પરિવર્તનની રાજનીતિ
મુદ્દે, જે સંબંધ છે તે કાઁગ્રેસ / ભા.જ.પ. કે અવામી લીગ અને હસીના વાજેદ વચ્ચેનો નથી. બાંગલાદેશ અને ભારત વચ્ચેનો સંબંધ છે. બાંગલાદેશના યુવા નેતૃત્વને સારુ આજની ઘડી 1971 પછીના બીજા મુક્તિપર્વની છે.
જ્યાં સુધી ભારત સરકારના અધીન મતનો સવાલ છે, બાંગલાદેશના એકંદર ઘટનાક્રમ પરત્વે સરવાળે સંતુલિત અભિગમની છાપ ઊઠે છે એ અવશ્ય સ્વાગતાર્હ છે. ઢાકાના બનાવોને અનુલક્ષીને વડા પ્રધાને ચાલુ મહિનાના પહેલા પખવાડિયા દરમિયાન કરેલી બંને પ્રગટ ટિપ્પણીઓ – આઠમી ઓગસ્ટે નવી સરકારને શુભ કામના પાઠવવાની રીતે અને પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી – ત્યાંના સાતઆઠ હિંદુઓની સુરક્ષાની સ્પષ્ટોલ્લેખ સાથે માત્ર અટકી નહોતી. એમણે હિંદુઓ અને બીજી લઘુમતીઓની સુરક્ષા વાસ્તે ખેવના પ્રગટ કરી હતી.
બાંગલાદેશની નવી સરકારના વડા સલાહકાર યુનૂસે વડા પ્રધાન મોદી સાથે વળતે દિવસે, સોળમી ઓગસ્ટે જે વાત કરી તેમાં એમણે વિધાયક પડઘો પાડવા સાથે ઉમેર્યું હતું કે, હિંદુઓ પર હુમલાના હેવાલો ખોટા નથી, પણ એતિશયોક્તિ એમાં અપરંપાર છે. હું તમારે ત્યાંના પત્રકારોને આમંત્રણ આપવા ઇચ્છું છું કે તમે આવો અને સ્થળ પરનું વાસ્તવચિત્ર જુઓ. અલબત્ત, યુનૂસ અને નવી નેતાગીરીની એક લાગણી જરૂર છે કે સત્તા પર અવામી લીગ લાંબો સમય રહી તેમ બાંગ્લાદેશ માટેના સંઘર્ષનુ નેતૃત્વ અવામી લીગના જ નેતા બંગબંધુ શેખ મુજીબૂર રહેમાન હતું એટલે ભારત સરકારને અવામી લીગ સાથે સ્વાભાવિક જ વધારે પ્રસંગ પડ્યો એ સાચું, પણ સંબંધ છેવટે તો કાઁગ્રેસ / ભા.જ.પ. કે અવામી લીગ અને હસીના વાજેદ વચ્ચેનો નથી. બાંગલાદેશ અને ભારત વચ્ચેનો સંબંધ છે.
યુનૂસે ઘૂંટેલો મુદ્દો તેમ જ વડા પ્રધાને કહેલી વાત સરવાળે ઠીક જ છે, પણ બંને પક્ષે વચ્ચેની એક નાજુક વિગત શેખ હસીનાનું આપણે ત્યાં હોવું છે. ભારત સરકારને એમને આશ્રય આપવાનું ધર્મ્ય જણાતું હોય તે એનું એક લૉજિક જરૂર છે, પણ બંને પક્ષે એક રાજનયિક વિવેક અપેક્ષિત છે. અહીં હસીનાનું હોવું તે તેમને પુનઃ સત્તારૂઢ કરવાનો કોઈ ભારતવ્યૂહ નથી, એ ધોરણે જ ભારત-બાંગલાદેશ મૈત્રી ટકી અને આગળ વધી શકે. બાંગલાદેશને પક્ષે પણ એટલે પુખ્તતા હોવી જોઈએ કે તે બંને પ્રજાઓના લટિયાજટિયા ગુંથાયેલા છે એવી પાયાની સમજથી કામ લે અને અહીં હસીનાનું હોવું કે ન હોવું એને મુખ્ય મુદ્દો ન બનાવે.
આપણે ત્યાં બાંગલાદેશના હિંદુઓ પર હુમલાના જે બધા ‘સેકસ્ડ અપ’ (હુલાવેલા ફુગાવેલા) હેવાલો આવ્યા એ જે બધાં પરિબળોએ એક તબક્કે હાલના સત્તાપક્ષને દિલ્હી પોહંચાડવામાં મુખ્ય કામગીરી બજાવી હશે, એમને જરૂર ફાવતાં આવે એવા હતા. ભારત સરકાર પણ લોકસભામાં પરિણામો પછી જે રીતે ભીંસમાં છે એની વચ્ચે એક મનોવૈજ્ઞાનિક કીમિયાગરી તરીકે આવા હેવાલો તરફથી એને ખાણદાણ ને ઇંધણ બેઉ મળી રહે એમાં શંકા નથી. પણ ભારત સરકારે હમણાં તો વાજબી ચિંતા જતાવવા સિવાય બીજા કોઈ અવાજો નથી કાઢ્યા તે જ વાત એના વળતાં ટેકેદાર વર્તુળોમાંયે વિવેક પ્રેરે એવી અપેક્ષા અસ્થાને નથી.
નાગરિક છેડે આપણે સંતુલિત ને તુલનાત્મક સમાજથી જોવું રહે છે. બાંગલાદેશના યુવા નેતૃત્વને સારુ આજની ઘડી 1971 પછીના બીજા મુક્તિપર્વની છે. એ જ મુજિબૂર રહેમાને, પછીથી, એક પક્ષની સરમુખત્યારીનો રાહ લીધો અને એક અંતરાલ પછી હસીના વાજેદનો અમલ ટુંપાતાં સ્વાતંત્ર્યોનો બની રહ્યો તે એક પ્રજા તરીકે આપણે જે ઘોષિત અને અઘોષિત કટોકટીની ભાષામાં વાત કરીએ છીએ તેના જેવો જ અનુભવ છે. બધે જ વિલાતાં લોકતંત્રો વચ્ચે બાંગલા લોકતંત્ર આળશ મરડીને બેઠું થતું હોય તો એથી રૂડું શું.
બાંગલા વડા પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને ગણભવન પર લૂંટનો સામાન સ્વૈચ્છિક પાછો ફરી રહ્યાની અને નવાખલી સ્થિત ગાંધી આશ્રમ અક્ષત હોવાના હેવાલો વચ્ચે આ ટિપ્પણી સમેટી રહ્યો છું, ત્યારે આશા સેવું છું કે તીસ્તાનાં પાણીનો પ્રશ્ન ને સરહદે થતી જાનહાનિ આગામી દિવસોમાં શિરદર્દ પેઠે ચાલુ નહીં રહે.
પરિવર્તનની રાજનીતિને ક્ષુદ્ર ઘટનાક્રમનો એરુ ન આભડો.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 ઑગસ્ટ 2024