‘પ્રદ્યુમ્ન તન્ના’, સંપાદક : અભિજિત વ્યાસ, પ્રકાશક : કલાતીર્થ ટ્રસ્ટ, સૂરત, પાનાં 234, કિં. અમૂલ્ય
‘ચિત્રકળા અને સાહિત્યનો સંગમ’ એવું સમાંતર શીર્ષક ધરાવતું આ પુસ્તક અનોખા કવિ-ચિત્રકાર-છબિકાર અને ભારતીય લોકકલાઓના અભ્યાસી પ્રદ્યુમ્ન તન્ના (1919-2009) વિશેના સર્વસંગ્રહની નજીક પહોંચે છે.
ઈટાલીના ચિત્રકાર-ચિત્રશિક્ષિકા રોઝાલ્બા સાથે લગ્ન કરીને એ દેશમાં અરધી જિંદગી વીતાવનાર પ્રદ્યુમ્નભાઈના પ્રેમ-સંઘર્ષ-સર્જનથી તરબતર, કાલ્પનિક લાગે તેવા ઉત્કટ, ઉમદા જીવનનું વાચકને ઝળાહળાં કરી દેનારું પરિદૃશ્ય આ સ્મરણગ્રંથ આપે છે.
ચિત્રકારે દોરેલાં અનેક પ્રકારના બહુરંગી ચિત્રો અને તેમણે ઝડપેલા ફોટોગ્રાફ્સ, તેમના વિખ્યાત કાવ્યસંગ્રહ ‘છોળ’માંના રેખાંકનો, એકાકાર દંપતીના અંગ્રેજી-ઈટાલિયન કલાપુસ્તકોનાં મુખપૃષ્ઠો, ચૂંટેલી છબિઓ જેવી વિપુલ ચિત્રસામગ્રી પુસ્તકને અત્યંત મૂલ્યવાન બનાવે છે.
કવિની કેટલીક ગુજરાતી રચનાઓ અને એનો ઈટાલિયન સ્વાનુવાદ, તેમના સંસ્મરણાત્મક તેમ જ લલિત લેખો પણ વાંચવા મળે છે. ‘અમે બેઉ’, ‘ઓળખ’ અને ‘ઋણસ્મરણ’ એવા સ્વકથનોની સાથે કવિ યજ્ઞેશ દવેએ લીધેલી દીર્ઘ મુલાકાત કલાકારના સકલ રસમય જીવનની પ્રતીતિ કરાવે છે.
જયંત મેઘાણી, મકરંદ દવે, વિપુલ કલ્યાણી, રઘુવીર ચૌધરી અને સંપાદક ઉપરાંત કેટલાક અભ્યાસીઓ તેમ જ આપ્તજનોના સંતર્પક લેખો પુસ્તકનાં સો પાનાંમાં છે.
પુસ્તકને ઘરેણાં સમું બનાવાનો શ્રેય અનેકવિધ કલાઓના મરમી વિવેચક એવા સંપાદક અભિજિતભાઈને જાય છે. પ્રદ્યુમ્ન ‘હાંસિયામાં ધકેલી દેવાયેલા સર્જક’ કેવી રીતે છે તેની માત્ર અનેક વિગતો આપીને તેઓ અટક્યા નથી. તેમણે ‘વિશ્વભ્રમણ’ કરી ચૂકેલા ‘વિશ્વમાનવી’ ચિતારાની પ્રતિભાના અનેક પાસાં સૌંદર્યસભર રીતે લાવવાનું મહામૂલું કામ પણ કર્યું છે.
* * * * *
‘ઝાંઝવાનો મલક’, લે. : શૈલેષ પંચાલ, પ્ર. : લેખક પોતે, પાનાં 160, કિં. 250
કચ્છનાં નાનાં રણકાંઠે આવેલા સમી, શંખેશ્વર અને હારિજ તાલુકાના બનેલા વાઢિયાર પ્રદેશનું નિરૂપણ મુખ્ય ધારાના સાહિત્યમાં પ્રમાણમાં ઓછું છે. એ ભોમમાં વાચકને લઈ જવા એ આ સંગ્રહના ઘણાં લઘુનિબંધોની ઉપલબ્ધિ છે.
શ્રમજીવી પરિવારના લેખક અત્યારે પણ વતનના રાફુ ગામમાં રહે છે. આ ગામ અને આખા ય પંથક માટેનો અદમ્ય પ્રેમ તમામ 66 નિબંધોમાં ઓતપ્રોત છે.
ગામ-સીમ-રણકાંઠો, કુંવારકા નદી, ઋતુઓ, માન્યતાઓ-રિવાજો, ઉત્સવો-મેળાઓ, આંગણાં-ઘર-વાડા, ખેતર-પાદર એમ આખું ય તળપદ તેઓ હૃદયસ્પર્શી રીતે વર્ણવે છે. ‘જાળું’, ‘ડાગરો’,’થૂલી’, ‘બાંધલિયો’, ‘ઢુલા હેઠે ઓઢો’ નિબંધો શીર્ષકથી જાગેલું કૌતુક સંતોષે છે.
* * * * *
‘લોચા છે બૉસ !’ લે. : મન્નુ શેખચલ્લી, પ્ર. Zen Opus, પાનાં 190, કિં. 325
સિનેમાને લગતા વિશિષ્ટ લેખો તેમ જ ધારદાર કટાક્ષ-વ્યંગના સર્જક મન્નુ શેખચલ્લીનો 38 હાસ્યકથાઓનો સંગ્રહ પ્રસન્નકારક છે. અહીં દરેક પાત્રને કંઈ ને કંઈ લોચા પડે છે. પ્રેમમાં, રોમાન્સમાં, લગ્નમાં, કરિયરમાં, ક્રાઇમમાં અને લોચા મારવામાં પણ લોચા પડે છે. દરેક કથાનું કેરિકેચર-ઠઠ્ઠાચિત્ર લલિત લાડ ઉર્ફે ખુદ મન્નુ શેખચલ્લીએ કર્યું છે.
* * * * *
‘અલખ મલક અજવાળું’, લે. : વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’, પ્ર. ડિવાઇન, પાનાં :104, કિં.180
છોતેર રચનાઓના આ સંગ્રહમાં અનેક કૃષ્ણકેન્દ્રી ગીતોમાં ગોપીભાવની વિવિધ સ્થિતિઓ અને નવધાભક્તિ છે. પ્રકૃતિવિષયક ગીતોમાં કુદરતના વિવિધ રૂપોનો વિનિયોગ માનવભાવનાં અવલંબન રૂપે થયો છે. ગીતોમાં લયાવર્તનપ્રચૂર અભિવ્યક્તિ છે.
અછાંદસ અને ગઝલ સ્વરૂપની પણ સર્જકને ફાવટ છે. પુસ્તકના છેલ્લાં પાંચ પાનાં પર મુક્તકો છે. એક છે : ‘જ્યારે જ્યારે એકલતાએ સાદ કર્યો છે ઝરમરને / ગ્રંથાલયનાં પુસ્તક બોલ્યાં, ‘આવો આવો સ્વાગત છે !’
* * * * *
‘અમર બલિદાન’, લે. : વિમલકુમાર મોહનલાલ ધામી, પ્ર. નવયુગ, રાજકોટ, પાનાં 160, કિં. 240
તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ આ ઐતિહાસિક નવલકથા પર આધારિત છે. તેની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે શત્રુંજયના દહેરાઓ પર અલ્લાઉદ્દીન ખીલજીના હલ્લાઓનો ભય છવાયેલો હતો ત્યારે તેના રક્ષણ માટે એક સમુદાયે આપેલા બલિદાનની ગાથા આ નવલકથામાં વણાઈ છે.
1984 બાદ અત્યારે પુન:મુદ્રણ પામેલી આ નવલકથા ગુજરાતીમાં સાહિત્ય અને સિનેમા પર તુલનાત્મક અભ્યાસ માટેના વિષયમાં એક ઉમેરણ છે.
12 માર્ચ 2023
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98797 62263, (‘પ્રદ્યુમ્ન તન્ના’ પુસ્તક માટે ‘કલાતીર્થ ટ્રસ્ટ’, 9825664161)
[‘દિવ્ય ભાસ્કર’માં 10 માર્ચ 2024ના રવિવારે પ્રસિદ્ધ થયેલી પુસ્તક-નોંધો, પ્રકાશકોના નામના ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર