Opinion Magazine
Number of visits: 9955585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠનું તંત્ર ઊઘાડું થઈ જાય પછી એ ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2024

રમેશ ઓઝા

જૂઠની સમસ્યા એ છે કે એને મેનેજ કરવું પડે. સત્યની સમસ્યા એ છે કે એ એની મેળે પ્રગટ થાય. તારસ્વરે જૂઠ ફેલાવવું પડે, ફેલાવનારાઓની ફોજ જોઈએ, એ ભાડૂતીઓ પાછા વ્હાલા થવા જૂઠમાં ઉમેરણ કરીને અને અતિશયોક્તિ કરીને જૂઠને હાસ્યાસ્પદ બાનાવી દે અને એને કારણે બને એવું કે મગજથી કેમ વિચારાય એની જેને ખબર ન હોય એ પણ હાસ્યાસ્પદ વાતો સાંભળીને વિચારતો થઈ જાય. કોઈ જૂઠનો ફુગ્ગો ફોડી ન નાખે એનું ધ્યાન રાખવું પડે, એટલે કે વિરોધીઓને પણ મેનેજ કરવા પડે અને સૌથી મોટી વાત તો એ કે કેટલા લોકો જૂઠને ગ્રહણ કરી રહ્યા છે તેના પર નજર રાખવી પડે. જ્યારે જૂઠની આવરદા ઘટવા લાગે અને જૂઠને ગ્રહણ કરનારાઓની સંખ્યા ઓછી થવા લાગે ત્યારે ચાલાક લોકો એકથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે. તમે જોયું હશે કે તંત્રમંત્ર અને ઝાડફૂંક કરનારાઓ ક્યારે ય એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી. તેમને તેમના વ્યવસાયની મર્યાદાની જાણ છે. જૂઠ દ્વારા પેટ ભરનારા ચાલાક લોકો ઠેકાણાં બદલતા રહે છે.

પણ આપણે ત્યાં રાજકારણીઓએ જૂઠનું તંત્ર અપનાવ્યું તો છે, પણ જૂઠતંત્રનાં સ્વભાવ અને સ્વરૂપ સમજતા નથી. આ એકથી બીજી જગ્યાએ ફરતા રહેવાનો ધંધો છે. જૂઠ ફેલાવાની ટ્રીક બદલતી રહેવી જોઈએ, તેને પ્રચારિત કરનારાઓ બદલાતા રહેવા જોઈએ, તેના ફેલાવ માટે પેદા કરવામાં આવેલા લાભાર્થીઓ બદલાતા રહેવા જોઈએ, પ્રશ્ન અને શંકા કરનારાઓ પણ નવા હોવા જોઈએ અને ગ્રાહકો પણ નવા હોવા જોઈએ. એકની એક ટ્રીક, એકના એક અર્ણવ ગોસ્વામી અને એકના એક ગ્રાહકો હોય તો કેટલા દિવસ ધંધો ચાલે? સામે વિરોધીઓ પણ શંકા, પ્રશ્નો અને તર્ક સાથે ઊભા જ હોય. એ પણ એના એ જ લોકો અને એની એ જ મોડસ ઓપરેન્ડી જાણી ગયા હોય એટલે વધારે તૈયારી સાથે પોલ ખેલ.

હવે બન્યું એવું કે ગયા જૂન મહિનામાં આંધ્ર પ્રદેશમાં ચન્દ્રબાબુ નાયડુ મુખ્ય પ્રધાન બન્યા એ પછી ગયા જુલાઈ મહિનામાં તેમના ધ્યાનમાં આવ્યું કે તિરુપતિ બાલાજીમાં પ્રસાદના લાડુ બનાવવા માટે વાપરવામાં આવેલું ઘી ભેળસેળવાળું હતું. તિરુપતિ બાલાજીમાં રોજ ત્રણ લાખ લાડુ પ્રસાદ તરીકે બને છે અને વેચાય / વહેંચાય છે એટલે તમે કલ્પના કરી શકો કે રોજ કેટલું ઘી વપરાતું હશે. તિરુપતિ દેવસ્થાનમ્‌નું સંચાલન એક બોર્ડ દ્વારા થાય છે અને તેમાં રાજ્ય સરકારનો પણ પ્રતિનિધિ હોય છે. બોર્ડ ઘી, ખાંડ, અનાજ, એલચી વગેરેની ખરીદી કરવા ટેન્ડર મગાવે છે. મંદિરની અંદર જ જે તે ચીજની ગુણવત્તા તપાસવાની વ્યવસ્થા પણ છે. આવેલું ઘી ભેળસેળવાળું છે એ મંદિરના સંચાલકોને ઘરઆંગણે કરવામાં આવેલી તપાસ દ્વારા જ જાણવા મળ્યું હતું.

હવે અમિત શાહ કહેતા હોય છે એમ ક્રોનોલીજી સમજી લઈએ. ભેળસેળયુક્ત ઘીનાં બે ટેન્કર  અનુક્રમે ૬ઠ્ઠી અને ૧૨મી જુલાઈએ આવ્યાં હતાં. ઘરઆંગણેની તપાસમાં ઘી ભેળસેળવાળું લાગતા સંચાલકોએ ૧૭મી જુલાઈએ એ ઘીનાં ચાર સેમ્પલ ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબોરેટરીમાં સંપૂર્ણ તપાસ માટે મોકલ્યાં હતાં. ૨૩મી જુલાઈએ રીપોર્ટ આવી ગયો કે ઘીમાં ભેળસેળ છે. એમાં કોઈ એવું તત્ત્વ છે જે દૂધનિર્મિત નથી પણ વિપરીત (ટેકનીકલ ભાષામાં ફોરેન) છે. એ શું છે? તો એન.ડી.ડી.બી.એ તેનાં રીપોર્ટમાં ૧૪ શક્યતાઓ બનાવી છે. પ્રાણીજન્ય અને ગેર પ્રાણીજન્ય બન્ને. એન.ડી.ડી.બી.એ તેના રીપોર્ટમાં કોઈ જગ્યાએ કહ્યું નથી કે આમાં ગાયની ચરબી જોવા મળી છે. આ સિવાય લેબોરેટરીએ લાંબુ કેવીએટ ઉમેર્યું છે જેમાં કહ્યું છે કે આ રીપોર્ટ સંપૂર્ણ સત્ય કહે છે એમ માની લેવું નહીં, એને માટે હજુ વધુ અને વધારે સુક્ષ્મ ચકાસણી કરવી પડે.

એવી વધારે ચકાસણી કરાવવાની સંચાલકોને જરૂર લાગી નહોતી, કારણ કે એ ઘીને રીજેક્ટ કરવામાં આવ્યું હતું અને તેમાંથી લાડુ બનાવવામાં નહોતા આવ્યા. પ્લીઝ નોટ, એ ઘી લાડુ બનાવવા માટે વાપરવામાં નહોતું આવ્યું.

હવે જૂઠનો ખેલ ભજવાય છે. મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુનાં ટેબલ પર આ રીપોર્ટ જુલાઈ મહિનામાં આવી ગયો હતો. તેમના અને તેમના નાયબ મુખ્ય પ્રધાન અને અભિનેતા પવન કલ્યાણના કોમળ હિંદુ હ્રદયને આ રીપોર્ટ જોઇને જરા ય આઘાત નહોતો લાગ્યો. જુલાઈ મહિનાનું એક અઠવાડિયું, આખો ઓગસ્ટ મહિનો અને અડધો સપ્ટેમ્બર એમ લગભગ ૬૦ દિવસ તેઓ બન્ને મસ્ત સત્તા ભોગવતા હતા રાતનાં સૂઈ જતા હતા. અચાનક ૧૮મી સપ્ટેમ્બરે ચન્દ્રબાબુ નાયડુના દિલમાં પીડા જાગી અને એમણે જાહેરમાં કહ્યું કે તિરુપતિનાં મંદિરમાં બાલાજી ભગવાનનાં ભક્તોને પ્રાણીઓની ચરબીથી યુક્ત લાડુ ખવડાવામાં આવ્યા હતા. હિંદુઓને અપવિત્ર કરવામાં આવ્યા હતા, તેમને અભડાવવાનું કાવતરું હતું અને તેમાં આંધ્ર પ્રદેશના આગલા મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીનો હાથ હતો, કારણ કે જગનમોહન ધર્મે ખ્રિસ્તી છે. તેમના ખ્રિસ્તી માસા બી. કરુણાકર રેડ્ડી જૂન મહિનામાં સત્તાપરિવર્તન થયું ત્યાં સુધી તિરુપતિ મંદિરના બોર્ડના અધ્યક્ષ હતા. ઘીના સપ્લાયરને કોન્ટ્રાક્ટ તેમણે આપ્યો હતો. માટે આ ખ્રિસ્તીઓનું હિંદુઓને અભડાવવાનું કાવતરું હતું. તેમણે લાખો ભોળા ભક્તોને અભડાવ્યા છે.

તેઓ બન્ને ૧૮મી સપ્ટેમ્બર સુધી શા માટે મૂંગા રહ્યા? હિંદુઓનું દિલ પાણીનાં નળ જેવું હોય છે કે ઓન કરો તો આંસુ ટપકવા લાગે? કારણ કે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં  વિધાનસભાઓની ચૂંટણીને હજુ વાર હતી. ઑગસ્ટ મહિનાનાં અંતમાં ચૂંટણી જાહેર થઈ. હરિયાણામાં ચૂંટણી ભા.જ.પ. માટે સીધાં ચઢાણ જેવી છે અને હરિયાણા હાથમાંથી જઈ રહ્યું હોય એમ લાગે છે. એટલે લગભગ બે મહિના પછી ૧૮મી સપ્ટેમ્બરે ચન્દ્રબાબુ નાયડુનાં હ્રદયમાં પીડા ઉપડી. તેમણે ગંભીરતા બતાવવા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી જે આની તપાસ કરે.

આગળ કહ્યું એમ વહાલા થવા માટે કેટલાક લોકો અતિરેક કરવા લાગે છે અને તે વધારે શંકા પેદા કરે છે. આમાં પવન કલ્યાણ તો અભિનેતા! તેમને બધી જ જાણ હોવા છતાં પૂરા બે મહિના પછી ઓતાર આવ્યો. અને ઓતાર એટલે કેવો ઓતાર! ભગવા પહેરી લીધાં, કપાળે તિલક લગાવ્યું, ગળામાં ભગવો ઘમછો બાંધ્યો અને એ પછી એ માણસ જે ધૂણ્યો છે કે ભૂવા પણ તેની સામે હાર કબૂલી લે. અતિરેક કરવામાં તેને એ ભાન ન રહ્યું કે તે એ એક પબ્લિક ફિગર છે અને એમાં પણ ફિલ્મ અભિનેતા, જેની ઝીણામાં ઝીણી વિગતો જાણવામાં લોકોને ઉત્સુકતા હોય છે. પવન કલ્યાણ એક જામનામાં ક્રાંતિકારી હતા. નક્સલ આંદોલનના સમર્થક હતા. બુલંદ અવાજે લોહિયાળ ક્રાંતિનાં ગીતો ગાતા. તેઓ પોતાને ડૉ આંબેડકરના અનુયાયી તરીકે ઓળખાવતા. તેમણે હિંદુ ધર્મની ભરપૂર નિંદા કરી છે અને બ્રાહ્મણોને ગાળો દીધી છે. પોતે નાસ્તિક હોવાનું પણ કહ્યું છે. આપણે ભલે આ જાણતા ન હોઈએ, પણ તેલગુ ભાષીકો આ જાણે છે. તેમને આ નવો અવતાર જોઇને આશ્ચર્ય થયું હતું અને ભવાઈના ખેલને હસી કાઢ્યો હતો. આ સિવાય ગોદી મીડિયા અને સાયબર સેલે ઉપાડો લીધો હતો. ઘી સપ્લાય કરનાર કંપની મુસલમાનની માલિકીની છે એવું શોધી કાઢવામાં આવ્યું હતું, પણ માત્ર ચોવીસ કલાકમાં ફેક્ટચેકરોએ જૂઠાણું પકડી પાડ્યું હતું. એ જ નામની એક કંપની પાકિસ્તાનની હતી. આ બાજુ દેવસ્થાનમ્‌ના સંચાલકોએ નિવેદન બહાર પાડીને જાહેર જનતાને ખાતરી કરાવી કે એ ઘી વાપરવામાં જ નહોતું આવ્યું.

ફૂગો ફૂલ્યો નહીં, ઊલટો ફૂટી ગયો. ઉપરથી સોમવારે સર્વોચ્ચ અદાલતે ફિટકાર વરસાવ્યો. ચંદ્રાબાબુ નાયડુ અને બીજાઓને કહ્યું કે તમે ભગવાનને પણ છોડતા નથી! કોણે કહ્યું કે ઘીમાં પ્રાણીની ચરબી હતી? એક તો પ્રમાણ બતાવો? કોણે કહ્યું કે એ ઘી વાપરવામાં આવ્યું હતું? તપાસ કરવા માટે એસ.આઈ.ટી.ની રચના કરી હતી તો તેના અહેવાલ સુધી રાહ કેમ ન જોઈ?

મૂળ વાત પર પાછા ફરીએ. આગળ કહ્યું એમ જૂઠનું તંત્ર ઊઘાડું થઈ જાય પછી એ ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે. હરિયાણામાં તિરુપતિની કોઈ વાત નથી કરતું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 06 ઑક્ટોબર 2024

Loading

સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારો

સોનલ પરીખ|Opinion - Opinion|6 October 2024

બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી. જિંદગીનાં સુંદર રહસ્યો પછી બાળક વિકૃત રીતે જાણે છે. પોતાના કે અન્યના શરીરનો આદર કરતાં શીખતા નથી. સંતાનને મિત્ર બનાવીએ અને તેના મિત્ર બની શકીએ તો ખાનાખરાબી ઓછી થાય. ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’નું એક લક્ષ્ય સેક્સ એજ્યુકેશન અને પ્રજનન આરોગ્ય પણ છે

સોનલ પરીખ

ફરી એક વાર વિશ્વ જનસંખ્યા દિન આવ્યો ને ગયો. 1987માં વિશ્વની વસ્તી 5 અબજ થઈ ત્યારે થોડા ડર સાથે ફાઇવ બિલિયન ડે ઉજવાયો હતો. બે વર્ષ પછી ચેતવણીના સૂર સાથે વર્લ્ડ પોપ્યુલેશન ડે એટલે કે વિશ્વ જનસંખ્યા દિનની ઊજવણી શરૂ થઈ. આજે વિશ્વની વસ્તી 8.2 અબજ થઈ છે. આઝાદી મળી એ વખતે 34 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં 2022ની વસ્તીગણતરી મુજબ 144 કરોડ લોકો થયા છે. 2050માં વિશ્વની વસ્તી 10 અબજ હશે અને તેમાં ભારતના 166 કરોડ લોકો હશે. આ આંકડા ચોંકાવનારા છે. સ્રોતોનો આડેધડ વપરાશ, આબોહવામાં ખતરનાક ફેરફારો અને વધતી ગુનાખોરી જેવાં મોટાં દૂષણો આની પાછળ ડોકાય છે.

એક મત એવો છે કે સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારાને સીધો સંબધ છે. સેક્સ એજ્યુકેશન અને સેક્સ ક્રાઇમ વચ્ચે પણ સીધો સંબધ છે. વિશ્વ જનસંખ્યા દિનની વિવિધ થીમ સમાનતા, સેક્સ એજ્યુકેશન, પ્રજનન આરોગ્ય, વસ્તીના વધારા સાથે વસ્તીના અજ્ઞાન અને અનારોગ્યને પણ તાકે છે. લાખો સગર્ભા સ્ત્રીઓ કુપોષણનો શિકાર છે. દોઢ કરોડ સ્ત્રીઓ 15થી 18 વર્ષની ઉંમરે મા બને છે. રોજની 800 સ્ત્રીઓ પ્રસૂતિને લીધે મૃત્યુ પામે છે. પરિવાર આયોજન, જાતીય શિક્ષણ, માનવ અધિકાર, પ્રજનન આરોગ્ય, બાળઉછેર, સ્ત્રીપુરુષ સમાનતા, બાળલગ્નો, ગર્ભનિરોધકોનો ઉપયોગ, જાતીય રોગો વગેરે વિષે જાગૃત થવું એ વિશ્વ જનસંખ્યા દિનનો હેતુ છે.

જો યોગ્ય સેક્સ એજ્યુકેશન અપાય તો આમાંના ઘણા પ્રશ્નો આપમેળે ઊકલી જાય. તેની અનિવાર્યતાને બધા સમજે છે, પણ એના વિષે ખૂલીને, વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વાત કરવા માબાપો કે શિક્ષકો કોઈ તૈયાર નથી. બીજી બાજુ કિશોરો અને તરુણોના હાથમાં એક ક્લિકે ખૂલી જાય તેવો વિકૃતિઓનો ખજાનો છે. ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા સવાચાર કરોડ છે એટલે કે નજીકના ભવિષ્યના સવાચાર કરોડ કુટુંબો. શરીરસંબંધો વિષેના આડેધડ આચારવિચાર એમને ક્યાં લઇ જશે?

વિચાર કરવા પ્રેરે એવી બે ફિલ્મો યાદ આવે છે. એક તો છે મરાઠી ‘બાલક-પાલક’ અને બીજી ‘ઓએમજી-2’

અવિનાશ, ડોલી, ભાગ્યેશ અને ચિઉ. મુંબઈની એક ચાલીમાં સાથે રમતાં અને એક જ શાળામાં એક જ વર્ગમાં ભણતાં આ બારતેર વર્ષનાં તોફાની બારકસોએ એક વાર વડીલોને મોઢે ચાલીની છોકરીએ ‘મોં કાળું કર્યું’ એવું સાંભળ્યું. વડીલોએ સરખા જવાબ ન આપ્યા એટલે એના અર્થની શોધ એમને ચાલીના જ ભણવામાં ઢ પણ બીજી બાબતોમાં ‘જ્ઞાની’ વિશુ પાસે લઇ ગઈ. વિશુએ એમને શરીરસંબંધો વિષે કહ્યું અને બ્લ્યૂ ફિલ્મ પણ બતાવી. ફિલ્મ બેત્રણ મિનિટની જ હતી ને તેમાં અધકચરાપણું ને વિકૃતિ સિવાય કઈં ન હતું. પણ આ ચારે સામે એક અજાયબ વિશ્વ ખૂલી ગયું. એક તરફ એ જોવા માટે એકાંત મેળવવાની ને છૂપું રાખવાની મુશ્કેલી અને બીજી તરફ મન પર કબજો કરી બેઠેલું અદમ્ય આકર્ષણ ને કુતૂહલ – આ બંને એમની પાસે જે ધમાલ, કારસ્તાન, ગોટાળા અને છબરડા કરાવે છે તે પ્રેક્ષકોને હસાવે તો છે, પણ હસતાંકૂદતાં તોફાનમસ્ત બાળકો નાની ઉંમરે નિર્દોષતા ગુમાવી અકાળે પુખ્ત થઈ જાય છે તેની કરુણતા પણ પ્રેક્ષકોને સ્પર્શે છે. બાળકોને પોતાને પણ ખ્યાલ આવે છે કે જે જાણતાં નહોતાં તે ખોટી રીતે જાણવા ગયાં તો બાળપણ, નિર્દોષતા અને મસ્તી ખોઈ બેઠાં. એ કદી પાછાં નહીં આવે. આ હતી ‘બાલકપાલક’ની કથા.

‘બાલક-પાલક’ 2013ની ફિલ્મ હતી અને ‘ઓએમજી-2’ 2023ની. એક દાયકામાં એક સાદી જેટલું પરિવર્તન આવી જાય એવા ઝડપી યુગમાં આપણે જીવીએ છીએ, પણ સેક્સ એજ્યુકેશનના મામલામાં બધું જ્યાં હતું ત્યાં જ છે. ‘ઓએમજી-2’માં એક છોકરો વિવેક સ્કૂલમાં બેભાન થઈ જાય છે. કારણ? રાતભર કરેલું હસ્તમૈથુન. તેણે કેમ એવું કર્યું? ‘સાઇઝ’ વધારવા. સ્કૂલના રેસ્ટરૂમમાં હસ્તમૈથુન કરતા વિવેકનો વીડિયો વાઇરલ થાય છે ને ઘર-પાડોશીઓ-શિક્ષકો સુધી પહોંચે છે. સ્કૂલ વિવેકને કાઢી મૂકે છે. ગામ છોડવા તૈયાર થયેલા શિવભક્ત પિતા સામે શિવનો દૂત આવે છે અને કહે છે કે અપરાધી વિવેક નથી. અપરાધી તો એની સ્કૂલ છે, જે સેક્સ એજ્યુકેશન આપતી નથી. પિતા કેસ ફાઇલ કરે છે અને સ્કૂલને અને પિતા તરીકે પોતાને દોષી સાબિત કરે છે. વિષય અત્યંત સંવેદનશીલ છે, પણ હાસ્યને મધ્યમ બનાવીને સરળ રીતે છતાં અસરકારકતાથી છેડાયો છે. તરુણ સંતાનનાં માતાપિતાની મૂંઝવણ અને નવી બાબતોને જાણવાની અને એનો અનુભવ લેવાની તરુણ માનસની જીદ આ બંને સમસ્યાઓ દરેક કુટુંબની છે.

આપણા દેશની સ્થિતિ એવી છે કે એક તરફ અસ્તિત્વ ટકાવવાની મુશ્કેલી છે, બીજી તરફ કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી એ મુશ્કેલીમાં વધારો કરે છે, ત્રીજી તરફ રિપ્રોડક્ટિવ હેલ્થ અંગેનું હળાહળ અજ્ઞાન પ્રવર્તે છે. પરિણામે કિશોરવસ્થામાં જાતીય હિંસાનો ભોગ બનતી દર ત્રણમાંની એક કિશોરી, નાની ઉંમરે લગ્ન ને કુપોષિત સગર્ભાવસ્થા. ભારતમાં દર વર્ષે પોણાબે લાખ કિશોરો યુવાનીમાં પ્રવેશે છે. આમાંના 30 ટકા લગભગ અભણ છે. 50 ટકાએ રિપ્રોડક્ટિવ હેલ્થ જેવો શબ્દ સાંભળ્યો નથી. શિક્ષિત કિશોરો પણ હેરાન છે કેમ કે સેક્સ એજ્યુકેશન આજે પણ ભડકામણો અને પ્રતિબંધિત શબ્દ છે. શરીરમાં થતાં અજબ પરિવર્તનો હેરાન કરે છે. ઘરમાં કે શાળામાં વાત થઈ શકતી નથી. મિત્રો સમજ-અણસમજમાં ગોથાં ખાય છે. નઠારી માહિતીઓ ગોટાળે ચડાવે છે. ઈન્ટરનેટ નામની જાદુઇ ચાવી હાથવગી છે. એક જ ક્લિકથી ઢગલો પોર્ન સાઇટો ખૂલે છે. માતાપિતા આધુનિક હોય કે પરંપરાબદ્ધ, એ જ નિષેધોમાં અટવાય છે જે નિષેધોમાં એમનાં માતાપિતા અટવાતાં હતાં.

બંને ફિલ્મોએ એક બોલ્ડ વિષયને બહુ સતર્કતાથી છેડ્યો છે અને હસતાંરમતાં વાતની ગંભીરતા સમજાવી છે. ‘બાલક-પાલક’ની શરૂઆતમાં એક બારેક વર્ષના છોકરાના રૂમમાંથી નગ્ન તસવીરો મળે છે ત્યારે તેનો પિતા તેના પર હાથ ઉપાડે છે, ‘તને સગવડ આપવા ને સારું ભણાવવા અમે આટલું કરીએ છીએ અને તું આવું બધુ જુએ છે?’ ફિલ્મના અંતે આ છોકરાના પિતા એની માતાને કહે છે કે બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી.’ ફિલ્મના અંતે એક કાકા બહુ દુ:ખ સાથે કહે છે કે બાળકોએ જિંદગીનું કેટલું સુંદર રહસ્ય કેટલી વિકૃત રીતે જાણ્યું! માબાપને મિત્રો બનાવી શકાયા હોત તો આવી ખાનાખરાબી ન થાત.

મારી મિત્ર સીમા કહે છે, ‘મેં મારાં સંતાનોને કહ્યું છે કે મા-છોકરાં તો એક જ કહેવાય. કોઈ વાત ખરાબ છે, ન પુછાય એવું ન વિચારવું. પૂછી લેવું. કહેવા જેવું હશે તો હું કહીશ. પણ જો હું રાહ જોવાનું કહું તો તમારે રાહ જોવાની પણ આડાઅવળા ખાંખાખોળા નહીં કરવાનાં. સમય આવશે ત્યારે તમારે જાણવા જેવું મારી મળે કહીશ, ચોક્કસ કહીશ. ત્યાં સુધી ભણવાનું ને મઝા કરવાની.’

હૃદય પર હાથ મૂકીને એક ખાતરી કરી લેવા જેવી છે, આપણે આપણા સંતાનના મિત્ર છીએ ને?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 જુલાઈ  2024

Loading

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષઃ વિરોધી અને સમાવેશી દેશો વચ્ચે રસાકસી અને વૈશ્વિક રાજકારણનો અઘરો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 October 2024

ઇરાન માટે ઈઝરાયલને બતાડી દેવું એક જ ધ્યેય છે જ્યારે ઈઝરાયલને વૈશ્વિક સ્તરે સંબંધો સુધારી વિકાસ કરવો છે પણ ઈરાનના પ્રતિનિધિ આતંકી જૂથોની દાદાગીરી પણ નથી ચલાવવી

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે ઇઝરાયલ પર ઈરાને 180થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહના લીડર્સનો ખાત્મો બોલાવ્યો તેના જવાબમાં ઈરાને આ હુમલો કર્યો. તહેરાન, ઈરાનની રાજધાનીના, આ હિંસક પ્રત્યાઘાતથી ઘણાં લોકો ચોંકી પણ ગયા. આ તરફ ઇઝરાયલનો ચોખ્ખો હિસાબ છે, જે અમારી પર હુમલો કરશે, અમે તેમની પર હુમલો કરીશું. અત્યારે મધ્ય પૂર્વ પ્રદેશોમાં એટલો બધો તણાવ છે કે એક છમકલું થશે અને યુદ્ધના પડઘમ વાગવા માંડશે. આમ પણ ત્યાં પ્રાદેશિક યુદ્ધ છેડાઇ જ ગયું છે.

ઇઝરાયલના બચાવી હુમલા

ઇઝરાયલ અને લેબનાનના આતંકી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે લાંબો સમયથી સંઘર્ષ ચાલે છે. હિઝબુલ્લાને તહેરાન, ઈરાનનો ટેકો છે. ઈરાન, ઇઝરાયલ, હમાસ, હિઝબુલ્લાહ અને હૌથીઝ – આ બધું એકબીજા સાથે બહુ જટિલ રીતે સંકળાયેલું છે. ઇઝરાયલમાં વિશ્વના સૌથી વધુ યહૂદીઓ – જ્યૂઝ વસે છે. ઇઝરાયલની સરહદ પરના જે દેશો છે તેની સાથે ઇઝરાયલને બહુ બનતું નથી, વળી જેરુસલામ અને વેસ્ટ બેન્કના હિસ્સાઓ, ઇઝરાયલે અરાજકતા ફેલાવીને કબજામાં લીધા છે – અહીં પેલેસ્ટીની આરબો વસે છે. ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો તેને પણ લગભગ એક વર્ષ થવા આવ્યું અને લેબનાન સાથે યુદ્ધ વિરામની વાતચીત ચાલુ હતી ત્યાં ઇઝરાયલે ક્લસ્ટર બોમ્બ ઝીંકીને લેબનાનમાં હિઝબુલ્લાહના વડા મથકનો ખાત્મો બોલાવી દીધો. ઈરાન અને ઇઝરાયલ બને ત્યાં સુધી એક બીજા પર સીધો હુમલો કરવાનું ટાળતા આવ્યા છે પણ હવે સંજોગો બદલાઇ ગયા છે. ઇઝરાયલે પેજર અને વૉકીટૉકીમાં ધડાકા કર્યા, 37ના મોત થયા અને હિઝબુલ્લાહે જવાબ વાળ્યો.

ઈરાનના વતી લડતા હિઝબુલ્લાહ, હૌથીઝ, હમાસ

હિઝબુલ્લાહ લેબનાનનું સૌથી શક્તિશાળી સશસ્ત્ર આતંકવાદી જૂથ છે અને તે ઈરાનનું ટેકેદાર છે, તેના જે હમાસ જેવા પેલેસ્ટીની જૂથને ટેકો આપે છે. વળી ઈરાનના પ્રોક્સિમાં યમનના હૌથીઝ પણ છે. ટૂંકમાં હૌથીઝ, હિઝબુલ્લાહ અને હમાસ – ત્રણેય ઈરાનના ટેકેદાર – તેની અવેજીમાં અથવા તેના વત્તી લડી લે એવા આતંકી જૂથ – ઈરાનના પ્રતિનિધિઓ (પ્રોક્સીઝ) છે. હમાસે ઇઝરાયલમાં ગયા વર્ષે હુમલા કર્યા અને ઇઝરાયલે તેનો જવાબ વાળવાનું શરૂ કર્યું. મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયલ અને મેડિટરેનિયન સમુદ્ર અને ઇજિપ્તની વચ્ચે સેન્ડવીચ થયેલી ગાઝા પટ્ટી જ બધા સંઘર્ષનું મૂળ છે. હમાસ, 2006ની પેલેસ્ટીનની ચૂંટણી જીત્યા બાદ ગાઝા પટ્ટી પર શાસન કરે છે અને યુનાઇટેડ કિંગ્ડમ સહિતના ઘણા દેશોએ હમાસને આતંકી જૂથ જ ગણાવ્યું છે. ગાઝા પટ્ટી પર રહેતા પેલેસ્ટીનીઓનો ઇઝરાયલ સાથે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો આવ્યો છે. ઇઝરાયલે જ્યારે જ્યારે હુમલા કર્યા છે ત્યારે આતંકી જૂથોને ટાર્ગેટ કર્યા છે અને એ બધા ઈરાનના ટેકેદાર હોવાથી તેઓ પોતાની રીતે સામે જવાબ વાળતા રહે છે. જેમ કે યમનના હૌથીઓએ રાતા સમુદ્રમાં શિપિંગ પર હુમલા કર્યા અને કહ્યું કે તેઓ ઇઝરાયલ અને તેને ટેકો આપનારા પશ્ચિમી દેશો પર દબાણ લાવવા માગે છે.

ચીન, રશિયા, યુ.એસ. અને ઇરાન–ઇઝરાયલ સંઘર્ષ

ઈરાનના હુમલાઓ માત્ર ઇઝરાયલ નહીં પણ તેના પશ્ચિમી ટેકેદારો સાથેના સંઘર્ષની શક્યતાઓ પણ ખોલી નાખે છે. ઈરાન અને તેને ટેકેદારોને રશિયા અને ચીનનો ટેકો છે તો ઇઝરાયલને યુ.એસ.નો ટેકો છે. મોસ્કોએ ઈરાનને ફાઇટર જેટ્સ મોકલવાનું વચન આપ્યું છે કે તો ઇઝરાયલને અમેરિકાએ લશ્કરી અને રાજદ્વારી ટેકો પૂરો પાડ્યો છે. મોસ્કોએ યુક્રેઇન પર જે હુમલો કર્યો તેમાં ઇરાની શસ્ત્રો ખરીદાયા અને આમ ઈરાનને આર્થિક ટેકો મળ્યો.

ઇઝરાયલે અત્યારે એક કરતાં વધુ મોરચે લડે છે – ગાઝામાં સંઘર્ષ ચાલુ છે, ઇરાની શસ્ત્રો અને લોકલ આતંકીઓના ટેકાથી વેસ્ટ બેંકમાં થઇ રહેલા આતંકી હુમલાઓને નાથવા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ કામે લાગેલી છે. ઈરાનના બીજા પ્રોક્સી જૂથો – શિયા આતંકીઓ ઇરાક અને સીરિયામાં તો હૌથીઓ યમનમાં ઇઝરાયલ પર હુમલા કરી રહ્યા છે જ્યાં યુ.એસ.ના ટેકાથી ઇઝરાયલે જવાબ આપ્યો છે.

ઈરાને લીધેલું જોખમ અને લેબનાની લોકો

આ તમામમાં ગાઝા, લેબનાનમાં જે થઇ રહ્યું છે તે અગત્યનું છે, ગયા વર્ષે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને 200 ઇઝરાયલીઓનું અપહરણ કરીને હિઝબુલ્લાહની સાથે મળીને ઇઝરાયલને રંજાડ્યું. ઇઝરાયલે તેનો જવાબ આપ્યો છે. હવે જ્યારે ઈરાને હુમલો કર્યો છે ત્યારે ઇઝરાયલ તેનો જવાબ કેવી રીતે આપશે એ જોવું રહ્યું. ઈરાને પોતાના શાસક – જે પ્રમુખ નથી પણ ઉચ્ચ નેતા છે એવા આયાતોલ્લાહ ખોમાનીને સલામત સ્થળે ખસેડી દીધા છે કારણ કે તેમની હત્યા થશે તો ઈરાનમાં અંદરોઅંદર જ ભારે અફરાતફરી મચી જશે. ઈરાન હુમલા કરે છે પણ તેને ડર છે કે ઇઝરાયલ ચાહે તો યુ.એસ. સાથે મળીને ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, આર્થિક સંસ્થાનો, ન્યુક્લિઅર તંત્ર અને તેલના ભંડારોને નિશાને લેશે તો તેમનું આવી બનશે. ઈરાનને આ ચિંતા છે તો ઇઝરાયલ માટે એકથી વધુ મોરચા ખૂલી ગયા હોવાનું દબાણ છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નાસરઅલ્લાહને પતાવી દીધો એમાં ઈરાનનો દબદબો ઘટ્યો અને લેબનાન અને આરબ વર્લ્ડના લોકો આનાથી ખુશ છે કારણ કે હિઝબુલ્લાહે લેબનાનમાં અસ્થિરતા ફેલાવી હતી, હવે લેબનાનનો જે હિસ્સો હિઝબુલ્લાહના કબ્જામાં છે તેને ત્યાંનું સૈન્ય પોતાના તાબામાં લઇને શાંતિ સ્થાપી શકે. તેઓ ગાઝા જેવું લેબનાનમાં થાય તે નથી ઇચ્છતા.

વૈશ્વિક પરિપ્રેક્ષ્ય – સમાવેશી અને વિરોધી જૂથ

ખરેખર તો યુક્રેન, ગાઝા અને લેબેનનની સ્થિતિને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી જરૂરી છે. યુક્રેનને રશિયાની કક્ષામાંથી છૂટીને યુરોપિયન યુનિયનમાં જવું હતું. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ મધ્ય પૂર્વમાં સંબંધો સારા કરીને તેમનો મોટા મંચ પર, વૈશ્વિક સ્તરે સ્વીકાર થાય તે દિશામાં કામ કરતા હતા. રશિયા નહોતું ઇચ્છતું કે યુક્રેઇન NATOનો – પશ્ચિમી જૂથનો હિસ્સો બને તો ઇઝરાયલ સાઉદી અરેબિયા સાથે સંબંધ સુધારે એવું ઈરાન, હમાસ અને હિઝબુલ્લાહ નહોતા ઇચ્છતા. યુક્રેઇન યુરોપમાં જોડાય તો રશિયા એકલું પડે અને ઇઝરાયલ સાઉદી સાથે સારાસારી કરી લે તો ઈરાન હાંસિયામાં ધકેલાઇ જાય. વૈશ્વિક રાજકારણમાં બે ભાગલા છે, એક છે કોએલિશન ઑફ ઇન્ક્લુઝન –એટલે કે યુ.એસ. સાથે આર્થિક વિકાસ અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો માટે જોડાવા માગતા દેશો. બીજી માનસિકતા છે કોએલિશન ઑફ રેઝિસ્ટન્સ – જેના સુકાની છે રશિયા, ઈરાન, નોર્થ કોરિયા જે યુ.એસ.ના સંગઠનનો વિરોધ કરે છે, સરમુખત્યાર શાહીને ટેકો આપે છે અને સૈન્યની તાકતને ન્યાયી ગણે છે. ચીન આ બન્ને વચ્ચે ભેરવાયો છે કારણ કે આર્થિક રીતે તે ઇન્ક્લુઝન – સમાવેશ વાળા જૂથ સાથે છે પણ સરમુખત્યાર મૂલ્યોને મામલે તે રેઝિસ્ટન્સ – વિરોધના જૂથ તરફી છે. નેતન્યાહુએ સમાવેશ અને વિરોધી જૂથ વચ્ચેની ખાઇ દર્શાવીને, ઈરાન અને તેના આતંકી સાથી પ્રતિનિધિ (પ્રોક્સી) જૂથો જ બધી સમસ્યાઓનું મૂળ છે એમ કહેવાનો પ્રયાસ પણ કર્યો. જો ઇઝરાયલી અને પેલેસ્ટીની સંઘર્ષ વાટાઘાટથી ઉકેલાઇ જાય તો ઈરાન અને વિરોધી જૂથો ઓર નબળા પડે. આ તરફ  હિઝબુલ્લાહના ખાત્માને પોતાની સફળતા ગણી નેતન્યાહુ પેલિસ્ટીનીઓ સાથે શાંતિ માટે વાટાઘાટ કરે તો ઇઝરાયલના જમણેરી ટેકેદારોને વાકું પડે એ ચોક્કસ પણ રશિયા, ઈરાન, હમાસ, હિઝબુલ્લાહને ચોક્કસ ફટકો પડે.

ઈરાનમાં આંતરિક મતભેદ

ઈરાન માટે ઇઝરાયલ સામે લડવું તેની રાજકીય ઓળખ છે, યુ.એસ. અને ઇઝરાયલનો વિરોધ ઈરાનના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. ઈરાન પર ધર્મગુરુઓ અને સૈન્યની મિલી ભગતનું શાસન છે. ત્યાંના સામાન્ય માણસોને આ તાયફાઓમાં રસ નથી, તેમને લોકશાહી અને વિકાસ જોઇએ છે. ત્યાંના લોકો બની બેઠેલા ઠેકેદારોના યુ.એસ. વિરોધી વલણને પડકારે છે. પણ એ માટે પ્રતિનિધિ આતંકી જુથોને કાબૂમાં લેવા જરૂરી છે જે સૈન્ય-ધર્મનું શાસન નહીં થવા દે. ઈરાને આ મિસાઇલ્સનો હુમલો ન કર્યો હોત તો વિરોધની ધરી – એક્સિસ ઑફ રેઝિસ્ટન્સમાં તેને કોઇ ગણકારત નહીં. ઈરાનના નવા પ્રમુખ માસુદ પેઝશ્કિયનને પશ્ચિમ સાથે સંબંધો સુધારવા છે પણ આંતરીક પ્રાદેશિક સંઘર્ષ, ઇઝરાયલ – હમાસ યુદ્ધમાં ઈરાનનું જોડાઇ જવું આમ થવા નથી દેતું. આ તરફ ઈરાન હવે ઇઝરાયલ સાથે લડી લેશે એમ બતાડે છે અને જો એમ થયું તો તે યુ.એસ.ના નેવલ એસેટ્સને નિશાને લેશે જેની અસર વ્યાપાર અને સલામતી પર પડશે તે પણ વૈશ્વિક સ્તરે. ઇઝરાયલ ઈરાનના હુમલાનો કચકચાવીને જવાબ વાળશે જ એ ઈરાન જાણે છે. આ તરફ ઇઝરાયલનો એજન્ડા છે કે યુ.એસ.માં સરકાર બદલાય એ પહેલાં આ યુદ્ધ અડધે પહોંચી જાય તો સારું કારણ કે જે સરકાર આવશે એ પ્રમાણે ઇઝરાયલે વલણ બદલવું પડશે. વળી યુ.એસ.માં સરકાર બદલાશે તેના આધારે પુતિનની આગલી ચાલ નક્કી થશે.

ઇઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસને નબળા પાડ્યા હોવાથી તે પૂરી રીતે લડી લેવાના ઝોનમાં છે પણ હિઝબુલ્લાહ પોતાનું જોર બતાડવા પ્રયાસ કરે એવી વકી છે. આવામાં ઈરાન અને ઇઝરાયલ બન્નેએ વાટાઘાટોની શક્યતા પાંખી રાખી છે, યુ.એસ.નું યોગદાન શાંતિ સ્થાપવા માટે અગત્યનું સાબિત થઇ શકે છે.

બાય ધી વેઃ  

આ બધાંની વચ્ચે આપણે, ભારતે તલવારની ધારે ચાલવાનું છે. આતંકી જૂથો પર ઇઝરાયલ હુમલો કરે તો ભારતને કંઇ ફેર નથી પડતો એ સ્પષ્ટ છે છતાં પણ પેલેસ્ટીન અને ઇઝરાયલ સાથે સંતુલિત સંબંધો રાખવા પણ જરૂરી છે. ઈરાને ઇઝરાયલ અને હિઝબુલ્લાહના ઝગડામાં સીધું ઝંપલાવ્યું છે એટલે ભારત માટે રાજદ્વારી પડકારો ખડા થયા છે. પશ્ચિમ એશિયામાં 9 મિલિયન ભારતીયો રહે છે અને તેમની સલામતીની જવાબદારી તો ભારત સરકારે લેવી જ પડે. પૂર્વ એશિયા પર ભારતનો તેલ અને ગેસ માટે આધાર છે પણ આ સંઘર્ષને પગલે જો એ પુરવઠો મેળવવામાં ઘોંચ પડી તો ભારતને ઊર્જા સલામતીના પ્રશ્નો થશે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી જશે. પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા આતંકી હુમલાઓમાં ભારત પહેલાં પણ વગર વાંકે સંડોવાયું છે, જેમ કે 2012માં ઇઝરાયલી ડિપ્લોમેટનાં પત્ની પર દિલ્હીમાં હુમલો થયો હતો. આવું ફરી ન થાય તેની કાળજી ભારતે રાખવી જ રહી. અત્યારે તો ભારતે કોઇ પ્રતિક્રિયા આપી નથી પણ ભૂતકાળમાં વધતા તણાવ અને હિંસાને ડામવા પગલાં લેવા જોઇએ એમ કહ્યું છે. અત્યારે ભારત કઇ રીતે વાટાઘાટ કરીને બન્ને બાજુ સંબંધ સાચવી શકે છે તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2024

Loading

...102030...616617618619...630640650...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved