Opinion Magazine
Number of visits: 9457298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—240

દીપક મહેતા|Opinion - Opinion|23 March 2024

મુંબઈના ગોરા સૈનિકો અને તેમની પત્નીઓ : સુખદુઃખ મનમાં ન આણીએ    

કંપની સરકારના લશ્કરના એક અંગ્રેજ સિપાઈની પત્ની મિસિસ પોસ્તાન્સે ‘દેશી’ સૈનિકો વિષે જેટલા આદર અને ઉત્સાહથી લખ્યું, એટલા આદર અને ઉત્સાહથી ‘ગોરા’ સૈનિકો વિષે લખ્યું છે ખરું? હા કે નામાં જવાબ આપતાં પહેલાં તેમણે ગોરા સૈનિકો વિષે જે લખ્યું છે તેમાંથી થોડું જોઈએ.

આમ જોઈએ તો આ બંને પ્રકારના સૈનિકો માટે વાતાવરણ નવું છે, અનુભવો નવા છે, મર્યાદાઓ ઘણી છે. અને છતાં દેશી સૈનિક આ બધાને અનુકૂળ થઈ જાય છે. કશા કચવાટ કે બબડાટ વગર. આ રીતે અનુકૂળ થવા માટે કદાચ તેની પ્રારબ્ધમાંની, કે કહો તો ઈશ્વરમાંની શ્રદ્ધા કામ આવે છે. (‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે’.) બીજું, અગવડો અને અભાવો વચ્ચે જીવવા તે ટેવાયેલો છે. જ્યારે ગોરો સૈનિક? સતત અભાવો વિષે, અગવડો વિષે વિચાર્યા અને બોલ્યા કરે. વાતે વાતે ઝગડો કરે – દેશી સૈનિક સાથે તો ખરો જ, પોતાના ઉપરી ગોરા અધિકારી સાથે પણ. દેશી સૈનિક તેના ભગવાનથી ગભરાતો રહે છે. ગોરા સૈનિકને એવો કશો છોછ હોતો નથી. એ દારૂની લતે ચડી જાય છે, સતત અસંતોષમાં જીવ્યા કરે છે, વારે વારે પોતાના ઉપરીનો અનાદર કરે છે. ગોરા સૈનિકની પત્ની ઝગડાળું અને કંકાસિયણ હોય છે. અને એ નીતિ-અનીતિની ઝાઝી પરવા કરતી નથી.

લશ્કરના ગોરા અફસરો માટે સજાવેલું ડાઈનિંગ ટેબલ

દેશી સૈનિકો કરતાં ગોરા સૈનિકોને ઘણી વધુ સગવડો મળે છે. પરણેલા સૈનિકોને અલગ આવાસ મળે છે. વિલાયતથી આવતી ખાવાપીવાની અનેક વસ્તુઓ પાણીનાં મૂલે મળે છે. અને છતાં એને કોઈ વાતે સંતોષ નથી. મોટા ભાગના ગોરા સૈનિકો દારૂની લતે ચડી જાય છે. વધુ પડતો દારુ ઢીંચવાથી આવતાં માઠાં પરિણામની તેમને ખબર તો હોય છે. છતાં તેઓ દારૂની લત છોડી શકતા નથી. તેમાંથી ઉપરી-અધિકારી પણ તેને બચાવી શકતો નથી.

ગુજરાતીમાં કહેવત છે કે એક તાવડી તેર વાનાં માગે. પણ આર્મીના કેમ્પની ભૂખ તો ઘણી વધુ. એટલે તો ત્યાં તેર નહિ, તેત્રીસ વાનાંની રોજ જરૂર પડે. રોજેરોજ સીધું સામાન લઈને હમાલોની આવનજાવન ચાલુ જ હોય. ઘણી વાર તેમાંના એક-બે મજૂર પકડાય, ગાંજો, ચરસ કે અફીણ સંતાડીને કેમ્પમાં ઘૂસાડવા જતા હોય અને પકડાય. પણ આ બધું હોય કોને માટે? દેશી સૈનિકો માટે? ના. ગોરા સૈનિકો માટે. પાણીના ભાવે સારામાં સારો શરાબ કેન્ટીનમાંથી ખરીદી શકાય. પણ તેનાથી સંતોષ ન થાય. એટલે ‘કિક’ મેળવવા માટે આવા ગેરકાયદેસર પદાર્થો છાનીછપની રીતે મગાવતા હોય. પકડાયેલ મજૂર મોટે ભાગે ‘સાહેબ’ને વફાદાર. પકડાય ત્યારે કોને માટે આ બધું લાવ્યો છે તેનું નામ ન જ કહે. કદાચ વફાદારી ઓછી. એક વાર નામ આપે તો પછી કાયમ માટે આ કેમ્પનો ‘ધંધો’ બંધ થઈ જાય એટલે પણ નામ ન આપતો હોય. કાયદેસર રીતે તો આ રીતે જપ્ત થયેલો ‘માલ’ કેમ્પના ચોકિયાતોએ બાળી નાખવાનો હોય. પણ ઘણી વાર તે જેણે મગાવ્યો હોય તેને જ પહોંચી જાય!

મદિરા અને મદિરાક્ષી

એક તો હિન્દુસ્તાનની આબોહવા જ અનેક રોગોને નોતરે તેવી. તેમાં વળી દારુ ઉપરાંત આવાં જાતજાતનાં વ્યસનો. એટલે ગોરા સૈનિકોમાં મરણનું પ્રમાણ મોટું. તમને થશે કે આ ગોરા સૈનિકોની પત્નીઓ તેમને આવા જીવલેણ વ્યસનોથી બચાવવા કશું કરતી નહિ હોય? ના. જે કાંઈ સારું કે માઠું થાય તેને દેશી સૈનિકો કરમની બલિહારી માને છે. તેવી જ રીતે ગોરા સૈનિકની પત્ની મોટે ભાગે પતિના મરણને ‘સ્વાભાવિક’ માની લે છે. હેમલેટની માએ પતિના અવસાન પછી થોડા જ દિવસમાં તેના ભાઈ સાથે લગ્ન કરી લીધાં હતાં. ગોરા સૈનિકની પત્ની પણ થોડાક દિવસ પછી ‘કેમ્પ’ના બીજા કોઈ સૈનિક સાથે લગ્ન કરી લે છે. અમે અંજારમાં હતાં ત્યારે આ રીતે નશાનો ભોગ બનીને એક સૈનિક મરી ગયો. પત્ની ખાસ્સી દેખાવડી. તેને દફનાવ્યો તે પહેલાં જ બીજા ત્રણ સૈનિકો તેની પાસે પહોંચી ગયા હતા. દિલાસો આપવા નહિ, પણ તેના હાથની માગણી કરવા. અને અઠવાડિયા પછી તેમાંના એક સાથે પેલી બાઈએ ફરી લગ્ન કરી લીધાં. ત્રણ-ત્રણ વાર લગ્ન કર્યાં હોય તેવી સ્ત્રીઓ પણ કેમ્પમાં જોવા મળે.

આ રીતે બે-ત્રણ વાર લગ્ન કરવાં એ ‘કેમ્પ’ની ગોરી સ્ત્રીઓ માટે અસાધારણ બાબત નથી. ઘણી વાર તો પતિની હયાતીમાં જ બીજું ‘લફરું’ ચાલતું હોય અને દવા કે દારૂનો ભોગ બનીને પતિ ક્યારે સ્વર્ગે (કે નરકે) સિધાવે તેની બંને પ્રેમી પંખીડાં રાહ જોતાં હોય. અને હા, સૈનિકો અને કેમ્પની સ્ત્રીઓનાં લગ્ન વખતે તેમની ઉંમરમાં મોટો તફાવત હોય તો તે ક્યારે ય આડો આવતો નથી. ચાલીસ વરસનો સૈનિક બાર-તેર વરસની છોકરીને પરણે તો તેથી કોઈને નવાઈ લાગતી નથી. પેલી છોકરીનાં માબાપને પણ વાંધો હોતો નથી. એટલું જ નહિ, લગ્ન વખતે હાજર રહીને તેઓ તેમને ખુશી ખુશી આશીર્વાદ પણ આપે છે!

ઘોડેસવાર ગોરો અફસર

જો કે મારે અહીં ઉમેરવું જોઈએ કે આમાં બધો વાંક સ્ત્રીઓનો છે એવું નથી. એમની દશા જોઈને થોડી દયા પણ આવે, હોં. એક તો અહીંની તોબા પોકરાવતી ગરમી, લગભગ બારે મહિના. ‘પરણેલા સૈનિકો’ને મળતી ખાસ સગવડ – માત્ર એક, અલાયદી ઓરડીમાં રહેવાનું. મનોરંજનનાં સાધનો લગભગ નહિ. ‘કેમ્પ’ની બહાર જઈને કોઈ કામ કરવાનો તો વિચારે ન કરાય. રસોઈ કરવા માટે અને બીજાં ઘરકામ માટે મહિને બે રૂપિયાના પગારે કંપની બહાદુર પોર્ટુગીઝ છોકરાને નોકર તરીકે રાખે. એટલે રસોઈ અને બીજાં ઘરકામ તો કરવાનાં હોય નહિ. એટલે આખો દિવસ કરવું શું, એ મોટો સવાલ. એટલે પછી ‘ટાઈમપાસ’ માટે કાં કૂથલી, કાં દારૂ કે બીજું કોઈ વ્યસન. સાંજ પડે જાય ક્યાં? ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી આવડતું હોય એવી ‘આયા’ને લઈને જાય બજારમાં. ખાવાપીવાનું બધું તો કેમ્પમાંથી મળે, એટલે બજારમાંથી ખરીદે શું? પતિને માટે અને પોતાને માટે દેશી દારુ કે અફીણ, ગાંજો. બજારથી પાછી ફરે ત્યારે જુએ કે પતિ તો પહેલેથી જ નશામાં ધુત છે. એટલે પછી બન્ને વચ્ચે ચાલે ગાળાગાળી, ઝગડાઝગડી કે હાથાપાયી! અને ક્યારેક તો એકને કે બંનેને ગંભીર ઈજા પણ થાય અને દોડવું પડે લશ્કરના દવાખાને. ઈજાના કારણમાં મોટે ભાગે તો ડોક્ટર જ ‘અકસ્માત’ લખી નાખે! હવે આ બધા સામે ઝઝૂમતી સ્ત્રી દારૂને રવાડે ચડે કે બીજા કોઈ પુરુષ સાથે છાનગપતિયાં કરવા લાગે તો તેમાં બધો વાંક એ બાઈનો જ છે એમ તો કેમ કહેવાય?

એટલે બધો વાંક પુરુષોનો છે, એમ ને? ના. તેમનો પણ નથી. ગોરો સૈનિક જેનાથી જરા ય ટેવાયેલો નથી તેવી ભારે અકળાવનારી ગરમીમાં તેણે દિવસ-રાત પસાર કરવાં પડે છે. જ્યારે ડ્યૂટી ન હોય ત્યારે બહાર ફરવાનો તો વિચાર પણ ન આવે. પોતાની ઓરડીમાં ખાટલા પર આળોટતો જેમતેમ સમય પસાર કરે. કંટાળાને મારવા જાય કેન્ટીનમાં અને ત્યાંથી લઈ આવે ‘બાટલી.’ કેન્ટીનમાંથી રોજ કેટલો દારુ ખરીદી શકાય તે સરકારે નક્કી તો કર્યું છે. પણ એ નક્કી કરતી વખતે ગ્રેટ બ્રિટનમાંની આબોહવાને જ ધ્યાનમાં રાખી છે. હવે, ત્યાંની કાતિલ ઠંડીમાં જેટલા દારૂની જરૂર પડે તેટલાની અહીંના ગરમ વાતાવરણમાં ન જ પડે. પણ આ વાત નથી સમજતી કંપની સરકાર કે નથી સમજતા અંગ્રેજ સૈનિકો. દારુ સાથે સિગારેટ પણ હોય જ. અને અ બધાથી થાકે-કંટાળે ત્યારે સૈનિક ઘોરવા લાગે. ગરમીને લીધે ગળે શોષ પડે એટલે જાગે. જાય પાછો કેન્ટીનમાં, લાવે બાટલી. જોતજોતામાં ખાલી કરે. આ કેન્ટીન ચલાવે ‘દેશી’ માણસો. બે-પાંચ ફદિયાં વધુ આપો તો વધારાની એક-બે બાટલી પણ સરકાવી દે! આ વાત આ દેશમાંના સરકારી અધિકારીઓ જાણે છે. ગ્રેટ બ્રિટનમાં બેઠેલા સાહેબો પણ જાણે છે. પણ જે ‘સગવડો’ બ્રિટનમાં મળે, તે જ પરદેશમાંના સૈનિકોને પણ આપવી પડે એવો નિયમ એટલે એમના ય હાથ હેઠા! દારૂથી પાયમાલ થઈને કેટલાયે સૈનિકો જાન ખોઈ બેસે છે. પણ સરકારી ચોપડે તેમના મરણનું કારણ ‘દારૂનું વ્યાસન’ નહિ, ‘ક્લાઈમેટને કારણે’ એવું જ નોંધવામાં આવે છે! એટલે જ તો કહે છે ને કે કાયદો ગધેડો હોય છે.

અલબત્ત, આનો અર્થ એવો નથી જ કે ગ્રેટ બ્રિટનની બહારના ગોરા સૈનિકોને માથે દારૂબંધી લાદવી. એમ કરવાથી તો બકરું કાઢતાં ઊંટ પેસશે. દારૂની લત એવી હોય છે કે એ ગમે ત્યાંથી નશો શોધી જ લે. એટલે સારો, વિલાયતી દારૂ ન મળે તો ગમે તે ‘દેશી’ પીશે, તો વધારે સૈનિકો મરશે. એક કરવા જેવું કામ એ છે કે અત્યારે કેન્ટીનમાં માત્ર ‘હાર્ડ લીકર’ જ મળે છે. તે ઉપરાંત ‘બીર’ જેવાં હળવાં પીણાં પણ મળી રહે તેવી સગવડ કરવી જોઈએ. જો કે આમ કરવામાં પણ એક મુશ્કેલી તો છે જ. ‘હાર્ડ ડ્રિંક’થી ટેવાયેલા સૈનિકો બીર ખરીદવાને બદલે ગામની બજારમાંથી વધુ માદક, પણ જોખમી પીણાં ખરીદવા લાગશે.

અલબત્ત, દારૂની આવી લત મોટે ભાગે સોલ્જરોમાં જોવા મળે છે. ઊંચી પદવીના અફસરોમાં નહિ. એક જમાનામાં લશ્કરના અફસરો સવારે દસ વાગ્યે ‘બ્રાન્ડી-પાણી’નો ગ્લાસ ભરે તે રાત લગી ખાલી કરે ને ભરે, ફરી ફરી ભરે, એવું કહેવાતું. પણ હવે એવું નથી. બચતનું મહત્ત્વ પણ અફસરોને સમજાયું છે. એટલે ફિજુલખર્ચી બને તેટલી ઓછી કરે છે. પરિણામે ઘરમાં શાંતિ, તબિયતનો બગાડો ઓછો. જૂના જમાનાના અફસરો આવા આજના અફસરોને ‘પેલ એલ’ તરીકે ઓળખે છે.

કંપની સરકારના લશ્કરના સૈનિકો

ગ્રેટ બ્રિટનમાં બેઠેલા બડેખાંઓને એક સવાલ થવો જોઈએ, પણ કોણ જાણે કેમ નથી થતો. દારૂને રવાડે ચડ્યા વગર પણ દેશી સૈનિકો બહાદુરીપૂર્વક કઈ રીતે લડી શકે છે? એક જવાબ એ છે કે દરેક જગ્યાએ કુદરત જે આપે તે ત્યાંના માણસો માટે સારું હોય છે. આવા ગરમ પ્રદેશોમાં થતા મરી-મસાલા દેશી સૈનિકો માટે પૂરતા હોય છે. લોર્ડ ક્લાઈવ જેવા ધુરંધરે નોંધ્યું છે કે માત્ર કાંજી પીને દિવસો ગુજારનારા કંપની સરકારના લશ્કરના દેશી સૈનિકો બહાદુરીપૂર્વક લડે છે. આ સૈનિકો સામે ચાલીને કહે છે કે ભાત રાંધ્યા પછી જે પાણી વધે તે અમને આપો, અને રાંધેલો ભાત ગોરા અફસરોને ખાવા આપો.

મને ખબર છે કે ગોરા સૈનિકો કાંઈ આ રીતે ફક્ત કાંજી પર રહી શકે નહિ. પણ ગ્રેટ બ્રિટનમાંની રહેણીકરણી અને હિન્દુસ્તાનમાંની રહેણીકરણી વચ્ચે સુમેળ સાધવાની, બન્નેમાંથી થોડું થોડું અપનાવવાની જરૂર છે. અત્યારે તો શું થાય છે કે અહીં મરે નહિ તો ગોરો સૈનિક મરવા પડે ત્યારે સ્વદેશ ભેગો થાય છે. ત્યાં જઈને સરકારી ખર્ચે ચાલતી લશ્કરી હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે, મરણ ન આવે ત્યાં સુધી પેન્શન પર જીવે છે. આ સૈનિકોને આપણે કહીએ : ‘સુખદુઃખમનમાં ન આણીએ રે.’

પણ હવે લશ્કરની વાતો પૂરી. હવે પછી જશું મુંબઈની આસપાસનાં કેટલાંક સ્થળોની સહેલગાહે, અલબત્ત મિસિસ પોસ્તાન્સની આંગળી પકડીને.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે; 23 માર્ચ 2024)

Loading

બાપુ આશ્રિત પત્રકારો / સાહિત્યકારોને સત્તાપક્ષની આલોચના કરવી તે દેશદ્રોહી કૃત્ય લાગે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 March 2024

આપણા સાહિત્યકારોને લોકોની વેદનામાં રુચિ નથી, એમને તો કોર્પોરેટ કથાકારોનાં ગોળગોળ પ્રવચનોમાં વાસ્તવિકતા દેખાય છે ! ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીને કોર્પોરેટ કથાકારમાં સર્વોત્તમ સાહિત્યના દર્શન થાય છે !

 જે સાહિત્યકારો કોર્પોરેટ કથાકારોને નમે નહીં તે સાહિત્યકાર નહીં, પણ અર્બન નક્સલ છે, દેશદ્રોહી છે, ધર્મદ્રોહી છે, તેવું વાતાવરણ બાપુ પ્રેમી સાહિત્યકારોએ ઊભું કરી દીધું છે ! બાપુ પ્રેમી સાહિત્યકારો / પત્રકારો / પાંચ-પાંચ કોલમ લખનારા બાપુની વાહવાહી કરે અને બાપુ એમની ! આમ બન્નેનો ધંધો જોરદાર ચાલે !

બાપુ પ્રેમી સાહિત્યકારોની એક ખાસિયત એ છે કે તેઓ હિન્દુત્વવાદી, વધુ આસાન શબ્દોમાં કહીએ તો સામંતવાદી, એથી સરળ ભાષામાં કહીએ તો ગોડસેવાદી નેતાના પ્રશંસક હોય છે ! સત્તાપક્ષની / સરકારની આલોચના કરવી તેમને દેશદ્રોહી કૃત્ય લાગે છે ! તેઓ ધાર્મિક રાષ્ટ્રવાદી છે, માનવમૂલ્યોના સમર્થક નહીં ! બાપુઓ ગમે તેટલા આશીર્વાદ આપે પણ બાપુપ્રેમી સાહિત્યકારો સરૂપ ધ્રુવની ‘સળગતી હવાઓ’ કે પારુલ  ખખ્ખરની ‘શબવાહિની ગંગા’ જેવી રચનાઓ આપી શકે નહીં !

ભાષા વિજ્ઞાની બાબુ સુથાર કહે છે : “રાજ્ય અને એક અર્થમાં સત્તા માત્ર પ્રત્યાયન વ્યવસ્થાને જડબેસલાખ બનાવવાનો પ્રયાસ કરે છે. એટલી બધી જડબેસલાખ કે એક છેડેથી મોકલેલો સંદેશો બીજા છેડે પહોંચે ત્યારે એના અર્થમાં સહેજ પણ વધારો ન થાય, ઘટાડો પણ ન થાય અને અર્થ બદલાય પણ નહીં. જો પ્રત્યાયનની વ્યવસ્થા પોતે જ અર્થમાં વધારો કે ઘટાડો કરે કે એમાં કોઈક પરિવર્તન શક્ય બનાવે તો રાજ્યને એ વ્યવસ્થાને ડર લાગે. એની સામે છેડે કવિતામાં એવું નથી થતું. કવિ કવિતા લખે. પછી વાચક વાંચે ત્યારે એ કવિતાનું અર્થઘટન કવિના આશય પ્રમાણે નથી કરતો. એ અર્થ ઘટાડે પણ ખરો, વધારે પણ ખરો ને ક્યારેક બદલી પણ નાખે. આ અરાજકતા રાજ્યને / સત્તાને ગમતી નથી. એથી જ રાજ્યને / સત્તાને સર્જકતાની બીક લાગતી હોય છે. પણ મિડિયોકર સાહિત્યકારો હંમેશાં એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યને કે સત્તાને વફાદાર રહે એની કાળજી રાખતા હોય છે. એથી જ આપણા ઘણા બધા સમકાલીન કવિઓ, આમ ભલે લોકોને ગમી જાય એવી કવિતા કેમ ન લખતા હોય, એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યની પ્રત્યાયન-વ્યવસ્થાનું પ્રતિબિંબ બની જતી હોય છે. એથી વિષ્ણુ પંડ્યા જેવા કે બીજા મિડિયોકર સાહિત્યકારો જ્યારે એમ કહે કે કવિએ આવું નહીં તેવું કહેવું જોઈએ ત્યારે હકીકતમાં તો એ લોકો ભાષાની પેલી પ્રત્યાયન વ્યવસ્થાને પોતાની આજ્ઞાંકિત બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.”

મને એક લેખિકાએ પોતાની વાર્તાનું પુસ્તક મોકલ્યું. પ્રથમ પાને જ મોરારીબાપુના આશીર્વાદ દેખાયા ! મેં વાર્તાઓ વાંચવાનું છોડી દીધું ! મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા વરસોથી રામાયણ, મહાભારત અને ગીતાના પાઠ ભણાવે છે, છતાં કોઈ બદલાવ આવ્યો? માનવ મગજનો વિકાસ ન કરી શકે એવા કથાકાર કે એવી કથાનો મતલબ શો? એવા બાપુઓની પ્રેરણા વિના સાહિત્યસર્જન ન થઈ શકે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મારા લોક

મૂળ અરબી કાવ્યઃ સૈમર ઍબુ હૌવૉશ [Samer Abu Hawwash] (પૅલૅસ્ટિAbu Hawન્યન કવિ અને અનુવાદક) [ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક]|Opinion - Literature|23 March 2024

સૈમર ઍબુ હૌવૉશ

હુડા ફકરેદીન

રૂપાલી બર્ક

મૂળ અરબી કાવ્યઃ સૈમર ઍબુ હૌવૉશ [Samer Abu Hawwash] (પૅલૅસ્ટિAbu Hawન્યન કવિ અને અનુવાદક) [ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક]

અંગ્રેજી અનુવાદઃ હુડા ફકરેદીન [Huda Fakhreddine] (અનુવાદક, લેખક, યુનિવર્સિટી ઑવ પૅન્સિલવૅન્યામાં અરબી સાહિત્યના અસોસિયેટ પ્રૉફૅસર)

°

ત્યાં, એક ભૂમિ પર, અમને કહેવામાં આવ્યું,

નથી એ અમારી ભૂમિ,

એક આકાશ નીચે, અમને કહેવામાં આવ્યું, 

નથી એ અમારું આકાશ,

મૃત્યુ જીવે છે મારા લોક.

*
ખબર નથી કઈ રીતે અમે પહોંચ્યા અહીં,

જવા માટે જગા નથી બીજી કોઈ.
નિરાશાની ચરમસીમાએ

ડાયસ્પૉરાના દેવને અમે વિનવીએ છીએઃ

આ મૂંઝવણ સમજવા મદદ કરો, કહીએ છીએ અમે.

નથી ઠેસ પહોંચાડવી અમારે રણની લાગણીને

કે નથી ડહોળવી પહાડની શાંતિ,

વળી, શહેરની દીવાલો છે ઊંચી અને ઘણી.

જવું ક્યાં અમારે?

એક બગીચામાં — સૌથી સુંદર બગીચો નહીં,

ને શું ખબર અમારો કે નહીં,

ના વૃક્ષ, ના ફળ, ના પંખીના માળા

અમારા આત્માના ખંડેરમાં 

— અમે જડ્યા અમને.

અમારો બગીચો, કહ્યું અમે.

સોયથી બખોલો ખોદી

વેગળી સ્મૃતિઓના છાંયડામાં

સંતાયા અમે સળગતા સૂર્યથી,

જીવનની સ્મૃતિઓ, અમને કહેવામાં આવ્યું, અમારી નથી.

આવ્યા નહોતા અમે કોઈ દિશા કે સ્થળથી,

પડ્યાં હતાં કોઈ મરતાં તારાની ધૂળ જેવા,

કેવળ એક બ્રહ્માંડીય સંયોગ,

વિષાદના તારા સાથે ગોઠવાતો જતો સૂર્ય.

અમને કશો ખ્યાલ નથી શું હતું આદિમાં

ને શું હશે અંતમાં.

અમે અહીં છીએ એ સિવાય કશું યાદ નથી,

બ્રૅડના સુકાયેલા ટૂકડામાં,

સુકાયેલા વિશ્વમાં,

અને સુકાયેલી નદીઓ અને માતાઓના આંસુમાં ભાગ પડાવીએ છીએ.

*

નથી અમારો કોઈ રંગ

— અને બધાં જ રંગો અમારા છે —

ના સખત નાકનકશો,

ના ભાષા,

ના પ્રક્ષેપણ બિંદુ,

ના આખરી દિશા. 

આ ગ્રહના પ્રત્યેક ઍરપૉર્ટ પર અમારામાંના એક કોઈક અપરિચિતને

વર્ણવતો હોય છે આ પૃથ્વી પરના અમારા અસ્તિત્ત્વની વ્યાધિ.

*

અમે રોમાંચક જિંદગી જીવી રહ્યા છીએ.

દરેક દિવસ એક સાહસ છે,

દરેક શ્વાસ એક ચમત્કાર.

અને મરીએ છીએ જ્યારે, આખરે, ખૂબ મરીએ છીએ.

વિસ્થાપનથી કંટાળેલા,

ડાય્સપૉરાથી ભયભીત,

આકાશની છાતીમાં એક નવા રોમાંચક દિવસ માટેનો

પર્યાપ્ત કોલાહલ પૂરો પાડે છે 

અમારો વિનાશ.

 *

કોઈ દેવે અમને વચન આપેલું નથી,

ગ્રંથોમાં અમારા નામ નજરઅંદાજ કરાયેલા છે.

આકાશે ચડતા બગડી ગયેલા ઍલવૅટર ભણી

અમને હકાલતા પ્રેતાત્માઓનો પીછો કરવા અમને છોડી દેવાયા હતાં.

*

સંતાનોનાં નામ હાથપગ પર લખી રાખે છે મારા લોક,

જેથી નરસંહાર પછી એમને શોધી શકાય.

દૂર ખેતરોમાં નજર ફેલાવતા,

માર્ગમાંના ચીસ પાડતા દરેક પત્થરને,

દરેક અશક્ય ડાળને અડકતા,

આશા સેવે છે કોઈ ચિહ્નની, કોઈ ધ્વનિની,  

કોઈ ગીતની, કોઈ પ્રાર્થનાની,

જે એ જ અંધકારમાં એમનું પુનર્મિલન કરાવી આપે.

 °°°°

સૅબૅસ્ચ્યન સનચૅઝ–શિલિંગ સાથે હુડા ફકરેદીનની મુલાકાત

સવાલ : સૈમર ઍબુ હૌવૉશના કાવ્ય ‘મારા લોક’નો તમારો અનુવાદ ધ્યાન ખેંચનારો છે. એટલે કે હાલ ગાઝામાં અરેરાટી ઉપજાવનારી જે અકથનીય ઘટનાઓ બની રહી છે એની સૌથી નજીકનો શાબ્દિક પ્રયાસ છે. આ કાવ્યનો અનુવાદ કરવા પાછળનો ખાસ હેતુ શો હતો? હૌવાશના કાવ્ય ‘મારા લોક’નો અનુવાદ કરવાનો નિર્ણય કર્યો તે પૂર્વે એમના સર્જન સાથે તમારો કેવો નાતો રહ્યો છે?

જવાબ : ગાઝાથી આવતા સમાચાર મેળવતા રહેવા અને આવા કપરા સમયમાં હિંમત રાખવાના બનતા પ્રયત્નો કરતા રહેવા સિવાય હું ઝાઝું કશું કરી શકતી નથી. વિશેષ કરીને અમૅરિકી સંસ્થાઓમાં જ્યારે હું અને મારા જેવા બીજા પર આ પ્રવર્તમાન નરસંહારનો વિરોધ માત્ર કરવાને કારણે દબાણ અને ધાકધમકીનો મુકાબલો કરી રહ્યા છીએ. છેલ્લાં કેટલા સમયથી માત્ર પૅલૅસ્ટિનયન સાહિત્યનો ઉત્સવ મનાવવા બદલ અને સત્યનિષ્ઠાથી અરબી સાહિત્યનો અભ્યાસ કરવા બદલ અમને ધમકીઓ મળી રહી છે અને અમારી સામે દ્વેષી ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. નરસંહારમાં જ્યારે ૩૦,૦૦૦ પૅલૅસ્ટિનયનો સંહાર થતો હોય ત્યારે અમે ચૂપ રહીએ એવી અપેક્ષા રખાતી હોય અને અમને કહેવામાં આવતું હોય કે અમારી બૌદ્ધિક રુચિના દાયરામાં આ આવતું નથી, એવામાં અમે એ સ્વીકારી લઈએ તો અમે દંભી અને તકવાદી જ કહેવાઈએ.

ગાઝાથી આવતી અને ગાઝા વિષેના કાવ્યોનો અનુવાદ કરી આવા સમયમાં હું આશ્વાસન મેળવું છું. આ કાવ્યોની મને જરૂર છે. કાવ્યોને મારી જરૂર નથી. સૈમરે આ કાવ્ય અરબીમાં પ્રકાશિત કર્યું તે પહેલાં મને વંચાવ્યું અને એણે મારું ધ્યાન જકડી લીધું. આ કાવ્ય ખૂબ સહજ અને પ્રત્યક્ષ રીતે પૅલૅસ્ટાઈનની અકથનિય ભયાવહ પરિસ્થિતિની સામે થાય છે. સૈમર સામી છાતીએ અકથનીય પરિસ્થિતિ સાથે બાથ ભીડે છે અને નરી વાસ્તવિક્તાને બયાન કરે છે. આ વાસ્તવિક્તા અકલ્પનીયની સાથે હકીકત પણ છે. આ કાવ્યમાં વાસ્તવિક્તાનો આ વિરોધાભાસ સમાયેલો છે. દૃશ્યને ચોકઠામાં જકડી, ગોઠવી અને પોતાના માટે બોલવા દે એવી નિર્મળ કાચ જેવી સાદી, સહજ ભાષામાં કાવ્ય સિદ્ધ કરે છે.

ઘણાં વર્ષોથી હું સમૈરનું લેખન વાંચતી આવી છું. મારા પુસ્તક ‘ધ ઍરબિક પ્રોઝ પોયમ: પોયટિક થિયરી ઍન્ડ પ્રૅકટીસ’ પર કામ કરી રહી હતી તે દરમ્યાન ચાર વર્ષ પહેલાં સમૈર સાથે મારો સંપર્ક થયો હતો. આ પુસ્તકના એક અધ્યાય માટે મેં એમના અમુક કાવ્યોનો અનુવાદ કર્યો હતો. એમાંના અમુક ‘એસિમટોટ બ્લોગ’ પર પ્રકાશિત છે. તે વખતથી અમે મિત્રો બન્યા અને આ નિરાશાજનક સમયમાં ઘણી વખત એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. આક્રોશ, લાચારી અને અરેરાટીની અમારી સહિયારી લાગણીને વાચા આપતાં નવાં કાવ્યો મને મોકલતા રહે છે. એમની શાંત અને સ્થિર ભાષા અરેરાટીને નાટ્યત્મક્તા વિના પ્રતિક્રિયા આપે છે. આક્રોશ કે વિલાપ કરતાં પણ આ ઘણી વખત વધુ દર્દનાક સાબિત થાય છે.

સવાલ : તમારી સાથેના આ પૂર્વેની મુલાકાતથી પુરવાર થયું હતું કે અરબી કવિતાના સ્વરૂપ અને છંદ પર તમે વિદ્વતાપૂર્ણ અને નિપુણ પકડ ધરાવો છો. હૌવૉશ પોતાના કા વ્યોમાંવાપરતા અમુક કાવ્યાત્મક યુક્તિઓ વિષે અને એનો તમે અંગ્રેજી અનુવાદ કેવી રીતે કર્યો એ અમને જણાવી શકો છો? ઔપચારિક ધોરણે આ કાવ્યનો અનુવાદ કરતી વખતે સૌથી મોટો પડકાર કયો હતો?

જવાબ : અરબી સંદર્ભે સમૈરનું ‘મારા લોક’ ગદ્ય કાવ્ય છે. એમાં છંદ કે પ્રાસ નથી પરંતુ રેખાંકિત છે. મૌન અને વિરામના ઉપયોગથી કવિ અર્થ ઉપજાવે છે. અગાઉ મેં ક્યાંક કહ્યું છે એમ સફળ ગદ્ય કાવ્ય નિરાકાર હોતું નથી પરંતુ એનો પોતાનો આકાર રચે છે અને સફળતાપૂર્વક આ સિદ્ધ કરવું વધારે અઘરું છે. અહીં ચાવીરૂપ શબ્દ છે માળખું. કાવ્યમાં કવિ તણાવ સર્જે છે અને ખંડન દ્વારા એનો ચાપ રચે છે. કાવ્યનું ઉદ્ભવ વાક્ય છે “એક ભૂમિ પર, અમને કહેવામાં આવ્યું, નથી એ અમારી ભૂમિ.” કાવ્યમાં ખંડન ખડકાતા જાય છે : “નથી ખબર કઈ રીતે અમે પહોંચ્યા અહીં,” “એક બગીચામાં — સૌથી સુંદર બગીચો નહીં,” “આવ્યા નહોતા અમે કોઈ દિશા કે સ્થળથી,” “અમે અહીં છીએ એ સિવાય કશું યાદ નથી,” “નથી અમારો કોઈ રંગ,” “કોઈ દેવે અમને વચન આપેલું નથી…” પૃષ્ટિની દુર્લભ ઘડીઓ આંચકો આપનારી છે, જેવી કે “મરીએ છીએ જ્યારે, ખૂબ મરીએ છીએ.” પરાકાષ્ઠા કાવ્યના છેલ્લાં ફકરામાં હચમચાવી નાખતી પુષ્ટી સાથે થાય છે : 

“સંતાનોના નામ હાથપગ પર લખી રાખે છે મારા લોક, 

જેથી નરસંહાર પછી એમને શોધી શકાય.” 

નિર્વિવાદ નરસંહારમાં “મારા લોક” લખે, જુએ, સ્પર્શે અને આશા સેવે છે. ખંડનની હારમાળાથી બનેલાં પૅલૅસ્ટિન્યન જીવનનો અંત આવે છે ક્યાંક પુનર્મિલન માટેની તૈયારી સાથે “એ જ અંધકારમાં” આ નર્કાગારની પાર. અતિ રૂઢ બનેલી આશા સાથે આ કાવ્યનો અંત થતો નથી. જીવન અને મરણની વાસ્તવિક્તાઓ અને સીમાઓને ઓળંગતા સ્થિતિસ્થાપક્તા અને ખંત છે. હકિકતે એ સ્થિતિસ્થાપક્તા અને ખંતમાં રૂપાંતરિત થતી નિરાશા છે, કારણ વગરના જીવનનું વાસ્તવ છે કે પછી એવું જીવન જે કારણ છે, જે પૅલૅસ્ટાઈન અને એના લોકોનો કિસ્સો છે. 

સવાલ : અરબી સાહિત્યમાં ૨૦મી સદીની પ્રગતિમાં તમારી કુશળતા છે માટે હું વિચારું છું શું તમે આધુનિક અરબી કવિતામાં પૅલૅસ્ટાઈન અને પૅલૅસ્ટિન્યન કવિઓની ભૂમિકા વિશે વધુ જણાવી શકશો? અંગ્રેજી બોલતી દુનિયામાં અમે એ જ કવિઓ વિશે જાણીએ છીએ જેમને અનુવાદ થકી પ્રાધાન્ય મળેલું છે જેવા કે મેહમુદ ડાર્વિશ, પરંતુ આ તો સાવ ઉપરનું પડ છે.

જવાબ : તોફિક અલ-સૈયૅઘ, ઈબ્રાહિમ તુકાન, ફદવા તુકાન, જબરા ઈબ્રાહિમ જબરા, સમિહ અલ-કાસિમ, સલમા ખદરા અલ-જૈયુસી, મ્યુઈન બસૈસો, હુસેન અલ-બરઘુટી, મૌરિદ અલ-બરઘુટી, ઝકારિયા મોહમ્મદ, અને મોહમ્મદ અલ-અસદ આપણી વચ્ચે નથી રહ્યાં. એમણે અરબી આધુનિક ચળવળના ઉદયમાં ચિતન અને વ્યવહાર દ્વારા યોગદાન આપ્યું. અરબીમાં અને ડાયસ્પૉરાની ઘણી બધી ભાષાઓમાં લખતાં હાલ હયાત એવાં ઘણાં બધાં, ઘણા વધુ પૅલૅસટિન્યન કવિઓના નામની યાદી આપણે બનાવી શકીએ છીએ.

આધુનિક અરબી સાહિત્યમાં પ્રધાનતત્ત્વ તરીકે, રૂપક તરીકે, અનુભૂતિ તરીકે, કારણ તરીકે પૅલૅસ્ટાઈન અગ્ર સ્થાન ધરાવે છે. ૧૯૪૮નું નક્બા કે આફતને પરિણામે અરબ વિશ્વમાં અને એની બહાર સમૂહ વિસ્થાપનને લીધે દેશવટા અને નિર્વાસિતપણાની અનંત પરિસ્થિતિમાં પૅલૅસ્ટિન્યન લોકોને ભાગે આવ્યું. આથી, ૨૦મી સદીના ઉતરાર્ધમાં નવાં વલણો અને ચળવળોને જન્મ આપ્યો. બહોળા અર્થમાં અરબી સાંસ્કૃતિક સર્જન સંદર્ભે સ્થાયી અને ઊંડી અસરવાળા પરિણામો આવ્યાં. 

આપણી નજર સમક્ષ પૅસૅસ્ટિન્યન લોકોનો નરસંહાર ચાલી રહ્યો હોય એવા સમયે આ અભૂતપૂર્વ હિંસાના અને સમગ્ર અરબ સંસ્કૃતિ સામેની આક્રમક્તાના સ્વીકારમાંથી ઉદ્ભતો ના હોય એવો અરબી કવિતા કે સાહિત્ય કે સંસ્કૃતિનો અભ્યાસ કે એની સાથે સંકળાવવામાં સહભાગીતા અને કપટીપણું પુરવાર થાય છે. 

સવાલ : એવું શું છે પૅલૅસ્ટાઈન અંગે જેનાથી એને આ દરજ્જો મળે છે અને અરબી સાંસ્કૃતિક નિર્માણ માટે આ ભૂમિકા ભજવવા દે છે? પચાસ વર્ષ પૂર્વે હતી એ જ ભૂમિકા એ હજુ ભજવે છે? આ છેલ્લા થોડાક મહિનો સુધી ઈઝરાયલ સાથે ખાડીના વિવિધ દેશોની પુનર્મૈત્રીને કારણે ઘણાને લાગતું હતું કે અરબ વિશ્વમાં પૅલૅસ્ટાઈનની રાજકીય ભૂમિકા ઘટવા લાગી હતી. જો કે, સરકારો દ્વારા ચલાવાતી નીતિ વધારે લાગે છે ના કે અરબ વિશ્વમાં સામાન્ય મતનું પ્રતિનિધિત્વ. સાંસ્કૃતિક વર્તુળમાં શું આ જ બનવા પામેલું કે પછી પૅલૅસ્ટાઈનનું સ્થાન અકબંધ રહ્યું છે? છેલ્લા અમુક મહિનાથી ઘણાંએ નોંધ્યું કે ઈઝરાયેલ સાથે વિવિધ ખાડીના દેશોની સુલેહની નીતિને કારણે અરબ વિશ્વમાં પૅલૅસ્ટાઈનની રાજકીય ભૂમિકા ઘટી ગઈ હતી. જો કે, આનું કારણ અરબ વિશ્વમાં પ્રવર્તતો સામાન્ય મત નહીં પરંતુ સરકારો દ્વારા અમલી બનાવાયેલી નીતિનું પ્રતિનિધિત્વ છે એવી માન્યતા છે. શું સાંસ્કૃતિક વર્તુળમાં આવું બન્યું છે કે પછી પૅલૅસ્ટાઈનએ સ્થાન ગુમાવેલું જ નથી?

જવાબ : સાંસ્કૃતિક વર્તુળમાં પૅલૅસ્ટાઈને કદી સ્થાન નથી ગુમાવ્યું. અરબ સરકારો, રાજાશાહીઓ, અને આધિકારીક સંસ્થાઓએ અવારનવાર પૅલૅસ્ટિન્યન લોકોને નિરાશ કર્યાં છે તેમ છતાં પૅલૅસ્ટિન્યન લોકો હંમેશાં અરબ વિશ્વના અરબ સાંસ્કૃતિક જીવનનો અભિન્ન હિસ્સો રહ્યાં છે અને રહેશે. હજુ પણ અરબ સાંસ્કૃતિક પડદા પર દરેક સાહિત્યિક અને કલાત્મક ચળવળ નિર્વિવાદપણે સંપાદકો, પ્રકાશકો, સિદ્ધાંતવાદીઓ, કવિઓ, નવલકથાકારો અને સાંસ્કૃતિક કર્મશીલોની ભૂમિકામાં પૅલૅસ્ટિન્યન અવાજો અને અનુભવો થકી આકાર પામે છે.

રાજકીય સ્તરે, અરબ સરકારો દ્વારા ત્યજવામાં આવવું અને વિશ્વાસઘાત થવા વિષે આપણે બધાં જાણીએ છીએ, પરંતુ આધિકારીક સરકારી વલણ અને અરબ વિશ્વમાં લોકલાગણીની વચ્ચેના દેખીતા વિરોધાભાસથી એ રંગાયેલું છે. આ નરસંહારે પીડાદાયક ઢબે આ વિખવાદનું પુન:સમર્થન કર્યું છે. હવે પછી બધું બદલાઈ જશે, ફક્ત અરબ વિશ્વમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં. ગાઝા આપણા સમયની નિર્ણાયક ઘડી છે. હવે પછી ગાઝા જ ન્યાયાધીશ હશે, આપણી માનવતાનું કે એમાંનું જે કાંઈ બચશે એનું માપ હશે.

સ્રોત: asymptotejournal.com
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...617618619620...630640650...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved