Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—241

દીપક મહેતા|Opinion - Opinion|1 April 2024

જ્યારે મુંબઈ નજીક આવેલા વસઈમાં વસતી હતી પશુપંખીની      

શાંત, શાંત, સુશાંત આંહી સઘળું,

ધ્વનિ નહિ, નહિ શબદ કે નહિ જ ગણગણાટ પણ કોઈનો, 

સુણાય પડઘો અહીં સતત, વીતી ગયેલ વરસો તણો 

                                                                        (અજ્ઞાત કવિ)

મિસિસ પોસ્તાન્સ કહે છે કે અમે વસઈ પહોંચ્યા ત્યારે અજ્ઞાત કવિની આ પંક્તિઓ મારા મનમાં પડઘાતી હતી. હિન્દુસ્તાનમાં રહેતા અંગ્રેજ સૈનિકો અને તેમનાં કુટુંબીજનો માટે ક્રિસમસનો તહેવાર એટલે મુંબઈથી ભાગી છૂટવાનો ઉત્સવ. મુંબઈની આસપાસ ઘણી રમણીય અને શાંત જગ્યાઓ છે. તેમાંનું એક સ્થળ આજે સાવ ઉજ્જડ, વેરાન, બની ગયું છે, પણ અગાઉ તો એ પશ્ચિમ કિનારા પરનું દરિયાઈ વેપારનું મોટું થાનક હતું. વેપારની સાથોસાથ ધર્મપ્રસારથી પણ ધમધમતું હતું. જુદે જુદે વખતે જુદા જુદા નામે ઓળખાતું. પણ અસલ નામ વસઈ. ઉજ્જડ વેરાન પ્રદેશમાં જ્યાં માણસોની મોટી વસતી, એ જગ્યા તે વસઈ. ગુજરાત સલ્તનતના બહાદુરશાહે તે જીત્યા પછી નામ પાડ્યું બસઈ. પછી ગયું મરાઠાઓના હાથમાં. ત્યારે નામ પડ્યું બાજીપુર. પોર્ટુગીઝો અને અંગ્રેજોએ પણ અસલ નામને થોડું મચડ્યું, પણ લોકોના મનમાં વસેલું નામ તો વસઈ જ. મુંબઈથી આશરે ત્રીસ માઈલ દૂર, ઘોડા બંદર નદીને કિનારે. (નોંધ : સાધારણ રીતે જે આજે પણ ‘ઘોડબંદર’ તરીકે ઓળખાય છે તેને લેખિકા ‘ઘોડા બંદર’ કહે છે. આજે પણ પશ્ચિમના લોકો ક્રિશ્ના, રામા, બોલે છે તેના જેવો આ ઉચ્ચાર? પણ ઘોડાબંદર નદી? એ વળી ક્યાં આવી? એ નદી આજે ‘ઉલ્લાસ નદી’ તરીકે જાણીતી છે. ઘોડાબંદર પાસે તેનો એક ફાંટો દરિયાને મળે છે એટલે લેખિકા તેને ઘોડાબંદર નદી કહેતા હોય એમ બની શકે.)

આવું હતું વસઈ ૧૯મી સદીની શરૂઆતમાં 

આ વરસે નાતાલના દિવસોમાં અમે વસઈ જવાનું નક્કી કર્યું. કારણ એક તો ત્યાં કુદરતી સૌન્દર્ય ભરપૂર. બીજું, ભલે બિસ્માર, પણ ઐતિહાસિક સ્મારકો. ત્રીજું, જમીન પરની નહિ, પાણી પરની મુસાફરી. સૈનિકની પત્નીએ પગે પગરખાં નહિ, પૈડાં પહેરી રાખવાનાં હોય છે. કારણ ક્યારે, ક્યાં, બદલી થશે એ કહેવાય નહિ. પણ એને કારણે નાનીમોટી મુસાફરી પ્રમાણમાં સહેલાઈથી કરી શકાય છે. સૌથી પહેલાં તો અમારે માટે એક શઢવાળું વહાણ ભાડે કર્યું. અમે જ્યારે મુસાફરી કરીએ ત્યારે અમારી ‘કીટ’ અમારી સાથે જ હોય. પણ આ મુસાફરીમાં વહાણમાં ઝાઝો સામાન સાથે રખાય એમ નહોતું. એટલે ખુરસી-ટેબલ, ખાટલા, રાંધવાનાં વાસણ, અને તંબુઓ, વગેરે અમે જોખમી અને લાંબા જમીન રસ્તે ગાડામાં મોકલ્યાં. પછી જે સામાન વધ્યો તેને એક તરાપા પર ચડાવ્યો અને તરાપાવાળાને અમારા વહાણની પાછળ પાછળ બને તેટલી ઝડપથી હંકારવા કહ્યું. 

વહેલી સવારે અમે મુસાફરી શરૂ કરી. ઠંડો આહ્લાદક પવન વાઈ રહ્યો હતો. અમારા વહાણના ખારવાઓએ માથે રંગબેરંગી ફેંટા પહેર્યા હતા. તેની ઝૂલ હવામાં આમતેમ ઊડીને કોઈ અનેરી ભાત રચતી હતી. મધદરિયાની સફર ખેડતા વહાણ કરતાં નદી કે દરિયા કાંઠાની ખેપ ખેડતાં વહાણોની બાંધણી જરા જુદી હોય. મધદરિયે જતાં વહાણ પહોળાં અને ભારે હોય જેથી મોજાંઓની ખપાટો સહેલાઈથી સહી શકે. જ્યારે નદી કે દરિયા કિનારાની સફર ખેડતાં વહાણ થોડાં સાંકડાં હોય, અને એના શઢ ઝડપથી ખોલી-સંકેલી શકાય એવા હોય. 

અમે મુસાફરી શરૂ કરી તે પછીના બીજા દિવસની સવારે તો તરાપો અમારા વહાણને આંબી ગયો! સવારના સૂરજના અજવાળામાં ઘોડા બંદર નદીનાં પાણી સોનેરી રંગે રંગાઈ ગયાં હતા. અમારું વહાણ જેમ જેમ આગળ વધતું જતું હતું તેમ તેમ આંખ સામે સતત નવાં નવાં દૃશ્યો આવતાં અને જતાં હતાં. ચારે બાજુ જાણે સોનેરી સમૃદ્ધિ રેલાઈ ગઈ હતી, મુલાયમ, છતાં ઝગમગતી. 

ઘોડા બંદર નદી – આજની ઉલ્લાસ નદી – ૧૯મી સદીમાં 

ઘોડા બંદર નદી ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે થઈને વહે છે, અને એ પર્વતો પાછા ગાઢ જંગલથી ઘેરાયેલા. વચમાં વચમાં ક્યાંક તમને ભૂતકાળનું કોઈ ભગ્ન અવશેષ પણ દેખાઈ જાય. પણ ઘણુંખરું તો નકરા કાળા પાણા જ જોવા મળે. પણ આ પાણા હોય જાતજાતના આકારના. ક્યાંક તમને હાથીના માથાનો આભાસ થાય તો ક્યાંક જમીનમાંથી જાણે લાંબી ધારદાર તલવાર ઉપર ઊઠીને આકાશને ચીરતી હોય એવું લાગે. તો ક્યાંક જોવા મળે વાંસનાં ઝુંડ. તેના પર પાછા જાતભાતના વેલા વીટળાયેલા હોય. તેનાં ફૂલો વાંસને પણ રંગીન બનાવી દે. નદી કિનારે ઊગેલા વાંસ ઝૂકી ઝૂકીને જાણે નદીનાં પાણીને ચુંબન કરતા હોય એવું લાગે. 

વસઈમાં વહાણ નાંગરે એટલે થોડે દૂર, એક ટેકરી પર દેખાય પાદરીઓને રહેવા માટે બાંધેલા મઠના જીર્ણશીર્ણ અવશેષો. ત્યાં સુધી જવા માટે નદી કિનારાથી એક કેડી ઉપર જાય છે. એ મઠની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં અમારે માટે તંબુ તાણ્યા હતા. એટલે અમે ઉપર પહોંચ્યા. જઈને જોયું તો બગલાની પાંખ જેવા ધોળા ધોળા તંબુઓ સજીધજીને અમને આવકારવા તૈયાર થઈને ઊભા હતા. મુસાફરીના થાક પછી આવા તંબુ જોઈને જે રાહત થાય તે તો અમારા જેવા ભટકુઓને જ સમજાય. 

હિન્દુસ્તાનની એક ખાસિયત છે. જે સગવડો ખૂટતી હોય તે વસ્તુઓ પણ હાજરાહજૂર છે એવો અભાસ ઊભો કરી દેવો! અહીંના લોકો એને હાજર સો હથિયાર કહે છે. ઘરનાં સાધન-સગવડ છોડીને તમે બહાર પડો. કુદરતને ખોળે જાવ, ત્યારે ઘરની સગવડો તો ક્યાંથી મળે? છતાં આવા તંબુઓમાં નાનકડું, કામચલાઉ ઘર ઊભું થઈ ગયું હોય! તમે જ્યારે મુકામ પર પહોંચો ત્યારે ત્યાં ન હોય કોઈ વીશી, અને વીશી જ ન હોય ત્યાં ગરમાગરમ જમવાનું તૈયાર રાખતી તેની માલકણ તો ક્યાંથી જ હોય? પણ કંતાનના તંબુમાં રોજિંદા વપરાશની બધી વસ્તુઓ ગોઠવેલી હોય. બે બામ્બુ પર ઊભો કરેલો મોટો તંબુ એ બને ડાઈનિંગ રૂમ. તેનાથી થોડે દૂર નાના નાના તંબુમાં લશ્કરમાં વપરાતા ફોલ્ડિંગ ખાટલા ગોઠવી દીધા હોય. એ તમારો બેડ રૂમ. થોડે દૂરના એક તંબુમાં નહાવા-ધોવાની સગવડ કરી હોય. બાજુની રાવટીમાં નોકરો ભોજન બનાવવાની તૈયારી કરતા હોય. મોટા તંબુઓ કપડાંના બારણાંથી ઢંકાયેલા હોય. તંબુમાં ગાલીચા પાથર્યા હોય. દરવાજા પર લીલા રંગના ચક લગાડ્યા હોય અને એક નોકર થોડી થોડી વારે તેના પર પાણી છાંટતો રહે. આ ચક આંખને વાગે તેવા અજવાળાથી અને અંગને દઝાડે તેવી ગરમીથી બચાવે નહિ, તો ય થોડી રાહત તો આપે જ. 

હિન્દુસ્તાનમાં મુસાફરી કરવી એટલે શું એનો ખ્યાલ વિલાયતમાં મુસાફરી કરવાથી ટેવાયેલા લોકોને ભાગ્યે જ આવે. હિન્દુસ્તાનમાં મુસાફરી કરનારાને થોડા જ વખતમાં સમજાઈ જાય છે કે ગમે તેવી મુશ્કેલીમાં, ગમે તેવા અભાવોમાં, પણ માણસ પોતાને માટે સગવડો ઊભી કરવાના નુસખા શોધી જ કાઢે છે. વાંસ મળે તો વાંસ, ઘાસ મળે તો ઘાસ. ખજૂરીનાં સૂકાં પાન મળે તો પાન, અહીં તો હાજર સો હથિયાર. ઓહાયો નદીના કિનારા પરના વિગવામ (ઘુમ્મટવાળા ઝૂંપડાં) જુઓ, કે થરના રણમાં ઊભા કરેલા વાંઢ જુઓ. અરબસ્તાનના તંબુ જુઓ, કે લંડનના ગ્રોના સ્ક્વેરનાં આલીશાન મકાનો જુઓ. માણસ પોતાને જોઈતી સગવડો એક યા બીજી રીતે મેળવી જ લેતો હોય છે. કોઈ લઘરવઘર મુસાફરને ચિલ્લમ પીવાથી સુખ મળે છે, તો કોઈ ઉમરાવને સુશોભિત ટેબલ-ખુરસી પર બેસીને શેમ્પેન પીવામાં. 

પોર્ટુગીઝોએ બનાવેલો વસઈનો નકશો

પોર્ટુગીઝોએ વસઈમાં બાંધેલા મઠની ઇમારત પર પછીથી મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટતા જેવો ગુંબજ બાંધવામાં આવ્યો છે. તેમાં રહેવા માટેની સારી સગવડ છે. મોટા, હવા-ઉજાસવાળા ઓરડા, મોટી બારીઓમાંથી નજરે પડતાં આસપાસનાં મનોરમ દૃશ્યો. એક બાજુ નજર કરો તો શાંતપણે વહેતી અલાસગમના નદી. તેમાં અહીંતહીં પડેલા પથ્થરો, કાંઠે ઊગેલાં ઝાડ, અને તેની પાછળ ખભેખભા મિલાવીને ઊભેલા ડુંગરા. તો બીજી બાજુ નજર કરો તો ખુલ્લું, મોટું, સપાટ મેદાન. જો કે મેદાનમાં, જંગલમાં, કે પહાડોમાં જતી વખતે સતત સાવધાન રહેવું પડે. ક્યારે, કઈ દિશામાંથી વાઘ કે ઝેરી નાગ આવી ચડે એ કાંઈ કહેવાય નહિ. અહીંતહીં ડાંગર અને શેરડીનાં ખેતરો. અને એનાથી પણ દૂર નજર નાખો તો દેખાય વસઈનો કિલ્લો. આ જંગલ જાતભાતનાં પંખાળા જીવોને પણ પોષે છે. તમે પસાર થતા હો ત્યારે કાં બુલબુલનો મીઠો મધુરો સ્વર સંભળાય, કાં લક્કડખોદની ખુદ ખુદ.

આજનો નકશો 

ઘોડા બંદર નદીમાં પણ મોટા મોટા મગરનો વાસ. નદી કિનારાની ભીની માટીમાં મોટું જડબું ખોલીને પડ્યા હોય. અને ભૂલેચૂકે કોઈ જીવ એની પાસે પહોંચી ગયો તો ઘડી બે ઘડીમાં હતો ન હતો થઈ જાય! અમારામાંના કેટલાકે ત્યાંના ચોકિયાતની હથેળી ગરમ કરીને મગરનો શિકાર કરવા ધાર્યું. પણ હજી તો પહેલી ગોળી છૂટી ત્યાં તો મગરનું આખું ધાડું ચીલ ઝડપે નજીકના જંગલમાં અલોપ થઈ ગયું. 

વિધિની વિચિત્રતા તો જુઓ. જે શહેરનું નામ જ ‘વસઈ’ એટલે કે જ્યાં માણસોની મોટી વસતી છે એવી જગ્યા, એ જ જગ્યા આજે વસતી વિહોણી, ઉજ્જડ ખંડેર જેવી બની ગઈ છે! એક વખત વેપારધંધાથી ધમધમતી જગ્યાએ આજે જોવા મળે રડ્યાખડ્યા માછીમારો અને શિકારીઓ. એક જમાનામાં અહીં સત્તા હતી, સમૃદ્ધિ હતી. આજે બચ્યાં છે માત્ર થોડાં ખંડિયર. જે બજારોમાં એક વખત સતત કોલાહલ સંભળાતો, એ આજે નીરવ. ચર્ચનો ઘંટનાદ દૂર દૂર સુધી સંભળાતો. ઘંટનાદ સંભળાતાં વેંત એક જમાનામાં આસ્થાળુઓ ચર્ચ આવી, ઘુંટણીએ પડી પ્રાર્થના કરતા. આજે ચર્ચનાં ખંડિયેરમાં લટકતો ભગ્ન ઘંટ પક્ષીઓના માળા બાંધવા માટે કામ લાગે છે. રણકવાનું તો આ ઘંટ ક્યારનો ય ભૂલી ગયો છે. ચારે બાજુ એટલો તો સુનકાર, કે કોઈ રડ્યાખડયા વટેમારગુનાં પગલાંનો અવાજ સાંભળીને ઘુવડ, જંગલી ગરોળી, અને નાગ સુધ્ધાં આઘાંપાછાં થઈ જાય છે.  

એક જમાનામાં જેમ વસઈ વેપાર-વણજનું મોટું થાણું હતું તેમ ખ્રિસ્તી ધર્મનું પણ મોટું મથક હતું. પણ એ અંગેની વધુ વાતો હવે પછી. આજે તો જરા સંભાળીને આ જંગલમાંથી હેમખેમ  બહાર નીકળી જઈએ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 માર્ચ 2024)

Loading

આશ્રમ ભાંગી નાખવાનો નિર્ણય લેવાનું શું કારણ ?

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|31 March 2024

રમેશ ઓઝા

૧૧મી માર્ચે આખું અમદાવાદ શહેર જાગતું હતું, સૂતો હતો માત્ર એક જ માણસ; મોહનદાસ કરમચંદ ગાંધી. બીજા દિવસે પરોઢે ગાંધીજી સાબરમતી આશ્રમથી (ત્યારનું નામ સત્યાગ્રહાશ્રમ) દાંડી કૂચનો આરંભ કરવાના હતા અને લોકો એ અનુપમ ઘટનાને નજીકથી જોવા માગતા હતા, તેનાં સાક્ષી બનવા માગતા. ગાંધીજીના માર્ગમાં બન્ને તરફ લોકો ગોઠવાઈ ગયા હતા અને કેટલાક યુવાનો ઝાડ પર ચડી ગયા હતા. ઉમાશંકર જોશી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો પણ એમાં હતા અને તેમણે એ ઘટનાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. જેમ જેમ કૂચ આગળ વધી એમ એમ તેણે લોકોનાં દિલનો એવો કબજો લીધો કે કનૈયાલાલ મુનશી અને ઇન્દુલાલ યાજ્ઞિક એ સમયે ગાંધીજી સાથે નહીં હોવા માટે રુદન કરતા હતા. મુનશી ગાંધીજીના કઠિન જનઆંદોલનથી દૂર રહેતા હતા અને ઇન્દુલાલ ગાંધીજીથી રિસાઈને ગુજરાત છોડી મુંબઈ જતા રહ્યા હતા. બન્નેને અનુક્રમે એમ લાગતું હતું કે એવી તે કેવી સુવિધાપરસ્તી અને એવી તે કેવી રીસ કે અત્યારે તેઓ યુગપુરુષની સાથે નથી.

ખેર, ગાંધીજીએ કૂચ આરંભતા પહેલાં એક પ્રતિજ્ઞા કરી હતી કે સ્વરાજ લીધા વિના તેઓ આશ્રમ પાછા નહીં ફરે. “સ્વરાજ વિના આશ્રમનું દર્શન હું કરવાનો નથી. કાગડા-કૂતરાને મોઢે હું મરીશ, સ્વરાજની ઝંખના કરતો રઝડીરવડીને મરીશ, પણ પાછો ફરવાનો નથી જ.” આ જે પ્રસિદ્ધ વાક્ય ટાંકવામાં આવે છે એ તેમણે દાંડીકૂચના અઢારમાં દિવસે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામ નામના ગામમાં લોકો સમક્ષ બોલતા કહ્યું હતું.

મીઠાના સફળ સત્યાગ્રહ પછી મે મહિનામાં ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ભારતના એ વખતનાં વાઇસરોય લોર્ડ ઈરવીન સાથે સમજૂતી થઈ અને ગાંધીજી બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા લંડન ગયા. યુરોપથી પાછા ફર્યા એ પછી તેમની પાછી ધરપકડ કરવામાં આવી અને જેલવાસ દરમ્યાન જ તેમણે પૂનાની યેરવડા જેલમાં અલગ મતદાર સંઘની જોગવાઈનો વિરોધ કરવા ઉપવાસ કર્યા અને ડૉ. આંબેડકર સાથે સમજૂતીના કરાર થયા જે પૂના કરાર તરીકે ઓળખાય છે. જેલવાસ દરમ્યાન જ ૮મી મે ૧૯૩૩ના દિવસે તેમણે આત્મશુદ્ધિ માટે ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા અને સરકારે પરિણામથી ગભરાઈને એ જ દિવસે તેમને છોડી મૂક્યા. ગાંધીજીએ પૂનામાં જ લેડી પ્રેમલીલા ઠાકરસીના ‘પર્ણકુટી’ નામના યેરવડાની જેલ નજીક આવેલા બંગલામાં રહીને ૨૧ દિવસના ઉપવાસ પૂરા કર્યા. ત્યાંથી જ તેમણે ૧૮મી જૂન ૧૯૩૩ના દિવસે આશ્રમવાસીઓને એક સંદેશો મોકલ્યો કે, “આજ સુધી ગાળ્યું છે તેનાં કરતાં વધારે શુદ્ધ જીવન ગાળજો.” આ સલાહ સૂચક હતી.

ગાંધીજીએ દાંડીકૂચ માટે ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ છોડ્યું હતું એ પછી ત્રણ વરસે ૧૯મી જુલાઈ ૧૯૩૩ના રોજ અમદાવાદ ગયા અને શેઠ રણછોડલાલના ઘરે મહેમાન થયા. એ દિવસે આશ્રમ ગયા અને ૨૨મી તારીખે તેમણે જમનાલાલ બજાજ અને દેવદાસ ગાંધીને લખ્યું કે તેમણે આશ્રમ વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. અલગ અલગ સમયે તેમણે અલગ અલગ શબ્દ વાપર્યા છે. આશ્રમ ભાંગી નાખવાનો, આશ્રમ વિસર્જિત કરી દેવાનો, આશ્રમ હોમી દેવાનો, ફૂંકી મારવાનો, બલિદાન કરવાનો, સરકારને સોંપી દેવાનો, વગેરે.

આવો નિર્ણય લેવાનું શું કારણ? એક તો એ કે સરકાર વિઘોટીને નામે આશ્રમવાસીઓને હેરાન કરતી હતી અને જે તે વસ્તુ જપ્ત કરતી હતી. ૨૫મી જુલાઈના દિવસે તેમણે એસોસિટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાના પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, “લડતમાં ભાગ લેતા સેંકડો બલકે હજારો માણસોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. ગામડાંના લોકોએ વીરતાપૂર્વક વેઠેલાં કષ્ટોની વાત સાંભળીને મને થયું કે મારે કોઈ આકરું પગલું લેવાની જરૂર છે. હું શાનો ભોગ આપી શકું? મારું કહેવા જેવું આ પૃથ્વી ઉપર કાંઈ નથી; પણ મારી પાસે એવી કેટલીક વસ્તુઓ છે જે મારી ગણી શકાય અને એવી કિંમતી વસ્તુઓમાં આશ્રમ કદાચ સૌથી વધુ કિંમતી છે અને મને થયું કે મારે મન મારા જીવનનું નવું અને પવિત્ર કાર્ય (હરિજનસેવા) શરૂ કરવા પહેલાં મારે મારા આશ્રમના સાથીઓને મારી સાથે જોડવા …”

૨૬મી જુલાઈએ ગાંધીજીએ મુંબઈ સરકારના ગૃહસચિવને પત્ર લખીને આશ્રમનો કબજો લેવાની ભલામણ કરી અને આગળ લખ્યું: “જો કોઈ પણ કારણસર ઉપર જણાવેલી મિલકતનો કબજો સરકાર નહીં લે તો આશ્રમવાસીઓ તો લડતની મોકુફીની મુદ્દત પૂરી થયે એટલે કે ૩૧મી તારીખ પછી આશ્રમનો ત્યાગ કરીને ચાલ્યાં જશે.” આશ્રમ પાસે અગિયારેક હજાર પુસ્તકોનું પુસ્તકાલય હતું જે ગાંધીજીએ અમદાવાદની મહાનગરપાલિકાના વાંચનાલયને આપી દીધું હતું. મહેતલ વીતી જવા છતાં સરકારે આશ્રમ કબજે કર્યો નહીં અને છેવટે આશ્રમ ગાંધીજીએ હરિજન સેવક સંઘને આપી દીધો હતો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 31 માર્ચ 2024

 

Loading

અરવિંદ કેજરીવાલની ધરપકડઃ રાજકીય કાવાદાવાની પેચીદી સ્ક્રીપ્ટનો નાટ્યાત્મક વળાંક

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 March 2024

ઇલેક્ટોરલ બોન્ડ્ઝ – જે મૂળે તો એક વ્યવસ્થિત પૂર્વ આયોજિત ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે, તેની પર સાવલ ઉઠ્યા અને એ મુદ્દો અચાનક જ કેજરીવાલની ધરપકડના ઘોંઘાટ વચ્ચે દબાઇ ગયો

ચિરંતના ભટ્ટ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી. દેશમાં લોકસભાની ચૂંટણી માથે હોય અને રાજધાનીના મુખ્ય મંત્રીને જેલભેગા કરવામાં આવે એ ઘટનાને એકથી વધુ દૃષ્ટિકોણથી નાણી શકાય અને નાણવી જોઇએ.

અરવિંદ કેજરીવાલે ક્યાં કાચું કાપ્યું એ મુદ્દા પર પૂરતી ચર્ચા થઇ છે, પણ જે રીતે આ આખી ઘટનાને આકાર આપવામાં આવ્યો છે એમાં લોકશાહી અચાનક ચૂંટણી લક્ષી બની ગઇ છે એવો આભાસ થાય છે. લોકશાહી ચૂંટણી અનુસાર કે ચૂંટણી માટે ઇચ્છા પ્રમાણે વાપરવામાં આવે ત્યારે તે દેશ ચલાવવાની એક તટસ્થ-સંતુલિત રીતને બદલે સરમુખત્યાર માનસિકતાનું સાધન બનીને રહી જાય છે. કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકારે કેજરીવાલની ધરપકડ કરીને લોકશાહી પર સરમુખત્યારશાહીની ચાબૂક ફટકારી છે. એમ કહેવું કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તો પોતાનું કામ પોતાની રીતે કરે છે સરિયામ જુઠ્ઠાણું છે. કેજરીવાલને નિશાને રાખીને સાટામાં લેવામાં EDની કામગીરી શાસક પક્ષના વિરોધીઓને શોધી શોધીને તેમની ભાષામાં ‘હખણા કરી દેવા’ માટે જ કરાય છે એવું વર્તાઇ આવે છે.  ધાક બેસાડવામાં ભા.જ.પા. એક્સપર્ટ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પણ આ ધરપકડને કારણે જે આમ આદમી પાર્ટી નબળી પડી જશે અને હચમચી જશે એવી અપેક્ષા હતી તેને બદલે તેનું જોર બમણું થયું છે, તો બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને પણ લડત માટે મજબૂત મુદ્દો મળ્યો છે એમ લાગે છે. હવે મોટા ભાગનાને ન ગમે એવી વાત ટાંકવી જ પડે કે જે રીતે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને નાથવા માટે મોદી સરકારે કોઇ કચાશ નથી છોડી એ જ સાબિત કરે છે કે તેમને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામેની રાજકીય ટક્કરનો સૌથી મોટો ડર છે.

 છેલ્લા કેટલાક મહિનામાં વિરોધપક્ષોએ સતત એ દલીલ આગળ ધરી છે કે મોદી સરકારે ચૂંટણીના ખેલને પોતાની તરફેણમાં કરી દેવાના બધા જ કાવાદાવા વાપર્યા છે. પ્રસાર માધ્યમો પર નિયંત્રણ કરવાથી માંડીને રાજકીય ભંડોળ પર પણ ભા.જ.પા.એ ઇજારાશાહી મેળવી છે. 

અરવિંદ કેજરીવાલ

રાજકીય સ્તરે જે ખેલ ચાલે છે તે સામાન્ય મતદાર માટે સમજવું શક્ય નથી પણ વિરોધપક્ષના નેતાની ધરપકડ સાબિત કરે છે કે ભા.જ.પા. એક માથાભારે પક્ષ તરીકે ઓળખાય તેમાં તેમને કોઈ ફેર પડતો નથી. EDએ જમાનત વગર આપના ચાર મોટા માથાઓની ધરપકડ કરી, કોઇને આપ સામે વાંધો હોય કે ન હોય પણ જે રીતે આ પક્ષ સાથે વહેવાર થયો છે તે જોતાં તો ભલભલાને આપ માટે દયાની ભાવના થઇ આવે. કોઇ પણ પ્રકારની ટ્રાયલ આ ધરપકડ પર આ લખાય છે ત્યાં સુધી નથી થઇ. મૂળે ભા.જ.પા. સતત એ જ સંદેશો આપવા માગે છે કે લોકસભાની ચૂંટણી થાય ત્યાં સુધી એ કોઇ બીજા પક્ષને ચૂંટણી પ્રચાર કરવાની સ્થિતિમાં પણ નહીં રહેવા દે. આપણે એમ માની લેવાનું કે દિલ્હીમાં શરાબના વેચાણની નીતિમાં ફેરફાર કરીને પૈસા બનાવી લેવાનો કહેવાતો ગુનો આચરવા બદલ કેજરીવાલની ધરપકડ કરાઇ છે. વળી આ કિસ્સામાં સરથ ચંદ્ર રેડ્ડી આ કહેવાતા ‘શરાબ કૌભાંડ’નો મુખ્ય ચહેરો હતા, તેમણે દિલ્હીમાં લિક્યોર લાઈસન્સ મેળવવા લાંચ આપવાનો તેમની પર આક્ષેપ હતો. પહેલાં તો તેમણે પોતે કેજરીવાલને મળ્યા છે એ વાતને રદિયો જ આપ્યો અને ધરપકડ પછી EDએ તેમની જમાનત ત્યાં સુધી માન્ય (સાત મહિના) ન કરી જ્યાં સુધી તેમણે કેજરીવાલનું નામ ન લીધું. આ બધી પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન રેડ્ડીની કંપનીઓએ ભા.જ.પા.ના પ્રચાર માટે 59.9 કરોડનું ‘દાન’ આપ્યું. અત્યાર સુધીમાં ઇ.ડી. પાસે આરોપીમાંથી સાક્ષીમાં ફેરવાયા હોય એવા જ લોકોના નિવેદનો છે, આપને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાના કોઇ નક્કર પુરાવા છે જ નહીં. 

કેજરીવાલની ધપરકડ સાથે સંકળાયેલી અનેક બાબતો છે પણ આ ધરપકડનો જે આખો ‘ડ્રામો’ થયો એમાં આપણા રાજકીય નાટકની એક અગત્યની સ્ટોરી લાઇન પડદા પાછળ ધકેલાઇ ગઇ. ઇલેક્ટોરલ બોન્ડ્ઝ – જે મૂળે તો એક વ્યવસ્થિત પૂર્વ આયોજિત ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે, તેની પર સવાલો ઉઠવાના ખડા થયા અને તે મુદ્દો અચાનક જ કેજરીવાલની ધરપકડના ઘોંઘાટ વચ્ચે દબાઇ ગયો. જ્યાં એક આખા તંત્ર પર સવાલ થઇ રહ્યા હતા ત્યાં અચાનક જ એક ચહેરો ચર્ચાનો વિષય બની ગયો. 

જ્યારે અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ચળવળ ચલાવી ત્યારે ભારતીય લોકશાહી પર તેની ઘેરી અસર પડી અને જનતા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં એક થઇ. પરિણામે યુપીએ હેઠળની કાઁગ્રેસ સરકારને નમતું જોખવું પડ્યું અને સામાન્ય નાગરિક ભારતીય લોકશાહીમાં જે પ્રશ્નો છે તેનો ભોગ બને છે એ પણ સાબિત થયું. આ ચળવળનો પ્રભાવ 2014ની ચૂંટણી માટે પાયો બન્યો અને ભા.જ.પા.એ કેન્દ્રમાં સરકાર બનાવી. દસ વર્ષના ગાળામાં દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે હિંદુત્વના થોડા-ઘણા રંગ વાપર્યા પણ ખરા. આ ધરપકડને પગલે કસોટી તો કેજરીવાલના ટેકેદારોની પણ છે જેમણે રાજ્ય સ્તરે આપને ટેકો આપ્યો અને રાષ્ટ્રીય સ્તરે ભા.જ.પા.ને ટેકો આપ્યો પણ હવે તેમણે નક્કી કરવું પડશે કે તેઓ કોની તરફેણમાં છે. આપણા દેશના રાજકારણમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં બહુ ઊંડા છે પણ એ પ્રશ્ન તો અભરાઇએ મુકાઇ ગયો અને નાટ્યાત્મક ઘટનાઓની જ ચર્ચા થઇ રહી છે. 

અહીં મામલો રાજકીય સ્તરે પણ પેચીદો છે કારણકે ભા.જ.પા.ને બતાડી દેવા કાઁગ્રેસ ભૂતકાળ ભૂલીને કેજરીવાલને ટેકો આપશે તો પણ કાઁગ્રેસની નૈતિકતા પર સવાલ ઉઠશે. આ સમય છે સિદ્ધાંત અને ચોકક્સ સામાજિક જૂથની રાજનીતિ વચ્ચેની મૂંઝવણમાંથી રસ્તો કાઢવાનો છે. કેજરીવાલના ટેકેદારોએ પોતાની માન્યતાઓ અને અગ્રિમતાઓને ફરી નાંણવી પડશે એ પણ ચોક્કસ છે.  વળી કેજરીવાલ સાથે જે થયું છે એમાં ભા.જ.પા. સામે તે ચૂંટણીમાં ટક્કર ન લઇ શકે એવી સ્થિતિ સર્જવામાં આવી છે એ સમજવા માટે કોઇએ આપના ટેકેદાર હોવાની જરૂર પણ નથી, એ હકીકત તો નાનું છોકરું પણ સ્પષ્ટતાથી જોઇ શકે એમ છે. 

ભા.જ.પા.નું વલણ સાફ છે, તમે અમારી સાથે નથી તો અમારી સામે છો. ભા.જ.પા.એ અજીત પવાર, છગન ભુજબળ અને હિમન્તા બિસ્વા સર્મા જેવા નેતાઓને કઇ રીતે પોતાની પાંખમાં લીધા એ આપણી નજર સામે છે. વળી આ તમામની સામે પડેલી તપાસ એજન્સીઓ માટે તેમની સામેના કેસિઝ સ્મૃતિ ભ્રમનો હિસ્સો બની ગયા. ભા.જ.પા.નો અભિગમ લોકશાહીને ગણતરીમાં વૈચારિક દૃષ્ટિએ નથી લેતો એ ભાવના તો હતી જ પણ આ ધરપકડને પગલે ભા.જ.પા.ની લોકશાહી પ્રત્યેની ભાવનાઓ જાણે વહેવારમાં પણ ઉતરી આવી. દાદાગીરી કોઇને ય બહુ લાંબો સમય સુધી માફક નથી આવતી એ સમજવા માટે ભા.જ.પા.એ કટોકટી પછી ઇન્દિરા ગાંધીની સરકારની જે હાલત થઇ હતી તે યાદ કરી લેવું જોઇએ.

કેજરીવાલ – એક સામાન્ય માણસ જેવો દેખાતા આ નેતાએ નરેન્દ્ર મોદીને 2014ની ચૂંટણીમાં દિલ્હી નહોતું જીતવા દીધું. વારાણસીમાં પણ કેજરીવાલે મોદીને પોતાની સાદગીનો પરચો બતાડ્યો હતો, ભલે જીતવા નહોતું મળ્યું પણ વોટશેર નોંધપાત્ર હતો. રાષ્ટ્રીય ચહેરો બની ચૂકેલા મોદી માટે કેજરીવાલ આંખમાં ખૂંચતો કણો બની ગયા. કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે રાજધાનીમાં કામ કરનારા કેજરીવાલ અને તેમના પક્ષની પાંખો કાપવામાં કંઇ બાકી ન રાખ્યું. 2020માં કેજરીવાલ ફરી તગડા બહુમતથી દિલ્હીમાં જીત્યા, 2022માં પંજાબમાં જીત્યા. કેજરીવાલનું રાષ્ટ્રીય પક્ષ તરીકે પ્રસરવું તો સાહેબને ફાવે એમ જ નહોતું અને ભા.જ.પા. માટે કેજરીવાલની છબિ, પહોંચ બધું જ ખતરાની ઘંટી બની ગયું અને પરિણામ આપણી નજર સામે છે. જો કે કેજરીવાલને ‘પાંસરો’ કરવાની લ્હાઇમાં મોદી સરકારે તેને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ફેમસ’ કરી દીધા છે અને જનતાની લાગણીનો લાભ તો તેને મળશે જ. વળી જેલ ભેગા થયેલા ક્રાંતિકારીઓની જીતનો પરચો તો આખી દુનિયાએ જોયો જ છે.

બાય ધી વેઃ

ભા.જ.પા.ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને, ભારતના બંધારણીય માળખાને નબળી પાડી રહી છે. ઝારખંડના સી.એ.મ હેમંત સોરેનની ધરપકડ બાદ, અરવિંદ કેજરીવાલની ધરપકડ, લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય હરીફોને દબાવવાના ભા.જ.પા.ના ઈરાદાને ખુલ્લો પાડનારી છે. કોર્ટના સમન્સ છતાં, કથિત ભ્રષ્ટાચારની તપાસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. AAP સભ્યો અને આનંદ તેલતુમ્બડે જેવા અન્ય લોકો સહિતની ધરપકડની પેટર્ન, પોતાની સાથે સંમત ન હોય તેવા લોકોને ચૂપ કરી દેવા માટે ઇન્વેસ્ટિગેશન એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે તે દેખીતી વાસ્તવિકતા છે. વિરોધ પક્ષ(કાઁગ્રેસ)ના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવા, દમદાટી આપી નાણાંકીય દાવપેચ કરવા, લોકશાહી સિદ્ધાંતો અને સંસ્થાઓની સ્વાયત્તતાની કોઇને પડી નથી એ છતું કરે છે. ભા.જ.પા.ની રણનીતિ છે વિરોધીઓને ચૂપ કરવા, આ ભયનો માહોલ છે જે અંતે વ્યવસાયી અને સામાન્ય નાગરિકો સુધી પણ પહોંચશે. લોકોએ ચૂપ રહેવું જોઇએ? ક્યાં સુધી ચૂપ રહી શકાશે? લોકશાહીનું પતન અટકાવી શકાશે? આ સવાલોના જવાબ નાગરિક તરીકે આપણે પહેલાં જાતને અને પછી સમાજને, રાષ્ટ્રને આપવાના છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2024

Loading

...102030...745746747748...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved