Opinion Magazine
Number of visits: 9552637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત ઓળખ વિષે આનંદ તેલતુંબડે

સંગીતા પટેલ|Opinion - Opinion|27 September 2025

સંગીતા પટેલ

હું પહેલા ધોરણમાં હતી, ત્યારની આ વાત છે. મારી શાળા ફીની રસીદના નામના ખાનામાં “સંગીતા વાલજીભાઈ ચમાર” લખવામાં આવેલું. મમ્મી આ વાંચતા જ મારી શાળાએ પહોંચી. મારા શિક્ષકને કહ્યું, “અમારી જાતિ ચમાર છે અને અમે તે છુપાવી નથી પણ, અટક જન્મજાત પટેલ છે. તમે તમારી અટકના ખાનામાં મોદી લખો છો, ઘાંચી નથી લખતા”. પાંચ વર્ષની ઉંમરે આ સંવાદ કાંઇ સ્પર્શેલા નહિ. આ વાત અહીં અટકી ન હતી. 1987માં ઉચ્ચતર અભ્યાસના પ્રવેશ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં આવો અનુભવ થવાનો બાકી હતો. વિષય નિષ્ણાતે મારા પ્રોફાઇલ પેપર્સ જોતા જ પહેલો પ્રશ્ન એ પૂછેલો કે, તમે અનુસૂચિતજાતિમાં આવો છો અને તમારી અટક પટેલ કેમ છે. પ્રશ્ન સાંભળતા જ મારી માર્કશીટમાં મને મળેલો પ્રથમ વર્ગ નિરર્થક લાગેલો. ભારતના વિદ્વાન લેખક, દલિત ચિંતક અને માનવ હકના હિમાયતી આનંદ તેલતુંબડેનું પુસ્તક “Dalits Past, Present and Future” વાંચતા આ પ્રસંગો યાદ આવી ગયા. 

મહારાષ્ટ્રના ખેલરાંજી નામના ગામડામાં, 2006માં એક પરિવારના તમામ સભ્યોને ગામના કહેવાતા ઉજળિયાતોએ નિર્મમ રીતે રહેંસી નાખેલા. આ ઘટનાનો માનવજાત સાથે સંકળાયેલા એકેએક આયામથી તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તો એ છે આનંદ તેલતુંબડે. ખેલરાંજીના પુસ્તક પછી “Dalits Past, Present and Future”માં અસ્પૃશ્યતાના મૂળથી લઇને સાંપ્રત જાતિવ્યવસ્થાના એકેએક પડળ ઉજાગર કર્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આજે એની ચરમ ક્ષમતાએ છે ત્યારે પણ સદીઓ જૂનું જાતિ માળખું હજી અડીખમ છે. ઘણી બારીકાઇથી રચાયેલું આ જટિલ સામંતવાદી માળખું હજી પણ કેમ લોકોનું જીવનવિશ્વ છે? તેનો જવાબ આ પુસ્તકમાં છે. 

વાત એમણે વેદકાલીન વ્યવસ્થાથી માંડીને દલિતોના આજના પ્રતિનિધિત્વ સુધી કરી છે. અતિ શુદ્રોએ તેમના સામાજિક દરજ્જા માટે અપનાવેલા “દલિત” શબ્દ માટે લેખક લખે છે, પ્રવર્તમાન હિન્દુ વ્યવસ્થા સામે એક લડાયક ઓળખ “દલિત” શબ્દથી છતી થઇ. આ જ દિશામાં દલિત પેંથર્સની સ્થાપના થઇ. પેંથર્સે દલિત પરિભાષામાં એક ક્રાંતિકારી કક્ષા જોયેલી અને પેંથર્સ વિચારધારાને આ શબ્દ માફક હતો. તેમાં પીડિતોના ઇતિહાસના ક્રાન્તિકારી અર્થને આવરી લેવીની ભાષાકીય ક્ષમતા અને વ્યાપક વર્ગ સુધી પહોંચવાની સઘન ક્ષમતા હતી. આમાં પેંથર્સને ભાષાકીય રચના કરતાં નક્કર તત્ત્વજ્ઞાનનું આકર્ષણ હતું. લેખક બૌદ્ધધર્મથી મળેલી બુદ્ધિસ્ટ અને સમયાંતરે બહુજન હિતાય, બહુજન સુખાય વિચારધારામાંથી કાંશીરામ બહુજન ઓળખ લઇ આવ્યા તેની પણ વાત કરે છે. આજે હયાત જાતિ વ્યવસ્થાને જોતાં લેખક કહે છે, ભારતીય સમાજ વ્યવસ્થામાં સાતત્ય અને બદલાવ બંને સમાંતર છે. ભૂતકાળ સાથેના સાતત્યમાં છે સામંતી જાતિગત સંસ્કૃતિ અને બદલાવ સાથે છે મૂડીવાદી વિકાસ. 

વિશ્વની વ્યાપક ગુલામી પ્રથાને લઇને લેખક કહે છે, ગુલામીથી માણસ હોવાની  જાગરૂકતા હણાતી નથી. પણ પ્રસંગોપાત બળવાખોરીમાં પ્રગટે છે. ગુલામીના ઇતિહાસમાં આવી બળવાખોરી મોટા પ્રમાણમાં જોવા મળી છે. ભારતમાં જાતિ વ્યવસ્થા સામે બળવાખોરી ખાસ જોવા મળી નથી. હા, ભક્તિ આંદોલનમાંથી કબીર અને રોહિદાસ આવ્યા પણ, જાતિ વિભાજનમાં એવા કોઇ પરિવર્તન ન આવ્યા. એનું કારણ હતું, ગામડાઓમાં શ્રમ આધારિત જાતિ વ્યવસ્થા. 

આનંદ તેલતુંબડે

ભારતના ઇતિહાસની વાત કરતાં તેલતુંબડે કહે છે, સમયાંતરે આવેલું બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દલિતો માટે વરદાનરૂપ હતું. આ શાસનની જાતિ વ્યવસ્થા પર મોટી અસર પડી. લશ્કર, પોલીસ, કાયદો, વ્યવસ્થા, ન્યાયતંત્ર, આધુનિક શિક્ષણ, માનવ હક, લોકશાહી અને માનવ ગરિમાના નવા વિચારો આ બધું પહેલીવાર સમાજમાં આવતું હતું. નીચલી જાતિઓ લશ્કરમાં જોડાઇ. 1818માં ભીમા કોરેગાંવ ખાતે ઐતિહાસિક યુદ્ધમાં મહાર સૌનિકોના નાનકડા જૂથે મરાઠાઓના જંગી લશ્કરને મ્હાત આપેલી. શોષિતોના સશક્તિકરણની કદાચ આ પહેલી મિસાલ હતી. જાતિ વિરોધી ક્રાંતિના આદ્ય મહાત્મા ફૂલે પોતે મિશનરી શાળામાં ભણેલા. તેમણે અછૂતો માટે અબ્રાહ્મણ આંદોલન શરૂ કરેલું. મિશનરી સંસ્થાઓએ ભારતમાં શિક્ષણ આપવામાં મોટું યોગદાન આપ્યું. પણ મિશનરીઓનો ઉદ્દેશ જાતિ નિર્મૂલનનો ન હતો અને અછૂતો આધ્યાત્મિક ભાવે નહિ પણ જાતિ વ્યવસ્થામાંથી મુક્ત થવા મિશનરીઓ સાથે જોડાતા હતા. અછૂતો સરકારી કામો સાથે શહેરમાં આવતા થયા. બીજા સમુદાયો કરતાં વિસ્થાપનમાં અછૂતો આગળ નીકળી ગયા. તેમણે શિક્ષણ મેળવી વિકાસ સાધ્યો પણ નવા સ્વરૂપે નડતા જાતિગત અંતરાયો તેમણે વેઠવાના હતા. 

આંદોલનની ક્ષિતિજે બાબાસાહેબ આંબેડકરના આગમન પહેલા ઘણી ચળવળ શરૂ થઇ ગયેલી. ફૂલે, શાહુજી મહારાજ અને સયાજીરાવ ગાયકાડની ભૂમિકા મોટી હતી. પણ ખરેખર ચળવળને આંબેડકરની જરૂર હતી. આંબેડકર આ પ્રારંભિક ચળવળ સંકલિત કરી તેને અખિલ ભારતીય દલિત આંદોલન સ્વરૂપે રાજકીય ક્ષેત્રની ઊંચાઇએ લઇ ગયા. બાબાસાહેબ માનતા હતા કે ભારતે સ્વતંત્ર થવું પૂરતું નથી. તમામ વર્ગોને ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતાની બાંયધરી મળે તેવા જીવનમાં ઊભા થવાની તક દરેકને મળવી જોઇએ અને આવી સ્થિતિ સર્જતું  સુરાજ્ય મળવું જોઇએ. 

સૌ પ્રથમ દલિત વિદ્રોહ “મહાડ સત્યાગ્રહ” સરકારની સામે થયા વગર, અહિંસક રાહે થયેલી સામાજિક-સાંસ્કૃતિક પહેલ હતી. પણ ડો. આંબેડકરને આ સત્યાગ્રહના કડવા ઘૂંટડા ભરવા પડ્યા અને તે પછી તેમના પ્રવચનોમાં હિન્દુવાદ વિરુદ્ધ કટુતા દેખાઇ. હિન્દુઓ તરફથી સુધારાની અપેક્ષા વ્યર્થ જણાતા રાજકીય ઉકેલની શોધ આદરી. પૂના પેક્ટથી ભ્રમનિરસન થયું અને ઉદ્દામવાદ ભણી ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી તરીકે કામદાર વર્ગની સ્થાપના કરી. પણ ડો. આંબેડકરને લાગ્યું કે જાતિ કેવળ શ્રમવિભાજન નથી. સામ્યવાદીઓને આ તથ્ય રૂચિકર ન લાગ્યું. તેઓ કામદાર એકતાને વળગી રહ્યા. આંબેડકરનો ધ્યેય તો જાતિ નિર્મૂલનનો હતો. તેમણે ‘શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો’ના નારા સાથે બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી. ત્યારપછી શિડ્યુલ કાસ્ટ ફેડરેશન અને છેલ્લે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા. સામાજિક – રાજકીય ફલક પર આંબેડકર આજીવન સંઘર્ષ કરતા રહ્યા. 

દેશની રાજકીય સ્થિતિથી સભાન આ લેખક લખે છે, સ્વાતંત્ર્ય પછીના બે દાયકા સુધી આંબેડકર અને દલિતો બંનેને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. સરકારને આંબેડકર સ્મારક બાંધવું ય જરૂરી નહોતું લાગ્યું. 1966માં નાનું સ્મારક ઊભું કરવા મહુથી મુંબઇ સુધીની કૂચમાં લોકો પાસેથી અંશત: ફાળો એકઠો કરવામાં આવ્યો હતો. પણ કામદાર માગણીઓથી શાસક વર્ગ ભયભીત થયો. અને પછી દોર શરૂ થયો દલિત નેતાઓની વરણી, દલિત પક્ષો સાથે જોડાણ અને તેમના આઇકોન આંબેડકરને યાદ કરીને દલિતોને રીઝવવાની નીતિનો. તે વખતે કાઁગ્રેસ પક્ષ હતો, આજે ભા.જ.પ. આ કરી રહ્યું છે. આર.પી.આઇ.ના આંતરિક ખટરાગે આ રીતિ સરળ કરેલી. નેતાઓ તો ઢાળે ઢળી ગયા. આમાં ભોગ લેવાયો દલિત રાજકારણનો. 

એક બાજુ લોભી રાજકારણ હતું ત્યારે બીજી બાજુ દલિતો પર અત્યાચારના બનાવો વધતા જતા હતા. દેશની સમગ્ર સ્થિતિમાં ય ઘણો અજંપ હતો. લોકો આંદોલનના માર્ગે હતા. વિદ્યાર્થી ચળવળ અને વિરોધ પક્ષ વગરના રાજકારણ પછી  જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાન્તિનો પડકાર. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું આપખુદી શાસન નિશાને ચડ્યું. લગભગ તમામ રાજ્યોમાં ખેત ચળવળ હતી. સી.પી.આઇ. (એમ.એલ.)ના નેતૃત્વ હેઠળ બિહારમાં જમીન આંદોલન અને 1967થી 1969માં નક્સલબારીના પગલે 346 બનાવો બન્યા. લગભગ આ જ ગાળામાં દલિત યુવાનોની પહેલી શિક્ષિત પેઢી ભેંકાર ભાવિ જોતી હતી. અનામત મળ્યાના નામે અપમાનિત થતા હતા પણ એ અનામતના લાભ હજી સુધી દેખાયા ન હતા. અમેરિકામાં બ્લેક યુવાવર્ગના બ્લેક પેંથર્સના પગલે દલિત પેંથર્સનો ઉદય થયો. રાજકારણની નાદારીથી કંટાળેલા નામદેવ ઢસાળ અને જે.વી. પવાર જેવા યુવાનોએ કમર કસી. કોલેરાનો રોગચાળો ડામવા દેવીને રિઝવવા કરાયેલા દલિત નરબલિની સામે “કાળો સ્વાતંત્ર્ય દિન” મનાવાયો. દલિત સ્ત્રીઓની નગ્ન પરેડ સામે રાજા ઢાલેએ રાષ્ટ્રધ્વજ પર પ્રશ્નાર્થ કર્યો. વિશ્વના તમામ શોષિતોની જેમ દલિતો વિદ્રોહી માર્ગે સંગઠિત થઇ રહ્યા હતા. દલિત પેંથર્સ અસ્તાચળે હતું ત્યાં કાંશીરામ “બહુજન ઓળખ” લઇને આવ્યા. પ્રજ્ઞા, શીલ, કરુણા (વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ), ચારિત્ર્ય (સ્વયંશિસ્ત) અને અનુકંપા (સમાનતા) જેવા સિદ્ધાંતો પર રચાયેલા બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી. આંબેડકર જયંતી, બુદ્ધ જયંતી, દલિત મેળાવડા, નવા પ્રકારનાં ગીતો, નાટકો, દીક્ષાભૂમિ ખાતે ઉત્સવો, માનવ હક દૃઢ કરતા મહાડ સત્યાગ્રહની ઉજવણી, આંબેડકરની સ્તુતિ કરતાં ગીતો, બ્રેસ્લેટ, નેકલેસ, પોશાક, ધ્વજ-પતાકા અને અઢળક સાહિત્ય બહાર આવ્યું. ત્યાગ અને મુક્તિની વાત કરતા આ ધર્મથી સાંસ્કૃતિક ઓળખ ઊભી થઇ પણ ધર્માંતરમાં આંબેડકરની વિચારધારા અપેક્ષિત હતી એવો ઉદ્દામવાદી બદલાવ આમાં કેટલો? બૌદ્ધર્મ પછી પણ પેટાજાતિની ઓળખ તો સાથે રહી જ ગઇ. બીજી બાજુ હિન્દુ રૂઢિચુસ્તો બૌદ્ધ ધર્મને હિન્દુ ધર્મની એક શાખા જ ગણતા હતા. જેટલો રોષ તેમને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્માંતર સામે હતો એટલો બૌદ્ધ ધર્મ સામે ન હતો. દલિતોના બૌદ્ધ ધર્માંતરથી તો તેમને રાહત હતી.  

આવી પરિસ્થિતિમાં કાંશીરામ બહુજન નીતિથી સત્તા હાંસલ કરવાના વ્યૂહ સાથે આવ્યા. કાંશીરામના હાથે આઇડેન્ટીટીનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું. 1990માં નીઓ-લિબરાલીઝમ આવ્યું. આના પગલે નીચલો વર્ગ વિવિધ પ્રકારની કટોકટીમાં ભીંસાયો. અને આની સામે ઓળખનું રાજકારણ હાથ વગુ થયું. આ અનુઆધુનિક સ્તિથિથી મુંઝાયેલા લોકો ઓળખ ઊભી કરવા ફાંફે ચડ્યા. અને આવી માયાજાળમાં જાતિ નિર્મુલનનો ઉદ્દેશ સાવ વિસરાઇ ગયો. ઓળખ ઊભી કરવા તત્પર લોકોએ તો એવો વિરોધાભાસી દાવો કર્યો કે જાતિ નાશ કરી શકાતી ન હોય તો તેને માધ્યમ બનાવવી જોઇએ. અને આ સિદ્ધાંત તો લોકશાહીના સિદ્ધાંતથી તદ્દ્ન વિપરીત છે. આનાથી જાતિ એક કુંડાળમાં જતી રહેશે. તેનું વિસ્તરણ અટકશે અને લોકશાહી રચતા રાજકીય જોડાણો કુંઠિત થશે. આનાથી  આંતરિક અભિમુખતા વધતી જાય છે અને વાસ્તવિકતાનો સામનો કરવાની તેના ક્ષમતા ઓછી થતી જાય છે.     

આઇડેન્ટ્ટી પોલિટિક્સ સમાનતાના ભોગે ઊભું થાય છે. તે બૌદ્ધિકરીતે અપ્રગતિકારક છે અને રાજકીય આત્મઘાત છે. ઊંચનીચની વ્યવસ્થાને પુન:જીવિત કરીને નીચલા વર્ગોને ઉદ્દામવાદી ચળવળથી દૂર રાખવાનો મુખ્ય ઉદ્દેશ છે. જાતિનું ભૂત વર્ગ આધારિત રાજકારણના વિકલ્પથી જ ભાગશે. આ રોગનો ઇલાજ કરવાનો માર્ગ ભૂતકાળમાં જડ્યો નથી.

ભારતના અર્થતંત્રની દિશામાં જતા લેખક કહે છે, જુલાઇ 1991માં ભારત સરકારે નિઓલિબરલ આર્થિક સુધારા અપનાવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી મિશ્ર અર્થતંત્ર આવ્યું અને ખાનગી ઉદ્યોગો અને નિરંકુશ બજારની હિમાયત થઇ. રાજ્યએ રૂઢિગત જાહેર સેવામાં કાપ મુક્યા. ખાનગી ઉદ્યોગો વધ્યા. બહુમતી વર્ગની પરવા કર્યા વગર ભદ્રલોકની સેવા કરવામાં રાજ્ય પ્રતિબદ્ધ થયું. આંતરરાષ્ટ્રીય અનુભવોમાં પણ નિઓલિબરાલીઝમથી દરેક ક્ષેત્રમાં અસમાનતા વધી હોવાનું પુરવાર થયું છે. આમાં સંવિધાન અકબંધ રહ્યું પણ દેશ નિઓ લિબરલ બન્યો અને વંચિતો તરફ થોડીઘણી નિસબત હતી તે મરી પરવારી. નિઓલિબરાલીઝમમાં પ્રાથમિક શિક્ષણ તબક્કે જ ખાનગીકરણ પ્રવેશ્યું. અને સરકારી શાળાઓને ભંડોળ બંધ થયા. શિક્ષણમાં તમામ કક્ષાએ ખાનગી ભાગીદારી આવી અને સરકારી શિક્ષણની તકો ઘટી. શાળા શિક્ષણ સામાન્ય દલિતના ગજા બહાર ગયું. માતાપિતાના વર્ગ-વર્ણ દરજ્જા અનુસાર શિક્ષણ મળે તેવી સ્થિતિ ઊભી થઇ. દલિતોમાં પણ શિક્ષણથી આગળ વધેલા લોકો અને બાકીના વચ્ચે વર્ગભેદની સ્થિતિ ઊભી થઇ. ખાનગી ઉદ્યોગો માટે અવકાશ ઊભો કરવા ગ્રામીણ શિક્ષણ પદ્ધતિ સમજી વિચારીને ખતમ કરી. ઉચ્ચતર શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ સરકારી ભંડોળ પર નહિ પણ, ખર્ચ-વસૂલાતના સિદ્ધાંત પર કામ કરે છે. 

પશ્ચિમી ઉદારમતવાદી મૂલ્યો દલિત ચળવળને ઘણા માફક હતા એમ કહેવું જરા ય અતિશયોક્તિપૂર્ણ નથી. હાલનું ઉદારમતવાદી મોડેલ લોકશાહી વિચારધારાને અનુરૂપ નથી. સમગ્ર વિશ્વમાં આતંકવાદના નામે લોકોના મૂળભૂત હકો દબાવી દેવા સરળ બન્યા છે. ભારતમાં માઓવાદી કે આતંકવાદી કહીને અત્યાચારના વધતા જતા બનાવો સામે દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. આ બધું લોકશાહીનું મ્હોરું પહેરીને જ કરવામાં આવે છે. WTO, IMF અને વિશ્વ બેન્ક જેવા વૈશ્વીકરણના ત્રણ આધાર સ્તંભો વૈશ્વિક શાસન સંસ્થાનની જેમ કામ કરે છે. મૂડીવાદની આધુનિક અસર હેઠળ જાતિવિહીન સમાજરચના થવાને બદલે જાતિ પોતે નવા વાતાવરણમાં ગોઠવાઇ ગઇ છે. મૂડીવાદના નવા વર્ઝન સમા નિઓલિબરાલાઝમે મૂલ્યવિહોણી પરંપરા માટે રસાળ ભૂમિ પૂરી પાડી છે. 

દલિત રાજકારણથી નારાજ લેખક લખે છે, આવા જ વાતાવરણમાં દલિત રાજકારણની નિષ્ફળતાના પગલે બિન સરકારી સંગઠનો પ્રવેશ્યા. દલિત રાજકારણીઓની નિષ્ફળતા અને વિશ્વાસઘાતથી ઊભા થયેલા અવકાશમાં બિન સરકારી સંગઠનો માટે કામ કરતા યુવાનો સરળતાથી લોક વિશ્વાસ જીતી શક્યા. અને આ સંગઠનો તેમના વતી લડતા હોવાનું ચિત્ર ઊભું થયું. દલિતોની સમસ્યાઓ માટે આવી જ સંસ્થાઓ સરકાર સુધી જતી અને પ્રસંગોપાત સ્થાનિક યુવાનોને કામ આપતી. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓના સ્થાને બિન સરકારી સંગઠનોની પ્રવૃત્તિઓ વધતી ગઇ. ધાર્મિક સખાવતો સ્વરૂપે સ્વૈચ્છિક સંગઠનો અને મિશનરી સંશ્થાઓ તો હતી જ. એ પછી વિકાસલક્ષી સંગઠનો આવ્યા, નાગરિક સંગઠનો આવ્યા, વર્લ્ડ સોશિયલ ફોરમ જેવા નવા માળખાએ લોકોમાં રોષ સમાવવાની નવી ભૂમિકા ભજવી. સામાજિક ઉદ્દામ પરિવર્તનની સામે શાંતિપૂર્ણ ઉકેલની વાત કરી. બીજી બાજુ શિક્ષણથી પ્રગતિ સાધીને ઊભા થયેલા મધ્યમ વર્ગને રાજકારણીઓ કરતાં આ સંગઠનો વધુ હિતકારી લાગ્યા. અને ઉદ્દામ ડાબેરી હોવાનો પ્રભાવ પણ એમાં હતો. કાઁગ્રેસની મર્યાદા સામે હિન્દુત્વવાદી બળોને દલિતોનું મહત્ત્વ સમજાયું અને તેમણે દલિતોને રિઝવવાના ખંતપૂર્વક પ્રયત્નો આદર્યા. આર.એસ.એસ.ની સમરસતા અને આંબેડકરની સમતા વચ્ચે ભેદ પારખી ન શકતા કેટલાક દલિત બુદ્ધિજીવીઓ પણ આ પ્રવાહમાં આવી ગયા. 

ઊભી થયેલી હાલની આ સ્થિતિને પૂરક ઇતિહાસમાં જતા લેખક કહે છે, કાઁગ્રેસે ખેડૂતોને લાભદાયી હરિતક્રાંતિની મૂડીવાદી વ્યૂહનીતિ અમલમાં મૂકેલી. તેની પરિણામે થોડાંક જ વખતમાં ગ્રામીણ ભારતની કાયાપલટ થઈ, ગામડાઓમાં મૂડીવાદ ઊભો થયો અને ઉદ્યોગો માટે કૃષિ ઉત્પાદકતા વધી. તેમાં દલિત, જમીન વિહોણા ખેતમજૂરો ગ્રામીણ અકુશળ શ્રમિકોની સ્થિતિએ પહોંચ્યા. જમીન સુધારા દરમિયાન બ્રાહ્મણ જમીનદારો શહેરો તરફ વળ્યા. અને તેમની બ્રાહ્મણવાદી સત્તા શુદ્ર ખેડૂતોને સોંપતા ગયા. આ નવા સમૃદ્ધ શુદ્ર ખેડૂતોમાં શિષ્ટાચારનો અભાવ હતો. સમાજને તાબે કરવાનો સદીઓ જૂનો અનુભવ ન ધરાવતા આ શૂદ્ર ખેડૂતોએ વેતન વિરુદ્ધ મૂડીવાદના દોરમાં નવી રીતે અત્યાચારો શરૂ કર્યા. ખેલરાંજીમાં બનેલી ઘટના આ જ સ્થિતિની નિપજ છે.

ગ્રામીણ ભારતમાં હજી અત્યાચારના બનાવો છે અને બીજી બાજુ આંબેડકર માટે શાસક વર્ગનો ખોટો દેખાડો છે અને અનામત મુદ્દે મીઢું મૌન છે. ઉજળિયાતોને 10 ટકા અનામતથી, જાતિ વ્યવસ્થા સામે અનામત વ્યવસ્થા તરફનો હિન્દુત્વવાદીઓનો વિરોધ પુરવાર થઇ ગયો છે. ગુજરાતમાં ભા.જ.પ.ના શાસનકાળમાં દલિતો પર અત્યાચારના કેસની સંખ્યા ચડતા ક્રમે છે. ઉનાકાંડ તેનો પુરાવો છે. સદીઓ જૂના સફાઇકામના વ્યવસાયમાં વાલ્મીકિ સમુદાયની આધ્યાત્મિક અનુભૂતિ નિહાળતા વડા પ્રધાન વર્ણાશ્રમ તોડવાના બદલે દૃઢ કરવાની ખેવના રાખતા હોવાની ખાતરી પાકી થાય છે. 

દલિતોના આત્મસન્માન સમા ભીમા કોરેગાંવના ઇતિહાસને ભૂંસી નાખવાની નેમથી નિર્દોષ દલિત બૌદ્ધિકો, કર્મશીલો, કલાકારોની ધરપકડ, રોહિત વેમુલ્લાની આત્મહત્યાને દબાવી દેવાના પ્રપંચથી આંબેડકરી વિચારધારા ખતમ કરવાનો શાસક પક્ષનો મનસૂબો પાકો થાય છે. આ તમામ વરવી વાસ્તવિકતાઓથી વાકેફ લેખક આનંદ તેલતુંબડે કહે છે, લોકોને કોમવાદી બનાવવામાં મોદી સરકારે કરેલા નુકસાનની ભરપાઇ થઇ શકે તેમ નથી. “એક પ્રજા, એક દેશ, એક નેતાના” હિટલરના નારામાં “એક ધર્મ (હિન્દુ ધર્મ), એક ચુસ્ત સમાજ વ્યવસ્થા (વર્ણાશ્રમ) અને એક ભાષા (હિન્દી)” નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં દોડતા ભા.જ.પ.થી તેઓ ચિંતિત છે.

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

જી.એસ.ટી. ૨.૦ : થોડા આવકારદાયી સુધારા … પણ  ઘણા બાકી 

નેહા શાહ|Opinion - Opinion|27 September 2025

નેહા શાહ

૨૦૧૭માં જ્યારે જી.એસ.ટી.નો પહેલી વખત અમલ શરૂ થયો, ત્યારે અડધી રાત્રે સંસદની સભા બોલાવવામાં આવી હતી. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે રાતના બાર વાગ્યા હતા ત્યારબાદ અડધી રાત્રે અડધી રાત્રે નિર્ણય લેવાયાની આ બીજી મહત્ત્વની ઘટના હતી. એક દેશ – એક ટેક્સની સમજણથી ઘડાયેલ જી.એસ.ટી.ની સિસ્ટમે કેન્દ્ર અને રાજ્ય સ્તરે લેવાતા સત્તર પ્રકારના ટેક્સ અને 13 સેસને એક જ કર વ્યવસ્થામાં સમાવી લીધા. ઉતાવળે લેવાયેલા નિર્ણયો, ચાર-પાંચ અલગ ટેક્સના દર, વર્ષમાં એકથી વધુ વખત ભરવા પડતા રીટર્ન, વગેરે ને લઈને જી.એસ.ટી.ને કારણે ઘણી મૂંઝવણ ઊભી થઇ. આજે આઠ વર્ષે ઘણી ગુંચ ઉકલી હોવા છતાં જી.એસ.ટી. એક દુખતી રગ તો રહી જ છે. 

હવે, જી.એસ.ટી-૨નો સમય શરૂ થયો છે. પ્રધાન મંત્રીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતાં એને  ગરીબો અને નવા મધ્યમ વર્ગને માટે આ બચત બોનાન્ઝા ગણાવ્યું. પ્રક્રિયાને સરળ કરવા માટે ચાર પ્રકારના દરને ઘટાડી હવે માત્ર બે દર રાખવામાં આવ્યા અને ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પરના ટેક્સ દર ઘટાડવામાં આવ્યા. કર રાહત આપવાથી ઘરેલું અર્થતંત્રમાં થોડી થોડીક મદદ મળવાની આશા રાખી શકાય. અર્થશાસ્ત્રની સાદી સમજ પ્રમાણે ટેક્સ ઘટવાથી બજારમાં ભાવ ઘટશે, જેને કારણે માંગ વધશે, પરિણામે ઉત્પાદનને વેગ મળશે. જો કે અહીં એ સમજવું જરૂરી છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે હાલની તારીખમાં નિશ્ચિત આવકનો અભાવ એમને બજારમાં ખરીદી કરતાં રોકે છે. જો આવક હશે તો તેઓ બજાર સુધી પહોંચશે અને તો એમને જી.એસ.ટી.નો ફાયદો થશે. ઘણાં લાંબા સમયથી ભારતમાં ગ્રાહકનો વપરાશ ખર્ચ ઇચ્છનીય દરે વધી રહ્યો નથી. બેરોજગારીના ઊંચા દરની સાથે નીચી આવક અને ઊંચા ભાવ આ બંને પરિબળોને કારણે વપરાશ ખર્ચની વૃદ્ધિનો દર જરૂર કરતાં નીચો રહ્યો છે. આર.બી.આઈ.ના આંકડા બતાવે છે કે ખાનગી કંપનીઓનો નફો લગભગ ૧૭ ટકાના દરે વધ્યો, જેમાં વેચાણના વધારાનો દર તો માત્ર ૫.૫ ટકા જ હતો. બાકીનો ફાયદો તેમને ઉત્પાદનના ખર્ચમાં થયેલ ઘટાડાને કારણે મળ્યો છે, જેની પાછળ વૈશ્વિક સ્તરે ઉત્પાદન સામગ્રીના ઘટેલા ભાવ જવાબદાર છે. મતલબ, ગ્રાહકના વપરાશ ખર્ચનો વર્તમાન વૃદ્ધિ દર કંપનીઓને ટકી રહેવા માટે પૂરતું ચાલક બળ નથી. પડતા પર પાટું મારવાનું કામ કર્યું છે અમેરિકાએ ભારતની આયાત પર લાદેલા પચાસ ટકા ટેરીફે. કપડાં ઉદ્યોગ, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ, એગ્રી પ્રોસેસિંગ ઉદ્યોગ, સી ફૂડ, ચર્મ ઉદ્યોગ વગેરે જેવા શ્રમ પ્રધાન ઉદ્યોગો પર ખાસી માઠી અસર પડી છે. લાખો લોકોના રોજગાર પર એની અસર પડી છે. અર્થતંત્રના આ આઘાતમાંથી રાહત આપવાની જવાબદારી અત્યારે જી.એસ.ટી.ના ખભા પર આવી પડી છે, એ કેટલી પાર પડશે એ તો સમય જ કહેશે. પણ, એટલું ચોક્કસ કે પાછલા બે-ત્રણ દિવસમાં અચાનક વધેલા ગાડીઓના વેચાણના આંકડા જોઈ કોઈ જાદુ થઇ ગયો હોય એવું માનવાની જરૂર નથી, કારણ કે એ માટે જી.એસ.ટી. કરતાં તહેવારની મોસમ વધુ જવાબદાર છે. એ ઉપરાંત ગાડી કે બાઈક ખરીદનારો વર્ગ જુદો છે, એમની ખરીદ શક્તિ પર આર્થિક આઘાતોની અવળી અસર થઇ નથી. 

આઠ વર્ષનો અનુભવ કહે છે કે જી.એસ.ટી.ની માઠી અસરનો સૌથી મોટો ભાર નાના ઉદ્યોગોના માથે આવ્યો છે. જી.એસ.ટી. પાછળનો એક ઉદ્દેશ કરવેરો ભરવાના માળખાને ને સરળ બનાવવાનો હતો. પણ, જ્યારે અમલ કરવામાં અનેક ફોર્મ ભરવાના આવ્યા, ડિજિટલ ટેકનોલોજી પર ભાર મુકવામાં આવ્યો અને એ બધામાં અનેક નિયમો સમજવામાં-પાળવામાં નાના વેપારીઓ અને ઉદ્યોગો પર ભારણ વધી ગયું. નાના ઉદ્યોગો પાસે ઘણી વાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મહાવરો નથી હોતો, અનેક વાર ભરવા પડતા ફોર્મ પાછળ આપવો પડતો સમય નથી હોતો, અમલમાં મદદ કરી શકે એવો સહાયકનો સહારો નથી હોતો, પરિણામે જી.એસ.ટી.ના નિયમોનું પાલન કરવાનો એમને ભાર લાગે છે. અસંગઠિત ક્ષેત્રમાં ચાલીસ લાખથી ઓછું ટર્નઓવર કરનારા વ્યવસાય જી.એસ.ટી.ના દાયરાની બહાર છે એટલે એમને ઈનપુટ ક્રેડીટ મળતી નથી – એટલે કે તેઓ કાચા માલ, કે પેકેજીંગ પાછળ  ખર્ચ પર જેટલું જી.એસ.ટી. ચુકવે છે તે બધું તેમના ખર્ચમાં જ ઉમેરી દેવું પડે છે, કારણ કે તેઓ તેને પાછું ક્લેઇમ કરી શકતા નથી. નાના વેપારીઓને ધ્યાનમાં રાખી કરવેરાના માળખામાં સુધારાની તાતી જરૂર  છે – દર ઘટાડવા પૂરતા નહિ, પણ અમલીકરણની અટપટી પદ્ધતિઓને સરળ કરવાની તેમ જ તેને સર્વસમાવિષ્ટ બનાવવાની પણ જરૂર છે. 

જ્યારથી જી.એસ.ટી. અમલમાં આવ્યું, ત્યારથી તેના બે પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે – એક, ગ્રાહકો માટે ટેક્સના ઊંચા દરના કારણે બજારમાં ઘણી ચીજ વસ્તુઓના ભાવ ઘણા ઊંચા થયા અને બે, ઉત્પાદકો જી.એસ.ટી ફાઈલ કરવાની અટપટી સિસ્ટમમાં અટવાયેલા જ રહ્યા. બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા દોરમાં પહેલા પ્રશ્નને સંબોધવાનો પ્રયત્ન થયો છે. બીજા પ્રશ્ન પર હવે તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દરબારી અર્થશાસ્ત્રીઓને મોદીની રેવડી કદાચ નોન-બાયોલોજિકલનો પ્રસાદ લાગતી હશે!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 September 2025

હેમન્તકુમાર શાહ

નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ના જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં, દિલ્હીમાં અરુણ જેટલી સ્મારક વ્યાખ્યાન આપતી વખતે, સૌ પ્રથમ વાર ગરીબોને જે સબસિડી વસ્તુ, સેવા કે રોકડ રકમ સ્વરૂપે આપવામાં આવે છે તેને માટે “રેવડી” શબ્દ વાપરીને ગરીબોને બદનામ કર્યા હતા. 

પછી તો દેશના લગભગ બધા દરબારી અને મોદીભક્ત અર્થશાસ્ત્રીઓ કહેવાતી “રેવડી” પર તૂટી પડ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે આવી “રેવડી”થી સરકારના બજેટની દશા બગડે છે, બજેટમાં ખાધ ઊભી થાય છે, ગરીબોને મફતિયું ખાવાની ટેવ પડે છે, દેશનું અર્થતંત્ર ખાડે જાય છે, વગેરે. અંગ્રેજી છાપાં એમનાં આવાં મંતવ્યો ધરાવતા લાંબાલચ લેખોથી અનેક સપ્તાહો સુધી ભરાઈ ગયાં હતાં. મોદીની “રેવડી” મોંમાં લોલીપોપની જેમ ચગળાવતાં તેઓ થાકતા નહોતા. 

નરેન્દ્ર મોદીએ પોતે આજે બિહારની ૭૫ લાખ મહિલાઓને ₹ ૧૦,૦૦૦ની રોકડ રેવડી આપી છે. પેલા “રેવડી”નો વિરોધ કરનારા અને મોદીની”હા”માં “હા” કહેતા દરબારી અર્થશાસ્ત્રીઓના મોંમાં અત્યારે મગ ભરેલા છે કે શું? 

અને જુઓ તો ખરા. આ રકમ તેમણે બિહારની સરકારની ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ બિહારની મહિલાઓને આપ્યા! નરેન્દ્ર મોદી બિહારના મુખ્ય મંત્રી છે? ના. નીતીશ કુમાર મુખ્ય મંત્રી છે? હા. આ એમની યોજના હેઠળ મોદી પૈસા વહેંચે છે તો પણ નીતીશ કુમાર કશું બોલી શકે છે? ના. એને કહેવાય તાનાશાહી. 

નરેન્દ્ર મોદી તેમની પોતાની સરકાર કે ભા.જ.પ.ની રાજ્ય સરકારો હેઠળ ગરીબોને જે સબસિડી કે રોકડ રકમ જુદી જુદી યોજનાઓ હેઠળ અપાય છે તે જુલાઈ-૨૦૨૨ પછી બંધ કરવામાં આવી? ના. તો પછી એમણે “રેવડી” શબ્દ પોતાના ભાષણમાં વાપર્યો કેમ? એટલે કે, દેશના અર્થશાસ્ત્રીઓ એ શબ્દને લઈને બોલ્યા કરે અને લખ્યા કરે માટે. ખરેખર એવું? હાસ્તો. દરબારી અને ભક્ત અર્થશાસ્ત્રીઓને મોદીનું ચપ્પણિયું ચાટવામાં અપાર આનંદ આવતો હોય છે. 

અર્થશાસ્ત્રીઓને ગરીબો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ધિક્કાર હોય છે. તેમને માણસની ચિંતા નથી હોતી, તેમને અર્થતંત્ર અને વિકાસની ચિંતા હોય છે. મોદી તેમના આ ધિક્કારને પોષે છે એટલે એમને મોદી બહુ પ્યારા લાગે છે. 

આ તો ભલું થજો આપણા બંધારણનું કે એમાં દર પાંચ વર્ષે આવતી ચૂંટણીની જોગવાઈ છે. એવું ન હોત તો શું થાત એની કલ્પના કરવી અઘરી છે. ચૂંટણી આવે છે એટલે મોદીને ગરીબો યાદ આવે છે. બિહારની વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે જ મોદીને જી.એસ.ટી.માં ઘટાડો કરવાનું સૂઝ્યું છે. નહીં તો સૂઝત ખરું?

૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગીની સરકારે ૪૬ લાખ યુવાનોને મફતમાં ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપેલા! ગુજરાત સરકારે પણ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના ચલાવી જ છે! 

આવી તો બધી બહુ “રેવડી” ભા.જ.પ.ની રાજ્ય સરકારોએ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી વેળા વહેંચી હતી. પણ ત્યારે મહાન અર્થશાસ્ત્રીઓએ “રેવડી”ની ટીકા કરવા મગનું નામ મરી પાડ્યું નહોતું!

મહાત્મા ગાંધીનું આ એક વાક્ય યાદ રાખવાની જરૂર છે : “ગરીબોની ગરીબી દૂર કરવી હોય તો એમાં અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્રીઓ બેમાંથી એકેયની જરૂર નથી.”

તા. ૨૬-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...79808182...90100110...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved