Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓમર યાગી : એક રૂમના ઘરથી નોબેલ પારિતોષિકના મંચ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 November 2025

રાજ ગોસ્વામી

આ વર્ષે ઘોષિત થયેલા નોબેલ પારિતોષિકમાં, પહેલીવાર એક સાઉદી વૈજ્ઞાનિક ઓમર યાગીને કેમેસ્ટ્રીમાં ક્રાંતિકારી શોધ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આરબ જગતમાં આ સીમાચિહ્નરૂપ ઘટના છે. તેમણે ધાતુ-કાર્બનિક બંધારણ પર કરેલું સંશોધન તો કમાલનું છે, જેના કારણે નોબેલ પારિતોષિકના મંચ પર પહેલી વાર આરબ વિજ્ઞાનને નામના મળી છે. 

૮ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ઓમર યાગીને જાપાનના સુસુમુ કિટાગાવા અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન સાથે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર આપ્યો હતો. આ શોધ રેગિસ્તાનની હવામાંથી પાણી કાઢવા સાથે જોડાયેલી છે. તેને મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક કહે છે. સાદા શબ્દોમાં કહીએ તો, આ એક એવી ટેકનિક છે વોટર હાર્વેસ્ટિંગને એક નવી જ ઊંચાઈ પર લઇ જશે. આ ટેકનિકની મદદથી હવામાં મોજુદ ભેજને શોષીને તેને પાણીમાં પરિવર્તિત કરી શકાય છે. યાગીએ સાથી વૈજ્ઞાનિકોના સહકારમાં અમેરિકાના એરિઝોના સ્થિત રેગિસ્તાનમાં આવી રીતે હાર્વેસ્ટિંગ કર્યું હતું. 

મહત્ત્વની વાત એ છે કે ઓમર યાગીની યાત્રા જોર્ડનના શહેર અમ્માન સ્થિત એક રૂમના ઘરમાંથી શરૂ થઇ હતી. 1965ની સાલમાં, અમ્માનમાં એક પેલેસ્ટિનિયન શરણાર્થી પરિવારમાં જન્મેલા યાગીની કહાની આશા અને ઉમંગની દાસ્તાન છે. યાગી, 60ના દાયકામાં હિંસામાં ગિરફત પશ્ચિમ એશિયાના જોર્ડનમાં એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. તેમના માતા-પિતા પેલેસ્ટાઇનમાંથી ભાગીને અહીં આવ્યાં હતાં. 

નોબેલ માટે તેમની પસંદગી થઇ, ત્યારે તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “અમારા ઘરમાં નળમાં પાણી પણ નહોતું આવતું, વીજળી તો દૂરની વાત હતી. મારા પિતા છઠ્ઠા ધોરણ સુધી ભણેલા હતા અને માને ન તો વાંચતાં આવડતું હતું, ન લખતાં.” પછી તેમણે ઉમેર્યું હતું, “જ્યારે મેં હવામાંથી પાણી કાઢે તેવા પદાર્થની શોધ કરી, તો તે મારા બાળપણની તરસનો જવાબ હતો.”

તેમની પાસે માત્ર એક રૂમનું ઘર હતું. એમાં કેટલાંક ઢોર હતાં અને આઠ બાળકો. તેમના પિતા કસાઈ હતા. પિતાને એટલી સમજ હતી કે ગરીબી અને હિંસાના આ માહોલમાં બાળકનું કોઈ ભવિષ્ય નથી. ભવિષ્ય હોય તો તે ભણવામાં છે. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, પિતાએ ત્યારે યાગીને કહ્યું કે તારે બહાર જઈને ભણવું જોઈએ, જેથી આપણી આગળની પેઢીનું ભવિષ્ય બદલી શકે. આજે, આખા આરબ જગતની પેઢી યાગીના સન્માનથી ગદ્દગદ અને પ્રેરિત છે.

આ માહોલમાં 10 વર્ષની ઉંમરે યાગીનો વિજ્ઞાન સાથે પ્રેમ શરૂ થયો હતો. તે એક દિવસ સ્કૂલની લાઈબ્રેરીમાં પહોંચી ગયા હતા, જે લગભગ બંધ જ રહેતી હતી. અહીં તેમણે એક પુસ્તકમાં પહેલીવાર પરમાણુ રચનાના મોડેલની તસવીર જોઈ હતી. તે જોઇને તેમને અનેક પ્રશ્નો થયા હતા. તેઓ કહે છે, “મને ખબર પડે કે આ પરમાણુ છે તે પહેલાંથી મને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો.”

પિતાના સલાહ અને મદદ પર યાગી 15 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા. પિતા ગમાર હતા પણ દીકરાની ક્ષમતા પારખવાની કોઠાસૂઝ હતી. તે જ યાગીને અમેરિકા લઇ ગઈ હતી. અમેરિકા આવ્યા પછી દુનિયા ખૂલી ગઈ. યાગીમાં વિજ્ઞાનના પ્રેમનું બીજ તો રોપાયેલું હતું, અમેરિકાની શિક્ષણની દુનિયાએ તેમાં ખાતર-પાણી સીંચીને ફૂટવા માટે મજબૂર કરી દીધું.

અમેરિકામાં તે ટ્રોય (ન્યૂયોર્ક) ગયા હતા. ત્યાં તેમણે હડસન વેલી કમ્યુનિટી કોલેજ અને પછી સની અલ્બાનીમાં અભ્યાસ કર્યો હતો. અહીં તે ફાજલ સમયમાં ગ્રોસરીની દુકાનમાં ફર્શ સાફ કરતા હતા અને ભણવાના સમયે લેબમાં અસિસ્ટન્ટ બનીને પ્રયોગશાળામાં કામ કરતા હતા. “મને ક્લાસરૂમ નહીં, લેબ ગમતી હતી, જ્યાં હું ચીજવસ્તુઓ બનાવતો હતો,” તેઓ કહે છે, “મને કેમેસ્ટ્રીમાં પહેલેથી જ રસ હતો. તે વખતે હું એક જ સમયે ત્રણ પ્રોફેસરો સાથે ત્રણ ત્રણ પ્રોજેક્ટ પર કામ કરતો હતો.”  

અહીંથી તેમણે પાછું વળીને જોયું નહોતું. આજે તેમના નામે ડઝનેક ઓનર્સ, પેપર્સ, પુસ્તકો અને એવોર્ડ્સ બોલે છે. તાજેતરમાં, નોબેલ પારિતોષિક જાહેર થયા પછી તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું સુંદર ચીજવસ્તુઓ બનાવવા માટે અને બૌદ્ધિક સમસ્યાઓ ઉકેલવા માટે સર્જાયો હતો.”

તેમની આ સફળતાનું શ્રેય યાગી પુસ્તકોને આપે છે. તેઓ યુવાન વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહે છે, “મને છોકરાઓ પૂછતા રહે છે કે કોઈ ચીજમાં કેવી રીતે પેશન આવે? તમે કેમેસ્ટ્રીના પ્રેમમાં કેવી રીતે પડ્યા? ત્યારે હું કહું છું કે તમારી આજુબાજુમાંથી કોઇપણ એક ચીજને પકડો અને તેના વિશે ઊંડું વિચારો કે આ શું છે, કેવી રીતે બન્યું હશે. તમે તેમાં જેટલા ઊંડા ઉતરશો તેમ તેમ તમને તેની રચના અંગેની સુંદર બાબતો સમજાતી જશે. મને એ રીતે કેમેસ્ટ્રીનું આકર્ષણ થયું હતું. મને ખબર નહોતી કે પરમાણુ શું હોય છે. હું તો એમ જ આકર્ષાયો હતો. પછીથી ખબર પડી કે આપણી દુનિયા તેનાથી બનેલી છે. એટલે શરૂઆતમાં કોઈ ભવ્ય યોજનાઓ કરવાની ન હોય, તમને જે કોઈ એક સમસ્યા કે ક્ષેત્રમાં રસ પડે તેમાં ઊંડા ઉતરો.”

૮મી તારીખે, યાગી સાનફ્રાન્સિસ્કોથી બ્રસેલ્સ જઈ રહ્યા હતા, અને ફ્રેન્કફર્ટમાં ફ્લાઈટ બદલવા માટે લગેજને લઈને ચાલવા જતા હતા, ત્યાં જ મોબાઇલ પર સ્વીડનની કોલ આવ્યો હતો અને સમાચાર આપ્યા હતા કે તેમને આ વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવી રહ્યું છે. “આવી ક્ષણ માટે કોઈ તૈયાર ન હોય,” તેમણે તે ઘડીને યાદ કરીને કહ્યું હતું, “એ ફીલિંગ અવર્ણનીય પણ જબરદસ્ત ઉત્તેજનાવાળી હતી.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 ૨૧ સદીને સ્મૃતિપત્ર

ફિલિપ ઍપલમૅન [અંગ્રેજી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|11 November 2025

અગાઉ નગરો ગામડાં સાથે જોડાયેલાં હતાં,
છીંકણી આંખોવાળા ડેઈઝીનાં ફૂલોથી
ફળની વાડીઓની કિનારીઓ શોભતી,
ઢોર ક્લોવર મજાથી આરોગતા,
માછીમારો હોડીઓમાં બેસી મૌન સેવતા
અને છોકરા-છોકરીઓ રસ્તાઓ પર ગાડી રોકતાં
ચંદ્રને અનુભવતાં અને સ્પર્શતાં,
શાંત પળોના વર્તુળ થતાં, ધ્યાન ધરતાં
તળાવો, ચંદ્ર, પુષ્પલતાઓ
આવું હતું ઇન્ડિયાના.

પરંતુ હવે અમે બહાર નીકળી ગયા છીએ,
સફરજન ઊગતાં ત્યાં વિશ્વને છોલવા લાગ્યા છીએ
સપાટ બનાવી રહ્યાં છીએ,
એના પર ગાડીઓ દોડાવવા ડામર પાથરી રહ્યાં છીએ,
વસંતમાં ક્લોવર જાંબલી થાય તે પહેલાં
ઘાસનું ખેતર સપાટ કરવા ઇચ્છીએ છીએ
અને આવતી સાલ હિકરીના વગડોનો વારો છે
અમે જોર લગાવી રહ્યાં છીએ
અમારા રાક્ષસી ડિઝલના વાહનો ઘુરકી રહ્યાં છે
અને મને તમારો વિચાર આવે છે,
૨૧મી સદીના કોંક્રીટમાં વીંટળાયેલી
તમારી અબજોની વસ્તીને
મારે સાદ દેવો છે
તમને સ્મૃતિ અપાવવી છે
કે જો તમે ઊંડું ખોદશો
વાયરો અને પાઈપો, ગટરો અને સબવેની નીચે
તો તમને માટી નામનો ભભરો પદાર્થ મળી આવશે
સાંભળોઃ ઇન્ડિયાનામાં એમાં ચીજો ઊગતી હતી.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

‘ડિ-સ્ટ્રેસ’ થવા તમે શું કરો છો?

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2025

અમુક હદ સુધી સ્ટ્રેસ પૉઝિટિવ હોય છે. એ આપણને ચાલતા, દોડતા, કામ કરતા, પ્રગતિ કરતા કરે છે. પણ જ્યારે તેની અસર શારીરિક તકલીફરૂપે દેખાવા લાગે ત્યારે ચેતી જવું જોઈએ. તમે આવા અનહેલ્ધી સ્ટ્રેસના શિકાર તો નથી ને? એનાથી છૂટવા શું કરવું જોઈએ? 

સોનલ પરીખ

આધુનિક જીવનશૈલીએ બે શબ્દોને ચલણી બનાવ્યા છે – એ બે શબ્દો છે ‘સ્ટ્રેસ’ અને ‘બર્ન આઉટ’. સ્ટ્રેસ એટલે તાણ. કોઈપણ પડકાર ઊભો થાય ત્યારે શરીર-મનમાં એક તાણ ઊભી થાય છે. આમ તો એ તાણને લીધે જ આપણે મહેનત કરવા પ્રેરાઈએ છીએ અને વિકસીએ છીએ. પણ જ્યારે તાણ એટલે કે સ્ટ્રેસ કાયમી બની જાય ત્યારે એ શરીર-મન માટે જોખમી બની જાય છે. એમાંથી જ બર્નઆઉટની પરિસ્થિતિ ઊભી થાય છે. બર્નઆઉટનો ભોગ બનેલો માણસ માનસિક રીતે અત્યંત થાકી જાય છે અને તેથી હતાશા અને શારીરિક થાકથી ઘેરાય છે. સ્ટ્રેસને લીધે માણસ વધારે કામ કરે છે, જ્યારે બર્નઆઉટથી પીડાતો માણસ કામ કરી શકતો નથી. તેનો પોતાના પરથી અને સ્થિતિ પરથી કાબૂ લગભગ ચાલ્યો જાય છે. 

વર્ષ 2023માં ન્યૂયોર્કની મેકકિન્સે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વના 30 દેશોના 30 હજાર કર્મચારીઓ પર એક સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં સરેરાશ 20% કર્મચારીઓ બર્નઆઉટની ફરિયાદ કરે છે. જ્યારે ભારતમાં આ આંકડો 59% એટલે કે લગભગ ત્રણ ગણો વધારે છે. એ સર્વે મુજબ નાની કંપનીઓમાં કામ કરતા 18થી 24 વર્ષના યુવાનો સ્ટ્રેસ અને બર્નઆઉટનો વધુ શિકાર બની રહ્યા છે. જો કે સ્ટ્રેસે કોઈને છોડ્યા નથી. કોઈપણ વયની વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. 

આપણી આસપાસ આવાં અનેક ઉદાહરણો છે. મનોજભાઈ અને તરલાબહેન બંને પંચાવન પાર કરી ગયેલી વ્યક્તિઓ છે. મનોજભાઈ આમ તો સ્વસ્થ અને ધીરગંભીર, પણ ક્યારેક એમને સ્ટ્રેસની ખૂબ તકલીફ થાય. પછી તર્કથી, શ્રદ્ધાથી, ધીરજથી તેઓ તેમાંથી મુક્ત થાય. ક્યારેક પોતાને નાનો વિરામ આપી પ્રકૃતિને ખોળે ચાલ્યા જાય. તરલાબહેન એટલા નસીબદાર નથી. તેમને સ્ટ્રેસથી છૂટવા મેડિકલ હેલ્પ લેવી પડે છે. 

સ્ટ્રેસ એવી સમસ્યા છે કે જો તેનું નિવારણ સમયસર કરવામાં ન આવે તો તેની અસર શરીરની તંદુરસ્તી પર પણ પડે છે. ચાલીસ વર્ષની કેયા રોજ સવારે ઊઠે ત્યારે ગળું અને ખભો જ્યાં મળે એ જ્ગ્યાએ કશુંક ગંઠાઈ ગયેલું લાગે. ઘણા દિવસ સુધી તો એને એમ લાગ્યું કે અમુક રીતે સૂવાને કારણે ખભો અને ગળું ખોટી રીતે દબાઈ જતાં હશે. એ ઘર અને જોબમાં ખૂબ વ્યસ્ત રહેતી. પેઈનકિલર લઈ લેતી અને કામે વળગતી. પણ પછી તો ખભો આખો ગંઠાઈ જવા માંડ્યો, દુ:ખાવો પેઈનકિલર-પ્રૂફ થઈ ગયો અને દિવસો સુધી રહેવા માંડ્યો. એક રાત્રે ગરમ પાણીની કોથળી ખભા પર દબાવતાં એણે પતિને કહ્યું, ‘એક તો આટઆટલાં કામ ઉપરથી આ દુ:ખાવો …’ ત્યારે પતિએ કહ્યું, ‘મને લાગે છે કે તારે ડિ-સ્ટ્રેસ થવાની જરૂર છે.’ એ ક્ષણે કેયાને પહેલી વાર એવું લાગ્યું કે એનું સ્ટ્રેસ અને ખભાનો દુખાવો બે જુદી ચીજો નથી.

માથાનો દુખાવો, અલ્સર, અપચો, બ્લડપ્રેશર – આ બધું સ્ટ્રેસનું સીધું પરિણામ હોઈ શકે. એ અચાનક થાય છે એમ પણ હોતું નથી. કેટલો ય વખત તો શરીરે મગજના દબાણ સાથે અનુકૂલન સાધ્યું હોય છે, પછી એ સંભવ ન રહે ત્યારે શરીર પર તેની અસર દેખાય છે. મેડિકલ સાયન્સ કહે છે કે મોટા ભાગના રોગો સાયકોસોમેટિક હોય છે. એટલે કે શરીરના કારણે મનને અને મનના કારણે શરીરને થાય છે. 

કેયાએ ‘ડિ-સ્ટ્રેસ’ થવા શું કર્યું? સફળતાપૂર્વક સ્ટ્રેસમુક્ત થયા પછી એ કહે છે, જો તમે સ્ટ્રેસ સાથે લડી રહ્યા હો, તો આટલું પોતાની જાતને પૂછી લો, ‘કોની ચિંતા મારા માથા પર સવાર થઈ છે?’ – સ્ત્રી માટે કુટુંબના સૌનાં સુખદુ:ખ પોતાનાં જ હોય છે. વળી કોઈ કંઈ કહે એટલે એ સીધું મન પર લઈ લે છે. તેનાથી જીવનશક્તિ રુંધાતી જાય છે. અજાણે એ ખરીદી, ટેલીવિઝન, ખૂબ ખાવું જેવા ઉપાયો તરફ વળે છે. પુરુષને સ્ટ્રેસ આવે ત્યારે એ ખાવા-સૂવાની અનિયમિતતા ઉપરાંત સિગરેટ અને આલ્કોહોલનું શરણું શોધે છે.

જ્યારે સ્ટ્રેસ આવે, ચિંતાનું કારણ સમજી લો. બાળકને સ્કૂલમાં પ્રોબ્લેમ થયો છે? પતિને ઑફિસનું ટેન્શન છે? મિત્રો વચ્ચે બોલાચાલી થઈ છે? બાળકો, પતિ, મિત્રો માટે હમદર્દી, પ્રેમ, મહેનત બધું આવકાર્ય, પણ એનું ટેન્શન તમારું માથું કાણું કરે ત્યારે ચેતવું પડે. આવું થાય ત્યારે વિચારો, આ સ્ટ્રેસની તમારા મન પર શું અસર થઈ છે? જો તમે અચાનક ચિડિયા, અધીરા, અસ્થિર બન્યા હો તો સ્પષ્ટ થઈ જાઓ કે કઈ ચીજ તમારા કાબૂમાં છે અને કઈ કાબૂ બહાર છે. બન્ને પર તાત્કાલિક કામ શરૂ કરી દો.  જે કાબૂમાં હોય તેને સરખી કરી લો, જે કાબૂ બહાર હોય તેની સાથે સમાધાન કરી લો. અદ્દભુત પરિણામ મળશે. 

‘ચિંતા કરવાથી સ્થિતિ સુધરશે?’ આ પ્રશ્ન બહુ અગત્યનો છે. ચિંતાથી તાણ વધે છે, સ્વસ્થતા ચાલી જાય છે અને તમે સ્થિતિને સુધારી પણ શકતા નથી. એ પણ વિચારી જુઓ કે નાની ચિંતાને તમે બહુ મોટી તો બનાવી દીધી નથી ને? એની પાછળ વધુ પડતાં સમય-શક્તિ તો વેડફાતાં નથી ને? ખરાબ ભવિષ્યની આશંકા વર્તમાનમાં જે સારું છે તેને ઢાંકી દેતી તો નથી ને?

કેટલીક વાર ઘણુંબધું કરી લેવાની લ્હાય આપણો જીવ ઊંચો રાખે છે. એક દડો હવામાં ઉછાળ્યો હોય તો આસાનીથી પાછો ઝીલી શકાય છે, પણ જો આઠદસ દડા એકસાથે ઉછાળ્યા હોય તો? જિંદગી નાની છે, કેટલુંક થશે? શ્વાસ લેવાનો ય સમય ન મળે એટલું કામ એકઠું ન કરો. નિષ્ફળતાઓને પણ સ્વાભાવિક ગણી સ્વીકારો. કોઈ બાબત પાર ન પડે, કોઈ પાર પડતા સમય લાગે એવું થાય. શાંતિથી કામ કર્યા કરો, બાકીનું સમય પર છોડતાં શીખી જાઓ. 

પોતાની કાળજી લો છો કે નહીં? પોતાની કિંમત કરવી, પોતાની જાતને પ્રેમ કરવો એનો અર્થ સ્વકેન્દ્રી કે સ્વાર્થી થવું એવો નથી. પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું મૂલ્ય આ બધું રોજનાં દબાણો સામે બેલેન્સ કરનારું નીવડે છે. 

ઉપરાંત, ઊંડા શ્વાસ લેવાથી મગજમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે. યોગ અને ધ્યાન ફક્ત શરીરને લવચીક જ નહીં, પણ મનને પણ સ્થિર કરે છે. દરરોજ ચાલવું – ખુલ્લી હવામાં ચાલવાથી તાજગી આવે છે. એન્ડોર્ફિન નામનું હોર્મોન મુક્ત થાય છે, જે તણાવ ઘટાડે છે. હાસ્ય સ્ટ્રેસ-થેરપી જેવું છે. હસતા રહેવાથી મન હળવું રહે છે. ઊંઘનો અભાવ તણાવ વધારે છે અને માનસિક થાક તરફ દોરી જાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ 7-8 કલાક ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. તે માટે સ્ક્રીનનો સમય ઓછો કરો અને સૂતા પહેલા આરામદાયક વાતાવરણ બનાવો. ચિત્રકામ, સંગીત, નૃત્ય, બાગકામ જેવા શોખને સમય આપી ખીલવો. તેનથી મન પ્રસન્ન રહે છે અને સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.

જીવવું છે એ રીતે કેમ જીવી શકાતું નથી? કરવું હોય છે એ કેમ કરી શકાતું નથી? લોકો, સંબંધો, પરિસ્થિતિઓ આખરે આટલી જટિલ કેમ હોય છે? આ સવાલોનાં કારણ બહાર હોઈ શકે પણ એનો જવાબ પોતાની અંદર જ છે. આખરે પરિસ્થિતિ તમારી છે, તમે પરિસ્થિતિના નથી અને યાદ રાખો કે હળવા ખભે ચાલવાનું એક સુખ હોય છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 સપ્ટેમ્બર  2025

Loading

...102030...80818283...90100110...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved