ઓક્સિજન !

એષા દાદાવાળા
27-04-2021

તમે અનુભવ્યો છે એ તરફડાટ?
મોઢું બંધ રાખી નાક પર આંગળીઓ દાબી
થોડી પળો માટે તમે જે અનુભવશો
એના કરતાં પચાસ-પંચોતેર-પંચાણું લિટર
તરફડાટ વધારે અનુભવશે એ લોકો ...
ટોપી ઊંધી કરી પૈસા ઊઘરાવાય
એવી જ રીતે બોટલમાં ઊધરાવી શકાતો હોત
તો ભરી આપી હોત
બોટલોની બોટલો અમે …
પ્લાસ્ટિકની થેલીમાં એમનાં શરીરને પેક કરો
ત્યારે હેન્ડ ગ્લોવ્ઝ વડે પંપાળી લેજો
શ્વાસ લેવાનાં તરફડાટ વચ્ચે
સોરાઇ ગયેલી-પાડી ન શકાયેલી
સેંકડો ચીસોને …
અમે બે હાથ જોડીને માફી માંગી લઇશું
હાથે કરીને બહેરા થઇ ગયેલા અમારા કાનોની ...
ઓક્સિજન વિના તરફડીને
મરવું કેવું હશે એ તો અમે છતે
ઓક્સિજને અનુભવી લીધું છે
જેમ કોઇ માછલી
પાણીમાં જ મરતી વખતે
તરફડાટ
અનુભવે એમ !

#esha #eshadadawala

સૌજન્ય : એષા દાદાવાળાની ફેઈસબૂક દિવાલેથી સાદર

Category :- Poetry