કોંગ્રેસ અધિવેશન
ભવ્ય ભૂતકાળ સાથે નવ્ય કથાનક આમંત્રે છે એ શશી થરુરની વાતનો માયનો પકડી ગુજરાત કાઁગ્રેસે ‘વૉર્મિંગ અપ‘ માત્રે નહિ અટકતાં આગળ જવાનો પડકાર સાદ દે

પ્રકાશ ન. શાહ
એ કંઈક આશાભર્યું હોઈ શકે, અને કૈંક ઉતાવળું પણ … લાગે છે કે ગુજરાતમાં કાઁગ્રેસ નવેસર પુનરાગમન વાસ્તે આગળ જઈ રહી છે. અલબત્ત, તબક્કો હજુ તો ‘વૉર્મિંગ અપ’નો છે, પણ વૉર્મિંગ અપ ચોક્કસ જ છે.
ન્યાયપથ પર સંઘર્ષ ને સમર્પણ(અને અલબત્ત સર્જન)ની ભૂમિકાએ યોજાયેલું આ સાબરતટ સંમિલન સરદારના જરૂરી (કંઈક મોડા, ક્વચિત અતિરેકી) સ્મરણ બલકે આવાહન સારુ યે યાદ રહેશે. રાષ્ટ્રીય કારોબારીનું આગલે દિવસે રાષ્ટ્રીય સરદાર સ્મારકમાં મળવું, સાંજે ગાંધી આશ્રમમાં પ્રાર્થનામાં ભળવું ને બુધવારે (નવમી એપ્રિલે) વાતાનુકૂલિત સભામંડપમાં ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટીની પિછવાઈએ શોભતા મંચ પરથી ટંકાર કરવોઃ પ્રતીકારત્મક મૂલ્યની રીતે, ઇવેન્ટાના માહોલની રીતે આ સઘળાં જ તામઝામ ઇન્તેજામ યાદગાર લેખાશે.
જ્યાં સુધી સરદારનો સવાલ છે, એક લાંબો ગાળો એક યા એમના ‘મિસ્ યુઝ’નો તેમ બીજી યા એમના ‘ડિસ યુઝ’નો છે. આઝાદીના આંદોલનમાં હાજરી પુરાવવા સારુ ભા.જ.પ.ને એક પિતૃપ્રતિમાની ખોજ હતી, તે સરદાર પર લાંગરી એ ઇતિહાસવસ્તુ છે. ઊલટ પક્ષે, સરદાર હતા તો એક રાષ્ટ્રવિધાયક કાઁગ્રેસમેન – બિલકુલ નેહરુની જેમ જ એ પણ ઇતિહાસવસ્તુ છે. આ સમગ્ર ચિત્ર લક્ષમાં લઈએ તો કાઁગ્રેસ પક્ષે વચલાં વર્ષોમાં સરદાર પરત્વે ડિસ-યુઝનો જે દોર ચલાવ્યો એ ચોક્કસ જ ટીકાપાત્ર લાગે. જેમ ભા.જ.પ. તરફે સરદારના નામનું ઔચિત્ય કાબિલે તપાસ છે, તેમ ઇંદિરા કાઁગ્રેસની પરંપરામાં સરદારને બાજુએ નાખવાનું મનોવલણ પણ કાબિલે ગૌર છે. ન.મો. ભા.જ.પ.નો દસકો રાષ્ટ્રીય સરદાર સ્મારકને મળેલ મનમોહન કાઁગ્રેસ સહાયને મુકાબલે નકરી ઉપેક્ષાનો અને અતિરેકી બાવલાવાદનો છે. ભાગલાની અનિવાર્યતા સ્વીકારવામાં સરદારની સમજપહેલ, આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકતી ગૃહ પ્રધાન સરદારની જાહેરાત, 370મી કલમની તત્કાલીન જરૂરત સમજી તે પસાર કરાવવાની સરદારની જવાબદારી – આ બધાં ઇતિહાસવાનાં ભા.જ.પ.ને સારુ મૂંઝવનારાં છે. પણ કાઁગ્રેસે ડિસ્-યુઝનો જે દોર ચલાવ્યો એથી ભા.જ.પ. જવાબદેહી અને જાતતપાસની પાપપુણ્યની બારીમાં સહેલાઈથી નીકળી જરૂર જઈ શકે છે.

શશી થરૂર
જ્યાં સુધી ભાષણોનો સવાલ છે, પક્ષપ્રમુખ ખડગે અને નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી હજુ, છેલ્લી લોકસભા ચૂંટણીની તરજ પર જ ફર્માફીટ જઈ રહ્યા જણાય છે. પણ પક્ષને બેઠો કરવાની રીતે, એમણે એકબે મોટાં માથાં બાદ કરતાં જે તે ઠરાવ પર બોલવા પ્રમાણમાં ઓછાં જાણીતાં નામો પસંદ કર્યાં, ઊભરતી પ્રતિભાઓને રાજ્યથી કેન્દ્રીય સ્તરે બોલવા આગળ કરી એ અભિગમ જરૂર આવકાર્ય લેખાશે. શશી થરુર અલબત્ત જાણીતું નામ છે. દેશ બહાર પણ એની કંઈક સ્વીકૃતિ છે. ખડગે સામે પ્રમુખપદની ચૂંટણીમાં એમણે લડત પણ આપી હતી. ખડગે-ગાંધી યુગ્મે મુખ્ય ઠરાવને ટેકો આપવા થરુરને પસંદ કર્યાં એ આ સંદર્ભમાં નોંધપાત્ર છે અને એટલું જ નોંધપાત્ર કદાચ એ પણ છે કે મોદી ભા.જ.પ.ની ઉગ્ર ટીકા પરની પ્રવચનમાળામાં થરુરે ‘પોઝિટિવ નેરેટિવ’ની અને ઉજ્જ્વળ ઇતિહાસવાર્તાએ પિન ચોંટી ન જાય એ લક્ષમાં રાખી નવી પેઢી સાથે વાત કરવાની રીતે વાત કરી. ગાંધી-નેહરુ-પટેલ ત્રિપુટીના આવાહન પરત્વે આ એક પૂરક ને ઉપકારક માંડણી હતી. ગુજરાત સહિત દેશભરનાં કાઁગ્રેસ વર્તુળોમાં પ્રમાણમાં નવું કહી શકાય એવું એક નામ તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્નાનું છે. રેવન્નાએ પોતાના પ્રદેશ(નિઝામ હૈદરાબાદ)ના સંદર્ભે સરદારની કીર્તિદા કામગીરી સંભારી એ લાંબો સમય યાદ રહેશે.
દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ એ ત્રણ ગુજરાતી કાઁગ્રેસ પ્રમુખને ઠીક સંભારાયા, પણ ઢેબરભાઈ કેમ ચુકાઈ ગયા? અમદાવાદ (1902), સુરત (1907), અમદાવાદ (1921), હરિપુરા (1938), ભાવનગર (1961) એ અધિવેશનો સાથે ખરું જોતાં 1969ના કાઁગ્રેસના ભાગલા સાથેનું ગાંધીનગર અધિવેશન પણ સંભારવું જોઈએ. શાસક અને સંસ્થા કાઁગ્રેસ પરસ્પર સ્ખલનો દર્શાવી શકે, પણ સ્ખલનો બાદ કરતાં તે એક જ ગોત્રનાં છે એ મુદ્દો ભા.જ.પ.ના તદ્દન જુદા નેરેટિવ સંદર્ભે ચૂકવા જેવો નથી…. એની વે, હેપી વૉર્મિંગ અપ!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 ઍપ્રિલ 2025