૨૦૦૯
ચા તૈયાર છે. ટેબલ પર તાજી, ખુશબોદાર ચાથી ભરેલા, પ્લાસ્ટિકનાં ઢાંકણથી ઢંકાયેલા ત્રણ પ્યાલા પડ્યા છે. ચા તો નજરે ય પડતી નથી. ચા જેમાં બનાવી હતી, તે વાસણ, ગળણી, સાંડસી, ચમચી વિ. રસોડાના સિન્કમાં ઉટકાવાની રાહ જોઈને પડેલાં છે. ગેસનો સ્ટવ કામ પતાવી, ઠંડો પડી રહ્યો છે. ચા-ખાંડના ડબા એમના યથાસ્થાને ગોઠવાઈને પડ્યા છે. વોલમાર્ટમાંથી લાવેલો, એક ગેલનનો, ૨% ફેટવાળા દૂધનો કેરબો ફ્રીજમાં એના સ્થાને, થોડો ખાલી થઈને, પાછો ગોઠવાઈ ગયો છે. કાચની ડીશમાં બ્રેડના ટોસ્ટ શેકાઈને તૈયાર પડ્યા છે. બાજુમાં માખણના સ્પ્રેડનો ડબો અને માખણ ચોપડવાની છરી પણ હાજર જ છે. રસોડાની ઓલી’પા લીવીંગ રુમના ટેબલ પર, મારું વહાલું નોટબુક કોમ્પ્યુટર મને લોગ ઈન કરવા આમંત્રી રહ્યું છે. બધું સમેસૂતર જણાય છે. માત્ર ચા પીનારા આવે એની રાહ જોવાઈ રહી છે. મારી પત્ની આરામથી સુઈ રહી છે. દીકરી અને જમાઈ નોકરીએ જવા માટે તૈયારી કરી રહ્યાં છે. બાળકો એમના અલગ અલગ રુમમાં વેકેશની નિંદર માણી રહ્યાં છે.
પણ બે જ મિનિટ પહેલાં? બધું રમણ-ભમણ હતું. તપેલીમાં ચા ખદબદી રહી હતી. ઊભરો આવવાની રાહ જોવાઈ રહી હતી. તપેલીને સ્ટવ પરથી ઉતારી, ચા ગળવા, સાંડસી અને ગળણી હાથમાં તૈયાર રાખેલાં હતાં. ચા-ખાંડના ડબા, દૂધનો કેરબો, આદુ ભરવાની રકાબી, આદુ છીણવાની છીણી, ચાના ખાલી પ્યાલા – રકાબી એ બધાંથી રસોડાંનું કુકીંગ પ્લેટફોર્મ ( ગુજરાતી પર્યાય?) ભરચક ભરેલું હતું. ડાઈનીંગ ટેબલની બાજુમાં ગરમ લ્હાય જેવા ટોસ્ટરમાં પાંઉ શેકાઈ રહ્યા હતા. રસોડું આ બધી ચહલપહલથી ધમધમતું હતું.
એના કલાકે’ક પહેલાં? રસોડામાં સ્મશાન શાંતિ છવાયેલી હતી. આ બધી ચીજો એમના યોગ્ય સ્થાને સોડ વાળીને સુતી હતી. અરે! ચામાં નાંખેલાં ફુદીનાનાં પાન પણ બેક યાર્ડમાં સ્વપ્રયત્ને વાવેલા છોડની ડાળે, સવારના મંદ પવનમાં ઝૂલી રહ્યાં હતાં. એ નાનકડું જગત સાવ સ્થિર અને સુષુપ્ત અવસ્થામાં, ગુપચુપ ઘોરતું હતું. ચા બનાવનાર અને પીનાર સૌ પણ ટુંટિયું વાળીને સુતેલાં હતાં.
અને હું આમ ને આમ સમયમાં, પાછો ને પાછો … પાછો ને પાછો … પાછો ને પાછો … સરતો જાઉં છું.
૧૯૭૯
ત્રીસ વરસ પહેલાંની સવાર … અહીંથી હજારો માઈલ દૂર, દેશમાં કમ્પનીએ આપેલા, બગીચા અને કિચન ગાર્ડનથી ઘેરાયેલા, વૈભવશાળી બંગલાના ડાઈનીંગ રુમના ટેબલ પર, નાહી ધોઈને તૈયાર થઈ, હું ચા બની ગયાની આલબેલ સાંભળવા આતૂર, ગુજરાતી છાપાંની ઉપરછલ્લી મુલાકાત લઈ રહ્યો છું. મારી પત્ની ભમભમાટ અવાજ કરતા, પ્રાયમસ સ્ટવની પાસે, ચા બનાવવાની સવારી ફરજ નિભાવી રહી છે. ચોવીસ કલાક મદદ કરતી કામવાળી બાઈ રસોડામાં શાક સમારી રહી છે. કલાક પહેલાં જ નજીકના ગામડેથી એક સાઈકલ-સવાર ૧૦ થી ય વધારે ફેટવાળું, શેઢકડું, તાજું દોહેલું દૂધ આપી ગયો હતો; અને કામવાળી બાઈએ અમારા જાગતાં પહેલાં તે લઈ રાખ્યું હતું. તે દૂધ ઉકાળ્યા બાદ, ઠંડું થઈને ફ્રીજમાં મુકાઈ જવાની રાહ જોઈ રહ્યું છે. ગઈકાલના દૂધ પર તરતી, રોટલા જેવી મલાઈ નિતારીને કાઢેલું સેપરેટ(!) દૂધ ચામાં પધરાવાઈ ગયું છે! દસ દિવસમાં ભેગી થયેલી એ મલાઈનું ઘી બનાવવાની સૂચના મારી પત્ની કામવાળી બાઈને આપી રહી છે. કામવાળી બાઈએ ખાંડી આપેલા ચાના મસાલાની ડબી ચા–ખાંડના ડબાની બાજુમાં ચમકી રહી છે. ડાઈનીંગ ટેબલ પર હમણાં જ બનાવેલા ગરમાગરમ બટાકાપૌઆં પણ તૈયાર છે.
હાલ ચાલીસ માઈલ દૂર ગાડી ચલાવી, નોકરી માટે જતી, દીકરી માત્ર નવ જ વરસની છે; અને ઘરની પાછળ જ આવેલી, પાવર હાઉસની શાળામાં જવા માટે, હજુ ઘણે મોડેથી ઊઠવાની છે. એ એની પરીકથાઓના ખ્વાબોમાં મશગૂલ છે. ચાર વરસના, બે જોડિયા દીકરા એમના રુમમાં, આયાની સાથે આરામમાં પોઢી રહ્યા છે.
બાકી ચા તો એવી ને એવી જ બનવાની છે!
૧૯૪૯
પોળમાં આવેલા ત્રણ માળના મકાનના ભોંયતળિયે, પેટમાં પાંચમું બાળક લઈને ફરતી મારી બહેને ( અમારી બાને અમે બહેન કહેતા ) વહેલાં ઊઠીને, ધુમાડાના ગોટે ગોટથી બળતી આંખો સાથે કોલસાનો ચૂલો, માંડ માંડ પેટાવ્યો છે. રેલવે વાયરલેસ ઓફિસમાંથી રાતપાળી કરીને આવેલા બાપુજી છાપામાં ડોકું ઘાલી ચાની રાહ જોઈ રહ્યા છે. અમે ચાર ભાંડુ વચલા માળે, લાઈનમાં પાથરેલી પથારીઓમાં મીઠી નિંદર માણી રહ્યાં છીએ.
હમણાં જ બાજુની પોળમાં રહેતી રબારણ બાઈ, પિત્તળના બોઘરણામાં તાજું જ દોહીને કાઢેલું, પણ દિલ દઈને પાણી મેળવેલું (!) દૂધ આપી ગઈ છે. માપ-પ્યાલી કરતાં અડધી પ્યાલી વધારાની નાંખીને ઉપકારનો ભાર ચઢાવી, તે હમણાં જ વિદાય થઈ છે. અહીં કોઈ કુકીંગ પ્લેટફોર્મ નથી. ચા બનાવવાની બધી સામગ્રી બહેને ઊભા થઈને પાછલા રુમમાંથી લાવી, પોતાની ડાબી બાજુએ ગોઠવેલી છે. સામેની ભીંતના લાકડાના ટોડલા પર, મોંસૂઝણું થતાં હમણાં જ બુઝાવેલું ફાનસ લટકી રહ્યું છે; જેના સહારે ગઈકાલે સાંજે પાટી પેન પર મેં એક્ડૉ અને બગડો ઘુંટ્યા હતા.
પણ એ ચા અમારે માટે નથી. પેટે પાટા બાંધીને, બે ય ટંક છોકરાંવને દૂધ જ પીવડાવવું, અને પીવડાવવું જ – એવો નિયમ બહેન, બાપુજીએ રાખેલો છે. થોડે દૂર પિત્તળના, જાતે કલાઈ કરેલા ડબામાં ગઈકાલની વધેલી રોટલીમાંથી બનાવેલા ખાખરાનો નાસ્તો ગઈકાલ સાંજથી તૈયાર થઈને સંઘરી રાખેલો છે : અમ ચાર ભાંડુ માટે, દૂધ સાથે ખાવા માટે.
ચા બની ગયા બાદ, ગેસનો સ્ટવ કે પ્રાયમસ ટાઢા પડી ગયા; તેમ કોલસાનો ચૂલો ટાઢો પડવાનો નથી. એને તો બધી રસોઈ બની જશે પછી જ આરામ મળવાનો છે.
બાકી અહીં પણ ચા તો એવી જ બનવાની છે.
ત્રણ ચા – એક માની બનાવેલી; એક પત્નીએ બનાવેલી; એક જાત મહેનતની. સાચું કહું? આજની ચા વધારે મીઠી લાગે છે! મારી બનાવેલી છે, માટે નહીં – આજની છે માટે!
હું ચાના પ્યાલા પર ઢાંકેલી પ્લાસ્ટિકની ડીશ બાજુએ મુકું છું. એની પર ચાની વરાળ ઠરીને બાઝેલાં પાણીનાં બિંદુઓમાં મને બહેનની આંખમાંથી સરતાં, ધુમાડો સહેવાના કારણે નીકળેલાં, અશ્રુઓ દેખાય છે.
e.mail : surpad2017@gmail.com