
ફિલીક્સ પડેક
ફિલીક્સ પડેલ (Filix Padel) લિખિત લેખ – Arms and the Man – Rethinking War and Self ‘ગાંધી ફાઉન્ડેશન’ના મુખપત્ર ‘ધ ગાંધી વે’ના છેલ્લા અંકમાં વાંચવા મળ્યો. ફિલિક્સ પડેલનો આ લેખ યુદ્ધ અને માનવ જીવનના જુદા જુદા પાસાં પર તેની અસર વિશે પ્રકાશ પાડે છે, એટલું જ નહીં પરંતુ પુરાણકાળથી રાજ્યસત્તા અને હવે વિજ્ઞાન યુદ્ધને નામે સામૂહિક સંહારને કેવું પીઠબળ આપે છે તેનું વિગતે વર્ણન કરે છે. હાલની પરિસ્થિતિને સમજવા આ લેખ ઘણો ઉપયોગી લાગ્યો. એ મનનીય લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. તે પહેલાં લેખકનો થોડો પરિચય.
ફિલીક્સ પડેલ ચાર્લ્સ ડાર્વિનના વંશજ છે. ભારતમાં સમાજશાસ્ત્ર અને નૃવંશ શાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ત્રણેક દાયકાથી વધુ સમય માટે કામ કરીને તેઓ હાલમાં વેલ્સમાં સ્થાયી થયા છે. તેમણે Sacrificing People: Invasions of a Tribal Landscape (1995/2010), Out of This Earth: East India Adivasis and the Aluminium Cartel જેવાં મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં છે, જે આદિવાસીઓ, ખાણ ઉદ્યોગ અને પર્યાવરણીય મુદ્દાઓ વિષે વિશદ માહિતી પૂરી પાડે છે. તેઓ વિશ્વભારતી શાંતિનિકેતનમાં વિઝિટિંગ પ્રોફેસર રહી ચુક્યા છે. હિન્દી અને ઉડિયા ભાષા તથા ભારતીય શાસ્ત્રીય સંગીત પણ જાણે છે.
ભારતમાં સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપવાના યશ ભાગી સ્વ. જીતેન્દ્ર પાલ સિંઘ ઉબેરોયના માર્ગદર્શન હેઠળ ફિલીક્સ પડેલે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો. જે.પી.એસ. ઉબેરોયની સ્મૃતિમાં આપેલ વ્યાખ્યાનનો સંક્ષિપ્ત ભાગ આ લેખમાં છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં માનવ જાતે ઘણો ‘વિકાસ’ કર્યો છે, પણ તેમાં લશ્કરી ટેક્નોલોજીમાં થયેલાં સંશોધનો ઘણાં મહત્ત્વના સાબિત થયા છે. યુદ્ધો થતાં અટકાવવામાં, પૃથ્વી પર શાંતિ સ્થાપવામાં અને પ્રાપ્ત સંસાધનોને સમાન ભાગે વહેંચણી બાબતમાં છેલ્લાં 5.000 વર્ષોમાં માનવ જાત કશું શીખી નથી કે તેમાં જરા પણ પ્રગતિ નથી કરી.
લડાઈ કરવી એ માનવનો કુદરતી સ્વભાવ છે એટલે યુદ્ધ છેડવું અનિવાર્ય છે એવી માન્યતા વ્યાપક થતી જોવા મળે છે. જો યુદ્ધ કરવાં અનિવાર્ય છે એમ માનીએ, તો શસ્ત્રો પેદા કરવાં વ્યાજબી ગણાય. શસ્ત્રોનું ઉત્પાદન અને વેચાણ દુનિયાના અર્થકારણમાં મુખ્ય ભાગ ભજવે છે. જો કે અર્થશાસ્ત્રીઓ કે પર્યાવરણવાદીઓ તરફથી તેનાથી થતા આર્થિક લાભ અને પર્યાવરણ પર થતી અસર વિશે બહુ ઓછું વિશ્લેષણ થયું છે. જે.પી.એસ. ઉબેરોયના અંદાજ મુજબ દુનિયાના વૈજ્ઞાનિકો, ટેક્નિશિયન્સ અને એન્જિનિયર્સમાંથી અર્ધા કે બે તૃતીયાંશ જેટલા વિશેષજ્ઞો લશ્કરના સંશોધન અને વિકાસ માટે પડદા પાછળ રહીને કાર્યરત રહે છે. અને છતાં આ હકીકત આપણા સહુથી છુપી રાખવામાં આવે છે. 1989માં લખેલા નિબંધ ‘Technology of Obsolescence’માં તેમણે આધુનિક ઉદ્યોગ જગતમાં, અને ખાસ કરીને લશ્કરી સરંજામના ઉત્પાદનમાં રહેલી મૂળભૂત નિરર્થકતા વિશે ધ્યાન દોર્યું છે. શસ્ત્રોની બનાવટમાં ટેકનોલોજી ખૂબ ઝડપથી પ્રગતિ કરતી રહે છે, નવાં શાસ્ત્રો વધુ ને વધુ ખર્ચાળ બને છે અને જૂનાં એકદમ ઝડપથી નકામાં બની જાય છે. તેમણે પ્રેસિડન્ટ કેનેડીનું અવતરણ ટાંકતા લખ્યું, “આપણે આપણી જાત સાથે જ શસ્ત્રોની હરીફાઈમાં ઉતર્યા છીએ, અને તેમાં આપણો વિજય થઇ રહ્યો છે !”

ફિલીક્સ પડેક
વર્તમાન યુગમાં આ અતિ ઝડપથી વિકસતાં વિનાશક શસ્ત્રો જ માનવ જાત માટે મોટા શત્રુ સમાન છે, જે આપણો સર્વનાશ નોતરે છે અને દુનિયાને અત્યંત બૂરું ઉદાહરણ પૂરું પાડે છે.
આ વ્યવસ્થાના પરિણામ સ્વરૂપ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો લશ્કરી સાધનો માટે કાચો માલ પૂરો પાડે, સસ્તી મજૂરી પૂરી પાડે અને વધારામાં શસ્ત્રોના ઉત્પાદનથી ધનિક બનેલા દેશોના નકામાં બની ગયેલાં શસ્ત્રોના ગ્રાહક પણ બને છે. દાખલા તરીકે બ્રિટનની આર્જેન્ટિના સામે ફૉકલેન્ડની લડાઈ (1982) અને ઇરાકની લડાઈ (1990 અને 2003) વખતે બ્રિટનને એ જ દેશોને વેચેલા આગલી પેઢીના લડાયક વિમાનોનો સામનો કરવાનો મોકો મળ્યો તેથી સહેલાઈથી તેનો નાશ કરી શક્યા. એટલું જ નહીં, દુ:શ્મન વિમાનના ચાલકો મોટે ભાગે બ્રિટનમાં તાલીમ પામેલા હતા.
શસ્ત્રોના વેપારના કેન્દ્રસ્થાને પદ્ધતિસરનો ભ્રષ્ટાચાર જોવા મળે છે. અવિકસિત કે અર્ધ વિકસિત દેશો પર વિકસિત દેશોને ભરપાઈ ન કરી હોય તેવી લોનનો બોજો વધતો જાય. હકીકતે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા જેને ‘વિકસિત દેશ’ ગણવામાં આવે છે તેના આર્થિક માળખામાં કેન્દ્રસ્થાને આ શસ્ત્ર ઉત્પાદન અને વેચાણ જ રહેલા છે. પડદા પાછળ રહીને કામ કરતા વૈજ્ઞાનિકો પોતાના આત્માના અવાજને જરા પણ ઠેસ પહોંચાડ્યા વિના સામૂહિક સંહાર કરી શકે તેવાં શસ્ત્રો વિકસાવ્યા કરે છે. આવા સંહારક શસ્ત્રોના ઉપયોગ થકી સર્જાયેલ અંતિમ કક્ષાના અમાનુષિકરણનો દાખલો આપતાં ઉબેરોય Auschwitzના કોન્સન્ટ્રેશન કેમ્પ અને ઓગસ્ટ 1945માં હિરોશિમા-નાગાસાકી પર નાખવામાં આવેલા અણુબૉમ્બનો ઉલ્લેખ કરે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની વિનાશક શક્તિનો બીજા માનવો પર પ્રયોગ કરવાના આત્યંતિક હિંસાત્મક કૃત્યમાંથી અનુઆધુનિક યુગની હિંસાનો જન્મ થયો છે. જીવનના અંતિમ તબક્કે ઉબેરોયએ ગાઝામાં અમાનુષી કૃત્યના નવા સ્તરની સામૂહિક માનવ હત્યા થતી જોઈ અને તેમણે કહેલું કે માનવ જાતને જો વિનાશમાંથી ઉગરવું હોય તો આ સંઘર્ષનો ઉકેલ લાવવો જ જોઈશે.
(યુદ્ધ વિજ્ઞાનના) મૂળ પ્રાચીન, ફળ આધુનિક
(પુરાણી સાહિત્યિક રચનાઓ પરથી માલૂમ થાય છે કે યુદ્ધને સંલગ્ન વિજ્ઞાન, તેની સંહારક શક્તિમાં થયેલ ‘વિકાસ’ અને તેને અપાયેલ માન્યતા તથા તેને અપાતા માનનાં મૂળ અત્યંત ઊંડા છે, જેનાં ફળ આધુનિક સમયમાં ભોગવતાં જોવામાં આવે છે.)
જ્યોર્જ બર્નાર્ડ શૉનું નાટક ‘Arms and the Man’ (1894) એ યુગમાં અસાધારણ માનવામાં આવેલું કેમ કે એ બ્રિટનની દેશભક્તિ અને યુદ્ધ પ્રિયતાની વક્રોક્તિથી ભરપૂર હતું. પરંતુ એ નાટકથી બર્નાર્ડ શૉ પ્રખ્યાત થયા. 1885-86ની ઓછી યાદ રહેલી સર્બિયન-બલ્ગેરિયન લડાઈના સમયને એ આવરી લે છે; એટલે કે એ બે બોઅર યુદ્ધ વચ્ચે રચાયેલ હતું.
(ફિલિક્સ પેડેલે ગ્રીક અને રોમન કાળના યુદ્ધનું વિગતે વર્ણન કર્યું છે, જે અહીં સમાવિષ્ટ નથી) હોમરના ગ્રીક મહાકાવ્યો અને સંસ્કૃતમાં રચાયેલ મહાભારતને યુદ્ધની યશોગાથા ગાનાર રચના માનવામાં આવે છે. ગાંધીજી માનતા કે મહાભારત યુદ્ધ અને હિંસાની વિફળતા દર્શવવા રચાયેલ હતું. ગાંધીના જીવન-કાર્ય વિશેના નિષ્ણાત બી.પી. રાથ આ સિદ્ધાંતને સમજાવતાં કહે છે કે મૂળ કથા ઘણી ટૂંકી હતી અને યુદ્ધનો વિરોધ કરતી હતી. રાજમોહન ગાંધી એ અભિપ્રાય સાથે સહમત થાય છે, પણ એ વાત પર ભાર મૂકે છે કે ભગવત ગીતા પણ યુદ્ધને વ્યાજબી ગણી માન્યતા આપે છે. રણસંગ્રામની મધ્યમાં યુદ્ધ માટે તૈયાર થઈને રથમાં સવાર થયેલ અર્જુનને કૃષ્ણ ક્ષત્રિય તરીકે પોતાની ફરજ પર શંકા ન કરવાની સલાહ આપતા જણાય છે; હજારો લોકો એકબીજાનો ધ્વંસ કરે અને મૃત્યુ પામે એ તો માયા છે એવો બોધ આપ્યો હતો. ગીતાનું મહત્ત્વ મહાભારતમાં કેન્દ્રસ્થાને છે, તો શું હિન્દુ રાજાઓ અને જ્ઞાતિના મુદ્દે ખેલાયેલી લડાઈઓમાં ગીતાએ આપેલ ઉપદેશનું વ્યાજબીપણું કારણભૂત છે?
5,000 વર્ષ પહેલાં થયેલી ગ્રીસની ટ્રોજન અને મહાભારતની લડાઈઓનાં ઘણાં વર્ષો પહેલા સૂમેરિયાના એક શહેરમાં લડાઈ કરવી અને ગુલામી પ્રથાનું ચલણ હોવું એ એક સામાન્ય ધોરણ હતું તેવું પ્રતિપાદિત થયું છે. ઇલિયડમાં વર્ણવેલી ટ્રોજન લડાઈ માનવની અવેજીમાં તકરાર કરતા દેવો વચ્ચે થયેલ યુદ્ધ હતું. ટ્રોજન લડાઈ ગ્રીક સૈન્યની વિજયગાથા છે, અને ટ્રોજન અને બીજા મૂળ વતનીઓને નિષ્કાસિત કરી હાલના દરિયા કિનારાના તુર્કસ્તાનમાં વસાહત ઊભી કરવાની ગાથા છે. 1920માં આતાતુર્કના સૈન્યે મૂળ ટ્રોજન પ્રજાને ત્યાંથી પણ તડીપાર કરી. સામૂહિક કત્લેઆમ અને એ પ્રજાનું નિકંદન કાઢવાના બનાવોથી એ ઇતિહાસ ભરપૂર છે. યુરીપિડ્સે વર્ણન કર્યું છે કે જેમણે પતિ, પિતા અને ભાઈ ગુમાવ્યા હતા તેવી હજારો સ્ત્રીઓને લડાઈની લૂંટનો માલ હોય તેમ અમાનુષી શોષણનો ભોગ બનવું પડ્યું હતું. (આધુનિક યુગમાં થતી લડાઈઓ અને સંઘર્ષોમાં થતા અત્યાચારો ઉપરોક્ત કથા સાથે સામ્ય ધરાવતા જોવા મળે).
ઇતિહાસમાં એક ડગલું આગળ વધીએ. રોમન શાસને કાયમી સૈન્ય રચીને યુરોપ તથા ભૂમધ્ય પ્રદેશના રાજ્યો પર સંસ્થાનો સ્થાપીને ગ્રીક શાસન પદ્ધતિને જુદા સ્તર પર લાવી મૂકી. સંસ્થાનોનો ફેલાવો કરવા વિજેતા સૈન્ય દ્વારા હારેલી પ્રજાની જાહેરમાં કતલ થવી, રોમન સામ્રાજ્ય સામે અવાજ ઉઠાવનારને શૂળીએ ચડાવીને તેને ધીમા મોતને ઘાટ ઉતારવો વગેરે જેવા અત્યંત ક્રૂર કૃત્યો રોમન શાસને અમલમાં મૂકેલા. તો બીજી બાજુ રસ્તાઓના બાંધકામનું વિશાળ જાળું રચ્યું, અટપટા જળમાર્ગ બનાવ્યા અને શત્રુઓની સેનાને ઘેરો નાખીને પરાસ્ત કરવાની યુક્તિઓમાં પણ પહેલ કરી. જ્યારે કાર્થિજીયન પ્રજાને દુ:શ્મનના ઘેરામાંથી મુક્ત થવા માટે ગણિત વિજ્ઞાનથી ગ્રીક ગણિતજ્ઞ આર્કીમીડીઝ મદદ કરતો હતો તો તેની હત્યા કરવામાં આવી. કેટલી હદે રોમની સત્તા સર્વોપરી હતી તેનું આ નિદર્શન.
ઈ.સ.1720થી 1858 સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત પર રાજ્ય કર્યું એ ઈમારત, તે લંડન સ્થિત ઇસ્ટ ઇન્ડિયા હાઉસ. ભારત પર રાજ્ય સ્થાપનારા એ કંપનીના બે અધિકારીઓ રોબર્ટ ક્લાઈવ અને વૉરન હેસ્ટિંગ્સ, કે જેમના પર કુશાસન અને ભ્રષ્ટાચારના આરોપસર તહોમત મુકવામાં આવ્યા હતા, છતાં ઇસ્ટ ઇન્ડિયા હાઉસના પ્રવેશ દ્વાર પર એ બંનેના રોમન પોશાકમાં સજ્જ બાવલાં મુકવામાં આવ્યાં છે. રોમન સામ્રાજ્યનો વિજય સ્પેન અને બ્રિટનના સામ્રાજ્યવાદીઓ દ્વારા મહિમાન્વિત કરવામાં આવતો હતો.
બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં યુદ્ધને સમર્થન આપવું, વિજય મેળવવો, સામૂહિક હત્યા થવી અને સંસ્થાનો સ્થાપવા વગેરનું વર્ણન વાંચવા મળે છે, અને એ આધુનિક સમયના યુદ્ધનું બીજું પુરોગામી પરિબળ છે. ઈશ્વરે જેનું વચન આપ્યું હતું એ ભૂમિ કેનન (Canaan / પેલેસ્ટાઇન) અમોરાઇટ અને ફિલિસ્ટાઇન પ્રજાના સંહારથી કઈ રીતે જીતી તેનું વર્ણન જોશુઆ કરે છે. જજીસમાં (પ્રકરણ 2-3) વર્ણન છે કે જોશુઆના મૃત્યુ બાદ ઈઝારાલાઇટ્સ પ્રજા અન્ય ઈશ્વરની પૂજા કરતી હતી માટે ભગવાન તેમના પર ક્રોધિત થયા અને તેમના દુ:શ્મનો ફિલિસ્ટાઇન્સ, કેનાનાઈટ્સ, અમાલેકાઇટ્સ, ફિનિશિયન્સ, હીટીટેસ અને અસીરિયન્સને ઈઝારાલાઇટ્સ પ્રજાને હરાવવાની પરવાનગી આપી. (આજના ઇઝરાયેલ-ગાઝાની લડાઈના મૂળ આટલાં ઊંડા હશે એ કોણે જાણ્યું હતું?)
ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં વર્ણન કર્યું છે એ કેનન / પેલેસ્ટાઇન સામેની લડાઈ અને તેના પર કબજો જમાવવાને વ્યાજબી ઠરાવવામાં આવ્યું હતું એ કથા ફૂટ્યા વિનાના બોમ્બની માફક લગભગ 2,000 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં ઢંકાયેલી રહી. ઈ.સ.70માં રોમન સૈન્યે જેરુસલેમનો વિનાશ કર્યો. Zionist (પેલેસ્ટાઈનને યહૂદીઓનો મુલક બનાવવાની યોજનાના સમર્થકો) આક્રમક બન્યા અને 1920માં પેલેસ્ટાઇનમાં સ્થાયી થવા લાગ્યા ત્યાં સુધી જુઇશ લોકો વેરવિખેર થઈ ગયા હતા. હાલનું ઇઝરાયેલનું ગાઝા પરનું ભીષણ આક્રમણ અને વેસ્ટ બેંકમાં ગેરકાયદેસર કરવામાં આવેલ વસવાટ પાછળ 30,00 વર્ષ પહેલા એ ભૂમિ પર પોતાના હક્કનો દાવો કરીને અમાલેકાઇટ્સ પ્રજાને તડીપાર કરવા છેડાયેલ યુદ્ધમાં આચરેલ ભીષણ હિંસાનો આધાર લીધેલો દેખાય છે.
આધુનિક સમયમાં યુદ્ધને વ્યાજબી ઠરાવવા પુરાણા ઇતિહાસના અર્થઘટનનો આધાર લેવામાં આવે છે એ ખરું, પણ સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિ કુદરતી અવસ્થા છે અને અનિવાર્ય છે એવી માન્યતા પણ પ્રવર્તે છે. બીજા શબ્દોમાં ગ્રીક, લેટિન, હિબ્રુ અને હિન્દુ સભ્યતાઓએ યુદ્ધને વ્યાજબી ઠરાવ્યું જેણે દૈવી ન્યાય અને ધાર્મિક શાસ્ત્રોની રચનાને સંભવ બનાવી; જ્યારે બ્રિટિશ તત્ત્વચિંતક હોબ્સ યુદ્ધ એક કુદરતી બીના છે, જેને વધુ બળવાન શસ્ત્રો દ્વારા જ કાબૂમાં રાખી શકાય તેવો ધર્મનિરપેક્ષ દૃષ્ટિકોણ રજૂ કર્યો.
યુદ્ધની કરુણ ફલશ્રુતિ – એક અનીતિમય ધંધો
યુદ્ધ અને દેશભક્તિને પુરાણા સાહિત્યનો સંદર્ભ આપીને વ્યાજબી ઠેરવવામાં આવે છે. લેબર પાર્ટીના સ્થાપક કિઅર હાર્ડી પ્રથમ વિશ્વયુદ્ધ સામે પ્રશ્ન ઉઠાવનારાઓમાંના એક હતા. સ્ત્રી મતાધિકાર માટે લડત ચલાવનાર અને યુદ્ધને ટેકો આપનારા માતા એમલીન અને બહેન ક્રિસ્ટબૅલ પાંકહર્સ્ટ સાથે જીવનભરનો મતભેદ વહોરીને પણ સિલ્વિયા પાંકહર્સ્ટ કિઅર હાર્ડી સાથે યુદ્ધનો વિરોધ કરવામાં જોડાયા. તેઓ પોતાના જમાના કરતાં આગળ વિચારનારા હતા, અને તેથી જ તો બ્રિટનના ભારત પરના સામ્રાજ્ય વિષે સવાલ ઉઠાવેલા અને તે સમયના ભારત સહિતના મહત્ત્વના દેશભક્તો સાથે મૈત્રી ભર્યા સંબંધો કેળવેલા.
યુદ્ધ સરંજામના ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો એ પ્રથમ વિશ્વયુદ્ધ છેડવાનું મુખ્ય કારણ હતું તેની વ્યાપક પ્રમાણમાં પ્રતીતિ થવાને કારણે ફરી એવા સંઘર્ષો સર્જાતા અટકાવવા માટે લીગ ઓફ નેશન્સની રચના કરવામાં આવી. 1927માં જીનીવા ખાતે નિ:શસ્ત્રીકરણના મુદ્દા પર વિચારણા કરવા સંમેલન યોજાયેલ, તેમાં આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો: ‘ખાનગી કંપનીઓ દ્વારા યુદ્ધસામગ્રી અને લડાઈના અન્ય સાધનો બનાવવામાં આવશે તો એની સામે ગંભીર વિરોધ ઉઠાવવામાં આવશે.’ અહીં નોંધ એ વાતની લેવાની રહે કે અમેરિકન શસ્ત્ર ઉત્પાદકોના તરફદારોને એ ઠરાવને પસાર ન થવા દેવા માટે $27,000 આપવામાં આવ્યા હતા. આજે પણ અમેરિકામાં આ રીતે જ સત્ય વેચાતું લેવામાં આવે છે, તેમાં શી નવાઈ? તે વખતે ‘ટાઈમ્સ’ અખબારમાં જણાવાયું હતું કે યુદ્ધ માત્ર ભયંકર નથી હોતું, એ બેહદ નફાકારક પણ હોય છે. એ સમયે પણ દુનિયાના અર્થતંત્રના કેન્દ્રમાં શસ્ત્ર ઉત્પાદન અને વેચાણ હતું જ.
યુદ્ધ વિદ્યામાં પ્રગતિ થઈ, પરિણામે 1920ના દાયકામાં બ્રિટને કોમ્યુનિસ્ટ રશિયન ધરતી પર પ્રથમ વખત આકાશમાંથી બોમ્બ વર્ષા કરી. ત્યારબાદ ઉત્તર ઇરાકમાં કર્ડીશ લોકો સામે, નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયરમાં પશ્તુન બળવાખોરો સામે અને સોમાલિયામાં બોમ્બનો છૂટથી ઉપયોગ થયો. આપણે બહુ ઘાતકી અને ત્રાસદાયક સદીમાંથી પસાર થઇ રહ્યા છીએ. રાજ્ય વિસ્તાર વધારવા અમેરિકાએ 1898-1934 વચ્ચે યુદ્ધો કર્યાં. તેમાં લડેલા અમેરિકન જનરલ સ્મેડલી ડી. બટલરે ફિલિપિન્સનો કબજો લેનાર લડાઈ, જેમાં એક મિલિયન જેટલા લોકોએ જાન ગુમાવ્યા, ક્યુબા, હાઈટી, ડોમિનિક રિપબ્લિક, ગુઅમ (Guam) અને પ્યુર્ટો રીકો સામેની લડાઈ અને 1900માં ચાઇનાના બોક્સર રિબેલિયનને કચડવા કરેલા હુમલાઓમાં સક્રિય ફાળો આપ્યો હતો. નિવૃત્ત થયા પછી તેમણે 1935માં War is a Racket પુસ્તકમાં એ યુદ્ધોની સખ્ત આલોચના કરી હતી. (આજે ફરી અમેરિકા એ જ સામ્રાજ્ય વિસ્તાર માટે યુદ્ધના ચક્રમાં વ્યસ્ત થયું છે.) અમેરિકા મહાસત્તા કહેવાય છે કેમ કે દુનિયાના 100 દેશોમાં આશરે 750 લશ્કરી થાણાં છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં થયેલા રક્તપાત અને સામૂહિક સંહાર ફરી કદી થવા ન પામે એ માટે સ્થપાયેલ યુનાઇટેડ નેશન્સ તો લીગ ઓફ નેશન્સ કરતાં પણ વધુ ઓછા સમયમાં નિષ્ફળ ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યાર બાદ 1946-1949ના ગાળામાં ગ્રીસમાં આંતર યુદ્ધમાં ભારે રક્તપાત થયો. એ સમયે બ્રિટને સ્ટાલિને તજી દીધેલા ગ્રીક સામ્યવાદીઓને પરાસ્ત કરવામાં, ડચ શાસનમાંથી મુક્તિ અપાવવા ઇન્ડોનેશિયાને સહાય કરવામાં અને વિયેટનામ પર કબજો જમાવવામાં આગળ પડતો ભાગ ભજવેલો. પેલેસ્ટાઇનને યુ.એન.ના કહેવાતા અંકુશમાં છોડી દઈને બ્રિટને એ વિસ્તાર પર પોતાની મુખત્યારીનો અંત આણ્યો, જેને કારણે 1948માં પેલેસ્ટાઇનમાં જાતીય શુદ્ધિકરણ અથવા નાકબા કરવાની સુવિધા ઊભી થઈ અને હાગાનાહ (Haganah) અને અન્ય જુઇશ લશ્કરી દળ દ્વારા 7,50,000 જેટલા પેલેસ્ટીનિયન નાગરિકોના જાન લેવાયા કે તેમની હકાલપટ્ટી કરવામાં આવી. એ લશ્કરી દળ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ બન્યું જેને મહદ અંશે અમેરિકામાં કાર્યરત રહેતા માફિયા અને બાતમીદારો શસ્ત્રો પૂરા પાડે છે.
બીજા બોઅર યુદ્ધ દરમિયાન અને 1950ના દાયકામાં સામ્યવાદ સામે મોરચો માંડવા ‘મલાયન ઇમર્જન્સી’ તથા કેનિયામાં માઓ માઓના બળવા વખતે અત્યંત ક્રૂરતા આચરનાર કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કરવા માટે બ્રિટને જવાબદારી સ્વીકારવી જોઈએ અને આ હકીકત બ્રિટનની શાળાઓમાં ભણાવવી જોઈએ.
દરેક યુદ્ધ સૈનિકો અને સામાન્ય નાગરિકો માટે વિનાશ નોતરનારા હોય છે. જે.પી.એસ. ઉબેરોય નીચેની હકીકત પર આપણું ધ્યાન દોરે છે: યુગ બદલાતાં વધુ ને વધુ નાગરિકો જાન ગુમાવતા જોવા મળે છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં આશરે એક મિલિયન લોકોની જાનહાની થયેલી, જેમાં 95% સૈનિકો હતા અને 5% નાગરિક હતા; બીજા વિશ્વયુદ્ધમાં આશરે 50 મિલિયન લોકોની જાનહાની થઇ, જેમાં 52% સૈનિકો અને 48% નાગરિકો હતા. જર્મની અને જાપાન પર કરેલી બોમ્બ વર્ષા અને કોરિયાની લડાઈમાં કુલ 9 મિલિયન માણસો માર્યા ગયા જેમાં માત્ર 16% સૈનિકો અને 84% નાગરિકો મરાયા! વિયેતનામથી માંડીને અફઘાનિસ્તાન, ઇરાક, લિબિયા, સીરિયા, યમન, યુક્રેઇન અને લેબેનોનની લડાઈઓમાં નાગરિકોની જાનહાનિનો આંક ઊંચે ને ઊંચે જતો જોવા મળે છે. 2022થી યુક્રેઇન, રશિયા, પેલેસ્ટાઇન, લેબેનોન, સીરિયા, ઇઝરાયેલ વગેરે દેશોમાં પરિસ્થિતિ વધુ ગંભીર થતી જાય છે. NATOના સભ્ય દેશો શાંતિ કરાર માટે સહમતી સાધી શકતા નથી. એક બાજુથી અમેરિકન વર્ચસ્વ વધતું જાય છે, તો બીજી બાજુ શસ્ત્રોના વેપારમાં વૃદ્ધિ થતી જાય છે.
આભાસી દુનિયા
સંચાર માધ્યમોમાં જેની ઓછી નોંધ લેવાય છે છતાં એ હકીકત વ્યાપક રીતે સ્વીકારાય છે કે યુદ્ધ અને શસ્રોના વેપારને લીધે દુનિયાના ઘણા ઉદ્યોગોને પુષ્કળ નફો થાય છે. એન્ટોની સેમ્પ્સન ના ‘આર્મ્સ બાઝાર’ અને આન્દ્રે ફેઇન્સ્ટેઇનના ‘શેડો વર્લ્ડ’ પુસ્તકમાં 2006માં ટોની બ્લેરે સિરિયસ ફ્રોડ ઓફિસરને દેશના હિતને જોખમ ન પહોંચે એ મુદ્દા પર બ્રિટિશ એરોસ્પેસમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસને પડતી મુકવાનું કહેલું એ વિષે વિગતે ચર્ચા કરી છે.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે સ્ટીલ અત્યંત મહત્ત્વની ધાતુ હતી, તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે એલ્યુમિનિયમ અત્યંત ઉપયોગી ધાતુ સાબિત થઇ, એટલું જ નહીં, આજ સુધી બૉમ્બ બનાવવાની ટેક્નોલોજી માટે અને ‘સંરક્ષણ’ માટે તે એટલી જ અનિવાર્ય ધાતુ ગણવામાં આવે છે. શસ્ત્રોના વેપારની વૃદ્ધિને કારણે બોક્સાઈટ અને બીજી ખનીજ ધાતુઓના ખનનનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. ભારતના રાષ્ટ્રપતિ પદ પર નિયુક્ત થયા તે પહેલાં અબ્દુલ કલામ શસ્ત્ર અને એરોસ્પેસના વૈજ્ઞાનિક રહી ચુક્યા હતા. ભારતના ‘મિસાઈલ મેન’ તરીકે તેમણે એલ્યુમિનિયમ અને શસ્ત્રોના ઉત્પાદનને બઢાવો આપ્યો હતો. જેમ બોક્સાઈટના ખનનનું દબાણ વધતું જાય છે તેમ ભારતના શસ્ત્ર ઉદ્યોગમાં પણ વધારો થતો જાય છે. દાખલા તરીકે અદાણી ગ્રુપ ઈઝરાયેલને નિકાસ કરવા હૈદરાબાદ નજીક મિસાઈલ નાખતા ડ્રોન બનાવે છે.
ઇઝરાયેલે પોતાનો પેલેસ્ટાઇન પર લશ્કરી કબજો જમાવવાનો અને આતંકવાદીઓનો સામનો કરવાનો બહોળો અનુભવ દુનિયાના બીજા દમનકારી દેશોમાં નિકાસ કર્યો છે. ઇઝરાયેલ નિર્દયી સુરક્ષા દળોની તાલીમ આપવાની બાબતમાં એક પ્રયોગશાળા તરીકે કામ કરે છે અને બીજા દેશોને ઉદાહરણ પૂરું પાડે છે (જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે). પરિણામે એ બધા દેશો અમેરિકા અને ઇઝરાયેલના સુરક્ષા દળોને માનવ અધિકારના ભંગને સજામાંથી મળેલી મુક્તિના ઉદાહરણને અનુસરે છે અને એ સશસ્ત્ર સંઘર્ષોનો હલ કરવા માટે ઘડાયેલા જીનીવા તથા બીજા બધા આંતરરાષ્ટ્રીય કરારોને એક તરફ ધકેલી દે છે.
શસ્ત્રોનો વ્યાપાર અને સશ્સ્ત્રીકરણમાં થતો વધારો એ યુદ્ધો છેડવા અને કદી ચૂકવી ન શકાય તેવા દેવાની પરિસ્થિતિ માટેનું મુખ્ય કારણ છે. એટલું જ નહીં, પરંતુ જેનો ખાસ ઉલ્લેખ નથી થતો છતાં જેની અસર અતિશય ઘેરી છે એવા પૃથ્વીના પર્યાવરણ અને પ્રાકૃતિક સંતુલન પર થતા હુમલાનું પણ એ મુખ્ય કારણ છે. પર્યાવરણની કટોકટી સર્જવા પાછળ બીજા પરિબળો ઉપરાંત ગાઝા, યુક્રેઇન, ઇરાક અને લિબિયા વગેરે દેશોમાં વપરાયેલા વધુ પડતા દારૂગોળા, શસ્ત્રો બનાવનારી ફેક્ટરીથી પેદા થતું પ્રદૂષણ અને એ ધાતુઓના ખનન તેમ જ બનાવટથી ઉપજતી વિપરીત અસરોનો પણ સમાવેશ થાય છે.
યુદ્ધમાં વિશ્વાસ ધરાવતા સમાજમાં વ્યક્તિનું સ્થાન
જે દેશમાં સૈન્યમાં ફરજિયાત ભરતીનો કાયદો હોય તે દેશના નાગરિકો પર પોતાના દેશના યુદ્ધના પ્રયાસોને માન્યતા આપવાનું દબાણ હોય છે. સહુથી વધુ દેખીતો દાખલો ઇઝરાયેલનો લઇ શકાય. લશ્કરમાં જોડાવા બાબત નૈતિક વાંધો ઉઠાવનાર વ્યક્તિને જેલની સજા થઈ શકે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં જોડાવાનો ઇન્કાર કરનારને દંડ થતો અને આકરી લોકનિંદાનું પાત્ર થવું પડતું. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં 1916-1920 અને 1939-1960 દરમિયાન ફરજિયાત લશ્કરી ભરતી કરવાનો કાયદો અમલમાં હતો. વિયેતનામની લડાઈ વખતે પસાર થયેલો ખરડો લોકોમાં એટલો બધો અપ્રિય થઇ ગયો કે તેને કારણે યુદ્ધને અટકાવી દેવાની ચળવળ શરૂ થઈ. આમ છતાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી યુદ્ધ વિશેની ફિલ્મ અને કમ્પ્યુટરની રમતોને કારણે યુદ્ધમાં વિશ્વાસ ધરાવવો કે તેની તરફદારી કરવાના વલણને રોકવું મુશ્કેલ છે. વળી આવાં સાધનોને ડ્રોન મારફત લડતા યુદ્ધ સાથે સીધું જોડાણ છે, જેમાં બીજા માનવીનો જીવ લેવો એ કમ્પ્યુટરની ચાવી દબાવવા જેટલું સહજ ગણવામાં આવી રહ્યું છે. ઘણા લોકોને મન શાંતિ કરતાં યુદ્ધ ઘણી ઉત્તેજના પેદા કરતી ઘટના હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને ચારે તરફથી ઘેરી વળી છે, જેને કારણે સત્ય અને આભાસી હકીકતને અલગ પાડવાનું મુશ્કેલ બનતું જાય છે. જાહેર સમાચારનાં સાધનો યુદ્ધને પ્રોત્સાહન આપતાં જોવા મળે છે; જે યુદ્ધને માન્યતા આપવા પ્રેરે છે.
અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે મોટાભાગના લોકોને એ વાતનો ખ્યાલ નથી કે ગુપ્ત માહિતી ભેગી કરનાર ખાતાની મુખ્ય ભૂમિકા સમાચાર નિગમના માધ્યમથી જાહેર મતના સ્વાંગમાં પ્રચાર – અને તે પણ ખોટો પ્રચાર – વહેતો કરવાની છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ગુપ્તચર ખાતાએ પૂરી પડેલી ખોટી માહિતીએ એ દેશની જીતમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. યુદ્ધ બાદ આ કુશળતાનો ઉપયોગ રશિયા, સર્બિયા, અફઘાનિસ્તાન, ઇરાક, લિબિયા અને સીરિયા જેવા ‘દુ:શ્મન’ દેશો પર ચડાઈ કરીને ત્યાં અસ્થિરતા લાવવામાં કરવામાં આવ્યો. ‘અમેરિકન સામ્રાજ્ય’ ભૂલી જાય છે કે CIA જેવા ગુપ્તચર ખાતાના કાવતરાની નીતિને પરિણામે 70 જેટલા દેશોમાં સત્તા પલટો કરવામાં મદદ કરી છે.
સ્થળાંતરિત અને વિસ્થાપિત લોકોની વધતી જતી સંખ્યા એ વર્તમાન રાજકારણનો સળગતો પ્રશ્ન બનતો જાય છે. તેને કારણે શરણાર્થીઓ અને રાજકીય આશ્રય માંગતા લોકો પ્રત્યે કટ્ટર જાતિવાદની લાગણી પેદા થતી જાય છે. સરકારી અમલદારો કે સમાચાર માધ્યમો એ વાતનો ભાગ્યે જ ઉલ્લેખ કરે છે કે યુનાઇટેડ કિંગ્ડમ અને બીજા દેશોની યુદ્ધ છેડતા રહેવાની નીતિને કારણે અફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા, સોમાલિયા, લિબિયા અને બીજા આફ્રિકન દેશોની પ્રજાને પોતાના વતનને છોડવાની ફરજ પડે છે.
બીજી બાજુ ‘વૈજ્ઞાનિક જ્ઞાન’ કેટલીક શાખાઓમાં અંતિમ પરિણામો લાવે છે. દાખલા તરીકે વીજળી સંચાલિત વાહનો વાપરવાથી પર્યાવરણની કટોકટી ખાળી શકાય એ માટે વિશ્વના મોટા ભાગના દેશોએ સહમતી સાધીને કરાર કર્યા. પણ આ ટેક્નોલોજી સામે ઘણા સવાલ ઊઠે છે. તેમાં વપરાતા કોબાલ્ટ, લિથિયમ વગેરે જેવા ‘રેર અર્થ’ ગણાતાં ખનીજનું ખનન અને એલ્યુમિનિયમનો વધુ પડતો વપરાશ કેટલે અંશે આ નિર્ણયને વ્યાજબી ઠરાવી શકે? ખનીજ અને બીજી ધાતુઓના ખનનને મોટે પાયે વધારવો, પાણીનો અમર્યાદ ઉપયોગ કરવો એ શું કાર્બનના પ્રસાર કરતાં વધુ હાનિકારક નથી?
આ મુદ્દો વિજ્ઞાન પર વિશ્વાસ મુકવા વિશે ઘણા સવાલો ઊભા કરે છે. આધુનિક યુગ દરેક વ્યક્તિને જ્ઞાનના ગુણદોષ માટે સવાલ કરવા પ્રેરે છે. આપણને મળેલું જ્ઞાન કે માહિતી પાયાદાર છે કે નહીં તે કેવી રીતે જાણવું? નાઝી નિષ્ણાતો દ્વારા જેને રિબાવવામાં આવ્યા હતા એ ડચ મનોવૈજ્ઞાનિક જૂસ્ટ મિરલૂ (Joost Meerloo) કહે છે, વિચાર સ્વાતંત્ર્ય ઘણા પ્રકારની બળજબરીની શક્યતાઓ ઊભી કરે છે. લોકશાહીમાં રહેલી સ્વતંત્રતાએ વ્યક્તિની સત્તા માટેની આંતરિક ઈચ્છા અને તેની બીજાને શરણે જવાની ઈચ્છા બંને સામે લડત આપવાની હોય છે. અને મોટેભાગે આ બંનેને લશ્કરનો ટેકો મળતો હોય છે.
21મી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે વ્યક્તિ પર કઈ માહિતી સ્વીકારવી અને શેનું મૂલ્ય આંકવું એ માટે પહેલાં કદી ન અનુભવ્યો હોય તેવો દબાવ પડે છે.
સમાપન
ઉબેરોય ઘણી વખત ઉલ્લેખ કરતા કે આજે શાળાઓ અને વિશ્વવિદ્યાલયો આત્મજ્ઞાન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય એ વિશે બહુ થોડું માર્ગદર્શન પૂરું પાડે છે. માનવ જાત 5,000 વર્ષમાં યુદ્ધો થતાં કેમ નિવારવાં, પૃથ્વી પર શાંતિ કેવી રીતે સ્થાપવી અને ધરતીના સ્રોતને ન્યાયી રીતે કેવી રીતે વહેંચવા એ નથી શીખી. એની પાછળ આપણી શિક્ષણ સંસ્થાઓએ આત્મજ્ઞાનનાં બીજ નથી રોપ્યાં એ કારણ હશે શું?
આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં વિપુલ પ્રમાણમાં માહિતી મળે છે, પરંતુ આપણે સત્તા સાથે સંલગ્ન છે તેવી સમસ્યાઓને દૂર નથી કરી, તેથી શાંતિ સ્થાપવા તેનો વ્યવહારમાં વિનિયોગ નથી કરી શક્યા. પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ભૂતકાળની ભૂલોને નિવારવાને બદલે પ્રતિષ્ઠાના પ્રતીક તરીકે અને કાયમ માટે યુદ્ધની સ્થિતિને વ્યાજબી ઠરાવવા માટે કરવામાં આવે છે. ઇતિહાસ આપમેળે પુનરાવર્તિત થાય તે જરૂરી નથી, પરંતુ જો પ્રાચીન ઇતિહાસના અભ્યાસુ ઓગસ્ટસ જેવા નાયકનું અનુકરણ કરીને સત્તા ભોગવતા થાય તો રોમન સામ્રાજ્યના સમયમાં હતી તેવી હિંસાનું પુનરાવર્તન થયા કરશે. હવે સામૂહિક વિનાશનાં સાધનો એક વાસ્તવિકતા બની ગઈ છે એટલે આપણે સામૂહિક આત્મહત્યા તરફ ગતિ કરીએ એ શક્યતા છે.
માનવ જાતને પુનર્જીવિત કરવા માટે બહુ વિલંબ થઈ જાય તે પહેલાં આપણે આદિમ જાતિઓ પાસેથી કેટલુંક શાણપણ શીખી લેવું જોઈએ. મોટાભાગની આદિમ જાતિઓ જાતિ સંહાર કે પર્યાવરણના સંહાર કર્યા વિના વિકાસ પામી છે અને એટલે જ તેઓએ ન માત્ર પોતાની સુરક્ષા માટે પરંતુ પ્રકૃતિના અધિકારોની રક્ષા માટે પણ પગલાં ભર્યાં છે. એ જાતિઓએ પ્રકૃતિ પાસેથી સંસાધનો લેવામાં સંયમ જાળવ્યો છે, જેને માઓરી પ્રજા ટાપુ કહે છે, જે ઇંગ્લિશમાં ટેબૂ તરીકે ઓળખાય છે. ઘણી આદિમ જાતિઓ વિનાશના આરે આવીને ઊભી છે. ચીન પોતાનો નૌકા સૈન્યનો વિસ્તાર કરે છે, તો ભારત આંદામાન અને નિકોબારના વિસ્તારમાં નૌકા સૈન્યનો વિસ્તાર કરી રહ્યું છે. ગ્રેટ નિકોબારમાં વસતી એ ટાપુના પર્યાવરણની અનોખી રીતે સુરક્ષા કરતી આવી છે તે શોમપેન જાતિ પર આની ભારે બૂરી અસર પડી રહી છે. ખનીજ ધાતુઓના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી નીતિ સામે એક્વાડોરના લોકો અને લોકશાહીના પ્રસારના નામે થતા અન્યાય સામે ભૂમધ્ય પ્રદેશની સૌથી પુરાણી જાતિ કુર્ડની થયેલી બૂરી દશા માનવ વિકાસની આદિમ જાતિઓ પર થતી વિપરીત અસરના ઉદાહરણો છે.
બ્રિટનના પ્રાગૈતિહાસિક કાળમાં થઇ ગયેલા પૂર્વજો એક બીજું ઉદાહરણ પૂરું પાડે છે. સ્ટોન હેંજ તેનાથી 200 કીલોમિટર દૂર આવેલા વેલ્સના પ્રેસેલી પહાડોના બ્લ્યુ પથ્થરોના બનેલા છે અને તેના ઓલ્ટર સ્ટોન 700 કીલોમિટર દૂર આવેલા ઉત્તરપૂર્વ સ્કોટલેન્ડથી લાવેલા પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા. પુરાતત્વવિદોને આટલા વજનદાર પથ્થરો કઈ રીતે લાવવામાં આવ્યા હશે એ પ્રશ્ન જ માત્ર નથી મૂંઝવતો, પણ એ શા માટે લાવવામાં આવ્યા હશે એ સવાલ પણ થાય છે. પ્રાપ્ત હકીકતો એવો નિર્દેશ કરે છે કે તે સમયે શાંતિ પ્રવર્તતી હશે અથવા 5,000 વર્ષ પહેલાં અલગ અલગ જાતિઓનો સંઘ રચાયો હશે. કદાચ આપણને માનવા પ્રેરવામાં આવ્યા છે એમ જુદી જુદી જાતિઓ વચ્ચે લડાઈ અનિવાર્ય નથી એમ પણ પ્રતિપાદિત થાય છે.
ઉબેરોય સવાલ કરે છે, ‘શું ખરેખર શસ્ત્રાસ્ત્રો આપણી મિલ્કતમાં વધારો કરે છે ખરાં?’ દુનિયાની મૂળભૂત મૂલ્ય પ્રણાલી તરફ આ સવાલ નિર્દેશ કરે છે. આપણે કેવા પ્રકારની લોકશાહીમાં જીવીએ છીએ જેનાં આર્થિક મૂલ્યો શસ્ત્રોનાં વેચાણ પર આધારિત છે, જેનું અંતિમ ધ્યેય વિનાશ છે? કદાચ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકારણ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિજ્ઞાનની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ માટે આપણા સત્તાનાં માળખાંને વિચ્છિન્ન કરીને નવું રૂપ આપવા કરતાં બીજું કોઈ મહત્ત્વનું કામ નથી. સત્તાધારીઓને ભ્રષ્ટાચાર કરતા કઈ રીતે રોકી શકાય, અને આર્થિક વ્યવસ્થા દેવાદાર વધારનાર અને કુદરતી સ્રોતનો અમર્યાદ વપરાશ કરનાર ન હોય એવી પદ્ધતિ કઈ હોઈ શકે? પ્રાકૃતિક સંપત્તિ મેળવવા લડાઈ ઝઘડા કરવાને બદલે અહિંસક માર્ગે મુત્સદ્દીગીરીનો ઉપયોગ કરીને ન્યાયી વહેંચણી કઈ રીતે કરી શકાય? આ અને આવી સમસ્યાઓ વિશે વિચારતા થઈએ અને આશા રાખીએ કે દ્વૈતવાદની ખાઈને માધ્યમ માર્ગ પર ચાલીને ઓળંગી શકીએ, કે જે વ્યક્તિને અને દુનિયાને પુષ્ટ કરી શકે.
e.mail : 71abuch@gmail.com