ભૂલી ગયો છે

સંજુ વાળા
01-09-2020

ગરબડ 'ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

ગલી ગલીનું  બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે 
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે

ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે 
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

રાતું - પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે -
ગુલમ્હોર - ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ -
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે 
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું 
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

પ્રગટ : “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2020

Category :- Poetry