રંકને ઘેર રાય !

મનુબહેન ગાંધી
21-06-2020

ભંગીનિવાસનો આ ઓરડો પણ ઘડીએ ઘડીએ રૂપ બદલે છે. ક્યારેક બાપુજી પાસે નેતાઓની ચર્ચા ચાલતી હોય ત્યારે વાતાવરણ ગરમાગરમ થઈ જાય; ક્યારેક દુ:ખિયારાઓ આવ્યાં હોય ત્યારે જાણે વાતાવરણમાં ગંભીરતા સાથે સહાનુભૂતિની હવા ચાલે, તો ક્યારેક દવાખાનું બની જાય, તો વળી ક્યારેક શાંતિ પ્રસરી જાય; ક્યારેક શાળાનો ઓરડો હોય તેમ ભણવાની કે ભણાવવાની હવા ચાલે; ક્યારેક કોઈ કારખાનું ચાલતું હોય અને માલિક બધું સમજાવે તેમ બહારના પરદેશીઓ આવ્યા હોય અને બાપુજી પોતાના ચરખાને ખોલીને બધું સંભાળપૂર્વક અને ખૂબ રસભરી રીતે તેની આખી ક્રિયા સમજાવે; તો ક્યારેક નાનાં બાળકો આવે ને રમતગમતનું ક્રીડાંગણ બની રહે. આ જડ દીવાલોમાં આવું વિવિધતાપૂર્વકનું વાતાવરણ જામે છે.

[29-06-1947]

•••••••

અગિયાર વાગ્યે વાઇસરૉય સાહેબને ત્યાંથી ફોન મળ્યો કે, લેડી માઉન્ટબૅટન બપોરે ચાર વાગ્યે બાપુજીના આ ભંગીવાસની મુલાકાત લેશે. મને થયું કે, હું પણ મારી નોંધપોથીમાં આ ઓરડાનું વર્ણન લખી રાખું.

1945-46-47માં અમારી આ ભંગી કૉલોની ઠીક ઠીક મશહૂર બની ગઈ છે. અહીં અનેક ઐતિહાસિક મંત્રણાઓ થઈ ગઈ, અનેક ઘટનાઓ પણ બની ગઈ. આ સ્થળે ઘણી વાર મંત્રણાઓમાં મતભેદ થાય છે તો ઘણી વાર સમાધાનો થાય છે. દેશપરદેશના અનેક મહારથીઓ પૂજ્ય બાપુની સલાહસૂચના લેવા આવે છે. રાજકીય પ્રવૃત્તિથી ધમધમતું આ ઝૂંપડું અને છેલ્લે વચગાળાની સરકારની રચનાનો વિચાર પણ ભંગી કૉલોનીમાં થયો. અને છેવટ સંપૂર્ણ આઝાદીની નવરચનામાં પ્રાથમિક મંડાણ પણ અહીં થયાં.

આ વાલ્મીકિ મંદિરમાં પૂ. બાપુજી આ ઓરડામાં રહે છે, તેમાં હરિજન બાળકો ભણે છે. આ ઓરડો તો પાકો ચણેલો છે. અને પાસે જ એક નાહવાની નાનકડી ઓરડી બનાવેલી છે. ઓરડાના માપની એક શેતરંજી પાથરી છે. સ્વચ્છ ગાદી તકિયા છે. અને તે પર પૂ. બાપુજીની બેઠક છે.

ઓરડામાં એક તરફ ત્રણ ચાર ખુરશીઓ, પરદેશીઓ બાપુજીને મળવા આવે અને તેઓ નીચે ન બેસી શકે તેમના ઉપયોગને માટે જ રાખવામાં આવી છે, જો કે મોટે ભાગે પરદેશીઓ બાપુજીની સામે નીચે જ બેસી જાય છે.

બાપુજીની પાસે એકઢાળિયું ટેબલ (નાનકડું જૂના જમાનાની વેપારી પેઢીઓમાં રહે છે તેવું) છે અને તેની અંદર આખા હિંદુસ્તાનના વર્તમાન, ભૂત અને ભવિષ્ય, ત્રણેય જમાનાના બંધારણના મહત્ત્વના કાગળો પડ્યા છે. એ નાનકડા ટેબલના ખાનામાં જ હિન્દુસ્તાનની આઝાદીનું ચણતર ચણાઈ રહ્યું છે. દરેક ક્ષણે હિંદુસ્તાનની સ્થિતિનો ચિતાર તેમાંથી મળે એવા મહત્ત્વના કાગળો એમાં છે. એ ભાગ્યશાળી ટેબલ ઉપર એટલી જ મહત્ત્વની ચીજો રહે છે. ઘડિયાળ, ગીતાજી અને ત્રણ વાનર ગુરુઓ. આ ત્રણ વાનરનું એક ચીની રમકડું છે. એક વાંદરો પોતાના હાથે મોઢું બંધ રાખે છે.બીજો આંખો બંધ રાખે છે અને ત્રીજો સૂચવે છે કે ગંદુ જોવું નહીં. બાપુએ આ ચીની રમકડાને પોતાના ગુરુ માન્યા છે. અને એ વાનર ગુરુ આખા ઓરડાના વાતાવરણને પવિત્ર અને સ્વચ્છ રાખે છે. બહારના ભાગમાં ઘાસનાં પાંચેક ઝૂંપડાં બાંધેલાં છે. એક ઝૂંપડામાં ટેલિફોન રહે છે જ્યાંથી દસ દસ મિનિટે અનેક સારામાઠા સમાચારો મળે છે. બીજામાં ટાઇપિસ્ટ બેસે છે. જ્યાં બાપુનાં ખૂબ ઉપયોગી લખાણો તેમ જ પત્રો ટાઈપ થાય છે. ત્રીજું ઝૂંપડું મારું છે જેમાં બાપુજીનો સામાન રહે છે. અરે પૂ. ખાનસાહેબ (સરહદના ઘાંધી બાચ્ચા ખાન) અહીં આવે છે ત્યારે તેમની બેઠક અને સામાન રહે છે. બાકીનાં બેમાં બાપુજીનાં, અમીર કે ગરીબ, મોટા નેતાઓ કે સગા દીકરાઓ જેવા મહેમાનો હોય તેમનો ઉતારો રહે છે.

આવું સરસ રહેઠાણ જોવાની લેડી માઉન્ટબૅટને ઇચ્છા કરી. બાપુજીએ આવી ગરમીમાં એવી તકલીફ લેવાની ના તો કહી, પણ તેઓ માન્યાં નહીં.

બરાબર ચારના ટકોરે લેડી માઉન્ટબૅટને બાપુજીના ઓરડામાં ઘાસના પડદાને ઊંચક્યો અને ઊભાં રહ્યાં. બાપુજી એ જ ક્ષણે ઊભા થયા અને સ્મિતપૂર્વક સ્વાગત કરી ‘શેકહૅન્ડ’ કરતાં પૂછ્યું, ‘પણ તમારી દીકરી ક્યાં છે ? એને કેમ ન લાવ્યાં ?’ લેડી માઉન્ટબૅટને કહ્યું, ‘એ કામમાં હતી. બીજી વખત તમારી સાંજની પ્રાર્થનામાં તે આવશે.’ પછી બાપુજી કહે ‘બોલો તમે ક્યાં બેસશો ? ખુરસી પર કે હું નીચે બેસું છું તેમ ?’ કંઈ જવાબ આપતાં પહેલાં જ લેડી માઉન્ટબૅટન બાપુજીની ગાદીના ખૂણા પર બેસી ગયાં અને ચરખો જોવાની ઇચ્છા કરી.

બાપુજી 78 વર્ષની પાકી ઉંમરે ધ્રૂજતા હાથે તરત જ કાંતવા લાગ્યા. બાપુજીનો ચરખો જુદી જાતનો છે (એક સાથે બે ક્રિયા થાય છે − ઠરડવાની અને કાંતવાની) અને બીજા સાદા રેંટિયા ખૂબ બારીકાઈથી તપાસ્યા અને આખું વિજ્ઞાન જાણી લીધું. જે રેંટિયાદેવની કિંમત હિન્દુસ્તાનમાં નથી, તેની કિંમત પરદેશી પ્રજામાં ખૂબ છે. એવા અસંખ્ય દાખલા મેં તો જોયા છે કે કંઈક નવી ચીજ હોય તો તેઓ અભ્યાસની દૃષ્ટિએ જ તપાસે છે. એ જ રીતે લેડી માઉન્ટબૅટને આજે રેંટિયો જોયો.

આ પતી ગયા પછી બાપુજી કહે, ‘બોલો, તમારી મહેમાનગતિ શી કરું ?’ અને મને બાપુજીએ તેમના માટે ચાનો કપ તેમ જ ફળો લાવવાનો ઇશારો કર્યો. તેમણે ચાનો કપ હાથમાં લીધો અને જિજ્ઞાસાપૂર્વક બાપુજીનો દૈનિક કાર્યક્રમ જાણવા ઇચ્છા બતાવી.

આ બુઢ્ઢા સવારના 3.30 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કામ કરે છે એવું જાણી નવાઈ પામ્યાં. બાપુજીએ કહ્યું, પણ બપોરના થોડો આરામ લઉં છું,’ તો લેડી માઉન્ટબૅટન કહે, ‘એવો આરામ તો નવજુવાનો સવારના 8 વાગ્યે ઊઠે છે તો પણ લે છે. આટલું કામ આ ઉંમરે કરવું એ કાંઈ કાચાપોચાનું કામ નથી. આપના જેવા કોઈ વિરલા જ કરી શકે. હિંદની અત્યારની પરિસ્થિતિ ભલભલાને મૂંઝવી નાખે તેવી છે.’

બાપુજી અને લેડી માઉન્ટબૅટનનું આ દૃશ્ય વિરલ હતું. ‘રંકને ઘેર રાય !’ એ ભૂલી ગયેલાં કે પોતે એક મોટા હાકેમનાં પત્ની છે. ચહેરા પર લવલેશ અભિમાન ન હતું. એટલું જ નહીં પણ તેમણે જાણ્યું કે બાપુજીની બધી અંગત સેવા ઉપરાંત બાપુજીની હજામત પણ હું જ બનાવી આપું છું અને બાપુજીએ મને પોતાના ‘હજામ’ તરીકે ઓળખાવતાં વિનોદ જામ્યો અને મારી તરફ સ્મિતવદને જોઈ કહ્યું, ‘તું દુનિયામાં સહુથી ભાગ્યવાન બાલિકા છે કે ગાંધીજી જેવા મહાન પુરુષની સેવા કરવાની ઉમદા તક તને સાંપડી છે. અને હરહંમેશ તેઓશ્રીના પવિત્ર આશીર્વાદ તને સાંપડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.’

આટલું કહી પોતે ઊભાં થયાં. 4.30 વાગ્યા હતા. બાપુજીને કહે, ‘તમારો કીમતી સમય હવે વધારે નહીં લઉં. તમે આટલો સમય આપ્યો એથી તમારો અનહદ ઉપકાર માનું છું.’

બાપુજી પણ વિવેકમાં ક્યાં ઓછા ઊતરે તેવા હતા ? બાપુજીએ પણ અસહ્ય ગરમીમાં અને આ ઘાસના ઝૂંપડામાં આવીને જે તકલીફ લીધી તે બદલ એમનો આભાર માન્યો અને પાસે ભંગી કૉલોનીમાં ભંગીઓ રહે છે ત્યાં પણ જઈ આવવા સૂચના કરી. તેમણે આ સૂચના સહર્ષ વધાવી લીધી, અને મણિબહેન પટેલ સાથે તેઓ ત્યાં ગયાં.

[05-07-1947]

સૌજન્ય : મનુબહેન ગાંધીની ડાયરી (પુનર્મુદ્રણ - જૂન 2013) : ‘બિહાર પછી દિલ્હી’; પૃ. 233 તેમ જ 266-269

Category :- Gandhiana