રામકિંકરદા બૈજ

પુ.લ. દેશપાંડે [અનુવાદ : અરુણા જાડેજા]
06-07-2019

(પુ.લ. દેશપાંડેની જન્મશતાબ્દી નિમિત્તે : 1919 - 2019)

તે દિવસના છાપાને એક ખૂણે ચાર લીટીના નાનકડા સમાચાર હતા : “૧લી ઑગસ્ટે બંગાળના જાણીતા શિલ્પકાર રામકિંકરદા બૈજનું ચુમોતેર વર્ષની ઉંમરે કલકત્તાના રુગ્ણાલયમાં દુઃખદ નિધન થયું છે.” સાથે ‘તેઓ શાંતિનિકેતનના કલાભવનમાં અધ્યાપક હતા.’ વગેરે માહિતી પણ હતી.

મારી આંખ સામે કાળા ગ્રેનાઈટ પથ્થરમાં કંડારાયેલી આદિમ પુરુષ જેવી રામકિંકરદાની મૂર્તિ ઊભી રહી ગઈ. માથા પર તાડપત્ર જેવું જ વાળનું જંગલ. તડકામાં સરખો શેકાઈને નીકળેલો કૃષ્ણવર્ણ. માંડ ઘૂંટણે પહોંચનારી કેડે બાંધેલી સાંથાલી લૂંગી. ભૂલેચૂકે ય તેમની નજર સાથે નજર મળી ગઈ તો જોનારાના ધબકારા વધવા જ જોઈએ એવી એ નજરની ભેદકતા. બંગાળી હોવાં છતાંયે શરીર પર જરા જેટલીયે અનાવશ્યક ચરબી નહીં અને અવાજમાં પેલી નજરને ટક્કર મારનારી ધાર. કોક યુવતીના વર્ણનમાં આપણે કહીએ કે એની યુવાની છલકાઈ રહી હતી, રામકિંકરદાના વ્યક્તિત્વમાંથી નિર્ભયતા છલકાતી હતી. વિનોબાજીએ લોકમાન્ય ટિળક સાથેની પહેલી મુલાકાતના સંદર્ભે એક સ્મરણ કહ્યું છે : “આપે ભયને જિત્યો કે?” - એવો પ્રશ્ન મનમાં લઈને યુવા વિનોબા ટિળકને મળવા ગયા. સામે જઈને ઊભા રહી ગયા. લોકમાન્ય ટેબલ પાસે બેઠા હતા. એમણે માથું ઊંચું કરીને એ યુવાન સામે જોયું. યુવા વિનોબાએ લોકમાન્યનું એ ‘જોવું’ જોયું અને પોતાનો પ્રશ્ન પૂછવાની એમને હવે જરૂર રહી નહોતી. ટિળકની એ આંખોએ જ, “આપે ભયને જિત્યો કે?” પ્રશ્નનો પૂછતા પહેલાં જ જવાબ આપી દીધો હતો.

કિંકરદાનાં દર્શન પહેલાં જ મને એમની એક શિલ્પકૃતિનાં દર્શન થયાં હતાં. શાંતિનિકેતનના કલાભવન પાસે ‘એક સાંથાલી કુટુંબ ખાસ સાંથાલી ઉતાવળે ચાલતું હોય એવું સિમેન્ટ-કૉંક્રિટનું શિલ્પ’ ચાલતાંચાલતાં તમને ઊભા રાખી દે એવું છે. મારા ઊતારાથી શાંતિદેવ ઘોષના ઘરે જતાંઆવતાં આ શિલ્પ મને ત્યાં ઊભો રાખી દેતું. આ ફક્ત સાંથાલ કુટુંબનું જ ચિત્ર છે એવું કહી શકાય નહીં. માણસના કૌટુંબિક  જીવનની ગતિનું જ આ એક દર્શન છે. કોણાર્કમાં એ ઘોડો જેમ એક અશ્વગતિનું જ પ્રતીક બનીને રહી ગયો છે તેમ આ ‘વહેલાં ઘરે પહોંચવાની ઘઈમાં હડપ કરતાંક નીકળેલા શ્રમિક પરિવાર’ની જીવનગતિનું જ જીવનદર્શન કરાવનારું આ શિલ્પ છે.

જેમાં ખેડૂતપુરુષો કરતાં ખેડૂતસ્ત્રીઓનાં ઘર તરફનાં પગલાં વધુ ઝડપી દેખાય છે. ભાંખોડિયાં ભરતાં કે ઘોડિયામાં સૂતેલાં બાળકોને કોક થાકેલીપાકેલી ડોશીને ભરોસે મૂકીને કામે ગયેલી એ બાઈઓ. કમનસીબે ઘણીવાર શિલ્પકલામાં સ્થિરતા સાથે નાતો જોડવામાં આવે છે. કેટલી ય મોટી કર્તૃત્વવાન વ્યક્તિઓનાં નિર્જીવ પૂતળાં લાચાર થઈને શહેરના ચોકમાં ઊભા રહેલા જોવાની આપણી આંખને જોવાની ટેવ પડી ગઈ છે. પેલા ‘સાંથાલ પરિવારને સિમેન્ટકૉંક્રિટ વડે ગતિ આપનારા’ શિલ્પકાર તરીકે કિંકરદાને હું જાણતો હતો. એમનું વ્યક્તિગત જીવન પણ મુક્ત આકાશની નીચે મ્હાલનારી એમની શિલ્પકૃતિ જેવું જ છે એવું પણ મેં થોડુંઘણું સાંભળ્યું હતું. તેથી તેમને પ્રત્યક્ષે મળવામાં હું ગભરાતો હતો. વળી, આ કલાકાર એટલે હાથમાં હથોડો-છીણી લીધેલો શિલ્પકાર. આપણે કંઈ ગાંડુંઘેલું બોલી ગયા તો આખી જિંદગી એક મહાન શિલ્પકારના હાથની નિશાની કપાળે લઈને મ્હાલતા રહેવું પડશે - આ વિચાર કંઈ એવો સુખદ નહોતો.

અને એમના એક નિરાળા જ સ્વરૂપે મને દર્શન થયાં. રાતના આશરે અગિયાર થયા હશે. શાંતિનિકેતનના મારા ઊતારામાંના બંગાળી મચ્છર અને બફારાને મનમાં ને મનમાં ચોપડાવતો હું એકાદું પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરતો હતો. દૂરના સાંથાલપાડા(શેરી)માંથી ઢોલનો ધ્રિબાંગ-ધ્રિબાંગ અવાજ આવતો હતો. વચ્ચેવચ્ચે વાંસળીના સાથવાળા સમૂહગીતના સૂર પણ વહેતા હતા. અને એકાએક જ ક્યાંકથી ગાન અને ગર્જનની સીમારેખા પર જઈ રહેલા રવીન્દ્રસંગીતના સૂર મારે કાને પડ્યા. ગીતના શબ્દો સમજાતા નહોતા પણ ઢાળ જાણીતો હતો. શાંતિનિકેતનમાં મધરાતે રસ્તેથી જતા રાહદારીઓને આવો કંઠ ફૂટતો હોય છે. આમ અકસ્માત હવાની લહેરખી જેવું કાને ગીત પડવું એ મારા માટે નવું નહોતું. પણ એ તો મોટેભાગે છાત્રછાત્રાઓનો યુવા અવાજ હોય, ચાલવાની સાથે એ ગીત દૂરદૂર જતું. પણ અહીં તો કોઈ પોતાની જાતને પૂરેપૂરી ભૂલીને એ ગીતના સ્રોતને વાતાવરણમાં ઝંપલાવતું હતું. એ ગીત કોઈને માટે ગવાતું નહોતું કારણ કે વચ્ચે જ એ ગીતગર્જન બંધ થઈ જતું અને બીજી જ પળે વેદના અસહ્ય થતી હોય તેમ પ્રગટ ઊઠતું. એ અંધકારે કે આકાશમાં ચમકનારાં નક્ષત્રલોકે કોકને પાગલ કરી મૂક્યું હતું. મીઠાશનો જે એક સર્વસામાન્ય અર્થ છે તે અર્થે ગાન મીઠું નહોતું. ગાનનો બંધ ફૂટ્યો હતો. હું ઊઠીને બહાર આંગણામાં આવ્યો. કોક અપાર આનંદમાં કે અપાર દુઃખમાં ગાતું હતું. આ સાંથાલી ગાન નહોતું. સાંથાલી જેવું એકસૂરી નહોતું. ગાનારો એ શબ્દો અને સૂરોને માણતો ગાતો હતો. એટલામાં ઝાંપા પાસેથી કલાભવન તરફ જનારા ચારપાંચ જણના ટોળાએ મારી સામે જોયું, મેં પૂછ્યું, “કોણ ગાય છે?” મારો પ્રશ્ન સાંભળીને એ લોકો મોટેથી હસી પડ્યા અને એક યુવાને કહ્યું, “ઓડ ...! આપનિ કિ ગાન શુનેછેન? કિંકરદા રંગમાં આવ્યા છે.”

“કોણ ? કિંકરદા ગાય છે?”

“રાત વધે એટલે સૂર છેડે.” આટલું કહીને પેલાને શું થયું તો એ બોલી ઊઠ્યો, “એ ગાય છે સારું હં કે.”

રામકિંકરદાનું પહેલું દર્શન એમના પેલા ખુલ્લા શિલ્પમાંથી થયેલું પણ રાતે આ શિલ્પકાર એના અમૂર્ત સૂરમાંથી ગચગચાવીને મને બાથ ભરતો હતો. એમના આ મુક્ત ગાનનું સ્મરણ થાય કે રવીન્દ્રનાથની કવિતા સાંભરી આવે :

“સમગ્ર ભુવન પર છવાયો સૂરોનો પ્રકાશ. આકાશમાંથી વહે છે સૂરોની હવા

વ્યાકુળ વેગે ખડક ફોડીને દોડે છે સૂર અને વહી રહી છે સૂરોની સૂરગંગા ...”

તે રાતે રામકિંકરદાએ કવિની આ પંક્તિઓનો સાક્ષાત્કાર કરાવ્યો. આવા જ કોઈ અજ્ઞાત ગાયકના સૂર રવીન્દ્રનાથના કાને પડ્યા હશે અને એમાંથી કવિતા ઝરવા લાગી હશે :

“… દૈવજોગે કઈ ક્ષણે તને આ નશો મળ્યો, પોતાનામાં જ મસ્ત થઈને એકલો જ ગાતો જાય છે.” 

રામકિંકરદા આ જગતમાં આવો જ કોક નશો લઈને આવ્યા હતા, એક અગોચરપણું તેમનો સ્થાયીભાવ હતો. સાલ ૧૯૦૬માં બાંકુરા નામના ગામે તેમનો જન્મ થયો. એ ગામની માટી જ મૂર્તિકલાને આમંત્રણ દેનારી હશે. બાંકુરાની એ માટીએ દેશવિદેશના દિવાનખાનાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ બાંકુરા ગામે જ યામિનિ રાય જેવા ચિત્રકાર પણ આપ્યા. એક સમય હતો કે વાટ ભૂલેલા સાહિત્ય અને કલાક્ષેત્રના ફકીરો શાંતિનિકેતનમાં જતા. ત્યાં એમના સ્વાગત માટે રવીન્દ્રનાથના રૂપમાં ફકીરોનો એક બાદશાહ બિરાજમાન હોય. નંદલાલબાબુ, બિનોદદા અને રામકિંકરદા આ ત્રણેય વિશ્વભારતીના કલાભવનની કીર્તિ પશ્ચિમમાં યુરોપ-અમેરિકા સુધી અને પૂર્વમાં ચીન-જાપાન સુધી લઈ ગયા. ઉત્તમ શિષ્યપરંપરા ઊભી કરનારી આ એક પ્રતિભાસંપન્ન ત્રયી.

તેમાંના એક રામકિંકરદાને મળવાનો યોગ હવે આવ્યો હતો. શાંતિનિકેતનનો મારા શિલ્પકાર મિત્ર શર્વરીરૉય ચૌધરીના ઘરે એક ઊંચી ટિપૉય પર એણે કંડારેલું રામકિંકરદાનું ‘બસ્ટ’ (અર્ધ-પૂતળું) હતું. શર્વરી ‘કિંકરદા’ નામ પણ બે હાથ જોડ્યા સિવાય લેતો નહીં. કિંકરદાને બસ્ટ માટે મૉડેલ તરીકે બેસાડવા એટલે વાઘની મૂછો આમળવા જેટલું જ સહેલું કામ. પેલી રાતે એમના સૂરો થકી હું એમને મળેલોે એવો આજે ય અવાક્‌ થઈને ઊભો રહી ગયો. બસ્ટમાં શર્વરીએ કિંકરદાના વ્યક્તિત્વની સમગ્ર આદિમતા ઊતારી છે. હવે મારાથી રહેવાયું નહીં, મેં શર્વરીને કહ્યું કે મારે કિંકરદાને મળવું છે.

“રામકિંકરદા ...!” શર્વરીએ સાદ દીધો અને અંદરથી આવકારમાં ગર્જના સંભળાઈ, “એશો અશો શર્બરી ...” ગર્જનાને છાજે એવી ઊધરસ પણ સંભળાઈ. અમે ખુલ્લી ઓસરીમાં ઊભા હતા, તેટલામાં બાજુની અંધારી ઓરડીમાંથી કેડે સાંથાલી લૂંગી વીંટાળેલા રામકિંકરદા બહાર આવ્યા. શર્વરીએ નમીને એમને પ્રણામ કર્યાં. “થોભો, હું ચટાઈ લાવું હં.” કહેતાક એ અંદર ગયા અને એક ચટાઈ લઈ આવ્યા. એમણે અમને પૂછ્યું, “ચા ખાબેન?” બંગાળી સ્વાગતનો પહેલો સવાલ. શર્વરી ચાકૉફી કંઈ લેતો નહોતો, એણે કહ્યું, “ઍકટુ ઍકટુ ખાબા” અને કિંકરદા જોરથી હસી પડ્યા. એમનું હસવું પણ એમની કલા જેટલું જ જાણીતું હતું. ખડખડાટ હસતા. ‘ધીમો’ શબ્દ એમના શબ્દકોશમાં નહોતો. મારું માનવું છે કે ‘ધીમે બોલવું’, ‘ધીમે હસવું’, ‘ધીમે રડવું’ - આ બધું મનુષ્યપ્રાણીએ પોતાની ટોળીનું શિષ્ટસમાજમાં રૂપાન્તર કર્યું ત્યારથી શરૂ થયું હશે.

ચોમાસેઉનાળે ભીંજાતા-ભૂંજાતા ઊછરેલા બાવળ જેવું કિંકરદાના શરીરનું ઘડતર. ‘બ્લૅક ઇઝ બ્યુટિફુલ’ કહેવાય એવા એમના કાળા ચહેરા પર કાંટા જેવી ફૂટેલી, બેત્રણ દિવસથી અસ્તરો ન પામતા વધેલી દાઢી. તેલનો સ્પર્શ ન થયેલા કાળાધોળા ઘનઘોર વાંકડિયા વાળ અને અતિ નટખટ આંખો - આ બધાંને બીજું કોઈ જાતનું હસવું કે બીજો કોઈ અવાજ શોભ્યાં ન હોત. તેઓ નરમ અવાજમાં બોલત તો વાઘે ‘મિયાઉં’ કર્યાં જેવું લાગત. હાથમાં તીરકામઠું લઈને જંગલમાં ઘૂમે તો એકેય આદિવાસીને એવી શંકા ન જાય કે ‘આ બહારનો કોક આવી ચડ્યો છે.’ ચિત્રકાર વાન ગૉગે કહ્યું છે કે “ચિત્રકાર મનથી આદિમાનવ હોવો જોઈએ.” 

શર્વરીએ એમને હું ગાઉં છું એવી કંઈ વાત કરી હશે તે કિંકરદા મને ગાવાનો આગ્રહ કરવા લાગ્યા.

એમણે લગ્નબગ્ન કર્યાં નહોતા. એ બાબતે એ કહેતા, લગ્નથી શું વળે? તમારા બધાંની જેમ ઘાણીના બળદ મારે નથી થવું. સાચે જ આ માણસ ઘાણીનો બળદ ન થઈ શકે. ખુલ્લા વગડામાં ફરનારો બલિવર્દ હતો એ. યુવાન વયમાં એમની કલા અને એમના મસ્તપણા પર વારી જનારી અનેક યુવતી એમની જિંદગીમાં આવી હતી. પણ આ માણસ આદિમ પ્રકૃતિનો, કંગાળ કલાકાર સાથે લગ્નગાંઠ બાંધીને આખો જન્મારો કાઢવાની તાકાતવાળી એકેય પાર્વતી એમાં નહોતી. કેટલીયે રાજકુમારી અને ગરાસદારકન્યાઓ પણ તેમને પ્રેમ કરતી હતી. આ બાબતનો કોઈ પડદો રાખ્યા સિવાય રામકિંકરદાએ ખુદ કહ્યું, “મારા જીવનમાં ઘણી બધી સ્ત્રીઓ આવી હતી.” પણ એ તો કલંદર હતા. એમનું કલંદરપણું બનાવટી નહોતું, એ સ્વંયભૂ હતું.

કિંકરદા અને શર્વરી બન્ને ઊંચા દરજ્જાના શિલ્પકારો, બન્ને ય સૂરના ગાંડા. કિંકરદાના મનનો ખળભળાટ પણ સૂરમાંથી પ્રગટે, “મધરાતે નભઘુમટ નીચે ...” આ એકલો માણસ પોતે જ રવીન્દ્રની કવિતા બની જતો. થયું કે કંઠમાંથી ગાન ફૂટતું હશે ત્યારે એ ભાવનાનાં કેટલાં ય ચિત્રો અને શિલ્પો નિર્માણ થતાં હશે આ ચિત્રકારના મનમાં! કિંકરદા કહેતા કે, “સંગીત અને ચિત્રકલા એકબીજાની ઘણા નજીક આવે છે.” શોપેનહૉવરે કહ્યું છે, “બધી જ કલાઓ સંગીતને અભિપ્રેત એવી બાબતો પૂરી કરવા મથતી હોય છે.” આદિવાસી સાંથાલપાડાએ કિંકરદાના જીવનમાં અને કલાજીવનમાં ખાતરપાણી પૂરાં પાડ્યાં હતાં.

એમણે કોઈ પણ આટ્‌ર્સ સ્કૂલમાં શિક્ષણ લીધું નહોતું, આદિવાસી છોકરાં જેમ જેમ ભીંત પર ચિત્રો દોરવા લાગે તેમ કિંકરદાએ પણ ધૂળાક્ષરો ઘૂંટતા પહેલાં જ ચિત્રો સાથે દોસ્તી કરી હતી. મારીમચડીને નિશાળમાં બેસાડેલા કિંકરદાનો શાળાકીય પ્રવાસ રખડતો રહ્યો. બાળપણમાં જ વહેતી રેખા અને રંગથી તેઓ મુગ્ધ થયા હતા, રેખા અને રંગ જેટલું જ આકર્ષણ સૂરોનું. સૂરમાંથી જડી આવનારાં ગતિ અને કૈવલ્યસ્વરૂપનો પ્રત્યય રેખા અને રંગમાંથી દર્શાવ્યા સિવાય તેમને ચેન પડતું નહીં. મૅટ્રિક સુધી માંડ પહોંચ્યા અને ૧૯૨૧ની ગાંધીજીની ચળવળમાં ઝંપલાવી દીધું. પછી કોઈ મિત્રે કહ્યું કે ચરખોબરખો તારું કામ નહીં; એટલે પછી ‘જાત્રા’(નાટકમંડળી)માં ઘૂસ્યા. અભિનયનું અંગ ઉત્તમ. વિનોદવૃત્તિ તીક્ષ્ણ.

૧૯૨૫માં ‘પ્રવાસી’ માસિકના સંપાદક રામાનંદ ચેટર્જી બાંકુરા ગયા, ત્યારે એમણે આ અણઘડ યુવાનના હાથની કલાકૃતિઓ જોઈ અને તેને રવીન્દ્રનાથ પાસે લઈ ગયા. દરેક વાત માટે મથી પડનારું આ વ્યક્તિત્વ શાંતિનિકેતનમાં નિખરવા લાગ્યું. એ સમયગાળો પણ શાંતિનિકેતનના ઇતિહાસના પૂરબહારનો. ત્યાં કિંકરદા ક્યારેક નાટકના મંચ પર તો ક્યારેક ગાનવૃંદમાં પોતાનો જોરદાર અવાજ છેડતા, નંદલાલ બાબુની દેખરેખ હેઠળ રંગરેખાને રમાડતા, માટીને આકાર આપીને કલામાંથી પ્રાપ્ત થનારો મુક્તતાનો આનંદ લેતા અને દેતા તેઓ ઊછરવા લાગ્યા. એ મુક્તતાને - કલાને આવશ્યક એવી શિસ્ત અને સાધનાની પણ - ઉત્તમ જાણ હતી. નંદલાલ બોઝ જેવા ઋષિતુલ્ય કલાકાર ગુરુનો કિંકરદાને લાભ મળ્યો હતો.

કલાભવનમાં ઉત્તમ વિદ્યાર્થી તરીકે કિંકરદા ગાજી ઊઠ્યા અને પછી કલાભવનમાં અધ્યાપક પણ થયા. ત્યારે શિક્ષણ આજના જેવું પરીક્ષાર્થી નહોતું થયું. કિંકરદાનાં ચિત્રો અને શિલ્પોનું નિર્માણ આખી જિંદગી થયા કર્યું પણ એને પ્રદર્શનમાં મૂકવા કે વેચવાનો વિચાર તો એમને સ્વપ્ને ય આવ્યો નહોતો. એટલું જ નહીં પોતાનાં ચિત્રો-શિલ્પો જાળવીએ એ વાત પણ નહીં. તૈલચિત્રના રંગ માટે લાગનારું તેલ હાથવગું ન હોય તો એમણે કેરોસીન ભેળવીને ચિત્રો કર્યાં તેથી કેટલાંયે સુંદર ચિત્રોનાં પોપડાં ખરી ગયાં. એમનાં ચિત્રોમાંથી એમની પ્રયોગશીલતાનો પ્રત્યય મળે છે. એમના પ્રયોગો અનેક પ્રકારના છે : ઇંપ્રેશનિટ, ક્યૂબિસ્ટ, ઍબસ્ટ્રૅક્ટ પ્રકારના છે પણ દરેકમાં એક તત્ત્વ સતત જોવા મળે તે ચર્મચક્ષુને દેખાયેલા રૂપ કરતાંયે અંતઃચક્ષુને દેખાયેલા અરૂપને રૂપ આપવાનું અને એ રૂપને સતત પ્રવાહિત રાખવાનું.

સાંથાલ કુટુંબના શિલ્પની જેમ સુજાતા નામનું તેમનું શિલ્પ કલાભવનના ઉપવનમાં છે. મત્સ્યમાંથી જલપરી પ્રગટ થાય તેમ વૃક્ષમાંથી વૃક્ષપરી પ્રગટી છે. એમણે બસ્ટ પણ કર્યાં છે, રવીન્દ્રનાથે તેમની પાસેથી સરોદવાદક અલ્લાઉદ્દિનખાંસાહેબનું બસ્ટ કરાવડાવ્યું હતું. પણ આબેહૂબ બસ્ટ કરવું તેમને ગમતું નહીં, તેમની અંતર્દૃષ્ટિને જે ગમે તેવી મૂર્તિ તે કંડારતા.

એમણે વર્ષો પહેલાં બનાવેલા રવીન્દ્રનાથના એક બસ્ટ માટે ઉહાપોહ થયેલો, જે એક તો દિલ્હીના રવીન્દ્રભવનમાં છે અને બીજું હંગેરીના બૅલેટોન સરોવર કાંઠે છે. મને એ જરાયે ગમ્યું નહોતું. આનંદયાત્રી રવીન્દ્રનાથની મારી મૂર્તિ સાથે એ અધોવદન ચહેરાનો જરાયે મેળ ખાતો નહોતો. પશ્ચિમ બંગાળના એક મંત્રીએ તો એને ત્યાંથી હટાવી લેવાનું પણ કહેલું. સત્યજિત રૉયે ત્યારે એ મંત્રીને કહેલું, “ચૂપ રહેવાનું તમે શું લેશો?”

રામકિંકર જેવા શિલ્પકારને દુઃખભારથી નમી પડેલા રવીન્દ્રનાથને શિલ્પમાંથી પ્રગટ કરવાનું કેમ સૂઝ્‌યું હશે? વાવાઝોડાં સામે રવીન્દ્રનાથ કંઈ ઓછું ઝઝૂમ્યા નથી. મુક્ત અવાજે તેમણે ગાયું છે, મિત્રોની મંડળીમાં હસ્યા પણ છે. તો પછી રામકિંકર જેવા પ્રતિભાવાનને આ બસ્ટમાં દેખાયા તે રવીન્દ્રનાથ કયા? સામે મૉડેલ રાખીને પૂતળાં કંડારવાનું તેમને ક્યારે ય ગમ્યું નથી. રવીન્દ્રનાથના આ બસ્ટ માટે કિંકરદાએ જ પોતાના આત્મકથનાત્મક એક લેખમાં કહ્યું છે :

“… મેં ક્યારે ય સામે મૉડેલ બેસાડીને કામ કર્યું નથી. રોદાંનું પણ એવું જ હતું. રોદાં કહેતા, “મૂવ, મૂવ” મૂવમેન્ટ ન હોય તો કૅરેક્ટર જીવંત થાય જ નહીં. હરતાફરતા માણસો, એમનું હલનચલન, હસવું-બોલવું, કુદરતી વાતાવરણમાં તેમનું ભળી જવું એ મારી સ્મૃતિમાંથી આંખો સામે વહેતું આવે. એ પછી જ હું મૂર્તિ કંડારી શકું.

રવીન્દ્રનાથને મેં નજીકથી જોયા છે, દૂરથીયે જોયા છે. તેેઓ કદાવર હતા. ક્યારેક સવારના પ્હોરમાં ઈઝીચેરમાં બેઠેલા, ક્યારેક દૂર ક્ષિતિજ પરથી તડકો ઊતરતો હોય ત્યારે ‘ઉત્તરાયણ’ની અગાસીએ પાછળ હાથમાં હાથ રાખીને એકલા જ ચાલતા હોય, ક્યારેક ઇષ્ટમિત્રોના અડ્ડામાં બેસીને વાતચીત કરતા હોય - હું ધીમેકથી, ગભરાતોગભરાતો તેમના ચહેરા તરફ પણ જોતો રહેતો. ચહેરા પરની રેખાઓ, આંખો, કપાળ પરની કરચલીઓનું સંકોચાવું - આ બધું હું જોતો આવ્યો છું. તે લેખે લાગ્યું છે. એક વાર મેં તેમને ‘ઉત્તરાયણ’ની બારીમાં જોયા; શોકમગ્ન અવસ્થામાં. માથું નીચે ઝુકાવીને ટેબલ પાસે નમીને બેઠા હતા. દીનબંધુ ઍંડ્ર્‌યુઝ ગુજરી ગયા હતા. હું દૂરના વગડેે હતોે. સાંજના ઊતરતા તડકામાં ગુરુદેવનું આ શોકમગ્ન રૂપ મારા મગજમાં ગજબનો ખળભળાટ મચાવી ગયું. ઘરે પાછા આવીને મેં એક સ્કેચ દોરી રાખ્યો, પછી બ્રૉન્ઝમાં એ પૂતળું (બસ્ટ) કંડાર્યું.”

કલાસર્જનની બાબતમાં કિંકરદાએ ક્યારે ય સમાધાન કર્યું નથી. કોક કલાપારખુને પોતાનું ચિત્ર કે શિલ્પ ગમે તો ‘લઈ જા’ કહીને એને આપી દેનારા આ કલાપારખુને પોતાનું ચિત્ર કે શિલ્પ ગમે તો ‘લઈ જા’ કહીને એને આપી દેનારા આ કલાકારને દુકાનદારીમાંથી પૈસાદાર બનવાનું તે કેમ કરીને ફાવે! તેઓ કહેતા : “મને ક્યારે ય એવું લાગ્યું નથી કે કલા એ વેચાણની વસ્તુ છે. તેથી કોઈને મારા કરતાં વધુ પ્રસિદ્ધિ કે લોકપ્રિયતા મળે તો મને ક્યારે ય ચિંતા થવાનો સવાલ જ રહેતો નથી. મારા ચિત્રો સાચવવાની પળોજણમાં હું પડતો નથી. કોઈ કહેતું કે કલાભવનના પરિસરમાં એક મોટું સંગ્રહાલય ઊભું કરીએ, શાને? એક મૃત મ્યુઝિયમ કરતાં આજે એ મોકળી જગ્યાએ જીવનનો પ્રવાહ વહે છે તે જ સારું છે.”

પોતાનાં શિલ્પો તડકામાં ઊભા રહીને કંડાર્યા અને આકાશની છત નીચે મૂક્યાં. જોનારાએ તે ચઢતાઊતરતા તડકામાં જોવાં. અષાઢશ્રાવણની જલધારામાં સ્નાન કરતી વખતે જોવાં. રાતે વીજળીનો ગડગડાટ થતો હોય ત્યારે થનારા પળના પ્રકાશના ચમત્કારમાં જોવાં. આકાશ જોવામાં કોઈની પરવાનગી કે ટિકિટેય લાગતી નથી તેમ આ શિલ્પો બધા માટે શાંતિનિકેતનમાં ખુલ્લામાં મોજ કરતા બેઠાં છે.

કલાભવનના પરિસરમાં મહાત્મા ગાંધીજીનું એક ભવ્ય પૂતળું છે. સિમેન્ટકૉંક્રીટનું. ગાંધીજી દાંડીમાર્ચમાં ચાલતા જવા નીકળ્યા હોય એવા પૉઝમાંનો. પણ આ ગાંધી દાંડીમાર્ચમાં જવા નીકળ્યા નથી. બંગાળના ભયાનક હુલ્લડો પછી એ ખેદાનમેદાન વિસ્તારમાંથી તેઓ જઈ રહ્યા છે, તેમના પગ પાસે માણસની એક ખોપરી પડી છે; એ ખોપરી જ એમની યાત્રાનું પ્રયોજન અન માણસાઈની સઘળી સુંદર ભાવનાઓના વિધ્વંસની કથા કહી જાય છે. પાછળ ઊંચું વૃક્ષ અને આકાશ. એમ કહોને એ વૃક્ષ અને આકાશ. એમ કહોને એ વૃક્ષ અને આકાશ બાદ કરીને આ શિલ્પ જોઈ શકાય નહીં.

કિંકરદા કહે છે, “મને સૌથી વહાલો ઉનાળો.” પણ તોયે દરેક ઋતુનું સ્વતંત્ર વ્યક્તિત્વ જેતે ઋતુનો ચરિત્રગ્રંથ વાંચ્યો હોય તેમ તેમ તેઓ જાણતા હતા. પોતાના નિસર્ગચિત્રો વિશે તેઓ કહે છે, “પ્રત્યેક ઋતુના પોતાનાં રંગ અને અંતરંગ પકડવાનો મેં પ્રયત્ન કર્યો છે. ખુલ્લો વગડો, વહેળા, ઝરણાં, માટી ધોવાઈને બનેલી ખાઈ, નિઃસંગ તાડવૃક્ષ, ચાંદની, વિવિધ ઋતુના વિવિધ મૂડ્‌સ - આ મારા ગમતા વિષયો. મારી કૃતિઓમાં એ બધું જ છે.” આવું આ ઝોડ વળગેલું ઝાડ છેલ્લાં પચાસ વર્ષોથી પોતાનું વળગણ ચિત્રો અને શિલ્પોમાંથી વ્યક્ત કરીને શાંતિનિકેતનમાં મોજ કરી રહ્યું હતું. એમના જીવનપટનું પોત જ મૂળે જંગલના વૃક્ષે બહાલ કરેલા વલ્કલ જેવું હતું. એમણે મને ચા પીવડાવેલી તે પણ ખાસ્સી કડક. ચાપત્તી સાથે ચૂલાના લાકડાનો વઘાર કરેલી. ‘સ્મૉકડ્‌ ફીશ’ જેવી ‘સ્મૉકડ્‌ ચા’. જગતમાં કશું સૌમ્ય પેય પણ હોય છે એનો એમને પત્તો ય નહોતો.

ચિત્ર અને શિલ્પકલાના ક્ષેત્રમાં કિંકરદાનું સ્થાન કયું છે તે હું જાણતો નથી, તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ ચિત્રકાર કે શિલ્પકાર કદાચ નહીં પણ હોય; એમનું કશું ગયું-બગડ્યું પણ નથી. પણ નિસર્ગ, માણસ, પશુપક્ષીના રૂપે આટલું પ્રચંડ ઐશ્વર્ય અને આનંદ પોતાને મળ્યો છે તો એ ઋણ કલા થકી ચૂકવવાની ધગશથી વ્યાવહારિક યશ અને સંપત્તિ સામે જરાયે ન જોતાં જીવતો એવો બીજો કોઈ કલાકાર મારા જોયામાં તો આવ્યો નથી. પંચમહાભૂતોનું ઋણ વૃક્ષો ફળફૂલ મારફતે ચૂકવીને આનંદસર્જન કરે છે તે ભાવનાથી કિંકરદાનું કલાનિર્માણ થતું રહ્યું. માનમરતબા સાથે આ માણસ ક્યારેય ઝૂક્યો નથી. રોદાં, ગોગ જેવા કલાકારો અને મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ જેવા મહાપુરુષો માટે તેમને અનન્ય શ્રદ્ધા હતી. તોયે અંત સુધી શાંતિનિકેતનને ન છોડનારા કિંકરદાએ રવીન્દ્રનાથનું પોતાને પ્રાપ્ત થયેલી નિકટતાને ક્યારે ય મૂડી ગણી નહીં. એ અંતેવાસીપણું લઈને અમથા એ મ્હાલ્યા નહીં. એ સદા કિંકરદા જ રહ્યા.

એમણેે મને ફરમાઈશ કરેલી કે હવે મસ્ત મોકળા અવાજે કંઈક ગાઓ ! કિંકરદાને મન મસ્ત મોકળો અવાજ એટલે શું તે હું જાણતો હતો. ત્યાં જ શર્વરીએ કહ્યું, “સૈંયા નિકસ ગયે, મૈં ના લડી થી” - ગાઓ.

મનમુરાદે વધેલા ઘાસવાળું એમનું આંગણું, ખુલ્લી ઓસરી, એને વળગેલું એમનું ચંદ્રમૌલિ ઘર, સામે ભૂતગણોનાં નૃત્યગાયનમાં રંગાયેલા શિવશંકર જેવો કિંકરદાનો અવતાર! મને ય કોણ જાણે શું થઈ ગયું તે હવે તો જીવીએ કે મરીએ એ ચડસથી મેં અવાજ છેડ્યો. કબીરજીની બેટી કમાલીનું આ ગીત આમે ય મને બહુ ગમતું ઃ સૈંયા નીકળી ગયા પણ સાચું કહું હું એની સાથે લડી નહોતી.

“ના કછુ ચાલી ।
ના કછુ બોલી ।
સિર કો ઝુકાયે મૈં તો ચુપ કે ખડી થી ।
રંગમહલ કે દસ દરવાજે ।
ન જાને કૌન સી ખિડકી ખૂલી થી ।”

અને પછી “ઐસી બિહાયી સે તો કંવારી ભલી થી।” -- એ પંક્તિ પર તો “કી ચમત્કાર કથા” – કહીને કિંકરદાએ એટલી જાેરથી દાદ આપી પણ ખૈર કે પાડોશી બંગલાના રહેવાસીઓ કિંકરદાની ગુફામાંની આ ગર્જનાથી ટેવાયા હશે તે કોઈ દોડીબોડી આવ્યું નહીં. એમણે ફરીફરીને એ જ ગીત મારી પાસે કેટલીયે વાર ગવડાવ્યું. “ભૈરવી અપૂર્વ રાગિણી; અપૂર્વ, અપૂર્વ !” – કહેતા રહ્યા.

મેં એમને કહ્યું, “ગાવાનો મારો રિયાઝ રહ્યો નથી. કિંકરદા, આ ગીતમાંના સૈંયાની જેમ ગાન મને પણ અચાનક છોડીને જતું રહ્યું છે.”

“છટ્‌, એમ કંઈ ગાન કોઈને છોડીને જતું રહેતું નથી, એ શર્વરી તારા યંત્ર પર આનું ગાન ટૅપ કરી લે. બહુ સરસ છે.”

“શોભા ગુર્ટુ બહુ સરસ ગાય છે, હું તમને રેકાર્ડ મોકલીશ.”

રેકાર્ડ મોકલવાનું રહી ગયું. રામકિંકરદાના પ્રાણસૈયાં પણ નીકળી ગયા. એમને કઈ ખિડકી ખુલ્લી છે એ શોધવામાં મુશ્કેલી નહીં પડી હોય. બધાં જ બારણાં ઉઘાડા મૂકીને જ એ જીવ્યા હતા.

છેલ્લે તેઓ રુગ્ણશૈયા પર હતા ત્યારે સાર્વજનિક દવાખાનામાં તેમણે માતા દુર્ગાની મૂર્તિ ઘડી હતી. તેમણે કહેલું, “મારી પહેલી મોડેલ મારી મા, મેં પહેલવહેલું એનું ચિત્ર દોરેલું.”

જીવનના પ્રારંભે માતાની ચિત્રથી શરૂ થયેલી એમની સાધના જગન્માતાની મૃત્તિકામૂર્તિ ઘડીને સમાપ્ત થઈ.

(૧૯૮૦)

***

[A-1, Sargam Flats, Iswar Bhuvan Road, Navrangpura, AHMEDABAD - 380 014, India

(પ્રગટ : “નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2019; પૃ. 77-86)

Category :- Profile