ગઝલ

રવીન્દ્ર પારેખ
06-11-2021

તું નથી તો નથી કશું જગમાં,
તું જો છે તો છે વિશ્વ રગરગમાં.
કે દીવો આમ તો છે અંધારું,
જે બધું છે તે માત્ર છે શગમાં.
ક્યાંકથી હોય તો દો અંધારું
ગુમ થઈ જાઉં છું હું ઝગમગમાં.
હોય સામે ને તો ય ના ભાળું,
એમ લાગે કે છું હું કળજગમાં.
જો ખબર હો ન ક્યાં ય પ્હોંચાશે,
તો પછી અર્થ શો રહે ડગમાં?
રોજ ઓછો કરે વધારી એ,
ફેર શું શ્વાસમાં અને ઠગમાં?
ના જીવનમાં કે છું મરણમાં હું,
હું હવે છું કદાચ લગભગમાં.

000

e.mail : [email protected]

Category :- Poetry / Poetry