સૂર્યની આપણને કેટલી બધી દેણ છે ? એમાંથી જ આપણી પૃથ્વી બની છે. એની ગરમીને લીધે જ આપણે ઠરીને ઠીકરું નથી થઈ જતાં. એના પ્રકાશથી વૃક્ષોનાં પાંદડાં ખીલી ઊઠે છે. સૂરજની ત્રણ મુખ્ય દેણ એટલે એનો પ્રકાશ, એની ગરમી અને એની ઊર્જા.
એ જ રીતે ગણાવવા બેસીએ તો ગાંધીજીની પણ ઘણીબધી દેણ ગણાવી શકાય. કોઈ કહેશે કે એમણે આપણને સ્વરાજ અપાવ્યું. કોઈ કહેશે કે એમના પ્રયાસોને લીધે જ દક્ષિણ આફ્રિકાના ગિરમીટિયાઓની ગિરમીટ પ્રથા ગઈ, કોઈ કહેશે એમણે ચંપારણમાં ‘તિનકઠિયા’ પ્રથાને કાઢી, કોઈ કહેશે એમણે ‘ભારત છોડો’નો મંત્ર આપ્યો. પણ લાંબો અને ઊંડો વિચાર કરતાં સમજાશે કે ગાંધીજીએ આપણા દેશને અને એક અર્થમાં આખી માનવજાતને જે મોટી ત્રણ દેણ આપી હતી તે – સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ અને એકાદશ વ્રતોની. આ ત્રણમાંથી સત્યાગ્રહ અંગે આપણામાંથી ઘણાખરાને આછીપાતળી કાંઈક જાણ તો હશે, પણ આપણામાંના ઘણા એવા ય હશે કે જેમને બાકીની બે દેણ વિષે તો ભાગ્યે જ કાંઈ ખબર હશે. આપણે એ ત્રણે વિષે થોડી વિશેષ જાણકારી મેળવીએ તો આપણે ગાંધીજીનાં મુખ્ય તત્ત્વોને સમજી શકીશું.
સામાન્ય રીતે જોઈએ તો સત્યાગ્રહ એટલે ગાંધીજીએ અન્યાય સામે અહિંસક રીતે લડવાની જે પદ્ધતિ શોધી કાઢી હતી અને લગભગ પાંચ દાયકા સુધી જેનો વિવિધ રીતે પ્રયોગ કરી બતાવ્યો હતો તે રીત, એવો અર્થ થાય. સત્યાગ્રહો વડે જે લડાઈ ચાલી રહી હતી તે વખતે જ દેશને બેઠો કરવા સારુ ગાંધીજીએ જે કાર્યક્રમ આપ્યો હતો તેને રચનાત્મક કાર્યક્રમ કહે છે અને પોતાના સત્યાગ્રહ આશ્રમમાં આશ્રમવાસી તરીકે રહેવા ઇચ્છનારાઓ સારુ તેમણે જે નિયમાવલિ ઘડી કાઢી હતી તે અગિયાર વ્રતોની બની હતી. એને જ પાછળથી વિનોબાએ ‘એકાદશ વ્રત’ એવું નામ આપ્યું હતું. એ જ નામ પછીથી ગાંધીજીની પ્રેરણાથી ચાલતા દેશના સંખ્યાબંધ આશ્રમોમાં રૂઢ થઈ ગયું.
આ ત્રણે શબ્દો પાછળ ગાંધીજીના ઊંડા વિચાર અને તપશ્ચર્યા હતાં. એમણે પોતાના વિચારો દ્વારા જગતને જે એક નવું દર્શન આપ્યું અને પોતાના જીવન દ્વારા એ દર્શનને અમલમાં મૂકી બતાવ્યું તે આખું આ શબ્દો દ્વારા પ્રગટ થાય છે તેથી જ આપણે તેને ગાંધીજીની ત્રણ મુખ્ય દેણ ગણી. ગાંધીજીના જીવન અને એમના તત્ત્વજ્ઞાનને સમજવા સારુયે આ ત્રણેય દેણનો થોડો વધુ વિચાર કરી લેવો ઉપયોગી થશે.
આમ જોઈએ તો આ ત્રણેય શબ્દો સાવ નવા જ છે. પણ પૂરા પાંચ દાયકા સુધી એના વ્યાપક પ્રયોગને લીધે એમાંથી સત્યાગ્રહ શબ્દે તો હવે દેશવિદેશની ભાષાઓના શબ્દકોશમાં સ્થાન મેળવ્યું છે. રચનાત્મક કાર્યક્રમે દેશની કેટલીક ભાષાઓના શબ્દકોશમાં સ્થાન લઈ લીધું હશે. પરંતુ ‘એકાદશ વ્રત’ શબ્દ પ્રયોગ બીજા બે જેટલો રૂઢ નથી થયો. ખુદ ગાંધીજીના જીવનમાં પણ આ શબ્દો અમુક વર્ષોને અંતરે આવ્યા છે. આપણે પણ એને એ જ ક્રમમાં લઈએ.
ગાંધીજીએ કાયમ સારુ ભારત આવીને વસવાટ કર્યો તે પહેલાં તેમણે દક્ષિણ આફ્રિકામાં વીસ-એકવીસ વર્ષ ગાળેલાં. એમ તો તેઓ એક વર્ષ સારુ થોડી આજીવિકા કમાવા ભારતથી દક્ષિણ આફ્રિકા ગયા હતા. પણ ત્યાં વસતા હિંદીઓના પ્રશ્નોમાં તેમણે રસ લીધો તેથી શરૂઆતમાં થોડાં વર્ષો ચાલુ વકીલાતે અને પાછલાં વર્ષોમાં વકીલાતને પડતી મૂકીને તેમણે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની અહિંસક લડતની આગેવાની લીધેલી. ગાંધીજીએ પોતે શોધેલી અને વિકસિત કરેલી રીત સારુ ‘સત્યાગ્રહ’ શબ્દ યોજાયેલો, જે શબ્દ આગળ જતાં કેટલીક વાર તેમણે માત્ર અહિંસક લડાઈની રીત સારુ જ નહીં, પણ પોતાના આખા જીવનદર્શન સારુ પણ વાપર્યો છે.
સત્યાગ્રહ શબ્દ ઘડાયો તે પહેલાં જ એનો અમલ થયેલો. ત્યાંની સરકારના કેટલાક કાયદાઓ ત્યાં હિંદી કોમને અન્યાય કરનાર હતા તેથી એ અન્યાયનો પ્રતિકાર કરવા સારુ ગાંધીજીએ જે ચળવળનો આરંભ કરેલો તેને કોઈક વાર પોતે અને કોઈક વાર ત્યાંના છાપાવાળાઓ ‘પેસિવ રેઝિસ્ટન્સ’ એટલે કે નિષ્ક્રિય પ્રતિકાર તરીકે વર્ણવતા. એ શબ્દો યુરોપના કેટલાક દેશોમાં જે આંદોલનોમાં પ્રત્યક્ષ હિંસા ન વપરાતી હોય, પણ જે પ્રચલિત બંધારણીય પદ્ધતિને વટાવી જતી હોય એવી ચળવળ સારુ વપરાતા. ઇંગ્લેંડની સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા સારુ જે ‘સફ્રજેટ’ આંદોલન ચલાવેલું તેના સંદર્ભમાં ‘પેસિવ રૅઝિસ્ટેંસ’ શબ્દ ખાસ વપરાતો.
દક્ષિણ આફ્રિકાની લડતના કામ અંગે ગાંધીજી ઇંગ્લેંડ ગયા ત્યારે તેઓ આ ચળવળ સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને મળેલા અને તેમણે આ ચળવળ વિષે થોડો અભ્યાસ પણ કરેલો. બીજા કોઈ શબ્દના અભાવે ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકાના હિંદીઓના આંદોલન સારુ ‘પેસિવ રૅજિસ્ટેંસ’ શબ્દ જ વાપરતા. પણ તેમને એ શબ્દથી સંતોષ નહોતો. કારણ, આ ચળવળમાં કેટલીક વાર ભાંગફોડનો આશરો લેવામાં આવે અથવા એ આંદોલન પાછળ વિરોધીઓ પ્રત્યે ક્રોધ કે દ્વેષ હોય, એ ગાંધીજીને બિલકુલ મંજૂર નહોતું. તેથી તેઓ હિંદીઓની ચળવળ વિષે લોકોના મનમાં એવા ભાવો જાગે એમ જરા ય ઇચ્છતા નહોતા. આ કારણે તેમણે પોતાની ચળવળ સારુ કોઈ યોગ્ય શબ્દની શોધ કરવા માંડી.
આ શોધમાં ચળવળમાં ભાગીદાર અથવા એના આશયને સમજનાર લોકો પણ ભળે એ હેતુથી ચળવળના મુખપત્ર ‘ઇંડિયન ઓપિનિયનમાં’ ગાંધીજીએ એવી જાહેરાત આપી કે જે કોઈ આંદોલન સારુ બરાબર બંધ બેસતો શબ્દ સૂચવશે તેને ઈનામ આપવામાં આવશે. એવો શબ્દ સૂચવનાર એમના પિતરાઈ ભાઈના દીકરા મગનલાલ ગાંધી જ મળી આવ્યા. મગનલાલભાઈ ગાંધીજી સાથે જ ફિનિક્સ આશ્રમમાં રહેતા હતા અને ગાંધીજીના દરેક કામનો ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા હતા. વીસેક વર્ષ પછી એમનું અવસાન થયું ત્યારે ગાંધીજી અને સરદાર પટેલે એમને સારુ ‘આશ્રમના પ્રાણ’ એવા શબ્દો વાપરેલા. મગનલાલ ગાંધીએ સૂચવેલો ‘સદાગ્રહ’ શબ્દ ગાંધીજીને પોતાના આંદોલનની મૂળ ભાવનાને ચોક્કસપણે વ્યક્ત કરતો લાગ્યો. પણ સદાગ્રહ શબ્દનો અર્થ કોઈપણ સારી વસ્તુનો આગ્રહ એવોયે થઈ શકે, તેથી એ શબ્દને વધુ ધારદાર બનાવવાની દૃષ્ટિએ ગાંધીજીએ એને બદલે ‘સત્યાગ્રહ’ શબ્દ સ્વીકાર્યો અને સત્યાગ્રહ અને પેસિવ રૅઝિસ્ટન્સ વચ્ચે સિદ્ધાંતની દૃષ્ટિએ શો ભેદ હતો એ સમજાવતાં લખાણ ‘ઇંડિયન ઓપિનિયન’માં અને અન્યત્ર પણ લખ્યાં. ત્યારથી સત્યાગ્રહ શબ્દ ગાંધીજી સાથે જોડાઈ ગયો. એ જાણે કે ગાંધીજીવન દર્શન અને ગાંધીજીની કાર્ય કરવાની પદ્ધતિ સારુ પર્યાયવાદી શબ્દ બની ગયો.
સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની ચળવળને લીધે પ્રચલિત થયો, પરંતુ ગાંધીજીના મનમાં એનાં બી તો વવાયાં હતાં, ચળવળ ઊપડી તેનાથી ૧૩-૧૪ વર્ષ પહેલાં જ. તેઓ પહેલી વાર દક્ષિણ આફ્રિકામાં આવ્યા ત્યાર પછી તરત જ ગાંધીજીને ત્યાંના રંગદ્વેષનો કડવો અનુભવ થઈ ચૂક્યો હતો. એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હતી તે છતાં ગોરા લોકોએ એમને કાળાઓના ડબ્બામાં જવા કહ્યું હતું, અને જ્યારે તેમણે ડબ્બો છોડવાની ના પાડી ત્યારે, પીટરમારિત્સબર્ગ સ્ટેશનના પ્લેટફોર્મ પર, એમને ધકેલીને ઉતારવામાં આવ્યા હતા. શિયાળાની કડકડતી ટાઢમાં સ્ટેશનના નાના સરખા મુસાફરખાનામાં ગાંધીજીને જે વિચારો આવ્યા તે તેમણે પોતાની આત્મકથામાં નિખાલસપણે નોંધ્યા છે. તેમને પહેલો વિચાર તો એ આવ્યો કે કયા દેશથી આટલો આઘે આવાં અપમાનો સહન કરવા આવી પડ્યો, ચાલને જીવ ! પાછા દેશ ભેગા થઈ જઈએ ! પણ પછી તરત એના કરતાં ય પ્રબળ વિચાર આવ્યો કે એમ પાછા જવું એ તો કાયરતા કહેવાય. અને કાયરતા એટલે મરતાં પહેલાં હાથે કરી મરવું. બીજો એક વિચાર એવો પણ આવ્યો કે જેણે એમને ધકેલ્યા હતા તે ગોરા પોલીસ અને એમ કરવાનો આદેશ આપનાર ગોરા રેલવે અધિકારીની સામે ફરિયાદ માંડું ?
પણ એ વિચાર પણ ગાંધીજીએ એમ કરીને મનમાંથી કાઢી નાખ્યો કે આમ કરનારાઓ તો બીચારા ચાલુ રિવાજ પ્રમાણે વર્ત્યા છે. એમાં એમનો શો વાંક ? વાંક તો મૂળ રંગદ્વેષ પરંપરાનો જ છે. એક બે જણ પર ફરિયાદ નોંધાવવાથી કદાચ એમને સજાયે થાય, પણ તેથી એ વ્યવસ્થા કાંઈ ઓછી દૂર થઈ થવાની હતી ? તે રાતે છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે ગમે તેટલું કષ્ટ વેઠીને પણ આ વ્યવસ્થા સામે લડી લેવું. બીજે દિવસે સિગરામમાં બેસતાં ફરી પાછો એનાથીયે વધારે કડવો અનુભવ થયો. સિગરામમાં એમણે લીધેલી જગા ખાલી કરાવવા મથનાર કદાવર ગોરા ‘ખલાસીના’ હાથનો સારી પેઠે માર પણ તેમને ખાવો પડ્યો. છતાં તેઓ એકના બે ન થયા. એ જ સિગરામમાં બેઠેલા બીજા ગોરા મુસાફરોને તેમને માર પડતો જોઈને દયા આવી. એમણે ગાંધીજીનું ઉપરાણું લીધું તેથી છેવટે મારનાર ગોરો ભોંઠો પડ્યો. આ જ મુસાફરીમાં, આગળ ઉપર ટ્રેનમાં પ્રથમ વર્ગની ટિકિટ સાથે બેસવા જતાં બીજા રેલ અધિકારીએ ફરી વાંધો ઉઠાવ્યો. પણ એ જ ડબ્બામાં બેઠેલા એક ગોરા મુસાફરે ગાંધીજીનો પક્ષ તાણ્યો અને ગાંધીજીએ કાયદેસર રીતે પોતાની મુસાફરી પ્રથમ વર્ગમાં બેસીને પૂરી કરી.
ગાંધીજીએ આ પ્રસંગને પોતાના જીવનમાં વધુમાં વધુ ‘નવોન્મેષકારી’ અનુભવ તરીકે વર્ણવ્યો છે. આ આખા પ્રસંગમાં સત્યાગ્રહના કેટલાક સિદ્ધાંતો આપણને જોવા મળે છે. તેને આમ ગણાવી શકાય.
૧. કોઈપણ સંયોગોમાં અન્યાયને સાંખી લેવો નહીં.
૨. તેમ કરવામાં જે કષ્ટ પડે તે સ્વેચ્છાએ વેઠી લેવું.
૩. સત્યનો આ આગ્રહ અને કાયરતા બંને કદી સાથે ચાલી ન શકે.
૪. સત્યાગ્રહમાં વિરોધ અન્યાયી વ્યવસ્થાનો કરવાનો છે, અન્યાય કરનાર વ્યક્તિનો નહીં.
૫. સત્યાગ્રહ બદલો લેવા કે સામાને સજા કરાવવા ખાતર ન હોઈ શકે.
૬. કોઈ આખી પ્રજા એકસરખી દુષ્ટ નથી હોતી. દરેક પ્રજામાં સારા-માઠા બંને પ્રકારના લોકો હોય છે.
૭. જાતે જાણી જોઈને કષ્ટ વેઠી લેવું એ અન્યાયનો પ્રતિકાર કરવાનું સાધન બની શકે છે.
કષ્ટસહન એ પોતાની વાતને સામાના દિલ સુધી પહોંચાડવાનું માધ્યમ બની શકે છે.
અલબત્ત પીટરમારિત્સબર્ગના સ્ટેશન પર અને ત્યાર પછીના મુસાફરીના આ અનુભવમાં સત્યાગ્રહનાં મૂળ તત્ત્વોનાં બીજ જોવા મળે છે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રહે કે આ બી પણ ગાંધીજીના હૃદયમાં વર્ષોથી વવાઈ ચૂકેલાં હતાં. સાવ નાનપણમાં ગાંધીજીએ જ્યારે પોતે કરેલી ભૂલની કબૂલાત બીમાર પિતા આગળ ચિઠ્ઠી લખીને કરી ત્યારે એમના પિતાએ એમને ધમકાવ્યા નહોતા કે એમણે બાળક મોહનને કરી નહોતી કોઈ સજા. એમને તો વેદનાપૂર્ણ હૈયે ચિઠ્ઠી વાંચીને આંખમાંથી ‘અમૃતબિંદુ’ સાર્યાં હતાં અને ચિઠ્ઠી ફાડી નાખી હતી. ગાંધીજીને તે દિવસથી સમજાઈ ગયું હતું કે સ્વેચ્છાપૂર્વક કરેલું કષ્ટસહન એ પણ સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચવાનું એક અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે.
દક્ષિણ આફ્રિકાના હિંદીઓ સારુ અજમાવેલ સત્યાગ્રહ પાછળથી ગાંધીજીના જીવનની સૌથી મોટી દેણ બની ગઈ. તેમણે જીવનમાં અનેક પ્રસંગોએ સત્યાગ્રહ કર્યા. દર સત્યાગ્રહ વખતે તેઓ પરિસ્થિતિ મુજબ એને અમલમાં મૂકવાની રીતમાં જરૂરી લાગ્યા તેવા ફેરફારો કરતા રહ્યા. સતત એને વિષે ચિંતન કરતા રહ્યા અને લગભગ પાંચ દાયકાઓ સુધી એને અંગે જાહેરમાં બોલતા કે લખતા રહ્યા. તેમણે પોતે દાવો કર્યો હતો કે તેઓ સત્યાગ્રહના વિશેષજ્ઞ બની ગયા હતા. અને કોઈએ એ દાવાને પડકાર્યો નહોતો. પણ તેઓ સત્યાગ્રહ, જેને તેમણે સત્યની શક્તિ, પ્રેમની શક્તિ કે આત્મશક્તિ તરીકે ઓળખાવ્યો હતો, તેને વિષે એમ નહોતા માનતા કે એ શક્તિ અંગે પોતે છેવટની શોધ કરી ચૂક્યા છે. તેમને એમાં અપાર શક્તિ સમાયેલી લાગતી હતી અને તેઓ માનતા હતા કે જેમ જેમ સાચી સમજ સાથે એના પ્રયોગો થતા જશે તેમ તેમ સત્ય, પ્રેમ કે આત્માની આ શક્તિનાં વિવિધ પાસાંઓ દુનિયા આગળ ઊઘડતાં જશે. પોતાને તેમણે સત્યાગ્રહના સર્વજ્ઞ કદી માન્યા નહોતા.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જુલાઈ 2024; પૃ. 04-05