મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા
રેમન્ડ એફ. કોમેઉ (Raymond F. Comeau) (પીએચ.ડી) હાર્વર્ડ યુનિવર્સિટી એક્સટેન્શન સ્કૂલમાં અધ્યાપક છે, જ્યાં તેઓ મેનેજમેન્ટ સ્ટડીઝના સહાયક ડીન અને વિદેશી ભાષાઓના માર્ગદર્શન વિભાગના વ્યવસ્થાપક તરીકે સેવા આપે છે. આ નિબંધ એપ્રિલ 2021માં લખાયેલો છે.
Dr. Raymond F. Comeau, left, reviewing a print of the John Greenleaf Whittier Birthplace with Curator Augustine “Gus” Reusch.
ગાંધીએ જે કોઈ કાર્ય કરવાની કોશિશ કરી, તેમાં તેઓ મહદ્દ અંશે સફળ થયા કેમ કે તેમનામાં નેતા તરીકેના અસાધારણ ગુણો હતા. મારા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના એક્સટેન્શન સ્કૂલ મેનેજમેન્ટ કોર્સમાં ‘નેતૃત્વનો સાહિત્ય તથા ફિલ્મના માધ્યમથી સમીક્ષક અભ્યાસ’ કરવા રિચર્ડ એટેનબરાની 1982માં પુરસ્કાર વિજેતા બનેલી ફિલ્મ ‘ગાંધી’નો અભ્યાસ કરતી વખતે મેં આ દૃષ્ટિકોણ અપનાવ્યો હતો.
વ્યવસ્થા(management)નો અભ્યાસક્રમ કે જેમાં બજારનું નિયંત્રણ, વ્યાપારી વ્યવસ્થા, હિસાબ અને નાણાકીય બાબતોના અભ્યાસની અપેક્ષા રખાતી હોય, તેમાં આવા માનવીય મૂલ્યલક્ષી વિષયનો સમાવેશ કરવામાં આવે તેવો આ અભ્યાસક્રમ ખુદ અસાધારણ બાબત ગણી શકાય. અભ્યાસક્રમમાં સૂચિત કરવામાં આવ્યું છે, “આ અભ્યાસક્રમ એવી પ્રસ્તાવનાના આધાર ઉપર ઘડ્યો છે કે સાહિત્ય અને ફિલ્મ જેવા સર્જનાત્મક માધ્યમો થકી સમીક્ષક અભ્યાસ કરવામાં આવે તો વ્યવસ્થાપકો(મેનેજર્સ)ને આધુનિક સમયની નેતૃત્વની જટિલતા સમજવામાં સહાય થાય,” અમે જે સાહિત્ય કૃતિઓનો અભ્યાસ કર્યો તેમાં સૉફૉક્લિસના એન્ટિગની અને શેક્સપિયરના જુલિયસ સીઝરથી માંડીને 20મી સદીની રચનાઓ જેવી કે ફ્રાંઝ કાફ્કાનું પીનલ કોલોની અને ચીનવા ઉચેબી કૃત થિંગ્સ ફોલ અપાર્ટ જેવા વિશાળ ક્ષેત્રનો સમાવેશ થાય છે. એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ ઉપરાંત માસાયુકી સુઓની શેલ વી ડાન્સ? અને માર્ટિન સ્કોર્સેસીસ દ્વારા નિર્દેશિત બે ફિલ્મ એજ ઓફ ઇનોસન્સ અને એવિએટનો પણ અભ્યાસ કર્યો.
તો એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ને આધારે મેં અને મારા વિદ્યાર્થીઓએ ગાંધીના નેતૃત્વના કયા ગુણોની ઓળખાણ મેળવી? મેં છેલ્લા ચાર વર્ષની મારી નોટબૂક પર નજર નાખી તો એ વર્ષો દરમ્યાન ચાર લાક્ષણિક ગુણોની દરેક વર્ગમાં ચર્ચા કરી તે મળી આવ્યું.
ગાંધી એક વિનમ્ર નેતા હતા
એક વિનમ્ર નેતા પોતાના અનુયાયીઓ સાથે એકાત્મ ભાવ અનુભવે છે અને તેમને પોતાના જીવનના દૃષ્ટાંત દ્વારા દોરે છે. એ ફિલ્મમાં જ્યારે આપણે પ્રથમ વખત ગાંધીને જોઈએ છીએ ત્યારે એ એક સુઘડ કપડામાં સજ્જ ઇંગ્લિશ વકીલ દક્ષિણ આફ્રિકાની ટ્રેઈનમાં પ્રથમ વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા જોવા મળે છે - જ્યાંથી તેમને ‘કલર્ડ’ (અશ્વેત વર્ણના) હોવાને કારણે બૂરી રીતે બહાર ફેંકી દેવામાં આવે છે. એ આખી ફિલ્મ દરમ્યાન જેમ જેમ તેઓ ખેડૂત વર્ગ સાથે તાદાત્મ્ય અનુભવવા લાગ્યા તેમ તેમ આપણે તેમને ક્રમશઃ બદલાતા જતા જોઈએ છીએ; એટલી હદે કે તેઓ હાથે કાંતેલી અને વણેલી ખાદીની ધોતી અને માથે ફાળિયું પહેરતા થયા. તેમણે આમ કર્યું કેમ કે તેઓને અહેસાસ થયો કે જો પોતે સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતા હોય તો ભારતના તમામ લોકો સાથે ઐક્ય દર્શાવવું જરૂરી છે.
ગાંધી એક યોજનાબદ્ધ નેતૃત્વ આપનાર નેતા
ગાંધી કોઈ પણ પગલું ભરતાં પહેલાં વિચારતા. તેમને ખ્યાલ હતો કે તેમના દરેક કાર્ય ખૂબ કાળજીપૂર્વક આયોજન કરીને અમલમાં મુકવાં જોઈએ અને તેમના અનુયાયીઓ માટે પ્રેરણા આપવા શક્તિમાન હોવાં જોઈએ. ઉદાહરણ તરીકે તેઓ ભૂખમરો ભોગવતા ખેત મજૂરોની ફરિયાદ સાંભળવા ચંપારણ ગયા, અને તેમણે નહેરુએ મોકલેલા વિદ્યાર્થીઓનો અમાનવીયતા ભરેલી કામ કરવાની પરિસ્થિતિની સાબિતી એકઠી કરવા માટે ઉપયોગ કર્યો. આખર એ પુરાવાઓના દબાણને કારણે જમીન માલિકોએ હાર સ્વીકારી. ગાંધીના ઘણાં ખરાં યોજનાબદ્ધ કાર્યો તેમના અહિંસક પ્રતિકાર અને અસહકારના તત્ત્વજ્ઞાનને ધ્યાનમાં લઈને યોજવામાં આવતા હતા. એ ફિલ્મમાં જોવા મળેલ સહુથી વધુ પ્રખ્યાત દૃશ્ય તે તેમની દાંડી કૂચ, કે જે તેમણે બ્રિટિશ સરકારના ભારતમાં નમક પરના ઇજારાની વિરોધમાં કરેલી તે છે. એ દિવસનું પ્રતીકાત્મક મહત્ત્વ વધારવા માટે તેઓએ અમૃતસરના હત્યાકાંડની જયંતીને દિવસે ત્યાં પહોંચવાનું આયોજન કરેલું. એમનો બીજો સફળ પ્રયત્ન હતો દેશવ્યાપી હડતાલ, જેને માટે તેમને જેલ મોકલવામાં આવેલા. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે તેમના મોટા ભાગના સત્યાગ્રહો સમયે પ્રેસના પ્રતિનિધિઓ હાજર રહે તેવું આયોજન કરતા, કેમ કે તેઓ જાણતા હતા કે પ્રસિદ્ધિ થવાથી અન્યાય ઉઘાડો નજરે પડે છે.
ગાંધી એક કરુણા સભર નેતા હતા
અલબત્ત આ ફિલ્મ ગાંધીને આધ્યાત્મિક નેતા તરીકે નથી વર્ણવતી, પરંતુ એ તેમને એક એવા આધ્યાત્મિક વ્યક્તિ કે જેમનું હૃદય તમામ જીવો પ્રત્યે અહિંસાના તત્ત્વજ્ઞાનના પાયા પર રચાયેલી કરુણાથી સભર હોય એવા જરૂર ચિત્રિત કરે છે. તેમણે માત્ર બાઈબલના અવતરણો(દાખલા તરીકે ક્રિશ્ચિયન વચન ‘તારા પાડોશીને પ્રેમ કર’, અને ‘બીજો ગાલ ધર’)ને માત્ર શબ્દોમાં જ અભિવ્યક્ત ન કર્યો, પણ તે પ્રમાણે આચરણ કર્યું. ઉદાહરણ તરીકે એ ફિલ્મમાં તેઓએ વારંવાર કહેલું કે તેઓ બ્રિટિશ શાસકો ભારત છોડી જાય તેમ ઈચ્છે છે, પણ મિત્રો તરીકે, દુ:શ્મન તરીકે નહીં, કે જે છેવટે તેમણે પાર પાડ્યું. એ ફિલ્મ જેમણે જોઈ છે તેમને ગાંધીનો ચંપારણના ખેત મજૂરો સહિત બીજા અનેક ગરીબ લોકો પ્રત્યે કરુણાથી છલકતો ચહેરો યાદ હશે. એવી જ રીતે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે થતી હિંસા રોકવા માટે તેમણે કરેલાં અનશનો પણ યાદ હશે. અનશન એક આદ્યાત્મિક પગલું છે જે અનશન કરનાર પ્રત્યે તેના સાક્ષીઓમાં કરુણાનો ભાવ જગાવે છે. તેમના અનશનો ધાર્યું પરિણામ લાવવામાં સફળ થતા. હું મારા વિદ્યાર્થીઓને યાદ અપાવવા માગું છું કે ગાંધી એક શાંતિપ્રિય નેતાની સાથે એક કરુણા સભર પવિત્ર પુરુષ પણ હતા.
ગાંધી એક દૃઢનિશ્ચયી નેતા હતા
ગાંધીમાં નમ્રતા અને કરુણાના ગુણો હોવા છતાં તેઓ એક દૃઢનિશ્ચયી નેતા હતા. હકીકતમાં તેમના ઉપવાસો, કૂચ, સામૂહિક દેખાવો અને અસંખ્ય જેલયાત્રા એ તમામને કારણે તેમના નિર્ધાર મજબૂત થતા રહ્યા. તેનું ફિલ્મમાં બતાવાયેલ સ્પષ્ટ ઉદાહરણ દક્ષિણ આફ્રિકામાં તેમનું અસહકારનું પ્રથમ પગલું, કે જે ઓળખ પત્રો કઢાવવાના કાયદાના વિરોધમાં દેખાવકારોની નાની ટુકડીની આગેવાની કરી ઓળખ પત્રો બાળી નાખવા પ્રેર્યા તેમાં મળી આવે છે. ફિલ્મના દર્શકોને યાદ હશે કે પોલીસ કર્મચારી દ્વારા ગાંધીના મુખ પર પ્રહાર થયો અને તેઓ જમીનદોસ્ત થયા છતાં તેઓએ ઓળખ પત્રો આગમાં નાખવાનો પ્રયાસ ચાલુ રાખેલો. છેવટ જ્યારે એ કામ ચાલુ રાખવા જેટલી શક્તિ ન રહી ત્યારે જ તેઓ અટક્યા. દૃઢનિશ્ચયીપણાનું બીજું ઉદાહરણ છે તેમની હિન્દુ - મુલ્સિમ એકતા જાળવવાની હઠ. પોતાની જાનનું જોખમ હોવાની જાણ હોવા છતાં તેમણે પોતાના આ સ્વપ્નનો ત્યાગ ન કર્યો. અલબત્ત તેઓ પોતાના હઠીલાપણા વિષે અવારનવાર મજાક કરતા રહેતા, પરંતુ ભારતને સ્વરાજ અપાવવા માટેના પોતાનાથી બનતું બધું કરી છૂટવાના દૃઢ નિશ્ચય વિષે તેઓ અત્યંત ગંભીર હતા.
કોઈ નેતામાં આ ચારેય ગુણો હોવા મુશ્કેલ છે. કોઈ નેતા વ્યૂહ જાણનારો અને કૃતનિશ્ચયી હોઈ શકે, પણ નમ્ર અને દયાળુ ન પણ હોઈ શકે. બીજો નેતા કદાચ નમ્ર અને દૃઢનિશ્ચયી હોય, પણ દયાળુ અને વ્યૂહરચના કરનાર ન પણ હોય. બીજા નેતાઓમાં આ લાક્ષણિકતાઓ જુદા જુદા સંયોજનમાં જોવા મળી શકે, પરંતુ ગાંધીમાં આ ચારેય લાક્ષણિકતાઓ હતી.
આખરમાં કહેવા માંગુ છું કે એક અધ્યાપક હોવા ઉપરાંત હું એક કવિ પણ છું. હું ગાંધીના એક માનવ અને નેતા તરીકેના વ્યક્તિત્વથી એટલો બધો પ્રભાવિત થયો છું કે મને એક કાવ્ય લખવાની પ્રેરણા થઈ. મને આ કાવ્ય પાછળનો વિચાર ખૂબ ગમે છે. સંભવ છે કે પૂરતા લોકોની અભિરુચિ અને સહકારથી આ દુનિયા ગાંધીનું તારામંડળ જોઈ શકે!
ગાંધીનું તારામંડળ
જ્યારે હું તમારો વિચાર કરું છું
ઓ મહાત્મા
તમારી વિદાયને વર્ષો વીતી ગયાં,
એક કામળા ઉપર સૂતા છો
અનશન કરતા
જેથી કરીને તમારું દર્દ આ ધરતીના ઘાવને રૂઝ આપે
પણ હું જોઉં છું કે તમે હજુ યાદ કરો છો
કાટ ખાઈ ગયેલા પાઇપની જેમ તૂટી ગયેલા
ચંપારણના ખેત મજૂરોને
અનેક કંગાળ બાળકો
તમારી કૂચના માર્ગમાં ઝાડની ટોચ પર ચડેલા
ખાસ કરીને પ્રેમ ઉપર ધિક્કારની
એ દુષ્ટ મનોવૃત્તિ
મુક્ત મને વિચારું છું
અને ચાર તારલાની કલ્પના આવે છે
જાણે ધાબળાના ચાર ખૂણા
આકાશમાં મધરાતે ઝળકતા
(‘ગાંધીનો ધાબળો’ બાળકો કિલકાર કરશે)
વધુ અનશન કરવા માટે
તમે એ જ વાંછો
− રેમન્ડ એફ. કોમેઉ
પરીક્ષક: રિલિજિયન અને સાઉથ એશિયન સ્ટડીઝ, વેલેસલી કોલેજ, વેલેસલી, MA, USAના પ્રોફેસર નીલિમા શુક્લ-ભટ્ટ
(નોંધ : મૂળ લેખ તેમ જ આ ભાષાંતરના તમામ કોપી રાઈટ રેમન્ડ એફ. કોમેયુના છે. અનુમતિ અથવા પત્રવ્યવહાર માટે [email protected] પર સંપર્ક સાધી શકાશે. તેઓ આશા બૂચનો આ લેખનો સુંદર રીતે અનુવાદ કરવા બદલ અને રિલિજિયન અને સાઉથ એશિયન સ્ટડીઝ, વેલેસલી કોલેજ, વેલેસલી, MA, USAના પ્રોફેસર નીલિમા શુક્લ-ભટ્ટનો આ ભાષાંતરનું પરીક્ષણ કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.)
e.mail : [email protected]
Category :- Gandhiana