કાઢ્યું હતું કે એમાંના ઘણા ખરા ધર્મોમાં મૂળ વાત તો એકની એક જ હતી. આવી મૂળ વાતોને ઘણાખરા ધર્મોએ એક યા બીજા નામે સ્વીકારી અને ઉપદેશી છે. ગાંધીજીએ સૂચવેલાં અગિયાર વ્રતો નીચે મુજબ છે.
૧. સત્ય, ૨. અહિંસા, ૩. બ્રહ્મચર્ય, ૪. અસ્વાદ, ૫. અસ્તેય, ૬. અપરિગ્રહ, ૭. અભય, ૮. અસ્પૃશ્યતા-નિવારણ, ૯. જાતમહેનત, ૧૦. સર્વધર્મસમભાવ, અને ૧૧. સ્વદેશી.
આમાંથી સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ લગભગ બધા મુખ્ય મુખ્ય ધર્મોને માન્ય છે. વૈદિક ધર્મમાં આ પાંચને ‘મહાવ્રત’ કહેવામાં આવ્યાં છે. મુનિ પતંજલિએ પોતાના યોગસૂત્રમાં એને ‘પંચયમ’ કહ્યાં છે, જૈનોએ એને ‘પંચમહાવ્રત’ અને બૌદ્ધોએ એને ‘પંચશીલ’ કહ્યાં છે. યહૂદી, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામે આ વ્રતોને આ ક્રમ કે આવું કોઈ નામ ભલે ન આપ્યું હોય, પણ એમના ધર્મગ્રંથોમાં પણ આ વ્રતોને અગત્યનું સ્થાન મળેલું છે.
અભયનું વ્રત એવું છે કે જેના વિના બીજાં કોઈ વ્રતોનું પાલન ન થઈ શકે. તેથી તે સર્વવ્રતોનું પુષ્ટિકર્તા અને સહાયક બની રહે છે. અસ્વાદ વ્રતને ગાંધીજીએ ખાસ કરીને બ્રહ્મચર્યવ્રતના પાલન સારુ વિશેષ સહાયક માન્યું છે. બ્રહ્મચર્યનો અર્થ તેઓ સર્વેન્દ્રિય સંયમ એવો કરે છે. પણ જિહ્વાના સંયમને તેઓ સર્વેન્દ્રિય સંયમ સારુ પણ વિશેષ ઉપકારી માને છે. આમ અભય અને અસ્વાદને આપણે બે સહાયક વ્રતો તરીકે ઓળખી શકીએ. બાકીનાં ચાર વ્રતો એને એ રૂપમાં કોઈ ધર્મગ્રંથોમાં કે કોઈ સામાજિક નિયમોમાં આવતાં નથી. એ બધાં વ્રતો ગાંધીજીએ જે દેશકાળની પરિસ્થિતિમાં તેઓ જીવ્યા અને તેમણે કામ કર્યું તેમાંથી તેમને સૂઝેલાં વ્રતો છે. જો પહેલાં પાંચ વ્રતો સર્વધાર્મિક, સર્વકાલીન કે સર્વદેશીય છે, તો અભય અને અસ્વાદ તેમને સહાયક કે પોષક છે. અસ્પૃશ્યતાનિવારણ, જાત મહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ ચાર એવાં વ્રતો છે કે જે ગાંધીજીને દેશકાળની પરિસ્થિતિમાંથી સૂઝ્યાં છે.
૧૯૩૦માં યરવડા જેલમાંથી આશ્રમવાસીઓને ઉદ્દેશીને અઠવાડિયે અઠવાડિયે ગાંધીજી એક એક વ્રતનું સરળ ભાષામાં પણ ઊંડું વિવેચન કરતા પત્રો લખતા, એમાં સર્વધર્મસમભાવ વિષે બે પત્રો લખેલા અને પોતે જેલમાં હતા અને સ્વદેશીવ્રતનો રાજનૈતિક અર્થ લઈ શકે એમ માનીને તેમણે તે વ્રત વિષે પત્ર નહોતો લખ્યો. પણ પાછળથી એ વિષેની નોંધ ઉમેરીને એક પુસ્તિકા બનાવવામાં આવી. પહેલાં એ પુસ્તકનું નામ ‘યરવડા મંદિરેથી’ હતું પણ આ પત્રો મંગળવારે સવારની પ્રાર્થના પછી લખાતા તેથી તે પુસ્તકનું નામ ‘મંગળ પ્રભાત’ રાખવામાં આવ્યું અને એ જ પ્રચલિત થયું. આ પુસ્તક ગાંધીજીના મૂળ ગ્રંથોમાં સ્થાન પામે તેવું છે, અને અત્યાર સુધીમાં મૂળ ગુજરાતી પુસ્તકની પોણા બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકમાં ગાંધીજીએ ખૂબ સરળ ભાષામાં અને સંક્ષેપમાં એમનું પોતાનું જીવન જે સિદ્ધાંતોને આધારે ખડું હતું તેનું નિરૂપણ કર્યું છે. એકાદશવ્રતો એ ગાંધીજીની સામૂહિક સાધનાનું અધિષ્ઠાન છે.
(ક્રમશ:)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 04-06