Opinion Magazine
Number of visits: 9957404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અગ્નિવીણા : સ્વામી આનંદ

નારાયણ દેસાઈ|Gandhiana, Profile|13 March 2024

નારાયણ દેસાઈ

કાઝી નસરુલ ઇસ્લામના પ્રસિદ્ધ કાવ્યગ્રંથનું નામ છે ‘અગ્નિવીણા’. સ્વામી આનંદની પ્રતિભામાં પાવકની પાવન-કારી શક્તિ અને વીણાના માધુર્યનું મિલન હતું. તેમના વ્યક્તિત્વમાં એક તરફ તિલક-ગાંધીની સત્યનિષ્ઠા અને બીજી તરફ સૂર-તુલસી અને રામકૃષ્ણની ભક્તિના સંસ્કાર સમન્વિત હતા.

‘અંત્યજ’ કે આદિવાસી પ્રત્યે થતો અન્યાય, બનાવટી સાધુઓનો દંભ, સંકુચિત પ્રાંતવાદ, અંગ્રેજોનો સામ્રાજ્યવાદ, સ્વરાજ પછીના ઘઉંવર્ણા સાહેબોના ડોળદમામ અને ભ્રષ્ટાચાર, રચનાત્મક કાર્યકર્તાઓની જડતા-નિષ્ક્રિયતા કે રાજ્યાશ્રિતતા, અણુબોંબ કે જંતુયુદ્ધની ભીષણતા, સભ્યતા અને પ્રગતિને નામે પ્રકૃતિ પર ગુજારાતો અત્યાચાર – આ તમામ બાબતો સ્વામીની અસિધારાના વારના વિષયો હતા. એક સૈકામાં અગિયાર ઓછાં વરસના એમના દીર્ઘ જીવનના વરસે વરસના ત્રણસો ને પાંસઠ દિવસમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે જ્યારે સ્વામીના અગ્નિના તણખા નહીં ઝર્યા હોય. આ અગ્નિશિખા જ એમના કર્મયોગની પથપ્રદર્શિકા હતી. અન્યાય સામે નિરંતર ઝઝૂમવાનો એમનો તરવરાટ જ એ સંન્યાસી જીવને સંસારના રણ આંગણમાં ખેંચી જતો; એ જ એમને તિલક મહારાજ કે ગાંધીજીને ચરણે બેસાડતો, થાણા કે સૂરત જિલ્લાના વાર્લી, કુંકણા દૂબળા કે ઢોડિયાઓની ઝૂંપડીઓ સુધી રખડાવતો, એ જ એમની પાસે જેને એક વાર પોતાના ખોળામાં લઈને ફેરવેલી અને પાછળથી જેની ઝળહળતી કીર્તિ જોઈ હૈયું ઠારેલું તે ઇન્દિરાજીની ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહીને પોષક નીતિ જોઈને એની સામે રણશિંગું ફૂંકવા પ્રેરતો. એ જ તરવરાટ જેની ઓળખાણ પોતે ગાંધીજીના સર્વશ્રેષ્ઠ સાથી તરીકે, ઈશુના સર્વશ્રેષ્ઠ સંત સમા ઓલિયા તરીકે કરાવેલી તે વિનોબાજી અંગે એમ કહેવડાવી શકેલો કે, ‘તમારા કોરા અધ્યાત્મવાદે તમને આબાદ ગોથું ખવડાવ્યું છે.’

બીજી બાજુ એમનું માધુર્ય પ્રેમ, વાત્સલ્ય કે કરુણાના ધોધ રૂપે સદા ધસમસતું રહ્યું છે. દશ વર્ષની વયે ભગવાનના દર્શનના લોભે ઘર છોડી નીકળી પડેલા તે રખડુ સાધુઓની સંગતમાં ચેલાઓ ઉપર થતી જોહુકમી અને જુલમ જોઈ કે ભીખ માંગવામાં ઉપયોગી નીવડે એટલા સારુ કુમળાં બાળકોની આંખો ખુદ માતા પિતાને જ જાતે ફોડી નાખતાં જોઈને એમનું હૈયું દ્રવી ઊઠેલું. તેમાંથી રામકૃષ્ણ પરમહંસના કોઈ શિષ્યની આંગળી પકડી ઊગરી નીકળવા છતાં એ દૃશ્યની કરુણતા આખી જિંદગી સુધી ભૂલી ન શક્યા. રામકૃષ્ણાશ્રમમાં ભજનોનો જે નાદ લાગ્યો તે છેવટ સુધી એમના હૈયાને તરબોળ કરતો રહ્યો અને સંગીતથી સાત વાર છેટે રહીને સુધ્ધાં રોજે રોજ પ્રાર્થનામાં તુલસીની ‘બાતન કી એક બાત – રામનામ લીજિયે, રામનામ લિજિયે’નો જપ કરતા રહ્યા.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ તથા અનાસક્તિયોગ જેવા મુખ્ય ગ્રંથોની પ્રસ્તાવનામાં જેમના નામનો ઉલ્લેખ આવે છે; વિનોબા, મશરુવાળા, મહાદેવ કે નરહરિની હરોળમાં જે સહેજે બેસી શકે એમ હતા, સિંહગઢમાં તિલક મહારાજ અને ગાંધીજીનો સહવાસ ગોઠવી આપનાર, આખા દેશને નવું જીવન આપનાર ‘નવજીવન’ના અંકો તૈયાર કરવામાં જેમનું સ્થાન ગાંધીજી પછી બીજે નંબરે આવે એમ હતું, જેમણે ગોસેવા સંઘનું મંત્રીપદ શોભાવેલું અને કસ્તૂરબા ટ્રસ્ટનો પાયો નાંખેલો, બાળા સાહેબ ખેર અને આચાર્ય ભિસે જેવાએ જેમની પાસેથી આદિવાસીઓની સેવાની પ્રેરણા લીધેલી, બિહારના ભૂકંપ વખતે જેમણે ગુજરાતની રાહત ટુકડીની આગેવાની કરેલી, સરદાર પટેલના મિત્ર અને મંત્રી તરીકે જેમણે એકથી વધુ વાર કામ કરેલું, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જેમણે નિરાશ્રિતોની સેવા ઘરના માણસની જેમ કરેલી; ખેર સાહેબ, વૈકુંઠભાઈ મહેતા, યશવંતરાવ ચવ્હાણ જેવા પ્રધાનો જેમની પાસે આદરપૂર્વક સલાહ માગતા તેમને આજે લોકો આટલું ઓછું કેમ જાણે છે ?

સ્વામી આનંદ

‘સ્વામી આનંદ ! નામ તો કાંઈક પરિચિત સંભળાય છે. પણ બરાબર ખ્યાલ આવતો નથી.’ એમ કેમ કહે છે ? ભાઈ, દેશના તમામ સ્વામીઓનાં નામ પાછળ આનંદ શબ્દ તો લાગેલો જ હોય છે. માટે એ નામ પરિચિત લાગે એ સ્વાભાવિક છે. પરંતુ સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે સંસારી વસ્ત્રોમાં હોવા છતાં તેઓ આજન્મ સંન્યાસી જ હતા. પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા અને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મેળાવડામાં કે મંચ પર બિરાજેલા ન દેખાય. એ તો હોય કોઈ ટ્રેડળ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઉથલાવતા, ચોક્કસ ઉદ્ધરણોનાં મૂળ શોધતા કે થોડી જગામાં વધારે મેટર કેવી રીતે સમાવવું તેની ગડમથલ કરતા. એમને તમે કોઈ પાર્ટીમાં ન જુઓ, એમની મિજબાની તો ચાલતી હોય ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડાંઓમાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં.

(જો કે ખાવાની વાત નીકળી છે તો સાથે સાથે મારે કહી દેવું જોઈએ કે જીવનના તમામ વિષયોની માફક ખાવાની બાબતમાં પણ તેઓ ‘યો વૈ ભૂમા તત્ સુખમ્ ન અલ્પે સુખમસ્તિ’ના મંત્રમાં માનતા અને તેથી જ, દૂધ પીતા તો તેનું માપ સો બસો મિલિગ્રામમાં નહીં પણ લિટર અને ગેલનમાં ગણાતું અને પૂરું જમ્યા પછી મુખવાસ તરીકે પાશેરેક બદામ કે ફળાહારમાં એકાદ ડઝન કેળાં-સંતરાં કે પાંચ છ ગ્લાસ શેરડીનો રસ ગટગટાવી જતાં મેં એમને જોયા છે !) એમના સહજ સંન્યાસને લીધે એમને પ્રતિષ્ઠાની પરવા જ નહોતી, તેથીસ્તો સાહિત્ય અકાદમીએ પાંચ હજારનું પારિતોષિક આપતાં એમનો ટૂંકો ‘બાયો-ડેટા’ માંગ્યો ત્યારે એ ઈનામને પાછું ઠેલી એમણે લખ્યું – તમને ભારતીય સંસ્કૃતિની કાંઈ જાણબાણ છે ખરી કે ? સાધુને એના પૂર્વાશ્રમ વિષે પુછાતું હશે !

પણ એ કહેવું મુશ્કેલ છે કે સ્વામી સંન્યાસી વધુ હતા કે સંસારી. પોતે વ્યક્તિગત રીતે સંન્યાસી હોવા છતાં એ એક વિશાળ પરિવારના કુલપતિ હતા. એક વખત ગંગોત્રી ગયેલા. ત્યાં નહાતી વખતે સગાંવહાલાંનું સ્મરણ કરીએ તો ગંગા નહાયાનું પુણ્ય એમને પણ લાગે એવી માન્યતા છે. સ્વામીએ વિચાર્યું કે દરેક આપ્તજનને યાદ કરીને એક ડૂબકી મારવા જાઉં તો અહીં જ ટાઢે ઠરી મરીશ. તેથી તેમણે એક યુક્તિ કરી. સૌથી નિકટના જે આપ્તજનો હતાં તેમનાં નામોની યાદી બનાવી, એ યાદી ગંગાકાંઠે ઊભા રહીને વાંચી ગયા. પછી એક સામટી બધાં વતી ડૂબકી મારી. એ યાદી સાડાત્રણસો લોકોની થઈ હતી ! છતાં એમના મનમાં રહી ગયું હતું કે યાદી સાવ અધૂરી રહી ગઈ. કોઈ સંસારી માણસ પોતાની દીકરીના લગ્નની કંકોતરી સારુ જેવી યાદી બનાવે તેવી યાદી તો સ્વામીને પોતાના નજીકનાં સગાંવહાલાંની કરવી પડે એમ હતું.

પાછલી ઉંમરમાં સામાન્ય રીતે લોકો એમને ‘સ્વામીદાદા’ કહેતા. મોહન પરીખ વગેરે કેટલાક એમને ‘સ્વામી કાકા’ કહેતા. પણ મારા તો એ ‘મામા’ જ. મહાદેવભાઈના એ અભિન્નહૃદય મિત્ર એ વાત ખરી, પણ દુર્ગાબહેનના તો એ જાણે મા જણ્યા ભાઈ જ. સત્યાગ્રહ આશ્રમ સાબરમતીમાં દુર્ગાબહેનને રસોડે રોજ મહેમાનોની ભીડ જામે. પણ રોજેરોજ નવજીવનમાં જતાં મહાદેવભાઈ જો શાકભાજી કે ઘરવખરીની ચીજો વહોરી લાવે તો એમનું નામ શી રીતે સાર્થક થાય ? કોઈ સ્ત્રી કરતાં પણ વધુ ઝીણવટથી સ્વામી મામા બા સારુ માલ સામાન વહોરી લાવતા. અલબત્ત, સ્વામી મામા વહોરે એટલે એનું પ્રમાણ ઓછું હોય જ નહીં. મારા પિતાશ્રીનાં અસ્થિ લઈને સ્વામી મામા મને અને મારા કાકા પરમાનંદને હરદ્વાર લઈ ગયેલા. ત્યાં અમારા ત્રણ જણ માટે જે શાક પાન ખરીદે તે પણ એ જ રીતે. એટલે હું પરમાનંદને કહું, ‘પહેલાં એક ટોપલો ખરીદજો, પછી શાકભાજી !’

મામા હસીને કહે, ‘તું જ મારે માથે માછલાં ધુએ એમ છે.’ પછી શાકભાજીયે ખરીદે અને એને વહી જવા સારુ ટોપલોયે ખરીદે. રોજ અમારા ત્રણ ઉપરાંત બીજા કેટલાયની રસોઈ થાય ને તે હરિજનો કે રક્તપિત્તિયાંને ખવડાવવામાં આવે. મામા કહેતા, ‘આપણે સારુ તો આ જ બ્રહ્મભોજન.’ સ્વામી(મૂળ હિંમતલાલ ત્રિવેદી)ના પૂર્વાશ્રમના ભાણજા ભત્રીજાઓની સંખ્યા પણ ખાસ્સી એવી હતી. એ બધાં સાથે પણ સ્વામી કાકા મામા તરીકેનો વહેવાર રાખતા અને અમારા જેવા સેંકડો બીજા. છેલ્લે છેલ્લે વડોદરામાં જયપ્રકાશ સ્વાસ્થ્ય નિધિની અપીલનો ખરડો લખાવવા સારુ ગયેલો ત્યારે મળેલો. તે વખતે પણ મેં વિદાય લીધી ત્યારે બળજબરી કરીને મામા તરીકે ભાણેજના ખિસ્સામાં ૧૦-૧૦ની પાંચ નોટો સેરવી દીધી. કાંતા-હરવિલાસ એમની પાસે જાય ત્યારે એ કહેતા કે ‘તમે તો દીકરીઓ. તેથી મારે મન તો તમે તુલસીક્યારો. એને જેટલું પાણી પાઓ એટલું પુણ્ય જ મળે.’

એમનો એ પ્રેમ મૂંઝવી-અકળાવી નાખે એવો લાગે. જેમની ઉપર સ્વામી રીઝે એને માત્ર પ્રેમથી જ નહીં, પણ પ્રશંસાથી પણ નવરાવી નાખે. ત્યારે જે મૂંઝવણ થાય તેનો અનુભવ મારી માફક ભાઈ મોહન પરીખ, ‘ભૂમિપુત્ર’વાળા કાંતિ શાહ, ફોટોગ્રાફર અશ્વિન મહેતા, જસ્ટિસ નરેન્દ્ર નથવાણી, શ્રીમતી હેમુબહેન ખીરા, એમના ઉત્તર જીવનમાં અનન્ય ભક્તિથી તેમની સેવા કરનાર ભગવતીબહેન, રામદાસ ગાંધીની પુત્રી સુમિત્રા કુલકર્ણી, કોસબાડ કૃષિ કેન્દ્રના જયંતરાવ પાટિલ, શ્યામાપ્રસાદ મુખર્જીના નાના ભાઈ ડૉ. મયાદેવ, મહાદેવથી મોટેરાવાલા છોટુકાકા વગેરે સેંકડોએ કર્યો હશે.

હમણાં એક જૂનો પ્રસંગ યાદ કરીને વિનોબાએ પંડિત નહેરુને ટાંક્યા. ‘એમને ગાંધી ગૌતમ અને ગંગાનો અનુરાગ હતો. મેં એમાં બે શબ્દનો ઉમેરો કર્યો છે : ગીતા અને ગાય. એટલે ભારતીય સંસ્કૃતિ આવી ગઈ.’ ગૌતમ વિષેના સ્વામીના અનુરાગને હું વિશેષ જાણતો નથી. ભારતીય સંસ્કૃતિના બાકી ચાર સ્તંભો પર તો સ્વામી ન્યોછાવર હતા.

ગયે વર્ષે ભાઈ શ્રીરામ ચિંચલીકર સ્વામી સાથે ગીતા વિષે કાંઈક ચર્ચા કરવા કોસબાડ ગયેલો. સ્વામી કહે, ‘વર્ષો સુધી એક પગ પર ઊભા રહીને રોજ બે વાર હું આખી ગીતાનો પાઠ કરતો. તે કાળ સુધીમાં લખાયેલું ગીતા અંગેનું લગભગ બધું ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી સાહિત્ય મેં વાંચી કાઢેલું. પણ મને તો એક જ વસ્તુ શીખવાની મળી કે વાંચવાથી નહીં, પણ અનુભવથી શીખાય છે.’ છેલ્લા દિવસોમાં સ્વામીએ ગીતાના ૧૦૮ શ્લોકોની પસંદગી કરીને પોતાની આગવી શૈલીમાં એનો અનુવાદ કરી લોકગીતા નામે એને પ્રસિદ્ધ કરેલો. આ પસંદગીમાં તમે જુઓ તો તત્ત્વજ્ઞાનના શ્લોકો વીણી વીણીને કાઢી નાખેલા અને કર્મ ભક્તિના શ્લોકો પસંદ કરાયેલા. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને પુરુષોત્તમ યોગ વિનાની ગીતાની તમે કલ્પના કરી શકો ખરા ? પણ એવી પસંદગી કરવાની સ્વામીની હિંમત હતી.

ગાંધી પાછળ તો એમણે જીવન ગાળ્યું. એના જ એક ભાગ તરીકે એમણે ગોસેવાને પણ અપનાવી. એમેય ગાય વિષેનો એમનો પ્રેમ મૂળનો જ. તેથી જ દૂધને ઉકાળ્યા વિના ધારોષ્ણ જ પીએ.

પણ મૂળે જીવ હિમાલય અને ગંગાનો અનુરાગી. હિમાલયનો પ્રવાસ કાકાસાહેબે લખ્યો તેમાં એમના બે સાથીઓ. એક આચાર્ય કૃપલાની અને બીજા સ્વામી. ત્રણેમાં સૌથી નાના સ્વામી, પણ હિમાલયના સૌથી વધુ ખૂંદનાર પણ એ જ. ‘એક્રોસ ધ ગંગોત્રી ગ્લેશિયર્સ’માં આપણને સ્વામીના હિમાલય અને ગંગાના અનુરાગનું થોડું તીર્થ સલિલ ચાખવા મળે છે. પણ કૌસાનીમાં સામે ૨૦૦ માઈલ સુધી હિમગિરિ શિખરોની માળા પથરાયેલી હોય તે ઝૂંપડીમાં કે હરદ્વારમાં ગંગાને કાંઠે કોઈ ધર્મશાળામાં એમની જોડે રહ્યા હો તો હિમાલયના અનેક પ્રવાસોનાં તેમનાં સંસ્મરણો સાંભળવાનાં મળે.

આપણને મનમાં એમ રહી જાય ખરું કે સ્વામીએ જો પોતાનાં પ્રવાસવર્ણનો લખ્યાં હોત તો ગુજરાતી ભાષાને એક મોટો લાભ થયો હોત. પણ એમણે ગુજરાતી ભાષાને જે કાંઈ આપ્યું છે તેનું મૂલ્ય પણ ઓછું નથી. એમ તો સ્વામી ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં લગભગ સરખું જોમદાર લખી શકતા. ૧૯૪૨ના આંદોલન વખતે ‘ક્વિટ ઇન્ડિયા’ નામની અંગ્રેજી પત્રિકા સ્વામી ભૂગર્ભમાં રહીને કાઢતા. તેમનો અંગ્રેજીનો શબ્દ ભંડોળ જોઈને રાજાજી જેવા આશ્ચર્યચકિત થઈ ગયેલા. એમની અંગ્રેજીમાં બાઇબલની ભાષા અને હિંદી મરાઠીમાં સંતોના સાહિત્યની છાપ હતી. ગુજરાતીમાં તો સ્વામી આનંદની એક આગવી અને અનુપમ શૈલી હતી. શબ્દોના એ સ્વામી હતા. એમની શૈલીની ઓજસ્વિતા એમના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડતી હતી. એમના ચરિત્રચિત્રણમાં અજબ સજીવતા હતી. મોનજી રુદર, મહાદેવથી મોટેરા, સંતોના અનુજ, અને કુળ કથાઓમાંનો પેલો મેરુ ઘોડો તથા ‘નઘરોળ’ની પેલી ધોબણ એમના ચરિત્રચિત્રણના નમૂના પૂરા પાડે એમ છે. પરંતુ સ્વામીનું વાઙ્મય એ પોતે જ એક સ્વતંત્ર લેખનો વિષય બની શકે એમ છે.

જીવનનાં છેલ્લાં બે વર્ષો સ્વામીએ દૂર રહ્યાં રહ્યાં પણ ‘જેપ્રકાશજી’ સાથે તાદાત્મ્ય અનુભવતા ગાળ્યાં. ‘ભૂમિપુત્ર’ના લેખો દ્વારા બિહાર આંદોલનની એમણે આપેલી પિછાણ જેવી દેશની બીજી ભાષાઓમાં પણ જોવા નહીં જડે. એમનાં લખાણોની એક નાની સરખી પુસ્તિકા મેં હિંદીમાં તૈયાર કરેલી. એમના લખાણનું ભાષાંતર કરવાની રજા મેળવવી એ પોતે જ એક ગર્વનો વિષય ગણાય. દુર્ભાગ્યે સર્વ સેવા સંઘના મૌનને કારણે એ પુસ્તિકા પ્રગટ ન થઈ શકી અને જૂનની પચ્ચીસમી પછી તો આખો સંદર્ભ જ બદલાઈ ગયો.

આ બદલાયેલા સંદર્ભ અંગે સ્વામીના દિલમાં ઊંડી શૂળ હતી. જાણે પોણા સૈકાના જાહેર જીવનમાં તેઓ જે જે મૂલ્યો સારુ ઝૂઝ્યા તે બધાં જ વડા પ્રધાનની સત્તાલોલુપતા તેમ જ મદાંધતા અને એમના સાથીઓની ખુશામતખોરી અને તકસાધુતાને લીધે ધૂળમાં મળતાં ન હોય એમ એમને લાગતું હતું. શું આ તે જ સ્વરાજ છે કે જેને સારુ તિલક અને ગાંધીએ પ્રાણ પાથર્યા ? અહીં તો સત્તાવાદ અને ભ્રષ્ટાચારની પોલ ખોલવાના ગુના ખાતર દેશના બત્રીશ લક્ષણાઓને બંદી બનાવવામાં આવ્યા છે. સ્વામી પોતે વાણીના કસબી હતા એટલે વાણી-સ્વાતંત્ર્યને રુંધવાની તમામ ચાલબાજીઓથી તેઓ વિશેષ દુભાય એ સ્વાભાવિક હતું. એમને મન મોટું દુ:ખ તો એનું હતું કે આખી પ્રજાને યોજનાપૂર્વક નામર્દ બનાવવામાં આવી રહી છે. તેથી જ અનેક વાર તેઓ કહેતા અને એક વાર તેમણે પોતાના એક અંગ્રેજી લેખમાં લખેલું કે ‘સાત દાયકાના મારા સામાજિક જીવનમાં મેં અનેક ચડતી પડતી જોઈ છે, પણ તેમાં મને અત્યારે થાય છે તેવો વિષાદ માત્ર એક જ વાર થયો હતો – જ્યારે મેં દેશની એકતાનું ગાંધીજીનું સપનું ભાંગીને ભુક્કો થઈ જતું જોયું ત્યારે. પણ મને લાગે છે કે આજે જે થઈ રહ્યું છે તેનું અનિષ્ટ પરિણામ દેશના ભાગલા કરતાં ય વધુ ખરાબ આવશે.’

પૂ. રવિશંકર મહારાજની જેમ સ્વામીએ પણ કહ્યું હતું કે ‘મારી તબિયત રજા આપત તો મારું સ્થાન જયપ્રકાશજી ભેગા જેલમાં જ હોત. પ્રત્યક્ષ રીતે તેઓ જેલમાં ગયા નહોતા. પણ આજની પરિસ્થિતિની ગૂંગળામણ તેઓ બહાર રહ્યા પણ જેલ જેવી જ અનુભવી રહ્યા હતા. એ રીતે જોઈએ તો મૃત્યુ દ્વારા એમનો છુટકારો જ થયો.

પરંતુ અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે અમર રહેશે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ, 2024; પૃ. 08-09 તેમ જ 11

Loading

ગામડે પાછી વળી

સુરેશ જાની|Opinion - Opinion|13 March 2024

હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.

આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ હતી. મારી રૂમના નાનકડા ટેબલ પર …….. કમ્પનીમાં મેનેજર તરીકે મારી નિમણૂંક કરતો એપોઈન્ટમેન્ટ ઓર્ડર પડેલો હતો. અને પગાર પણ કેટલો બધો? બાપ રે બાપ! આ સમાજ સેવાના કામમાં ત્રણ મહિનાના પગાર કરતાં પણ વધારે ! ફોન પર તો ઘરનાં બધાંએ મને એ માટે અભિનંદન પણ પાઠવ્યા જ હતા ને?

એ વખતે નવી દિલ્હીમાં ….. સામાજિક સેવાની સંસ્થામાં દિલ દઈને હું કામ કરતી હતી. ભલે એ સંસ્થાનો પગાર ઓછો હતો, પણ મારા ભણતરને મેં ત્યાં બરાબર કામે લગાવ્યું હતું. સમાજસેવાનું એ કામ આ ગઢવાલી છોરીને ઘરના કામ જેવું જ લાગતું હતું. લગાવથી કરેલા એ કામના હિસાબે જ તો અમારા સૌથી મોટા બોસના મોટા ભાઈએ તો  કદી ના મળે તેવી એ તક માટે મને ઓફર કરી હતી. પંદર દિવસથી આની જ વાતો ચાલતી હતી ને? કેટલો બધો ઉમંગ હતો મને – કદિક જ મળતી આવી તક ઝડપી લેવાનો?

પણ સાથે સાથે … કામ પતાવી સાંજે રૂમ પર પાછા આવતાં, નાકા પરના પંજાબી ઢાબા પર સાવ મામૂલી રોજ માટે કમરતોડ મજૂરી કરતા, સરિયાધારના જ *દિલાવર ચાચાને દરરોજ જોવાના, એમનાં કુટુંબીજનોનાં ખબર અંતર પુછવાનાં અને એમનો નિસાસો હૃદયમાં શૂળની જેમ ભોંકાતો અનુભવવો – એ મારો નિત્ય ક્રમ થઈ ગયો હતો. અને દિલાવર ચાચા એકલાની જ એ વ્યથા થોડી હતી? સામાજિક કામના સબબે મારે નવી દિલ્હીની ઘણી શેરીઓમાં રખડવું પડતું અને ઠેક ઠકાણે અમારા કે અમારી બાજુના  ગામના આવા કેટલા ય ચાચાઓની કરમ કઠણાઈ સાંભળવા મળતી, અને દિલમાં ઊંડો ચિરાડો પડી જતો.

આજે કોણ જાણે કેટલામી વાર દિલાવર ચાચાએ એની એ જ વાત વાગોળી ન હતી?

‘ગામની બટાકાની ખેતીમાં કશો શુક્કરવાર જ ક્યાં છે? ખેતરમાં કમરતોડ મજૂરી કર્યા છતાં માંડ માંડ બે ટંકે ભેગા થવાનું ને? અહીં ભલે ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે, પણ ધીમે ધીમે છોકરાંવની ઈસ્કૂલની ફી તો નીકળે છે? અમારી જિંદગી ભલે આમ મજૂરીમાં જ પતે, પણ એ વ્હાલુડાં તો સારા દા’ડા જોશે.’  બધેથી બસ  આ જ વાત. ગામનું એક પછી એક ઘર ખાલી થતું હતું,

‘મારા ઘર ઉપરાંત બે જ ઘરનાં બારણાં ખુલ્લાં હતાં ને? કેવું રૂડું રળિયામણું હતું મારું વ્હાલું સરિયાધાર, અને હવે કેવો કરાળ કાળ જેવો ભેંકાર? અને પૂરનો આ વિનાશ?(૨૦૧૩) હવે તો એક પણ ગામ એ વિનાશથી સાબૂત રહ્યું નથી. મારા ગરીબ ગામવાસીઓની તો કમર જ ટૂટી ગઈ છે. શું આનો કોઈ રસ્તો જ નહીં?’

અઠવાડિયા પહેલાં અમારા જેવા સામાજિક કાર્યકરોના એક સેમીનારમાં ખેતીના એક એક્સ્પર્ટ *સુશાંતે કરેલી ‘મશરૂમ’ની ખેતીની વાત મારા દિલમાં ઠસી ગઈ હતી. મશરૂમ ઉગાડવાની રીત અને વેચવાથી થતી મસ મોટી બરકત વિશે મને ઘણું બધું જાણવા મળ્યું હતું. ૧૯૭૮માં કટક, ઓરિસ્સામાં શરૂ થયેલ મશરૂમની ખેતી હવે તો દેશમાં બહુ જ નફાકારક ખેતી અને ધંધો બની ગયાં હતાં – તેની માહિતી સુશાંતે જ આપી હતી ને? અને પેલી સરલાની કહાણી? ૧૫,૦૦૦ રૂની જ મતા અને ઘરના પાછલા ભાગમાં તેણે શરૂ કરેલી મશરૂમની ખેતીએ તો એને એવોર્ડ વિજેતા બનાવી દીધી ન હતી?

આવા બધા વિચારોની વચ્ચે એ લોભામણી અને બહુ ઊંચા સ્થાને લઈ જઈ શકે તેવી તક ઝડપી લેવી કે જતી કરવી એ બે પલ્લાં વચ્ચે મારું મન ઝોલાં ખાતું રહ્યું. એ ઝોલામાં હું ક્યારે પોઢી ગઈ, તેની ખબર જ ન રહી. એ અંધાર ઘેરી રાતની કોઈક ગેબી પળે હું ઝબકીને જાગી ગઈ. હમણાં જ પૂરાં થયેલાં સપનાંએ મારા મનમાં કોઈક ગજબની શક્યતાનો ચમકારો ઝબકાવી દીધો.

‘હું ગામ જઈ મશરૂમની ખેતી કરું તો?

અને… સવાર પડતાંની સાથે જ મેં તો સાહેબના ભાઈને ‘ના’નો ફોન કરી જ દીધો. બીજો ફોન સાહેબને  – એક મહિનાની રજા માટે. બપોર પડતાં તો મારી બેગ ભરીને હું તો નવી દિલ્હીના બસ સ્ટેન્ડ પર પહોંચી ગઈ, અને … ઘર આવે વહેલું!

બસ એ રાત વીતી ગઈ અને મારા જીવનમાં સલોણી ઉષા ઊગી નીકળી.

*કાલ્પનિક પાત્રો

નવી દિલ્હીની ઝગમગાટ જિંદગીની સરખામણીમાં ધૂળિયા ગામ તરફની એ પીછેહઠ દિવ્યા માટે આગેકૂચ નિવડી. નજીકના ગામની શાળામાં ચાલીને ભણવા જતી દિવ્યા પહેલેથી ભણવામાં હોંશિયાર હતી. દહેરાદૂનની શાળામાં અને પછી દિલ્હીની કોલેજમાં તેણે સ્કોલરશીપ મેળવીને પોતાનું ભણતર આગળ ધપાવ્યું હતું. એ શિક્ષણે જ તો તેને નવી દિલ્હીમાં સમાજ સેવા કરતી સંસ્થામાં સારા પગારની નોકરી અપાવી હતી. અને તેની એ જ પ્રતિભા આ ક્રાંતિકારી નિર્ણય લેવા માટે કારણભૂત બની રહી.

સરિયાધર પાછા આવીને તેણે ઘરની નજીકમાં જ એક શેડ બાંધી મશરૂમની ખેતી શરૂ કરી દીધી. બટાકાની ચીલાચાલુ ખેતીમાં એક કિલોગ્રામે માંડ ૮થી ૧૦ રૂપિયાના વળતરની સામે આ ખેતીમાં ૮૦થી ૧૦૦ રૂપિયાનો નફો મળવા લાગ્યો. પહેલી સફળતા બાદ દિવ્યાએ વધારે ઊંડો અભ્યાસ કર્યો અને ઉત્તરાખંડની આબોહવાને અનુકૂળ આવે તેવી જાતો ઉગાડવી શરૂ કરી. વધારે જમીન ન વપરાય તે માટે દિવ્યાએ વાંસનાં માળખાં ઊભાં કર્યાં અને બટન, ઓઈસ્ટર અને મિલ્કી મશરૂમ ઉગાડવા માંડ્યા. આ બધા ફેરફારને કારણે તેની  ખેતીની આવક અનેક ગણી વધી ગઈ.

તેની સફળતાથી પ્રેરાઈને બીજા ખેડૂતો પણ આ કામમાં તેનું માર્ગદર્શન લેવા માંડ્યા. જેમની પાસે જમીન ન હોય તેવા લોકો પણ એક રૂમમાં આવી ખેતી કરી શકે – તે દિવ્યાએ શીખવ્યું.

દહેરાદૂન ખાતે મશરૂમની ખેતીની તાલીમ આપવા માટે ટ્રેનિંગ કોર્સ પણ દિવ્યાએ શરૂ કરી દીધા. ૫૦,૦૦૦ રૂ.ના મૂડી રોકાણથી ગમે તે જગ્યાએ આવી ખેતી કરી શકાય, તે પણ તેણે લોકોને સમજાવવા માંડ્યું. માંડ એક જ વર્ષ અને દિવ્યાએ કુટુમ્બીજનો અને સંબંધીઓની આર્થિક મદદથી દિલ્હીમાં ‘સૌમ્ય ફૂડ્ઝ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કમ્પની સ્થાપી અને બધા ખેડૂતોને માર્કેટિંગની સેવા આપવા લાગી.

દિવ્યાની સમાજસેવા હવે દિલ્હીથી પીછે હઠ કરીને તેના ગામવાસીઓ તરફ વળી ગઈ છે – કે પછી આગેકૂચ કરી રહી છે?!

અન્ય સંદર્ભ –

http://antidotemag.com/apothecary/divya-rawat/
http://99businessideas.com/start-profitable-mushroom-farming-business/
History of Mushroom farming in India     
સરલાની વાત…
——
e.mail : surpad2017@gmail.com

Loading

પુસ્તક નિર્દેશ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 March 2024

‘પ્રદ્યુમ્ન તન્ના’, સંપાદક : અભિજિત વ્યાસ, પ્રકાશક : કલાતીર્થ ટ્રસ્ટ, સૂરત, પાનાં 234, કિં. અમૂલ્ય

‘ચિત્રકળા અને સાહિત્યનો સંગમ’ એવું સમાંતર શીર્ષક ધરાવતું આ પુસ્તક અનોખા કવિ-ચિત્રકાર-છબિકાર અને ભારતીય લોકકલાઓના અભ્યાસી પ્રદ્યુમ્ન તન્ના (1919-2009) વિશેના સર્વસંગ્રહની નજીક પહોંચે છે.

ઈટાલીના ચિત્રકાર-ચિત્રશિક્ષિકા રોઝાલ્બા સાથે લગ્ન કરીને એ દેશમાં અરધી જિંદગી વીતાવનાર પ્રદ્યુમ્નભાઈના પ્રેમ-સંઘર્ષ-સર્જનથી તરબતર, કાલ્પનિક લાગે તેવા ઉત્કટ, ઉમદા જીવનનું વાચકને ઝળાહળાં કરી દેનારું પરિદૃશ્ય આ સ્મરણગ્રંથ આપે છે.

ચિત્રકારે દોરેલાં અનેક પ્રકારના બહુરંગી ચિત્રો અને તેમણે ઝડપેલા ફોટોગ્રાફ્સ, તેમના વિખ્યાત કાવ્યસંગ્રહ ‘છોળ’માંના રેખાંકનો, એકાકાર દંપતીના અંગ્રેજી-ઈટાલિયન કલાપુસ્તકોનાં મુખપૃષ્ઠો, ચૂંટેલી છબિઓ જેવી વિપુલ ચિત્રસામગ્રી પુસ્તકને અત્યંત મૂલ્યવાન બનાવે છે.

કવિની કેટલીક ગુજરાતી રચનાઓ અને એનો ઈટાલિયન સ્વાનુવાદ, તેમના સંસ્મરણાત્મક તેમ જ લલિત લેખો પણ વાંચવા મળે છે. ‘અમે બેઉ’, ‘ઓળખ’ અને ‘ઋણસ્મરણ’ એવા સ્વકથનોની સાથે કવિ યજ્ઞેશ દવેએ લીધેલી દીર્ઘ મુલાકાત કલાકારના સકલ રસમય જીવનની પ્રતીતિ કરાવે છે.

જયંત મેઘાણી, મકરંદ દવે, વિપુલ કલ્યાણી, રઘુવીર ચૌધરી અને સંપાદક ઉપરાંત કેટલાક અભ્યાસીઓ તેમ જ આપ્તજનોના સંતર્પક લેખો પુસ્તકનાં સો પાનાંમાં છે.

પુસ્તકને ઘરેણાં સમું બનાવાનો શ્રેય અનેકવિધ કલાઓના મરમી વિવેચક એવા સંપાદક અભિજિતભાઈને જાય છે. પ્રદ્યુમ્ન ‘હાંસિયામાં ધકેલી દેવાયેલા સર્જક’ કેવી રીતે છે તેની માત્ર અનેક વિગતો આપીને તેઓ અટક્યા નથી. તેમણે ‘વિશ્વભ્રમણ’ કરી ચૂકેલા ‘વિશ્વમાનવી’ ચિતારાની પ્રતિભાના અનેક પાસાં સૌંદર્યસભર રીતે લાવવાનું મહામૂલું કામ પણ કર્યું છે.  

* * * * * 

‘ઝાંઝવાનો મલક’, લે. : શૈલેષ પંચાલ, પ્ર. : લેખક પોતે, પાનાં 160, કિં. 250

કચ્છનાં નાનાં રણકાંઠે આવેલા સમી, શંખેશ્વર અને હારિજ તાલુકાના બનેલા વાઢિયાર પ્રદેશનું નિરૂપણ મુખ્ય ધારાના સાહિત્યમાં પ્રમાણમાં ઓછું છે. એ ભોમમાં વાચકને લઈ જવા એ આ સંગ્રહના ઘણાં લઘુનિબંધોની ઉપલબ્ધિ છે.

શ્રમજીવી પરિવારના લેખક અત્યારે પણ વતનના રાફુ ગામમાં રહે છે. આ ગામ અને આખા ય પંથક માટેનો અદમ્ય પ્રેમ તમામ 66 નિબંધોમાં ઓતપ્રોત છે.

ગામ-સીમ-રણકાંઠો, કુંવારકા નદી, ઋતુઓ, માન્યતાઓ-રિવાજો, ઉત્સવો-મેળાઓ, આંગણાં-ઘર-વાડા, ખેતર-પાદર એમ આખું ય તળપદ તેઓ હૃદયસ્પર્શી રીતે વર્ણવે છે. ‘જાળું’, ‘ડાગરો’,’થૂલી’, ‘બાંધલિયો’, ‘ઢુલા હેઠે ઓઢો’ નિબંધો શીર્ષકથી જાગેલું કૌતુક સંતોષે છે. 

* * * * * 

‘લોચા છે બૉસ !’ લે. : મન્નુ શેખચલ્લી, પ્ર. Zen Opus, પાનાં 190, કિં. 325 

સિનેમાને લગતા વિશિષ્ટ લેખો તેમ જ ધારદાર કટાક્ષ-વ્યંગના સર્જક મન્નુ શેખચલ્લીનો 38 હાસ્યકથાઓનો સંગ્રહ પ્રસન્નકારક છે. અહીં દરેક પાત્રને કંઈ ને કંઈ લોચા પડે છે. પ્રેમમાં, રોમાન્સમાં, લગ્નમાં, કરિયરમાં, ક્રાઇમમાં અને લોચા મારવામાં પણ લોચા પડે છે. દરેક કથાનું કેરિકેચર-ઠઠ્ઠાચિત્ર લલિત લાડ ઉર્ફે ખુદ મન્નુ શેખચલ્લીએ કર્યું છે.

* * * * * 

‘અલખ મલક અજવાળું’, લે. : વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’, પ્ર. ડિવાઇન, પાનાં :104, કિં.180

છોતેર રચનાઓના આ સંગ્રહમાં અનેક કૃષ્ણકેન્દ્રી ગીતોમાં ગોપીભાવની વિવિધ સ્થિતિઓ અને નવધાભક્તિ છે. પ્રકૃતિવિષયક ગીતોમાં કુદરતના વિવિધ રૂપોનો વિનિયોગ માનવભાવનાં અવલંબન રૂપે થયો છે. ગીતોમાં લયાવર્તનપ્રચૂર અભિવ્યક્તિ છે.

અછાંદસ અને ગઝલ સ્વરૂપની પણ સર્જકને ફાવટ છે. પુસ્તકના છેલ્લાં પાંચ પાનાં પર મુક્તકો છે. એક છે : ‘જ્યારે જ્યારે એકલતાએ સાદ કર્યો છે ઝરમરને / ગ્રંથાલયનાં પુસ્તક બોલ્યાં, ‘આવો આવો સ્વાગત છે !’  

* * * * * 

‘અમર બલિદાન’, લે. : વિમલકુમાર મોહનલાલ ધામી, પ્ર. નવયુગ, રાજકોટ, પાનાં 160, કિં. 240 

તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ આ ઐતિહાસિક નવલકથા પર આધારિત છે. તેની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે શત્રુંજયના દહેરાઓ પર અલ્લાઉદ્દીન ખીલજીના હલ્લાઓનો ભય છવાયેલો હતો ત્યારે તેના રક્ષણ માટે એક સમુદાયે આપેલા બલિદાનની ગાથા આ નવલકથામાં વણાઈ છે. 

1984 બાદ અત્યારે પુન:મુદ્રણ પામેલી આ નવલકથા ગુજરાતીમાં સાહિત્ય અને સિનેમા પર તુલનાત્મક અભ્યાસ માટેના વિષયમાં એક ઉમેરણ છે.

12 માર્ચ 2023 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98797 62263, (‘પ્રદ્યુમ્ન તન્ના’ પુસ્તક માટે ‘કલાતીર્થ ટ્રસ્ટ’, 9825664161)

[‘દિવ્ય ભાસ્કર’માં 10 માર્ચ 2024ના રવિવારે પ્રસિદ્ધ થયેલી પુસ્તક-નોંધો, પ્રકાશકોના નામના ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...846847848849...860870880...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved