Opinion Magazine
Number of visits: 9741660
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી, બાપુ  તેમ જ સાંપ્રત સામાન્ય ચૂંટણીઓ વિષે ‘રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનાલ’ સાથેની તુષાર ગાંધીની મુલાકાત

અનુવાદ : આશા બૂચ|Gandhiana|31 May 2024

તુષાર ગાંધી : “નરેન્દ્ર મોદીના શાસન હેઠળનું ભારત ગાંધીને વિસરી ગયું અને તેના હત્યારાને સન્માન આપવાનું પસંદ કરે છે.” 

રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનાલે  (Radio France Internationale) પર તુષારભાઈ ગાંધીની મુલાકાત. તીર્થંકર ચંડા દ્વારા પ્રતિભાવનું થયેલ સંકલન 

(મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલ, ઇંગ્લિશમાં અનુવાદ મેળવીને ગુજરાતીમાં કરેલ અનુવાદ) 

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી લેખક, કર્મશીલ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના નિયામક છે. 

રેડિયો મુલાકાતનો અનુવાદ પ્રસ્તુત :

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર દિલગીરી સાથે જણાવે છે કે દિલ્હી સ્થિત હિન્દુ શાસન વ્યવસ્થાએ ગાંધીના અહિંસા અને બહુમતવાદ જેવાં મૂલ્યો ત્યજી દીધાં છે અને “ઇસ્લામ પ્રત્યે ખોટી ભીતિની આગ ભડકાવવા”નું કામ કરી રહી છે. ચૂંટણી ચોથા તબક્કામાં પ્રવેશી રહી છે તે સમયે ગાંધીનાં સ્વપ્નનું ભારત, કે જ્યાં બહુમતી અને લઘુમતી સમાજના સભ્યો જૂના પૂર્વગ્રહો અને કોમી હિંસાની પરંપરાને વિસરી જઈને હળીમળીને સહજીવન જીવતા હોય તેવા ભારતની કલ્પનાથી  હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષની છત્રછાયામાં જીવતું ભારત કઈ રીતે દૂર ફેંકાઈ રહ્યું છે, એ યાદ અપાવી રહ્યા છે.

રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનાલે (RFI) : આપે આપના પ્રખ્યાત વડ દાદાને પ્રત્યક્ષ જોયા નથી, પરંતુ આપનો ઉછેર એક રીતે એ મહાન વ્યક્તિની છત્રછાયામાં થયો છે. આવા વિશેષ અધિકારો મળેલા એવા આપના બાળપણની કઈ યાદગાર બાબતો આપે જાળવી રાખી છે? 

તુષાર ગાંધી : ખરી વાત છે, બાપુ, કે જે મારા પ્રપિતામહ હતા, તેમની હત્યાના એક દાયકાથી વધુ સમય બાદ મારો જન્મ થયો. આમ છતાં હું નસીબદાર હતો કે મારો ઉછેર એવા ભારતમાં થયો કે જ્યાં એમની સ્મૃતિ લોકોના દિલ–દિમાગમાં સદાય વસતી હતી. મુંબઈના અમારા ઘરમાં મારા પ્રપિતામહના હમસફર લોકો નિયમિત રીતે આવીને રહેતા, જેઓ બા અને બાપુના સહજીવનની વાતો અમને કરતા. આ ‘ગાંધીયન’ કહેવાતાં બહેનો અને ભાઈઓને નિકટથી જાણવાનો મને લાભ મળેલો. એ લોકોને સાંભળતો ત્યારે મને પ્રતીત થતું કે બાપુ હજુ અમારી વચ્ચે હાજર છે. મને ક્યારેક મારા પિતાની ઈર્ષ્યા થતી કેમ કે તેમને કિશોરાવસ્થામાં બાપુ સાથે રહેવાની તક મળેલી. પણ મારી કુમારાવસ્થામાં પણ ગાંધીએ સંનિષ્ઠ પૂજ્યભાવનો આનંદ મેળવેલો, જ્યારે આજે મને એમ લાગે છે કે હું એવા ભારતમાં રહું છું, જે ગાંધીને ભૂલી ગયું છે અને તેના હત્યારા નથુરામ ગોડસેને વધુ માન આપે છે. 

RFI : આધુનિક યુગમાં ‘રાષ્ટ્રપિતા’નો ખ્યાલ કાલગ્રસ્ત થઇ ગયો છે અને વિવાદાસ્પદ બન્યો છે  એ શું સાચું નથી? 

તુષાર ગાંધી : એ ખરું છે કે ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’ જેવા પારિભાષિક શબ્દો હવે આપણને આકર્ષતા નથી, પરંતુ આ વ્યક્તિએ જે નૈતિક અને સૈદ્ધાંતિક મૂલ્યોને પોતાના દૈનિક જીવનમાં વણી લેવાની સાથે બીજામાં વહેતાં કર્યા એ હજુ આજના યુગમાં પણ સુસંગત છે. મને ‘રાષ્ટ્રપિતા’ ગાંધીની જરા પણ પરવા નથી. પણ બીજી બાજુ હું ગાંધી – એક માનવી તરીકે સ્મરણમાં રાખવા ઈચ્છું છું.

RFI : આપ કયાં ગાંધી મૂલ્યો ભાવિ પેઢીને સોંપી જવા માંગો છો?  

તુષાર ગાંધી : સમાનતા, ન્યાય, શાંતિ, અહિંસા … આ બધાં મૂલ્યો ભારતના રાજ્યબંધારણનો પ્રાસ્તાવિક ખરડો તૈયાર થયો તે સમયથી તેમાં પ્રતિસ્થાપિત થયેલા જ છે. આ કોઈ અમૂર્ત મૂલ્યો નથી, પણ મોહનદાસ ગાંધી નામના માનવીના જીવનમાંથી પ્રેરણા મેળવેલાં મૂલ્યો છે. 

RFI : આપની એવી માન્યતા છે કે હિન્દુ વિચારધારા પર નભતી સરકારના શાસનનાં દસ વર્ષ બાદ દેશ સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને બહુમતવાદથી દૂર નીકળી ગયો છે, જેને ગાંધીએ પોતાના જીવન દરમિયાન મૂર્ત સ્વરૂપ આપેલું?

મહાત્મા ગાંધી, મીઠુબહેન પિટીટ અને સરોજિની નાયડુ, મીઠાના સત્યાગ્રહ માર્ચ 1930.

તુષાર ગાંધી : ગાંધીના ચારિત્ર્યની પવિત્રતાની સુવાસ દિલ્હીમાં સત્તા પર બેઠેલી હિન્દુ કટ્ટરવાદી સરકારના કબજામાં નથી. ગાંધીના જીવનકાળ દરમિયાન એ લોકો તેની સામે લડ્યા અને 2014માં જેવા સત્તા પર આવ્યા, કે તરત અહિંસા, ન્યાયીપણું અને બહુમતવાદ માટેના આદર જેવાં મૂલ્યો ફગાવી દીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર નફરત, વિભાજન અને ધ્રુવીકરણને પ્રોત્સાહન આપે છે, ભડકાવે છે. આ સરકારે સમાજમાં કોમવાદનો ફેલાવો અમલમાં મુક્યો છે, એ ગાંધી કરતાં હજારો માઈલ દૂર છે, જેમણે સમાજના દરેક સભ્ય સમાન ગરિમા સાથે જીવે અને હિન્દુ–મુસ્લિમ સુમેળથી રહે તે માટે લડત આપી. ગાંધી મૂલ્યોથી દેશ કેટલો દૂર નીકળી ગયો છે એ સમજવા માટે હાલના ચૂંટણીના માહોલને જાણવો પૂરતો થઈ રહેશે. હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે નરેન્દ્ર મોદી મુસ્લિમો પ્રત્યે ભયની લાગણી ફેલાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નફરતથી ધેરાયેલા આ ઇન્ડિયામાં ગાંધીનું કોઈ સ્થાન નથી.  

RFI : જ્યારે આપ કહો છો કે મોદીના ભારતમાં ગાંધીનું કોઈ સ્થાન નથી ત્યારે ગાંધીના દૃષ્ટિકોણને અને આઝાદીના સંગ્રામમાં તેમની મહત્ત્વની ભૂમિકાને વિકૃત કરીને છપાયેલા ઇતિહાસનાં નવાં પુસ્તકોનો વિચાર કર્યા વિના કેમ ચાલે? 

તુષાર ગાંધી : પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં માત્ર ગાંધીનો જ સમાવેશ કરવામાં નથી આવ્યો એવું નથી. ભારતના ઇતિહાસ પર જેનો મહત્ત્વનો પ્રભાવ હતો એ મોગલ સામ્રાજ્યને પણ ઇતિહાસનાં પાના પરથી અદૃશ્ય કરી દેવામાં આવ્યા છે. ભારતની સરકારનું ધ્યેય નાની ઉંમરના બાળકોના મગજમાં ઇસ્લામ પ્રત્યે ભયની લાગણી ફેલાવવાનું છે. ગાંધીની હત્યાના સંદર્ભમાં આર.એસ.એસ. સંગઠનના હિન્દુ કટ્ટરવાદીઓની ભૂમિકા અને હિન્દુ રાષ્ટ્રવાદીઓનો વૈચારિક ઢાંચો એ તમામ હકીકતને સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં આવી છે. ભાવિ પેઢી મોગલ સામ્રાજ્ય દરમિયાન ભારત કેવો વૈભવ ભોગવતું હતું કે હાલના વડા પ્રધાન જેવી મુસ્લિમ વિરુદ્ધ વિચારધારા ધરાવતા નેતાઓના પ્યાદા બનેલા એક મનોવિકૃતિ ધરાવનાર માણસના હાથે જેમના અવાજને શાંત કરી દેવામાં આવ્યા એ ગાંધીની ભારતને સ્વતંત્ર કરવામાં શી ભૂમિકા હતી એ ક્યારે ય જાણવા નહીં મળે. 

RFI : આ હકીકત પણ આંતરરાષ્ટ્રીય તખ્તા પર ગાંધીને અંજલિ આપતા મોદીને રોકતી નથી.

તુષાર ગાંધી : વિદેશી સરકારના વડાઓ ભારતની મુલાકાતે આવે ત્યારે ગાંધી સાથે સંકળાયેલા પ્રખ્યાત સ્થળો બતાવવા માટે માર્ગદર્શક થતા પણ તેઓ અટકતા નથી. નરેન્દ્ર મોદીએ દુનિયાના ઘણા દેશોની રાજધાનીની સફર કરી, ત્યાં ભારતના રાષ્ટ્રપિતાને અંજલિ આપી કેમ કે તેઓ જાણે છે કે વિદેશમાં વસતા લોકોના મનમાં ભારત સાથે ગાંધી મૂલ્યો અભિન્નપણે જોડાયેલાં છે. મોદીની અંજલિ એટલે સારું ભાષણ અને ખાલી શબ્દો સિવાય કશું નથી, કેમ કે દેશમાં તો તેમની સરકાર ગાંધીની સ્મૃતિને નામશેષ કરવા અને ગાંધીના ધર્મ નિરપેક્ષતા અને અહિંસા જેવાં મૂલ્યોને પગ તળે કચડવાનું જ કામ કરી રહી છે. તો વળી તાજેતરનાં વર્ષોમાં ગાંધીની પ્રતિમા ફરી દેખા દેવા લાગી છે, જેમ કે ‘સ્વચ્છ ભારત’ જેવા જાહેર સ્વાસ્થ્યના અભિયાનમાં, જેમાં દરેક ઘરમાં શૌચાલય પૂરા પાડવાની જોગવાઈ છે જેથી જાહેરમાં મળત્યાગનો પ્રશ્ન ન રહે, કે જે ભારતમાં જાહેર સ્વાસ્થ્યને લગતી મોટી સમસ્યા છે. આ અભિયાન માટે ગાંધીના ગોળ ફ્રેમના ચશ્માં પહેરેલ ચહેરો માસ્કોટ તરીકે મુકવામાં આવ્યો હતો. જો કે મોદીના સામાજિક હિતમાં ઊભા કરેલા પ્રકલ્પોની મુશ્કેલી એ છે કે તેનો અમલ ક્યારે ય નથી થતો. જેને માટે વચન આપવામાં આવ્યું હતું અને જાહેરખબર અને વહીવટી પત્રવ્યવહાર પાછળ પુષ્કળ ખર્ચ કરવામાં આવ્યું હતું એ વાપરી શકાય તેવા જાજરૂ, અથવા માત્ર જાજરૂની ભારતમાં લાખો ઘર હજુ પણ રાહ જુએ છે. 

RFI : ગાંધી અને મોદીમાં એક સામ્ય છે, તે છે તેમની ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા. ગાંધીના અંતેવાસીઓના કહેવા પ્રમાણે તેઓ દિવસની શરૂઆત રામનું ભજન ગાઈને કરતા. ભારતના વડા પ્રધાને તાજેતરમાં ભારે ભભકા સાથે આ દેવનું ભારે વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જેના વિષે ઘણો વિવાદ ઊભો થયો છે એવા આ મંદિરને ગાંધીએ પોતાની અનુમતિ આપી હોત? 

તુષાર ગાંધી : ના, રામ ઉપર શ્રદ્ધા હોવા છતાં ગાંધીએ આ મંદિરના નિર્માણ માટે કદી અનુમતિ ન આપી હોત. ભારતીય પુરાણોમાં રામની ન્યાયપ્રિયતા ને કરુણા જેવા માનવીય ગુણો દર્શાવવામાં આવ્યા છે તેના માટે ગાંધીને શ્રદ્ધા હતી. એ ભૂલવું ન જોઈએ કે બહુ થોડાં વર્ષો પહેલાં આ સ્થળે આપણા મુસ્લિમ ભાઈઓ માટે અતિ મહત્ત્વની ગણાય તેવી મસ્જિદ હતી, તે સ્થળે આ મંદિર બંધાયું છે. હિન્દુ ધર્માંધ અને ઝનૂની લોકોએ પોતાના હાથે એ મસ્જિદને તોડી પાડી અને તેના પર રામનું મંદિર રચ્યું. બધા રાજકારણીઓ એ જોવા માટે ઉમટી પડ્યા, ગાંધીએ કદી આવી મેલી રમતમાં ભાગ ન લીધો હોત, કેમ કે આ તો નફરત અને ઝનૂનીપણાને પોષે છે, તેમાં અધ્યાત્મ જરા પણ નથી. 

RFI : જો પોલ પર વિશ્વાસ મૂકીએ તો 19મી એપ્રિલથી શરૂ થયેલી ચૂંટણી હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ જીત તરફ કૂચ કરી રહ્યો છે. મોદીની નવી સરકાર સામે ગાંધીનાં ધર્મનિરપેક્ષતા, ન્યાય, સમાનતા જેવાં મૂલ્યો, કે જેને હજુ ઘણા ભારતવાસીઓ વળગી રહ્યા છે એની સુરક્ષા આપ કઈ રીતે કરશો? 

તુષાર ગાંધી : બીજા ગાંધીવાદીઓની માફક મારા અંતિમ શ્વાસ સુધી હું બહુસાંસ્કૃતિક, અહિંસક અને સર્વ સમાવેશી ભારત, કે જેનું મારા પ્રપિતામહ અને તેમના સાથીદારોને સ્વપ્ન જોયેલું તેની રક્ષા કરીશ એવી પ્રતિજ્ઞા લઉં છું. જો હિન્દુરાષ્ટ્રવાદી પક્ષ આ ચૂંટણી જીતશે તો અમે નેક લોકો આ જંગ હારી જશું, પણ લડાઈ નહીં હારીએ. એ લડાઈ નફરત પર સહકાર અને વિભાજન પર ઐક્યનો વિજય થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

e.mail : 71abuch@gmail.com

Tushar Gandhi’s interview in RFI France on Modi, Bapu and current election. For those who can read French :-

https://www.rfi.fr/fr/asie-pacifique/20240513-tushar-gandhi-l-inde-sous-narendra-modi-a-oubli%C3%A9-gandhi-et-pr%C3%A9f%C3%A8re-honorer-son-meurtrier

https://www.rfi.fr/fr/asie-pacifique/20240513-tushar-gandhi-l-inde-sous-narendra-modi-a-oubli%C3%A9-gandhi-et-pr%C3%A9f%C3%A8re-honorer-son-meurtrier

Loading

ઓગણીસમી સદીની એક બહુરૂપી પ્રતિભા

દીપક મહેતા|Opinion - Literature|31 May 2024

જૂની મૂડી  

એ બહુરૂપી પ્રતિભાનું નામ : કેખુશરો નવરોજજી કાબરાજી. ગામ : મુંબઈ. કામ : પત્રકારત્વ. પણ મનનું ધામ તો નાટક અને રંગભૂમિ. ૧૮૪૨ના ઓગસ્ટની ૨૧મી તારીખે મુંબઈમાં જન્મ. મૂળ વતન સુરત. અણધારી રીતે કુટુંબ પર આવી પડેલી આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ છોડીને મહિને ચાર રૂપિયાના પગારની નોકરી ‘પારસી મિત્ર’માં લેવી પડી. ત્યારથી જીવનના અંત સુધી કેખુશરો વ્યવસાયે પત્રકાર જ રહ્યા. પણ ‘પારસી મિત્ર’ની નોકરી ઝાઝો વખત કરી શક્યા નહિ. થોડા વખત પછી મહિને વીસ રૂપિયાના પગારે ‘જામે જમશેદ’ અખબારમાં રિપોર્ટર તરીકે જોડાયા. પછી તેના મદદનીશ તંત્રી બન્યા. માલિકો સાથેના મતભેદને કારણે તંત્રી સોરાબજી મંચેરજી છૂટા થતાં કેખુશરોને તંત્રીની જવાબદારી માલિકોએ સોંપી. એ વખતે તેમની ઉંમર ૧૭ વરસની!

એક વખત મુંબઈની ‘જ્ઞાન વર્ધક સભા’એ કાબરાજીનું જાહેર ભાષણ ગોઠવ્યું. વિષય હતો ‘સ્ત્રી જાતિ.’ શ્રોતાઓમાંના એક હતા પ્રખ્યાત સમાજ સુધારક કરસનદાસ મૂળજી. કેખુશરોના વક્તવ્ય અને વિચારોથી પ્રભાવિત થયા. થોડા વખતમાં બન્ને નજીક આવ્યા. કરસનદાસે રાસ્ત ગોફતાર સામયિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. કેટલાક પારસીઓએ ૧૮૫૭ની પહેલી જાન્યુઆરીથી સ્ત્રીબોધ નામનું માસિક શરૂ કરેલું. આપણા આખા દેશનું એ સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું સામયિક. એવું ઠરાવાયું કે કેખુશરો રાસ્ત ગોફ્તારના મદદનીશ તંત્રી તરીકે કામ કરે. પગાર ૫૦ રૂપિયા. સાથોસાથ સ્ત્રીબોધના તંત્રી તરીકે પણ કામ કરે. પગાર રૂપિયા ત્રીસ. ૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે કરસનદાસ વિલાયતની મુસાફરીએ જતાં કાબરાજી રાસ્ત ગોફતારના તંત્રી બન્યા અને ૪૦ વરસ સુધી એ જવાબદારી સંભાળી. તેવી જ રીતે ૧૯૦૪ના એપ્રિલની ૨૫મીએ બેહસ્તનશીન થયા ત્યાં સુધી કાબરાજી સ્ત્રીબોધના તંત્રીપદે રહ્યા. કાબરાજી પછી તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ ૧૯૧૨થી ૧૯૪૨ સુધી સ્ત્રીબોધનાં તંત્રી રહ્યાં.

પણ કાબરાજી પત્રકાર ઉપરાંત ઉમદા લેખક પણ હતા. રંગભૂમિ પર ભજવવા માટે કાબરાજીએ મોટી સંખ્યામાં નાટકો લખ્યાં, જેમાંનાં કેટલાંક રૂપાંતરો હતાં. તખ્તાલાયકી એ તેમનાં નાટકોનો સૌથી મોટો ગુણ. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં સ્ત્રીબોધમાં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. તેમનાં બીજાં કેટલાંક નાટકો : જમશેદ, નિંદાખાનું, ભોલી જાન, વિનાશ કાલે વિપરિત બુદ્ધિ, બેજન અને મનીજેહ, નંદબત્રીસી.

પણ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનાં છપાયેલાં નાટકો કરતાં પણ તેમની નવલકથાઓ વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતીમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. તેમની પહેલી નવલકથા ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન સ્ત્રીબોધમાં પ્રગટ થઈ હતી. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી સતત ૩૩ વર્ષ સ્ત્રીબોધ ધારાવાહિક નવલકથા પ્રગટ કરતું રહ્યું.

આમ જોઈએ તો કસરતશાળા અને નાટકશાળા વચ્ચે કોઈ સંબંધ હોવાનો વહેમ પણ ભાગ્યે જ જાય. પણ કાબરાજીની બાબતમાં કસરતશાળા જ તેમને નાટકશાળા તરફ ખેંચી ગઈ. પારસી યુવાનોની શરીર સંપત્તિ વધારવા માટે બીજા કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૬૭માં તેમણે ‘કસરતશાળા સ્થાપક મંડળી’ બનાવીને કસરતશાળા શરૂ કરી. પણ થોડા વખત પછી પૈસાને અભાવે તે બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. ત્યારે નાટક ભજવીને તેની આવક દ્વારા કસરત શાળા જીવતી રાખવાનો વિચાર કાબરાજીને આવ્યો. મિત્ર ફરામજી ગુસ્તાદજી દલાલની બંધ પડેલી નાટક મંડળીનો સરંજામ મેળવ્યો. પારસી છોકરાઓને ભેગા કર્યા. શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સનું પોતે જ રૂપાંતર કર્યું. પોતાના ‘રાસ્ત ગોફતાર’ દ્વારા મોટે પાયે આગોતરી જાહેરાત કરી. અને નાટક ભજવીને ભેગી થયેલી ૧,૪૦૦ રૂપિયાની રકમ કસરતશાળાને, ખર્ચ બાદ કર્યા વિના, આપી દીધી.

ખરું જોતાં હાથમાં લીધેલું કામ તો પૂરું થયું હતું. ભેગાં કરેલાં બધાં ફદિયાં તો આપી દીધાં, પણ નાટક ભજવવા માટે ભેગા કરેલા પોરિયાઓનું હવે કરવું શું? ફરી ફરામજીની મદદ લઈને એક નવી નાટક મંડળી ઊભી કરવાનો વિચાર આવ્યો. પણ અગાઉ કરતાં કૈંક જૂદું કરવાની ધગશ. અગાઉની પારસી નાટક મંડળીઓમાં તેના બધા નટ ભાગીદાર પણ રહેતા. કાબરાજીએ ત્રણ-ચાર માલિક અને બીજા બધા પગારદાર નોકરો એવું માળખું રાખ્યું. વળી આ મંડળીને સલાહ-સૂચન આપવા માટે જાણીતા વિદ્વાનો અને શ્રીમંતોની એક કમિટી બનાવી. નાટક કંપનીના નિયમો ઘડ્યા તેમાં એક નિયમ એવો રાખ્યો કે કોઈ પણ નવું નાટક સૌથી પહેલાં માત્ર આ કમિટીના સભ્યોને જ બતાવવું. અને તેમની મંજૂરી મળે તો જ તેના જાહેર પ્રયોગ કરવા. એ જમાનાના અગ્રણી લેખક, પત્રકાર, સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ નામ પાડ્યું વિક્ટોરિયા નાટક મંડળી.

પણ આ નાટક મંડળી સાથેનો કાબરાજીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. માલિકો સાથેના મતભેદને કારણે તેઓ છૂટા થયા અને ‘નાટક ઉત્તેજક મંડળી’ સ્થાપી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. રણછોડભાઈ ઉદયરામ, કવિ નર્મદ, અને બીજાઓનાં નાટકો ખૂબ જ સફળતાથી ભજવ્યાં.

કાબરાજીના અવસાન પછી ૧૯૦૪માં ‘સ્ત્રીબોધ’ તરફથી ‘કાબરાજી સ્મારક ગ્રંથ’ પ્રગટ થયો. કાબરાજીના નિકટના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ આ પુસ્તકમાં તેમના જીવન અને કાર્ય વિષે લખ્યું છે. કાબરાજી ગુજરાતી રંગભૂમિના પ્રારંભકોમાંના એક હતા તેથી આ પુસ્તક ગુજરાતી રંગભૂમિના ઇતિહાસની દૃષ્ટિએ પણ મહત્ત્વનું બની રહે છે.  

કાબરાજીના અવસાન પછી કવિ અરદેશર ફરામજી ખબરદારે લખ્યું :

લેખકનો સરદાર ગયો, નિજ લેખણની તલવાર ચલાવી;

કોણ હવે સરદારી ધરી રણમાંહે રહે અતિ શૌર્ય મચાવી!

બંધ થયો મધુ વાણીપ્રવાહ, ગયો કહિ અમૃતપાન કરાવી? 

કેખુશરો! લઇ તેજ ગયો, અમ માટ રહી અહિ વાટ અંધારી.

પ્રગટ: “બુદ્ધિપ્રકાશ”; મે 2024
e.mail : deepakbmehta@gmail.com

Loading

બધું ભસ્મીભૂત થઈ ચૂક્યું હોય તો પછી કૂવો ખોદવાનો વાંધો નહીં !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 May 2024

રવીન્દ્ર પારેખ

હા, બધું રાખ થઈ ચૂક્યું હોય પછી કૂવો ખોદીએ તો, પાણી તો બચે ! આવી માનસિકતા છે આપણી, આપણાં તંત્રોની ને આપણી સરકારની. તંત્રો એટલાં નીંભર છે કે તેમને કશાની અસર થતી નથી. અસર તો સરકારને પણ થતી નથી. થોડું ઘણું વેઠી લે છે ને બચાવ કર્યા કરે છે. તેના ભક્તો તો સરકાર ઊતરે તે પહેલાં જ બચાવમાં ઊતરી પડે છે. અત્યારે રાજકોટ અગ્નિકાંડ પછી તંત્રો ને સરકાર બચાવ અને ઢાંકપિછોડામાં લાગ્યાં છે. આ બધાં રંડાયા પછી મંડાયા હોય એવાં છે. મગરને પણ હવે મગરનાં આંસુ આવતાં નથી, પણ માણસને આવે છે. હવે એટલું થયું છે કે જેને શરમ કે સંકોચ ન હોય તે જ તંત્રોમાં ને સરકારમાં બેસે છે.

26 મે ને શનિવારે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલ, ટી.આર.પી. ગેઇમ ઝોન એકાએક જ સ્મશાન ભૂમિ થઈ ઊઠ્યો. અગ્નિ સંસ્કારની જરૂર જ ન રહે એ હદે કેટલાંક બળ્યાં. બાળકો અને અન્ય, નિર્દોષ હતાં એટલે મર્યાં. ગેઇમ ઝોન, શેઇમ ઝોન બન્યો. આગ લાગતાં જ માલિક અને ત્યાંનો સ્ટાફ, બધાંને ભગવાન ભરોસે છોડીને ફરાર થઈ ગયા. કેટલાકે પોતાની તાકાત પર બચવા-બચાવવાનું કર્યું. બધું જ ગેરકાયદેસર, કાયદેસર હોય એમ વર્ષોથી ચાલ્યું. અનીતિ જ નીતિ બની. નાલાયકી જ લાયકાત ગણાઈ ને ઉપર ઉપરથી મહાનુભાવોએ દુ:ખ થયાં-ની લાગણી પ્રગટ કરી ને થોડાક લાખ મદદનાં ફેંકીને ફરજ બજાવી લીધી. પ્રજાના રોષનો સામનો કરવાનું મુશ્કેલ બન્યું, તો કેટલાક નેતાઓને ભાગી જવાની ય નાનમ ન લાગી. કોઈ તો દાંત કાઢીને રહી ગયું. કામ કોઈને ન હતું, તો ય કેટલાક મોડા પડ્યા. શું છે કે ચૂંટણીઓ ગુજરાતમાં પતી ગઈ હતી, એટલે આવીને તાબોટા જ ફોડવાના હતા. રેલી, રેલા હોત તો વાત જુદી હતી. અહીં તો ત્રીસેક જીવતા ધુમાડાઓ હતા. નકામું ગૂંગળાવાનું જને ! એક તરફ ડાઘુઓ ન મળે એટલી લાશો ધધકતી હોય ને બીજી તરફ રાજકીય ડાઘિયાઓ સામસામે દાંતિયા કરતા હોય ત્યારે રામ નામ સત્ય જ બાકી રહે. એક તો કાળઝાળ ગરમી ને ત્રણેક હજાર લિટર પેટ્રોલનાં હાડકાં ઓગાળી નાખતા ભયાનક ભડકાઓ. પીડાથી એવી તે કેવી ચર ચર બળી હશે કૂમળી ચામડીઓ કે તેમનાં અંગો શોધવા ગેઇમ ઝોન પર બુલડોઝર ફેરવવું પડે? એ શોધ માટે ફેરવાયું કે પુરાવાઓના નિકાલ માટે તે ઉપરવાળો જાણે !

અગાઉ ક્યારે ય ન હતો એવો હરામના પૈસા કમાવાનો એક જીવલેણ રોગ ગરીબ કે અમીરમાં છેલ્લા થોડા દાયકાઓથી લાગુ પડ્યો છે. આ એવો રોગ છે, જેમાં બીમાર નથી મરતો, પણ એની સાથે સંકળાયેલ નિર્દોષ મરે છે. થોડાક માણસોએ શોર્ટકટથી અમીર થઈ જવું છે. એને માટે તે શિકાર, નિર્દોષોનો કરે છે. કોઈ પુલમાં, નિર્દોષોને ભેરવે છે, તો કોઈ હોડીમાં બાળકોને ડુબાડે છે, તો કોઈ ભડકા પર નિર્દોષોનું ભડથું કરે છે. આ બધું અટકે, જો નીતિથી કોઈ ચાલે, પણ એમાં કમાણી નથી. કમાણી છેતરવામાં છે. NOC, લાઇસન્સ, ફાયર સેફટી વગેરેમાં કાચું કપાય તે વધુ કમાય એવું કેટલાક માને છે. કોઇની જમીન પડાવીને, કોઈનું ગજવું ગરમ કરીને જ પોતાની હોજરી ફાટફાટ કરી શકાય, એવું પણ મનાય છે. મોટે ભાગના ઉપરી અધિકારીઓ પણ વેચાઉ હોય છે. એમની પાસેથી ગેરકાયદે કામોની છૂટ, લાંચ આપીને મેળવી લેવાય તો પછી, કોઈને પણ વેતરી નાખો, ચાલે.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો લીધી ને રવિવારે રજા હતી, છતાં ખંડપીઠે સુનાવણી કરી. કોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે રાજકોટ ગેઇમ ઝોને જી.ડી.સી.આર.ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હાઇકોર્ટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ગેઇમ ઝોન અંગે કેવાક નિયમો છે, તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો. તંત્રો કે સરકાર પ્રજાનું તો બહુ સાંભળતાં નથી, પણ કોર્ટનું માન રાખે છે. કોર્ટનો ડોળો ફરતાં તંત્રો કેવાંક કામે લાગ્યાં, તે કાલનાં જ થોડાં છાપાં પર નજર નાખતાં ધ્યાનમાં આવ્યું –

આવું થાય તો તંત્રો, યંત્રો થઈ ઊઠે છે. જેમ કે, રાબેતા મુજબ સીટની રચના થઈ. ટી.પી.ઓ., ફાયર ઓફિસર, ઇજનેર વગેરેની પૂછપરછ ચાલુ થઈ. કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા, કેટલાકની બદલી કરી નાખવામાં આવી. 4 જૂને ચૂંટણીનું પરિણામ આવવાનું છે, ત્યારે ઉજવણી નહીં કરે એની જાણ કરવા રાજકોટ ભા.જ.પે. કાર્યાલય પર પત્રકાર પરિષદ બોલાવી તો જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવા પ્રશ્નનો જવાબ ટાળીને મેયર, મંત્રી, સાંસદ વગેરે ભાગી છૂટયા. એક સાંસદે તો પત્રકારને – તું મારા ઘરમાં આવ્યો જ કેમ – જેવું કહીને ઘરની બહાર તગેડી મૂક્યો. 3,000થી વધુ લિટર જ્વલનશીલ પ્રવાહી ગેઇમ ઝોનમાં કેમ હતું તેના તપાસના આદેશ જિલ્લા કલેકટરે આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું ને 8 ગેઇમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો. ગેઇમ ઝોનમાં પતરાંનું સ્ટ્રક્ચર હતું, એ ધ્યાને આવતાં શાળાઓનાં ગેરકાયદે ડોમ હટાવવા 48 કલાકનું અલ્ટિમેટમ અપાયું. છેલ્લાં ચાર વર્ષમાં રાજકોટમાં આવી ચૂકેલા તમામ કલેકટર, પોલીસ વડા સામે તપાસ શરૂ થઈ.

અઠવાડિયામાં માંડ બે ત્રણ અગ્નિશમન યંત્રો ખપતાં હતાં, તેને બદલે બે જ દિવસમાં સુરતમાં 10 કરોડનાં 50,000 યંત્રો વેચાયાં. બે ગેઇમના 8 ઝોન માલિકો સામે ગુનો નોંધાયો. સુરતની તમામ 1,650 સ્કૂલોમાં 124 ટીમો ફાયર સેફટીની તપાસ માટે કામે લાગી. સુરત સિટીમાં ત્રણ જ દિવસમાં 224 મિલકતો સીલ થઈ. ચાર મલ્ટિપ્લેક્સ લાઇસન્સ રિન્યૂ કરાવ્યાં વગર જ ચાલતાં હતાં તે ધંધે લાગ્યાં. કાપડ માર્કેટોને ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા તાકીદ કરાઇ. બારડોલીમાં ત્રણ ગેઇમ સંચાલકો સામે એફ.આઇ.આર. દાખલ થઈ. વલસાડના 21 શોપિંગ સેન્ટર્સ પાસે ફાયર સેફટીની સુવિધા જ નથી તે બહાર આવ્યું.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે SOP બહાર પાડ્યા પછી ક્લાસિસ, ગેઇમ ઝોન, કોમ્પ્લેકસ સહિત 244 મિલકતમાં BU, ફાયર NOCની તપાસ હાથ ધરી અને 52 એકમો સીલ કર્યાં, જેમાં 25 તો હોસ્પિટલ છે. બોપલમાં ગેરકાયદે ચાલતાં 5 ગેઇમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ થઈ. ફાયર સાધનોનું વેચાણ ત્રણ ગણું વધી ગયું. કોઈને પણ બક્ષવામાં નહીં આવે એવું આ મામલે પણ કહેવાયું. રાજ્ય સરકારે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ-2016માં સુધારો કરવાની વાત કરી, જો કે, આ વાત સરકાર અગાઉ કરી ચૂકી છે ને પછી પણ કરતી રહેશે. સરકારનો એ ઉપકાર માનવો પડે કે એ બોલીને ફરી જતી નથી. બોલવાનું કારણ મળી રહે એટલે એકની એક વાત તે પ્રસંગોપાત કરતી રહે છે. સાચું તો એ છે કે કાયદા કે નિયમો પણ દુર્ઘટના પછી ઘડવા બેસવાનું થાય છે, તે પણ ઘડાય જ એવું નક્કી નહીં. બીજી કોઈ ઘટના બનશે તો વળી સાવ અબૂધની જેમ સૌએ નવેસરથી વિચારવાનું બનશે.

એક જ દિવસમાં તંત્રોની ગતિ ને પ્રજાની અધોગતિ સામે આવી. આવું રોજ થાય તો કેવો ફેર પડે ! પણ એવું થતું નથી. થાય તો એવું પણ બને કે તંત્રો વધુ વેચાય ને પ્રજા વધુ લાંચ આપતી થાય. આજે સૌથી વધુ ખૂટે છે તે વફાદારી ને ઈમાનદારી. એવો જરા પણ ભરોસો પડતો નથી કે અત્યારે ચાલતી તંત્રોની દોડધામ કોઈ કાયમી કે નક્કર પરિણામ આપશે. રાજકોટની ઘટના એ પહેલી નથી ને છેલ્લી પણ નથી. અગાઉ પણ આવું બન્યું જ છે. સુરતમાં તક્ષશિલાના વિદ્યાર્થીઓ અગન ગોળાની જેમ ઉપરથી નીચે પડ્યા તેની આપણને ખબર નથી? મોરબીનો નવો રીપેર થયેલો પુલ તૂટયો ને 135 ડૂબી ગયાં એ ભૂલી જવા જેવી વાત છે? વડોદરાની હરણી બોટ ઘટનાનાં બાળકો જીવવાને લાયક ન હતાં? એમનો વાંક હતો તેથી તે ડૂબ્યાં? રાજકોટમાં ગેઇમ ઝોન, ફાયર ઝોન થયો, તે શું તેમાં જનારને પાપે? જવાબદારોને સીધું પૂછવાનું કે કેટલી ઘટના પછી આ રૂટિનમાં ફેર પડશે? આટઆટલું બને છે, પણ આપણી સરકાર ને તેના અધિકારીઓ કોઈ બોધપાઠ લેતા નથી, કેમ? થોડો વખત બધા દરમાંથી બહાર નીકળે છે, થોડો વખત તપાસ ચાલે છે, બેચારને સસ્પેન્ડ કરાય છે, બે પાંચની બદલી થાય છે, કાયદા સુધારવાની વાત થાય છે ને પછી બધુ ટાઢું પડી જાય છે. પછી બીજી ઘટના બને છે, વળી દોડાદોડ થાય છે ને વળી બધું ઠપ થઈ જાય છે. ત્રીજી ઘટના બને છે, એ જ દોડધામ ને એ જ બે મિનિટનું મૌન ! તે સરકારને અને તેનાં તંત્રોને એમ લાગે છે કે પ્રજામાં અક્કલ નથી? એવું કઈ રીતે બને કે થોડે થોડે વખતે તપાસનું નાટક ચાલે ને પ્રજા તંત્રોની સક્રિયતાથી રાજીની રેડ થઈ જાય? એવા ભ્રમમાં રહેવા જેવું નથી.

અંધકાર ગમે એટલો વિકરાળ જ કેમ ન હોય, તેને ખતમ કરવા સૂર્યકિરણ જ પૂરતું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 મે 2024

Loading

...102030...718719720721...730740750...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved