Opinion Magazine
Number of visits: 9957598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાસપોર્ટ પાવરઃ રાજકીય, આર્થિક અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિબિંબ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 February 2024

પ્રવાસની સ્વતંત્રતા માટે, વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વાટાઘાટો માટે તેમ જ વૈશ્વિક સ્તરે પોતાના દેશની છબિ સારી રહે તે માટે આ રેન્કિંગ સારું હોય તે જરૂરી છે

ચિરંતના ભટ્ટ

છેલ્લા દસેક દિવસથી પાસપોર્ટ રેંકિગની બહુ ચર્ચા થાય છે. કોઇપણ રાષ્ટ્ર વૈશ્વિક સ્તરે  કેટલો ‘સોફ્ટ પાવર’માં ધરાવે છે એ જોવા માટે તેના પાસપોર્ટનું રેંકિંગ એક અગત્યનો માપ દંડ છે. પાસપોર્ટની તાકત દર્શાવતા અનેક ઇન્ડેક્સ હોય છે અને તેમાંથી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અને પાસપોર્ટ ઇન્ડેક્સ આ બન્ને આગળ પડતા ગણાય છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું  સ્થાન 85મું છે, જે ગયા વર્ષે 84મા ક્રમાંકે હતું. ભારતીય પાસપોર્ટનું જોર સહેજ ઓછું થયું ગણાય, પણ છતાં ય 62 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધરાવનારાને વગર વીઝાએ પ્રવેશ મળી શકશે. આ જ રીતે પાસપોર્ટ ઇન્ડેક્સની વાત કરીએ તો ભારત અત્યારે 67મા ક્રમાંકે છે, તેનો મોબિલીટી સ્કોર 73 છે અને 27 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધરાવનારાને વગર વીઝાએ પ્રવેશ મળી શકશે.  સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે બન્ને ઇન્ડેક્સ જુદાં જુદાં પાસાંઓને આધારે કોઇપણ દેશના પાસપોર્ટનું રેંકિંગ નક્કી કરે છે. કોઇ પણ દેશના પાસપોર્ટની તાકાત એના આધારે નક્કી થાય કે એ દેશનો પાસપોર્ટ ધરાવતા લોકો બીજા કેટલા દેશોમાં વીઝા વિના પ્રવાસ કરી શકે છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર પાકિસ્તાનનો પાસપોર્ટ 106માં ક્રમાંકે છે તો બાંગ્લાદેશ 101 પરથી 102 નંબર પર આવી ચૂક્યો છે. નવાઇની વાત છે કે મૉલદિવ્ઝનો પાસપોર્ટ ધરાવનારા 96 દેશોમાં વીઝા વગર જઇ શકે છે અને આ કારણે જ તેનુ સ્થાન 58મું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ આ ક્રમાંક માટે છેલ્લાં 19 વર્ષના એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સ્પેશ્યલાઇઝ્ડ ડેટા પર આધાર રાખે છે, જેમાં વિશ્વભરનાં વિવિધ દેશનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસનાં સ્થળોને ગણતરીમાં લેવાય છે. આ ઇન્ડેક્સને દર મહિને અપડેટ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેઇન, જાપાન અને સિંગાપોરના પાસપોર્ટને સૌથી વધુ મજબૂત – પાવરફૂલ પાસપોર્ટ ગણવામાં આવે છે કારણ કે આ દેશોનું નાગરિકત્વ ધરાવનાર વ્યક્તિ ઇન્ડેક્સમાં ગણતરીમાં લેવાતા 227 સ્થળોમાંથી 194 સ્થળોએ વગર વીઝાએ પ્રવાસ કરી શકે છે. સાઉથ કોરિયા, ફિનલેન્ડ અને સ્વીડનના નાગરિકો 193 સ્થળોએ વીઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.

ભારતના પાસપોર્ટના રેન્કિંગમાં જે ફેરફાર આવ્યો, તે ઘટ્યું તેની પાછળનું કોઇ ચોક્કસ કારણ દર્શાવવું મુશ્કેલ છે. છતાં પણ આપણે સંભવિત પાસાંઓ કયાં હોઇ શકે તે નાણવાનો પ્રયાસ કરી જોઇએ.

કોઇપણ દેશના દ્વિપક્ષીય કરારો કેવા છે તે એક મહત્ત્વનું પરિબળ બને છે. જેમ કે અન્ય દેશો, જેનું રેન્કિંગ વધારે છે તેમની સરખામણીએ ભારત પાસે અન્ય દેશો સાથે વીઝા-ફ્રી પ્રવાસ કરવાના કરારો ઓછા છે. શ્રીલંકા, થાઇલેન્ડ, કેન્યા જેવા કેટલાક દેશોએ ભારતને ગણતરીમાં લીધો છે ખરો, પણ હજી આ પ્રગતિ ધીમી છે. અમુક કેસમાં એમ પણ બને કે ભારત જે-તે દેશના નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી આપે છે પણ સામે એ જ દેશ જો ભારતીય નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી ન આપતો હોય તો પણ ભારતના રેન્કિંગ પર તેની સીધી અસર પડે છે. વૈશ્વિક રાજનીતિમાં ભારતનું શું સ્થાન છે, તેને કેટલું મહત્ત્વ મળે છે અથવા તે જે-તે રાષ્ટ્ર સાથે વ્યૂહાત્મક સંબંધોમાં કયા મુકામે છે તેને આધારે પણ વીઝા-ફ્રી એન્ટ્રીનું મળવું કે ન મળવું સંકળાયેલું હોય છે. જો કોઇ દેશ સાથે ભારતને સરહદી વિવાદો અથવા સુરક્ષા લક્ષી પ્રશ્નો હોય તો સ્વાભાવિક છે તેની વીઝા ઍક્સેસ પર તેની સીધી અસર થાય. આમ તો ભારતનું અર્થતંત્ર ધમધમી રહ્યું હોવાની ચર્ચા તો છે જ, પરંતુ રાષ્ટ્રિય આર્થિક શક્તિ અને તેની સ્થિરતા પણ કોઇપણ દેશના રેન્કિંગ પર સીધી અસર કરે છે. ભારતનું અર્થતંત્ર મજબૂત તો થઇ રહ્યું છે પણ હજી તે એટલું મજબૂત નથી કે તેને વીઝા ઍક્સેસને લગતા કરારોમાં ગણતરીમાં લેવામાં આવે.

ભારતનું સ્થાન જરાક આમ-તેમ થયું એમાં આમ તો ચિંતા કરવાની જરૂર છે જ નહીં, કારણ કે આ રેન્કિંગમાં આઘા-પાછા થવું સ્વાભાવિક છે અને તે કોઇ ચોક્કસ અભિગમ દર્શાવે છે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. ભારતનું રેન્કિંગ 2020માં તો 120માં ક્રમાંકે હતું તો તેની સરખામણીમાં હાલમાં મળેલું રેન્કિંગ ઘણું પ્રશંસનીય છે.

ભવિષ્યમાં ભારતના રાજદ્વારી સંબંધો સુધરશે, વિદેશી રોકાણ વધારવાની દિશામાં પ્રયાસો થશે તો ભારતીય પાસપોર્ટના રેન્કિંગ પર હકારાત્મક પ્રભાવ પડી શેક છે. જે અગત્યના દેશો છે, ખાસ કરીને વૈશ્વિક રાજનીતિમાં, એ દેશો સાથેના દ્વિપક્ષીય કરારો અને પરસ્પર વીઝાની વ્યવસ્થા લાભાદાયી રીતે ગોઠવાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરાશે તો પણ આ રેન્કિંગ બહેતર બની શકે છે. આપણા દેશ પ્રત્યે વૈશ્વિક અભિગમ શું છે, તે દિવસે દિવસે બહેતર બનાવી શકાય એ પ્રકારની આર્થિક પ્રગતિની દિશામાં કામ થશે અને સલામતીને મામલે નક્કર વલણ દર્શાવી શકાશે તો પણ ભારતીય પાસપોર્ટને બહેતર ક્રમાંક મેળવવામાં મદદ મળશે.

આમ તો ભારતનો ‘અતિથિ દેવો ભવ’નો વિચાર પ્રવાસીઓએ અનુભવ્યો જ હોય છે પણ છતાં ય આપણે ત્યાં વિદેશી પ્રવાસીઓની છેડતી વગેરેના બનાવો એકથી વધુ વાર વાઇરલ ગયા છે. યુ.એસ.એ. જેવા દેશ પણ છે જેનું રેન્કિંગ સારું જ છે કારણ કે તે મહાસત્તા છે પણ ત્યાં થતા ગનક્રાઇમ્સ અને જાતિભેદને કારણે હુમલાઓ તો કોઇને માટે પણ  સુરક્ષાનાં પ્રશ્ન ખડા કરે જ છે.

પાંચ વર્ષ સુધી જાપાન સૌથી પાવરફુલ પાસપોર્ટ ધરાવતો દેશ હતો અને હવે તે ત્રીજા ક્રમાંકે છે.  કોવિડ-19 દરમિયાન ઘણા દેશોએ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો હતો અને જાપાન સહિતના ઘણા દેશોના પાસપોર્ટ રેન્કિંગમાં ઘટાડો થયો હતો. ચીન અને રશિયા સાથે જાપાનને તંગ સંબંધો છે અને તેની સીધી અસર તેના પાસપોર્ટ રેન્કિંગ પર થઇ છે. જાપાનની વીઝા નીતિ અન્ય દેશોની સરખામણીએ આકરી છે જેનો પ્રભાવ પણ ગણવો રહ્યો. ચીનની વાત કરીએ તો મોટાભાગના શક્તિશાળી રાષ્ટ્રો સાથે ચીનને વાંધા-વચકા છે જ અને માટે જે તેના પાસપોર્ટ રેન્કિંગ પર અસર થાય તે સ્વાભાવિક છે. 

પાસપોર્ટ રેન્કિંગ સારું હોય એ આમ તો સલામતી અને શક્તિનો માપદંડ નથી બની જતું છતાં પણ પ્રવાસની સ્વતંત્રતા માટે, વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વાટાઘાટો માટે અને વૈશ્વિક સ્તરે પોતાના દેશની છબિ સારી રહે તે માટે આ રેન્કિંગ સારું હોય તે જરૂરી છે.

બાય ધી વેઃ

એ સમજવું જરૂરી છે કે પાસપોર્ટનું રેન્કિંગ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા માટેની જરૂરિયાતોમાંનું એક પાસું છે, છતાં પણ જે તે દેશમાં જતા પહેલાં ત્યાંનો વીઝા મેળવવાની અનિવાર્યતા અંતે તો તે દેશની પરિસ્થિતિ પર જ આધાર રાખે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે અન્ય દેશના નાગરિકોને કેટલી સલામતી પૂરી પાડી શકીએ છીએ તેની ખાતરી અને દ્વિપક્ષીય સંબંધોને લેખાં-જોખાંને આધારે વૈશ્વિક સ્તરે આપણી છાપ બહેતર બની શકે છે. દેશમાં અંદરો અંદર જો હુલ્લડો થતાં હોય, લિન્ચિંગના બનાવો બનતા હોય, બળાત્કાર થતા હોય, લૂંટ-ફાટ થતી હોય, વિદેશી પ્રવાસી બ્લોગર્સની છેડતી થતી હોય તો આપણું પાસપોર્ટનું રેન્કિંગ ક્યાં જાય એ તો પછીનો પ્રશ્ન રહે, પણ અન્ય રાષ્ટ્રોના નાગિરકોનો સામાન્ય અભિગમ સાવચેતી અને સવાલો ભર્યો રહે એમાં કોઇ નવાઇ નથી.  માનવાધિકારના પ્રશ્નો પણ પાસપોર્ટ રેન્કિંગમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ તો ‘એક્ઝોટિક ઇન્ડિયા’નો મોહ વિદેશીઓમાં ઓછો થવાની શક્યતા પાંખી છે, પણ છતાં ય આપણે ભારતીયો તથા  વિદેશીઓની સલામતી જાળવવામાં પાછા ન પડીએ એ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024

Loading

ડૉ. એમ.એસ. સ્વામીનાથન્‌ને ભારતરત્નનો ઈલ્કાબ નવાઈ પમાડે એવી ઘટના

રમેશ ઓઝા|Opinion - Opinion|25 February 2024

રમેશ ઓઝા

કેન્દ્ર સરકારે ભારતમાં હરિયાળી ક્રાંતિના જનકોમાંના એક ડૉ. એમ.એસ. સ્વામીનાથન્‌ને ભારતરત્નનો ઈલ્કાબ આપ્યો એ જરાક નવાઈ પમાડે એવી ઘટના છે. નવાઈ પમાડે એવી ઘટના એટલા માટે છે કે તેમણે હજુ દાયકા પહેલા સરકારને ભલામણ કરી હતી કે ભારતના ખેડૂતોને તેના ઉત્પાદનની પડતર કિંમત ઉપર ૫૦ ટકા ટેકાનો ભાવ આપવો જોઈએ. આ બાજુ સરકાર અને ખેડૂતો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે અને ગોદી મીડિયાની મદદથી ખેડૂતોને સ્વાર્થી, બેજવાબદાર, દેશદ્રોહી વગેરે રીતે ઓળખાવવામાં આવી રહ્યા છે. ગોદી મીડિયા કોના ઇશારે કોઈકની પ્રસંશા કરે છે અને કોઈકની બદનામી કરે છે એ હવે કોઇથી અજાણ્યું નથી. અત્યારે દિલ્હીમાં ખેડૂતો એ જ માગણી લઈને આંદોલન કરી રહ્યા છે જેની ભલામણ એમ.એસ. સ્વામીનાથને કરી હતી, પણ સરકાર તેમની સાથે એવું વલણ અપનાવી રહી છે જેવું ૨૦૨૧ની સાલમાં આપનાવવામાં આવ્યું હતું. કદાચ એનાથી પણ બદતર.

નવાઈ પમાડે એવી ઘટના એટલા માટે પણ છે કે ચૂંટણી જીતવા માટે જ્યારે ભારતરત્નની લ્હાણી કરવામાં આવી રહી છે ત્યારે એમ.એસ. સ્વામીનાથન્‌ની કદર કરવામાં આવી છે. એમ.એસ. સ્વામીનાથન્‌ને ભારતરત્ન આપવાથી ખેડૂતો રાજી થઈ જશે અને બી.જે.પી.ને મત આપશે એવી શક્યતા નહીંવત છે. સ્વામીનાથન્‌ ચૌધરી ચરણસિંહની જેમ ખેડૂતોમાં લોકપ્રિય ખેડૂત નેતા નહોતા. તેમણે જે કામ કર્યું છે કે મૂંગું પણ મહત્ત્વનું કામ કર્યું છે.

નવાઈ પમાડે એવી ઘટના એટલા માટે પણ છે કે એમ.એસ. સ્વામીનાથન્‌ની કદર દ્વારા કાઁગ્રેસ શાસનની પણ ભેગીભેગી કદર થવાની છે. ભારત બે દાયકામાં અન્નની બાબતમાં આત્મનિર્ભર બની ગયું હતું અને તેનો યશ કાઁગ્રેસના શાસકોને પણ જાય છે. એમ.એસ. સ્વામીનાથને ભારત સરકાર માટે અને ભારત સરકાર દ્વારા હરિયાળી ક્રાંતિ કરી હતી. હરિયાળી ક્રાંતિનો ઉપક્રમ ભારત સરકારનો હતો અને અન્ન સ્વાવલંબનની બાબતમાં ભારત સરકાર પ્રતિબદ્ધ હતી. એ સમયે જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાથમિકતા ગોરક્ષણની હતી. ૧૯૬૭ની સાલમાં તેમણે સંસદભવનને ઘેરો ઘાલ્યો હતો એ ઘટના યાદ હશે.

ભારત આઝાદ થયું એ પછીનાં તરતનાં વર્ષોમાં એમ કહેવામાં આવતું હતું કે કેન્દ્રના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બનવું એટલે પોતાની રાજકીય કારકિર્દીની ઘોર ખોદવી. કોઈ પ્રધાન બનવા રાજી નહોતા થતા, ત્યારે કનૈયાલાલ મુનશીએ એ જવાબદારી સ્વીકારી હતી અને ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે દેશ ૧૯૫૨ના અંત સુધીમાં અન્નની બાબતમાં આત્મનિર્ભર બનશે. ફ્રીડમ ફ્રોમ ધ ફોરેન બ્રેડ એ રાજકીય આઝાદી કરતાં જરા ય ઓછું મહત્ત્વ નથી ધરાવતું એમ મુનશીએ ત્યારે કહ્યું હતું. તેમણે કૃષિ સંશોધન માટે સંસ્થા સ્થાપી. તેમણે વિદેશમાં જઇને કૃષિ અધ્યયન કરવા માટે સ્કોલરશીપ આપી. એમ.એસ. સ્વામીનાથન્‌ને પણ સ્કોલરશીપ મળી હતી. તેમણે અને તેમના અનુગામી કૃષિ પ્રધાનોએ દેશભરમાં જમીનની ઉત્પાદકતા અને તે કઈ ચીનના કૃષિ ઉત્પાદન માટે લાયક છે એનું સર્વેક્ષણ શરૂ કરાવ્યું હતું. જ્યાં ખેતી કરવામાં આવતી નહોતી એવી ખરાબ જમીનને કઈ રીતે ઉત્પાદક બનાવી શકાય એના ઉપાય શોધવાના પ્રયાસ આદર્યા હતા. રેશનીંગ અને ખુલ્લા માર્કેટની બાબતે તેમણે (મુનશીએ) ખુલ્લી નીતિ અપનાવી હતી અને ખેડૂતો સહિત દરેક પાસેથી સૂચનો માગવામાં આવતા હતા અને એ મુજબ નીતિમાં ફેરફાર કરવામાં આવતો હતો. વધારે કૃષિ ઉપજ માટે બિયારણમાં સંકર સહિતના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા હતા.

કનૈયાલાલ મુનશીએ સંકલ્પ કર્યો હતો એમ ૧૯૫૨ની સાલમાં તો ભારત અન્ન સ્વાવલંબી નહોતું થયું, પરંતુ તેમના અનુગામી પ્રધાનોએ એ સંકલ્પને પોતાનો ગણ્યો હતો, કારણ કે એ ભારત સરકારનો સંકલ્પ હતો, ભારતની પ્રજાનો સંકલ્પ હતો. આગળ જતા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી, ઠેક ઠેકાણે અન્નના પુરવઠા માટે ગોદામો બાંધવામાં આવ્યા હતા, અન્નની યાતાયાત માટે રેલવે સાથે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી, ગામેગામ રેશનીંગની દુકાનો ખોલવા માટે પરવાનાઓ આપવામાં આવ્યા અને એ રીતે અન્નના જાહેર વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી. અને છેવટે ૧૯૬૭-૬૮ની સાલ સુધીમાં ભારત અન્ન સ્વાવલંબી બની ગયું. એનો શ્રેય ભારતનાં તમામ કૃષિ પ્રધાનો, વડા પ્રધાનો અને એમ.એસ. સ્વામીનાથન્‌ જેવા કૃષિ વિજ્ઞાનીઓને જાય છે.

૧૯૪૩ના બંગાળનો ભૂખમરો (ફેમીન) જોઇને એમ.એસ. સ્વામીનાથને પોતાની જાત સાથે સંકલ્પ કર્યો હતો કે તેઓ કૃષિ વિજ્ઞાન માટે પોતાનું જીવન સમર્પિત કરશે અને એ પછી તેમણે ખેડૂત અને ખેતીવાડી સિવાય કોઈ અન્ય ચીજનો વિચાર નહોતો કર્યો. એ ભૂખમરા પછી કાઁગ્રેસે સંકલ્પ કર્યો હતો કે આઝાદ ભારતમાં ભૂખથી કોઈ માણસ નહીં મરે અને કોઈને મરવા પણ દીધો નહોતો. ફેમીન એ સંસ્થાનવાદી શોષણનું પરિણામ છે અને એટલે ભારતની પ્રજાને વારંવાર તેનો અનુભવ થતો રહ્યો છે અને તેનો ઈલાજ સ્વતંત્રતા છે એવી જે દલીલ કાઁગ્રેસના નેતાઓ કરતા હતા એ સિદ્ધ કરી આપી હતી.

૨૦૧૪ પહેલાં દેશનો કોઈ જ વિકાસ નહોતો થયો, કાઁગ્રેસીઓએ અને નેહરુ પરિવારે માત્ર સત્તા ભોગવી હતી અને જે વિકાસ થઈ રહ્યો છે એ હવે ૨૦૧૪ પછીથી થઈ રહ્યો છે એવી જે દલીલો કરવામાં આવે છે એ નરેન્દ્ર મોદીની સરકારે ભારતને અન્ન સ્વાવલંબી બનાવનારાઓમાંના એક એમ.એસ. સ્વામીનાથન્‌ને ભારતરત્નનો ઈલ્કાબ આપીને નિરસ્ત કરી નાખી છે. ઉપર કહ્યું એમ નવાઈ પમાડે એવી ઘટના આ કારણે છે.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—236

દીપક મહેતા|Opinion - Opinion|24 February 2024

ચાલો આજે જઈએ મુંબઈની યહૂદી છોકરીનાં લગ્નમાં 

લવજી કાસલમાંથી પાછાં ફરતાં મિસિસ પોસ્તાન્સનું મન વિચારે ચડી ગયું. હિન્દુસ્તાનમાં આવીને ઠરીઠામ થયેલા પારસીઓ એક સાથે બે વાનાં કરે શક્યા છે. તેમની મૂળ ઈરાની સંસ્કૃતિના, તેમના જરથોસ્તી ધર્મના ઘણા અંશો બહુ સભાનતાથી જાળવી શક્યા છે. તો બીજી બાજુ અહીંના લોકો અને તેમની રહેણીકરણીને એટલે અંશે અપનાવી લીધાં છે કે તેઓ ‘પરદેશી’ લાગે નહિ. અહીંના પારસીઓ ઘરમાં અને બહાર પણ ગુજરાતી ભાષા બોલે છે. અલબત્ત, એ બોલવાની તેમની પોતાની એક લઢણ છે જેને બીજા ગુજરાતીઓ ‘પારસી ગુજરાતી’ તરીકે ઓળખે છે.

૧૯મી સદીના મુંબઈમાં યહૂદી પુરુષો

જ્યારે મુંબઈમાં વસેલા યહૂદીઓનું એવું નથી. તેઓ પોતાનો અલગ ચોતરો બાંધીને રહે છે. પોતાના પરંપરાગત આચાર-વિચાર પ્રમાણે વર્તે છે. તે એટલે સુધી કે તેઓ કોઈ બિન-યહૂદીને પોતાને ઘરે ભાગ્યે જ આમંત્રે છે. એટલે જ્યારે એક યહૂદી કુટુંબ તરફથી દીકરીના લગ્નમાં હાજર રહેવાનું નોતરું મળ્યું, ત્યારે મેં તે તરત સ્વીકારી લીધું. બગદાદના એક મોટા વેપારીની દીકરી જેસિકાનાં લગ્ન હતાં. મને જરાક વિમાસણમાં પડેલી જોઈને મને આમંત્રણ આપનાર બાનુએ કહ્યું : ચિંતા ન કરો. આપણે બંને ત્યાં સાથે જશું. આ સાંભળી મને રાહત થઈ.

ઠરાવેલા દિવસે અમે બંને જુદી જુદી પાલખીમાં બેસીને લગ્નસ્થળે જવા નીકળ્યાં. અગાઉ મેં ક્યારે ય જોઈ નહોતી એવી બજારોમાંથી અમારી પાલખી પસાર થતી હતી. લોકોની અને પાલખી, ઘોડા ગાડી, સિગરામ વગેરે વાહનોની એટલી તો ભીડ હતી કે થોડી થોડી વારે જ્યારે પેલી સ્ત્રીની પાલખી નજરે પડતી ત્યારે ત્યારે મને ‘હાશ’ થતી. તેણે ભપકાદાર રેશમી કપડાં પહેર્યાં હતાં. પરંપરાગત પોશાક, રત્નજડિત ઘરેણાં, મારે માટે અજાણ્યો રસ્તો, એ રસ્તા પરતની ભારે ભીડ – અમે જાણે મુંબઈના નહિ, પણ બગદાદના કોઈ રસ્તા પરથી હારુન અલ રશીદને ત્યાં જઈ રહ્યાં હોઈએ એવું લાગતું હતું.

પરસેવે રેબઝેબ થયેલા ભોઈઓએ છેવટે એક મોટા મકાન પાસે અમારી પાલખીઓ ઉતારી. અમે ઊતર્યાં કે તરત વિનયવિવેક પૂર્વક અમને એક મોટા મકાનને ઉપલે માળે આવેલા એક મોટા હોલમાં લઈ ગયા. ત્યાં પાથરેલી ચટાઈઓ પર માથે પહેરેલી પાઘડી સાથે જ કેટલાક બાળકો સૂઈ ગયાં હતાં. એક આધેડ વયની બાઈ તેમનું ધ્યાન રાખવા બેઠી હતી. તેના હાથમાંના પંખા વડે તે થોડી થોડી વારે સૂતેલાં બાળકોને પવન નાખતી હતી. અમે ત્યાં થોડી વાર બેઠાં તે પછી બીજી બાજુનું બારણું ખૂલ્યું. જેનાં લગ્ન થવાનાં હતાં તે છોકરી તેની મા અને બહેનોની સાથે દાખલ થઈ અને એ બધાંએ અમને આવકાર આપ્યો. જેનાં લગ્ન થવાનાં હતાં તે છોકરીનાં અને તેની બહેનોનાં વસ્ત્રો લગભગ સરખાં હતાં. ફક્ત નવવધૂએ ઘરેણાં ઘણાં વધુ પહેર્યાં હતાં.

૧૯મી સદીના યહૂદીઓની લગ્નવિધિ

પરણવાની હતી તે છોકરીની ઉંમર ચૌદ વરસ કરતાં વધુ નહિ હોય. પણ તેના મોં પરના ભાવ અને બોલવા-ચાલવાની ઢબ પુખ્ત ઉંમરની સ્ત્રી જેવાં હતાં. તેનો વાન ઉજળો હતો. આંખો બદામી. ચહેરોમહોરો આકર્ષક. જો કે મોટા ભાગની યહૂદી સ્ત્રીઓ નાની ઉંમરમાં ભલે ગમે તેટલી દેખાવડી હોય. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તેમના ચહેરા પર એક જાતની કઠોરતા દેખાવા લાગે છે. પણ આ છોકરી એ માટે હજી નાની હતી. યહૂદી સ્ત્રીઓને મોટે ભાગે નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવે છે. પછીથી વાતવાતમાં મને ખબર પડી કે આ છોકરીની મોટી બહેન, જે સોળ વરસની હતી, તે બે બાળકોની મા બની ચૂકી હતી! દાખલ થતી વખતે મેં જે સૂતેલાં બાળકો જોયાં હતાં તેમાંના બે તો એ છોકરીના હતાં!

નવવધૂએ પહેરેલાં કપડાં જોઇને કોણ જાણે કેમ મને કેરોની નર્તકીઓ યાદ આવી ગઈ. ગળાથી કમર સુધીનો બારીક સફેદ મસલીનનો ‘અંડર ડ્રેસ.’ તેનો એક છેડો પાની સુધી લટકતો, જેને કારણે ભરત ભરેલી પીળા રંગની મોજડીઓ લગભગ ઢંકાઈ જતી હતી. કિરમજી રંગના સાટીનના ઝબ્બા જેવું કપડું કમરબંધથી બાંધેલું હતું. એ કમરબંધમાં જડેલું એક જ મોટું નંગ આ કુટુંબની સમૃદ્ધિની ચાડી ખાતું હતું. બંને બાંય પહોળી અને ખુલ્લી હતી અને તેના પર સોનાનાં બટન લટકતાં હતાં. ખૂબ જ બારીક ભરતકામવાળી કશ્મીરી શાલ ઉપરણા તરીકે રાખી હતી. કાન, નાક, ગળું, બાવડાં, હાથ, બધું જ મોંઘા દાટ ઘરેણાંથી લથબથ હતું. અને આ શણગાર પર છોગારૂપ હતી લાલ વેલવેટની નાનકડી ટોપી. રંગબેરંગી સ્કાર્ફ વડે તેને દાઢી સાથે બાંધી હતી. આવું શા માટે કર્યું હશે એ મને સમજાતું નહોતું. પણ આ એક અપવાદને બાદ કરતાં બાકીનો પોશાક દેખાવડી છોકરીને વધુ સુંદર બનાવે તેવો હતો.

યહૂદી સ્ત્રીઓમાં બીજો પણ એક વિચિત્ર રિવાજ છે. માથા પરના આગલા વાળ પર મેંદી લગાવી લગાવીને તેનો રંગ ભડક થઈ ગયો હોય. પણ પાછળના વાળ તો લિસ્સા ચમકતા, કાળા જ હોય! એ પાછલા વાળ પાછા ગૂંથીને એની લટો બનાવી હોય. અને દરેક લટને છેડે સોનાનો સિક્કો લટકતો હોય!

હું જેની સાથે આવેલી એ સ્ત્રીને ખ્યાલ આવી ગયો કે નવવધૂનાં કપડાં-ઘરેણાંમાં મને ઘણો રસ પડ્યો છે. એટલે તેણે મને કહ્યું : ‘ચાલો, આપણે અંદરના ઓરડામાં જઈને અમારી છોકરીઓ કઈ રીતે તૈયાર થાય છે એ જોઈએ.’ એટલે અમે અંદર ગયાં. ઓરડાની દીવાલો કોતરણીકામવાળા લાકડાના કબાટોથી ખીચોખીચ ભરેલી હતી. એ કબાટોમાં રંગબેરંગી કપડાં, ટોપીઓ, પગરખાં, અને બીજી કિંમતી જણસો ગોઠવી હતી. તો બીજાં કેટલાંક કબાટોમાં મોંઘાં દાટ ઘરેણાં હતાં. લગભગ બધાં ઘરેણાં પર નાની નાની સોનામહોરો લટકતી હતી.

મુંબઈમાં વસતા ઘણાખરા યહૂદીઓ ત્રણ ભાષા તો બહુ સહેલાઈથી બોલી શકે છે: ફ્રેંચ, અરબી, અને ફારસી. જો કે મારી સાથે તેમણે હિન્દુસ્તાનીમાં વાતચીત કરી. કારણ મને પેલી  ત્રણ ભાષામાંથી એકે આવડતી નહોતી. યહૂદીઓ મોટે ભાગે નોકરો સાથે વાત કરવા માટે હિન્દુસ્તાનીનો ઉપયોગ કરતા હોય છે. અને તે બોલવાની તેમની રીત બહુ તોછડી હોય છે. પણ મારી સાથે વાત કરતી વખતે તેમણે શક્ય તેટલી હદે વિનયવિવેકથી વાત કરી.

વાતચીત દરમ્યાન યહૂદીઓમાં લગ્ન કઈ રીતે નક્કી થાય છે તે પણ મને જાણવા મળ્યું. તેમનામાં પ્રેમલગ્નનો લગભગ અભાવ છે. છોકરાની પરણવાની ઈચ્છા થાય એટલે તે માને વાત કરે. માના ધ્યાનમાં જે પાંચ-સાત લાયક છોકરીઓ હોય તેને વિષે તે દીકરા સાથે વાત કરે. પછી તેમાંથી સૌથી વધુ લાયક છોકરી કઈ તે છોકરાની મા જ નક્કી કરે. એ છોકરીને ઘરે જઈને તે લગ્નનું ‘માગું’ નાખે. જો સામો પક્ષ પણ રાજી હોય તો દીકરાની મા થોડાં સગાંવહાલાં અને સખીઓને લઈને એક દિવસ પેલા મુરતિયાને ત્યાં જાય. પહેલેથી જણાવ્યું હોય એટલે છોકરી બનીઠનીને ગાદીતકિયા પર બેઠી હોય. મોઢા પર ઘૂમટો તાણ્યો હોય. હાથ-પગ મેન્દીથી રંગ્યા હોય. પોતાની સખીઓ અને સગાંઓથી ઘેરાઈને તે બેઠી હોય. બન્ને પક્ષે થોડી ઔપચારિક વાતો થાય. પછી છોકરાની મા બટવામાંથી કિંમતી વીંટી કાઢીને પહેરાવે. બધાં ભેગાં મળીને ગીતો ગાય, ખાનપાન થાય. આ જલસો આખી રાત ચાલે. 

યહૂદી ધર્મગુરુઓ

લગ્નવિધિ છોકરીને ઘરે જ થાય. ઘરના સૌથી મોટા ખંડમાં વચ્ચોવચ રેશમી સુશોભિત પડદો બાંધવામાં આવે. તેની એક બાજુ નવવધૂ અને બંને પક્ષની સ્ત્રીઓ બેઠી હોય. બીજી બાજુ વર અને તેના પુરુષ કુટુંબીઓ બેઠા હોય. અગાઉથી નક્કી કર્યા પ્રમાણેના વખતે સિનેગોગમાંથી કોહેન (ધર્મગુરુ) આવે. તેની સાથે આવેલ રબાઈ એક પ્યાલામાં વાઈન ભરે. તેમાં તાંબું, ચાંદી અને સોનાની એક-એક વસ્તુ મૂકે. પહેલાં એ જામ વરરાજાને આપે. તેમાંથી એક-બે ઘૂટડા પીને તે રબાઈને પાછો આપે. એટલે રબાઈ એ જામ નવવધૂને આપે. આખો જામ પીધા પછી તે ખાલી જામને ભોંય પર ફેંકી દે. લગ્ન પછી દીકરીને વિદાય આપતાં પહેલાં ઘરના ઉંબરા પાસે એક બકરો વધેરવામાં આવે. કન્યાના માથા પર રોટલો મૂકીને તેના કટકા કરવામાં આવે. એ કટકા ખાવા માટે નજીકનાં સગાંઓને અપાય. લગ્નનો ઉત્સવ પૂરા સાત દિવસ ચાલે. આઠમે દિવસે જમણવાર હોય તેમાં બંને પક્ષનાં સગાંવહાલાં, કોહેન, રબાઈ, સૌને નોતરવામાં આવે. જમણ પૂરું થયા પછી આવેલાં સૌ કોઈ રબાઈને નાની મોટી વસ્તુ કે રોકડ રકમ ભેટ આપે. તે લેતી વખતે રબાઈ આપનારનું નામ મોટેથી બોલે, જેને બીજાં સૌ તાળીઓથી વધાવતાં જાય. છેવટે લગ્નસમાપ્તિનું ગીત ગવાય અને પછી નવપરિણીત પત્ની સાથે વર રાજા વિદાય થાય.

ઈજિપ્તની આરબ નર્તકીઓ

લગ્ન પૂરાં થયા પછી અમે ઘરે જવા નીકળ્યાં ત્યારે બંને બાજુ કેટલાક ઊંચા, ગોરા, સશક્ત, દેખાવડા પુરુષો ઊભા રહ્યા હતા. તેમણે પણ ભપકાદાર કપડાં પહેર્યાં હતાં, માથે સાફા બાંધ્યા હતા. લગભગ દરેકને બહુ લાંબી દાઢી હતી. અમે પસાર થયા ત્યારે દરેકે ઝૂકી ઝૂકીને અમને ‘સલામ’ કરી હતી. પણ જાહેરમાં અજાણી સ્ત્રી સાથે વાત કરવાનું તેમના સમાજમાં યોગ્ય ન ગણાય એટલે તેમાંના કોઈએ એક હરફ પણ ઉચ્ચાર્યો નહિ. ઘરે પહોંચી ત્યાર પછી પણ લાંબા વખત સુધી હું આ લગ્ન વિષે વિચારતી રહી.

પૂરક માહિતી : 

સેમ્યુઅલ સ્ટ્રીટ પર ૧૭૯૬માં બંધાયેલ ગેટ ઓફ મર્સી સિનેગોગ મુંબઈનું સૌથી જૂનું સિનેગોગ છે. આ ઉપરાંત બીજાં પાંચ સિનેગોગ મુંબઈમાં આવેલાં છે. થાણા, પનવેલ, અલીબાગ અને પુણે ખાતે પણ એક-એક સિનેગોગ આવેલ છે. આજે મુંબઈમાં યહૂદીઓની વસતી ૪ હજાર કરતાં ઓછી હોવાનું મનાય છે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 ફેબ્રુઆરી 2024)

Loading

...102030...866867868869...880890900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved