‘હવે હું પહેલાંની જેમ એવું નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક ધર્મ છે, એક આસ્થા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો રાષ્ટ્રવાદ છે.’
વિજયાદશમીની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે કેમ જાણે કંઈક સ્વરાજચિંતન ચિત્તનો કબજો લઈ બેઠું છે. ખરેખર તો બેસતે નોરતે જ ઈ-સ્વરમ્(રાજકોટ)ના સદ્દભાવથી પરેશ ભટ્ટના સ્વરાંકનમાં ‘માત ભવાની દુર્ગે’ના સમૂહગાન સાથે સહજ ક્રમે આ વિચારચક્ર ચાલવા લાગ્યું હતું.
ભવાની આમ તો હિંદવી સ્વરાજ વાસ્તે શિવસંકલ્પ આસપાસનાં સ્પંદન જગવે છે … અને વીસમી સદીના પહેલા દસકામાં, એમ તો, 1904થી 1908ના ગાળામાં સંસ્કૃતમાં જે રચના અરવિંદ થકી ઉતરી આવી, એ પણ ભવાની ભારતી જ છે ને. કહે છે કે રામકૃષ્ણ પરમહંસનાં વર્તુળોમાંથી ભાઈ બારીન્દ્ર મારફતે અરવિંદને જે પ્રેરણા પહોંચી તે એની પૂંઠે હતી.
ભવાની ભારતી આમ તો શક્તિનું, રાષ્ટ્રમાતાનું, બલકે રાષ્ટ્ર સ્વયંનું ગાન કહો તો ગાન, આવાહન કહો તો આવાહન છે … આવાહન પણ અને આહ્વાન પણ! મૂળે એ શક્તિગાન છે, જેમ પરમહંસદેવે વિવેકાનંદને ‘કાલી’ ભણી સમર્પણભાવ પ્રેર્યો હતો.
કેમ કે, આપણે હમણાં જ દુર્ગાપૂજાના ઉત્સવમાંથી પસાર થયાં છીએ, ભવાની ને કાલીના સ્મરણ સાથે આપણી પરંપરા આખા ચિત્તમાં ધ્રોપટ ઉતરી આવવા કરે છે. જે જમાનો હજુ આરણ્યક શો હશે, કેનોપનિષદમાં ઉમા થકી કે મુંડકોપનિષદમાં કાલીકરાલી થકી આપણે એને પહેલ પ્રથમ કદાચ મળ્યા હોઈશું. પણ 19મી સદી ઊતરતે એકદમ જે નવરૂપ ધરે છે, બંકિમ ને અરવિંદ આદિ વાટે: માતા, ભારતી, ભારતમાતા.
‘ભવાની ભારતી’ લખાયું, હમણાં કહ્યું તેમ 1904-1908નાં વરસોમાં પણ એ પોલીસ જપતીમાં ચાલી ગયેલું તે પૂરો પાઠ હાથ લાગ્યો અને 1985માં અરવિંદ આશ્રમે એ પ્રગટ કર્યો. પણ આ ધોરણે અરવિંદના વિચારો તો કે’દીના વહેતા થઈ ચૂક્યા હતા. વડોદરા કોલેજના એમના છાત્ર કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતાં ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથાના નાયક સુદર્શનના મોંમાં મવાળ પરિવારની સૂચિત વાગ્દત્તા સુલોચના જોગ એ ઉદ્દગારો મૂક્યા છે કે તમે જેને ‘ઇન્ડિયા’ કહો છો તે તો ‘મા’ છે. આ જ નવલકથામાં ‘ભારતીની આત્મકથા’નું યાદગાર પ્રકરણ પણ આવે છે.
‘ભવાની ભારતી’ની જિકર કરો કે ‘ભવાની મંદિર’ની, અરવિંદનો સીધો સંદેશ શક્તિનો છે. અલીપુર જેલના દિવ્ય અનુભવ બાદ છૂટ્યા પછીનું ઉત્તરપારા અભિભાષણ એમનાં શક્તિચિંતન અને રાષ્ટ્રચિંતનને આગળ ચલાવે છે, અને આખોયે સ્વરાજવિમર્શ ચાલુ રાષ્ટ્રવાદના ચોકઠા અને ડામણાંડાબલાંમાં નહીં સમાતો એકદમ આગળ ચાલી જાય છે. દુર્ગોત્સવના મંડપમાં રામ મંદિરનું મોડેલ રજૂ કરી કશુંક હાંસલ કીધાનું અનુભવતી હિંદુત્વ રાજનીતિને કદાચ એનો અંદાજે અહેસાસ ન પણ હોય. ઉત્તરપારા અભિભાષણ અને અલીપુર જેલની અનુભૂતિ આગમચ અરવિંદના નાસિક પ્રવચનમાં એના સંકેતો પડેલા છે. એમાંથી એના ઉત્તરપારા અભિભાષણમાંથી એમનું જે ચિંતન ફોરવા કરે છે એને તમે વંશીય (એથ્નિક) અગર સાંસ્કૃતિક (કલ્ચરલ) રાષ્ટ્રવાદના ચાલુ ચોકઠામાં ફિટાડી શકતા નથી.
બલકે, એક વાર આ વાનું લક્ષમાં લઈએ તો તરત સમજાશે કે કોઈક સંકીર્ણ દાયરામાંથી બહાર જવાની દૃષ્ટિએ એમણે ચાલુ રાજનીતિથી અને કથિત ‘રાષ્ટ્ર’વાદથી પરહેજ કરવાપણું જોયું હશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેડગેવાર એમને કાઁગ્રેસ નેતૃત્વ માટે વિનંતી કરવા ગયા ત્યારે એમણે જે ઈનકાર કર્યો તેને એમને અભીષ્ટ સાધના સહિતના આ વ્યાપક સંદર્ભમાં જોવો જોઈશે.
વર્તમાન શાસન હેઠળ સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝના નિયામક રહેલા મકરંદ પરાંજપેએ વચ્ચે એક લેખમાં અરવિંદના ગીતા પરના નિબંધોમાંથી મજેનું ઉધ્ધરણ ટાંક્યું હતું કે ‘આપણે ભૂતકાળના પ્રભાતોમાં નિવસતા નથી. આપણો મલક તો ભાવિનાં મધ્યાહનોમાં વિલસે છે.’
રૂંવે રૂંવે ભારતભક્તિ જરૂર ઉભરાય છે, પણ અરવિંદની ચેતના એને ક્યાં ય લાંઘી ચાહે છે. એમના માટે મનુષ્યજાતિ વ્યાપક ચેતનાના શૃંગ પર આરોહણ કરે તે આપણી રાષ્ટ્રચેતનાને અભીષ્ટ છે. નવસર્જન એક નવી ચેતના માગે છે જે કેવળ ભૂતકાળમાંથી પ્રગટી શકે નહીં.
આ સંદર્ભમાં જોઈએ વિચારીએ તો અરવિંદની વૈચારિક ચળવળ અત્યારે રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મને નામે જે રાજનીતિ ચાલે છે એના કરતાં તત્ત્વત: જુદાં પરિયાણ સૂચવે છે. પરંપરાગત રાષ્ટ્રવાદને અંગે એ નિર્ભ્રાન્ત નહીં તો પણ નવ્ય અભિગમ પર કર્યા છે : ‘હું હવે પહેલાંની જેમ એમ નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક આસ્થા છે, એક ધર્મ છે, એક માન્યતા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો આપણે સારુ રાષ્ટ્રવાદ છે.’ અને વળી ‘જો કોઈ ધર્મ સાર્વત્રિક ને વૈશ્વિક ન હોય તો તે ચિરંતન કે સનાતન નથી. સનાતન ધર્મ તો વિજ્ઞાનની શોધોને સમાવતો ને આગળથી જોતો ચાલે છે તેમ જ દાર્શનિક તત્ત્વચિંતનોયે એમાં અમાસ થાય છે.’
દેખીતી રીતે જ, અરવિંદની ધર્મચર્યા અને ધર્મચર્ચા ‘રિલિજિયન’માં બદ્ધ નથી અને પશ્ચિમના કોશેટામાં બદ્ધ જે રાષ્ટ્રવાદ, તેને પણ એમાં સ્થાન નથી. હિંદુત્વ રાજનીતિને સેમેટિક સાંસ્થાનિક વારસાનો જે વણછો લાગેલો છે તેની અને ‘સનાતન ધર્મ’ વચ્ચે કોઈ સંગતિ હોય તો તે શોધનો વિષય છે.
વાત કરતે કરતે હું ખાસો આગળ ચાલી ગયો. પણ જ્યાં મેં અટકવા જેવું કર્યું, સનાતન ધર્મ વિ. સાંસ્થાનિક અસર તળેનો રાષ્ટ્રવાદ, ત્યાં પણ ખરેખર અટક્યું અટકાય એમ નથી, કેમ કે અરવિંદની ભૂમિકા, દુર્ગા ધારાનું એમનું અભિનવ અર્થઘટન જો જાતિગત કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં બંધબેસતું નથી તો કદાચ નાગરિક/બંધારણીય (સિવિક/કોન્સ્ટિટ્યુશનલ) રાષ્ટ્રવાદ સાથે પણ એ પરબારું ગોઠવ્યું નયે ગોઠવાય. બને કે બિનસાંપ્રદાયિકતાના ખયાલને પણ, એની બિનકોમી તાસીર જાળવીને નવેસર સમજવો પડે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ઑક્ટોબર 2023